ધ ઊટી – નવલકથા ભાગ 10 એ સપનું જ એક રહસ્ય હતું, જે અખિલેશની ઊંઘ કાયમિક માટે ઉડાવી દેવાનું હતું, જેનો અખિલેશને ખ્યાલ પણ ન હતો.

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

(ઇવેન્ટના છેલ્લા એટલે કે દસમા દિવસે અખિલેશ સફળતાપૂર્વક ઇવેન્ટની પુર્ણાહુતી કર્યા બાદ, આકાશ અને અન્ય કર્મચારીઓ દ્વારા કરાયેલ વિનંતિને લીધે અખિલેશ તે લોકો સાથે આલિશાન પબમાં જાય છે, ત્યાં જઈ બધાં સેલિબ્રેશન કરે છે, પછી અખિલેશનાં ખિસ્સામાંથી જ્યારે મોબાઈલ નીચે પડે છે, ત્યારે તેણે શ્રેયાને 6 વાગ્યે મળવાની પ્રોમિસ આપેલ હતી તે યાદ આવે છે, આથી અખિલેશ બેબાકળો થઈને તે બગીચા તરફ દોડવા લાગે છે, પરંતુ તેના હાથ માત્ર નિરાશા અને હતાશા જ લાગે છે, શ્રેયા તો જતી રહી હોય છે, આથી અખિલેશ દુ:ખી થઈને હોટલે પરત ફરે છે, અને વિચારતાં -વિચારતાં સુઈ જાય છે…)

સમય – સવારનાં 8 કલાક.

સ્થળ – ધ સન સીટી હોટલ.

અખિલેશ આજે કઈ ખાસ કામ ન હોવાથી સવારે 8 વાગ્યે જાગ્યો, અખિલેશ આજે સુસ્તી જેવું ફિલ કરી રહ્યો હતો, તેને આજે મૂડ સારો ના હોય તેવું લાગી રહ્યું હતું, ગઈકાલે સૂતાં પછી પણ અખિલેશને શ્રેયા વિશે વિચારો આવતાં ઝબકીને બે – ત્રણ વખત જાગી ગયો હતો, અખિલેશને આજે પોતાના રૂમની બહાર નીકળવાની પણ જરાય ઈચ્છા થતી ન હતી, પરંતુ પોતાના મનમાં રહેલા અનેક પ્રશ્નોનો જવાબ આજે જ મેળવવાના હોવાથી અખિલેશે પોતાનું મન મક્કમ કરીને ઉભો થયો અને ફ્રેશ થવા માટે ગયો, થોડીવારમાં અખિલેશ ફ્રેશ થઈને તૈયાર થઈ ગયો, અને પોતાના રૂમ પર જ ચા – નાસ્તો મંગાવી લીધો, ચા-નાસ્તો કર્યા બાદ અખિલેશ પોતાના મનમાં રહેલા અનેક પ્રશ્નોના જવાબ શોધવાની એક રહસ્યમય સફરમાં નીકળી પડે છે.

અખિલેશે અગાવ દીક્ષિતને કોલ કરીને ઊટીમાં એક દિવસ વધુ રોકવા માટેની પરમિશન મેળવેલી હતી, જેથી તેને નોકરી કે જોબ બાબતે કોઈ ચિંતા હતી નહીં, ત્યારબાદ અખિલેશ શ્રેયા જે હોટલમાં રહેતી હતી કે દરરોજ જે હોટલ તરફ જતી હતી તે હોટલે ગયો, ત્યાં હોટલની બહાર સિલ્વર સેન્ડ હોટલ એવું બોર્ડ દેખાયું, ત્યારબાદ અખિલેશ સિલ્વર સેન્ડ હોટલમાં પ્રવેશે છે અને રિસેપનીસ્ટને પૂછે છે…!

“એક્સકયુઝમી !…” “યસ ! સર ! હાઉ કેન આઈ હેલ્પ યુ….?” – સામે એકદમ મીઠાસ ભરેલા અવાજમાં ઉભેલ લેડી રીસેપનીસ્ટે પૂછ્યું.જેની નેમ પ્લેટ પર સાક્ષી એવું લખેલ હતું. “આઈ વોન્ટ સમ ઈન્ફોર્મેશન રિગાર્ડિંગ ટુ માય ફ્રેન્ડ, વુ સ્ટે હિયર..” – અખિલેશ થોડુંક ખચકાતાં બોલ્યો. “ઓકે ! સર ! ટેલ મી હર નેમ…!” – સાક્ષી બોલી. “હર સ્વીટ નેમ ઇસ શ્રેયા…!” – અખિલેશ શ્રેયાને યાદ કરતાં બોલ્યો.

સાક્ષીએ પાંચ – દસ મિનિટ હોટલનું એન્ટ્રીવાળું રજીસ્ટર ફંગોળ્યું, રજીસ્ટર ફંગોળયા બાદ સાક્ષી પોતાના વાળ સરખા કરતાં – કરતાં બોલી. “સોરી ! સર ! આ નામની છેલ્લા બે અઠવાડિયામાં અમારા રજીસ્ટરમાં કોઈ જ એન્ટ્રી બોલતી નથી…!” – સાક્ષીએ કહ્યું. “હાઉ ધેટ ઇઝ પોસીબલ..! એ શક્ય જ નથી…તમે રજીસ્ટર હજી એકવાર સરખું ચેક કરો તેમાં મારી શ્રેયાનું નામ હશે જ તે…!” – અખિલેશ બેબાકળો થતાં બોલ્યો. ત્યારબાદ સાક્ષીએ ફરી એકવાર રજીસ્ટર ચેક કર્યું, પંદરેક મિનિટ રજીસ્ટર ચેક કર્યા બાદ સાક્ષી બોલી. “આઈ ! રિયલી ! સોરી સર ! બટ આ નામની કોઈ જ એન્ટ્રી ખરેખર નથી બોલતી.

આ સાંભળી જાણે અખિલેશનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, જાણે એક વીજળીનો કરંટ અખિલેશનાં શરીરમાંથી ઝટકા સાથે પસાર થઈ ગયો હોય તેવું અખિલેશે અનુભવ્યું, પોતાનું મન સાક્ષીએ આપેલ જવાબ માનવા તૈયાર નહોતું થઈ રહ્યું, આથી પોતે પણ એ એન્ટ્રી માટેનું રજીસ્ટર એકવખત ચેક કર્યું, છતાંપણ અખિલેશનાં હાથે માત્ર નિરાશા જ લાગી, તે રજીસ્ટરમાં ખરેખર શ્રેયા એવું નામ હતું જ નહીં.

ત્યારબાદ અખિલેશ સાક્ષીનો આભાર માનીને હોટલનાં દાદરા ઉતારવા લાગે છે, અખિલેશ પોતાનાં મનમાં રહેલા પ્રશ્નોનો જવાબ મેળવવા માટે હોટલે ગયો હતો, એના બદલે પ્રશ્નો ઉલ્ટાના વધી રહ્યાં હતાં. એવામાં અખિલેશનાં કાને એક અવાજ સંભળાયો, જે અવાજ સાક્ષીનો હતો. “સર ! શ્રેયા ખરેખર કોણ છે..? કેવી હશે…? એ બાબતની મને જાણ નથી પરંતુ જેવી પણ હશે…પણ હશે ખુશ નસીબ…?” – સાક્ષી હોટલનાં દાદરા પાસે આવીને બોલી. “તમારી વાત મને કંઈ સમજાય નહીં…!” – અખિલેશ બોલ્યો. “સાહેબ ! હું એમ કહેવા માગું છું કે શ્રેયા ખરેખર નસીબદાર હશે…કારણ કે તમે તને ખુબ જ પ્રેમ કરો છો…?” – સાક્ષી તેના મધુર અવાજમાં બોલી. ” હા ! પરંતુ તને એ બાબતનો કેવી રીતે ખ્યાલ આવ્યો કે હું શ્રેયાને ખુબ જ પ્રેમ કરું છું…?” – અખિલેશે નવાઇ સાથે સાક્ષીને પૂછ્યું.

“સાહેબ ! તમે જ્યારે પેલા રજીસ્ટરમાં શ્રેયાનું નામ શોધી રહ્યાં હતાં, ત્યારે મેં તમારી બેચેની અને તમારી આંખોમાં શ્રેયા પ્રત્યેનો પ્રેમ જોઈ લીધો હતો….અને જ્યારે તમને શ્રેયાનું નામ રજીસ્ટરમાં ના મળ્યું ત્યારે મેં તમારા ચહેરા પર વ્યાપેલ ઉદાસી પણ જોઈ…આથી મને ખ્યાલ આવી ગયો કે તમે શ્રેયાને ખૂબ જ પ્રેમ કરતાં હશો…”! – સાક્ષી પોતાનાં વિચાર જણાવતાં બોલી.

