ધ ઊટી – નવલકથા ભાગ 13 શું અખિલેશ, દીક્ષિત અને ડૉ.અભય શાંતીથી ઊટી પહોંચી શકશે…? શું જયકાન્તને પોતાના કરેલા દુષ્કર્મોની સજા મળશે…?

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

(ડો.અભય અને હનીફ ટાઇગર હિલેથી પરત ફરે છે, આ ટાઇગર હિલ પર ડૉ. અભયને કંઈક અજુગતું મહેસુસ થયું જે અખિલેશનાં કેસ સાથે કોઈને કોઈ સંબંધ ધરાવતું હોય તેવું લાગ્યું, અને ડૉ. અભયની બેગમાં રહેલ યુનિવર્સલ એનર્જી ડિટેક્ટર દ્વારા પણ તેની સાબિતી થઈ ગઈ, ત્યારબાદ ડૉ. અભયની હનીફનાં કાકા સલીમભાઈ કે જે અન્ય પ્રવાસીઓને ટાઇગર હિલે ડ્રોપ કરવાં માટે આવેલ હતાં, તેની સાથે મુલાકાત થાય છે, અને બનેવ વચ્ચે પોણી કલાક જેટલું ડીપ ડિસ્કશન થાય છે, ત્યારબાદ ડૉ. અભયનો આત્મવિશ્વાસ સાતમાં આસમાને પહોંચી જાય છે, અને જાણે મોટાં એવાં યુધ્ધમાં પોતાનો વિજય થયો હોય તેવું ડૉ. અભય અનુભવી રહ્યાં હતાં, ત્યારબાદ ડૉ. અભયને ડ્રોપ કરવાં માટે હનીફ પોતાની કારને સિલવર સેન્ડ કે જ્યાં ડૉ. અભય રોકાયેલ હતાં, ત્યાં લઈ જાય છે….)

સમય – સાંજના 7 : 30 કલાક.

સ્થળ – હોટલ સિલ્વર સેન્ડ

ડૉ. અભય ડિનર કરીને પોતાનાં રૂમમાં આરામ ફરમાવી રહ્યાં હતાં, અને સાથે -સાથે ટી.વી પર સમાચાર જોઈ રહ્યાં હતાં, એવામાં તેને એકાએક અચાનક કંઈક યાદ આવી ગયું હોય, તેમ ટીપાઈ પર રહેલ પોતાનો મોબાઈલ ઉઠાવ્યો, અને તેમાંથી કોન્ટેક્ટ લિસ્ટ ઓપન કરીને ડૉ. રાજનને કોલ કર્યો. “હેલો ! રાજન ! કેમ છો..!” – અભયે વાતની શરૂઆત કરતાં પૂછ્યું. “બસ ! મજામાં ! બસ જો ! હાલ જ સાંજની ઓ.પી.ડીનાં પેશન્ટ જોઈને જસ્ટ ફ્રી થયો…! હવે ઇન્ડોર પેશન્ટ જોવાનાં બાકી છે, તો હવે રાઉન્ડમાં જઈશ…” – રાજન બોલ્યો.

“સારું ! રાઉન્ડ પરથી મને યાદ આવ્યું કે…અખિલેશની કંડીશન હાલમાં કેવી છે…?” – અભયે રાજનને આતુરતાપૂર્વક પૂછ્યું. “હાલમાં તો મેં અલિલેશને મેડીસીન્સ શરૂ કરી દીધી છે…જેનાંથી અખિલેશની કંડીશન પહેલાં કરતાં બેટર છે…!” – અખિલેશની કંડીશન જણાવતાં રાજન બોલ્યો. “હા ! દોસ્ત ! અખિલેશે ! અત્યાર સુધીમાં ઘણી જ મેડીસીન્સ લીધેલી હશે…પરંતુ હવેથી અખિલેશને મેડીસીન્સની કોઈ જ જરૂર નહીં રહે….!” – અભય પોતાની વાત શરૂ કરતાં બોલ્યો. “અભય ! મને કંઈ સમજાયું નહીં…તું ખરેખર શું કહેવા માંગે છો…?”- આશ્ચર્ય સાથે રાજને અભયને પૂછ્યું.

