ધ ઊટી – નવલકથા ભાગ 7 સેલિબ્રેશનનો નશો હજી ઉતર્યો નહોતો અને ત્યાં જ હવે આ પ્રેમનો નશો? અનોખો વળાંક…

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

(અખિલેશે સફળતાપૂર્વક મેગા- ઈ સોફ્ટવેર લોન્ચ કર્યો, આ ભવ્ય સફળતાને સેલિબ્રેટ કરવા માટે તે પોતાના અન્ય ત્રણ કર્મચારીઓ સાથે રાત્રે આલીશાન પબમાં જાય છે, જ્યાં અખિલેશ અન્ય કર્મચારીઓના આગ્રહને વશ થઈને વિહસ્કિ પીવી છે, અને ત્યારબાદ બિયર પણ પીવે છે, અને અખિલશ આવી નશાની હાલતમાં લથડીયા ખાતાં-ખાતાં હોટલ પર પહોંચે છે, ત્યારબાદ હોટલનો સ્ટાફ અખિલેશને રૂમ સુધી લઈ જાય છે, અને બેડ પર સુવડાવીને દરવાજો બંધ કરી દે છે….)

સમય – સવારનાં 6 કલાક.

સ્થળ – અખિલશેનો રૂમ (ધ સીટી પેલેસ હોટલ)

અખિલશે હજુપણ પોતાની ફેન્ટસી વાળી દુનિયામાં ખોવાયેલો હતો, એવામાં અખિલશેના મોબાઈલમાં એલાર્મ વાગ્યું, આથી અખિલશ ઊંઘમાંને ઊંઘમાં મોબાઈલ શોધવા લાગ્યો, પરંતુ મોબાઈલ તો હજુસુધી તેના પેન્ટના ખિસ્સામાં હતો, આથી અખિલેશ એકાએક ઝબકીને જાગી ગયો, તે વિચારવા લાગ્યો કે આ મોબાઈલ ખિસ્સામાં કેવી રીતે આવ્યો…? શું પોતે આખી રાત મોબાઈલ ખિસ્સામાં જ રાખીને સુઈ ગયો હતો…? પોતે અહીં હોટલ પર કેવી રીતે પહોંચ્યો…? તેને હોટલ સુધી કોણ મૂકી ગયું…? તે પોતાના રૂમમાં રહેલા બેડ સુધી કેવી રીતે પહોંચ્યો….? હું તો આલીશાન પબમાં બેઠા – બેઠા બિયર પીતો હતો….તો પછી મારી સાથે શુ થયું હશે….? – અખિલેશનાં મનમાં આવા ઘણાં પ્રશ્નો ઉભા થયાં, જેના જવાબ હાલ તો અખિલેશ પાસે ન હતાં.

આથી અખિલેશ બેડ પરથી ઉભો થયો, જેવો અખિલેશ બેડ પરથી ઉભો થયો, તરત જ પોતાનું માથું પકડીને પાછો બેડ પર બેસી ગયો, કારણ કે તેને સખત હેડએક થતું હતું, જાણે આજુબાજુનું બધું ભમી રહ્યું હોય તેવું લાગતું હતું, પોતે નીચેની તરફ ઝુકવાની તો વાત અલગ છે, પરંતુ નીચું જોઇ પણ શકતો ન હતો, લગભગ તે વીસથી પચીસ મિનીટ સુધી પોતાનું માથું પકડીને બેસી રહ્યો, આવું હેડએક અખિલશને બે વર્ષ પહેલાં જ્યારે આલ્કોહોલ અને વહીસ્કી બંને સાથે પીધું હતું ત્યારે થયું હતું, આથી અખિલેશને ધીમે-ધીમે ખ્યાલ આવી ગયો કે આ કોકટેલ થવાથી પોતાને હાલ સખત હેંગઓવર થઈ રહ્યું હતું.

અખિલેશની હાલત એવી હતી કે પોતે આજે યોગા અને મેડિટેશન કરી શકે તેમ ન હતો…આથી અડધી કલાક બેડ પર જ માથું પકડીને બેસી રહ્યો, થોડીવાર પછી અખિલેશ ફ્રેશ થવા માટે જાય છે અને લગભગ 7 વાગ્યાની આસપાસ પોતે તૈયાર થઈ જાય છે, ફ્રેશ થવાથી અખિલશને થોડું સારું લાગી રહ્યું હતું, આથી તેણે રિસેપશન પર કોલ કરીને પોતાનાં રૂમ પર લીંબુ સરબત, એક લસ્સી, અને છાસ મંગાવી, થોડીવારમાં વેઈટર આ બધું લઈને અખિલેશનાં રૂમમાં લઈને આવ્યો, ત્યારબાદ અખિલેશે હેંગઓવર ઉતારવા માટે આ બધું પીધું, લગભગ અડધી કલાક બાદ અખિલેશનું અંતે હેંગઓવર એકદમ ઓછું થઈ ગયું, અને પોતે હાલ દરરોજની જેમ જ ફ્રેશનેસ અનુભવી રહ્યો હતો.

એટલીવારમાં અખિલેશનાં રૂમનો ડોરબેલ વાગે છે, આથી પોતે ઉભો થઈને જોવે છે તો રૂમની બહાર આકાશ ઉભો હતો, જે ગઈકાલે રાતે અખિલેશની સાથે આલીશાન પબમાં આવેલ હતો, તેને જોઈ અખિલેશે દરવાજો ખોલ્યો. “ગુડ મોર્નિંગ ! સર..!” – આકાશ હસતાં ચહેરે બોલ્યો. “ગુડ મોર્નિંગ ! આકાશ…!” – અખિલેશ રૂમમાં રહેલ ચેર પરથી ઊભાં થતાં બોલ્યો.