“હા ! પણ…તને આ બધી બાબત કેવી રીતે સમજાય ગઈ…” – અખિલેશ વધુને વધુ મૂંઝાતા બોલ્યો. “સાહેબ ! હું પણ ! એક સ્ત્રી જ છું, દુનિયામાં રહેલ દરેક સ્ત્રી પોતાને જે વ્યક્તિ પ્રેમ કરતો હોય તેની આંખોમાં આવો પ્રેમ જોવા માટે અને પોતાની પ્રેત્યે આવી બેચેની જોવા માટે ઉત્સુક હોય છે…..શ્રેયા ખરેખર નસીબદાર છે..!” – સાક્ષી અખિલેશને સમજાવતાં બોલી.

ત્યારબાદ અખિલેશ સાક્ષીને પોતાની સાથે ગઈકાલે સાંજે જે કંઈ પણ ઘટના બની હતી, તેના વિશે વિગતવાર જણાવે છે, આ સાંભળી સાક્ષીની આંખોમાં પણ પાણી આવી જાય છે, તેને એકબાજુ અખિલેશ પર શ્રેયાને છેલ્લી વાર મળવાં જવાનું હતું તે દિવસે દારૂ પીવાં બેસી ગયો હતો તે સાંભળીને ગુસ્સાની લાગણી આવી રહી હતી, અને બીજી બાજુ શ્રેયા પ્રત્યેનો આટલો બધો પ્રેમ જોઈને દયા પણ આવી રહી હતી.

“સાહેબ ! ચિંતા ના કરો….તમારો પ્રેમ જો સાચો હશે…તો પછી તમને શ્રેયાનો પ્રેમ મળશે જ એ સો ટકા સનાતન સત્ય છે, પછી ભલે તમે દુનિયાનાં કોઈપણ ખૂણે કેમ ના હોય…?” – સાક્ષીએ અખિલેશને હિંમત આપતાં કહ્યું. “સાહેબ ! તમારી પાસે હાલમાં શ્રેયાનો કોઈ ફોટો છે….?”- સાક્ષીએ મદદ કરવાના ઈરાદે અખિલેશને પૂછ્યું. “હા ! ગઈકાલે સાંજે હું શ્રેયાને મળવા બગીચે ગયો હતો, ત્યાં મને શ્રેયા ન મળી હોવાનાં દુઃખને લીધે, હું અને શ્રેયા બગીચાના જે બાંકડા પર બેસતાં હતાં, એ બાંકડા સામે ગોઠણિયા વાળીને બેઠો, ત્યારે મારું ધ્યાન બાંકડાની નીચે ગયું, બાંકડાની પાછળના ભાગે નીચે શ્રેયાનું પર્સ પડેલું હતું, તેમાં શ્રેયાનો બે ફોટા મને મળ્યાં હતાં..!” – અખિલેશ ગઇકાલની ઘટના યાદ કરતાં-કરતાં બોલ્યો.

“સાહેબ ! જો તમને વાંધો ના હોય તો મને શ્રેયાનો એક ફોટો આપશો….?…તો હું તમને મારીથી બનતી શક્ય હશે તેટલી મદદ કરીશ…અથવા ભવિષ્યમાં પણ જ્યારે મને શ્રેયા વિશે માહિતી મળે કે ફરી ક્યાંક મને શ્રેયા મળે તો હું તમને તેની જાણકારી સાચી અને સારી રીતે આપી શકુ..!” – સાક્ષીએ અખિલેશને મદદ કરવાના ઈરાદા સાથે પૂછ્યું.

“હા ! ચોક્કસ..!” – અખિલેશ પોતાની પાસે રહેલા શ્રેયાના બે ફોટામાંથી એક ફોટો સાક્ષીને આપતાં બોલ્યો. “ઓકે ! સર..મને કોઈ માહિતી મળશે તો હું તમને ચોક્કસથી જાણ કરીશ.” – સાક્ષી બોલી. “થેન્ક યુ વેરી મચ…સાક્ષી…!” – ત્યારબાદ અખિલેશ સાક્ષીને પોતાનું નામ, મોબાઈલ નંબર અને એડ્રેસ લખાવે છે, અને સાથો – સાથ ડિજિટેક સોફ્ટવેર કંપનીનું વિઝીટિંગ કાર્ડ પણ આપે છે, અને ત્યારબાદ સિલ્વર સેન્ડ હોટલમાંથી બહાર નીકળીને ફરી પાછો પોતાના મનમાં રહેલા પ્રશ્નોનો જવાબ મેળવવા નીકળી પડે છે.

ત્યારબાદ અખિલેશ ડ્રાઇવર હનીફને કોલ કરે છે, અને પૂછે છે કે. “હેલો ! હનીફ…!” “હા ! સર ! ગુડ મોર્નિંગ…!” “ગુડ મોર્નિંગ….હનીફ…” – પોતાની મોર્નિંગ ગુડ ન હોવા છતાંય અખિલેશે હનીફને ગુડ મોર્નિંગ વિશ કરી. “હા ! સાહેબ ! બોલો..!” “હનીફ ! મારે તારી મદદની જરૂર છે…!” “હા ! બોલોને સાહેબ…તમારે મારી જેવા મામુલી ડ્રાઇવરની મદદની એકાએક શું જરૂર આવી પડી….?” – હનીફ અચરજ પામતાં બોલ્યો. “તું ! અત્યારે પહેલા ધ સીટી પેલેસ હોટલ પર આવ…પછી હું તને બધું જણાવીશ…!” – અખિલેશે હનીફને વિનંતિ સાથે ઓર્ડર કર્યો.

ત્યારબાદ અખિલેશ સિલ્વર સેન્ડ હોટલથી ધ સીટી પેલેસ હોટલ તરફ પોતાના પગલાં ઉપડવા માંડ્યો, અને થોડીવારમાં ધ સીટી પેલેસ હોટલની બહાર ઉભા રહીને હનીફ આવે તેની રાહ જોવા લાગ્યો, થોડીવારમાં હનીફ પણ પોતાની ઇનોવા કાર લઈને ધ સીટી પેલેસ હોટલે આવી પહોંચ્યો. અખિલેશ ઇનોવા કારમાં ડ્રાઇવર સીટની બાજુમાં રહેલ સીટ પર બેસી જાય છે…અને હનીફને કહે છે કે.. “હનીફ ! હું આજે આખો દિવસ ફ્રિ જ છું…હું તને આજે ઊટીમાં જે જે જગ્યાનાં નામ જણાવું તે જગ્યાએ મને લઈ જઈશ…” – અખિલેશ જાણે હનીફને પોતાનું દુઃખ જણાવવા માંગતો ન હોય તેવી રીતે કહ્યું. “હા ! સાહેબ ! ચોક્કસ…તમે બસ માત્ર જગ્યાનાં નામ જણાવો..” – હનીફ કાર ગેરમાં નાખતાં- નાખતાં બોલ્યો.

ત્યારબાદ અખિલેશ હનીફને પોતે અને શ્રેયા ઊટીમાં જે – જે જગ્યાએ ફરવા ગયેલા હતાં એ સ્થળે એટલે કે ઊટી ટ્રેન, ધ બોટેનિકલ ગાર્ડન ઓફ ઊટી, ધ ટાઇગર હિલ ઓફ ઊટી વગેરે…સ્થળોએ અખિલશ કદાચ શ્રેયા તેને ક્યાંક ભેગી થઈ જશે…..અથવા મળી જશે એવા એકમાત્ર વિચારથી આખો દિવસ આ બધા જ સ્થળોએ ફર્યો, અને અંતે તો અખિલેશને માત્ર નિરાશા જ મળી, આખો દિવસ શ્રેયાને શોધવામાં જ સાંજના 6 વાગી ચૂક્યાં હતાં, અખિલેશ શ્રેયાને શોધવામાં એટલી હદે ભાન ભૂલી ગયો હતો કે તે બપોરે જમવાનું પણ ભૂલી ગયો કે યાદ ના આવ્યું.

