ધ ઊટી – નવલકથા ભાગ 9 આવતીકાલનો સૂરજ શું અખિલેશ માટે નવી આશાઓના કિરણો લઈને આવશે… શું તેના નસીબમાં શ્રેયાનો પ્રેમ નહીં લખેલો હશે…?

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

(અખીલેશ અને શ્રેયા ટાઇગર હિલે ફરવા જાય છે, આ ટાઇગર હિલનું કુદરતી સૌંદર્ય જોઈને બને ખુબ જ ખુશ થઈ જાય છે, જાણે પોતે કુદરતના ખોળે બેઠા હોય તેવું અનુભવે છે, અને ત્યાં સનસેટ જોઈને બનેવના શરીરમાં આનંદની લાગણી થાય છે, બનેવના મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે, પરંતુ જ્યારે તેઓ ટાઇગર હિલ પરથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે અખિલેશે જે અનુભવ્યું તે ખરેખર વિસ્મય કે ડર પમાડે તેવું વિચિત્ર હતું, પોતે ક્યારેય ટાઇગર હિલ પર આવેલ ન હતો, તેમ છતાં પેલા બાંકડા ની નજીક પહોંચતાની સાથે જ અખિલેશનાં પગલાંઓ એકાએક થંભી જાય છે, અને આ જગ્યા સાથે જાણે તેનો કોઈ જૂનો સબંધ હોય તેવું લાગી રહ્યું હતું, બરાબર આ જ સમયે શ્રેયાનાં શરીરમાં પણ અમુક બદલાવ આવે જે જે ખરેખર ડર પમાડે તેવા હતાં, પરંતુ જ્યારે અખિલેશ પાછું વળીને જોવે છે, તો બધું નોર્મલ જ હોય છે, ત્યારબાદ શ્રેયા અને અખિલેશ ટાઇગર હિલેથી નીકળે છે, અને રસ્તામાં જ એક રેસ્ટોરન્ટમાં ડિનર કરે છે, અને ઊટી પહોંચીને અખિલેશ અને શ્રેયા પોત-પોતાની હોટલે જતા રહે છે.)

સ્થળ : ધ સીટી પેલેસ હોટલ.

સમય : સવારનાં 11 કલાક

દિવસ : “મેગા-ઈ” સોફ્ટવેર લોન્ચિંગનો 9મો દિવસ

અખિલેશે આજે માઈકની કમાન ફરી પોતાના હાથમાં લે છે, અને હાજર રહેલા મહેમાનો અને કર્મચારીઓનું સ્વાગત કરીને ઈવેન્ટને શેડ્યુલ મુજબ આગળ વધારે છે, આમ તો આજે ઇવેન્ટનો છેલ્લો જ દિવસ હતો, કારણ કે 10માં દિવસે તો કંઈ ખાસ શેડ્યુલ હતું નહીં, માત્ર સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશન અને અલગ-અલગ કંપનીઓ અથવા સરકારમાંથી આવેલા કર્મચારીઓ સાથે માત્ર એમ.ઓ.યુ જ કરવાનાં હતાં.

આજે આખો દિવસ અખિલેશ જ પ્રેઝન્ટેશન કરવાનો હતો, જેમાં મેગા-ઈ સોફ્ટવેરનાં અગત્યનાં પાસાઓ જેવા કે સોફ્ટવેર પ્રમોશન અને સોફ્ટવેર માર્કેટિંગ વગેરે વિશે આજે પ્રેઝન્ટેશન કરવાનો હતો, જેની તેણે સવારે વહેલા ઉઠીને સારી એવી પ્રેકટીસ પણ કરી હતી, હોલ પણ દરરોજની માફક આજે પણ પૂરેપૂરો ભરાયેલો હતો, બધાં લોકો અખિલેશને સાંભળવા માટે આતુર હતાં.

ત્યારબાદ અખિલેશે પોતાનું પ્રેઝન્ટેશન શરૂ કર્યું અને એવી સરળ રીતે સમજાવ્યું કે સીધું જ લોકોના મગજમાં ઉતરી ગયું, ત્યારબાદ અખિલેશે જણાવ્યું કે આ સોફ્ટવેર માટે જે કંપની, પેઢી કે સરકારમાંથી આવેલ કોઈ કર્મચારી અમારી કંપની એટલે કે ડિજિટેક સોફ્ટવેર કંપની (મુંબઈ) સાથે એમ.ઓ.યુ કરશે તેનું શું ફાયદો થશે…? ફાયદાની વાત આવી એટલે હાજર રહેલા બધા જ કર્મચારીઓ, આમંત્રિત મહેમાનો પોતાની ખુરશી પર સરખા બેઠાં, આમપણ અખિલેશ લોકોની માનસિકતા વિશે સારી રીતે જણાતો હતો, એને ખ્યાલ હતો કે જ્યારે કોઈ વ્યક્તિ તમારી પ્રપોઝલ કે વાત ધ્યાને ન લેતો હોય, તો તમે પહેલા તેને શું ફાયદો થશે, એ જણાવો….પછી એ વ્યક્તિ આપણી તરફ કે આપણે મુકેલ પ્રપોઝલમાં ધ્યાન તો આપશે જ, અને કદાચ એ તમારી પાસે સામે ચાલીને તમારી પ્રપોઝલ સાંભળવા આવશે.

આથી અખિલેશે એ બધાં લોકોને ટાર્ગેટ કરતાં કહ્યું કે, “મેં અગાવ પણ તમને બધાને જણાવ્યું છે કે અમારી કંપનીએ આ સોફ્ટવેર નહીં લાભ કે નહીં નુકસાનના ધોરણે બનાવેલ છે, જેનો મુખ્યું ઉદેશ્ય કે આશય જરૂરીયાત વાળા લોકોને માત્રને માત્ર મદદ કરવાનો જ છે, તેમ છતાંપણ જો તમે આ સોફ્ટવેર માટે એમ.ઓ.યુ કરશો તો તેમાં લખેલું હશે કે અમારી કંપનીને આ સોફ્ટવેર દ્વારા જે કાંઈ નફો થશે તેમાંથી દરેક કંપનીને કે એમ.ઓ.યુ કરનાર વ્યક્તિને આઠ ટકા જેટલો નફો કંપની પોતાની આવક કે નફામાંથી ચૂકવશે…”

આટલું સાંભળીને જ હોલમાં હાજર રહેલા દરેક વ્યક્તિ, મહેમાનો, સરકારના કર્મચારીઓ, અલગ- અલગ કંપનીના સી.ઈ.ઓ એ અખિલેશની આ વાતને તાળીઓના ગળ-ગળાટ સાથે વધાવી લીધી, અને ત્યાં હાજર રહેલા સમુદાયમાંથી મોટાભાગનાં લોકો ડિજિટેક કંપની સાથે “મેગા-ઈ” સોફ્ટવેરના એમ.ઓ.યુ કરવા માટે તૈયાર થઈ ગયાં, અને પોત-પોતાનું નામ એમ.ઓ.યુ કરવાં માટેના લિસ્ટમાં લખાવી દીધું, અખિલશે પણ જાણી જોઈને જ માર્કેટિંગની આ સ્ટ્રેટેજીનો ઉપયોગ કર્યો હતો, જે ખરેખર તેના આજના પ્રેઝન્ટેશન સોફ્ટવેર માર્કેટિંગનું લાઈવ ઈમ્પ્લીમેન્ટ કરેલ હતું, જેનો હાજર રહેલા તમામ વ્યક્તિઓ માંથી કોઈને ખ્યાલ પણ ના આવ્યો, અને એમ.ઓ.યુ કરવાં માટે નામ નોંધાવી દીધું.

