ધ ઊટી – નવલકથા ભાગ 14 શું નિત્યા અને શ્રેયાનું રહસ્ય ઉકેલાશે….? શું શ્રેયા એ કોઈ ભટકતી આત્મા હશે…? કે પછી તે માત્ર અખિલેશનું હેલ્યુઝીનેશન જ હશે.

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

(ડૉ. રાજન અને અભય ફોન પર અખિલેશનાં કેસ સંબંધિત વાતો કરે છે, અને સલીમભાઈની મદદથી અખિલેશનાં કેશમાં એક નવું જ રહસ્ય ખુલ્યું, જે અખિલેશનાં કેશને એક અલગ જ દિશા તરફ દોરી જાય છે, હવે આ કેસ આગળ સોલ્વ કરવાં માટે અખિલેશની હાજરી જરૂરી હતી, આથી ડૉ. રાજન જણાવે છે કે અખિલેશની કંડીશન હાલમાં પહેલાં ઘણી સારી છે, થોડીક ચર્ચા બાદ ડૉ. રાજન અખિલેશ અને દીક્ષિતને લઈને ઊટી જવાં માટે તૈયાર થઈ જાય છે…)

ડૉ. રાજન પોતાનાં ઘરે પહોંચીને પરિવાર સાથે ડિનર કરે છે, અને પોતાની વાઈફને પોતે અખિલશનનાં કેસ સંબધિત માહિતી મેળવવા અને તેના કેસ સાથે જોડાયેલ મિસ્ટ્રી સોલ્વ કરવાં માટે આવતીકાલે સવારે 5:30 વાગ્યે ફલાઇટ દ્વારા ઊટી જઈ રહ્યો છે, તે જાણ કરે છે, અને જમીને પોતાનો સામાન પેક કરવાં માંડે છે, અને બધી જ જરૂરી વસ્તુઓ પોતાની સાથે લઈ લે છે, જેમાં અખિલેશ માટે ઈમરજન્સી મેડીસીન કિટનો પણ સમાવેશ કરવામાં આવેલ હતો.

જ્યારે આ બાજુ દીક્ષિત અખિલેશને પોતાનાં ઘરે લઈને આવે છે, ત્યારબાદ દીક્ષિતનાં પરિવાર સાથે અખિલેશ પણ ડિનર કરે છે, અખિલેશને દીક્ષિત સાથે સારા સંબધ હોવાથી દીક્ષિતનાં પરિવારજનો પણ અખિલેશને સારી રીતે ઓળખતાં હતાં, અખિલેશને પણ દીક્ષિતનાં ફેમિલી સાથે ઘર જેવાં જ સંબંધ હતાં, ત્યારબાદ દીક્ષિત પોતાનો સામાન પેક કરે છે, અને પોતાનાં એક અન્ય કર્મચારી દ્વારા અખિલેશનો સામાન પણ પોતાન જ ઘરે માંગવી લે છે.

હાલમાં જે અખિલેશ હતો, એ અખિલેશ અને પહેલાનાં અખિલેશમાં જમીન – આસમાનનો ફર્ક હતો, જાણે મનમૂકીને મુક્તપણે ખળ-ખળ કરીને વહેતાં, અને પોતાની ધૂનમાં જ રમતાં કોઈ એક ઝરણાને જાણે એક ઊંચો બંધ બાંધીને રોકવામાં કે અટકવવામાં આવેલ હોય, તેમ અખિલેશની લાઈફ પણ જાણે કોઈ એક જ જગ્યાએ સ્થિર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, અખિલેશ જાણે આ આખી દુનિયાથી અલિપ્ત થઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું, તેનો વોઇસ ટોન પણ એકદમ ધીમો થઈ ગયો હતો, પોતાની સાથે નસીબ કે ભગવાન શું કરાવવાં માંગતા હશે એ અખિલેશ હજુપણ સમજી શકતો ન હતો,

એક માત્ર ભયંકર કે ડરામણા સપનાએ જાણે અખિલેશની આખી લાઈફ ઉથલ-પાથલ કરી નાખી હોય તેવું લાગી રહ્યું હતું, અખિલેશ પોતે સંપૂર્ણપણે હિંમત હારી ચુક્યો હતો, પોતે ફરી નોર્મલ થશે…એવી આશા અખિલેશને દૂર-દૂર સુધી દેખાય રહી ન હતી, પરંતુ જ્યારે ડૉ. રાજન દ્વારા અખિલેશને જાણવાં મળ્યું કે પોતાનો આ ભયંકર કે ડરામણાં સપનાથી થોડાંક દિવસોમાં કાયમિક માટે છુટકારો મળી જશે….આ સાંભળીને અખિલેશનાં જીવમાં જીવ આવ્યો, પોતાનાં અંધકારમય જીવનમાં જાણે જીવન જીવવાની આશાનું એક કિરણ આવ્યું હોય તેવું અખિલેશ અનુભવી રહ્યો હતો.

બીજે દિવસે સવારનાં 5:30 કલાકની આસપાસ ડૉ. અભય મુંબઈ ઈન્ટર નેશનલ એરપોર્ટે જવાં માટે પોતાનાં ઘરેથી નીકળે છે, જ્યારે બીજી બાજુ દીક્ષિત પણ અખિલેશને લઈને એરપોર્ટ જવાં માટે પોતાનાં ઘરેથી રવાનાં થાય છે, પછી બધાં એકસાથે ફલાઈટમાં બેસે છે, અને બીજા દિવસે 10:30 કલાકની આસપાસ બધાં ઊટી પહોંચે છે….અને ડૉ. અભય જે હોટલમાં રોકાયેલ હતાં તે જ હોટલ એટલે કે હોટલ સિલ્વર સેન્ડમાં અખિલેશ અને દીક્ષિત માટે એક રૂમ બુક કરાવે છે, જ્યારે ડૉ. રાજને અભયનાં રૂમમાં સાથે રહેવાનું નક્કી કરેલ હતું, પછી બધાં એકબીજાને મળે છે, વાતોચીતો થાય છે અને ફ્રેશ થઈને લંચ માટે ભેગા થવાનું નક્કી કરે છે.