“સર ! મારે આજે, મેગા – ઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ પર પ્રેઝન્ટેશન છે, તો તમે એકવાર નજર કરી લો, જેથી હું વ્યવસ્થિત અને અસરકારક પ્રેઝન્ટેશન કરી શકુ…” – આકાશે અખિલેશને વિનંતી કરતા કહ્યું. “સ્યોર ! લાવ લેપટોપ મારી પાસે….” – અખિલેશ આકાશનું લેપટોપ પોતાનાં હાથમાં લેતાં બોલ્યો.

ત્યારબાદ, અખિલેશ આકાશે બનાવેલ આખું પ્રેઝન્ટેશન જોઈ લે છે…અને તેમાં જયાં સુધારા- વધારા કરવાની જરૂર જણાય ત્યાં ફેરફાર પણ કર્યો. ત્યારબાદ આકાશ અખિલેશ પાસે જવાની પરમિશન માંગે છે, પરંતુ અખિલેશ તેને ચા પીઈને જવા માટે આગ્રહ કરે છે, અને ત્યારબાદ રિસેપશન કાઉન્ટર પર કોલ કરીને બે ચા પોતાનાં રૂમમાં મંગાવે છે, અને બનેવે ચા ની ચૂસકીઓ લગાવવા માંડે છે…અને વાતોએ વળગે છે….

“આકાશ ! કેવું રહ્યું ગઇકાલનું સેલિબ્રેશન…?” “મજા પડી ગઈ…સાહેબ…ઘણાસમય બાદ કોઈની પણ રોકટોક વગર ફૂલ એન્જોય કર્યું ગઈકાલે….!” – આકાશ ખુશ થતાં બોલે છે. “સર ! તમને હવે કેવું છે…??” “મને કેવું છે ? મતલબ તું પૂછવા શું માંગે છો…?” – અખિલેશે નવાઈ સાથે પૂછ્યું. “સોરી ! સર ! મારો કહેવાનો મતલબ એવો હતો કે તમને હેંગ ઓવરને લીધે જે હેડએક થતું હતું…એ કેવું છે…?”

“હેંગઓવર ! તને કોણે જણાવ્યું આ બાબતે….?” – અખિલેશે અચરજ પામતાં આકાશને પૂછ્યું. “સર ! તમારા રૂમમાં જે વેઈટર લીંબુ શરબત, લસ્સી અને છાસ વગેરે લઈને આવ્યો હતો, એ જ વેઈટર પહેલા મારા રૂમમાં બ્રેકફાસ્ટ લઈને આવ્યો હતો, તેને મેં પૂછ્યું તો તેણે મને જણાવ્યું.” – આકાશ થોડુંક ગભરાતા બોલ્યો. “ઓકે ! નાવ આઈ એમ ફાઇન…” – અખિલેશે જવાબ આપ્યો. “ઓકે ! સર ! તો તમે ગઈકાલે રાત્રે હોટલ પર શાંતિથી પહોંચી ગયાં હતાં ને…?” “આકાશ ! રિયલમાં મને ગઈકાલે રાત્રે શું બન્યું હતું એ મને કંઈપણ યાદ નથી…” – અખિલેશ નિર્દોષભાવે બોલ્યો.

“સર ! કાલે રાતે, અમે લોકો તમને પૂછીને હોટલ પર જવા માટે આલીશાન પબ માંથી નીકળી ગયાં હતાં, અને તમને વહીસ્કીમાં મજા ના આવી માટે તમે બિયર પીવા બેસી ગયાં હતાં, તમે ફૂલી કોન્સિયસ હતાં, આથી અમે પબનું બિલ પે કરીને નીકળી ગયાં હતાં, પછી શું થયુ એ તો સાહેબ તમને જ ખબર હશે ને…!” – આકાશ બોલ્યો.

“ના ! આકાશ મને આ પછી મારી સાથે શું થયું એ જરા પણ યાદ નથી….” – લાચારીભર્યા અવાજમાં અખિલેશ બોલ્યો. ત્યારબાદ આકાશ અખિલેશની પરમિશન લઈને પોતાના રૂમમાં જવા માટે રવાનાં થાય છે, આકાશ ડિજિટેક સોફ્ટવેર કંપનીમાં અખિલેશની દેખરેખ હેઠળ કામ કરતો હતો, અખિલેશ અને આકાશને એકબીજા સાથે સારું એવું ટ્યુનિંગ પણ આવી ગયું, એવામાં અખિલશની નજર કાંડા ઘડિયાળ પર પડે છે, ત્યારે ઘડિયાળમાં સવારનાં 8:45 વાગી ચુક્યા હતાં, આથી અખિલશ, ઇવેન્ટવાળા હોલ તરફ જાય છે…

બધાં આમંત્રિત મહેમાનોને આવકારતા અખિલેશ બધાનો આભાર માને છે, અને તેણે ધારેલ સંખ્યા કરતાં, આજે આવેલા મહેમાનો અને અન્ય કંપનીના કર્મચારીઓની સંખ્યા વધી ગઈ, આ જોઈ અખિલેશ મનોમન ખુબ જ ખુશ થઈ ગયો, અને આજના દિવસનો પ્રોગ્રામ શેડ્યુલ પ્રમાણે જ શરૂ કરવામાં આવ્યો, જેમાં આકાશે ખુબ જ સુંદર રીતે “મેગા – ઈ” સોફ્ટવેરના ડેવલપમેન્ટ વિશેની બેઝિક અને પાયાની સરળ ભાષામાં સમજૂતી આપી, આકાશ દ્વારા સ્પષ્ટ અને પોઇન્ટ -ટુ – પોઈન્ટ એક્સપ્લેનેશન મળવાથી હાજર રહેલા તમામ કર્મચારીઓ અને મહેમાનોનાં બધાં જ ડાઉટ ક્લિયર થઈ ગયાં.