“મિ. રાજન ! મારા દ્વારા અખિલેશનો કેશ ઓલમોસ્ટ સોલ્વ થઈ ગયો છે, ધીમે- ધીમે મને અખિલેશનાં જીવન સાથે જોડાયેલા રહસ્યો અહીં ઊટીથી જાણવા મળેલ છે, જેની મદદથી હું અખિલેશનો કેસ લગભગ એંસી ટકા જેટલો સોલ્વ કરવામાં સફળ રહ્યો છું, જો કે આ કેસ મારા માટે સૌથી મોટી ચેલેન્જ સમાન જ હતો, મારા દ્વારા જેટલાં કેસ હેન્ડલ થયાં છે, તેમાંથી અખિલેશનો કેસ થોડો વિચિત્ર કે અજુગતો હતો, જો કે અખિલેશનો કેસ સોલ્વ કરવામાં તો મને શરૂઆતમાં તો માત્ર નિષ્ફળતા અને હતાશાં જ મળેલ હતી, પરંતુ મારી આદત પ્રમાણે હું કોઈ કેસ હાથમાં લવ પછી તેના મૂળીયા ખોદીને રહું છું, એવું જ મેં અખિલેશનાં કેસમાં પણ કર્યું, શરૂઆતનાં 6 દિવસ સુધી તો મને કોઈ જ એવી માહિતી મળી નહીં, કે જેને લીધે મને અખિલેશનો કેસ સોલ્વ કરવાં માટે આશાનું કિરણ દેખાય…

આ તો આભાર હનીફનો અને તેના કાકા સલીમભાઈનો કે જેણે મને પૂરતી માહિતી આપી કે જેને લીધે 80% કેસ હું સોલ્વ કરવામાં સફળ રહ્યો….અખિલેશની લાઈફ સાથે જોડાયેલા બધાં જ રહસ્યો મને ધીમે – ધીમે સમજાય રહ્યાં છે, માત્ર જરૂર છે તો એક એવી કડીની કે જે અખિલેશનો કેસ સંપૂર્ણપણે સોલ્વ કરવામાં ખૂટતી રહી છે…કે જે બધાં જ રહસ્યોને એકબીજા સાથે જોડીને અખિલેશનાં કેસને દિવા જેવો સ્પષ્ટ બનાવી દે…! – અભય રાજનને માહિતી આપતાં બોલ્યો.

“એક મિનિટ ! અભય…આ હનીફનું નામ તો મેં સાંભળેલ છે…પરંતુ આ સલીમભાઈ એ કોણ છે…? એ અખિલેશનાં કેસમાં ક્યાંથી આવ્યાં…? સલીમભાઈ અખિલેશની લાઈફ સાથે જોડાયેલા વણઉકેલાયેલા રહસ્યો સાથે શું સબંધ ધરાવે છે…….?” – રાજને એક જ શ્વાસમાં અભયને બધું જ પૂછી લીધું.

“જો ! રાજન ! હું અને હનીફ જ્યારે ટાઇગર હિલ પરથી પાછા ફરી રહ્યાં હતાં, ત્યારે પાર્કિંગની બહાર સલીમભાઈ પોતાની ટેક્ષી લઈને આવ્યાં, અને તેની ટેક્ષીમાં બેસાડેલા પ્રવાસીઓને ટાઇગર હિલ પર ઉતાર્યા, એવામાં હનીફનું ધ્યાન સલીમભાઈ પર ગયું, આથી હનીફ દોડીને તેમની પાસે ગયો, અને તેને વંદન કર્યા, અને ગળે મળ્યો, ત્યારબાદ તે બનેવે થોડીક વાતો- ચીતો કરી….ત્યારબાફ હનીફ પાછો હું જે કાર પાસે ઉભેલો હતો ત્યાં આવ્યો, મેં જ્યારે તેને પૂછ્યું કે,” હનીફ ! પેલા વૃધ્ધ જેવા દેખાતાં ટેક્ષી ડ્રાઇવર સાથે તારે શું સબંધ છે…?”….ત્યારે હનીફે મને જણાવ્યું કે સલીમભાઈ મારા ચાચુજાન છે, જે ઊટીમાં છેલ્લાં 40 વર્ષથી ટેક્ષી ડ્રાઇવર તરીકે ધંધો કરે છે…..ત્યારબાદ મેં હનીફને જણાવ્યું કે મારે તારા ચાચુજાનને મળવું છે, અને થોડી માહિતી મેળવવી છે…આથી હનીફ તેના ચાચુજાન સલીમભાઈ સાથે મારો પરિચય કરાવ્યો અને હનીફ કારમાં જઈને ડ્રાઇવર સીટ પર બેઠો.

મેં જ્યારે સલીમભાઈને પહેલી વખત જોયાં, તો મને ખ્યાલ આવી ગયો હતો કે સલીમભાઈ છેલ્લાં 40 વર્ષથી ટેક્ષી ડ્રાઇવરની નોકરી કરે છે, અને હનીફને પણ કાર ડ્રાઇવિંગ સલીમભાઈએ જ શીખડાવેલ છે, તેથી મને સમજાય ગયું કે સલીમભાઈ ઊટીની ગલીએ ગલીઓથી સારી રીતે વાકેફ હશે….બસ મારે જોવાનું એ હતું કે ઊટીની ગલીએ ગલીઓથી વાકેફ સલીમભાઈ મને અખિલેશનો કેસ સોલ્વ કરવામાં કેટલાં ઉપયોગી નીવડે છે….” – અભય આખી વાત માંડતાં રાજનને જણાવે છે.