ત્યારબાદ અખિલેશ મહેમાનો સાથે હોટલના રેસ્ટોરન્ટમાં જ લંચ કરે છે, અને લંચ બ્રેક બાદ ઇવેન્ટ જયાંથી અટકી હતી, ત્યાંથી ફરી આગળ વધારે છે, અને સાંજના 5 વાગ્યાં સુધીમાં પોતાનું પ્રેઝન્ટેશન અસરકારક પૂરું કરીને, હાજર રહેલા તમામ વ્યક્તિઓને આવતીકાલના શેડ્યુલની આછી ઝલક આપે છે, અને ત્યારબાદ અખિલેશ આજના દિવસના કાર્યક્રમની પુર્ણાહુતી બધાનો આભાર માનીને કરે છે, અને બધા જ લોકો પોત-પોતાને અગાવથી જ પ્રોવાઇડ કરવામાં આવેલા રૂમ પર જવા માટે છૂટા પડે છે.

ત્યારબાદ અખિલેશ પોતાના રૂમ પર જઈને ફ્રેશ થાય છે અને ફ્રેશ થયાં બાદ દીક્ષિતને કોલ કરે છે, અને જણાવે છે કે હાલમાં મોટાભાગનાં લોકો આપણી કંપની દ્વારા ડેવલપ કરવામાં આવેલ સોફ્ટવેર “મેગા -ઈ” માટે એમ.ઓ.યુ કરવા માટે તૈયાર છે, જેનું લિસ્ટ પણ પોતે બનાવી લીધું છે.” – આ સાંભળીને દીક્ષિતની ખુશીઓનો કોઈ પાર ના રહ્યો, અને દીક્ષિત અખિલેશનો આભર માનતાં બોલ્યો કે…

“થેન્ક યુ દોસ્ત ! “મેગા-ઈ” સોફ્ટવેર મળેલ આવી જ્વલંત સફળતામાં તારો સિંહ ફાળો છે, કદાચ તું ના હોત, તો આ શક્ય હતું જ નહીં..!” “ઓ ! મિસ્ટર ! ફ્રેન્ડશિપમાં આવું થેક્યું કે સોરી એવું કાંઈ ના આવે..!”- અખિલેશ હસતાં- હસતાં બોલ્યો. “બટ ! આઈ ફિલ પ્રાઉડ ઓન યુ…..માય ડિયર ફ્રેન્ડ…!” – દીક્ષિત અખિલેશનો આભાર માનતા લાગણીવશ થઈને બોલ્યો. “ઓ ! હેલો ! બાય ધ વે…..હવે આર્યાની તબિયત કેવી છે…? પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ પાસે કન્સલ્ટ કરાવ્યું….? તેણે શું એડવાઇઝ આપી….?” – અખિલેશ વાત ફેરવતાં બોલે છે.

“હા ! દોસ્ત તે મને કંપનીની જવાબદારી માંથી આઝાદ કરીને, તારા ખભા પર તે જે જબાબદારી લીધી, તેથી જ હું આર્યાને માટે પૂરતો સમય ફાળવી શક્યો, અને હું અને જાનવી આર્યાને ડૉ. જ્વલંત મોદી કે જે મુંબઈની પ્રખ્યાત નાણાવટી પીડિયાટ્રિક હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવે છે, તેની પાસે કન્સલ્ટ કરાવવા માટે લઈ ગયાં, ડૉ. જ્વલંત મોદીએ આર્યાનું સંપૂર્ણ ચેક – અપ કર્યુ, આર્યાના અલગ – અલગ ટેસ્ટ અને રિપોર્ટ કરાવડાવ્યા, ત્યારબાદ બધાં રિપોર્ટ જોઈને ડૉ જ્વલંત મોદીએ મને જણાવ્યું કે આર્યાને હાલમાં એ.એસ.ડી રોગ થયેલો છે, જે દર હજાર બાળકોમાંથી દસ બાળકોમાં જોવાં મળે છે, જે વારસાગત છે, જેમાંથી આઠ બાળકોને કોઈપણ પ્રકારની સર્જરીની જરૂર પડતી નથી, તે આપોઆપ જ રિકવર થઈ જાય છે, પરંતુ આ માટે બાળકની ખુબજ કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે, આર્યાની તપાસ કરતાં, અને બીજા બધાં રિપોર્ટ જોતાં મને એવું લાગી રહ્યું છે કે આર્યાનાં હૃદયની સર્જરી કરવાની જરૂર નહીં પડે…!” – દીક્ષિતે હળવાં અવાજમાં અખિલેશને જણાવ્યું.

“સરસ ! હું પણ દ્રઢપણે એવું માનું છું કે આર્યાની તબિયત ઝડપથી સારી થઈ જાય અને ભગવાન કરે કે આર્યાને કોઈ સર્જરીની જરૂર ના પડે….પરંતુ આ માટે જાનવીભાભીની જેટલી મહેનત છે, એટલી જ મહેનત તારી પણ છે જ તે…!” – અખિલેશ દીક્ષિત અને જાનવીનાં વખાણ કરતાં બોલ્યો. “હા ! એ તો છે…જ પણ એમાં મેં કોઈ નવાઈ નહીં કરી… દુનિયાના દરેક પિતા પોતાના સંતાન માટે આટલું તો કરતાં જ હોય છે, પરંતુ હું જવાબદારીઓ અને આ દુનિયાની ભાગ-દોડમાં એ ભૂલી જ ગયો હતો….જેનું ભાન કરાવનાર બીજું કોઈ નહીં માત્ર તું જ હતો.” – દીક્ષિત બોલ્યો.