ત્યારબાદ બધી જ જગ્યાએ ફરી લીધા બાદ અખિલેશ ઉદાસી ભર્યા અવાજમાં હનીફને કહ્યું કે “હનીફ ! હવે મને પાછો ધ સીટી પેલેસ હોટલ પર ડ્રોપ કરી જા…!” “ઓકે ! સાહેબ…!” – હનીફ પોતાની કાર ચાલુ કરતાં- કરતાં બોલ્યો. એકાદ કલાકમાં અખિલેશ ધ સીટી પેલેસ હોટલ પર આવી પહોંચે છે…કારમાંથી ઉતરી અખિલેશ હનીફને કહે છે કે “હનીફ ! થેન્ક યુ વેરી મચ…”

“અરે…સાહેબ ! એમાં તમારે મને થેન્ક યુ થોડી કહેવાનું હોય…આ તો મારી ડ્યુટી છે…છતાંપણ તમારે મારું કાંઈ કામકાજ હોય તો મારો નંબર તો છે જ તે તમારી પાસે અડધી રાત્રે કોલ કરશો તો પણ હું તમારી મદદ કરીશ…!” – હનીફ ભાવુક થતાં બોલ્યો. ત્યારબાદ હનીફ પોતાની કારનો વળાંક વાળીને પોતાના ઘરે જવા માટે નીકળે છે, અને આ બાજુ અખિલેશ પોતાની હાર માનીને હથિયાર મૂકી દે છે….તેણે મનમાં વિચારી લીધું હતું કે હવે શ્રેયા ફરી ક્યારેય પોતાને મળશે નહીં…..શ્રેયા જાણે અખિલેશ માટે ભર ઊંઘમાં જોયેલ એક મીઠું સપનું હોય એવું માની બેસે છે.

અખિલેશ ત્યારબાદ પોતાના રૂમમાં જઈને પોતાનો સમાન પેક કરે છે, પોતાની જમવાની જરાપણ ઈચ્છા ન હોવા છતાં-પણ અખિલેશ હોટલના રેસ્ટોરન્ટમાં જાય છે, અને કહેવા પૂરતું થોડુંક જમી લે છે, અને રાતે 1વાગ્યે હોટલની જ કાર દ્વારા કોઈમ્બતુર જવા માટે રવાના થાય છે, અખિલેશ કોઈમ્બતુર એરપોર્ટથી રાતે 2:45 વાગે મુંબઈ જવા માટે રવાનાં થવાનો હતો.

અખિલેશ પોતે મુંબઈ આવવા માટે ધ સીટી પેલેસ હોટલમાંથી ચેક આઉટ કરીને કોઈમ્બતુર એરપોર્ટ તરફ જવા માટે નીકળી ગયો છે, એ બાબતની જાણ અખિલેશે દીક્ષિતને કોલ કરીને કરી દીધી.

અખિલેશ જ્યારે ઊટી આવ્યો ત્યારે તે સમયે ઊટી શહેર અખિલેશ માટે એકદમ અજાણ્યું જ હતું, પરંતુ ઊટી આવ્યાં પછી અખિલેશને એવું લાગ્યું કે આ શહેર સાથે તેનો કોઈ વર્ષો જૂનો સબંધ હોય, હાલમાં અખિલેશ ઊટી શહેર તો છોડી રહ્યો હતો, પરંતુ પોતાની સાથે ઊટીની ઘણી સોનેરી યાદો, શ્રેયા સાથે વિતાવેલા એક-એક પળ, મેગા-ઈ સોફ્ટવેરની સફળતાનો આનંદ લઈને નીકળ્યો હતો, તો બીજી બાજુ શ્રેયાને કદાચ કાયમી માટે ગુમાવી દીધાનું દુઃખ, શ્રેયાને છેલ્લા દિવસે ખુબ જ શોધવા છતાંપણ ન મળવાની હતાશા, સાથે સાથે વણઉકેલ્યા રહસ્યો પણ લઈને પાછો મુંબઈ ફરી રહ્યો હતો.

ત્યારબાદ અખિલેશ રાત્રીના 3 કલાકે કોઈમ્બતુર એરપોર્ટ પર પહોંચી જાય છે, અને પોતાની ફલાઇટ આવે તેની વેઇટિંગ રૂમમાં બેસીને રાહ જોવા લાગે છે, થોડીવારમાં અખિલેશની ફલાઇટ આવે છે, અને અખિલેશ પોતાની સીટ પર બેસી જાય છે…અને દર્દ ભરેલી ગઝલો સાંભળવા લાગે છે, આ દર્દ ભેરલી ગઝલો સાંભળીને અખિલેશને એવું લાગી રહ્યું હતું કે જાણે આ બધી ગઝલો માત્રને માત્ર તેના માટે જ લખાયેલ હોય. આ દર્દ ભરેલી ગઝલોમાં અખિલેશ એવો ખોવાઇ ગયો કે તેને ઊંઘ ક્યારે આવી ગઈ એ પણ યાદ ના રહ્યું.

શ્રેયા ફરી પોતાને મળશે કે કેમ ? શ્રેયા જે હોટલમાં દરરોજ અખિલેશને મળીને જતી હતી, તે હોટલના રજીસ્ટરમાં શ્રેયાનું નામ કેમ નહીં બોલતું હોય…? આ પાછળ કોઈ રહસ્ય તો નહીં હશે ને…? શું શ્રેયાએ અખિલેશને પોતાનું નામ ખોટું જણાવ્યું હશે….? શું સાક્ષી અખિલેશ સાથે ખોટું બોલી હશે…? આ બધા પ્રશ્નોના જવાબ અખિલેશને મળશે કે પછી એ કોઈ નવો જ વળાંક લઈને આવશે…કે પછી અખિલેશનાં નસીબમાં વિધાતાએ કંઈક અલગ જ લખ્યું હશે….આ બધાં જ પ્રશ્નોનો જવાબો હાલ તો અખિલેશ પાસે ન હતાં, કદાચ તેને આવનાર ભવિષ્ય કે સમયમાંથી આ બધા પ્રશ્નો કે રહસ્યોના જવાબ મળી રહેશે કે નહીં…એતો આવનાર સમય જ જણાવશે.

બીજે દિવસે

અખિલેશ લગભગ સવારનાં 7 કલાકની આસપાસ મુંબઈ પહોંચી જાય છે, અને મુંબઈ એરપોર્ટથી ટેક્ષી કરીને પોતાના ફલેટે જાય છે, ત્યારબાદ અખિલેશ એકાદ કલાક જેવો આરામ કરે છે, અને એકાદ કલાક આરામ કર્યા બાદ અખિલેશ ફ્રેશ થઇને, નાસ્તો કરીને પોતાની કાર લઈને નોકરીના સ્થળે એટલે કે ડિજિટેક કંપનીએ જવા માટે નીકળે છે.

આ દરમ્યાન અખિલેશ વિચારે છે, ફરી પાછું પોતાને આ મેકેનિકલ લાઈફમાં ફિટ થવું પડશે, ઊટીમાં દસ દિવસ કયાં વીતી ગયાં એ ખબર જ ના રહી….! જ્યારે અહીં તો બધું એમનું એમ જ હતું, રસ્તાઓ, વૃક્ષો, મોટી-મોટી બિલ્ડીંગો, પરંતુ હાલમાં જે અખિલેશ ઊટી ગયો હતો, એ અખિલેશ નહોતો રહ્યો, કારણ કે ઊટી ગયો એ પહેલાં અખિલેશ એકદમ નિખાલસ, ખુશ મિજાજી, હંમેશા કામ કરવા માટે આતુર, ઉત્સાહી હતો, પરંતુ હાલમાં અખિલેશ જાણે એકદમ બદલાય ગયો હોય એવું લાગી રહ્યું હતું, ઊટીથી પાછા ફર્યા પછી અખિલેશ એકદમ હતાશ, નિરાશ અને ગમગીન બની ગયો હતો.

અખિલેશ સવારનાં લગભગ 11 કલાકની આસપાસ ડિજિટેક કંપનીએ પહોંચે છે, અને પોતાની કાર કંપનીના પાર્કિંગમાં પાર્ક કરે છે, પોતાની કાર પાર્ક કર્યા બાદ અખિલેશ કંપનીના મેઈન ગેટ તરફ ચાલવા લાગે છે.

સમય – સવારનાં 11 કલાક

સ્થળ – ડિજિટેક સોફ્ટવેર કંપની (મુંબઈ)

જેવો અખિલેશ ડિજિટેક સોફ્ટવેર કંપનીમાં પ્રવેશે છે, ત્યાં જ તેનાં પર ઉપરથી અન્ય કર્મચારીઓ દ્વારા પુષ્પોનો અભિષેક કરવામાં આવે છે, કંપનીનાં મેઈન ગેટમાં પ્રવેશતાની સામે જ અખિલેશનો પ્રિય મિત્ર દીક્ષિત પોતાના હાથમાં પુષ્પગુચ્છ લઈને અખિલેશને આવકારવા માટે ઉભો હોય છે, ત્યારબાદ દીક્ષિત અખિલેશને પુષ્પગુચ્છ આપીને આવકારે છે, અને બનેવે એકબીજાને ભેટી પડે છે.

ત્યારબાદ દીક્ષિત અખિલેશનાં ખભા પર હાથ મૂકીને, અન્ય કર્મચારીઓ સામે જોઇને કહે છે કે… “લેડીઝ એન્ડ જેન્ટલમેન ! પ્લીઝ મીટ અવર ન્યુ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ સોફ્ટવેર ડિપાર્ટમેન્ટ એન્ડ કોર્ડીંનેટર ઓફ “મેગા-ઈ” સોફ્ટવેર ઓફ ડિજિટેક કંપની.” – દીક્ષિત ખુશ થતાં બોલ્યો.