“હા ! પછી ! પછી ! શું ? થયું…? સલીમભાઈ તને અખિલેશનો કેસ સોલ્વ કરવામાં ઉપયોગી નિવડયાં કે નહીં…? સલીમભાઈ પાસેથી તેને શું – શું માહિતી મળી…? સલીમભાઈ પાસેથી તને જે માહિતી મળી..એ બધી માહિતી તને અખિલેશનાં જીવન સાથે જોડાયેલા રહસ્યો સોલ્વ કરવામાં મદદગાર સાબિત થઈ કે નહીં…?” – રાજને એક જ શ્વાસમાં અભયને નવાઈ સાથે ઘણાં-બધાં પ્રશ્નો પૂછી લીધાં.

“હા ! ડૉ. રાજન ! ધીરજ રાખો…! હું તમને બધી જ માહિતી આપું છું….આપણે ત્યાં એક કહેવત છે કે “ઘરડા જ ગાડા વાળે..” – આ કહેવત મારા માટે ખરેખર સાચી ઠરી હોય તેવું મને લાગી રહ્યું હતું… .ત્યારબાદ અભય રાજનને સલીમભાઈ સાથે થયેલ વાતચીત વિસ્તારપૂર્વક જણાવતાં કહે છે કે…. હું જ્યારે સલીમભાઈ પાસે ઉભો હતો, ત્યારે મેં એક આશા સાથે સલીમભાઈને પ્રશ્ન પૂછ્યો.

“કાકા ! તમે તો ઊટીમાં વર્ષોથી આવી રીતે ટેક્ષી ડ્રાઇવિંગ કરતાં હશો હે ને…?” – વાતની શરૂઆત કરતાં હળવાં સ્મિત સાથે ડૉ. અભયે સલીમભાઈને પૂછ્યું. “હા ! બેટા ! હું લગભગ છેલ્લા 40 વર્ષથી ઊટીમાં આવી રીતે ટેક્ષી ચલાવી રહ્યો છું, અને મારાં ઘરનું ગુજરાન ચલાવું છું.” – સલીમભાઈએ પોતાનાં કપાળ પર હાથ ફેરવતાં જવાબ આપ્યો. “તો ! તો તમે આખા ઊટી શહેરથી સારી રીતે વાકેફ હશો ને…?” “અરે ! બેટા ! સોયે સો ટકા હું આખા ઊટી શહેરથી સારી રીતે વાકેફ છું, મારો જન્મ પણ ઊટીમાં જ થયેલો છે.!” – સલીમભાઈ બોલ્યાં. ” તો ! તો પછી તમારે અહીં ટાઇગર હિલે પણ અવારનવાર આવવાનું થતું હશે ને…?” – અભયે પોતાની મૂળ વાત પર આવતાં સલીમભાઈને પૂછ્યું. “હા ! બેટા ! હું અવારનવાર ટાઇગર હિલે વર્ષોથી મુલાકાતીઓ કે પ્રવાસીઓને લઈને આવતો જ હોવ છું…હાલમાં પણ હું મુલાકાતીઓને જ લઈને આવેલ છું.” – સલીમભાઈ અભયનાં પ્રશ્નનો જવાબ આપતાં બોલ્યાં.

“તો ! તમે મને ટાઇગર હિલ વિશે થોડીક માહિતી આપશો…જો તમે મને પૂરતી અને સાચી માહિતી આપશો તો હું મારા એક દર્દી કે જે હાલમાં જીવન અને મરણ વચ્ચે ઝોંકા ખાઈ રહ્યો છે, જેની જિંદગી હાલમાં નર્કથી પણ બદતર બની ગઈ છે, જેની લાઈફ હાલમાં એટલાં બધાં રહસ્યોથી ભરેલ છે કે પોતે એક પાગલ જેવો બની ગયેલ છે….તેને આવી પરિસ્થિતિમાંથી હું હેમખેમ ઉગારી શકવામાં સફળ રહું તે માટે તમે આપેલ માહિતી મારા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે..!” – અભયે આજીજી કરતાં સલીમભાઈને કહ્યું.