“સારૂં ! આવતીકાલે ! આખી ઇવેન્ટ શાંતિથી પુરી કરીને આવ..મળીએ આપણે…આપણે સાથે ચા ની ચૂસકીઓ નથી લગાવી એનો પણ ખાસ્સો એવો સમય થઈ ગયો છે.” – દીક્ષિત અખિલેશને મિસ કરતાં બોલે છે. “સાંભળ ! અખિલેશ આવતીકાલે આપણી ઇવેન્ટનો છેલ્લો દિવસ છે….એ હું જાણું છું…પ..ણ…??” – અખિલેશ થોડુંક અચકાતા બોલ્યો. “પણ…પણ…શું….?” – દીક્ષિતે અચરજ સાથે અખિલેશને પૂછ્યું. “મારી એવી ઈચ્છા છે કે હું હજુપણ ઊટીમાં એકદિવસ વધુ વિતાવું…!” – અખિલેશ પોતાના મનની મૂંઝવણ જણાવતાં બોલ્યો.

“ઓહ હો…! મિ. અખિલેશને ઊટી શહેર સાથે એવી તો શું માયા લાગી ગઈ કે ઊટી શહેર છોડવાની ઈચ્છા નથી થતી…??” – આશ્ચર્ય સાથે દીક્ષિતે અખિલેશને પૂછયું. “છે…એક…થોડું….સરપ્રાઈઝ તારા માટે…હું મુંબઈ આવ્યા બાદ તને જણાવીશ…!” – અખિલેશ બોલ્યો. “ઓહ ! એવું તે શું સરપ્રાઈઝ છે જે તું મને ફોન પર નહીં જણાવી શકે…?” – નવાઇ સાથે દીક્ષિત બોલ્યો. “છે એક…..યુવતી કે જેણે મારી બ્લેક એન્ડ વ્હાઇટ જિંદગીને કલરફુલ બનાવી દીધી છે….જે વર્ષોથી સુકાયેલ મારી જિંદગીમાં મુશળાધાર વરસાદની માફક એન્ટ્રી મારેલ છે…!” – અખિલેશ પોતાના મનની વાત જણાવતાં બોલ્યો.

“અરે વાહ ! શું વાત છે…અખિલેશ સાહેબ કોઈ યુવતીના પ્રેમમાં પડ્યા અમે ને….?” – દીક્ષિત ખુશ થતાં બોલ્યો. “સારું ! તે મને એક સરપ્રાઈઝ જણાવ્યું તે સાંભળીને હું ખૂબ જ ખુશ થયો….મારી પાસે પણ તારા માટે એક સરપ્રાઈઝ છે…?” – દીક્ષિત બોલ્યો. “તારી પાસે સરપ્રાઈઝ….? અને એ પણ મારા માટે….? શું છે એ સરપ્રાઈઝ….? જણાવીશ મને….?” – અખિલેશે મૂંઝાતા સ્વરે બોલ્યો. “આઈ હેવ બીન પ્રોમોટેડ યુ એઝ અ હેડ એન્ડ કોર્ડીંનેટર ઓફ સોફ્ટવેર ડિપાર્ટમેન્ટ ઓફ ડિજિટેક સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ કંપની….!” – દીક્ષિત આનંદ સાથે બોલ્યો. “ઓહ ! રિયલી ! ઇટ્સ માય પ્લેઝર…!” – અખિલેશ ખુશ થતાં બોલ્યો.

” યુ રિયલી ડિઝર્વ ફોર ધેટ પોઝિશન…હવે “મેગા-ઈ” સોફ્ટવેરનું ટોટલ હેન્ડલીગ તારે જ કરવાનું થશે… કારણ કે હું એવું નહીં ઇચ્છતો કે આ સોફ્ટવેરને સફળ બનાવવા માટે દિવસ રાત મહેનત તે કરી અને ક્રેડિટ કોઈ બીજું જ લઈ જાય….આથી મેં આ પોઝિશન માટે તને પ્રોમોશન આપ્યું.” – દીક્ષિતે અખિલેશને પોતાના મનની વાત જણાવતાં કહ્યું.

“થેન્ક યુ ! વેરી મચ દીક્ષિત…” – અખિલેશ ભાવુક થતાં બોલ્યો. “સારું ! ચાલ હવે થોડોક રેસ્ટ કરી લે…પછી વાત કરીશું આપણે હવે…!” – દીક્ષિત બોલ્યો. “હા ! ચોક્કસ ! સારું…બાય એન્ડ ટેક કેર…દીક્ષિત…!” “ઓકે….બાય અખિલેશ..!” – આટલું બોલી દીક્ષિત કોલ ડિસ્કનેક્ટ કરે છે.

ત્યારબાદ આખિલેશે પોતાનો મોબાઈલ બેડ પર મૂકે છે, અને વિચારવા લાગે છે, કે આજથી થોડાક વર્ષો પહેલા પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે પણ ફાંફા પડી રહ્યાં હતાં, જ્યારે હાલમાં અખિલેશ પોતાના ઘરનું ગુજરાન વ્યવસ્થિત રીતે ચલાવી શકતો હતો, પોતાને દીક્ષિત જેવો મિત્ર જ કંપનીના બોસ તરીકે મળ્યો, હાલમાં અખિલેશના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખુબ જ સારી થઈ ગઈ હતી, તે તેના માતા અને બહેનની પણ સારી એવી સંભાળ લઈ શકવા માટે સક્ષમ બની ગયો હતો.

અખિલેશ પોતાની જાતને ખુબ જ નસીબદાર માની રહ્યો હતો, કારણ કે આજે દીક્ષિતે તેને જે ખુશખબર આપી તે અખિલેશ માટે કોઈ સપનાથી ઓછું ન હતું, દીક્ષિત પણ અખિલેશનું સારું એવું ધ્યાન રાખતો હતો, દીક્ષિતે અખિલેશને ક્યારેય એક કર્મચારી તરીકે ટ્રીટ કરેલ નથી, તેણે હંમેશા અખિલેશને એક મિત્ર તરીકે જ ટ્રીટ કરેલ હતો, સામે અખિલેશ પણ પોતાની મિત્રતા નિભાવવામાં ઉણો ઉતરે તેમ ન હતો, તેણે પણ દીક્ષિતે પોતાના પર મુકેલા વિશ્વાસને સાર્થક કરી બતાવ્યો હતો, અને “મેગા-ઈ” સોફ્ટવેર લોન્ચિંગ ઈવેન્ટને જ્વલંત સફળતા અપાવવામાં સફળ થયો, અને અખિલેશ ડિજિટેક કંપનીનો પહેલો એવો કર્મચારી હશે જેણે આટલા ટૂંકા સમયગાળામાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કે કોર્ડીંનેટર તરીકેનું પ્રમોશમ મેળવ્યું હશે.

