ધ ઊટી – નવલકથા ભાગ 17 શ્રેયા/નિત્યા સાથે આવીરીતે મુલાકાત થશે એ તો વિચાર્યું પણ નહોતું…

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

(કોર્ટમાં જ્યારે નિત્યાં, નિસર્ગ અને રાઘવ કેશવાણીનો મર્ડરકેસ ચાલી રહ્યો હતો, એવામાં આ કેસનાં એકમાત્ર આઈ વિટનેસ એવાં સલીમભાઈ પાસે કોઈપણ પ્રકારનું પ્રુફ ન હોવાને લીધે.. એક સમયે એવું લાગી રહ્યું હતું, કે જયકાન્ત આ કેસ ચોક્કસથી જીતી જશે..પરંતુ એવામાં એકાએક નિત્યાં કોર્ટમાં હાજર થાય છે, અને તેને જોઈને જયકાન્તને હાર્ટએટેક આવી જાય છે, અને મૃત્યુ પામે છે, આમ નિત્યા, નિસર્ગ અને રાઘવ કેશવાણીનાં મર્ડર કેસની સુનવણી જજ પી.સ્વામીએ નહીં પરંતુ ખુદ કુદરતે કરી…અને ગુનેહગારને તેનાં કરેલાં કર્મોની સજા મળી…

ત્યારબાદ નિત્યાં આંખોમાં આનંદના આંસુ સાથે બે હાથ જોડીને હાજર સૌ કોઈનો હૃદયપૂર્વક આભાર માને છે…એને ધુમાડામાં અદ્રશ્ય થઈ જાય છે…જતાં પહેલાં તે અખિલેશને વચન આપે છે કે હવેથી તેને પેલા ડરામણાં સપનાઓ આવવાનું બંધ થઈ જશે…અને અખિલેશને આ દુનિયામાં કોઈક તો એવી યુવતી મળશે કે મળી હશે…કે જે તેને સાચો પ્રેમ કરતી હોય કે હશે…ત્યારબાદ નિત્યાં અખિલેશનાં ઘરે પુત્રીની અવતાર લઈને આવવાનું વચન આપે છે…ત્યારબાદ નિત્યાં અદ્રશ્ય થઈ જાય છે….)

અખિલેશ મુંબઈ પાછો ફર્યાના એક મહિના બાદ…

સમય – સવારનાં 9 કલાક.

સ્થળ – અખિલેશનાં ફ્લેટથી તેની ઓફીસ તરફ જતો રસ્તો.

અખિલેશની લાઈફ હવે પહેલાંની માફક નોર્મલ થઈ ગઈ હતી, અખિલેશને કોઈપણ પ્રકારની મેડીસીનની જરૂર હવે રહી ન હતી, નિત્યાએ ઊટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અખિલેશને જણાવ્યું તે મુજબ તેને પેલાં ભયંકર અને ડરામણાં સપનાઓ પણ આવતાં હવે બંધ થઈ ગયાં હતાં, એક મોટું વાવાઝોડું કે ચક્રવાત પસાર થઈ જાય, પછી જેવી શાંતિ ફેલાઈ તેવી જ શાંતિ હાલ અખિલેશનાં જીવનમાં ફેલાઈ ગઈ હતી, અખિલેશ જાણે એક અલગ જ દુનિયામાં ફરીને પાછો આવ્યો હોય તેવું તેને લાગી રહ્યું હતું,

અખિલેશે સપનામાં પણ નહીં વિચારેલું હશે કે તેને જે ભયંકર અને ડરામણું સપનું આવી રહ્યું હતું, તે આટ- આટલાં રહસ્યો પોતાની સાથે લઈને આવેલ હશે, એક સામાન્ય સપનું તેની આખી લાઈફને ઉથલ – પાથલ કરી નાખશે….પોતે પોતાનાં પુનર્જન્મ વિશે જાણશે…એ કદાચ તેણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય….પોતે વાસ્તવમાં અખિલેશ નહીં પરંતુ નિસર્ગનો જ પુનર્જન્મ છે, કે જેને નિત્યાં ખુબજ ચાહતી હતી, જે અખિલેશની લાઈફનું મોટામાં મોટું રહસ્ય હતું, એ નિત્યાએ ઉકેલી દીધેલું હતું.

અખિલેશ પોતાની કારમાં બેસીને ઓફિસે જઈ રહ્યો હતો, આ સમયે અખિલેશ પોતાની લાઈફમાં આવેલ એક ચક્રવાત કે વાવાઝોડું શાંત પડી ગયું હોવાને લીધે..અને તેની લાઈફ સાથે જોડાયેલાં બધાં રહસ્યો ઉકેલાઈ જવાને લીધે હળવાશ અનુભવી રહ્યો હતો, પરંતુ અખિલેશનાં મનનાં કોઈ એક ખૂણામાં એક પ્રશ્ન હજુપણ અખિલેશને સતાવી રહ્યો હતો…એ પ્રશ્ન હતો…નિત્યાએ પોતાને જણાવ્યું હતું કે તારી લાઈફમાં તને જે સાચો પ્રેમ કરનાર યુવતી મળી હતી કે મળશે……તેને તું સાચો પ્રેમ કરીશ એમાં જ હું હરહંમેશ ખુશ રહીશ…! તો પછી એ યુવતી કોણ હશે…? – આવું અખિલેશ વિચારી રહ્યો હતો.

હજુપણ શું અખિલેશનાં જીવનમાં કોઈ વળાંક આવવાનો બાકી હશે…? ભગવાને પોતાનાં જીવનમાં આગળ શું લખેલ હશે…? આવું વિચારતાં – વિચારતાં અખિલેશ પોતાની કાર ડ્રાઇવ કરી રહ્યો હતો. અખિલેશની કાર 70 કી.મી પ્રતિ કલાકની ઝડપે જઈ રહી હતી, એવામાં અખિલેશની નજર એક યુવતી પર પડી…જે પોતાનું એક્ટિવા લઈને જઈ રહી હતી, જેને જોઈને અખિલેશ એક્દમથી ડઘાય ગયો, અને એકાએક પોતાની કારમાં બ્રેક મારી અને કાર રસ્તાની એક બાજુ ઉભી રાખી, ઝડપથી કારની બહાર નીકળીને અખિલેશે એકાએક બુમ પાડી….

“નિત્યા…!” – અખિલેશે બુમ પાડી. કોણ હતી એ યુવતી કે જેને જોઈને અખિલેશે નિત્યા એવી બુમ પાડી….? ખરેખર તે યુવતી નિત્યા જ હતી કે પછી બીજી કોઈ યુવતી ? અખિલેશે નિત્યાને જોઈ તે વાસ્તવિકતા હશે કે પછી અખિલેશનાં મનમાં રહેલ કોઈ ભ્રમ હશે….? નિત્યા મૃત્યુ પામી એનાં તો ઘણાં બધાં વર્ષો થઇ ગયાં તો તે યુવતી નિત્યા કેવી રીતે હોઈ શકે….?”