હોટલ સિલ્વર સેન્ડનાં ડાઇનિંગ હોલમાં ડૉ. રાજન, ડૉ. અભય, દીક્ષિત અને અખિલેશ લંચ કરવાં માટે ભેગા થાય છે, બધાં જમવાનું ચાલુ કરે છે..પરંતુ અખિલેશ જમવાને બદલે કંઈક વિચારવા લાગે છે, જેના પર ડૉ. અભયનું ધ્યાન જાય છે, આથી ડૉ. અભય અખિલેશને પૂછે છે…. “અખિલેશ ! શું ! વિચારી રહ્યો છો…? તું કેમ કંઈ ખાઈ રહ્યો નથી…?” – ડૉ. અભય વિચારોમાં મગ્ન અખિલેશને પૂછ્યું. “સાહેબ ! મને સારું તો થઈ જશેને…? શું હું પણ તમારા બધાંની માફક જ ફરીવાર નોર્મલ લાઈફ જીવી શકીશ…? શું મને પેલા ડરામણાં અને ભયંકર સપનાંઓ આવતાં બંધ થઈ જશે…?” – ઉદાસી ભરેલા ચહેરા સાથે અખિલેશે પૂછ્યું.

“હા ! અખિલેશ ! તને જેમ ભગવાન પર વિશ્વાસ છે, એમ અમારાં પર પણ વિશ્વાસ રાખ.. અમે તને આ કંડીશનમાંથી સો ટકા બહાર લાવીશું… ત્યારબાદ તું પણ અમારી માફક નોર્મલ લાઈફ જીવી શકીશ….એ પણ પેલાં ભયંકર અને ડરામણા સપનાં વગર..જ, આ સપનાઓથી હવે માત્ર ગણતરીના દિવસોમાં જ એમાંથી હરહંમેશને માટે તારો છુટકારો થઈ જશે…!” – ડૉ. અભય અખિલેશને હિંમત આપતાં બોલ્યાં.

“પણ ! પણ…??” – અખિલેશ થોડુંક ખચકાતાં બોલ્યો. “પણ…પણ..શું… અખીલેશ…?” – દીક્ષિતે અખિલેશને પૂછ્યું.

“પણ…તમે લોકો મારો આ ડરામણા અને ભયંકર સપનાઓથી છુટકારો કરાવવાં માટે મને અહીં લઈને આવ્યાં છો કે મને વધુ ડરાવવાં માટે….કારણ કે જ્યારથી હું ઊટી આવ્યો છું ત્યારથી મને બેચેની મહેસુસ થાય છે, ઊટીમાં રહેલ મારી બધી યાદો મને ફરી યાદ આવે છે, શ્રેયા સાથે વિતાવેલા દરેક પળ મને યાદ આવે છે…હું જે બધું ભૂંલવા માંગુ છું, એ જ બધું ફરી ફરીને મારી આંખો સમક્ષ તરી આવે છે…!” – પોતાની વ્યથા જણાવતાં અખિલેશ બોલ્યો.

“યસ ! એક્ઝેટલી ! અખિલેશ અમે બધાં જ તારા હિતેચ્છુ જ છીએ…અમે તારા સારામાં જ રાજી છીએ પણ તારો કેસ હાલમાં એવાં ટર્નીગ પોઇન્ટ પર આવીને અટકી ગયો છે, કે જેનાં માટે તારી હાજરી જરૂરી હતી, આથી મેં રાજનને કહીને તને અહીં બોલાવડાવેલ છે, અને તને બધું યાદ આવે એવું જ અમે ઈચ્છિએ છીએ…..તારાં જીવનમાં આવેલાં આ વાવાઝોડા સાથે તારે જ લડવાનું છે, અમે તો માત્ર તને રસ્તો બતાવશું અને તેને પાર કરવાં માટે હિંમત અને માર્ગદર્શન આપીશું…..તારી એકાદ યાદ કદાચ આ કેસ સોલ્વ કરી શકે…એવું પણ બને…અને તારી એ એકાદ મેમરી જ મારાં માટે તારો કેસ સોલ્વ કરવાં માટેની ખૂટતી કડી હોય એવું પણ બની શકે….! માટે અત્યાર સુધી તે જેવી હિંમત અને ધીરજ રાખી છે, એવી જ હિંમત અને ધીરજ માત્ર બે -ત્રણ દિવસ સુધી જાળવી રાખ….!” – ડૉ. અભય અખિલેશને હિંમત આપતાં કહે છે.

“ઓકે !” – આટલું બોલી અખિલેશ પોતાનું ધ્યાન જમવા પર આપે છે.

ત્યારબાદ બધાં લંચ કરીને પોત-પોતાનાં રૂમમાં જાય છે, ડૉ. અભયે પોતાનાં રૂમમાં પહોંચીને પોતાનાં મોબાઇલમાંથી હનીફને કોલ કરે છે, અને જમી કારવીને રાતનાં 9 વાગ્યાની આસપાસ હોટલ સિલ્વર સેન્ડ પર આવવાં માટે જણાવે છે, અને સાથે સાથે તેના ચાચુજાન સલીમભાઈને પણ લઈને આવવાં માટે જણાવે છે.

સમય : રાત્રીનાં 9 કલાક

સ્થળ : હોટલ સિલ્વર સેન્ડ

ડૉ. અભયે જણાવ્યાં પ્રમાણે હનીફ તેના ચાચુજાન સલીમભાઈને લઈને હોટલ સિલ્વર સેન્ડ એ પહોંચી ગયાં, અને રિસેપ્સન કાઉન્ટરની સામે રહેલ સોફામાં બેસે છે, ત્યારબાદ હનીફે પોતાનાં મોબાઈલ ફોનમાંથી ડૉ. અભયને કોલ કરીને પોતે તેના ચાચુજાન સલીમભાઈ સાથે હોટલ પર આવી પહોંચ્યા છે, તેની જાણ કરે છે….આથી ડૉ. અભયે દીક્ષિતને પણ કોલ કરીને અખિલેશને લઈને હોટલનાં ફર્સ્ટ ફ્લોર પર આવેલા મીટિંગ રૂમમાં પહોંચવા માટે જણાવે છે.

થોડીવારમાં ડૉ. અભય અને ડૉ. રાજન હોટલનાં ફર્સ્ટ ફ્લોરે આવી પહોંચે છે, ત્યારબાદ ડૉ. અભય ડૉ. રાજનનો સલીમભાઈ સાથે પરિચય કરાવે છે, અને હોટલનાં મિટિંગ રૂમ તરફ ચાલવાં માંડે છે, થોડીવારમાં દીક્ષિત અને અખિલેશ પણ ફર્સ્ટ ફ્લોર પર આવેલ મીટિંગ રૂમેં આવી પહોંચે છે.

