ધ ઊટી – નવલકથા અંતિમ ભાગ ખરેખર એક અદ્ભૂત નવલકથાનો અદ્ભૂત અંત, અંત ચુકતા નહિ…

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

(અખિલેશ, અને તેની બહેનનાં લગ્ન મુંબઈની આલીશાન એવી મરીન પ્લાઝા હોટલમાં એરેન્જ કરવામાં આવે છે, તે દિવસે હોટલ મરીન પ્લાઝા એટલી આલીશાન લાગી રહી હતી કે ચન્દ્રની શોભને પણ ઝાંખી પાડી રહી હોય તેવું લાગી રહ્યું હતું, હોટલનાં હોલને ખુબ જ સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવે છે, ત્યારબાદ અખિલેશ અને વિશ્વા, સોનલ અને નિશાંત, અને સાથે સોળે શલગારે સજીને એક કન્યા પણ આવે છે, જે વાસ્તવમાં સાક્ષી હોય છે, અખિલેશ અને સાક્ષી ડૉ. અભયને સરપ્રાઈઝ આપવાં માંગતા હતાં, જેનું ઘણાં સમય અગાવ જ પ્લાનીંગ થઈ ગયેલ હતું, ત્યારબાદ ખુબ જ ધામ- ધૂમથી આ મેરેજ સંપન્ન કરવામાં આવે છે, અને સૌ મહેમાનો વિદાય લઈને પોત પોતાના ઘરે જવાં માટે રવાનાં થાય છે, અને સોનલ તેના પતિ નિશાંત સાથે જવાં માટે રવાનાં થાય છે, જ્યારે અખિલેશ વિશ્વા સાથે તેનાં માતા વર્ષાબેનને કાયમિક માટે પોતાના નવાં ઘરે લઇ જાય છે ..)

ધીમે – ધીમે દિવસો, અઠવાડિયા, મહિનાઓ વીતવા લાગ્યાં, અખિલેશની લાઈફ પાછી પહેલાંની માફક જ સેટ થઈ ગઈ, સાથે તેને વિશ્વાનો સાથ કાયમિક માટે મળી ગયો, જે દર્શાવી રહ્યો હતો કે જો તમારો પ્રેમ સાચો હોય તો પછી તે તમને મળે જ છે, કદાચ થોડોક સમય વધારે લાગે, કઠિન મુશ્કેલીઓ આવે, પરંતુ અંતમાં તમને તમારો સાચો પ્રેમ મળીને જ રહે છે, આમ અખિલેશ એક સાચા પ્રેમી, કે સાચા પતિ બનવામાં સફળ રહ્યો હતો, સાથે સાથે અખિલેશે પોતાની બહેન સોનલનાં લગ્ન નિશાંત સાથે કરાવીને એક સફળ ભાઈ તરીકે પણ ખરો ઉતરેલો હતો,

ડૉ. રાજનનાં સાક્ષી સાથે લગ્ન કરાવડાવીને એક સારા મિત્ર તરીકેની ફરજ પણ સફળતા પૂર્વક નિભાવી જાણી હતી, અને છેલ્લે અખિલેશ પોતાના માતાં વર્ષાબેનને કાયમિક સાથે પોતાનાં નવાં ઘરે લઈ ગયો, જે દર્શાવી રહ્યું હતું કે અખિલેશ એક સુપુત્ર તરીકેની ફરજ ચુકવવામાં પણ પાર ઉતર્યો હતો….બાકી સાહેબ આજ કાલનાં સંતાનોને 10,000 રૂપિયાની કોઈકની ભલામણથી માંડ નોકરી મળી હોય, તેમ છતાં જાણે પોતે કોઈ અમીર વ્યક્તિ હોય તેવું અનુભવવા લાગે છે, અને પોતાનાં વૃધ્ધ માં – બાપને શહેરનાં વૃધ્ધાશ્રમમાં મૂકી આવે છે,

અને દર મહિને બે – પાંચ હજાર રૂપિયા વૃધ્ધાશ્રમ મોકલી આપે છે, અને પોતાની જાત પર એક સારો દીકરો હોવાનું ફોગટ ગર્વ અનુભવે છે. આ જોઈ વર્ષાબેનને પણ અખિલેશની માતા બનાવવાનું સૌભાગ્ય આપવાં બદલ ભગવાનનો હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર માને છે. ત્યારબાદ અખિલેશ પોતાની પત્ની વિશ્વા અને તેમની માતા વર્ષાબેન સાથે રાજીખુશીથી રહેવા લાગે છે. ધીમે – ધીમે દિવસો વીતવા લાગ્યાં.

અખિલેશ અને વિશ્વાનાં લગ્નનાં દોઢ વર્ષ બાદ.

સ્થળ – સ્પંદન મેટરનીટી હોમ

સમય – રાત્રીનાં બાર કલાક.