અખિલેશે પાડેલ બુમના દરેક શબ્દો હવામાં જ રહી ગયાં, અખિલેશે પાડેલ બુમનાં શબ્દો તે યુવતીનાં કાને પડયાં, પરંતુ તે યુવતીને જાણે નિત્યા નામની યુવતી સાથે દૂર – દૂર સુધી કોઈ સંબધ ના હોય, તેમ એકદમ અજાણી વ્યક્તિની માફક હળવે – હળવે રસ્તા પર પોતાની એક્ટિવા આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું.

તે યુવતીનાં આવા વર્તનથી અખિલેશને ખ્યાલ આવી ગયો કે પોતે જેને નિત્યા સમજી રહ્યો છે, તે વાસ્તવમાં કોઈ અન્ય યુવતી હોય એવું પણ બની શકે….અખિલેશે તો આ વાતનો સ્વીકાર કરી લીધો પરંતુ અખિલેશનું મન જાણે આ વાત માનવા માટે તૈયાર ના હોય તેમ પોતાની જાત સાથે બળવો કરી રહ્યું હતું….અખિલેશે એ વાત પોતાનાં માતા વર્ષાબેન પાસેથી નાનો હતો ત્યારે સાંભળેલ હતી કે આ દુનિયામાં એકસરખાં દેખાતાં કે એકસમાન ચહેરા ધરાવતી સાત વ્યક્તિઓ હોય છે……જે ક્યારેય એકબીજાને મળતાં નથી. તો કદાચ એવું પણ બની શકે કે તે યુવતી નિત્યા ના હોય, પરંતુ તેના જેવો જ ચહેરો ધરાવતી કોઈ અન્ય યુવતી હોય. અખિલેશને તેની માતાએ જણાવેલ વાત મગજમાં ઉતરી રહી હતી, પરંતુ એ યુવતી જાણે નિત્યા જેવી જ નહીં પરંતુ ખુદ નિત્યા પોતે જ હોય એવું અખિલેશને લાગી રહ્યું હતું……

અખિલેશનાં મનમાં હજુપણ ગડમથલ ચાલી રહી હતી, પોતાનું મન હજુપણ એ બાબત પર વિશ્વાસ કરવાં માટે તૈયાર હતું જ નહીં કે પોતે હાલમાં જે યુવતીને જોઈ રહ્યો છે તે નિત્યા નહીં પરંતુ કોઈ અન્ય યુવતી હશે….! અખિલેશ મનમાં વિચારી રહ્યો હતો બે અલગ – અલગ વ્યક્તિઓ વચ્ચે આટલી બધી સમાનતા કે સામ્યતા કેવી રીતે હોઈ શકે….?

બીજી બાજુ અખિલેશ મનમાં વિચારી રહ્યો હતો કે કદાચ પોતે જેને નિત્યા સમજી રહ્યો છે, એ યુવતીનાં કાન સુધી ટ્રાફિક અને વાહનોના ઘોંઘાટને કારણે પોતાનો અવાજ પહોંચ્યો ન હોય તેવું પણ બની શકે…..આવો વિચાર આવતાંની સાથે જ અખિલેશે ફરી એકવાર જોરથી મોટા અવાજે “નિત્યા” એવી બુમ પાડી. અખિલેશની બુમનો અવાજ સાંભળીને પેલી યુવતીએ જાણે કોઈ જાણીતો જ અવાજ સાંભળેલ હોય, એવું લાગી રહ્યું હતું, આથી તે યુવતીએ ખુશી અને આનંદ સાથે એક્ટિવાની બ્રેક લગાવી, અને આતુરતા સાથે એ અવાજની દિશામાં ફાંફાં મારવા લાગી.

આ વખતે જાણે અખિલેશનું તીર નિશાના પર લાગ્યું હોય તેવું લાગી રહ્યું હતું, આ યુવતીને જોઈ અખિલેશનાં આનંદનો કોઈ પાર ના રહ્યો…..અખિલેશને હવે પોણા ભાગનો વિશ્વાસ આવી ગયો હતો કે પોતે સાચો જ છે તેણે હાલમાં જે યુવતીને જોઈ એ ખરેખર નિત્યા જ હશે….

અખિલેશનાં મનમાં એ બાબત તો એકદમ સ્પષ્ટ જ હતી કે ઊટીમાં પોતે જેને પ્રેમ કરી બેસેલ હતો તે શ્રેયા વાસ્તવમાં તો નિત્યા જ હતી, અને નિત્યાંએ અખિલેશને પોતાનું નામ શ્રેયા જણાવેલ હતું…જે તેને સમય જતાં ખ્યાલ આવી ગયો હતો… આમ શ્રેયાં અને નિત્યા બંને એક જ હતાં…..અખિલેશે જ્યારે શ્રેયાને પહેલીવાર ટોય ટ્રેનમાં જોઈ હતી, ત્યારે તેની સુંદરતાથી અખિલેશ પુરેપૂરો અંજાય ગયો હતો, અને તેનાં હૃદયમાંથી પ્રેમ રૂપી ઝરણું ફૂટી નીકળ્યું હતું….એકદમ તેવી જ લાગણી અખિલેશ હાલમાં અનુભવી રહ્યો હતો….તે યુવતીને જોઈને અખિલેશનાં મનમાં એક પ્રકારની ખુશી વ્યાપી ગઈ હતી, એ યુવતીએ પણ અખિલેશને જોઈને જાણે તેણે અખિલેશને વર્ષો બાદ મળી હોય તેવી સ્માઈલ આપી….આથી અખિલેશ દોડીને તે યુવતીની પાસે જઈને ઉભો રહે છે.

અખિલેશને પોતાની પાસે આવી રીતે ઉભેલો જોઈને પેલી યુવતીના ચહેરા પર પણ એક અલગ પ્રકારની ખુશીઓ તરવરી હતી. જાણે બે પ્રેમી પંખીડાં એકબીજાથી છુટ્ટા પડ્યા હોય અને વર્ષોબાદ બનેવ એકબીજાને મળે ત્યારે તે બનેવ પ્રેમી પંખીડાની જેવી હાલત હોય તેવી જ હાલત હાલમાં તે યુવતી અને અખિલેશની હતી. પેલી યુવતીએ અખિલેશ તરફ એક સ્માઈલ આપી, અને પ્રેમથી તરબોળ થઈને જોયું આથી અખિલેશને હવે પાક્કો વિશ્વાસ આવી ગયો હતો કે તે યુવતી બીજું કોઈ નહીં, પરંતુ નિત્યા (શ્રેયા) જ છે.