આકાશનું પ્રેઝન્ટેશન એટલું અસરકારક હતું, કે ખુદ અખિલેશ પણ નવાઈ પામ્યો હતો, આમ તો આકાશ અખિલેશની દેખરેખ હેઠળ તૈયાર થતો હતો, આથી તે હોશિયાર હોવાનો જ તે જેમાં કોઈ બે મત નથી, અખિલેશ પણ આકાશને એક કર્મચારી તરીકે નહીં પરંતુ નાના ભાઈ તરીકે જ ટ્રીટ કરતો હતો, આથી આકાશ પણ ખુબ જ ઝડપથી બધી બાબતોમાં અખિલેશની જેમ તૈયાર થઈ રહ્યો હતો, અને આકાશ પણ અખિલેશને પોતાના મોટાભાઈ માનતો હતો, અને કોઈપણ કામ અખિલેશને પૂછયા વગર કરતો ન હતો, આકાશની આ બાબત અખિલેશને ખૂબ જ ગમતી હતી.

અખિલેશને આકાશ પ્રત્યે એટલા માટે એટલો બધો લગાવ હતો કારણ કે અખિલેશ જ્યારે પણ આકાશને જોવે ત્યારે તે પોતાની જાતને જોઈ રહ્યો હોય તેવું લાગતું હતું, કારણ કે આકાશ પણ અખિલેશની જેમ હોશિયાર, કામ પ્રત્યે નિષ્ઠાવાન, સમયસર બધાં કામ કરવામાં માનવા વાળો, લાગણીશીલ, નીતિમત્તા વાળો, જ્યારે વધારે કામ હોય ત્યારે સમયની પરવાહ કર્યા વગર કામ પૂરું કરવા માટે ઉત્સાહી, એ ઉપરાંત આકાશે પણ અખિલેશની માફક નાની ઉંમરમાં જ પિતાની છત્ર-છાંયા ગુમાવી દીધેલ હતી, અખિલેશને લાગી રહ્યું હતું કે આકાશ હજુપણ ખુબ જ આગળ વધશે, એક ઉજ્જળ ભવિષ્ય જાણે આકાશની રાહ જોઈ રહ્યું હોય એવું અખિલેશને લાગતું હતું.

અખિલશ મનોમન ખુબ જ ખુશ થઈ રહ્યો હતો કારણ કે આજે પણ પહેલા દિવસ જેવી જ સફળતા મળી, અને ઇવેન્ટ જે પ્રમાણે અખિલેશે વિચારેલ હતી, તે જ પ્રમાણે આગળ વધી રહી હતી, ત્યારબાદ અખિલેશે માઇક પોતાના હાથમાં લીધું, હાજર સૌ કોઈનો કંપનીના સી.ઈ.ઓ ની હેસિયતથી આભાર વ્યક્ત કર્યો, અને આવતીકાલના શેડ્યુલ વિશે થોડીઘણી આછેરી માહિતી આપી.

ત્યારબાદ બધાં કર્મચારીઓ અને મહેમાનો બધાં એકબીજાથી અલગ પડે છે, અને અખિલેશ આજના દિવસનું અપડેટ જણાવવા માટે દીક્ષિતને ફોન કરે છે, અને વિગતવાર બધું જણાવે છે, અખિલેશની વાત સાંભળીને દીક્ષિત ખુબજ ખુશ થઈ જાય છે, પછી અખિલેશ પોતાના રૂમમાં જાય છે, અને ફ્રેશ થઈને હોટલના ડાઇનિંગહોલમાં જમવા માટે જાય છે, જમ્યા બાદ અખિલેશ પોતાના રૂમમાં પરત ફરે છે, અને પોતાના બેડ પર બેસે છે…!

બેડ પર બેસીને અખિલશે પોતાના લેપટોપમાં ત્રીજા દિવસનું શેડ્યુલ જોવે છે, અને કોણ આવતીકાલે પ્રેઝન્ટેશન કરવાનું છે…? કયાં વિષય પર પ્રેઝન્ટેશન કરવાનું છે…? પ્રેઝન્ટેશનમાં કયાં – કયાં મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવાનું છે…? પોતાને શું સ્પીચ આપવાની છે…? આવા વગેરે મુદ્દાઓ પર એક નજર ફેરવે છે. લગભગ એકાદ કલાકમાં અખિલેશ આ બધી વિગતો તપાસી લે છે, અને જરૂરી એવા મુદ્દાઓ પોતાની ડાયરીમાં ટપકાવી દે છે. ત્યારબાદ અખિલેશનું ધ્યાન હોટલનાં રૂમની દિવાલ પર ટીંગાડેલ ઘડિયાળ પર જાય છે, જેમાં રાત્રીનાં 10:30 વાગી ચૂક્યાં હતાં.