અખિલેશ અને તેની માતાં વર્ષાબેન લેબરરૂમ (ડિલિવરી માટેનો રૂમ) ની બહાર બાંકડા પર બેસેલ હતાં, અખિલેશ ચિંતાતુર થઈને લેબર રૂમની બહાર આંટા મારી રહ્યો હતો, તેનાં મનમાં હાલ ઘણાં બધાં પ્રશ્નો તેને સતાવી રહ્યાં હતાં….જેવાં કે શું વિશ્વાની નોર્મલ ડિલિવરી થશે….કે પછી સિઝેરિયન કરવાની જરૂર પડશે…? શું વિશ્વા આ ડિલિવરી માટેનું દર્દ કે પીડા સહન કરી શકશે….? શું પોતાનાં ઘરે આવનાર મહેમાન બેબી હશે કે બાબો…? શું વિશ્વાને ડિલિવરી વખતે કોઈ કોમ્પ્લિકેશન તો નહીં થશે ને…? શું વિશ્વાની તબિયત પર તો કોઈ અસર નહીં થશે ને….?

જ્યારે આ બાજુ વર્ષાબેન બાંકડા પર બેસીને પોતાનાં પરિવારમાં આવનાર નવાં મહેમાનનુ જાણે ભાવભીનું સ્વાગત કરવાની તૈયારી શરૂ કરી દીધી હોય તેમ બધી નાની – નાની, કોમળ માખણ જેવી આછા દુધિયા રંગની ગોદડિયો ગોઠવી રહ્યાં હતાં, અને આવનાર મહેમાનના નાનાં – નાનાં ગુલાબી રંગના કપડાંઓ વાંરવાર સરખી રીતે ગોઠવી રહ્યાં હતાં….એવામાં અખિલેશનું ધ્યાન વર્ષાબેન પર પડે છે, જે થેલામાંથી ગુલાબી રંગના નાનકડા મોજા બહાર કાઢી રહ્યાં હતાં, જે વર્ષાબેન પોતાની જાતે જ આવનાર મહેમાન માટે બનાવેલાં હતાં….!

આ જોઈ અખિલેશના વિચારોની ટ્રેને જાણે ઝડપ પકડી હોય તેમ અખિલેશ પોતાનાં ભૂતકાળના એક પ્રસંગમાં સરી પડે છે.

એક દિવસ અખિલેશ પોતાનાં ઘરે સવારે નાસ્તો કરવાં માટે ડાઇનિંગ ટેબલ પર બેસેલ હતો, આજે પોતાને કંપનીએ જવામાં થોડું મોડું થઈ ગયું હોવાથી તે ઉતાવળે નાસ્તો કરવાં લાગે છે, એવામાં બાજુમાં રહેલ રૂમમાંથી વર્ષાબેનની ચીસ સંભળાય આથી અખિલેશ ઝડપથી દોડીને વર્ષાબેનનાં રૂમ તરફ જાય છે, વિશ્વાએ પણ આ ચીસ સાંભળી હતી પરંતુ વિશ્વાને સાતમો મહિનો ચાલી રહ્યો હોવાને લીધે ધીમે – ધીમે વર્ષાબેનનાં રૂમ સુધી પહોંચે છે, અખિલેશ અને વિશ્વા જ્યારે વર્ષાબેનનાં રૂમ પર પહોંચીને જે જોવે છે,

એ જોઈને બંનેની આંખો પહોળી થઇ જાય છે, વર્ષાબેન પોતાનાં રૂમમાં રહેલ બેડ પર બેસેલાં હતાં, તેની પાસે અખિલેશનો શર્ટ પડેલ હતો, અને વર્ષાબેનની આંગળીમાંથી લોહી વહી રહ્યું હતું, જે બંધ થાવાનું નામ જ નહોતું લઈ રહ્યું, આથી અખિલેશ દોડીને પોતાના ઘરમાં રાખેલ ફર્સ્ટ એઇડ બોક્ષ લઈને આવે છે, અને વર્ષાબેનની આંગળી પર પટ્ટી લગાવી દે છે….અને અખિલેશ થોડાક સહજ ગુસ્સામાં બોલે છે.

“શું ! મમ્મી ! તમે પણ… તમને કેટલીવાર મેં કહ્યું છે કે તમારે માત્ર આરામ જ કરવાનો છે…તો પછી શાં માટે આવા બધાં કામ કરી રહ્યાં છો….? તમને કંઈ થઈ જશે તો….?” – અખિલેશ થોડાક ગુસ્સા સાથે બોલ્યો. “બેટા ! એ તો તારા ફેવરિટ શર્ટનું બટન નીકળી ગયું હતું, તે હું ટાંકી રહી હતી….જેથી કરીને તું તારો ફેવરિટ શર્ટ ફરીવાર પહેરી શકે…!” – વર્ષાબેન પોતાની પાછળ કંઈક છુપાવતા – છુપાવતાં બોલે છે.