બનેવ માંથી એકપણ વ્યક્તિ બોલવાની હિંમત કરી રહયાં ના હતાં, બસ માત્રને માત્ર આંખોમાં આંસુ સાથે એકબીજાને પ્રેમપૂર્વક નિહાળી રહ્યાં હતાં, આ બનેવને જોતાં એવું લાગી રહ્યું હતું કે જાણે એ બંનેનાં મોઢાની જગ્યા આંખોએ લઈ લીધેલ હોય, તેમ એકબીજા સાથે જાણે આંખોમાં આંખ પરોવીને વાતો કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું…

“શ્રેયા (નિત્યાં) ! તું અને અહીં મુંબઈમાં ? અંતે તે મને આપેલ વચન તે પાળ્યું જ એમ ને…?” – અખિલેશ હર્ષ સાથે બોલ્યો. “શ્રેયા….?” – પેલી યુવતી વિસ્મયતા સાથે બોલી. “હા ! શ્રેયા….!” – અખિલેશ ઉત્સાહપૂર્વક બોલે છે. “કોણ….શ્રેયાં….અખિલેશ…?” – પેલી યુવતી જાણે પળવારમાં પોતાની ખુશી નષ્ટ થઈ રહી હોય તેવી રીતે દુઃખ કે આઘાત સાથે બોલી. “અરે ! યાર…તું શ્રેયા….મારી શ્રેયા કે જેને હું મારી જાત કરતાં પણ વધારે પ્રેમ કરું છું.” – અખિલેશ પેલી યુવતીની સામે જોઈને બોલે છે. “મને કંઈ સમજાયું નહીં…?” – પેલી યુવતી આઘાત સાથે બોલે છે.

“અરે ! શ્રેયા તું ભૂલી ગઈ…કે તે ઊટી ડિસ્ટ્રીકટ કોર્ટમાં બધાની હાજરીમાં મને કહ્યું હતું કે, ” તને જે યુવતી પ્રેમ કરતી હતી કે કરશે…એને તું સાચો પ્રેમ કરીશ એમાં હું હરહંમેશ ખુશ રહીશ….અને તે મને એ પણ જણાવ્યું હતું કે તું મારા ઘરે દીકરીનો જન્મ લઈને આવીશ અને નાનપણથી જ મારો પ્રેમ મેળવવાની હકદાર બનીશ….પરંતુ તે એવી પરિસ્થિતિ જ ના આવવાં દીધી…તું આખરે મને શ્રેયાના જ સ્વરૂપે ફરી મળી ગઈ……જે તું મને કેટલી હદ સુધી પ્રેમ કરે છો, તે દર્શાવે છે…!” – અખિલેશ શ્રેયાને કંઈક યાદ કરાવવા માંગતો હોય તેવી રીતે બોલ્યો.

“પણ….?” – પેલી યુવતી મૂંઝવણ ભરેલાં અવાજે અને આંખોમાં આંસુ સાથે બોલી. “પણ….પણ….શું ? શ્રેયા..?” – અખિલેશે આતુરતાપૂર્વક પૂછ્યું. “અખિલેશ…પરંતુ હું શ્રેયા નથી, હું બીજી જ કોઈ યુવતી છું, અને શ્રેયા નામની કોઈ વ્યક્તિને હું ઓળખતી જ નથી…!” – પેલી યુવતીએ સ્પષ્ટતા કરતાં અખિલેશને જણાવ્યું.

આ સાંભળી અખિલેશ એકદમ હતાશા અનુભવવા લાગ્યો, જાણે ભગવાન કે કુદરત પોતાની સાથે કોઈ રમત રમી રહ્યાં હોય તેવું અખિલેશને લાગી રહ્યું હતું….પેલી યુવતી દ્વારા બોલાયેલાં દરેક શબ્દો અખિલેશનાં હૃદયમાંથી વેદનાં સાથે પસાર થઈ રહ્યાં હતાં. અખિલેશને અંતે ખ્યાલ આવી ગયો કે પોતે જેને શ્રેયા સમજી બેઠો છે તે હકીકતમાં શ્રેયા નહીં પરંતુ બીજુ જ કોઈ હતું, આથી અખિલેશનું મન વિચારોનાં વંટોળે ચડે છે…આ યુવતી જો શ્રેયા નથી…તો કોણ હશે…? શાં માટે આ યુવતી એકદમ શ્રેયા જેવી જ દેખાય રહી હતી….?

શાં માટે મારો અવાજ સાંભળીને તે યુવતીની આંખોમાં ચમક આવી ગઈ હતી….? શાં માટે તે યુવતીને જોયા પછી આપણાં જ કોઈ અંગત વ્યક્તિને મળ્યાં હોય તેવું મને લાગી રહ્યું હતું…? આમ અખિલેશનાં મનમાં ઘણાબધાં પ્રશ્નો ઉદ્દભવેલા હતાં, જેનાં જવાબ માત્ર એક જ વ્યક્તિ આપી શકે તેમ હતી…એ વ્યક્તિ હતી અખિલેશની સામે ઉભેલી પેલી યુવતી…. એવામાં અખિલેશને એકાએક કંઈક ચમકારો થયો હોય તેવી રીતે પેલી યુવતીની સામે જોઇને બોલ્યો.

“એક…મિનિટ ! ચાલ હું માની લવ કે તું શ્રેયા નહીં પરંતુ બિલકુલ શ્રેયા જેવો જ આબેહૂબ ચહેરો ધરાવતી અન્ય કોઈ જ યુવતી હોઇશ….પણ તને એ કેવી રીતે ખ્યાલ આવ્યો કે મારું નામ “અખિલેશ” છે…?” – અખિલેશ પોતાનાં મનમાં રહેલ મૂંઝવણનાં નિરાકરણ માટે પેલી યુવતીને પૂછ્યું. “હા ! અખિલેશ ! તારું નામ અખિલેશ છે એતો મને ઘણાં સમયથી ખબર છે, અને હું તને અને તારા વિશે પણ બધું જ જાણું છું…!” – પેલી યુવતી અખિલેશની આંખોમાં આંખ પોરવીને બોલી.

“એ કેવી રીતે શક્ય બને….હમણાં જ તે મને જણાવ્યું કે તું શ્રેયા નથી….જો કદાચ તું શ્રેયા હોત અને મારું નામ જાણતી હોત તો મને એમાં કોઈ નવાઈ લાગી ન હોત, પરંતુ તે મને હમણાં જણાવ્યું કે તું શ્રેયા વિશે તો કંઈજ જણાતી જ નથી…!” – અખિલેશે વધુ મૂંઝવણ અનુભવતા પેલી યુવતીને પૂછ્યું. “હા ! અખિલેશ ! હું શ્રેયાને કે શ્રેયા વિશે બિલકુલ કંઈ જ જાણતી જ નથી…બની શકે કે શ્રેયાં તારો વર્તમાન હોય, પરંતુ જેવી રીતે દરેક વ્યક્તિનો કોઈને કોઈ ભૂતકાળ હોય તેવી જ રીતે હું તારો ભૂતકાળ જ છું….!” – પેલી યુવતી જાણે એકદમ મેચ્યોર હોય તેવી રીતે બોલી.