મિટિંગરૂમમાં રૂમની વચ્ચે એક મોટું ટેબલ આવેલ હતું તેની ફરતે વીસેક ખુરશીઓ ગોઠવાયેલ હતી, ડૉ. અભય, ડૉ. રાજન, અખિલેશ, દીક્ષિત, હનીફ અને સલીમભાઈ પોત-પોતાની ખુરશી પર બેસી જાય છે….મિટિંગ રૂમમાં એકદમ નીરવ શાંતી છવાયેલ હતી, કોઈ કંઈ બોલી રહ્યું ન હતું, મૌન સાથે બધાં એકબીજાનાં ચહેરા સામે જોઈ રહ્યાં હતાં, જ્યારે ડૉ. અભય વારંવાર પોતાનાં હાથમાં પહેરેલ કાંડા ઘડિયાળ તરફ જોઈ રહ્યાં હતાં.

હનીફ અને સલીમભાઈને હાલમાં પણ એ નહોતું સમજાય રહ્યું કે તેઓને ડૉ. અભયે શાં માટે આવી રીતે રાતે મિટિંગ માટે બોલાવેલ હશે…? બનેવનાં મનમાં ઘણાં પ્રશ્નો હતાં, એટલીવારમાં મિટિંગરૂમનો દરવાજો નોક કરીને સાક્ષી મીટિંગરૂમમાં પહોંચે છે….સાક્ષી મિટિંગ રૂમમાં આવી, ત્યારબાદ ડૉ. અભયે પોતાનાં કાંડા ઘડિયાળમાં નજર ફેરવવાનું બંધ કરી દીધું….આથી હાજર રહેલા સૌને ખ્યાલ આવી ગયો, કે ડૉ. અભય સાક્ષી આવે તેની જ રાહ જોઈ રહ્યાં હતાં.

ડૉ. અભયે જ્યારે સાક્ષીને આજનાં દિવસે એક મીટીંગ ગોઠવવા માટેની વાત કરી, ત્યારે સાક્ષીએ જણાવ્યું કે પોતે મીટિંગમાં હાજરી આપી શકશે નહીં, કારણ કે પોતાને આજે નાઈટ શિફ્ટ છે, હું નાઈટ શિફ્ટમાં 8 વાગ્યે હોટલે પહોંચ્યાં બાદ ઓવર લવ એટલી વારમાં તો રાતનાં 9 વાગી જાય, આથી ડૉ. અભય મિટિંગનો સમય રાતનાં 9 વાગ્યાનો ગોઠવ્યો જેથી સાક્ષી આ મીટિંગ એટેન્ડ કરી શકે…કારણ કે આ મીટિંગમાં સાક્ષીની હાજરી ખુબ જ જરૂરી હતી, આથી ડૉ. અભય મિટિંગ રૂમમાં બેસીને સાક્ષી આવે તેની રાહ જોઈ રહ્યાં હતાં.

સાક્ષી મીટિંગરૂમમાં આવી ત્યારબાદ હાજર બધાં જ લોકોએ ડિસ્કશન શરૂ કરી, જેમાં હાજર રહેલાં તમામ લોકો એક્ટિવલી પાર્ટીસિપેટ થયાં, અને ધીમે – ધીમે ચર્ચા આગળ વધી, જેમ-જેમ ચર્ચા આગળ વધી તેમ – તેમ બધાંનો રસ અને ઉત્સુકતા પણ વધી રહી હતી, એવામાં મીટીંગરૂમનો દરવાજો ફરીવાર નોક કરીને એક વ્યક્તિ મીટિંગરૂમમાં પ્રવેશે છે, તેને જોઈને હાજર રહેલાં બધાં જ લોકો સ્તબ્ધ થઈ થાય છે, એકદમ સ્ફૂર્તિલું,ખડતલ અને મજબૂત બાંધા વાળું શરીર, આકર્ષક વ્યકિતત્વ, જેને જોઈને કોઈ આર્મી મેન હોય તેવું લાગી રહ્યું હતું, તેની ચાલવાની ઢબ, તેનાં એટીટ્યુટ વગેરેથી હાજર રહેલાં તમામ લોકો પ્રભાવિત થઈ ગયાં હતાં….સાથે સાથે હાજર રહેલાં તમામ વ્યક્તિમાંથી ડૉ. અભય સિવાય તેને કોઈ ઓળખતું ન હોવાથી એ બધાંનાં મનમાં એક પ્રકારનું આશ્ચર્ય પણ હતું.

“લેટસ મીટ વન ઓફ માય બેસ્ટ ફ્રેન્ડ ડી.સી.પી મિ. અભિમન્યુ તેજપાલ, કે જે હાલમાં ઊટી શહેરનાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોબ કરી રહ્યાં છે. હું અને અભિમન્યુ ઘણાં સમયથી એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ…. અખિલેશનો કેશ સોલ્વ કરવામાં આપણે તેની મદદની આવશ્યકતા રહેશે એવું વિચારીને મેં એમને આજે અહીં મીટિંગમાં બોલાવી લીધાં છે, અખિલેશની સાથે બનેલ આખી ઘટનાં સાંભળ્યા બાદ તેઓ પણ આપણી મદદ કરવાં માટે તૈયાર થઈ ગયાં છે, આપણે જે કાંઈ કાયદાકીય માહિતી અને જરૂરીયાત પડશે તેમાં તેઓ ચોક્કસપણે આપણી મદદ કરશે..!.” – ડૉ. અભય અભીમન્યુનો પરિચય આપતાં બોલ્યાં.

“સાહેબ ! અમને અહીં આ મીટિંગમાં શાં માટે બોલાવ્યાં છે..?” – હનીફે હળવાં અવાજે ડૉ. અભયને પૂછ્યું. “હા ! હું એ જ વાત પર આવું છું…!” – ડૉ. અભય હનીફનાં પ્રશ્નનો જવાબ આપતાં બોલ્યાં.

ત્યારબાદ ડૉ. અભયે સલીમભાઈને ટાઇગર હિલ પર વાસ્તવમાં શું ઘટનાં બની હતી….? તેણે ટાઇગર હિલ પર પોતાની આંખો દ્વારા જે ટ્રિપલ મર્ડર જોયા હતાં તેનાં વિશે કોઈપણ પ્રકારનો ડર રાખ્યાં વગર અભિમન્યુને જણાવવા કહે છે. અને પછી સલીમભાઈ પણ કોઈપણ પ્રકારનાં ડર વગર તેણે ટાઇગર હિલ પર જે ઘટનાં જોઈ હતી, તે આખી ઘટનાં સવિસ્તારપૂર્વક અભિમન્યુને જણાવે છે…આ સાંભળીને અભિમન્યુ થોડું વિચારીને બોલે છે કે….?