“મમ્મી ! તમે પણ.. હું એક દિવસ મારો ફેવરિટ શર્ટ નહીં પહેરીશ તો મને કોઈ જ ફર્ક નહીં પડે….મારા માટે તમે ઈમ્પોર્ટન્ટ છો… એ શર્ટ નહીં…!” – અખિલેશ હળવાં અવાજે બોલ્યો. “સારું ! બેટા હવેથી ધ્યાન રાખીશ બસ…અને તારે આજે કંપનીએ જવામાં મોડું થઈ ગયું છે તો તું મારી કઈ ચિંતા કર્યા વગર શાંતિથી તારી કંપનીએ જા હવે…!” – વર્ષાબેન બોલ્યાં.

“ઓકે ! મમ્મી ! તો હું જાવ છું…..બાય વિશ્વા…એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ અવર ક્યૂટ બેબી…!” – અખિલેશ હસતાં ચહેરે આવનાર મહેમાનને અનુલક્ષીને વિશ્વા સામે જોઇને બોલે છે.

પછી વિશ્વા અખિલેશને કોલ કરીને જણાવે છે…કે, “અખિલેશ ! આપણને આપણાં બેબી આવવાની જે ઉતાવળ છે તેના કરતાં તો મમ્મીને વધારે ઉતાવળ છે.. તે મને આજે જણાવી રહ્યાં હતાં કે બસ હું માત્ર તમારા દીકરા કે દીકરીને એકવાર મારા હાથે રમાડી લઉ એટલે મારી બધી જ ઈચ્છાઓ પુરી થઈ જાય….ત્યારબાદ મારે ભગવાન પાસેથી બીજું કંઈ જ માંગવાનું બાકી રહેતું નથી….ત્યારબાદ તેણે મને પોતાની જાતે જ ઉનમાંથી આપણાં આવનાર સંતાન માટે એકદમ સુંદર મોજા બનાવેલાં હતાં એ મને બતાવ્યાં…

જે જોઈને હું ખુબ જ ખુશ થઈ ગઈ હતી, કે મમ્મીનાં મનમાં પણ આપણાં આવનાર બેબી માટે ઘણાં સપનાઓ રહેલાં છે….આજે સવારે જ્યારે મમ્મીની આંગળીમાં સોઈ લાગી અને લોહી વહી રહ્યું હતું….ત્યારે ખરેખર મમ્મી તારા શર્ટમાં બટન નહોતા લગાવી રહ્યાં પરંતુ આપણાં આવનાર બેબી માટે ઉનમાંથી સુંદર મોજા બનાવી રહ્યાં હતાં, પરંતુ જ્યારે તું મમ્મીના રૂમમાં પહોંચ્યો ત્યારે મમ્મીએ એ મોજા છુપાવી દીધેલ હતાં.

“તો ! પછી ! મમ્મી મારી સાથે શાં માટે જુઠું બોલ્યાં…?” – અખિલેશ વિશ્વાને પૂછે છે.

“એ તો અખિલેશ તું મમ્મીને બોલીશ કે ઠપકો આપીશ…એ બીક કે ડરને લીધે મમ્મીએ તારા શર્ટમાં બટન ટાંકવાનું ખોટું બહાનું બનાવેલ હતું….!” – આ સાંભળી અખિલેશ પોતાની જાત પર ગર્વ મહેસુસ કરવાં લાગ્યો કારણ કે એક માં ની પોતાનાં સંતાનો પ્રત્યે કેટલી બધી મમતા હોય છે, એ અખિલેશે આજે પોતાની સગી આંખો વડે જોયેલ હતું…

એવામાં અખિલેશનાં કાને એક બુમ સંભળાય છે જે બુમ ડૉ. નિપાબેન જોશીની હતી, જે લેબરરૂમની અંદરથી આવી રહી હતી. “વિશ્વા ! હિંમત રાખ….ઊંડા -ઊંડા શ્વાસ લે….ગભરાઈશ નહીં….થોડુંક વધારે બળ કર….વિશ્વા હજુ વધું જોર કર….!” – ડૉ. નિપાબેન જોશી વિશ્વાને લેબરરૂમમાં આવી સૂચનાઓ આપી રહ્યાં હતાં….. ડો. નિપાબેને લગભગ આવી પાંચ – સાત વાર બુમ પાડી….પછી તેનો અવાજ સંભળાતો બંધ થઈ ગયો.

આ બાજુ ડૉ. નિપાબેનનો અવાજ સંભળાતો બંધ થઈ ગયો, જ્યારે બીજી બાજુ અખિલેશ અને વર્ષાબનના હૃદયનાં ધબકારા વધી ગયાં… મનનાં કોઈ એક ખૂણામાં ડર ઉદ્દભવી રહ્યો હતો…..કે વિશ્વાને કાંઈ થયું તો નહીં હશે..ને..? શું વિશ્વાની ડિલિવરી કરાવવામાં કોઈ કોમ્પ્લિકેશ આવેલ હશે…? આવા પ્રશ્નો અખિલેશ અને વર્ષાબેનનાં મનમાં વારંવાર ઊભાં થઈ રહ્યાં હતાં….એવામાં ડૉ. નિપાબેન લેબર રૂમની બહાર આવે છે અને પોતાના ફેસ પર રહેલ માસ્ક ઉતારતાં અખિલેશ અને વર્ષાબેનની સામે જોઈને બોલે છે.