દીક્ષિત દ્વારા મળેલ ખુશખબર સાંભળીને અખિલેશ ખુબ જ આનંદિત થઈ ગયો હતો, તે ઝડપથી આ ખુશખબર શ્રેયાને સંભળાવવા માંગતો હતો, આથી ઝડપથી બેડ પર રહેલો પોતાનો મોબાઈલ ઉઠાવ્યો અને લોક ઓપન કરીને ફોનબુક ખોલી, પછી અખિલેશને યાદ આવ્યું કે તેની પાસે તો શ્રેયાનો મોબાઈલ નંબર જ નથી, અખિલેશે શ્રેયાને જ્યારે મોબાઈલ નંબર માટે પૂછ્યું તો શ્રેયાએ જણાવ્યું હતું કે પોતે મોબાઈલનો ઉપયોગ કરતી જ નથી, જો તું મને મળવા માંગતો હો તો હું દરરોજ સાંજે 6-7 વાગ્યાની આસપાસ મારી હોટલની નજીક રહેલ બાગમાં દરરોજ બેસવા જાવ છું, ત્યાં આવીશ તો હું તને ચોક્કસ મળીશ…!

અખિલેશને આ વાત યાદ આવતા જ પોતે જે કપડાં પહેર્યા હતાં એ જ કપડાંમાં એટલે કે નાઈટ ટ્રેક પેન્ટ અને ટી-શર્ટમાં જ હોટલની બહાર નીકળીને શ્રેયાએ જણાવેલ બાગ તરફ ઝડપથી ચાલવા લાગ્યો, થોડીવાર ચાલ્યા બાદ અખિલેશ પેલા બાગે પહોંચે છે, અખિલેશની આંખો માત્રને માત્ર શ્રેયાને જ શોધવાના પ્રયત્નો કરી રહી હતી, પરંતુ શ્રેયા એ બાગમાં ક્યાંય દેખાય નહીં… આથી અખિલેશ નિરાશ અને હતાશ થઈને પોતાની હોટલ તરફ ચાલવા લાગ્યો.

એવામાં અખિલેશને પાછળથી એક અવાજ સંભળાયો જે અવાજ શ્રેયાનો હોય તેવું લાગ્યું. “ઓય ! પાગલ ! તું મને મળવા આવ્યો હતો, અને મને મળ્યા વગર જ પાછો જતો રહે છો….??” આ અવાજ સાંભળીને અખિલેશ પાછું વળીને જોવે છે, તો શ્રેયા ચહેરા પર સ્માઈલ સાથે ઉભી હતી, અખિલેશ જ્યારે પણ શ્રેયાનો હસતો ચહેરો જોતો ત્યારે અખિલેશને એવું જ લાગ્યા કરતું કે આ એક સ્માઈલ માટે હજુપણ થોડીક જિંદગી વધુ જીવી લઉં, શ્રેયાને જોઈને અખિલેશનાં જીવમાં જીવ આવ્યો, તેના મનને શાંતિ મળી, અને અખિલેશનાં ઉદાસ કે હતાશ ચહેરા પર ફરી પાછી સ્માઈલ આવી ગઈ.

ત્યારબાદ અખિલેશ શ્રેયાને દીક્ષિતે જે ગુડન્યુઝ આપ્યાં હતાં, તે જણાવે છે, શ્રેયા અખિલેશને પ્રમોશન મળવા બદલ શુભેચ્છાઓ પાઠવે છે. જ્યારે અખિલેશ અને શ્રેયા વાતો કરી રહ્યા હતાં ત્યારે શ્રેયાના ચહેરા પર થોડીક ચિંતાઓની લકીરો છવાયેલ હતી, જે અખિલેશ પામી ગયો હતો.આથી અખિલેશે શ્રેયાને પૂછ્યું. “શ્રેયા ! તને કાંઈ ચિંતા છે…? તારા ચહેરા પર ચિંતા સ્પષ્ટપણે દેખાઇ આવે છે…” – અખિલેશ શ્રેયાના ચહેરા સામે જોઇને બોલે છે. “અખિલેશ ! તું મારી સાથે આટલાં દિવસ હતો તો મારી ટ્રીપના દિવસો ક્યાં પુરા થઈ ગયાં એ બાબતનો મને જરાય ખ્યાલ ના રહ્યો, પરંતુ હવે મને….??” – શ્રેયા ભારે અવાજમાં બોલી.

“પરંતુ ! શું શ્રેયા…?” – અખિલેશ મૂંઝાતા અવાજમાં બોલ્યો. “કોઈપણ યુવતી એવું નથી ઈચ્છતી હોતી કે તે જેને પ્રેમ કરે છે…એ વ્યક્તિ એની નજરોથી દુર થાય… જયારે આપણે તો હવે એકબીજાથી ઘણાં દૂર થઈ જવાના છીએ….હવે ફરી આપણે ક્યારે મળીશું….? મારૂં શું થશે…? વગેરે ચિંતાઓ મને અંદરથી કોરી ખાય છે…!” – શ્રેયા પોતાની વેદના કે ચિંતા રજુ કરતાં બોલી.

“શ્રેયા ! તું ચિંતા ના કરીશ…આપણે એકબીજાને સાચો પ્રેમ કર્યો છે, તો આપણે એકબીજાને ચોક્કસથી મળીશું જ તે…તું આવું શાં માટે વિચારે છો….?” – અખિલેશ શ્રેયાને હિંમત આપતા બોલ્યો. “હા ! તારી વાત સાચી છે…. અખિલેશ પણ હું એક યુવતી કે સ્ત્રી છું તો મને આ ચિંતાઓ થાય કે આવા વિચાર આવે એ સ્વાભાવિક છે, અને હું નહીં દુનિયાની કોઈપણ સ્ત્રીની લાઈફમાં જ્યારે મારી જેવી પરિસ્થિતિ આવે ત્યારે આવાં વિચારો આવતા જ હોય છે…!” – શ્રેયા ભાવુક થતાં બોલી.

“હા ! પણ ! હું તને ક્યારેય એકલી નહીં છોડીશ….બસ એકવાર મુંબઈ જઈશ ત્યાં થોડાક દિવસ રોકાઈને તરત જ તને મળવા આવીશ… એ ચોક્કસ તને હું પ્રોમિસ આપું છું…!” – અખિલેશ શ્રેયાને વિશ્વાસ અપાવતા બોલ્યો. “તો ! તું મને ક્યારેય ઉદાસ કે હતાશ નહીં કરીશ ને…?” – શ્રેયાએ ખાતરી કરતાં અખિલેશને પૂછ્યું. “ના ! હું તને ક્યારેય હતાશ કે નિરાશ નહીં કરીશ….હું તારા ચહેરા પરની આ સ્માઈલ ક્યારેય પણ વિખાવા નહીં દઈશ, તારી ખુશી માટે હું મારાથી બનતું બધું જ કરી છુટીશ.” – અખિલેશે શ્રેયાને હિંમત આપી.