અખિલેશ બેડ પર બેઠાં- બેઠાં વિચારે છે કે ગઈકાલે આવા સમયે હું શું કરી રહ્યો હતો એ મને કંઈ યાદ જ નથી, છેલ્લે તેણે આલીશાન પબનાં વેઈટર પાસે બિયરનું પાંચમું ટીન મંગાવ્યું હતું, એટલું જ યાદ છે, પછી શું થયું એ કઈ તેને યાદ હતું નહીં…આલીશાન પબની બહાર ક્યારે આવ્યો…? રસ્તો કેવી રીતે યાદ રહ્યો….? હોટલ સુધી કેવી રીતે પહોંચ્યો….? હોટલ પર પહોંચ્યા પછી તેના રૂમ સુધી કોણ મુકી ગયું….? તેને રૂમનાં બેડ પર કોણ સુવડાવી ગયું…? આ વગેરે પ્રશ્નો હજુપણ અખિલેશનાં મનમાં વાંરવાર ઉભા થઇ રહ્યાં હતાં, આથી અખિલેશ આ બધાં પ્રશ્નોના જવાબ શોધવા માટે ખૂબ જ ઊંડું વિચારવા લાગ્યો, અને આખી ઘટના યાદ કરવા માટેના પ્રયત્નો કરવા લાગ્યો.

અખિલેશ જ્યારે આ બધાં મુદ્દાઓ વિશે ઊંડાણપુર્વક વિચારી રહ્યો હતો, અને તેના મનમાં ઉપસ્થિત થયેલા બધાં પ્રશ્નોનો જવાબ શોધી રહ્યો હતો….એવામાં એકાએક અચાનક જ અખિલેશને કાંઈક યાદ આવ્યું હોય…અથવા પોતાનાં મનમાં હાલમાં જે કંઈપણ પ્રશ્નો વણઉકલાયેલા હતાં તેનો જાણે એક જ ક્ષણમાં કે પળવારમાં જ જવાબો મળી ગયાં હોય તેવી રીતે બેડમાંથી એકાએક ઝડપભેર ઉભો થયો, અને અલીશાન પબ તરફ ઝડપથી પોતાના પગલાં માંડ્યા….હાલમાં રાત્રીના 11:30 વાગી ચૂક્યાં હતાં.

અખિલેશને આવી રીતે ઝડપથી હોટલની બહાર આટલી મોડી રાતે બહાર જતાં જોઈને રિસેપશન પર બેસેલો કર્મચારી પણ વિચારવા લાગ્યો…કે આ સાહેબ આટલી અડધી રાતે આટલી બધી ઉતાવળમાં ક્યાં જઈ રહ્યાં હશે..? આથી તેણે અખિલેશને રિસેપશન કાઉન્ટરની નજીક રસ્તામાં જ ઊભાં રાખતાં પૂછ્યું… “સાહેબ ! આટલી મોડી રાતે..તમે એકલા આટલી ઉતાવળમાં કઈ બાજુ જઈ રહ્યાં છો..?” – અખિલેશને રોકતાં હોટલનો રિસેપનીસ્ટ બોલ્યો.

“જી ! મને એકાએક એક કામ યાદ આવી ગયું, એટલે હું બહાર જાવ છું, લગભગ ત્રીસેક મિનિટમાં પાછો આવી જઈશ.” – અખિલેશે ઉતાવળમાં જવાબ આપ્યો. “સાહેબ ! મારી કે હોટલના અન્ય કોઈ સ્ટાફની મદદની જરૂર હોય તો જણાવો.. અમે ચોક્કસ તમારી મદદ કરીશું..!” – રિસેપનીસ્ટે અખિલેશને આજીજી કરતાં પૂછ્યું. “નો ! આ કામ માટે મારે હોટલનાં કોઈપણ સ્ટાફની કંઈ જરૂર નહીં… આ કામ હું મારી જાતે જ કરીશ…અને આમેય તે આ કામ મારૂં છે, તો હું પોતે જ કરીશ…અને બીજા કોઈથી આ કામ થઈ શકે તેમ નથી…!” – આટલું બોલી અખિલેશ હોટલની બહાર નીકળીને આલીશાન પબ તરફ જતાં રસ્તે પોતાના ડગલાં માંડવા લાગ્યો.

અખિલેશને આલીશાન પબ વાળા રસ્તે જતો જોઈને રિસેપનીસ્ટ અને ત્યાં હાજર કર્મચારીઓને એવું લાગ્યું કે આ સાહેબ આજે પણ એન્જોય કરવા માટે આલીશાન પબમાં જઈ રહ્યાં છે….જાય એનો વાંધો નહીં પરંતુ ગઈકાલે જે હાલતમાં પરત આવેલા હતાં, તે હાલતમાં પાછા ના આવે તો સારૂં…. રિસેપનિસ્ટ અને હાજર અન્ય કર્મચારીઓ આવું વિચારે તે સ્વાભાવિક પણ છે, કારણ કે ગઈકાલે રાતે તે બધાં એ અખિલેશની હાલત પોતાની સગી આંખો વડે જોઈ હતી…અને એ જ લોકો અખિલેશને તેના રૂમ સુધી આવી હાલતમાં છોડીને આવેલ હતાં પરંતુ અખિલેશ વાસ્તવમાં તો બીજા જ કામ, વિચાર કે આશયથી હોટલની બહાર જઈ રહ્યો હતો જે બાબતે રિસેપનીસ્ટ ઉપરાંત હાજર અન્ય કર્મચારીઓ પણ અજાણ હતાં.