“સી ! મિ. અખિલેશ એન્ડ વર્ષાબેન…વિશ્વાની નોર્મલ ડિલિવરી થાય તે માટે અમે અમારાથી બનતાં તમામ અથાક પ્રયત્નો કર્યા પરંતુ હાલમાં વિશ્વા ખુબ જ થાકી ગયેલ છે…તે એટલી હદે થાકી ગયેલ છે કે તે પુરેપુરા લેબર પેઈન પણ લઈ શકવા માટે સક્ષમ નથી રહી….જો હવે વધારે રાહ જોવા જઈશું તો બેબીનાં જીવનું તો જોખમ છે જે તે પણ સાથે -સાથે વિશ્વાનાં જીવનું પણ જોખમ રહેલું છે…!” – ડૉ. નિપાબેન હળવાં અને ગંભીર અવાજે બોલ્યાં.

“મેડમ ! તો તમારું શું માનવું છે…હવે શું કરવું જોઈએ…?” – અખિલેશે આંખોમાં આંસુ સાથે ડૉ. નિપાબેનને પૂછ્યું. “જુઓ ! સામાન્ય રીતે આ પ્રકારની પ્રેગ્નન્સીમાં નોર્મલ ડિલિવરી કરી જ શકાય….પરંતુ હાલમાં વિશ્વા અને તેની અંદર રહેલાં બેબીનાં જોખમને ધ્યાનમાં લેતા…વિશ્વાનાં કેસમાં “સિઝેરિયન સેક્શન ઓપરેશન” જ બેસ્ટ ઓપશન રહેશે…એવું હું માની રહી છું.

“મેડમ ! તમને જે યોગ્ય લાગે તે કરો….પરંતુ મારી વિશ્વાને કે અમારા બેબીને કાંઈ ના થવું જોઈએ….તમે જ હાલમાં અમારા માટે ભગવાન છો.” – અખિલેશ અને વર્ષાબેન પોતાનાં હાથ જોડતાં બોલે છે.

“ઓકે ! તો તમે ઓપરેશન માટેનાં ફોર્મમાં સહી કરી આપો અને હું વિશ્વા માટે સિઝેરિયન સેક્શન ઓપરેશનની તૈયારી શરૂ કરી દઉ છું.” – આટલું બોલી ડૉ. નિપાબેન પાછા લેબરરૂમમાં જતાં રહે છે, થોડીવારમાં એક સ્ટાફ વિશ્વાની ફાઈલ લઈને આવે છે, જેમાં અખિલેશ પોતાની સહી કરી આપે છે….જેમાં અખિલેશ પોતાની સહી કરે છે અને નીચે કૌંસમાં લખે છે…(વિશ્વાનો પતિ).

આ બાજુ ડૉ. નિપાબેન લેબરરૂમમાં પ્રવેશીને ફર્સ્ટ ફ્લોર પર આવેલાં ઓપરેશન થિયેટરમાં ઇન્ટરકોમમાંથી કોલ કરીને ત્યાં હાજર રહેલાં નર્સિંગ સ્ટાફને તાત્કાલિક એક સી.એસ (સિઝેરિયન સેક્શન) લેવાનું હોવાથી તેની તૈયારી કરવાં માટેની સૂચના આપે છે. જ્યારે લેબરરૂમની બહાર ઊભેલાં અખિલેશ અને વર્ષાબેનનો જીવ હજુપણ તાળવે ચોંટેલ હતું…શું થશે…એ કાંઈ ખ્યાલ નહોતો આવી રહ્યો….એક બાજુ સમય વીતી રહ્યો હતો તો બીજી બાજુ અખિલેશ અને વર્ષાબેનની ચિંતાઓ વધી રહી હતી.

એવામાં લેબરરૂમનો દરવાજો ખુલે છે….અને આયામાસી એક સ્ટ્રેચર લઈને બહાર આવે છે, આ સ્ટ્રેચર પર વિશ્વાને સુવડાવેલ હતી, તેને ઓપરેશન માટેના કપડાં પહેરાવેલાં હતાં, ધીમે -ધીમે આયામાસી સ્ટ્રેચર લઈને જ્યાં અખિલેશ અને વર્ષાબેન ઊભેલાં હતાં ત્યાંથી પસાર થાય છે…આ દરમ્યાન અખિલેશનાં મનમાં ઘણીબધી મૂંઝવણો અને ચિંતાઓ હતી, જે તેની આંખોમાં સ્પષ્ટપણે જોઈ શકાતી હતી….