“જોવો ! સલીમભાઈ ! જયાં સુધી કોઈપણ વ્યક્તિનાં નામે એફ.આઈ.આર દાખલ ના થાય, ત્યાં સુધી અમારો ડિપાર્ટમેન્ટ તે વ્યક્તિને કંઈપણ કરી શકતી નથી, એકવાર એ વ્યક્તિ વિરુદ્ધ એફ.આઈ.આર દાખલ થાય પછી જ અમે તેની સામે કાયદાકીય પગલાંઓ જેવા કે ધરપકડ, રિમાન્ડ વગેરે લઈ શકીએ…અને તમે જેનાં વિશે મને જણાવી રહ્યાં છો, તે વ્યક્તિ એટલે કે મિ. જયકાન્ત બીજું કોઈ નહીં પરંતુ ઊટી શહેરનાં એમ.એલ.એ છે, આથી પાકી માહિતી, કે પ્રુફ વગર તેમને કંઈ કરી શકીએ નહીં….પણ જો…!” – અભિમન્યુ થોડુંક અટકતાં બોલ્યો.

“પણ… પણ… શું…? સાહેબ..?” – સલીમભાઈએ અભિમન્યુને પ્રશ્ન પૂછ્યો. “જો ! તમે આ આખા ટ્રિપલ મર્ડર કેસનાં આઇ વિટનેસ બનીને એફ.આઈ.આર દાખલ કરો, તો અમે મિ. અભિમન્યુ વિરૂદ્ધ કાયદાકીય પગલાંઓ લઈ શકીએ…!” – અભિમન્યુ સલીમભાઈનાં પ્રશ્નનો જવાબ આપતાં જણાવે છે. “હા ! સાહેબ ! હું આઈ વિટનેસ બનાવ તૈયાર છું, અને હું જયકાન્ત વિરુદ્ધ મારા નામે એફ.આઈ.આર પણ દાખલ કરવાં તૈયાર છું….!” – સલીમભાઈ મક્કમતા સાથે બોલ્યાં.

“ઓકે ! તો તમે આવતીકાલે સવારે મારા અન્ડરમાં જે પોલીસ સ્ટેશન છે, ત્યાં આવીને એફ.આઈ.આર લખાવી જજો..!” – અભિમન્યુ સલીમભાઈને કહે છે. “હા ! સાહેબ ! ચોક્કસ… ઇનશાહ અલ્લાહ તે કાફરને તેણે કરેલાં ગુનાની સજા મળી જાય…એ માટે હું કંઈપણ કરવાં માટે હવે તૈયાર છું…!” – સલીમભાઈએ આંખોમાં આંસુ સાથે અભિમન્યુને જણાવ્યું.

ત્યારબાદ ડૉ. અભય સાક્ષીને પોતાની સાથે જે ઘટનાં બની હતી, જે તેણે અગાવ ડૉ. અભયને ફોન પર જણાવેલ હતી, તે બધાની હાજરીમાં વિસ્તારપૂર્વક જણાવવાં માટે વિનંતી કરે છે….પછી સાક્ષી સિલ્વર સેન્ડ હોટલપર અખિલેશ જ્યારે શ્રેયા વિશે પૂછપરછ કરવાં માટે આવે છે… ત્યારથી માંડીને નિત્યાનું રાજ ખુલે છે, ત્યાં- સુધીની આખી ઘટનાં સાક્ષી બધાને જણાવે છે.

જ્યારે આ બધું અખિલેશ એકપણ શબ્દ બોલ્યાં વગર મૂંગે-મોઢે ચૂપચાપ બધું સાંભળી રહ્યો હતો, આ બધી બાબતો સાંભળીને અખીલેશનનાં મનમાં એક ઊંડો આઘાત લાગી રહ્યો હતો, આ બધી જ બાબતોથી અખિલેશ તદ્દન અજાણ જ હતો, લોકો જે વાત કરી રહ્યાં હતાં તેનાં પર અખિલેશને વિશ્વાસ આવી રહ્યો ન હતો, અખિલેશ મનમાં ને મનમાં ખૂબ જ મૂંઝાય છે, અખિલેશ એક પ્રકારની બેચેની અને ગભરામણ અનુભવી રહ્યો હતો, આથી અખિલેશ પોતાની ખુરશી પરથી ઉભા થઇ પાંચ – દસ મિનિટ માટે મિટિંગરૂમની બહાર જવાં માટેની ડૉ. રાજન અને ડૉ.અભયની પરમિશન લઈ છે અને ત્યારબાદ, મિટિંગરૂમની બહાર તાજી હવા લેવાં માટે જાય છે, અને ફર્સ્ટ ફ્લોર પર આવેલ ગેલેરી પાસે ઊભાં રહીને તે બહાર જોવા લાગે છે.

આ બાજુ ડૉ. અભય બધાને જણાવે છે કે,” આપણે બધાએ અત્યાર સુધી જે ચર્ચા કરી એનું તારણ એ આવે છે કે સાક્ષી અને સલીમભાઈ બનેવે સાચા જ છે, અખિલેશે સાક્ષીને જે ફોટો આપ્યો હતો, તે ફોટો શ્રેયાનો નહીં પરંતુ નિત્યાનો જ હતો, પરંતુ એનો અર્થ એ નથી કે અખિલેશ ખોટો છે…કારણ કે આપણાં બધાં માટે તે યુવતી ભલે નિત્યા હોય, પરંતુ અખિલેશ માટે એ યુવતી શ્રેયા જ છે….પરંતુ આપણે હવે અમુક બાબતોની તપાસ કરવાની રહે છે જો એ બાબતોની આપણે તપાસ કરીશું, તો આપણે અખિલેશનો કેસ સોલ્વ કરવામાં સફળ રહીશું….જેમ કે જો અખિલેશ જે યુવતીને પ્રેમ કરતો હતો તે યુવતી ખરેખર શ્રેયા છે કે નિત્યા…?

જો તે નિત્યા હોય તો તે ઈમ્પોસીબલ છે કારણ કે નિત્યાનું તો ત્રીસ વર્ષ પહેલાં જ તેનાં પિતા દ્વારા જ ખૂન થઈ ગયું છે…તો પછી તે યુવતી નિત્યાં કેવી રીતે હોઈ શકે….? નિત્યા અને નિસર્ગ અખિલેશ સાથે શું સબંધ ધરાવે છે….? એમ.એલ.એ જયકાન્ત અખિલેશનાં કેસ સાથે કોઈ સબંધ ધરાવે છે…? જો અખિલેશ જણાવ્યું તે મુજબ જો તે દરરોજ શ્રેયાને સિલ્વર સેન્ડ હોટલ પર જતાં જોતો હતો…તો પછી શ્રેયાનાં નામની હોટલનાં રજીસ્ટરમાં શાં માટે કોઈ એન્ટ્રી બોલતી નથી….? શાં માટે શ્રેયાને અખિલેશ સિવાય કોઈ જોઈ શકતું ન હતું….? શાં માટે અખિલેશ એકલો જ શ્રેયાને જોઈ શકતો હતો…શું આ પાછળ પણ કોઈ મોટું રહસ્ય છુપાયેલ હશે…!” – ડૉ અભયે પોતાનાં તારણો બધાની સમક્ષ મૂકતાં બોલ્યાં.