“તું ! ખરેખર મારી ખુશી માટે કે મારી સ્માઈલ માટે બધું જ કરીશ….?” – શ્રેયાએ પૂછ્યું. “હા ! ચોક્કસ….સો ટકા…!” – અખિલેશે મક્કમતાથી જવાબ આપ્યો. “ઓકે ! નાવ આઈ એમ ફિલીગ હેપી….હવે મારા જીવને અને મારા મનને શાંતિ મળી…” – એક હાશકારો નાખતાં શ્રેયા બોલી. ત્યારબાદ બનેવે બગીચામાં કલાક સુધી વાતો કરી…ત્યારબાદ અખિલેશ પાસે એક વધારાનો મોબાઈલ હતો, જે અખિલેશે શ્રેયાને આપતા કહ્યું કે “આ ! મોબાઈલ તું હાલ પૂરતો રાખ…આપણે આ મોબાઈલ થકી એકબીજા સાથે હાલ પૂરતા જોડાયેલા રહીશું….આપણને એકબીજા સાથે વાત કરવામાં પણ સરળતા રહેશે…” – અખિલેશ શ્રેયાને મોબાઈલ આપતાં કહ્યું.

“અખિલેશ ! આ મોબાઈલ તું મને આવતીકાલે આપણે જ્યારે આ જ બગીચામાં સાંજે 6 વાગ્યે મળીએ ત્યારે આપજે….. જે આપણી ઊટીમાં છેલ્લી મુલાકાતની યાદગીરી કે નિશાની ગણીને હું આ મોબાઈલ સ્વીકારી લઈશ !” – શ્રેયા અખિલેશને મોબાઈલ પરત કરતા બોલી. “ઓકે ! યુ આર રાઈટ…હું તારી વાત અને તારા વિચાર સાથે સહમત છું, હું તને આ મોબાઈલ હવે કાલે જ આપીશ….પછી તું જ્યારે પણ આ મોબાઈલ જોઇશ ત્યારે તને હું અને આપણી ઊટીમાં છેલ્લી મુલાકાત ચોક્કસ યાદ આવશે….!” – અખિલેશ શ્રેયાની વાત સાથે સહમત થતાં બોલ્યો.

ત્યારબાદ અખિલેશ અને શ્રેયા એકબીજાથી છુટ્ટા પડે છે, અને પોત પોતાની હોટલ પર જવા માટે ચાલવા લાગે છે, અને બનેવે પોત પોતાની હોટલે પહોંચી જાય છે, હોટલે પહોંચ્યા બાદ અખિલેશ હનીફને કોલ કરીને એક સારો એવો મોબાઈલ પોતાની હોટલ પર જ મંગાવી લે છે….આ મોબાઈલ અખિલેશ શ્રેયાને આવતીકાલે સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે આપવા માટે મંગાવેલ હતો, હનીફ થોડીવારમાં હોટલ પર આવીને અખિલેશને મોબાઈલ આપી જાય છે, અને અખિલેશે હનીફને મોબાઇલના રૂપિયા ચૂકવીને છુટ્ટો કરે છે.

પછી અખિલેશ હોટલમાં આવેલ રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે જાય છે, અને ડિનર કર્યા બાદ, અખિલેશ આવતીકાલે જે અલગ – અલગ વ્યક્તિઓ કે કંપની સાથે એમ.ઓ.યુ કરવાના હતાં, તેનું લિસ્ટ જોઈને તે માટેનાં ડોક્યુમેન્ટ તૈયાર કરે છે. લગભગ રાતના બાર વાગ્યાની આસપાસ અખિલેશને ઊંઘ આવવા લાગે છે, આથી અખિલેશ પોતાના મોબાઈલમાં સવારનાં 6 વાગ્યાનું એલાર્મ સેટ કરીને સુઈ જાય છે, અને થોડીવારમાં તો અખિલેશ ઘસઘસાટ ઊંઘ આવી જાય છે.

શું આવતી કાલે મેગા-ઇ સોફ્ટવેરના એમ.ઓ.યુ શાંતિપૂર્ણ રીતે થઈ જશે….? શું શ્રેયા અખિલેશને આવતી કાલે પેલા બગીચામાં મળશે કે કેમ….? જો મળશે તો પોતે શ્રેયા માટે સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે જે નવો મોબાઇલ લાવેલ છે તે શ્રેયાં સ્વીકારશે કે નહીં…? – આવા વગેરે પ્રશ્નોનો અખિલેશને સામનો કરવાનો હજુ બાકી જ હતો.

દિવસ – મેગા-ઈ સોફ્ટવેર લોન્ચિંગનો છેલ્લો દિવસ

સમય – સવારનાં 10 કલાક.

સ્થળ – ધ સીટી પેલેસ હોટલનો હોલ.

આજે મેગા-ઈ સોફ્ટવેર લોન્ચિંગનો દસમો એટલે કે છેલ્લો દિવસ હતો, બધાં જ મહેમાનો, કર્મચારીઓ, આમંત્રિત હસ્તીઓ, સરકારમાંથી આવેલ અધિકારીઓ, અન્ય કંપનીના સી.ઈ.ઓ વગેરેએ હોલમાં પોતા-પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયાં હતાં, આજે ઇવેન્ટનો છેલ્લો દિવસ હોવાથી આજે પ્રોગ્રામ એક કલાક મોડો શરૂ કરવામાં આવેલ હતો, જેની બધાં લોકોને અગાવથી જ બધાંને જાણ કરેલ હતી, ત્યારબાદ અખિલેશ પ્રોગ્રામની શરૂઆત કરી, થોડીઘણી જનરલ ડિસ્કશન કરવામાં આવી.

ત્યારબાદ અખિલેશે અગાવથી જે લોકોએ આ સોફ્ટવેર માટે એમ.ઓ.યુ કરવા માટે નામ નોંધાવેલ હતાં, તે બધાં સાથે કાયદેસર રીતે એમ.ઓ.યુ કર્યા, અને મેગા-ઈ સોફ્ટવેર માટેનાં અમુક હકો પણ તેમને આપવામાં આવ્યાં. એમ.ઓ.યુ કરવામાં જ લગભગ બપોરનો એક વાગી ચુક્યો હતો, ત્યારબાદ હાજર બધાં જ લોકોને લંચ બ્રેક આપ્યો, અને બપોરે 3 વાગ્યે, ફરી પાછા હોલમાં એકત્ર થવા માટેની સૂચના આપવામાં આવી.