જ્યારે વિશ્વાની આંખોમાં પણ ક્યાંક હતાશા…નિરાશા….દુઃખ છુપાયેલ હોય તેવું લાગી રહ્યું હતું…..અખિલેશ વિશ્વાને ઘણુંબધું કહેવા,પૂંછવા કે જણાવવા માંગતો હતો, પરંતુ શબ્દો તેના હોઠ સુધી આવ્યા જ નહીં….આથી અખિલેશે વિશ્વાનો હાથ પોતાના બે હાથની હથેળીઓ વચ્ચે પ્રેમપૂર્વક દબાવી લીધો……અખિલેશે જાણે શબ્દો વગર જ વિશ્વાને પોતાના મનમાં રહેલ બાબત જણાવી દીધેલ હોય તેવું વિશ્વા અનુભવી રહી હતી….

ત્યારબાદ વર્ષાબેને હજુપણ પોતાનાં હાથમાં આવનાર બેબી માટે ઊનનાં જે મોજા પકડેલાં હતાં, તે મોજા થોડાંક કસીને ટાઇટ પકડયા જે વર્ષાબેનને વિશ્વા અને તેના આવનાર બેબી પ્રત્યે જે ચિંતા હતી તે સ્પષ્ટપણે દેખાય આવતી હતી…. ત્યારબાદ વર્ષાબેને વિશ્વાનાં માથાં પર પ્રેમપૂર્વક હાથ ફેરવ્યો અને કપાળના ભાગે એક ચુંબન કર્યું….અને આંખમાં આંસુ સાથે બોલ્યાં કે,

“વિશ્વા બેટા ! ચિંતા ના કરીશ…બધું જ સારું થઈ જશે….ભગવાને આપણને જે એક સપનું દેખાડ્યું છે તે સપનું ચોક્કસથી પૂરું થશે…અને આપણાં ઘરમાં પણ ખિલખિલાટ ભેરલ એક કાલોઘેલો અવાજ સંભળાશે…..! માટે ચિંતા ના કરીશ…બસ ભગવાનનું નામ લે જે…!” – વર્ષોબેને આંખોમાં આંસુ સાથે વિશ્વાને હિંમત આપતાં કહ્યું.

ત્યારબાદ અખિલેશ અને વર્ષાબેન પેલાં આયામાસી સાથે સ્ટ્રેચર લઈને ઉપર ફર્સ્ટ ફ્લોર પર આવેલાં ઓપરેશન થિયેટરના દરવાજા સુધી જાય છે….અને ત્યારબાદ આયામાસી અખિલેશ અને વર્ષાબેનને ઓપરેશન થિયેટરની બહાર બેસવા માટે જણાવે છે. પરંતુ અખિલેશ કે વર્ષાબને જાણે જ્યાં સુધી સારા સમાચાર નાં મળે ત્યાં સુધી ન બેસવા માટેની જાણે માનતાં માની હોય તેવી રીતે ઓપરેશન થિયેટરની બહાર ચિંતામાં આમ-તેમ આંટા મારવાનું શરૂ કર્યું.

સમય – રાત્રીનાં બે કલાક.

સ્થળ – ઓપરેશન થિયેટરનો બહારનો વેઇટિંગ એરિયા.

આ બાજુ અખિલેશ અને વર્ષાબેનને વિશ્વાની ચિંતાઓ કોરી ખાય રહી હતી….જ્યારે બીજી બાજુ ડૉ. નિપાબેને વિશ્વાનું સિઝેરિયન સેક્શન ઓપરેશન શરૂ કરી દીધેલ હતું……ઓપરેશન થિયેટરની બહાર એકપણ વ્યક્તિ નજરે ચડી રહી ન હતી, આખી લોબીમાં એક સન્નાટો છવાઈ ગયેલ હતો, એટલી હદે નીરવ શાંતિ ફેલાયેલ હતી કે ક્યારેક અખિલેશ પોતાના શ્વાસોશ્વાસ કે હૃદયનાં ધબકારાનાં અવાજને પણ અનુભવી રહ્યો હતો, હોસ્પિટલની બહારની તરફ રાતીનાં બે વાગ્યાં હોવાથી ચારેતરફ અંધકાર પૂરેપૂરી રીતે વ્યાપેલ હતું, એકદમ ધીમી ગતિએ ઠંડો – ઠંડો પવન ફૂંકાય રહ્યો હતો.