એકા એક અખિલેશને એવું તો શું યાદ આવ્યું કે જેથી તેને આટલી ઝડપથી આલીશાન પબ વાળા રસ્તે, એ પણ મોડી રાતે, એકલા અને કોઈપણની મદદ વગર જ જવાની જરૂરિયાત ઉભી થઈ હશે…..??? હજુપણ આ પ્રશ્ન વણઉકલાયેલ જ હતો…..! અખિલેશ જ્યારે પોતાની સાથે શું બન્યું હશે તેનો ઊંડાણપૂર્વક વિચાર કરી રહ્યો હતો, તે દરમિયાન તેની નજરોની સમક્ષ એક આછી મુખાકૃતિ તરી આવે છે…જ્યારે તે વધુ ઊંડાણપૂર્વક વિચારે છે તો તે આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે કારણ કે એ મુખાકૃતિ બીજા કોઈની નહીં પરંતુ શ્રેયાની જ હતી…હવે ગઈકાલે રાત્રે પોતાની મદદ કરનાર શ્રેયા જ હતી કે પોતાનો વહેમ એ નક્કી કરવા માટે ફરી એ જ રસ્તા પર જાય છે.

અખિલેશ રાતે 11:30 વાગ્યાની આસપાસ ધ સીટી પેલેસ હોટલ અને આલીશાન પબ વચ્ચે આવેલ રસ્તાની વચ્ચોવચ ઉભો રહે છે, અને પોતાની ગઈકાલે શું બન્યું હશે…તે વિચાર સાથે વિઝયુલાઈઝ કરવાં માટેના પ્રયત્નો કરવાં માંડે છે. ધીમે – ધીમે અખિલેશને આખી ઘટના યાદ આવવાં લાગે છે, છેલ્લે અખિલેશને યાદ આવ્યું કે પોતે જ્યારે સીટી પેલેસ હોટલે જઇ રહ્યો હતો, ત્યારે તેણે રસ્તામાં એકબીજાને ભસ્તા કૂતરાને પથ્થર માર્યો હતો.

બરાબર એ જ સમયે તેના કાનમાં એક કર્ણપ્રિય સુમધુર અવાજ પડ્યો, એના શબ્દોમાં એટલી મીઠાસ હતી કે બસ તેનો અવાજ સાંભળ્યા જ કરીએ એવું લાગતું હતું, આથી અખિલેશે નશાની હાલતમાં પણ એ અવાજથી પ્રભાવિત થઈને અવાજ જે દિશા તરફથી આવી રહ્યો હતો, તે દિશામાં લથડીયા ખાતાં-ખાતાં પાછું વળીને જોવા માટે પ્રયત્ન કર્યો. જેવું અખિલેશે પાછળ વળીને જોયું તો તેની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ,….કારણ કે એ સુમધુર કર્ણપ્રિય અવાજ બીજા કોઈનો નહીં પરંતુ ખુદ શ્રેયાનો જ હતો, શ્રેયાને પોતાની પાછળ, આટલી મોડી રાતે જોઈને અખિલેશને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો, આથી અખિલેશે પોતાની આંખો બે હાથ વડે ચોળતાં-ચોળતાં શ્રેયા તરફ ફરીવાર જોયું, અખિલેશ વિચારવા લાગ્યો કે પોતે હાલ નશાની હાલતમાં છે એટલે તેને સામે શ્રેયા જ દેખાતી હશે, કારણ કે અખિલેશ શ્રેયાને હૃદયથી ચાહવા લાગ્યો હતો.

અખિલેશની આવી હરકત કે પ્રતિક્રિયા જોઈને શ્રેયાએ અખિલશની નજીક જઈને માથા પર હળવેથી ટપલી મારીને કહ્યું કે… “અખિલેશ ! તમે નશાની હાલતમાં છો, એ સો ટકા સાચી વાત છે, આ વાત જેટલી વાસ્તવિક છે એટલી જ હું તમારી સામે ખરેખર ઉભી જ છું એ વાત પણ વાસ્તવિક છે.” – શ્રેયા અખિલેશને વાસ્તવિકતાનું ભાનું કરાવતાં બોલી.

શ્રેયાનાં આ શબ્દો સાંભળીને અખિલેશને વિશ્વાસ આવી ગયો કે હાલ પોતે હકીકત માં શ્રેયાની સામે ઉભો હતો, આથી અખિલેશે પોતાના લથડીયા ખાતાં કદમોને સ્થિર કરવાં માટે વ્યર્થ પ્રયત્નો કરવાં લાગ્યો, પરંતુ અખિલેશ એટલી નશાની હાલતમાં હતો કે તેના પગ સ્થિર રાખવાના પ્રયત્નો કરવાં છતાંય તેનું પુરે-પુરૂ શરીર હજુ પણ ડોલી રહ્યું હતું, ત્યારબાદ અખિલેશે પોતાના કપાળ પર રહેલો પરસેવો લૂછતાં-લૂછતાં બોલ્યો.

“શ્રેયા….તું અત્યારે ..? અહીં…?…આ સમયે…?” – અખિલેશ માંડ – માંડ અટકતા-અટકતા અવાજે બોલ્યો. ” હા ! હું અત્યારે, અને એ પણ તમારી સમક્ષ જ ઉભી છું, હું અહીં ઊટીમાં ટુરમાં આવેલ છું, અને દસ દિવસ રોકાવાની છું, અને મારી હોટલ પણ સામે જ આવેલ છે…” – શ્રેયાએ પોતાની હોટલ તરફ આંગળી ચીંધીને ઈશારો કરતાં અખિલેશને બતાવ્યું.

અખિલેશ માંડ-માંડ મહામહેનતે સ્થિર ઉભો રહી શકતો હતો, એમાં પણ શ્રેયાએ હોટલ દર્શાવવા માટે પોતાના હાથ વડે જે બાજુ ઈશારો કર્યો, એ તો અખિલશે કેવી રીતે જોઈ શકે….? છતાંપણ અખિલેશે પોતાની ઢળતી આંખોને સ્થિર કરીને હોટલ તરફ જોવા લાગ્યો, વાસ્તવમાં તો અખિલેશને બધું જ ધુધળું અને ડબલ જ દેખાય રહ્યું હતું. “સ…ર..સ..” – અખિલેશ બોલ્યો.