બપોરનાં લગભગ 3: 30 કલાકની આસપાસ હોલ સવારની માફક જ પુરે-પૂરો ભરાય ગયો, અને ત્યારબાદ અખિલેશે માઇક પોતાના હાથમાં લીધું, અને પોતાની કંપનીના ભવિષ્યમાં આવનારા મેગા-ઈ સોફ્ટવેર જેવા મહત્વના સોફ્ટવેર વિશે હાજર રહેલા તમામ લોકોને થોડીક માહિતી આપી, ત્યારબાદ અખિલેશે આભારવિધિ માટેનો કાર્યક્રમ શરૂ કર્યો

આભારવિધિ કાર્યક્રમમાં અખિલેશે આ ઈવેન્ટને સફળ બનાવવા માટે જે કોઈપણ વ્યક્તિએ પોતાનો ફાળો કે સમય આપેલ હતો, એવા નાનામાં નાના કર્મચારીથી લઈને સી.ઈ.ઓ, એમ.ડી. સુધીના તમામ કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો. ત્યારબાદ જે લોકો આ આખી ઇવેન્ટમાં ભાગ લીધો હતો, તે બધાંને ડિજિટેક સોફ્ટવેર કંપનીના અલગ – અલગ કર્મચારીઓ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું, ત્યારબાદ અખિલેશે આ ઈવેન્ટને સફળ બનાવવા માટે ત્યાંના સ્થાનિક જે લોકોએ પોતાનો ફાળો, સમય કે યોગદાન આપેલ હતું એ બધાંનો પુષ્પગુચ્છ આપીને આભાર માન્યો.

અખિલેશ ભાવુક થઈને સ્થાનિક લોકોનું પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું, આ સન્માન માટે ઊટીના એમ.એલ.એ, ત્યાંના કોર્પોરેટર, ધ સીટી પેલેસ હોટલના મેનેજર, ઊટી શહેરનાં નામાંકિત ઉદ્યોગપતિઓ, વગેરેને એક-પછી એક એમ કરીને વારાફરતી સ્ટેજ પર સન્માન માટે બોલાવવામાં આવ્યાં, પરંતુ અખિલેશ જ્યારે ઊટીનાં એમ.એલ.એ જયકાન્તભાઈનું સન્માન કરી રહ્યો હતો, એ દરમ્યાન તેનાં શરીરમાં અજીબ પ્રકારની બેચેની પ્રસરી ગઈ, અખિલેશનું મન એકદમ વ્યાકુળ બની ગયું, અખિલેશે જ્યારે જયકાન્તભાઈને પુષ્પગુચ્છ આપવા માટે પોતાનો હાથ લાંબાવ્યો એ દરમ્યાન જયકાન્તભાઈએ અખિલેશ સાથે હાથ મેળવ્યો, બરાબર આ જ સમયે અખિલેશને જાણે એક અલગ પ્રકારની ઉર્જા પોતાનાં શરીરમાંથી પસાર થઈ હોય તેવું લાગી રહ્યું હતું.

ત્યારબાદ અખિલેશ ઝડપથી જયકાન્તભાઈને પુષ્પગુચ્છ આપીને માઈકની કમાન બીજા કર્મચારીને સોંપીને તે પોતાની ખુરશી પર બેસી ગયો, અને ટેબલ પર રહેલ પાણીનો ગ્લાસ એક જ શ્વાસમાં પીઈ લીધું. અખિલેશને આ પોતાની સાથે શું થઈ રહ્યું હતું તે કંઈ સમજમાં નહોતું આવી રહ્યું. થોડીવાર બાદ અખિલેશને સારું લાગવા માંડ્યું, ત્યારબાદ અખિલેશ ફરી માઈકની કમાન પોતાનાં હાથમાં લે છે, અને સફળતાપૂર્વક આ ઇવેન્ટની આભારવિધિ પુરી કરે છે, ત્યારબાદ બધાં જ લોકો પોત-પોતાનો સામાન લેવા માટે રૂમ પર જાય છે.

અખિલેશ જ્યારે હોલની બહાર નીકળીને પોતાના રૂમ તરફ જઈ રહ્યો હતો, એવામાં તેના કાને પાછળથી કોઈકનો અવાજ સંભળાયો, અખિલેશ પાછળ વળીને જોયું તો આકાશ અને અન્ય ચાર કર્મચારીઓ ઉભા હતાં. “યસ ! આકાશ. બોલ…!” – અખિલેશ આકાશ સામે જોઇને બોલ્યો. “સર ! ઇફ યુ ડોન્ટમાઇન…!” – આકાશ ડરતા અવાજે બોલ્યો. “હા ! બોલ ! આકાશ…!”

“સર ! આજે આપણી “મેગા-ઈ” સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટ પુરી થઈ અને તેમાં ભવ્ય સફળતા મળી છે, તો તે બદલ અમે લોકોએ એક નાનકડી પાર્ટીનું આયોજન કરેલ છે, તો અમારી એવી ઈચ્છા છે કે તમે પણ અમારી આ નાનકડી પાર્ટીમાં જોડાવ…પ્લીઝ સર…અમારા બધાંની તમને એક હમ્બલ રિકવેસ્ટ છે…!” – આકાશ અને તેની પાસે ઉભા રહેલા કર્મચારીઓએ અખિલેશને ખુબ જ રિકવેસ્ટ કરી.

“ઓહ..એવું….તો તમારી આ નાનકડી પાર્ટી કંઈ જગ્યાએ છે..?” – અખિલેશ પરિસ્થિતિનો તાગ મેળવતા બોલ્યો. “સર ! આ પાર્ટી આપણે ઇવેન્ટના પહેલા દિવસે જે પબમાં કરી હતી ત્યાં જ એટલે કે આલીશાન પબમાં એરેન્જ કરેલ છે…!” “ઓહ ! તો તમે મને પૂછયાં વગર, પાર્ટી પણ એરેન્જ કરી લીધી એમ ને…!” – અખિલેશે સામે ઉભેલા બધા જ કર્મચારીઓ પર નજર ફેરવતાં-ફેરવતાં પૂછ્યું. “હા ! સાહેબ ! અમે તમને સરપ્રાઈઝ આપવા માંગતા હતાં, એટલે તમને પૂછયાં વગર જ આ પાર્ટી એરેન્જ કરી છે..!” – આકાશ બોલ્યો. “સાહેબ ! પ્લીઝ ! અમને ના બોલીને દુઃખી ના કરશો..!” – બધાં જ કર્મચારીઓએ અખિલેશને વિનંતિ કરી.

અખિલેશે પોતાની ઘડિયાળમાં જોયું, સાંજના 7 વાગ્યાં હતાં, આ બાજુ આકાશ અને અન્ય કર્મચારીઓ અખિલશને પોતાની સાથે સેલિબ્રેશનની પાર્ટીમાં જોડાવવા માટે જેવી રીતે નાનું બાળક પોતાના માતા-પિતા પાસે આજીજી કરતું હોય, તેવી જ રીતે અખિલેશ પાસે આજીજી કરી રહ્યાં હતાં, પોતાની ઈચ્છા ના હોવાછતાં પણ અખિલેશ એ લોકો સાથે પાર્ટીમાં જોડાવવા માટે તૈયાર થઈ ગયો.