ઓપરેશન થિયેટરની બહારની તરફ એકદમ નીરવ શાંતિ પ્રસારાયેલ હતી, રાતનાં 2 વાગી ચૂક્યાં હતાં, હજુપણ અખિલેશ અને વર્ષાબેન વિશ્વાની ચિંતાને લીધે ઓપરેશન થિયેટરની બહાર આવેલાં વેઇટિંગ એરિયામાં આમ – તેમ આંટા જ મારી રહ્યાં હતાં….એવામાં અખિલેશ અને વર્ષાબેનનાં કાને નાના બાળકોનો જોર-જોરથી રડવાનો અવાજ સંભળાય છે, જે સાંભળીને અખિલેશ અને વર્ષાબેનનાં ચહેરા પર એકાએક ખુશીઓની લહેર છવાય ગઈ….જાણે પોત – પોતાની અંદર રહેલ બધી ચિંતાઓ ખુશીઓમાં ફેરવાય ગઇ હોય તેમ અખિલેશ અને વર્ષાબન ખુશ થઈ ગયાં….

જેમ એક ખેડૂત ચોમાસામાં વરસાદ આવે તેની કાગડોળે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હોય, અને તેમાં પણ આકાશે જાણે મનમૂકીને વરસવાનું નક્કી કર્યું હોય તેમ ધોધમાર વરસે…અને તે ખેડૂતને જેટલી ખુશી કે આનંદ થાય, તેટલો જ કે તેનાં કરતાં પણ વધારે આનંદ હાલમાં અખિલેશ અને વર્ષાબેનને થઈ રહ્યો હતો, અખિલેશતો પોતાની ખુશીઓ વ્યકત કરવાં માટે જાણે શબ્દો જ ખૂટી ગયાં હોય તેવું અનુભવી રહ્યો હતો.

થોડીવારમાં ઓપરેશન થિયેટરનો એક નર્સિંગ સ્ટાફ ઓપરેશન થિયેટરનો દરવાજો ખોલે છે, અને વર્ષાબેનની સામે જોઇને કહે છે. “માજી ! બે ગોદડિયો લઈને મારી સાથે ચાલો, તમારે ત્યાં એટલે કે વિશ્વાએ બે ટિવન્સ ફીમેલ ચાઈલ્ડ (જુડવા દીકરીઓ)ને જન્મ આપેલ છે.” – આ સાંભળીને વર્ષાબનેના ગાલ અને ચહેરા પર ઉંમરને લીધે પડેલા ખાડાઓ પણ જાણે આનંદથી ઢંકાય ગયાં હોય તેવું લાગી રહ્યું હતું….ત્યારબાદ વર્ષાબેન ઝડપથી પોતાની સાથે લાવેલ સામાનમાંથી ગોદડિયો બહાર કાઢીને પોતાનાં હાથમાં લે છે.

“આવા સરસ આનંદના સમાચાર અમને આપવાં બદલ તમારો ખુબ ખુબ આભાર…!” – અખિલેશ ભાવવિભોર થતાં બોલે છે. “હા ! તમે ખરેખર નસીબદાર છો કે તમારાં ઘરે એકસાથે બે – બે સ્વરૂપે ખૂદ લક્ષ્મીજી પધાર્યા…!” – નર્સિંગ સ્ટાફ અખિલેશની સામે જોઇને બોલે છે. “પણ….મારી વિશ્વા અને મારી બંને દીકરીઓની તબિયત હવે કેવી છે…? કોઈને કંઈ તકલીફ તો નથી ને…?” – અખિલેશે ચિંતાપૂર્વક નર્સિંગ સ્ટાફને પૂછ્યું.

“સાહેબ ! તમે ખરેખર નસીબદાર ગણાવ કારણ કે સામાન્ય રીતે…જ્યારે કોઈપણ સિઝેરિયન થાય ત્યારે અને જો એમાં પણ બાળક જો જોડિયા એટલે કે ટ્વીન્સ હોય તો તે બાળકોને એન.આઈ.સી.યુ (નિયોનેટલ ઈન્ટેસીવ કેર યુનિટ – કે જેમાં બાળકોને રાખવામાં આવે છે) દાખલ કરવાની જરૂર પડતી હોય છે, પરંતુ તમારી બંને દિકરીઓમાંથી એકપણ દીકરીને એન.આઈ.સી.યુ દાખલ કરવાની જરૂર જ નથી પડી…જે દર્શાવે છે કે તમારી બનેવ દીકરીઓનો વિલ પાવર જોરદાર હશે!” – નર્સ અચરજ અને નવાઈ સાથે અખિલેશને જણાવે છે.

“મારી દીકરીઓ સાથે આવું થવું એ પણ એ સ્વભાવિક છે…તેમનો વિલ પાવર નહીં પરંતુ તેની સાથે રહેલાં મારાં ગયાં જન્મનાં સબંધો એટલાં મજબૂત હતાં કે કોઈ ધારે તો પણ મારી દીકરીઓને કાંઈ ના કરી શકે….મારા નસીબમાં વિધાતાનાં આ જ લેખ લખેલાં હતાં…!” – અખિલેશ મનોમન બોલી ઉઠે છે.