“મારો ! ભૂતકાળ….???” – અખિલેશે એકાએક પૂછ્યું. “હા ! અખિલેશ હું તારો જ ભૂતકાળ છું, અને તું મારો પહેલો પ્રેમ કે જેની મેં આ આખી દુનિયામાંથી પહેલી પસંદગી કરી હતી, હાલમાં પણ મારા હૃદયમાં તારા પ્રત્યે એટલો જ પ્રેમ છે, જેટલો આજથી વર્ષો પહેલા હતો, હું તારો કદાચ આપણો એ જ અધુરો પ્રેમ છું, કે જે પ્રેમ અધુરો રહી ગયો હતો…!” – પેલી યુવતી કોયડાઓ જણાવી રહી હોય તેમ બોલી.

આ સાંભળીને અખિલેશે થોડીજ મિનિટોમાં પોતાનાં ભૂતકાળમાં એક લટાર મારી, અને બધું યાદ કરવાં લાગ્યો, પરંતુ તેને કંઈ ખાસ યાદ આવ્યું નહીં. “મને કંઈ યાદ નથી આવી રહ્યું…!” – અખિલેશ પોતાનો ભૂતકાળ ફંગોળીને બોલ્યો.

“હશે…અખિલેશ ! હવે મારું સ્થાન તારી યાદોમાં પણ ના રહ્યું હોય એવું પણ બની શકે….કદાચ એ સ્વાભાવિક પણ હશે..પરંતુ હું હજુસુધી તારી યાદોનાં જ સહારે દિવસો, અઠવાડિયા, મહિના અને વર્ષો વિતાવી રહી છું, અને એમાં પણ કોલેજના વેલકમ અને ફેરવેલ પાર્ટીના સેલિબ્રેશન બાદ તારી સાથે કરેલ એ થ્રિલ ભરેલ લોન્ગ ડ્રાઈવ….!” – પેલી યુવતી બોલી.

“એક…મિનિટ..! ઓહ માય ગોડ…તું કયાંક વિશ્વા તો નથી ને…!” – અખિલેશનાં મગજમાં એકાએક ચમકારો થયો હોય, તેમ પેલી યુવતીને અધવચ્ચે જ અટકાવતાં પૂછ્યું. “હાશ….! અખિલેશ એટલીસ્ટ તને મારું નામ તો યાદ છે…!” – આંખોમાં ખુશીનાં આંસુ સાથે વિશ્વા બોલી.

આટલું બોલતાની સાથે જ જાણે બે યુવા હૈયાઓ પ્રેમ રૂપી સાગરમાં ભળવા માટેની વર્ષોથી રાહ જોઈ રહ્યાં હોય, તેવી રીતે અખિલેશ અને વિશ્વા આંખોમાં આંસુ સાથે એકબીજાને વળગી ગયાં. જાણે બંને આ દુનિયાથી વિમુક્ત થઈ ગયા હોય તેમ કોઈપણ પ્રકારની રોકટોક કે વિચાર કર્યા વગર જ ઘણી મિનિટો સુધી રોડની કિનારીએ જ ઉભા રહીને એકબીજાને ઘણો સમય વળગી રહ્યાં.

શું તે યુવતી ખરેખર વિશ્વા જ હશે…? જો તે યુવતી વિશ્વા જ હોય તો પછી તેનો ચહેરો શાં માટે બદલી ગયો…? એવું તો વિશ્વા સાથે શું ઘટયું હશે કે જેથી તેનો ચહેરો શ્રેયા કે નિત્યાં જેવો બની ગયો….? વિશ્વાનાં આ બદલાયેલા ચહેરા પાછળ શું કહાની કે રહસ્ય જોડાયેલ હશે…? – આવા વગેરે પ્રશ્નોનો અખિલેશને હજુ સામનો કરવાનો હતો. “વિશ્વા ! તારી બધી વાત મને ગળે ઉતરી ગઈ પરંતુ…” – અખિલેશ થોડુંક ખચકાતાં બોલ્યો. “પરંતુ શું અખિલેશ….?” – વિશ્વાએ આશ્ચર્ય સાથે અખિલેશને પૂછ્યું.

” તું ! વિશ્વા જ છે, એમાં મને કોઈ શંકા નથી, કારણ કે કોલેજ માંથી જ્યારે હું રીલિવ થઈને જઈ રહ્યો હતો, ત્યારે તારી આંખોમાં મારા પ્રત્યે જેવી લાગણી અને હાવભાવ હતાં, તેવી જ લાગણી અને હાવભાવ હાલ મને તારામાં દેખાય રહ્યાં છે….પરંતુ તારો આ ચહેરો કેમ બદલાય ગયો…? એવી તો તારી સાથે શું ઘટનાં બની હતી…કે તારે તારો આખો ચહેરો જ બદવાની જરૂરિયાત પડી…? – અખિલેશે નવાઈ પામતાં વિશ્વાને પૂછ્યું.

“અખિલેશ ! મારા આ બદલાયેલાં ચહેરા પાછળ એક દર્દ ભરેલી કહાની છે…!” – વિશ્વા પોતાનો ભૂતકાળ યાદ કરતાં બોલી. “હા ! વિશ્વા હું તને એ જ પૂંછવા માંગુ છું, તું મને આ તારા બદલાયેલા ચહેરા પાછળ જે કહાની છુપાયેલી છે તે મહેરબાની કરીને મને જણાવ….!” – અખિલેશ બેબાકળા થતાં બોલ્યો. “પરતું…..અહીં…?.રોડ…પર…? ઉભા રહીને…?” – આમ વિશ્વાએ અખિલેશને એકસાથે ઘણાં બધાં પ્રશ્નો પૂછી લીધાં. ત્યારબાદ અખિલેશ દીક્ષિતને કોલ કરીને થોડુક અગત્યનું અંગત કામ હોવાથી પોતે આજે નોકરી પર આવી શકે તેમ નથી તે બાબતની જાણ કરે છે…..આ સાંભળીને દીક્ષિત અખિલેશને પૂછે છે. “સાહેબ ! એવું તો એકાએક તમારે કેવું અંગત કામ આવી પડ્યું કે જેનાં વિશે તમે મને પણ નથી જણાવી રહ્યાં….? – દીક્ષિતે અખિલેશને પૂછ્યું.