“સાહેબ ! મને આ બાબતનો મને અનુભવ થયેલ છે…મેં આ અનુભવ્યું છે….મેં માત્ર અખિલેશ સરનાં મોઢે શ્રેયા મેડમનું નામ માત્ર સાંભળેલ છે પરંતુ મેં ક્યારેય શ્રેયા મેડમને જોયાં નથી…બની શકે કે શ્રેયા મેડમ અખિલેશ સરને દેખાતાં હોય….તો શું શ્રેયા મેડમ ભટકતી આત્મા તો નહીં હશે ને…?” – હનીફે ડૉ. રાજનને પ્રશ્ન પૂછ્યો.

“હનીફ ! આ કેસની બધી વિગતો જોતાં તો મને તો એવું લાગે છે…કે આમાં બે વસ્તુ હોઈ શકે…એક તો અખિલેશમાં અગાવથી હેલ્યુઝીનેશનનાં ચિહ્નો હોય જેનાં વિશે ખુદ અખિલેશ પણ અજાણ હોય એવું પણ બની શકે….બીજું કદાચ તારી વાત પણ સાચી હોય શકે….આજ કાલ તો વિજ્ઞાન પણ આવી બધી પેરાનોર્મલ ઘટનાંઓ પર વિશ્વાસ કરવાં માંડ્યું છે…જો આપણી આસપાસ શ્રધ્ધાને સ્થાન છે તો અંધશ્રધ્ધાનું પણ એટલું જ સ્થાન છે, જેટલું આપણી આસપાસ અજવાસ છે…એટલું જ અંધકાર પણ રહેલું છે…!” – ડૉ. રાજન હનીફની વાત સાથે સહમતી દર્શવાવા બોલ્યાં.

મિટિંગરૂમમાં જ્યારે આ બધી બાબતો વિશે ચર્ચા ચાલી રહેલ હતી, એવામાં અખિલેશ એકદમ ઝડપથી દોડતાં-દોડતાં ગભરાયેલ હાલતમાં, ઝટકાભેર મીટિંગરૂમનો દરવાજો ખોલીને ઝડપથી અંદર પ્રવેશે છે…અખિલેશ ખુબ જ ગભરાયેલ હતો, ડરને લીધે તેની આંખો એકદમ પહોળી થઇ ગઇ હતી, તેના શ્વાસોશ્વાસ ધમણની માફક જોર-જોરથી ચાલી રહ્યાં હતાં, તેના હૃદયનાં ધબકારા મશીનગનની માફક વધી ગયાં હતાં, કપાળનાં ભાગે પરસેવો વળી ગયો હતો, હાથ-પગ ડર કે ગભરામણને લીધે કાંપી રહ્યાં હતાં…..મીટિંગરૂમમાં હાજર રહેલાં બધાંજ લોકો અખિલેશની આવી હાલત જોઈને પોતાની ખુરશી પરથી ઊભાં થઈ ગયાં અને એકદમ સ્તબ્ધ બની ગયાં…!

શું સલીમભાઇ જયકાન્ત વિરુદ્ધ સફળતાપૂર્વક એફ.આઈ.આર દાખલ કરી શકશે…? શું નિત્યા અને શ્રેયાનું રહસ્ય ઉકેલાશે….? શું શ્રેયા એ કોઈ ભટકતી આત્મા હશે…? કે પછી તે માત્ર અખિલેશનું હેલ્યુઝીનેશન જ હશે….અખિલેશ જ્યારે મિટિંગરૂમમાંથી બહાર નીકળીને ગેલેરીમાં ઊંભો હતો, ત્યારે એની સાથે એવી તો શું ઘટનાં બની હતી કે અખિલેશ દોડતાં-દોડતાં ગભરાયેલી હાલતમાં મીટિંગરૂમમાં ઝડપથી આવી રીતે પાછો આવે છે….? આ બધાં પ્રશ્નો હજુપણ અકબંધ હતાં… જેનાં જવાબો ક્યાંથી…? ક્યારે…? કોની પાસેથી…? કેવી રીતે…? મળશે એ વિશે હાલમાં પણ કોઈ જાણતું ન હતું.

અખિલેશને આવી હાલતમાં જોઈને દીક્ષિત પોતાની ખુરશી પરથી ઝડપભેર ઉભો થયો, અને ખુરશી પોતાનાં હાથથી એક તરફ ઘકેલીને અખિલેશ તરફ દોડવાં લાગ્યો, જ્યારે મિટિંગરૂમમાં હાજર રહેલાં તમામ વ્યક્તિઓ પણ અખિલેશને આવી હાલતમાં જોઈને હેરાન હતાં, બધાનાં મનમાં એક જ પ્રશ્ન હતો કે થોડીવાર પહેલાં જ્યારે અખિલેશને ગભરામણ થતી હોવાને લીધે મિટિંગરૂમની બહાર ગયો, ત્યારે તો એકદમ નોર્મલ હતો, આમ એકાએક આચાનક અખિલેશની આવી હાલત કેવી રીતે થઈ….? એવું તો અખિલેશ પોતે જ્યાં હોટલની ગેલેરીમાં ઉભો હતો, ત્યાં કે તેની આસપાસ શું બન્યું હશે…? કે જેને લીધે અખિલેશ આટલો બધો ડરી ગયો, તેનાં શરીરમાં ધ્રુજારી આવવાં લાગી હશે…? એક્દમથી તેનાં શ્વાસોશ્વાસ અને હૃદયનાં ધબકારા વધી ગયાં હશે…?

દીક્ષિતે અખિલેશનાં એક હાથ પોતાનાં હાથમાં રાખ્યો અને બીજો હાથ પીઠનાં ભાગે પ્રેમથી ફેરવવાં લાગ્યો, હાથ ફેરવતાં – ફેરવતાં અને સાંત્વનાં આપતાં દીક્ષિતે અખિલેશને પૂછ્યું. “અખિલેશ ! દોસ્ત ! શું થયું તને…? શાં માટે તું આટલો બધો ગભરાયેલો કે ડરેલો છો…? શાં માટે તારું આખેઆખું શરીર કાંપી રહ્યું છે…?” – સાંત્વનાં આપતાં દિક્ષેતે હળવેકથી એખીલેશને પૂછ્યું.