ત્યારબાદ અખિલેશ, આકાશ અને અન્ય ચાર કર્મચારીઓ આલીશાન પબમાં જાય છે, ત્યાં પહોંચીને બધા જ લોકો પોત-પોતાની ઈચ્છા મુજબ હાર્ડ ડ્રિન્ક મંગાવે છે, જ્યારે અખિલેશ માત્ર બિયર જ ઓર્ડર કરે છે, ધીમે-ધીમે પાર્ટી જામવા લાગી, બધા જ કર્મચારીઓએ આ ઇવેન્ટ દરમ્યાન કેવાં -કેવાં અનુભવ થયાં, આ આખી ઇવેન્ટ કેવી લાગી, ઊટી શહેર કેવું લાગ્યું….વગેરે મુદ્દાઓ પર પોતપોતાના મહાન ફાઈવ રેટેડ રિવ્યુ આપવાનું શરૂ કર્યું, વાતો વાતોમાં અખિલેશ બિયરની એક બોટલ પીઈ ગયો.

ત્યારબાદ અખિલેશ આલીશાન પબનાં વેઈટર પાસે બિલ મંગાવે છે, થોડીવારમાં વેઈટર બિલ લઈને આવી પહોંચે છે, આથી અખિલેશ બિલનું પેમેન્ટ કરવાં માટે પોતાનું પાકીટ બહાર કાઢે છે, પરંતુ હાજર રહેલા કર્મચારીઓ અખિલેશને બીલ પેમેન્ટ કરવા દેતા નથી, અને તે લોકો જ પેમેન્ટ કરે છે, આથી અખિલેશ પોતાનું પાકીટ પાછું ખિસ્સામાં મૂકે છે, આ દરમ્યાન ટેબલ પર રહેલ મેન્યુ ટેબલ પરથી નીચે પડે છે, આથી અખિલેશ એ મેન્યુ લેવા માટે ઝૂકે છે….બરાબર તે જ વખતે તેના શર્ટના ઉપરના ખિસ્સામાં રહેલ મોબાઈલ ફોન નીચે પડે છે, આ જોઈ અખિલેશની આંખો પહોળી થઇ જાય છે…કારણ કે આ એ જ મોબાઈલ હતો જે મોબાઈલ અખિલેશે શ્રેયાને ગિફ્ટમાં આપવા માટે રફીક ડ્રાઇવર પાસે મંગાવ્યો હતો.

અખિલેશે પોતાના બનેવે હાથ કપાળે, અને માથે ફેરવતાં – ફેરવતાં અને ઘડિયાળમાં નજર કરતાં – કરતાં બોલ્યો. “ઓહ ! માય ગોડ…! રાતના આઠ વાગી ગયાં… શીટ..!” – આટલુબોલી અખિલેશ હોટલની બહાર નીકળવા માટે ઝડપભેર ચાલવા માંડ્યો. “પણ… સર… થયું….શું….?…. એતો… જણાવો…” – આકાશે પૂછ્યું. “કંઈ નહીં….” – આટલું બોલી અખિલેશ ઝડપભેર હોટલની બહાર નીકળી ગયો.

અખિલેશનાં ખિસ્સામાંથી જ્યારે મોબાઈલ નીચે પડ્યો, એ મોબાઈલ જોઈને અખિલેશને એકાએક યાદ આવ્યું કે આજે તેણે શ્રેયાને 6 વાગ્યે હોટલની નજીક આવેલા ગાર્ડને મળવા માટેની પ્રોમિસ કરી હતી. અખિલેશ શ્રેયા વિશે વિચારતા – વિચારતાં ઝડપથી ચાલી રહ્યો હતો, જ્યારે દ્વારકામાં બેસેલ દ્વારકાધીશને સંદેશો મળે છે કે પોતાનો બાળપણનો મિત્ર સુદામા તેને મળવા માટે દ્વારકા આવ્યાં છે, આ સાંભળી જેવી રીતે દ્વારકાધીશ પોતાનું સ્વમાન, પોતાની આબરૂ, પોતાનો હોદ્દો, પોતાની હેસિયત બધું જ ભૂલીને એક ગાંડાની માફક ખુલ્લા પગે દોડવા લાગે છે, તેવી જ રીતે શ્રેયાના પ્રેમમાં ભાન ભૂલેલ અખિલેશ પણ કૃષ્ણની માફક જ ગાંડો બનીને શ્રેયાને મળવા માટે દોડવા લાગે છે, પરતું અફસોસ એ વાતનો હતો કે દ્વારકાધીશ તો તેના મિત્ર સુદામાને મળી શક્યાં હતાં, જ્યારે અખિલેશ…..? કારણ કે અખિલેશ શ્રેયાને મળવાનો સમય ચુકી ગયો હતો.

એકબાજુ અખિલેશ હતાશ, ઉદાસ અને નિરાશ થઈ રહ્યો હતો, જ્યારે બીજી બાજુ તેણે જે એક બિયરની આખી બોટલ પુરી કરેલ હતી, તેની અસર થવાનું ચાલુ થઈ ગયું હતું, ત્યારબાદ અખિલેશ શ્રેયાને જે ગાર્ડને મળવા માટેની પ્રોમિસ આપી હતી તે ગાર્ડને પહોંચે છે….એ જ ગાર્ડન ગઈકાલે એકદમ મનમોહક લાગી રહ્યું હતું, બધી વસ્તુઓ જેવી કે દરેક વૃક્ષઓ, બાંકડાઓ, હિંચકા અને ખુદ અખિલેશ પણ એ જ હતો, બસ માત્ર કમી હતી તો શ્રેયાની….પરંતુ પોતે આજે સાંજે 6 વાગ્યે શ્રેયાને મળવાની પ્રોમિસ કરી હતી એ મગજમાંથી જતું જ રહ્યું જેનું પરિણામ હાલ અખિલેશ ભોગવી રહ્યો હતો….આથી અખિલેશનાં મોઢા માંથી શબ્દો નીકળી ગયાં કે….

“ગઈકાલે આ જ બગીચો જાણે જીવંત હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે આ જે એ જ બગીચો સુમસામ ભાસે છે….. ફરક માત્ર એટલો જ છે કે એ સમયે તારો સંગાથ હતો, જ્યારે હાલ હું એકલો અને અટૂલો છું.”