“દીક્ષિત ! હું આવતીકાલે કંપનીએ આવીને તને બધી વિગતો જણાવીશ……ટૂંકમાં કહુ તો ભગવાને કે કુદરતે મારી લાઈફમાં એકસાથે ઘણાબધાં ટિવટસ્ટ આપેલાં હતાં, મારી જિન્દગીરૂપી ટ્રેન જાણે રેલવેની પટરી પરથી ઉતરી ગઈ હોય તેવું મને લાગી રહ્યું હતું….પરંતુ હાલમાં મારી લાઈફ ફરી પાછી તેના ટ્રેક ઉપર ચડી રહી હોય તેમ ધીમે – ધીમે બધું વેલ સેટ થઈ રહ્યું હોય…એવું મને લાગે છે!” – અખિલેશે ટૂંકમાં દીક્ષિતને જણાવ્યું.

“ઓકે ! ડિયર અખિલેશ….તારી જિંદગી ફરી પાછી ટ્રેક પર ચડી રહી છે, એટલામાં જ હું ખુશ છું….જા તમતારે તારી જિંદગી જીવી લે…..આપણે આવતી કાલે સવારે મારી ચેમ્બરમાં મળીએ….!” – દીક્ષિત મનોમન ખુશ થતાં બોલ્યો. “ઓકે ! સ્યોર….!” – આટલું બોલી અખિલેશે કોલ ડિસ્કનેક્ટ કર્યો.

ત્યારબાદ અખિલેશ અને શ્રેયા નજીકમાં આવેલ એક કોફી શોપમાં જાય છે, ત્યાં રહેલાં ટેબલ પર એકબીજાની સામે ગોઠવાઈ જાય છે, પછી અખિલેશ બે કોફી ઓર્ડર કરે છે, થોડીવારમાં વેઈટર કોફી લઈને આવી પહોંચે છે….અને ટેબલ પર બે કોફીનાં કપ મૂકીને “થેન્ક યુ સર એન્ડ થેન્ક યુ મેમ” એવું બોલીને જતો રહે છે.

અખિલેશ અને વિશ્વા કોફીનો આસ્વાદ માણવા લાગે છે, ત્યારબાદ અખિલેશ વિશ્વાને કહે છે કે. “વિશ્વા ! હવે તને કમ્ફર્ટેબલ ફિલ થાય છે…?” “હા ! અખિલેશ…!” – વિશ્વા અખિલેશની સામે જોતાં બોલે છે. “તો હવે તું મને બેકીકર થઈને તારી સાથે ખરેખર જે ઘટનાં બની હતી, અથવા તારા આ ચહેરા પાછળ જે દર્દ ભરેલ કહાની છે, તે તું મને જણાવ….!” – અખિલેશ આતુરતા સાથે બોલ્યો.

“અખિલેશ આ વાત તું કોલજ માંથી રીલિવ થઈ ગયો તેના એક વર્ષ પછીની છે….!” – વિશ્વા પોતાનાં દર્દનાક ભૂતકાળ યાદ કરીને વાતની શરૂઆત કરે છે.

અખિલેશ કોલેજમાંથી રીલિવ થયો તેના એક વર્ષ બાદ…..

અખિલેશ પોતાનું એન્જીનીયરીંગ પૂર્ણ થતાં કોલેજમાંથી રીલિવ થઈ ગયો હતો, આ સમયે અખિલેશનાં મનમાં કોલેજ છોડવાનું ખુબજ દુઃખ થઈ રહ્યું હતું, તેનાં કરતાં પણ વધારે દુઃખ હાલમાં વિશ્વા અનુભવી રહી હતી, કારણ કે વિશ્વા જેને પ્રેમ કરી રહી હતી, તે અખિલેશે વિશ્વાએ મુકેલ પ્રપોઝલનો અસ્વીકાર કરેલ હતો, પરંતુ એનો મતલબ એવો ન હતો કે અખિલેશ વિશ્વાને પ્રેમ નથી કરતો….જો તેના માથે પોતાના પરિવારની જવાબદારી ન હોત તો તેણે વિશ્વાએ મુકેલા પ્રપોઝલનો ચોક્કસથી સ્વીકાર કર્યો જ હોત…..

ત્યારબાદ અખિલેશ પોતાના ઘરે જાય છે અને પછી ડિજિટેક સોફ્ટવેર કંપનીમાં જોબ શરૂ કરે છે….આ બાજુ વિશ્વા અખિલેશ અને તેની સાથે વિતાવેલ દરેક પળોને પોતાની યાદોમાં કાયમિક માટે રાખીને પોતાનું ધ્યાન ભણવામાં આપે છે.

ધીમે – ધીમે દિવસો, અઠવાડિયા અને મહિનાઓ વીતવા લાગ્યાં, નિત્યાંનું કોલેજનું ત્રીજું વર્ષ પણ પોણા ભાગનું પૂરું થવા આવેલ હતું, એક દિવસ નિત્યાં કોલેજ પુરી કરીને સાંજના 5: 15 કલાકની આસપાસ પોતાની હોસ્ટેલ તરફ જતાં રસ્તે એક્ટિવા લઈને જઈ રહી હતી….એવામાં વિશ્વાનું ધ્યાન રોડ પર ગયું, જે જોઈને વિશ્વા એક્દમથી ગભરાય ગઈ, કારણ કે તેની હોસ્ટેલ તરફ જતાં રસ્તાની વચોવચ ચાર યુવાનો પોતાની બાઇક પાર્ક કરીને ઊભેલાં હતાં….આથી વિશ્વા એક્દમથી હેબતાઈ ગઈ, અને ગભરામણ અનુભવવા લાગી, તેમ છતાંપણ હિંમત કરીને તે પોતાની એક્ટિવા આગળ ચલાવવા લાગી, વિશ્વા જ્યારે પેલા છોકરાઓની એકદમ નજીક પહોંચી તો તેની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ….કારણ કે તે બધાં જ યુવાનો બીજા કોઈ નહીં પરંતુ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં તેનાં સિનિયરો હતાં, જેમાંથી દેવાંગે આગળ આવીને વિશ્વાને એક્ટિવા ઉભી રાખવાં માટેનો ઈશારો કર્યો, અને વિશ્વાની નજીક ગયો.

“હાઈ ! વિશ્વા !” – દેવાંગ તેના ભારે અવાજમાં બોલ્યો. “હાય ! દેવાંગ….!” – વિશ્વા ગભરાતા અને ડરતાં અવાજમાં બોલી. “વિશ્વા ! આઈ લવ યુ….!” – દેવાંગ વિશ્વાને ગુલાબ આપતાં બોલ્યો. “વ્હોટ….!” – વિશ્વાએ અચરજ સાથે દેવાંગને પૂછ્યું. “યસ ! વિશ્વા આઇ રિયલી લવ યુ…અને તારી પાસે મારી પ્રપોઝલનો સ્વીકાર કરવાં સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ નથી.” – દેવાંગ વિશ્વાનો હાથ પકડતાં બોલ્યો. “સોરી ! દેવાંગ ! હું તારી આ પ્રપોઝલ ક્યારેય પણ નહીં સ્વીકારીશ…કારણ કે હું અખિલેશને જ પ્રેમ કરું છું.” – વિશ્વા ગર્વ સાથે બોલી.