એવામાં સાક્ષી ટેબલ પર રહેલો પાણી ભરેલ ગ્લાસ લઈને આવે છે, અને અખિલેશને પહેલાં પાણી પી લેવાનું કહે છે, ત્યારબાદ અખિલેશ એક જ શ્વાસમાં આખે-આખો પાણીનો ગ્લાસ પી જાય છે, પાણી પીધાં પછી અખિલેશને થોડુંક સારું લાગે છે, પરંતુ અખિલેશનાં ધબકારા અને શ્વાસોશ્વાસ તો હજુપણ શાંત નહોતો થયાં. પાણી પીધાં પછી અખિલેશ ખાલી ગ્લાસ સાક્ષીનાં હાથમાં આપે છે. અને અખિલેશ ધ્રુજતાં અવાજમાં પોતાની સાથે જે ઘટનાં બની હતી, તે ઘટનાનું વર્ણન કરવાં લાગે છે, અને હાજર રહેલ દરેક વ્યક્તિ આતુરતાપૂર્વક અને ઉત્સાહથી અખિલેશની વાત કાગડોળે સાંભળવા માંડે છે.

“હું ! જ્યારે મીટિંગરૂમમાં બેઠો હતો, અને તમે બધાં જ્યારે મારા કેસ સંબંધિત ચર્ચા કરી રહ્યાં હતાં, તે દરમ્યાન મને થોડુંક બેચીની જેવું લાગી રહ્યું હતું, આથી હું ડૉ. રાજન અને ડૉ. અભયની પરમિશન લઈને મિટિંગરૂમની બહાર આવેલ ગેલેરીમાં ઉભો હતો, અને ગલેરીમાંથી બહાર જોઈ રહ્યો હતો, લગભગ પંદરેક મિનિટ બાદ મારાં કાન સાથે એક જાણીતો અવાજ અથડાયો…. જે મારું નામ લઈને મને બોલાવી રહ્યો હતો, આથી આતુરતાપૂર્વક હું એ અવાજની દિશામાં આગળ વધવા લાગ્યો, ધીમે – ધીમે હું એ અવાજને ફોલો કરતાં કરતાં ફર્સ્ટ ફ્લોર પર ખુણામાં આવેલા રૂમ એટલે કે રૂમ નં 110 પાસે પહોંચી ગયો, જે રૂમ ફર્સ્ટ ફ્લોર પર એકદમ ખૂણામાં આવેલ હતો, જેવો હું રૂમ નં – 110 પાસે પહોંચ્યો તો મને પેલો અવાજ સંભળાવવાનું બંધ થઈ ગયું, આથી હું નિરાશ થઈને પાછો ફરવાં લાગ્યો, એવામાં ફરી મને એ જ અવાજ સંભળાયો… આથી મેં તરત જ પાછું વળીને જોયું તો મારી પાછળ કોઈ જ હતું નહીં….

અવાજ ફરી પાછો સંભળાતો બંધ થઈ ગયો, લગભગ પાંચેક મિનિટ બાદ રૂમ નં 110 ની બહાર રહેલ લાઈટ એની જાતે જ લબગ – ઝબક થવાં લાગી, મારી એકદમ બરાબર સામે એક બારી હતી, તે એકાએક અચાનક જોર-જોરથી ખોલબંધ થવાં લાગી, બારી માંથી વાવાઝોડાં માફક જોર-જોરથી પવન ફૂંકાવા લાગ્યો, અને એક મિનિટ માટે તો મારી આસપાસ એક્દમથી અંધકાર છવાય ગયો, થોડીક ક્ષણો બાદ બારીમાંથી ધીમે – ધીમે આછો પ્રકાશ કે અજવાળું આવવાં માંડ્યું, અને સાથે – સાથે ધુમાડો છવાય ગયો હોય તેવું લાગી રહ્યું હતું…..!”

“પછી…પછી…શું….થયું…અખિલેશ….?” – ડૉ. રાજને આતુરતા સાથે અખિલેશને અધવચ્ચે જ પૂછ્યું. “સાહેબ ! પછી ધીમે – ધીમે એ ધુમાડો ઓછો થવાં લાગ્યો…જેવો ધુમાડો ઓછો થયો…એની સાથે જ હું જેને સાચા દિલથી પ્રેમ કરૂં છું એ મારી શ્રેયાં મારી આંખો સામે ઉભેલી હતી….જે પોતાનાં બનેવે હાથ મારી તરફ કરીને મને મદદ માટે બોલાવી રહી હોય તેવું મને લાગ્યું….!” – અખિલેશ આગળ જણાવતાં બોલે છે.

“પણ ! અખિલેશ ! તું તો શ્રેયાને પ્રેમ કરે છો….તો પછી તું શ્રેયાથી ડરીને કેમ મીટિંગરૂમમાં દોડતાં – દોડતાં આવ્યો..?” – સાક્ષીએ અચરજ પામતાં અખિલેશને પૂછ્યું. “સાક્ષી ! હું શ્રેયાને જોઈને ડરીને મીટિંગરૂમમાં ભાગતો – ભાગતો આવ્યો એવું નથી….!” – અખિલેશ સ્પષ્ટતા કરતાં બોલે છે. “સાહેબ ! તો પછી તમે ત્યારબાદ શું જોયું કે તમે એકદમથી ડરી ગયાં…?” – હનીફે અખિલેશને પૂછ્યું.

“મને ડર શ્રેયાને જોઈને નહીં પરંતુ ત્યારબાદ મેં જે જોયું કે અનુભવ્યું એનાથી મને વધુ ડર લાગ્યો…મેં મારી નજર સમક્ષ જ્યારે શ્રેયાને ઉભેલ જોય, આથી મને ખુબ જ આનંદ થયો….જાણે ડૂબતા વ્યક્તિને કોઈ તણખલાનો સહારો મળવાથી જેટલો આનંદ થાય, એટલો આનંદ મને શ્રેયાને જોઈને થઈ રહ્યો હતો, પરંતુ જ્યારે મેં શ્રેયાની સામે ધ્યાનથી જોયું તો શ્રેયા એકદમ નિરાશ, ડરેલી, અને લાચાર હોય તેવું મને લાગી રહ્યું હતું….જાણે તેને મારી મદદની જરૂરીયાત હોય તેવું મને લાગી રહ્યું હતું…..આથી શ્રેયાની મદદ કરવાં માટે હું દોડવા ગયો, પરંતુ જાણે કોઈએ મારાં પગ પકડી રાખ્યાં હોય તેવું મને લાગી રહ્યું હતું….