ત્યારબાદ અખિલેશ તે નર્સિંગ સ્ટાફનો આભાર માને છે, ત્યારબાદ તે નર્સ અને વર્ષાબેન ઓપરેશન થિયેટરની બાજુમાં આવેલાં પોસ્ટ ઓપરેટીવ રૂમ (ઓપરેશન થયાં બાદ દર્દીને જે રૂમમાં રાખવામાં આવે તે રૂમ) માં જાય છે, થોડીવારમાં તે બનેવ પોત-પોતાનાં હાથમાં ગુલાબની પાંખડીઓ જેવાં હોઠવાળી, ગુલાબી, નમણી, નાજુક, રૂપાળી, ઘાટીલી, ધારદાર આંખો વાળી બે દીકરીઓને લઈને અખિલેશ જયાં ઉભો હતો ત્યાં આવે છે, એવામાં બનેવ દીકરીઓ પોત-પોતાનાં હાથમાં અખિલેશનો હાથ મજબૂત રીતે પકડી લીધો…..

એક જ ક્ષણમાં તે બનેવે જાણે અખિલેશને તેનો ભૂતકાળ કે પુનર્જન્મ યાદ કરાવી દીધો હોય તેવું લાગ્યું….આ બનેવની આંખોમાં પણ હાલનાં સમયે પણ શ્રેયાની માફક પ્રેમ ઝળકી રહ્યો હતો…..આથી અખિલેશને એ બાબતો ખ્યાલ આવી ગયો કે નિત્યા કે શ્રેયાએ પોતાને આપેલ વચન અંતે પાળ્યું ખરું….અને ખરેખર તે પોતાનાં ઘરે દીકરીનો જન્મ લઈને આવી…

એવામાં અખિલેશનાં મોં માંથી “નિત્યા” “શ્રેયા” એવાં શબ્દો સરી પડે છે……ત્યારથી જ આ બનેવનું નામ નિત્યાં અને શ્રેયા જ રાખવામાં આવ્યું. જે હરહંમેશ માટે અખિલેશને પોતાની હાજરીનો સંકેત કે ઈશારો આપતી રહેશે.

ત્યારબાદ થોડીવારમાં આયામાસી વિશ્વાને સ્ટ્રેચરમાં લઈને ઓપરેશન થિયેટરની બહાર આવે છે…અને પોસ્ટનેટલ વૉર્ડના એક સ્પેશિયલ રૂમમાં સુવડાવે છે….વિશ્વા હજુપણ એનેસ્થેટીક ડ્રગ (બેભાન કરવા માટેની દવાઓ)ની અસરમાં હતી, લગભગ અડધી કલાક બાદ વિશ્વા સંપૂર્ણપણે ભાનમાં આવી જાય છે, અને પોતાની બંને દીકરીઓને જોઈને, આંખમાં ખુશીઓનાં આંસુ સાથે પોતાની બને દીકરીઓને ગળે વળગાળીને રડવા લાગે છે.

આમ અખિલેશની લાઈફમાં ઘણાં બધાં રહસ્યો, ઉતાર – ચડાવ, ચક્રવાત કે વાવાઝોડું આવેલ હોવાં છતાંપણ અખિલેશ આ બધી પરિસ્થિતિઓ સામે ઝુક્યો નહીં, પરંતુ આ પરિસ્થિતિઓનો તેણે હિંમતપૂર્વક સામનો કર્યો, આ બધી પરિસ્થિતિ સામે તે પોતે ઝઝૂમયો…….આપણે ત્યાં એક કહેવત છે ને કે “ઉપરવાલે કે ઘરમેં દેર હે લેકિન અંધેર નહીં” – જે કહેવત અખિલેશ માટે ખરેખર સાચી ઠરેલ હોય તેવું લાગી રહ્યું હતું…..

આટ-આટલી તકલીફો સહન કર્યા બાદ આખરે અખિલેશનાં જીવનમાં એક નવો જ સૂર્યોદય થયો, જે પોતાની સાથે અનેક ખુશીઓ લઈને આવેલ હતો, અખિલેશ ભૂતકાળમાં જેટલો હેરાન થયો હતો, તેના કરતાં પણ હાલમાં અખિલેશ ચારગણો ખુશ હતો….જેનાં માટે અખિલેશ પોતાની જાતને નસીબદાર માની રહ્યો હતો.