“અખિલેશને હવે શું પ્રેમ કરવાનો….એ તો તને આવી રીતે એકલા મૂકીને જતો રહ્યો, અને એ હવે આપણી કોલેજમાં પણ નથી રહ્યો, હું તને તું જ્યારથી આપણી કોલેજમાં એડમિશન લઈને આવી હતી, ત્યારથી પ્રેમ કરું છું, પરંતુ મને મારા મિત્રો દ્વારા જણાવા મળ્યું કે તું તો અખિલેશને પ્રેમ કરે છે, અને અખિલેશ મારો પણ એક વર્ષ સીનયર હતો, મેં તેના વિશે એવું પણ સાંભળ્યું હતું કે અખિલેશ એકદમ સીધો અને હોશિયાર છોકરો છે, પરંતુ એ જ્યારે વિફરે કે ગુસ્સે થાય, પછી ભલે સામે ગમે એટલી મોટી તોપ હોય, તેને ધૂળ ચાટતાં કરી દે છે, આથી મેં અખિલેશનાં ડરને લીધે તારી સામે મારા પ્રેમની પ્રપોઝલ મુકેલ ન હતી, પરંતુ જ્યારથી અખિલેશ આ કોલેજમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને જતો રહ્યો છે, ત્યારથી મને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે, આમ પણ મને અખિલેશ હવે રોકવા માટે થોડી આવવાનો છે…!” – દેવાંગ વિશ્વાની આંખોમાં આંખ નાખીને બોલ્યો.

“જો ! દેવાંગ ! હું અખિલેશને પ્રેમ કરતી હતી, હાલમાં પણ કરું છું, અને ભવિષ્યમાં પણ કરતી રહીશ…મારા દિલમાં અખિલેશનું જે સ્થાન છે, તે સ્થાન કોઈપણ વ્યક્તિ લઈ શકે તેમ નથી….અખિલેશ આ કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને જતો રહ્યો છે…પણ મારા હૃદયમાંથી નહીં….માટે આ જન્મમાં તો હું માત્રને માત્ર અખિલેશની જ છું!” – વિશ્વા આત્મવિશ્વાસ સાથે બોલી.

“ઓકે ! તો આ તારો ફાઇનલ આન્સર છે….?” – દેવાંગે થોડા ગુસ્સા સાથે વિશ્વાને પૂછ્યું. “હા ! દેવાંગ..!” – વિશ્વા પોતાનો ફાઇનલ નિર્ણય જણાવતાં બોલી. “તો…પછી….મારી…સાથે….મારા….બેડ…રૂમમાં…માત્ર…એક નાઈટ….” – દેવાંગ લાળ ટપકાવતાં હવશ ભરેલ નજરે વિશ્વાનાં ખભે હાથ ફેરવતાં બોલ્યો.

દેવાંગની આવી હરકત જોઈને વિશ્વાએ દેવાંગના ગાલ પર જોરથી એક લાફો ચોળી દિધો… અને દેવાંગના ગાલ પર વિશ્વાની આંગળીઓના નિશાન ઉપસી આવ્યાં… આથી દેવાંગનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો, અને ગુસ્સામાં લાલચોળ થતાં દેવાંગ બોલ્યો.

“વિશ્વા ! જો તું આ જન્મમાં મારી નહીં બનીશ, તો હું તને કોઈની પણ થવા નહીં દઈશ….!” – આટલું બોલી દેવાંગે પોતાનાં ખિસ્સામાં અગાવથી રાખેલ એકદમ સ્ટ્રોંગ એસિડની બોટલ બહાર કાઢી…અને ઢાંકણું ખોલીને નિત્યાનાં ચહેરા પર એ એકદમ સ્ટ્રોંગ એસિડ છાંટયું, આથી વિશ્વા અસહ્ય પીડા અને દર્દને લીધે ચીસો પાડવા લાગી, અને દેવાંગ અને તેનાં મિત્રો વિશ્વાને આવી રીતે તડપતી કે તડફડિયા મારતી જોઈને, રાક્ષસની માફક જોર – જોરથી હસવા લાગ્યાં, એવામાં એ બધાને દૂરથી આવતી એક બાઈકનો અવાજ સંભળાયો, આથી દેવાંગ પોતાનાં મિત્રો સાથે ગભરાઈને નાસી છૂટ્યો.

એ જે બાઈકનો અવાજ દેવાંગે અને તેનાં મિત્રોએ સાંભળ્યો હતો, તે અવાજ તેની જ કોલેજનાં એસોસિયેટ પ્રોફેસર અનિકેત શર્માનો હતો, જે વિશ્વાનાં કલાસનાં એચ.ઓ.ડી પણ હતાં, આથી વિશ્વાને આવી રીતે તડફડિયા મારતી જોઈને આખી પરિસ્થિતિનો તાગ લગાવી લીધો, અને તરત જ પોતાનાં મોબાઈલ ફોનમાંથી 108 ને કોલ લગાવ્યો, અને તાત્કાલિક ઘટનાં સ્થળે આવવાં માટે જણાવ્યું, ગણતરીની મિનિટોમાં જ 108 ઘટનાં સ્થળે પહોંચી ગઈ….અને વિશ્વાને હોસ્પિટલે લઈ ગઈ સાથે પ્રોફેસર અનિકેત શર્મા પણ ગયાં.

હોસ્પિટલમાં વિશ્વાને તાત્કાલિક સારવાર આપવામાં આવી…તે હોસ્પિટલનાં ડોકટરોએ વિશ્વાને તો બચાવી લીધી….પરંતુ વિશ્વાનાં સુંદર ચહેરાને બચાવવામાં નિષ્ફળ નિવડયાં હતાં, આથી ત્યાંની મેડિકલ ટીમે જણાવ્યું કે “વિશ્વાને તો અમે લોકોએ બચાવી લીધી છે, પરંતુ અમે તેનો ચહેરો બચાવી શક્યાં નથી….આ માટે તમારે મુંબઈની ખ્યાતનામ બજાજ હોસ્પિટલમાં મારો એક મિત્ર છે, જ્યાં તે છેલ્લા દસ વર્ષથી પ્લાસ્ટિક સર્જન તરીકે સેવા આપે છે, હું તમને તેમનો રેફરન્સ લખી આપું છું….એક કે દોઢ વર્ષ બાદ વિશ્વાને ત્યાં લઈ જજો, તે ચોક્કસથી તમારો આ કેસ પોતાનાં હાથમાં લેશે…!”