મેં મારા પગ ઉપાડવાં માટે ઘણી મથામણ કરી પરંતુ મારી બધી જ મહેનત વ્યર્થ ગઈ, હું ઈચ્છતો હોવાં છતાંપણ મારી શ્રેયાં તરફ એકપણ ડગલું ભરી ના શક્યો, આથી શ્રેયા લાચારી ભરેલ હાલતમાં મારા તરફ આગળ વધવાં ગઈ…..હજુ તો માંડ શ્રેયા એકાદ બે પગલાં જ ચાલી હશે….એવામાં મને એક ગન ફાયરિંગનો અવાજ સંભળાયો, અને શ્રેયાએ “અખિલેશ ! મને બચાવ ! પ્લીઝ ! મને બચાવ…! એવી એક બૂમ પાડી…એવામાં તો જોતજોતામાં એ બંદૂકની ગોળી મારી શ્રેયાંનાં માથાં માંથી સોંપટ સીધે – સીધી નીકળી ગઈ, અને મારી વ્હાલી શ્રેયાં લોહી-લુહાણ હાલતમાં જમીનદોસ્ત થઈ ગઈ, અને તેની ફરતે લોહીની નદી વહેવા લાગી.”

ત્યારબાદ મેં મારામાં જેટલી હિંમત હતી, એ બધી જ હિંમત અને તાકાત એકઠી કરીને શ્રેયાં તરફ જવાં માટે મારા રોકાયેલાં પગ ઉપાડ્યા..જેમાં આ વખતે હું આગળ ચાલવામાં કે ડગલાં ભરવામાં સફળ રહ્યો, ત્યારબાદ, મેં ઝડપથી શ્રેયાં પાસે જઈને તેને હોસ્પિટલે લઈ જવાનું વિચાર્યું…જેવો હું શ્રેયાની નજીક પહોંચીને તેનાં હાથ પકડીને બેઠી કરવાં ગયો, ત્યાં તો જાણે મારાં પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું મને લાગી રહ્યું હતું….મેં જે જોયું તેનાં પર મને વિશ્વાસ નહોતો આવી રહ્યો, જેવાં મેં મારા હાથ શ્રેયાની મદદ કરવાં માટે લંબાવ્યા એવાં મારા બનેવ હાથ શ્રેયાની આરપાર નીકળી ગયાં, શ્રેયાં જાણે એક પડછાયો હોય એવું મને લાગી રહ્યું હતું…આથી તમારાં બધાંની મદદ મળે અને તમે બધાં શ્રેયાને જોઈ શકો એ માટે હું ઝડપથી મીટિંગરૂમમાં દાખલ થયો….!” – અખિલેશ પોતાની વાત પૂરી કરતાં જણાવે છે.

અખિલેશનાં મોઢેથી આખી ઘટનાં સાંભળીને મીટિંગરૂમમાં હાજર રહેલાં તમામ લોકો અખિલેશની સાથે રૂમ નં 110 પાસે જવાં માટે તૈયાર થઈ જાય છે…. “એક મિનિટ….!” – સાક્ષીને એકાએક કંઈક યાદ આવ્યું હોય તેવી રીતે બોલી. “હા ! સાક્ષી ! તને આમ એકાએક અચાનક શું યાદ આવ્યું…?” – ડૉ. રાજને સાક્ષીને પુછ્યું.

“સાહેબ ! અખિલેશ સર જ્યારે પોતાની સાથે બનેલ ઘટનાં વિશે જણાવી રહ્યાં હતાં, એમાં તેઓએ રૂમ નં – 110 નો ઉલ્લેખ કરેલ હતો….પરંતુ મને એકાએક યાદ આવ્યું કે વર્ષો પહેલા નિત્યા અને નિસર્ગ પણ અમારી હોટલનાં આ જ રૂમમાં રોકાયેલાં હતાં.” – સાક્ષી યાદ કરતાં જણાવે છે. આથી હાજર બધાં લોકો આ રહસ્યનો ઉકેલ મેળવવાં અને પોતાનાં મનમાં રહેલાં અનેક પ્રશ્નોનાં જવાબ મેળવવા માટે બધા જ લોકો અખિલેશ સાથે મિટિંગરૂમની બહાર નીકળીને ઝડપથી રૂમ નં 110 તરફ ચાલવાં માંડે છે.

જ્યારે આ બધાં જ લોકો રૂમ નં 110 પાસે પહોંચે છે….ત્યાં પહોંચ્યા બાદ બધાં નવાઈ પામે છે…કારણ કે રૂમ નં 110 ની આજુબાજુ એટલે કે અખિલેશે જે ઘટનાં સ્થળ દર્શાવેલું હતું, એ તો જાણે ત્યાં કંઈ બન્યું જ ના હોય તેમ એકદમ શાંત અને નોર્મલ જ હતું….ત્યારબાદ ડૉ. અભય “હમણાં એક જ મિનિટમાં આવું એવું કહીને મિટિંગરૂમ બાજુ ઝડપથી ચાલાવાં લાગ્યાં….થોડીવારમાં ડૉ. અભય પોતાનાં હાથમાં યુનિવર્શલ એનર્જી ડિટેક્ટર લઈને આવે છે, અને રૂમ નં 110 ની નજીક આવીને યુનિવર્શલ એનર્જી ડિટેક્ટર ડિવાઇસ ઓન કરે છે….જેવું ડૉ. અભય આ યુનિવર્શલ એનર્જી ડિટેક્ટર ઓન કરે છે…એ સાથે જ હાજર રહેલાં તમામ લોકોની આંખો ડર અને નવાઈ સાથે પહોળી થઈ ગઈ કારણ કે ડૉ. અભયે જેવી આ ડિવાઇસની સ્વીચ ઓન કરી એ સાથે જ તેમાં જોર – જોરથી સાઇરન કે એલર્ટ માટે બીપ સાઉન્ડ વાંગવા માંડ્યું, જે સૂચવી રહ્યું છે કે તે બધાં હાલમાં જ્યાં ઊભેલાં છે, ત્યાં કોઈને કોઈ પ્રકારની એનર્જી સો ટકા હાજર રહેલી છે….