“હું ! ગઈકાલે રાતે મારા રૂમની ગેલેરીમાં ઉભા રહીને જ્યારે ઊટી શહેરની રોશની અને સુંદરતાને નિહાળી રહી હતી, એવામાં મને જોર-જોરથી કુતરાઓનો ભસવાનો અવાજ સંભળાયો…આથી મેં ગેલેરીમાંથી નીચે જોયું…અને મેં તમને જોયો, ત્યારબાદ તમારી હાલત જોઈ, આથી મને તમારા પર દયા આવી અને તમને મદદ કરવા માટે હું નીચે આવી, આમપણ તમે મને ટોયટ્રેનમાં મુસાફરી દરમ્યાન ટ્રેનમાં ચડવામાં મદદ કરી હતી, એટલે મારી પણ ફરજ બને કે હું પણ તમારી મદદ કરું, અને આમપણ આ હાલતમાં તો તમારે ખાસ કોઈની મદદની જરૂર હતી.” – શ્રેયાએ આખી ઘટના જણાવતાં અખિલેશને કહ્યું.

ત્યારબાદ શ્રેયાએ લથડીયા ખાઈ રહેલા અખિલેશનો હાથ, પોતાના હાથમાં પકડીને કોઈ માતા જેવી રીતે પોતાનાં નાનાબાળકનો હાથ પકડે તેવી રીતે શ્રેયા અખિલેશનો હાથ પકડીને ધ સીટી પેલેસ હોટલ સુધી મૂકી ગઈ, હોટલ નજીક આવતા જ શ્રેયા અખિલેશનો હાથ છોડતાં બોલી. “સાહેબ ! તમારી, મંજિલ આવી ગઈ છે, અને તમારો મારા પર રહેલો ઉપકાર પણ હવે ચૂકવાઈ ગયો છે…” – આટલું બોલી શ્રેયા પોતાની હોટલ તરફ જવા માટે પાછી ફરી.

સીટી પેલેસ હોટલથી થોડેક જ દૂર રહેલ એક બાઈકનો ટેકો લઈને અખિલેશ માત્ર શ્રેયા જતી હતી તે નિહાળતો રહ્યો, આ બાજુ શ્રેયા પોતાની નજરોથી દુર થઈ રહી હતી, અને બીજી બાજુ પોતાના શરીર પરનો કંટ્રોલ પણ ઓછો થઈ રહ્યો હતો, અખિલેશ મૂંઝવણ અનુભવી રહ્યો હતો, કે આ નશો આલ્કોહોલનો છે કે પછી પોતે જેને દિલથી પસંદ કરે છે તે શ્રેયાનો….!

અખિલેશ જ્યારે સીટી પેલેસ હોટલ અને આલીશાન પબની વચ્ચે આવેલા રસ્તા પર ઉભાં- ઉભાં, પોતાની સાથે બનેલ આ બધી ઘટનાઓ વિઝયુલાઈઝ કરી રહ્યો હતો, એવામાં અખિલશના કાને ફરી એજ મધુર કર્ણપ્રિય અવાજમાં બોલાયેલા શબ્દો પડે છે… “આજે ! પણ તમે મોજમાં જ છો…? આલ્કોહોલ લઈને…?” અખિલેશ અવાજની દિશામાં પાછું વળીને જોવે છે, તો ત્યાં ખુદ શ્રેયા ઉભી હતી..જેને જોઈ અખિલેશને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. “ના ! બિલકુલ નહીં…આજે હું જરાપણ નશામાં નથી…!” – શ્રેયા અને તેની સુંદરતા સામે જોતા અખિલેશ બોલ્યો.

શ્રેયા ગુલાબી કલરનાં નાઈટડ્રેસમાં હતી, ગુલાબી રંગનું ટી-શર્ટ અને કાળા રંગની કેપ્રી પહેરેલ હતી, માથા પર સાદો અંબોડો વાળેલ હતો, અને તેના પર કાળા રંગનું રબબર બેન્ડ લગાવેલ હતું, તેના ખુલ્લા વાળ કરતાં પણ તે આ અંબોડામાં વધું મોહક લાગી રહી હતી, હાથમાં ગુલાબી રંગનું રબબર બેન્ડ લગાવેલ હતું, હાથમાં મોબાઈલ અને ગળામાં લગાવેલ સફેદ રંગની હેન્ડસ ફ્રી ને લીધે તે વધુ સુંદર લાગી રહી હતી, અખિલેશે ટ્રેનમાં જોઈ તેના કરતાં શ્રેયા આજે વધુ આકર્ષક અને માદક લાગી રહી હતી….તેણે પહેરેલા કપડામાંથી જાણે યુવાની બહાર ડોકિયા કરી રહી હોય તેવું લાગી રહ્યું હતું….અખિલશ મનમાં વિચારી રહ્યો હતો કે આજે તો શ્રેયાને જોઈને એવું લાગે છે કે કોઈ આલ્કોહોલની જરૂર જ નથી, શ્રેયાનું રૂપ અને મોહકતા જ તેને નશો ચડાવી દેશે…!