“સાહેબ ! કોણ છે…એ બદનસીબ ઈન્સાન કે જેની જિંદગી હાલમાં દોઝખ જેવી બની ગઈ છે…!” – સલીમભાઈનાં પાક હૃદયમાં ઇન્સાનિયતનું ઝરણું ફૂટી નીકળ્યું હોય તેમ તેણે ડૉ. અભયને આંખોમાં આંસુ સાથે પૂછ્યું. “સલીમ ભાઈ ! એ બદનસીબ વ્યક્તિનું નામ છે….અખિલેશ કે જેની સારવાર હાલમાં હું અને મારો મિત્ર રાજન કરી રહ્યાં છીએ, જે હનીફનો પણ એકસમયે સારો એવો મિત્ર રહી ચુક્યો છે, હનીફ તેની સાથે ઊટીમાં દસ દિવસ ફરેલ હતો, અને બનેવ વચ્ચે મિત્રતા બંધાય હતી…!” – ડૉ. અભય અખિલેશનો પરિચય આપતાં સલીમભાઈને જણાવે છે.

“સાહેબ ! તમતમારે મને જે કંઈ પૂછવું હોય એ પૂછો હું તમને તેનો સાચો જવાબ કે માહિતી આપીશ…જો હું અખિલેશ જેવા બદકિસ્મત ઇન્સાનને કોઈને કોઈ રીતે ઉપયોગી થઈશ તો હું મારી જાતને અલ્લાહનો નેક બંદો ગણાવાનું સ્વમાન મેળવીશ…અને મારી જાતને નસીબદાર ગણીશ કે એક દુઃખી અને જરૂરિયાત મંદ ઇન્સાનને મદદ કરવાનાં નેક કામનું ફરમાન અલ્લાહે મારા નસીબમાં આપ્યું.” – સલીમભાઈ ડૉ. અભયનાં હાથ પકડીને બોલે છે.

“તો ! સલીમભાઈ મને બરાબર યાદ કરીને જણાવો કે જણાવો કે શું તમે તમારી લાઈફમાં ક્યારેય ટાઇગર હિલ વિશે એવું કંઈ અજુગતું સાંભળેલ છે…જે તમારા માનવામાં આવેલ ન હોય…? અથવા કોઈ એવી ઘટનાં વિશે તમે જાણો છો કે જે અહીં ટાઇગર હિલ પર ઘટેલ હોય…? શું તમે ક્યારેય એવું મહેસુસ કર્યું કે ટાઇગર હિલ પર અમુક પ્રકારની એનર્જી હાજર હોય….?” – આમ ડૉ. અભયે સલીમભાઈને ઘણાં પ્રશ્નો પૂછી લીધો.

ડૉ. અભયે દ્વારા પુછાયેલાં પ્રશ્નો સલીમભાઈએ શાંતિપૂર્વક સાંભળ્યાં, અને પોતાનાં મગજ પર ભાર દઈને પોતાનાં ભૂતકાળને વાગોળવા લાગ્યાં, અને પોતાનાં કપાળ પર હાથ ફેરવવાં લાગ્યાં, અને યાદ કરવાં માંડ્યા, થોડીવાર બાદ સલીમભાઈને એકાએક કંઈક યાદ આવ્યું હોય તેમ આંખોમાં ચમક સાથે બોલ્યાં.

“સાહેબ ! આમ તો હું ઊટીમાં અવારનવાર મુલાકાતીઓને લઈને આવતો હોવ છું, પરંતુ આજથી લગભગ ત્રીસેક વર્ષ પહેલાં હું જ્યારે હોટલ સિલ્વર સેન્ડ પાસે કોઈ મુસાફર મળે તેની રાહ જોઈ રહ્યો હતો, એવામાં મારું ધ્યાન સિલ્વર સેન્ડ હોટલમાંથી બહાર આવી રહેલાં એક કપલ પર પડયું, આથી મેં મારી ટેક્ષી તેમની નજીક લીધી, અને ટેક્ષીમાં આવવાં માટે પૂછ્યું, સાહેબ એ સમયે મને એ કપલ એકદમ ઉદાસ અને સંપૂર્ણપણે હિંમત હારી ચૂકેલ હોય તેવું લાગી રહ્યું હતું, બનેવનાં ચહેરા પર માયુશી છવાયેલ હતી, પોતાને કયાં જવું…? ક્યાં રોકાવું એ પણ એ લોકોએ નક્કી કરેલ નાં હોય તેવું મને લાગ્યું….પણ સાહેબે એક વસ્તુ હતી કે તે બનેવની આંખોમાં એકબીજા પ્રત્યે અપાર અને અનહદ પ્રેમ મેં જોયેલો હતો, ત્યારબાદ તેઓ ટાઇગર હિલ પર આવવાં માટે રાજી થઈ જાય છે, અને તે કપલને ટાઇગર હિલ પર ડ્રોપ કરીને, હું ફરી પાછો કોઈ અન્ય ભાડું મળી રહેશે, એવી આશા સાથે પાછો સિલ્વર સેન્ડ હોટલની સામે મારી ટેક્ષી પાર્ક કરીને ઉભો રહ્યો…” – સલીમભાઈ પોતાની વાત આગળ વધારતાં બોલે છે.