આથી ડૉ. અભયે પોતાની પાસે કોઈ જ રસ્તો ન હોવાથી હિંમત કરીને સાહસ સાથે બોલ્યો…

“તું ! જે હોય તે ? તું શ્રેયા હોય તો પણ ! ભલે અને નિત્યાં હોય તો પણ ભલે…! પરંતુ તું એક વાત યાદ રાખી લે અને સમજી લે કે આવી રીતે લુક્કા – છુપ્પી રમવાથી તને કંઈ જ મળવાનું નથી…અમે તારા દુશ્મન તો નથી જ તે…અમે બધાં તારા હિતેચ્છુ જ છીએ…અમે બધાં તારી મદદ કરવા માંગીએ છીએ….પરંતુ જ્યાં સુધી…તું અમને તારી તકલીફ વિશે નહીં જણાવે ત્યાં સુધી અમે તારી મદદ કેવી રીતે કરી શકીએ…જો તું ઈચ્છતી હો કે અમે તારી મદદ કરીએ તો મહેરબાની કરીને આ લુક્કા – છુપ્પીની રમત રમવાનું બંધ કર…અને અમારાં બધાં ની નજરો સામે આવ….!” – ડૉ. અભય હિંમત કરીને બોલ્યાં.

હજુ તો ડૉ. અભય પોતાનું બોલવાનું બંધ કરે એ પહેલાં જ ફરીથી રૂમ નં 110 ની બહાર રહેલ લાઈટો પોતાની જાતે જ લબગ -ઝબગ થવાં લાગે છે, રૂમ નં 110 ની બાજુમાં આવેલ બારી જોર-જોરથી ખોલ – બંધ થવાં લાગે છે…બધાં ની નજરો સામે ધૂમાડો છવાય જાય છે, અને ધીમે-ધીમે આ ધુમાડો ઓછો થવાં લાગ્યો, અને બારીનાં ભાગેથી હળવો – હળવો પ્રકાશ આવવાં માંડ્યો….થોડીવારમાં તો બધાંની આંખો આશ્ચર્ય અને ડરને લીધે પહોળી થઇ જાય છે…..કારણ કે તે બધાંની નજરોની સામે બીજું કોઈ નહીં પરંતુ ખુદ શ્રેયા જ ઉભી હતી…કે જેને અખિલેશ ખુબજ પ્રેમ કરતો હતો, આથી બધાને સમજાય ગયું કે અખિલેશે હમણાં થોડાક સમય પહેલાં મીટિંગરૂમમાં પોતાની સાથે બનેલ જે ઘટનાં વિશે જણાવ્યું હતું…તે ખરેખર સાચું જ હતું….એનો અર્થ એવો કે અખિલેશ સાચો છે….!

ડૉ. રાજન અને ડૉ. અભય આવી બધી બાબતોમાં આજ દિવસ સુધી જરા પણ માનતાં ન હતાં કે જરાપણ વિશ્વાસ કરતાં ન હતાં, પરંતુ હાલમાં પોતાની નજરો સમક્ષ જે ઘટનાં ઘટી રહી હતી, તે ઘટનાં ડૉ. અભય અને ડૉ. રાજનને આ બાબત પર વિશ્વાસ કરવાં માટે મજબૂર કરી દે છે…તેઓએ અત્યાર સુધીમાં અસંખ્ય કેસો સોલ્વ કરેલાં હતાં, તેમાંથી એખીલેશનો આ પ્રથમ એવો કેસ હશે…કે જેમાં તેણે આવી ઘટનાંઓનો પણ સામનો કરવો પડશે,એવું વિચારેલ પણ ન હતું…..તેમ છતાંય…ડૉ. અભય અને ડૉ. રાજનનાં મનનાં કોઈ એક ખૂણામાં આનંદ હતો, કારણ કે તે બનેવને આજે એવું લાગી રહ્યું હતું કે અખિલેશનો કેસ અથવા તેની સાથે જોડાયેલા તમામ રહસ્યો ઉકેલાય જશે….અને અખિલેશને કાયમિક માટે પેલાં ડરામણા અને ભયંકર સપનાઓ કે હેલ્યુઝીનેશન માંથી છુટકારો મળી જશે.

“તું ! ખરેખર કોણ છો…? તારી મિસ્ટ્રી શું છે…? તને શું તકલીફ છે…? શું તારે કોઈ મદદની જરૂર છે…? શું તારી કોઈ ઈચ્છા અધૂરી રહી ગયેલ છે…? જો એવું હોય તો તું અમને જણાવ..અમે બધાં તારા હિતેચ્છુ જ છીએ અને ચોક્કસપણે તારી મદદ કરીશું…!” – સાક્ષીમાં પણ જાણે હિંમત આવી ગઈ હોય તેમ અને એક દુઃખી યુવતીને મદદ કરવાની ભાવના સાથે એક સ્ત્રી સહજ હૃદયે પૂછ્યું.

ત્યારબાદ શ્રેયાં પોતે ખરેખર કોણ છે…? પોતાની મિસ્ટ્રી શું છે…? પોતે હાલમાં શું તકલીફ અનુભવી રહી છે..? પોતાની કઈ ઈચ્છા અધુરી રહી ગયેલ છે, પોતે તેઓથી શું અને કેવી મદદની આશા રાખે છે…એ વિશે શ્રેયાં વિગતવાર વિસ્તારપૂર્વક જણાવે છે.

“શું ! એ યુવતી શ્રેયા જ હતું કે બીજું કોઈ…? જો તે શ્રેયા હોય તો તેની સાથે શું મિસ્ટ્રી જોડાયેલ હશે…? શું ડૉ. રાજન અને અભય ઉપરાંત તમામ લોકો શ્રેયાની મદદ કરી શકશે…? શ્રેયા સાથે ખરેખર શું બન્યું હશે…? શ્રેયાની એવી તો કંઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હશે…કે જેને લીધે પોતે આવી હાલતમાં ભટકતી હશે…? શું ડૉ. અભય અને ડૉ. રાજનને આજે અખિલેશનાં કેસ સાથે જોડાયેલાં તમામ રહસ્યો કે પ્રશ્નોનાં જવાબ મળી જશે…? શું અખિલેશનો કેસ આજે સોલ્વ થઈ જશે…? શું આજે અખિલેશ તેનાં ભયંકર અને ડરામણા સપનાઓ માંથી કાયમિક માટે આઝાદ થઈ જશે…કે પછી અખિલેશ ઉલ્ટાનો ઊંડા અંધકાર તરફ ધકેલાય જશે….? આ બધા જ રહસ્યો આજે ખુલવાનાં હતાં….જેનો જવાબ હાલમાં હાજર રહેલાં એકપણ વ્યક્તિ પાસે ન હતો.

ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

લેખક : મકવાણા રાહુલ.એચ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