“ઓહ ! મિ. અખિલેશ ! હું તમારી સાથે વાત કરું છું..!” – અખિલેશનું ધ્યાન તોડતાં શ્રેયા બોલી. “જી ! બિલકુલ નહીં, આજે મેં આલ્કોહોલ નથી લીધો, એ તો ગઈકાલે મારી કંપનીની સોફ્ટવેર લોન્ચિંગની ઇવેન્ટ હતી, તેમાં ભવ્ય સફળતા અને આવકાર મળેલ હતો, જેના સેલિબ્રેશનના ભાગ રૂપે મેં અને મારી કંપનીના અન્ય કર્મચારીઓ સાથે એક નાનકડું સેલિબ્રેશન કર્યું હતું..” – અખિલેશ પોતાનો બચાવ કરતાં બોલ્યો.

“થેન્ક ! ગોડ..! હું જ્યારે મારી ગેલેરીમાં બેસીને સોન્ગ સાંભળી રહી હતી, એવામાં મારી નજર તમારા પર પડી, મને લાગ્યું કે તમે આજે પણ નશાની હાલતમાં હશો, આથી તમારી મદદ કરવા માટે હું નીચે હોટલની બહાર દોડી આવી…!” – શ્રેયા એક જ શ્વાસમાં બધું બોલી ગઈ. “શું ! હું નશાની હાલતમાં હોવ તો જ તે તું મારી મદદ કરે એવું…? કે મારી સાથે વાત કરે…એવું…?” – અખિલેશે શ્રેયાને એક નિર્દોષ પ્રશ્ન પુછ્યો.

અખિલેશનો આ પ્રશ્ન કે તેના શબ્દો શ્રેયાના હૃદયને વીંધીને આરપાર નીકળી ગયાં, અખિલેશને શું જવાબ આપવો, તેના માટે શ્રેયા પાસે હાલ કોઈપણ શબ્દો હતાં નહીં….કારણ કે શ્રેયા પણ અખિલેશને મનોમન પસંદ કરવા લાગી હતી, તેણે વિચાર્યું કે જો પોતે અખિલેશને “હા” એવું કહેશે તો પછી અખિલેશ પોતાની પાછળ એટલો ગાંડો છે કે દરરોજ રાત્રે આલ્કોહોલ પીઈને જ આવી રીતે આવશે…જેથી હું તેને અહીં આવી દરરોજ મદદ કરવાનાં બહાને હું તેને મળું.

“ના ! એવું કંઈ નથી….!” – શ્રેયા વિચારીને બોલી. “તો ! કેવું છે…?” – અખિલેશ વાતનો દોર પકડતા બોલ્યો. “કંઈ નહીં…” – શ્રેયા થોડું શરમાતા અને હસતા ચહેરે બોલી. “કંઈક તો છે જ…” – અખિલેશ હવે શ્રેયા પાસે મનની વાત બોલાવવા માંગતો હોય તેવી રીતે બોલ્યો. “એવું નહીં…! તમારી જગ્યાએ કોઈપણ હોત તો હું તેને મદદ કરવા આવી જ હોત…!” – શ્રેયા બોલી.

“હું ! માનું છું કે તમે ચોક્કસ મદદ કરી જ હોત… પણ હું નહીં માનતો કે તમે કોઈ અજાણ્યો વ્યક્તિ કે જે આટલી મોડી રાતે ફૂલ નશાની હાલતમાં હોય અને તમે તેને મદદ કરવા માટે આગળ આવ્યા હોત..!” – અખિલેશ હવે મુદ્દા પર આવી રહ્યો હતો. “હમમ…” – શ્રેયા પાસે કોઈ જવાબ ન હોવાથી માત્ર આટલું જ બોલી. “શું ! તને મારા પ્રત્યે કાંઈ ફીલિંગ છે…?” – હવે અખિલેશે દિલની વાત જણાવતા શ્રેયાને પૂછી જ લીધું. “પ..ણ… પ….ણ..” – શ્રેયાએ આવો જવાબ આપ્યો, અખિલેશ જાણે શ્રેયાના મનની વાત જાણી ગયો હોય તેવું લાગી રહ્યું હતું.

“તારા ! મનમાં મારા પ્રત્યે જે કોઈ લાગણી હોય તે કોઈપણ પ્રકારના ડર કે બીક વગર જણાવી શકો છો..” – અખિલેશે હિંમત કરતાં શ્રેયાને કહ્યું. “શું…તમે…પણ…!” – આટલું કહી શ્રેયા શરમાતા ચહેરે હસતાં – હસતાં પોતાની હોટલ તરફ જવા લાગી. આ બાજુ શ્રેયાનો જવાબ સાંભળવા આતુર અખિલેશ, શ્રેયાને પોતાનાથી દૂર જતી જોઈને, ટ્રેનમાં કરી હતી એવી ભૂલનું પુનરાવર્તન ના થાય તે માટે જોરથી બુમ પાડીને શ્રેયાને પૂછ્યું. “તો…હું…હા…સમજુ…કે…ના…?” – અખિલેશે શ્રેયાને મોટા અવાજે પૂછ્યું

અખિલેશ એ બાબત ખુબ જ સારી રીતે જાણતો હતો કે જ્યારે કોઈ છોકરો પોતાને પસંદ છોકરી પાસે પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂકે અને જો તે છોકરી પ્રસ્તાવ મુકનાર છોકરાને પસંદ ના કરતી હોય તો છોકરી તે છોકરાના મોઢા પર જ ના કહીને જતી રહેતી હોય છે, અહીં શ્રેયાએ અખિલેશે મુકેલા પ્રસ્તાવમાં ના એવું કહ્યું ન હતું, અને પોતે શરમાતા- શરમાતા અને હસતાં ચહેરે પોતાની હોટલ તરફ ચાલવા લાગી એનો સ્પષ્ટ અર્થ એ છે કે શ્રેયાનાં હૃદયના કોઈ એક ખૂણામાં તો અખિલેશ માટે લાગણીઓનું તળાવ ભરેલ હતું જ તે, બસ રાહ હતી તો તે તળાવમાંથી મુક્તપણે એક ઝરણાને વહેવાની. એ ધોધ કે જેમાં પોતે અને શ્રેયા બનેવે તરબતોળ થઈ જાય, અને આ પ્રેમ રૂપી ધોધમાં બનેવ વહી જાય.