ત્યારબાદ પ્રોફેસર અનિકેત શર્મા ડોકટર સાહેબનો આભાર માનીને વિશ્વાને બર્ન્સ વોર્ડની જે કેબિનમાં દાખલ કરવામાં આવેલ હતી, ત્યાં જાય છે. વિશ્વા આંખોમાં આંસુ સાથે બે હાથ જોડી શકતી ન હોવા છતાંપણ પોતાના બે હાથ ઊંચા કરીને અનિકેત શર્માનો આભાર માને છે, અનિકેત શર્મા ત્યારબાદ આખી ઘટનાં વિશે વિશ્વાને પૂછે છે, આથી વિશ્વા આખે-આખી ઘટનાં અનિકેત શર્માને જણાવે છે, વિશ્વાનું નિવેદન સાંભળીને અનિકેત શર્માનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે, આથી તે કેબીનમાંથી બહાર નિકળીને આ આખી ઘટનાની જાણ તેની કોલેજનાં પ્રિન્સિપાલ રાહુલ અગ્રવાલને કરે છે.

આથી રાહુલ અગ્રવાલ અનિકેત શર્માને જણાવતાં બોલે છે કે, “હું આજ સુધી એવું માની રહ્યો હતો કે હું કોલેજનાં સ્વરુપમાં એક મંદિર ચલાવી રહ્યો છું, પરંતુ મને એ બાબતનો જરાપણ ખ્યાલ ના આવ્યો કે જે સંસ્થાને હું મંદિર માની રહ્યો છું, એ જ સંસ્થામાં દેવાંગ જેવાં અસુરો પણ રહે છે, માટે અનિકેત તમે ચિંતા ના કરો, આવતી કાલનો દિવસ દેવાંગ અને તેનાં મિત્રો માટે કોલેજનો છેલ્લો દિવસ હશે…હું એ બધાને ટર્મિનેટ કરીને પોલીસનાં હવાલે કરી દઈશ….!” – એક સાચા અને નિષ્ઠાવાન પ્રિન્સિપાલની ફરજ બજાવતાં ગુસ્સા સાથે રાહુલ અગ્રવાલે અનિકેત શર્માને જણાવ્યું.

“પછી ? પછી શું થયું એ બધાં હેવાનોનું…?” – અખિલેશે ગુસ્સા સાથે વિશ્વાને પૂછ્યું. “પછી બીજે જ દિવસે આપણાં પ્રિન્સિપાલ રાહુલ અગ્રવાલ દ્વારા દેવાંગ અને તેનાં ત્રણ મિત્રોને કોલેજમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યાં, અને રાહુલ સરે તેમના જ એક મિત્ર વિકાસ મિશ્રા કે જે ડી.સી.પી હતાં, તેમને કોલ કર્યો, અને આખી ઘટનાની જાણ કરી…આથી ડી.સી.પી વિકાસ મિશ્રાએ તેમનાં પોલિસ કર્મચારીઓને આપણી કોલેજ પર મોકલ્યાં, અને આ ચારેય હેવાનોને જેલનાં સળિયા પાછળ ધકેલી દીધાં….!” – વિશ્વા આંખોમાં આંસુ સાથે બોલી.

“પછી…શું થયું..? એ લોકોને સજા મળી કે નહીં….?” – અખિલેશે વિશ્વાને પૂછ્યું. “હા ! ત્યારબાદ કોર્ટમાં મારા, અનિકેત સર, અને રાહુલ સરનાં નિવેદનના આધારે દેવાંગને “એટેમ્પટ ટુ મર્ડર કેસ” માં આજીવન જેલની સજા ફટકારવામાં આવી, અને તેના અન્ય ત્રણ મિત્રોને દેવાંગનો આ “એટેમ્પટ ટું મર્ડર કેસ” માં સાથ આપવાના ગુનાહમાં 10 વર્ષની સખત કેદ આપવામાં આવી…!” – વિશ્વા અખિલેશને જણાવતાં બોલે છે. “પણ ! પછી શું થયું કે તારો આખો ચહેરો જ બદલાય ગયો….?” – અખિલેશે આતુરતા સાથે વિશ્વાને પૂછ્યું.

“અખિલેશ ત્યારબાદ મેં એ ચહેરા સાથે જ મારું કોલેજનું છેલ્લું વર્ષ પૂરું કર્યું, આ સમયે હું મારા ચહેરા પર દુપટો બાંધીને જતી હતી, અને આંખો પર ગોગલ્સ લગાવીને જતી હતી, મને કોલેજમાં બધાં મિત્રો, પ્રોફેસરો, પ્રિન્સિપાલ વગેરે તરફથી પૂરેપૂરો સહકાર મળતો હતો, આથી હું સફળતાપૂર્વક અને કોઈપણ પ્રકારનાં વિઘ્ન વગર જ કોલેજનું છેલ્લું વર્ષ પૂરું કરવામાં સફળ રહી……કોલેજમાંથી રીલિવ થયાં બાદ એકાદ વર્ષ બાદ હું અહી મુંબઈની બજાજ હોસ્પિટલમાં મારા ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવવાં માટે આવી હતી, અને છ મહિના પહેલા જ મને બજાજ હોસ્પિટલનાં ડોકટર દ્વારા એક નવો જ ચહેરો આપવામાં આવ્યો હતો, જે મારા માટે તો એકદમ અજાણ્યો જ હતો, પરંતુ મને એ બાબતનો જરાપણ અણસાર ન હતો કે ડોકટર દ્વારા મને જે નવો ચહેરો આપવામાં આવેલ છે, એ જ ચહેરા સાથે તારે કોઈ જુનાં સંબંધો હશે…..

કદાચ આ કુદરતે કે ભગવાને આપણાં નસીબમાં લખેલ જોગાનુજોગ હોય શકે…કારણ કે મને પણ અન્યાસે એ નવો ચહેરો મળ્યો જે ખરેખરમાં નિત્યાં કે શ્રેયાનો જ હતો, આ પરથી મને એટલો ખ્યાલ ચોક્કસથી આવે છે કે ભગવાન પણ આપને બનેવને મેળવવા માંગે છે, જો મને કોઈ બીજો ચહેરો મળ્યો હોત, તો તે રોડ પર બુમ પાડીને મને બોલાવી ન હોત અને આપણે એકબીજાને મળ્યાં પણ નહોત અને આપણો પ્રેમ અધુરો રહી જાત….!” – વિશ્વા ભગવાનો આભાર માનતાં બોલે છે.

“ઓહ ! આઈ એગ્રી વિથ યુ…! યુ આર રાઈટ…પણ તું હાલમાં કયાં રહે છો…?” – અખિલેશે વિશ્વાને પૂછ્યું. “મને જ્યારે બજાજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો ત્યારથી માંડીને આજસુધી હું અહીં મુંબઈમાં રહેતી મારી મોટી બહેન શિલ્પા પટેલનાં ઘરે જ રહું છું…જેનાં લગ્ન અહીં મુંબઈમાં થયેલા છે, જે મારી સમગ્ર સારવાર દરમ્યાન ખડેપગે ઊભાં રહીને મારી સેવા-ચાકરી કરીને મારી કાળજી લીધેલ છે.”