આથી અખિલેશે વિશ્વાને જે સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરવામાં આવેલ હતી તે વોર્ડમાં દીવાલ પર ટાંગેલ શંકર ભગવાનનાં ફોટા સામે જોઈ મનમાં બોલ્યો કે…

“હે ! ભોળાનાથ ! તમે ભલે મને અનેક મુશ્કેલીઓ આપી પરંતુ આખરે તમે જ મને આ મુશ્કેલીઓ માંથી બહાર નીકળવાનો રસ્તો પણ આપ્યો…..આ ઉપરાંત મને રવજીભાઈ જેવાં પિતાં, વર્ષાબેન જેવી પ્રેમાળ માતાં, મને હરહંમેશ પ્રેમ કરનાર સોનલ જેવી બહેન, વિશ્વા જેવી સુંદર અને સુશીલ પત્ની, કૃષ્ણ જેવો એક મિત્ર મને દીક્ષિત સ્વરૂપે આપવાં બદલ હું તમારો હૃદયપૂર્વક આભારી છું,

આ ઉપરાંત ઓફકોર્સ દુનિયામાં જેને તમારું જ બીજું રૂપ માનવામાં આવે છે એટલે કે મારા માટે ભગવાન સ્વરૂપ ડૉ. રાજન, ડૉ. અભય, ડૉ. જ્વલંત મોદી અને ડૉ. નિપાબેન વગેરેનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે, ત્યારબાદ માનવતાની દ્રષ્ટિએ મને મદદ કરનાર કે મારા મદદગારના સ્વરૂપમાં આકાશ, હનીફ, સલીમભાઈ, અભિમન્યુ (ડી.સી.પી), સાક્ષી, રાજનાથન સાહેબ (એસ.પી.), પી.સ્વામી (ઊટી ડિસ્ટ્રિક કોર્ટના જજ), રાહુલ અગ્રવાલ સાહેબ (પ્રિન્સિપાલ) અને અનિકેત વર્મા ( વિશ્વાનાં કલાસનાં એચ.ઓ.ડી) આપવાં બદલ તમારો હું ખુબજ આભરી રહીશ. આ બધાં લોકોએ માત્ર માનવતાં ખાતર જ મારી મદદ કરી હતી….એ બધાંને જોતા મને એ બાબતનો ચોક્કસપણે ખ્યાલ આવી ગયો કે દુનિયામાં હજુપણ “માણસાઈ” જીવે છે મરી નથી પડી.” – અખિલેશ આંખોમાં આંસુ સાથે સહર્ષ ભોળાનાથનો આભાર માને છે.

લગભગ દસેક દિવસબાદ વિશ્વાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે, અને ત્યારબાદ અખિલેશ, વિશ્વા, વર્ષાબેન, નાનકડી પરીઓ “નિત્યાં” અને “શ્રેયાં” સાથે રાજીખુશીથી રહેવા લાગે છે…..!

—————————–સમાપ્ત—————————-

મિત્રો, ધ ઊટી (એક સસ્પેન્સ, થ્રિલર, અને હોરર પ્રેમકથા) જે મારી પ્રથમ નોવેલ છે, આ નોવેલનાં દરેક ભાગ આટલાં ઉત્સાહપૂર્વક વાંચવા બદલ અને મારી આ પ્રથમ નોવેલને પણ મારી અન્ય રચનાઓની માફક જ સહર્ષ આપલોકોએ સ્વીકારી લીધી એ બદલ હું મારી જાત પર ગર્વની લાગણી અનુભવી રહ્યો છું….

આ નોવેલ બાબતે મને સારા એવાં પ્રતિભાવો, કોમેન્ટ આપીને આપ લોકોએ મને જે મોટિવેશન પૂરું પાડેલ છે, એ માટે હું મારા દરેક વાંચક મીત્રોનો અંતઃ કરણ પૂર્વક આભારી છું.

આ ઉપરાંત “જસલા કરોને જેન્તીલાલ” પરિવારની આખી ટીમ કે જેઓએ મારી આ નોવેલ આપલોકો સુધી પહોંચાડવા મહેનત કરી છે, અને મારી નોવેલને એક સારું એવું પ્લેટફોર્મ પૂરું પાડેલ છે, જેનાં થકી આજે આપ લોકો મને ઓળખતા થયાં છો, હાલમાં એક પરિવાર વચ્ચે જેવી લાગણીઓ હોય તેવી લાગણીઓ આપણી વચ્ચે રહેલ છે….આ માટે “JKJ” ની સમગ્ર ટીમનો હું કાયમિક માટે આભારી રહીશ.

આ નવલકથાને મળેલા પ્રતિસાદ, અને વાંચકોની લાગણીને માન આપીને તેમની લાગણીઓને વશ થઈને હું મારી આ નોવેલ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવાં જઈ રહ્યો છું….હું આશા રાખું છું કે વાચકો મારી આ નોવેલને પણ સહર્ષ મારી અન્ય રચનાઓની માફક સ્વીકારી લેશે…અને મીઠો આવકારો આપશે.

આ નોવેલનું પ્રિ – બુકીંગ શરૂ કરી દીધેલ છે…જો તમે આ નોવેલ પુસ્તક સ્વરૂપે વસાવવા માંગતા હોવ તો તમારું નામ, નંબર અને પોસ્ટલ એડ્રેસ મને નીચેનાં મોબાઈલ નંબર કે મેઈલ આઈડી પર મોકલી આપવા આપ સૌને મારી નમ્ર વિનંતી છે.

આપનો જ એક મિત્ર..

લેખક : મકવાણા રાહુલ.એચ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