મિ. દીક્ષિતનાં આ નિર્ણયને ત્યાં હાજર રહેલા તમામ કર્મચારીઓએ તાળીઓના ગળગળાટ સાથે વધાવી લીધો, અખિલેશે ખુબજ ટૂંકા સમયગાળામાં જેવી રીતે દીક્ષિતનું દિલ જીતી લીધું હતું તેવી જ રીતે કંપનીના અન્ય કર્મચારીઓનું દિલ પણ અખિલેશે જીતી લીધું હતું, અને થોડાક જ સમયમાં અખિલેશ બધાનો માનીતો બની ગયો હતો, અને બધાં જ કર્મચારીઓ અખિલેશને મનથી માન આપતાં હતાં.

“થેન્ક યુ વેરી મચ ! દીક્ષિત ટુ ગીવ મી ધીસ હોનર…” – દીક્ષિતનો આભાર માનતાં અખિલેશ બોલ્યો. “એન્ડ થેન્ક યુ ઓલ ઓફ યુ…” – બધાં કર્મચારીઓની સામે જોઇને અખિલેશ બોલ્યો. ત્યારબાદ અખિલેશ પોતાની ચેમ્બરમાં જાય છે, અને મેગા-ઈ સોફ્ટવેરને લગતા બધાં જ ડોક્યુમેન્ટ, એમ.ઓ.યુ, રીપોર્ટ ફાઈલ વગેરે કમ્પ્લીટ કરીને, દીક્ષિતને હેન્ડ ઓવર કરવાં માટે દીક્ષિતની ચેમ્બરમાં જાય છે. ડોક્યુમેન્ટની ફાઈલ દીક્ષિતનાં હાથમાં આપતાં અખિલેશ બોલે છે કે, “દીક્ષિત ! આ ફાઈલમાં મેગા-ઈ સોફ્ટવેરને લગતા તમામ પ્રકારનાં ડોક્યુમેન્ટ, એમ.ઓ.યું અને આખી ઇવેન્ટનો રિપોર્ટ વગેરે આ ફાઈલમાં છે.” – ફાઈલ આપતાં અખિલેશ બોલ્યો.

“અરે ! અખિલેશ ! એમાં જોવાનું શું હોય…? તે જે કામ કરેલ હોય તે પરફેક્ટ જ હોય…” – દીક્ષિત ફાઈલ ટેબલ પર મુકતા બોલ્યો. “ઓકે ! છતાંપણ એવું કાંઈ લાગે તો મને જણાવજે…!” – અખિલેશ ચેર પરથી ઊભાં થતાં બોલ્યો. “અરે..! અખિલેશ…બેસ…ક્યાં ભાગે છો…? આપણે ચા પીઈએ સાથે…!” – અખિલેશ ના પાડતો હોવા છતાંપણ દીક્ષિતે પોતાની ઓફિસનાં પ્યુનને બોલાવીને બે ચા મંગાવી…થોડીવારમાં પ્યુન ચા લઈને દીક્ષિતની ચેમ્બરમાં આવે છે…અને બનેવ મિત્રો ફરી પહેલાની માફક ચા ની એક પછી એક ચૂસકીઓ લગાવવા માંડે છે.

“અખિલેશ ! એક વાત પૂછું…?” – દીક્ષિત વાતોનો દોર પોતાના હાથમાં લેતાં બોલ્યો. “હા ! ચોક્કસ ! પૂછ..!” – અખિલેશ પોતાનું માથું હલાવતાં બોલ્યો. “અખિલેશ તું ઊટી ગયો એ પહેલાં અને ઊટીથી પરત ફર્યો આ દરમ્યાન તારામાં ઘણાં-બધાં બદલાવ આવેલા છે, જે મેં નોટિસ કર્યા છે, હરહંમેશ તારા ચહેરા પર રહેતી સ્માઈલ નું સ્થાન ઉદાસીએ લઈ લીધું હોય તેવું લાગી રહ્યું છે, હંમેશા કોઇપણ કામ કરવા માટે તત્પર રહેતા અખિલેશનાં જીવનમાં જાણે ઉદાસીના ગમગીન વાદળો છવાઈ ગયાં હોય, તેવું મને લાગી રહ્યું છે..!” – દીક્ષિત પોતાનાં મનમાં રહેલ વાત જણાવતાં બોલ્યો.

આ સાંભળીને અખિલેશની આંખોનાં ખૂણા ભીના થઈ ગયાં, દીક્ષિતે આ વાત કરીને અખિલેશનાં હૃદયમાં રહેલા દુઃખ રૂપી ડેમનાં જાણે દરવાજા ખોલી નાંખ્યા હોય તેવું અખિલેશ અનુભવી રહ્યો હતો, છતાંપણ અખિલેશ પોતાનાં આંસુઓને કાબુમાં રાખીને દીક્ષિત સામે અડગ થઈને બેઠો હતો. “ના ! દીક્ષિત ! એવું કંઈ ખાસ નથી…એ બાબતમાં…!” – અખિલેશ પોતાની સાથે જે કઈ બન્યું તે આખી ઘટના કે વાત કહેવાનું ટાળતો હોય તેવી રીતે બોલ્યો.

“અખિલેશ ! તારો આ મિત્ર એટલો પણ નાદાન નથી કે પોતાના ખાસ મિત્રની આંખોમાં અનેક દુઃખો હોય અને પોતે ના સમજી શકે…..પરંતુ તું મને એટલો પણ યોગ્ય નહીં ગણાતો કે આ બાબત મને પણ નહીં જણાવવા માંગતો…?” – દીક્ષિત ભાવુક થતાં બોલ્યો.

દીક્ષિતનાં આ શબ્દો અખિલેશનાં હૃદયની આરપાર નીકળી ગયાં, અને અખિલેશ હવે પોતાની હિંમત કે પોતાની લાગણી પર રાખેલ કાબુ ગુમાવી રહ્યો હતો, અખિલેશ ધીમે-ધીમે અંદરથી તૂટી રહ્યો હતો…પોતાના આંસુ પર રાખેલ કાબુ ગુમાવીને જાણે અખિલેશનાં હૃદયમાં રહેલા દુઃખ રૂપી ડેમનાં દરવાજા ખુલી ગયાં હોય તેમ દીક્ષિતની સામે નાના બાળકની માફક જોર-જોરથી રડવા લાગ્યો. આથી દીક્ષિતે અખિલેશનાં ગળે મળીને પીઠના ભાગે હાથ ફેરવીને સાંત્વનાં આપી, ત્યારબાદ દીક્ષિતે અખિલેશને શાંત પાડીને પોતાના ટેબલ પર પડેલ પાણીનો ગ્લાસ પાણી પીવા માટે આપ્યો.

મિત્રો, એટલે જ કહેવાય છે કે આપણે પણ આપણી લાઈફમાં એક વ્યક્તિ એવી જરૂર રાખવી કે જેની સાથે આપણે આપણાં સુખ અને દુઃખ વહેંચી શકીએ, જેના ખોળામાં આપણે માથું રાખીને સુઈ શકીએ, પછી એ વ્યક્તિ કોઈપણ હોઈ શકે….તે તમારો મિત્ર, તમારો પ્રેમી કે પ્રેમિકા, તમારા માતા-પિતા કે પછી તમારો સહકર્મચારી પણ હોઈ શકે.

ત્યારબાદ થોડીવાર બાદ અખિલેશ પહેલાની માફક સ્વસ્થ થઈ ગયો, થોડુંક રડયા બાદ જાણે તેના હૃદય કે મન પરથી એક મોટો બોજો ઉતરી ગયો હોય એટલી હળવાશ અનુભવી રહ્યો હતો, ત્યારબાદ અખિલેશ દીક્ષિતને મુંબઈથી ઊટી ગયો ત્યારથી માંડીને ઊટીથી મુંબઈ પાછો ફર્યો, આ દરમ્યાન પોતાની સાથે બેનેલ આખે-આખી ઘટનાઓ દીક્ષિતને વિસ્તારપૂર્વક જણાવી, અખિલેશની વાત સાંભળીને દીક્ષિતને પણ થોડોક આઘાત લાગ્યો, તેમ છતાંપણ અખિલેશને હિંમત આપતાં કહ્યું કે

“અખિલેશ ! આ બધી આપણાં હાથની વાત નથી…આપણે ઈચ્છતાં હોવાં છતાંપણ આપણે કંઈપણ કરી શકતાં નથી, આ બધી વાત તો નસીબની છે, જો શ્રેયાનો પ્રેમ તારા નસીબમાં લખેલ હશે, તો તે તને કોઈપણ સંજોગોમાં મળશે જ….માટે ચિંતા ના કરીશ.” – દીક્ષિતે અખિલેશને હિંમત આપતાં કહ્યું.