ત્યારબાદ અખિલેશ ગઈકાલે પોતે અને શ્રેયા જે બાંકડા પર બેઠા હતાં તે જ બાંકડા પાસે જઈ ગોઠણિયા વાળીને બેસી જાય છે, પોતાના શરીર તથા મનમાં એક પ્રકારની હતાશા કે નિરાશા ફેલાઈ જાય છે, બનેવનાં આંખોનાં ખુણાઓ ભીંજાય જાય છે, જાણે એક જ પળમાં અખિલેશે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હોય તેવું લાગી રહ્યું હતું, પોતાની જાતને અખિલેશ એટલી કમનસીબ માની રહ્યો હતો કે પોતે શ્રેયાને મળવા માટે આપેલ પ્રોમિસ પણ કામને લીધે ભૂલી ગયો, જેની તે હાલમાં માફી પણ માંગી શકતો ન હતો.

આ સમયે અખિલેશનાં મનમાં અનેક પ્રશ્નો ઉદભાવેલા હતાં… શું શ્રેયા પોતાને મળવા માટે આ બગીચામાં આવી હશે….? શ્રેયાએ ક્યાં સુધી પોતાની રાહ જોઈ હશે….? શ્રેયાએ મારા માટે મનમાં શું…વિચારી લીધું હશે….? શું શ્રેયા મને હવે નફરત કરવાં માંડી હશે….? શું શ્રેયા હવે મને ફરી મળશે….? જો શ્રેયા મને ફરી મળશે, તો શું એ મારી સાથે વાત કરશે…? – આવા અનેક પ્રશ્નો અખિલેશ હાલ પોતાની જાતને પૂછી રહ્યો હતો….પરંતુ હાલમાં આ બધાં પ્રશ્નોના જવાબ અખિલેશ પાસે તો હતાં જ નહીં….આ બધાં જ પ્રશ્નોના જવાબ તો માત્ર શ્રેયા જ આપી શકે તેમ હતી…જે હાલમાં અખિલેશની સાથે હતી નહીં.

અખિલેશને હાલમાં ખુબ જ રડવું પણ આવી રહ્યું હતું…પરંતુ પુરુષ થઈને રડે તો તે કેવું લાગે…..? આપણાં આ સમાજે જાણે પુરુષ પર એક મોહર લગાડી દીધી હોય તેવું લાગે કે…પુરુષ ક્યારેય રડી ના શકે…! સાહેબ એકવાર આ પુરુષની તકલીફો કે દૂ:ખ વિશે પૂછવામાં આવે તો, સાહેબ એક ઘનઘોર વાદળ જેટલો ભાર કે વજન પોતાની અંદર લઈને ચાલે છે, એનાથી ચાર ગણું જવાબદારીનું વજન આ સમાજનો દરેક પુરુષ પોતાની સાથે લઈને ચાલે છે…પછી તે પુરુષ ભલે કોઈનો બાપ, ભાઈ, કે પતિ હોય.

એવામાં અખિલેશનું ધ્યાન બાકડાની નીચેની તરફ જાય છે, ત્યાં થોડુંક પાછળની તરફ એક પર્સ અખિલેશની નજરે પડે છે, આથી અખિલેશે એ પર્સ ઉઠાવે છે, અને ચેક કરવા લાગે છે, તો તેમાંથી અખિલેશને શ્રેયાનાં ફોટા મળી આવે છે, આથી અખિલેશને એ બાબતનો ખ્યાલ આવી ગયો કે આ પર્સ શ્રેયાનું જ છે, અને શ્રેયા તેને મળવા માટે આવી જ હશે, એ બાબતની હવે ખાત્રી પણ થઈ ગઈ, અખિલેશને શ્રેયાનું પર્સ તો ચોક્કસ મળ્યું, પરંતુ પોતે શ્રેયાને ના મળી શક્યો તેનો વસવસો હજુપણ અખિલેશનાં મનમાં વલોપાત કરી રહ્યો હતો.

આથી અખિલેશ ભારે હૃદયે તે બગીચામાંથી જાણે યુદ્ધમાં બધું જ હારી ગયો હોય તેવી રીતે પોતાની હોટલ તરફ પોતાના પગલાંઓ ભરવાનું ચાલુ કર્યું, સાથે-સાથે થોડીક બિયરની પણ અસર હોવાથી, તે થોડાક લથડીયા પણ ખાઈ રહ્યો હતો, પરંતુ પોતાની સાથે આજે જે કાંઈ બન્યું એનું દુઃખ જ એટલું હતું કે આ નશો પણ અખિલેશનાં દુઃખને ઓછું કરી શકે તેમ ન હતું.

થોડીવારમાં અખિલેશ ધ સીટી પેલેસ હોટલ પર પહોચ્યો, રિસેપશન કાઉન્ટર પરથી પોતાના રૂમની ચાવી લીધી અને કંઈપણ બોલ્યાં વગર તે ચુપચાપ શાંતિથી પોતાના રૂમમાં જતો રહ્યો, અખિલેશનું આવું વર્તન હોટલનાં સ્ટાફે પણ નોટિસ કર્યું….નહીંતર તે દરેક સ્ટાફ સાથે હસતાં-હસતાં વાત તો અચૂક કરતો જ હતો, પરંતુ આજે એકપણ સ્ટાફ સાથે વાત કરી જ નહીં.

ત્યારબાદ અખિલેશ પોતાના મનમાં અનેક પ્રશ્નો લઈને પોતાના બેડ પર સુઈ ગયો, આ બધાં પ્રશ્નોના જવાબ શ્રેયા અખિલેશને ફરીવાર મળશે તો જ તેને મળશે….બાકી જો શ્રેયા અખિલેશને ફરી નહીં મળે તો આ બધાં જ પ્રશ્નો હંમેશને માટે પ્રશ્નો જ બનીને રહી જશે….! આ બધું વિચારતા – વિચારતાં અખિલેશ સુઈ ગયો.

આવતીકાલનો સૂરજ શું અખિલેશ માટે નવી આશાઓના કિરણો લઈને આવશે…કે પછી તેના નસીબને ચોમાસાના ઘનઘોર કાળા ડિબાંડ વાદળોની માફક અંધકારમય બનાવશે ? અખિલેશ મનમાં જે પ્રશ્નો લઈને સુઈ ગયો હતો એ પ્રશ્નોના જવાબ અખિલેશને મળશે….? શું તેના નસીબમાં શ્રેયાનો પ્રેમ નહીં લખેલો હશે…? શાં માટે ઊટીનાં એમ.એલ.એ જયકાન્તભાઈને જોઈને અખિલેશને અજુગતું ફિલ થયું – આ બધાં જ પ્રશ્નો કે પરિસ્થિતિનો હજુ અખિલેશને આગળ જતાં સામનો કરવાનો જ હતો.

ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

લેખક : મકવાણા રાહુલ.એચ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