“પછી…પછી…શું…થયું કાકા…?” – ડૉ. અભયને સલીમભાઈની વાતમાં રસ પાડતો હોય તેવી રીતે આતુરતાથી પૂછ્યું.

ત્યારબાદ થોડીક મિનિટો બાદ એટલે કે અડધી કલાક બાદ હું જે જગ્યાએ મારી ટેક્ષી લઈને ઉભો હતો, ત્યાં મારી ટેક્ષી પાસે બે પહાડી માણસો આવ્યાં અને મને એક યુવતીનો ફોટો બતાવતાં પુછયું કે,” તમે ! આ છોકરીને ક્યાંય જોયી છે…?” તો મેં તેમને જણાવ્યા કે હું હાલ જ આ છોકરીને એક યુવક સાથે ટાઇગર હિલે ઉતારીને આવ્યો છું, જેનું નામ નિસર્ગ એવું હતું, જ્યારે છોકરીનું નામ નિત્યા હતું એ તો મને પેલા પૂછપરછ કરી રહેલાં વ્યક્તિઓ પાસેથી જાણવાં મળ્યું હતું, મારી પાસેથી માહિતી મેળવી એ લોકો થોડાં આગળ ગયાં, ત્યાં અન્ય ચાર વ્યક્તિ ઊભેલાં હતાં, નવાઈની વાત તો એ છે કે એ ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિતો અમારા ઊટી શહેરનાં એમ.એલ.એ જયકાન્ત સર જ હતાં, જ્યારે બીજી વ્યક્તિ અમારા શહેરની નામાંકિત કન્સ્ટ્રકશન કંપની આર.કે બિલ્ડરનાં માલિક રાઘવ કેશવાણી હતાં, અને અન્ય બે પહાડી વ્યક્તિઓ એમ કુલ છ વ્યક્તિઓ સ્કોર્પિયો કારમાં બેસીને વિજળી વેગે ટાઇગર હિલ તરફ જવાં રવાનાં થઈ ગયાં, આથી મને લાગ્યું કે આ જરૂરથી પ્રેમ લગ્નનો ઇસ્યુ હશે…અને નિસર્ગ અને નિત્યાં ઘરેથી ભાગીને આવ્યાં હશે…” – સલીમભાઈ થોડું બોલીને અટકયાં…!

“પછી ! આગળ ! શું ! થયું મને જલ્દી જણાવો..કાકા..!” – ઉતાવળે ડૉ. અભયે સલીમભાઈને કહ્યું.

“સાહેબ ! ત્યારબાદ જે ઘટનાં બની તે ઘટનાં જોઈને મારા શરીરનાં બધાં રૂંવાટાઓ ઉભા થઇ ગયાં હતાં, અને આ બાબત કે રાજ આજદિવસ સુધી કોઈને એટલે કોઈને પણ જણાવેલ નથી, જે વર્ષોથી મારા દિલમાં દબાવીને બેઠો છું, કદાચ હું આજે તમને જણાવી દઈશ તો મારા સીનામાં રહેલ બોઝ ઓછો થઈ જશે…. સાહેબ જયકાન્ત સર અને રાઘવ સર જયારે પોતાનાં આદમીઓને લઈને ટાઇગર હિલ તરફ જવાં માટે રવાનાં થયાં, એના લગભગ પંદરેક મિનિટ બાદ મારી ટેક્ષીનાં પાછળનાં ભાગે રહેલ શીટમાંથી મને મોબાઇલની રિંગ સંભળાય, આથી અચરજ સાથે મેં મોબાઇલની રીંગના અવાજ તરફ ફંગોળવાનું ચાલુ કર્યું, તો મારી ટેક્ષીની પાછળની સીટમાં એક મોબાઈલ પડેલ હતો, આથી મેં ઝડપથી મોબાઈલ ફોન ઉઠાવ્યો તો ડિસ્પ્લે પર લખેલ હતું સ્ટુડન્ટ દિવ્યાં…આથી મેં કોલ રિસીવ કર્યો. સામેથી દિવ્યાં હું કંઈ બોલું તે પહેલાં જ પોતાના ઘભરાયેલાં અવાજે બોલી.

“સર ! તમે ! અત્યારે જ ! સિલ્વર સેન્ડ હોટલ તાત્કાલિક છોડી દો…કારણ કે નિત્યાનાં પિતા રાઘવ કેશવાણીને માહિતી મળી ગઈ છે કે તમે હાલ સિલ્વર સેન્ડ હોટલમાં રોકાયેલાં છો…” – દિવ્યાં ગભરાયેલા અવાજમાં બોલી.