“હા ! દીક્ષિત ! તારી વાત સાચી છે, હું તારી વાત સાથે સહમત છું..!” – પોતાની ખુરશી પરથી ઉભા થતાં – થતાં અખિલેશ બોલ્યો. “સારું ! હવે ! આ વિશે વધું વિચારતો નહીં….વેઇટ એન્ડ વોચ કર.” – દીક્ષિતે હિંમત આપતાં કહ્યું. “ઓકે ! દીક્ષિત! થેન્ક યુ વેરી મચ..” – અખિલેશ દીક્ષિતનો આભાર માની તેની ચેમ્બરમાંથી બહાર નીકળે છે, અખિલેશ પહેલા કરતાં હવે સારું ફિલ કરી રહ્યો હતો.

ત્યારબાદ અખિલેશ પોતાની ચેમ્બર તરફ ચાલવા લાગે છે, અને પોતાનું મન કામમાં પોરવી લે છે, એવમાં સાંજના 5 વાગી ગયાં, આથી અખિલેશ પોતાનું લેપટોપ બેગ લઈને ઘરે જવા માટે ઉભો થાય છે, અને કંપનીના પાર્કિંગમાં જાય છે અને પાર્કિંગમાંથી પોતાની કારમાં બેસીને પોતાના ફ્લેટ જવા માટે નીકળે છે.

અખિલેશે દરરોજ જે રેસ્ટોરન્ટમાં જમતો હતો, તે રેસ્ટોરન્ટ તેના રસ્તામાં જ આવતી હતી, આથી અખિલેશે દરરોજની માફક પોતાની કાર તે રેસ્ટોરન્ટમાં ઉભી રાખી, અને ત્યાંજ ડિનર કરી લે છે….ડિનર કર્યાબાદ પેમેન્ટ કરી અખિલેશ ફરીપાછો પોતાની કારમાં બેસે છે, અને પોતાના ફ્લેટે પહોંચે છે.

ફલેટે પહોંચ્યા બાદ અખિલેશ ફ્રેશ થાય છે, અને નાઈટડ્રેસ પહેરી લે છે, અને થોડીવાર ટી.વી જોવા માટે બેસી જાય છે, ગઈકાલ રાતનાં ટ્રાવેલીગ અને ઉજાગરા, અને આજનાં પેન્ડિંગ ઓફીસ વર્ક પૂરું કરવાનાં થાકને લીધે, અખિલેશની આંખો ધીમે – ધીમે ઘેરવા માંડે છે, અને એટલીવારમાં તો અખિલેશને બે – ચાર બગાસાં પણ આવી જાય છે, આથી અખિલેશ ટી.વી. બંધ કરીને પોતાના બેડ રૂમમાં સુવા માટે જાય છે, અને બેડ પર પોતાનું શરીર ફેલાવીને સુઈ જાય છે……થોડીવારમાં અખિલેશને ઘસઘસાટ ગાઢ ઊંઘ આવી જાય છે.

આ બાજુ અખિલેશ ગાઢ ઊંઘમાં સૂતેલો હતો, તેના રૂમમાં નીરવ શાંતિ હતી, રૂમમાં અંજવાળું ના બરાબર જ હતું, ખૂણામાં રહેલ નાઈટલેમ્પ આછો-આછો પ્રકાશ આ વિશાળ અંધકારમય રૂમમાં ફેલાવી રહ્યો હતો.

એવામાં રાત્રીનાં 3 કલાકની આસપાસ અખિલેશ એકાએક “મને ! બચાવો….કોઈ મને બચાવો…..તે મને મારી નાખશે….મહેરબાની કરીને કોઈ મને બચાવો…!” – આવી બુમો પાડીને ગભરાયેલી હાલમાં એકાએક પોતાના બેડ પર બેઠો થઈ જાય છે, પછી અખિલેશને ખ્યાલ આવે છે કે પોતે કોઈ ખરાબ સપનું જોયું આથી પોતે ગભરાઈને ઉપર મુજબ ચીસો પાડવા લાગ્યો હતો, પછી અખિલેશ પોતાના બેડની બાજુમાં પડેલ પાણીની અડધી બોટલ એક જ શ્વાસમાં પીઈ જાય છે, અને પોતાના મનને શાંત પાડતાં કે માનવતા ફરી પાછો સુઈ જાય છે.

અખિલેશ જેને કોઈ સામાન્ય સપનું સમજીને ફરી પાછો સુઈ ગયો, એ ખરેખર કોઈ સામાન્ય સપનું ન હતું પરંતુ એ સપનું વાસ્તવમાં તો અખિલેશનાં જીવનમાં ઘણાં બધાં ઉથલ – પાથલ થવાનું છે, તેનો આગોતરો સંકેત જ હતો, એ સપનું જ એક રહસ્ય હતું, જે અખિલેશની ઊંઘ કાયમિક માટે ઉડાવી દેવાનું હતું, જેનો અખિલેશને ખ્યાલ પણ ન હતો.

અખિલેશે સપનામાં જોયું કે પોતે કોઈ હિલવાળા કે ઘાટવાળા વિસ્તારમાં ઘાયલ થયેલી હાલમાં પડેલ છે, પોતે ઇચ્છતો હોવા છતાંપણ ઉભા થઇ શકવા માટે સક્ષમ ન હતો, એવામાં એક પહાડી રાક્ષસ જેવો વ્યક્તિ અખિલેશની સામે આવે છે, જેનો ચહેરો અખિલેશ એકદમ સ્પષ્ટપણે જોઈ શકતો નથી, તે વ્યક્તિ અખિલેશને મારવાંના ઈરાદાપૂર્વક તેની તરફ આગળ વધી રહ્યો હતો, જેના હાથમાં એક કડું પહેરેલું હોય તેવું અખિલેશને દેખાય છે, જ્યારે ગળામાં એક જાડો એવો સોનાનો ચેન પહેરેલો હતો, જેમાં સિંહના મોઢાવાળું લોકેટ કે પેન્ડન્ટ લગાવેલ હતું…જેવો તે વ્યક્તિ અખિલેશને મારવાં જાય છે કે….તરત જ અખિલેશ…..”મને ! બચાવો….કોઈ મને બચાવો…..તે મને મારી નાખશે….મહેરબાની કરીને કોઈ મને બચાવો…!” – એવી બુમો પાડવા લાગે છે અને પોતાની ગાઢ નિંદ્રામાંથી ડર કે બીકને લીધે એક્દમથી જાગી જાય છે.

શાં માટે અખિલેશને આવું ડરામણું સપનું આવ્યું…? શાં માટે પેલો કદાવર વ્યક્તિ અખિલેશને મારવા માંગતો હતો…? આ સપનાને અખિલેશ સાથે શું સબંધ હશે….? શાં માટે અખિલેશને કોઈ દિવસ નહીં પરંતુ આજે જ પહેલીવાર આવું સપનું આવ્યું હશે….? શું આ ડરામણું સપનું અખિલેશની રિયલ લાઈફમાં હકીકત બનશે કે પછી એક સામાન્ય સપનું જ બનીને રહી જશે…..? આ બધાં પ્રશ્નોના જવાબ તો આવનાર સમય જ આપી શકે તેમ હતો, કારણ કે અખિલેશ ખુદ પણ આવું સપનું જોઈને ગભરાય ગયો હતો.

ધીમે-ધીમે દિવસો વીતવા લાગે છે, અખિલેશ પણ હવે જાણે પોતાની રૂટીન લાઈફ સાથે ફરી પાછું ટ્યુનિંગ મેળવી રહ્યો હતો, શ્રેયાને પોતે તેના હૃદયનાં કોઈ એક ખુણામાં મીઠી યાદગીરી તરીકે કે એક સ્વીટ ડ્રિમ ગણીને સાચવી રાખે છે. અખિલેશ પણ અંતે આ મેકેનિકલ લાઈફમાં ફિટ થઈ ગયો….પરંતુ તેણે ઊટીથી પરત ફર્યા બાદ પહેલે દિવસે રાતે જે ભયાનક, ડરામણું સપનું જોયું હતું એ સપનું હાલમાં પણ અખિલેશનો પીછો નહોતું છોડી રહ્યું, આ ભયાનક સપનાંને લીધે અખિલેશ છેલ્લા દસ દિવસથી શાંતિપૂર્વક કે નિરાંતે સુઈ શક્યો ન હતો, જાણે આ સપનું અખિલેશનાં જીવનમાં કંઈક સંદેશો કે રહસ્યો લઈને આવેલ હોય તેવું અખિલેશને લાગી રહ્યું હતું.