“હું….પ…છી…જણાવીશ…!” – શ્રેયા આટલું બોલી હરણની માફક પોતાની હોટલ તરફ જતાં રસ્તામાં ઝડપથી દોડવા લાગી. આ બાજુ અખિલેશ પણ મનોમન ખુશ હતો, કારણ કે પોતે જાણી ગયો હતો, કે શ્રેયા પણ તેને પસંદ કરે છે, બસ જરૂર છે તો શ્રેયાના મોઢે બોલાવવાની…ત્યારબાદ અખિલેશ શ્રેયાને ત્યાં-સુધી નિહાળતો રહ્યો, જ્યાં- સુધી શ્રેયા દેખાતી બંધ ના થઇ. શ્રેયાને જતી જોઈને અખિલેશને લાગ્યું કે જાણે એક ઝરણું સાગરને મળવા માટે જેમ ઉછળતા -કૂદતાં વહી રહ્યુ હોય તેમ શ્રેયા પોતાની હોટલ તરફ દોડી રહી હતી.

ત્યારબાદ અખિલેશને જાણે પોતાનાં મનમાં રહેલા બધાં જ પ્રશ્નોના જવાબ એક સાથે જ મળી ગયાં હોય તેવી રીતે ખુશ થતાં- થતાં જાણે શ્રેયાનો નશો ચડ્યો હોય તેવી રીતે પોતાની હોટલ તરફ ચાલવા લાગ્યો. જ્યારે અખિલેશ હોટલ પર પહોંચ્યો ત્યારે ત્યાં હાજર રહેલા રિસેપનીસ્ટ અને અન્ય કર્મચારીઓ પણ નવાઈ પામ્યાં, કારણ કે અખિલેશ આજે આલ્કોહોલના નશામાં હતો નહીં.

પછી અખિલેશ પોતાના રૂમની ચાવી લઈને, પોતાના રૂમમાં જતો રહ્યો, ત્યારબાદ ઇવેન્ટના ત્રીજા દિવસના શેડયુલ પર એક આછી નજર કરી, પ્રેઝન્ટેશન પણ એકવાર જોઈ લીધું…..પ્રેઝન્ટેશન કોણ કરવાનું છે તે પણ જોઈ લીધું…..પરંતુ હજુપણ પોતાના મનમાં એક જ વ્યક્તિ ફરી રહી હતી તે હતી શ્રેયા, હાલ અખિલેશ એક પ્રકારનો આનંદ અનુભવી રહ્યો હતો, જે કોઈ જંગ જીત્યાંના આનંદ કરતાં ઓછો ના હતો, અને ત્યારબાદ અખિલેશ શ્રેયા વિશે વિચારતાં – વિચારતા જ સુઈ જાય છે, અને અખિલેશ શ્રેયાનો શું જવાબ આવશે તેના વિશે જાણવાં ખૂબ જ આતુર હતો…

આ બાજુ શ્રેયા પણ અખિલેશને શું જવાબ આપવો તેના વિશે વિચારતાં – વિચારતા જ પોતાના બેડ પર પડખા ફેરવતી રહી, પોતે પણ અખિલેશને ટ્રેનમાં જ્યારે પહેલીવાર જોયો હતો ત્યારથી જ પસંદ કરતી હતી, અને જ્યારે તે નશાની હાલતમાં રહેલા અખિલેશને હોટલ પર છોડવા જતી હતી, ત્યારે શ્રેયા વિચારી રહી હતી કે કાશ અખિલેશ ભાનમાં હોય અને પોતાનો હાથ આવી રીતે પકડીને તેની સાથે – સાથે કદમો મેળવીને ચાલતો હોય….પરંતુ અફસોસ કે હાલ જે કંઈ બન્યું એ અખિલેશને આવતી કાલે કંઈજ યાદ નહીં રહે…

કુદરત પણ જાણે અખિલેશ અને શ્રેયાને મળાવવા માંગતી હોય, તેમ જેવો અખિલેશ બીજા દિવસે રાત્રે સીટી પેલેસ હોટલ અને આલીશાન પબનાં વચ્ચે રહેલા રસ્તા પર આવ્યો, ત્યારે તેને ધીમે – ધીમે સદનસીબે બધું જ યાદ આવી ગયું, અને બરબર એ જ સમયે શ્રેયા પણ અખિલેશને મળવા પોતાની હોટલની બહાર આવી હતી…જે કોઈ ચમત્કારથી કંઈ ઓછું ન હતું.

શું શ્રેયા અખિલેશે મુકેલા પ્રસ્તાવમાં હા પાડશે કે ના એ ખુદ શ્રેયા કે અખિલેશ પણ જાણતાં ન હતાં, શું અખિલેશ અને શ્રેયા એકબીજાને હવે ફરી મળી શકશે…? જ્યારે બનેવ એકબીજાને મળશે ત્યારે તે બંનેના પ્રતિભાવ કેવાં હશે….? શું બનેવની પ્રેમકથા આગળ વધશે કે નહીં….? – આ બધાં પ્રશ્નોનો હજુપણ અખિલેશ અને શ્રેયાએ સામનો કરવાનો તો હજુ બાકી જ હતો.

ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

લેખક : મકવાણા રાહુલ.એચ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