“ઓકે !” – આટલું બોલી મેં કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો, આથી મને ખ્યાલ આવી ગયો કે નિસર્ગ અને નિત્યા પર કોઈ મોટી જ આફત આવી પડેલ છે, જે આફત અન્ય કોઈ દ્વારા નહીં પરંતુ નિત્યાનાં પિતા જ દ્વારા જ આવેલ હતી, આથી મેં એકપણ મિનિટ વેડફયાં વગર જ નિસર્ગ અને નિત્યાને મદદ કરવાં માટે અને નિસર્ગનો મોબાઈલ પરત કરવાં માટે મારી ટેક્ષી પણ ટાઇગર હિલ જતાં રસ્તા પર દોડાવી….પરંતુ ત્યાં જઈને મેં જે જોયું તેનાં પર મારી સગી આંખોને પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો.

“તો ! સલીમભાઈ ! તમે ટાઇગર હિલ પર એવું તો શું જોયું કે તમને ખુદ તમારી આંખો પર વિશ્વાસ નહોતા કરી શકતાં….?” – ડૉ. અભયને અખિલેશનો કેસ સોલ્વ કરવાં માટે ખૂટતી કડી મળી રહી હોય, તેવી રીતે જીજ્ઞાસા સાથે સલીમભાઈને પૂછ્યું.

“જ્યારે હું ટાઇગર હિલે પહોંચ્યો, ત્યારે પેલાં કાળા રંગની સ્કોર્પિયો કાર ત્યાં બહાર જ ઉભેલી હતી, આથી મને ખ્યાલ આવી ગયો કે પેલા બધાં લોકો અહીં પહોંચી ગયાં છે, આથી હું ઝડપથી ટાઇગર હિલ તરફ ચાલવા લાગ્યો, ત્યાં મને પેલા બધાં લોકો દેખાયાં, આથી હું ધીમે-ધીમે તેની એકદમ નજીક ગયો, અને એક ઝાડવાં પાછળ છુપાઈ ગયો, આ સમયે જયકાન્ત સરનાં હાથમાં એક તીક્ષ્ણ ધારદાર તલવાર હતી, જે નિર્સગનાં ગળે રાખેલ હતી, અને રાઘવ સરનાં હાથમાં ગન હતી, જે તેમણે નિત્યાનાં માથાંના ભાગે તાકેલ હતી, એવામાં ગન ફાયરિંગનો એક અવાજ આવ્યો, અને નિત્યા જમીનદોસ્ત થઈ ગઈ, જ્યારે આ બાજુ જયકાન્ત સરે તલવાર વડે નિસર્ગના ગળાનાં ભાગે એક જોરદાર પ્રહાર કર્યો,

અને નિસર્ગ પણ અલ્લાહને પ્યારો થઈ ગયો, જ્યારે રાઘવ સરને ગુસ્સો ઉતર્યો અને પોતાની ભૂલ સમજાઈ, આથી તે નિત્યાનું માથું પોતાનાં ખોળામાં રાખીને રડી રહ્યાં હતાં, એવામાં જયકાન્ત સરે, રાઘવસરની પીઠમાં તલવાર ખોસી દીધી, અને રાઘવ સર પણ અલલ્લાને પ્યારા થઈ ગયાં, આમ એક સાથે ત્રણ -ત્રણ ખૂન મેં મારી સગી આંખો દ્વારા જોયેલાં છે, અને હું તેમની કંઈ મદદ ના કરી શક્યો એ માટે હું મારી જાત પ્રત્યે નફરત મહેસુસ કરી રહ્યો હતો, અને હું જાણતો હતો, કે અલ્લાહ મને આ માટે ક્યારેય માફ નહીં કરે…!” – પોતાની આંખોમાં રહેલાં આંસુઓ લુછતાં – લૂછતાં સલીમભાઈ બોલ્યાં.

“હશે…હવે…તમારો ઈરાદો તો સારો જ હતો, નિસર્ગ અને નિત્યાની મદદ કરવાનો બાકી જો તમારો ઈરાદો જ ખરાબ હોત તો પછી તમે ટાઇગર હિલ પર કયારેય પાછાં ના આવ્યાં હોત, કદાચ એ લોકો વધારે અને હથિયાર સાથે હતાં, એટલે તમે તેને રોકી નાં શકયાં હોય તેવું બની શકે…પણ એમાં તમારો કોઈ દોષ નથી..માટે તમારી જાતને ખોટો બ્લેમ કરવાનું રહેવા દો…” – ડૉ. અભય સલીમભાઈને સાંત્વનાં આપતાં બોલ્યાં.