આથી દસ દિવસ સુધી તો અખિલશે પોતાની રીતે શાંતિથી ઊંઘ આવે તે માટે અલગ – અલગ નુસખા પણ કર્યા, પોતાના બેડ રૂમમાં ભગવાનનાં ફોટા પણ લગાવ્યા, પરંતુ અખિલેશ એ બાબતથી તદ્દન અજાણ જ હતો કે આ ભગવાન કે કુદરત આગળ જતાં તેની સામે કેવાં કેવાં રહસ્યો ખોલશે…? કે તેનાં જીવનમાં કેવા વળાંક લાવવાના હશે…? આ ઉપરાંત અખિલેશ ઊંઘ માટે જાણીતાં મેડિકલ સ્ટોરમાંથી સ્લીપ પિલ (ઊંઘની ગોળીઓ) પણ લેવાનું શરૂ કર્યું, જેથી તે શાંતિથી સુઈ શકે…પરંતુ આ સપનું જ એટલું ડરામણું હતું કે આ સ્લીપ પિલ પણ અખિલેશ શાંતિથી ઊંઘ લઈ શકે તે માટે ફાયદાકારક નીવડી નહીં, દરરોજ રાત્રે અખિલેશે આ ભયાનક સપનાને લીધે જાગી જ જતો હતો.

આ સીલસીલો દસેક દિવસ ચાલ્યો, અખિલેશની હાલત જાણે પાગલ જેવી થઈ રહી હોય તેવું પોતે અનુભવી રહ્યો હતો, પોતે શાંતિથી ઊંઘ લઈ શકે તે માટે આટ-આટલાં નુસખાઓ કર્યા, પરંતુ તેમાં સફળતા મળી નહીં, અખિલેશને ક્યારેક તો એવું લાગતું હતું કે ફલેટે નથી જાવું અહીં કંપનીમાં જ પોતાની ચેમ્બરમાં રાત દરમ્યાન સુઈ રહેવાની ઈચ્છા થઈ જતી હતી, પરંતુ કંપની તો સાંજે 6 વાગ્યાની આસપાસ બંધ થઈ જતી હોવાથી અખિલેશ પાસે પોતાના ફલેટે જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો જ ન હતો,

આથી અંતે અખિલેશ કંટાળીને હારીને, નિરાશ થઈને, પોતાની જાત સાથે લડી -લડીને શહેરની નામાંકિત વેદાંત સાઈકિયાટ્રિક હોસ્પિટલમાં બતાવવા માટે જાય છે, જયાં ડૉ. રાજન અખિલેશનાં કેશને ખુબ જ સારી રીતે હેન્ડલ કરે છે, ડૉ. રાજન અખિલેશને ડીપ કોમા સાઇકોથેરાપી આપે છે, ત્યારબાદ ડૉ. રાજન અખિલેશને અમુક સાઈકિયાટ્રિક મેડિસિન લખી આપે છે, જે અખિલેશ ડૉ. રાજને સમજાવ્યા મુજબ જ લે છે, આ મેડિસિન લેવાથી અખિલેશને બે દિવસ પેલું ડરામણું અને ભયાનક સપનું આવતું નથી આથી અખિલેશ મનોમન ખૂબ જ ખુશ થાય છે, અને ડૉ. રાજનનો મનોમન હૃદયપૂર્વક ખુબજ આભાર માને છે, પરંતુ અખિલેશ એ બાબતથી તદ્દન અજાણ જ હતો કે પેલું ડરામણું સપનું આવવાનું બંધ થઈ ગયું એનો મતલબ એવો ક્યારેય ન હતો કે અખિલેશનો એ સપના કે તેની સાથે જોડાયેલા રહસ્યોથી કાયમિક માટે છુટકારો થઈ ગયો….પરંતુ આ તો એક ભયાનક કે તુફાન કે વાવાઝોડા પહેલાની શાંતિ હતી, આવનાર તુફાન કે વાવાઝોડું અખિલેશની લાઈફને અસ્ત-વ્યસ્ત કરી નાખશે આ બાબતથી તો અખિલેશ તદ્દન અજાણ જ હતો.

આ બાજુ ડૉ. રાજને અખિલેશનાં કેસની ગંભીરતા પામતા, તેના જ કલાસ મેટ અને બેસ્ટ સાઈકિયાટ્રિક ડૉ. અભયને પોતાની હોસ્પિટલે અખિલેશનાં કેસ બાબતે ડિસ્કશન કરવાં માટે બોલાવે છે, ત્યારબાદ ડૉ. રાજન અને ડૉ.અભય બનેવે સાથે મળીને અખિલેશનો આ કેશ હેન્ડલ કરવાં માટે તૈયાર થઈ જાય છે.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ઊટીથી પરત ફર્યાંનાં પંદર દિવસબાદ

સમય : સવારનાં 9 કલાક

સ્થળ : અખિલેશનો ફ્લેટ.

અખિલેશ ફ્રેશ થઈને પોતાના ફ્લેટમાં રહેલ ડાઈનિંગ ટેબલ પર નાસ્તો કરવા માટે બેસેલ હતો, અને પોતાનો મોબાઈલ ટેબલ પર જ તેની પ્લેટની બાજુમાં જ મુકેલો હતો, અખિલેશ ચાની એક પછી એક ચૂસ્કીઓ લગાવી રહ્યો હતો, ચાની ચૂસ્કીઓ લગાવતાં – લગાવતાં અખિલેશ વિચારી રહ્યો હતો, કે હવે પોતાની લાઈફમાં બધું જ પહેલાંની માફક ઠીક થઈ ગયું છે, અને ડૉ. રાજને આપેલ મેડીસીનને લીધે છેલ્લા ત્રણ દિવસથી પેલું ભયાનક અને ડરામણું સપનું પણ આવેલ ન હતું, જો ડૉ. રાજને મને આ પરિસ્થિતિમાંથી બહાર ના કાઢ્યો હોત તો હાલમાં મારું જીવવું મુશ્કેલ બની ગયું હોત….!

એવામાં અખિલેશનો મોબાઈલ એકાએક રણકી ઉઠે છે, અને અખિલેશની આ વિચારોની ટ્રેન એકાએક અટકી જાય છે, અને અખિલેશ વિચારોની દુનિયામાંથી બહાર આવે છે. અખિલેશ પોતાના મોબાઇલની ડિસ્પ્લે પર નજર કરે છે, તો તેમાં લખેલ હતું અનનોન નંબર…આથી અખિલેશ કોલ રિસીવ કરે છે… “હેલો…!” – અખિલેશ કોલ રિસીવ કરતાં બોલે છે. “હેલો ! ગુડ મોર્નિંગ સર…!” – સામેની તરફથી અખિલેશને કોઈ સ્ત્રીનો સુમધુર મધ જેવો મીઠો અવાજ સંભળાય છે.

“યસ ! ગુડ મોર્નિંગ… કોણ…?” – અખિલેશે પૂછ્યું. “સર ! ભૂલી ગયાં મને…? મારો અવાજ પણ ના ઓળખી શક્યાં..?” – સામેની તરફથી અખિલેશે સાંભળ્યું. “યા ! મને અવાજ તો જાણીતો લાગે છે…આ સુમધુર અવાજ મેં ક્યાંક સાંભળેલો પણ છે…પરંતુ ક્યાં ? અને ક્યારે ? તે અત્યારે મને એક્ઝેટલી યાદ નહીં આવતું…!” – અખિલેશ મૂંઝાતા અવાજમાં બોલ્યો. “સર…હું….સાક્ષી બોલું છું…ઊટીથી યાદ આવ્યું..કંઈ…?” – સાક્ષીએ અખિલેશને પોતાની ઓળખ આપતાં બોલી. “ઓહ ! યસ ! સાક્ષી…! આઈ રિમેમ્બર…!” – અખિલેશને ઝબકારા સાથે યાદ આવ્યું હોય તેવી રીતે બોલ્યો. “કેમ છો…સર..?” – સાક્ષીએ સ્વભાવીક રીતે વાત શરૂ કરતાં પૂછ્યું. “બસ ! એકદમ ફાઇન…એન્ડ વોટ અબાઉટ યુ…?” – અખિલેશે સાક્ષીને પૂછ્યું.

“સર ! આઇ એમ ઓલસો ફાઇન..!” – સાક્ષીએ અખિલેશનાં પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું. “શું ! વાત છે…આજે અચાનક મને કોલ કરવાની જરૂર પડી ગઈ..?” – અખિલેશે આશ્ચર્ય સાથે પૂછ્યું. “સર ! વાત જ એવી છે કે મારે તેમને કોલ કરવાની જરૂર પડી..!” – સાક્ષી ગંભીર અવાજમાં બોલી. “એવી તો શું બાબત છે કે તારે મને તાત્કાલિક કોલ કરવાની જરૂર પડી…?” – અખિલેશે મૂંઝાતા અવાજે સાક્ષીને પૂછ્યું. “સાહેબ ! તમે શ્રેયાને કેટલાં સમયથી ઓળખતા હતાં..?” – સાક્ષીએ અખિલેશને હળવા અવાજે પૂછ્યું.