“સાહેબ! પછી જયકાન્ત સરે પોતાનાં માણસોની મદદ વડે આ ત્રણેય લાશોને ટાઇગર હિલની ઊંચી ઘાટીએથી નીચે ફેંકાવી દીધી, અને બીજે દિવસે છાપામાં હેડ લાઇન આવી કે ઊટીનાં પ્રખ્યાત ટાઇગર હિલની ઉંચી ટેકરી પરથી એક પ્રેમી પંખીડાએ પોતાનું આયખું ટૂંકાવ્યું, જેનાથી દુઃખી થઈને યુવતીના પિતા અને આપણાં શહેરનાં નામાંકિત આર.કે કન્સ્ટ્રકશન કંપનીનાં માલિક રાઘવ કેશવાણીએ પણ બદનામીનાં ડરને લીધે આત્મહત્યા કરી લીધી..” – પોતાની વાત પૂરી કરતાં સલીમભાઈ બોલ્યાં.

ત્યારબાદ મેં સલીમભાઈનો આભાર માનીને હનીફ જે કારમાં મારી રાહ જોઇને બેઠો હતો ત્યાં જઇને હું કારમાં બેસી ગયો, આમ મને સલીમભાઈ પાસેથી એટલી બધી ઉપયોગી માહિતી મળી કે જેનાં દ્વારા અખિલેશનો કેસ આપોઆપ જ પોણા ભાગનો કેસ તો સોલ્વ થઈ ગયો હતો..!” – ડૉ. અભયે રાજનને જણાવ્યું.

ડૉ. રાજનને પણ અભય જે કઈ માહિતી આપી રહ્યો હતો, એમાં રસ પડતો હોય તેવી રીતે એકપણ શબ્દ બોલ્યાં વગર માત્ર અભય જે માહિતી આપી રહ્યો હતો, તે શાંતીથી માત્ર સાંભળી રહ્યાં હતાં. “તો ! પછી ! આપણને સાક્ષીએ જે માહિતી આપી એ સોએ સો ટકા સાચી જ છે એમને..?” – ડૉ. રાજને અભયને પૂછ્યું. “યસ ! રાજન ! સાક્ષીએ આપણને જે માહિતી આપી એ તદન સાચી જ છે, તેની હોટલમાં જે યુવતી રોકાયેલ હતી તેનું નામ નિત્યા જ હતું, શ્રેયા નહીં….!” – ડૉ. અભય ચોખવટ કરતાં બોલ્યાં.

“તો ! પછી ! અખિલેશ જેનું નામ શ્રેયા જણાવી રહ્યો હતો, જેને તે પોતે ચાહવા લાગ્યો હતો, એ કોણ હતું..? જો તેનું નામ અખિલેશે આપેલ માહિતી પ્રમાણે શ્રેયા હોય તો પછી શાં માટે સિલ્વર સેન્ડમાં નિત્યા એવું નામ લખેલ હતું…. હાલમાં તો સલીમભાઈએ જે માહિતી આપી તેના આધારે એટલું તો નક્કી જ છે કે સાક્ષી સાચી જ છે…!” – ડૉ. રાજન બોલ્યાં.

“હા ! આ બાબતે હું પણ હજુ થોડોક કન્ફ્યુઝ છું…!” – અભયે રાજનને જણાવ્યું. “તો ! શું ! અખિલેશ ખોટો છે..?” – રાજને અભયને પૂછ્યું. “હજુ એ ચોક્કસપણે કહેવું અશક્ય છે કે અખિલેશ ખોટો છે..બની શકે કે અખિલેશ પણ સાચો જ હોય…અથવા સાક્ષી અને અખિલેશ બનેવ પોત-પોતાની જગ્યાએ સાચા હોય…એ તો સમય જ આપણને જણાવી શકશે..!” – અભયે રાજનને જણાવ્યું. “તો ! હવે ! તારો આગળનો શું પ્લાન છે, અભય…?” – રાજને પૂછયું.

“રાજન ! હવે આપણે પહેલાં તો એ જ વસ્તુ સાબિત કરવાની છે કે શું સાક્ષી સાચી છે કે અખિલેશ…? આ માટે અખિલેશને અહીં ઊંટી લાવવો જરૂરી છે, જેથી સાક્ષી અને અખિલેશમાંથી કોણ સાચું છે એ આપણે જાણી શકીએ…. કદાચ એવું પણ બની શકે.. કે અખિલેશનાં જીવનમાં જે વાવાઝોડું કે ચક્રવાત આવેલ છે, જે અખિલેશને ફરી અહીં ઊટીમાં લાવ્યાં બાદ જ શાંત થાય…!” – અભય એક નિસાસો નાખતાં બોલ્યો.

“અભય ! જો હાલમાં તો અખિલેશની કંડીશન પહેલાં કરતાં તો ઘણી સારી જ છે, જો તું કહે તો હું અખિલેશને ફરી પાછો ઊટી લઈને આવું, અને સાથે હું મારી ઈમરજન્સી મેડિસીન કીટ લઈને આવું, જેથી રસ્તામાં કોઈ ઈમરજન્સી ઉભી થાય તો હું સારી રીતે હેન્ડલ કરી શકુ…અને સાથે – સાથે અખિલેશનાં બોસ અને બેસ્ટ ફ્રેન્ડ દીક્ષિતને પણ લઈને આવું..! ” – રાજને અભયને પૂછ્યું

“યસ ! રાજન ! જો આ કેશ હવે આપણે હજુ પણ આગળ સોલ્વ કરવો હોય તેનાં માટે અખિલેશની હાજરી જરૂરી છે, તેની હાજરી વગર આ કેસ હવે આગળ જ નથી વધી શકે તેમ…!” – અભયે રાજનને જણાવ્યું. “ઓકે ! તો હું અખિલેશ અને દીક્ષિત આવતીકાલની સવારની સાત વાગ્યાની જે ફલાઇટ છે, તેનાં દ્વારા અમે લોકો ઊટી આવવાં માટે નીકળીશું…!” – રાજન અભયને પોતાનું ફાઇનલ ડીસીજન જણાવતાં બોલ્યો. “ઓકે ! એ જ આપણાં માટે બેસ્ટ રહેશે…!” – અભય બોલ્યો.

“તો ! પછી મળીએ છીએ આપણે આવતી કાલે !” – રાજન બોલ્યો. “સ્યોર ! રાજન!” – અભય પોતાની સહમતી દર્શવાતા બોલ્યો. “ઓકે ! અભય ! સી યુ ટુંમોરોવ… બાય એન્ડ ટેક કેર…!” – રાજન બોલ્યો. “ઓકે ! બાય ! ટેક કેર…!” – આટલું બોલી ડૉ.અભયે કોલ ડિસ્કનેક્ટ કર્યો, અને સુવા માટે પથારીમાં પોતાનું શરીર લંબાવ્યું.

જ્યારે આ બાજુ ડૉ. રાજન દીક્ષિતને પોતાની ચેમ્બરમાં બોલાવે છે કે જે અખિલેશની બાજુમાં જ સાઈકિયાટ્રિક આઈ.સી.યુ માં બેસેલ હતો, દીક્ષિતને પોતાની ચેમ્બરમાં બોલાવીને ડૉ. રાજન દીક્ષિતને જણાવે છે કે આવતીકાલે સવારે હું, તમે અને અખિલેશ ઊટી જવાં માટે રવાનાં થવાનાં છીએ… આથી દીક્ષિતે પોતાનાં એકાઉન્ટ મેનેજરને કોલ કરીને ઊટી જવાં માટેની આવતીકાલ સવારની સાત વાગ્યાની ત્રણ ફલાઇટ ટિકિટ બુક કરવાં માટે જણાવે છે, ત્યારબાદ ડૉ. રાજન ઝડપથી હોસ્પિટલમાં રહેલા ઇન્ડોર દર્દીઓનો રાઉન્ડ લીધો…અને અખિલેશને ઊટી આવવાં માટે તૈયાર કર્યો, ડૉ. રાજને જ્યારે રાઉન્ડ લીધો એ સમયે અખિલેશ એકદમ નોર્મલ હતો, આથી ડૉ. રાજન દીક્ષિતને જણાવે છે કે હાલ તમે અખિલેશને તમારા ઘરે લઈ જાવ, અને આવતીકાલે સવારે તમે તેને એરપોર્ટ લઈને આવજો…! – આટલું બોલી ડૉ. રાજન પોતાના ઘરે જવાં માટે રવાનાં થાય છે, જ્યારે આ બાજુ દીક્ષિત અખિલેશને લઈને પોતાનાં ઘરે જવાં માટે રવાનાં થાય છે.

શું ખરેખર અખિલેશનાં જીવન સાથે જોડાયેલાં રહસ્યો ઊટી શહેર સાથે જોડાયેલા હશે…? શું અખિલેશ ઊટી શહેર સાથે કોઈ વર્ષો જુનો સંબધ ધરાવતો હશે…? શું અખિલેશ, દીક્ષિત અને ડૉ.અભય શાંતીથી ઊટી પહોંચી શકશે…? શું જયકાન્તને પોતાના કરેલા દુષ્કર્મોની સજા મળશે…? શું અખિલેશને હાલાં જે ભયાનક અને ડરામણા સપનાઓ આવી રહ્યાં હતાં, તેમાંથી કાયમિક માટે છૂટકારો….મળશે કે કેમ…? એ બધું તો ઊટી પહોંચ્યાં પછી જ ખબર પડે એવું હતું…!

ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

લેખક : મકવાણા રાહુલ.એચ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