“બસ ! હું અને શ્રેયા….ઊટીમાં અમારી કંપનીના સોફ્ટવેરની લોન્ચિંગ ઇવેન્ટ હતી તેના એક દિવસ અગાવ જ અમે એકબીજાને ઊટીની ફેમસ નીલગીરી માઉન્ટેઈન કે ટોય ટ્રેનની મુસાફરી વખતે જ પહેલીવાર મળ્યાં હતાં, બસ ત્યારથી જ અમે એકબીજાને ઓળખતાં થયાં…! પણ તું અત્યારે આ બધું મને કેમ પૂછી રહી છો….?” – અખિલેશ ગંભીર થતાં બોલ્યો. “સાહેબ ! વાત જ એવી છે…! એટલે…!”- સાક્ષી બોલી. “શું ? વાત છે સાક્ષી મને આખી વાત પૂરેપૂરી જણાવ…! પ્લીઝ..!” – અખિલેશ સાક્ષીને વિનંતિ કરતાં બોલ્યો.

“સાહેબ ! ગઈકાલે ! સાંજે 8 વાગ્યાની આસપાસ જ્યારે હું મારી હોટલમાં ડ્યુટીની શિફ્ટ પુરી કરીને નીકળી રહી હતી, અને હોટલના મેઈન એન્ટરસ પાસે પહોંચી એવામાં મારી સામે અમારી હોટલના ઓનર મિ. વિશ્વજીત પંચાલ આવ્યાં, આથી મેં તેમને આદરપૂર્વક નમસ્કાર કરવાં માટે મારા બનેવે જોડ્યા, બરાબર આ જ વખતે મારા હાથમાં પર્સ હતું એ હું ભૂલી જ ગઈ હતી, આથી મારું પર્સ નીચે ફ્લોર પર પડ્યું, અને ખુલી ગયું, જેમાંથી તમે મને આપેલ શ્રેયાનો ફોટો અને તમારી કંપનીનું કાર્ડ અને મારો અમુક સામાન ઢોળાય ગયો, એવામાં શ્રેયાનાં ફોટા પર અમારી હોટલનાં માલિકની નજર પડી….આથી તેણે નવાઈ સાથે શ્રેયાનો ફોટો ઉઠાવ્યો અને મને પૂછ્યું કે.

“મિસ ! સાક્ષી..! તમે આ યુવતીને ઓળખો છો…? શું આ તમારી કોઈ ફ્રેન્ડ છે…? શું આ તમારા કોઈ ફેમિલી મેમ્બર કે નજીકનાં સગા- સંબંધી છે…?” – આશ્ચર્ય સાથે મિ. વિશ્વજીતે સાક્ષીને નવાઈ સાથે પૂછ્યું. “ના ! સર ! એક્ચ્યુઅલીમાં તો હું તેને કંઈ ખાસ ઓળખતી નથી…! પણ સર તમે મને કેમ આવા બધાં પ્રશ્નો પૂછી રહ્યાં છો…?” – સાક્ષીએ ગભરાતા અવાજમાં મિ.વિશ્વજીતને પૂછ્યું.

“સી ! સાક્ષી ! હું જ્યારે એકદમ યુવાન હતો, ત્યારથી જ આપણી આ હોટલ ચલાવું છું, હું ઊટીમાં જ જન્મ્યો છું, કદાચ ઊટીમાં જ મૃત્યુ પામીશ…પરંતુ દરેક વ્યક્તિનું પોતાનું એક સપનું હોય છે, એમ મારું પણ એક સપનું હતું કે ઊટીમાં હું મારી પોતાની એક આલીશાન હોટલ બનાવું…જે મેં મારી લાઈફના 30 વર્ષે પૂરું કર્યું, જ્યારે હાલમાં મારી ઉંમર 60 વર્ષની આસપાસ છે, એટલે કે આ સિલ્વર સેન્ડ હોટલ છેલ્લા 30 વર્ષોથી આવી જ રીતે ધમધમે છે….!” મિ. વિશ્વજીત પોતાનો ભૂતકાળ યાદ કરતાં બોલ્યાં.

“પણ….સર…એ બધી બાબતોને અને આ ફોટા સાથે શું લેવા – દેવાં છે..?” – સાક્ષીએ વિશ્વજીતને અધવચ્ચે જ અટકાવતાં પૂછ્યું. “હા ! સાક્ષી બેટા…હું ધીમે-ધીમે એ જ મુદ્દા પર આવું છું, આટલી મહેનત પછી, જ્યારે કોઈ પોતાની હોટલ બનાવવાનું સપનું પૂરું કરે એ વ્યક્તિ કે હોટલનો માલિક ક્યારેય પણ એવું ના ઈચ્છતો હોય કે તેની હોટલને બદનામી મળે… કે તેની હોટલ છાપાંઓની હેડ લાઇન બને….!” – મિ. વિશ્વજીત એક નિસાસો નાખતા બોલ્યો. “સર ! મને થોડુંક ડિટેઇલમાં જણાવોને..પ્લીઝ…!” – સાક્ષીએ મિ. વિશ્વજીતને વિનંતી કરતાં કહ્યું.

“બેટા ! આપણી હોટલ શરૂ થયાનાં લગભગ પહેલાં જ વર્ષે એટલે કે લગભગ 29 વર્ષ પહેલાં આપણી હોટલમાં આપણા શહેરનાં એમ.એલ.એ અને અન્ય પાંચ વ્યક્તિઓ સાથે આવીને આ છોકરી માટે થઈને ખુબ જ ધમાલ માચાવેલ હતી, કારણ એ સમયે આ છોકરી એક સુંદર યુવક સાથે આપણી જ હોટલમાં રોકાયેલ હતી…કારણ કે આ યુવતી અને આ યુવક એકબીજાનાં પ્રેમમાં હતાં, બનેવ એકબીજાને ગળાડૂબ પ્રેમ કરતાં હતાં, જે છોકરીવાળાનાં પરિવારને જરાય માન્ય હતું નહીં…આ યુવતીના પિતા એ સમયના ઊટીનાં નામાંકિત બિલ્ડર હતાં, પરંતુ એ લોકો જ્યારે આપણી હોટલમાં આવ્યાં તેના એકઝટ એક કલાક પહેલાં જ તે બનેવ આપણી હોટલમાંથી ચેક આઉટ કરીને જતાં રહ્યાં હતાં,

આથી તે એમ.એલ.એ, છોકરીનાં પિતા અને અન્ય વ્યક્તિઓ ખુબજ ગુસ્સામાં આપણી હોટલે થી જતાં રહ્યાં હતાં…!” – સાક્ષી આ બધું એકદમ અવાક થઈને સાંભળી રહી હતી, તેને મિ. વિશ્વજીતની વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો, સાક્ષી એ દુવિધામાં હતી કે તે કોના પર વિશ્વાસ કરે….વર્ષો પહેલા શ્રેયાને મળેલા તેની હોટલનાં માલિક વિશ્વજીત સર પર કે પછી થોડાંક જ દિવસો પહેલાં શ્રેયાને મળેલા અખિલેશ પર…? સાક્ષી જાણે કોઈ રહસ્યોથી ઘેરાય રહી હોય તેવું પોતે અનુભવી રહી હતી.

“સર…! ત્યારબાદ… આગળ….શું…..થયું…??” – સાક્ષીએ આતુરતાપૂર્વક પૂછ્યું. “બેટા ! સાક્ષી ! આગળ શું થયું એ તો મને ખબર નહીં…પરંતુ આ ઘટનાનાં બીજે જ દિવસે છાપામાં હેડલાઈન આવી કે ઊટીનાં જાણીતા એવા ટાઇગર હિલ પર બે યુવાન પ્રેમી પંખીડાઓએ પડતું મૂકીને પોતાનું આયુષ્ય ટૂંકાવ્યું….ત્યારબાદ આ ન્યૂઝની વિગતોમાં લખેલ હતું કે આ પ્રેમી યુગલ છેલ્લે સિલ્વર સેન્ડ હોટલમાં રોકાયેલ હતું….ત્યારબાદ ઊટીની લોકલ પોલીસ પણ આપણી હોટલે ઘણીવાર પુચ્છપરછ કરવાં માટે આવેલ હતી….આથી મને આ યુવતીનો ચહેરો ખાસ યાદ છે….જેનો ફોટો હાલ તારા પર્સમાંથી પડેલો જોયો..” – મિ. વિશ્વજીત પૂરેપૂરી વિગતો જણાવતાં બોલ્યાં….આ સાંભળીને સાક્ષી એકદમ અવાક રહી ગઈ હતી.

આ બધી વિગતો સાક્ષીએ અખિલેશને ફોન પર થોડાક ગંભીર અવાજમાં કહી. સાક્ષીએ જણાવેલ તમામ વિગતો સાંભળીને જાણે અખિલેશનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, જાણે તેના હૃદય પર કોઈ તિક્ષણ હથિયારથી હુમલો કર્યો હોય એટલી વેદનાં અખિલેશને થઈ રહી હતી, અખિલેશનું મન સાક્ષીની વાત પર વિશ્વાસ કરવાં માટે તૈયાર નહોતું થઈ રહ્યું….પોતાની સાથે આ શું ઘટી રહ્યું છે તે અખિલેશને સમજાતું ન હતું, આ સાંભળી અખિલેશ એકદમ બેશુધ્ધ જેવો થઈ ગયો…..પોતાના શરીરમાંથી જાણે એકદમ હાઈ વોલ્ટેજનો કરંટ એક જ ઝટકામાં પસાર થઈ ગયો હોય તેવું લાગ્યું… તેમ છતાં અખિલેશે સાક્ષીને પૂછ્યું…

“સાક્ષી ! ત્યારબાદ ? ત્યારબાદ શું થયું….?” – અખિલેશે અચરજ પામાતાં પૂછ્યું. “સર ! ત્યારબાદ એ દિવસે રાતે હું હોટલમાં જ રોકાઈ ગઈ હતી, અને મેં અમારા રેકોર્ડ રૂમમાં રહેલા તમામ રજીસ્ટરો આ રહસ્ય ઉકેલવા માટે વિખ્યા અને મને જે તારણ મળ્યું એ તો મારી સમજણથી બહાર હતું. “શું ? આવ્યું….તારણ…!” – અખિલેશે પૂછ્યું.

“સર ! ત્યારબાદ મેં વિશ્વજીત સરે જણાવ્યાં મુજબની તારીખ અમારી હોટલનાં જુના રાજીસ્ટમાં ચેક કરી….તેમાં શ્રેયાનો ફોટો લગાવેલ હતો જ તે પરંતુ તેનું નામ શ્રેયા ન હતું….!” – સાક્ષી રહસ્ય ખોલતા બોલી. “તો….તો….શું…? નામ લખેલ હતું શ્રેયાના ફોટા સામેની વિગતમાં….?” – અખિલેશે બેબાકળા થતાં સાક્ષીને પૂછ્યું. “સર…! એમાં નામ લખેલ હતું….નિ…ત્યાં…નિત્યા…?”

આટલું બોલતાં જ સાક્ષીને અખિલેશ તરફથી અચાનક જ કોઈ પ્રત્યુતર મળવાનું બંધ થઈ ગયું….સાક્ષી ઘણીવાર હેલો…હેલો…એવું બોલી…પરંતુ તેને અખિલેશ તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં…આથી સાક્ષીને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો….તેણે તરત જ કોલ ડિસ્કનેક કર્યો અને અખિલેશે આપેલ વિઝીટિંગ કાર્ડમાં રહેલા દીક્ષિતનાં નંબર પર કોલ કર્યો અને અખિલેશ સાથે જરૂર કાંઈ બન્યું છે….એવું દીક્ષિતને જણાવ્યું….કદાચ સાક્ષીએ કરેલ વાત કે જણાવેલ વિગતો સાંભળીને અખિલેશને એટલો બધો આઘાત લાગ્યો હશે કે તેનું કોમળ હૃદય કે પહાડી શરીર પણ આ આઘાત સહન કરવામાં નિષ્ફળ નીવડ્યું હશે…..આથી સાક્ષીએ દીક્ષિતને કોલ કરીને ઝડપથી જઈને અખિલેશની મદદ કરવા માટે વિનંતિ કરી, અખિલેશનાં નસીબ એટલા સારા હતાં કે દીક્ષિત આ સમયે તેની કંપનીએ જ જઈ રહ્યો હતો, તે હાલ જે સ્થળે હતો ત્યાંથી અખિલેશનો ફ્લેટ માત્ર દસથી મિનિટ દૂર હતો, આથી દીક્ષિતે પોતાની કાર પાંચમા ગેરમાં નાખી, અને એક્સસિલેટર દવાબી પોતાની કાર વાયુ વેગે અખિલેશનાં ફલેટ પર પહોંચાડી.

દીક્ષિતે અખિલેશનાં ફલેટે જઈને જોયું તો તેની આંખો આશ્ચર્ય થી પહોળી થઇ ગઇ, તેણે જે જોયું તેના પર તેની આંખોને વિશ્વાસ નહોતો આવી રહ્યો, પોતાનો બેસ્ટ ફ્રેન્ડ અખિલેશ ડાઇનિંગ ટેબલની બાજુમાં નીચે બેભાન થઈને પડેલ હતો, આ જોઈ દીક્ષિતને ખુબ દુઃખ લાગી આવ્યું, કારણ કે પોતાનાં ખાસ મિત્રને અચાનક શું થઈ ગયું…? અખિલેશને મોતના મુખમાં આવી રીતે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતાં જોઈને દીક્ષિત પણ હિંમત હારી રહ્યો હતો, પરંતુ દીક્ષિતે હિંમત કરીને આજુબાજુ વાળા ફ્લેટમાં રહેતાં તેની જ કંપનીના અન્ય કર્મચારીઓની મદદ વડે અખિલેશને નીચે કાર સુધી લઈ ગયા, દીક્ષિત અન્ય બે કર્મચારીઓની મદદથી અખિલેશને વેદાંત હોસ્પિટલમાં લઈ ગયાં……અખિલેશ વેદાંત હોસ્પિટલમાં ડૉ. રાજન પાસે પોતાની સારવાર લઈ રહ્યો છે એ બાબતની જાણ દીક્ષિતને હતી જ કારણ કે અગાવ એકવખત અખિલેશને વેદાંત હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ લીધેલ હોવાથી બતાવવા માટે દીક્ષિત પાસે પરમિશન માંગી હતી, જો કે વેદાંત હોસ્પિટલનું સજેશન પણ અખિલેશને દીક્ષિતે જ આપેલ હતું.

જ્યારે દીક્ષિત અખિલેશને લઈને વેદાંત હોસ્પિટલે પહોંચ્યા બરાબર એજ સમયે ડૉ. રાજન હોસ્પિટલમાં રાઉન્ડ લઈ રહ્યાં હતાં, દીક્ષિતન અખિલેશને આવી હાલતમાં લાવતા જોઈ ડૉ.રાજને રાઉન્ડ અધુરો છોડીને દીક્ષિત પાસે દોડીને આવ્યાં, ત્યારબાદ ડૉ. રાજને અખિલેશને વેદાંત હોસ્પિટલના સાઈકિયાટ્રિક ઈન્ટેનસીવ કેર યુનિટમાં દાખલ કરીને તાત્કાલિક સારવાર ચાલુ કરી દીધી.

આ સમયે સાઈકિયાટ્રિક ઈન્ટેસીવ કેર યુનિટની બહાર બેસેલ દીક્ષિતની આંખોમાંથી પોતાના મિત્રની આવી હાલત જોઈને દડ-દડ કરતાં આંસુ ટપકવા લાગ્યાં, દીક્ષિત અને અખિલેશની મિત્રતા એવી હતી કે દીક્ષિત જાણે શરીર હોય અને અખિલેશે તે શરીરમાં રહેલું ધબકતું હૃદય….,

આ બાજુ પોતાનો બેસ્ટ ફ્રેન્ડ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો, તો બીજી બાજુ દીક્ષિતને વિચારોની હારમાળાએ સંપૂર્ણપણે ઘેરી લીધો હતો…જેવા કે એકાએક અખિલેશને શું થયું હશે….? શું અખિલેશ હેમખેમ બચી જશે….? શું પોતાને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ ખોવાનો વારો તો નહીં આવશે ને….? મને કોલ કરીને જણાવનાર યુવતી કોણ હશે… ? તે અખિલેશને કેવી રીતે ઓળખતી હશે….? તે યુવતી અને અખિલેશ વચ્ચે શું સબંધ હશે….? તે યુવતી પાસે મારો કોન્ટેક નંબર ક્યાંથી આવ્યો હશે…? – આવા વગેરે પ્રશ્નો દીક્ષિતને અંદરથી કોરી ખાય રહ્યાં હતાં….પરંતુ તેના હાલ કોઈ જ જવાબ દીક્ષિત પાસે હતાં નહીં….આ બધાં પ્રશ્નોના જવાબ ત્યારે જ મળશે જ્યારે અખિલેશ ભાનમાં આવીને સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય……….!

ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

લેખક : મકવાણા રાહુલ.એચ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