” ઓહ..વિશ્વા તારી સાથે આટ-આટલું બની ગયું જેની મને જરાપણ જાણ નથી….તું મને હું કોલેજ છોડીને જતો રહ્યો છતાંપણ પહેલા જેટલો જ પ્રેમ કરતી રહી….ખરેખર હું નસીબદાર છું, મને માફ કરજે કે હું જ તારા પ્રેમને સમજવામાં નિષ્ફળ ગયો, અને તું મને હજુપણ એટલો જ પ્રેમ કરે છો…એ વાત સાંભળીને મને ખુબ જ દુઃખ લાગી રહ્યું છે….મને મારી જાત પ્રત્યે નફરત થઈ રહી છે….!” – અખિલેશ પોતાની જાત પર ગુસ્સો કરતાં બોલે છે.

“હશે….! અખિલેશ એ સમયે જરૂર તારી કોઈ મજબૂરી રહી હશે…કે જેથી તું મને ચાહતો હોવાં છતાંપણ મારા પ્રેમની પ્રપોઝલને સ્વીકારી ન શક્યો હોય તેવું પણ બની શકે…!” – વિશ્વા અખિલેશને સાંત્વનાં આપતાં બોલી.

“હા ! વિશ્વા ! હકીકતમાં ખરેખર એવું જ હતું, એ સમયે મારા માથા પર મારા આખા પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારીઓ હતી, કારણ કે મારા પિતા મૃત્યુ પામ્યાં હતાં, આથી મારે મારા પગભર થઈને મારા પરિવારનું ગુજરાન ચલાવવાનું હતું, એવું નહોતું કે હું એ સમયે તને પ્રેમ નહોતો કરતો, પ્રેમ તો હું પણ તને કરતો જ હતો, પરંતુ મનમાં એક બાબતનો ડર હતો….!” – અખિલેશ વિશ્વાને પોતાનાં મનની વાત જણાવતાં બોલ્યો.

“કંઈ બાબતનો તને ડર હતો…અખિલેશ…?” – વિશ્વાએ આશ્ચર્ય સાથે અખિલેશને પૂછ્યું. “મને એ બાબતનો ડર હતો, કે જો હું તને પ્રેમ કરું, તો પછી હું તને સારી રીતે સાચવી ન શકુ તો….? મારા પરિવારની જવાબદારીના ભારથી હું તારો પ્રેમ નિભાવી ના શકુ તો….? હું તને પ્રેમ કરું અને પછી અધવચ્ચે છોડીને તારી લાઈફ બરબાદ કરવાં નહોતો માંગતો આથી,એ સમયે મેં તારી પ્રપોઝલ સ્વીકારી ન હતી…!” – આંખોમાં આંસુ સાથે દુઃખી થતાં અખિલેશ બોલ્યો.

“અખિલેશ… તારા મનમાં રહેલી આ વાત એ સમયે મને એકવાર જણાવી હોત…તો હું તને ચોક્કસથી જણાવત કે હું કોઈ પ્રિન્સેસ નહીં….મારે તારી સાથે જ રહેવું છે…..પછી ભલે આપણને માત્ર એક જ સમય જેવું, અને જેટલું પણ ખાવાનું મળશે એટલું ખાયને આપણે બનેવ ખુશ રહીશું….!” – વિશ્વા બોલી. “મને ! માફ કરી દે ! વિશ્વા હું એ સમયે તારા પ્રેમને સમજી કે સ્વીકારી ના શક્યો…!” – વિશ્વાનાં બંને હાથ પોતાનાં હાથમાં પકડતાં અખિલેશ બોલે છે.

“અરે ! અખિલેશ ! તારે એમાં મારી માફી થોડીને માંગવાની હોય… આપણે ત્યાં કહેવત છે કે, “જાગ્યાં ત્યારથી સવાર…!” તો શું આપણે આજથી, આજથી શું અત્યારથી જ આપણે આપણી લાઈફ ફરીવાર નવેસરથી શરૂ નાં કરી શકીએ….?” – વિશ્વાએ નિખાલસતાપૂર્વક અખિલેશને પૂછ્યું. “હા ! ચોક્કસ ! કેમ નહીં….વિશ્વા આજથી….અત્યારથી જ હું હવેથી હરહંમેશ માટે તારો જ છું, હવે હું તને મારી આંખોથી એકપળ માટે પણ દૂર નહીં થવાં દઈશ…!” – અખિલેશ વિશ્વાને વચન આપતાં બોલે છે.

આ સાંભળી જાણે વિશ્વાનો આ જગતમાં જન્મ લેવાનું સફળ થયું હોય તેટલો અનહદ આનંદ અનુભવી રહી હતી, તેનાં અંગે અંગમાં એક અલગ પ્રકારની ઉર્જાનો જાણે સંચાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, આંખોમાંથી ખુશીઓનાં આંસુ ટપકી રહ્યાં હતાં, ચહેરા પર એક અટલ સ્મિત ફેલાય ગયું હતું….જે હવે ક્યારેય વિખાવાનું ન હોય, તેવું વિશ્વાને લાગી રહ્યું હતું.

વાતો – વાતોમાં ટેબલ પર રહેલ કોફી ઠંડી થઈ ગઈ, જેના પર અખિલેશનું ધ્યાન ગયું, આથી અખિલેશે ફરીવાર બીજી બે કોફી ઓર્ડર કરી, અને બનેવ કોફી પીને એક અલગ જ આત્મવિશ્વાસ અને આનંદ સાથે એકબીજાનાં હાથમાં હાથ નાખીને આ સ્વાર્થી દુનિયાની પરવાહ કે ચિંતા કર્યા વગર જ રસ્તા પર ચાલવા લાગ્યાં, અને અખિલેશે આકાશને કોલ કરીને વિશ્વાની એક્ટિવા પોતાનાં ફ્લેટ પર પહોંચાડી આપવા માટે જણાવ્યું. ત્યારબાદ અખિલેશ વિશ્વાને પોતાનાં ફલેટ પર લઈ ગયો, અને હિંદુધર્મના રીતિ રિવાજો પ્રમાણે અખિલેશે વિશ્વાનો પોતાના ફ્લેટમાં ગૃહ પ્રેવેશ કરાવ્યો.

સાંજના 7 વાગ્યાની આસપાસ આકાશ વિશ્વાનું એક્ટિવા મુકવા માટે અખિલેશનાં ફલેટે આવી પહોંચે છે, અને વિશ્વાનાં એક્ટિવાની ચાવી આપીને પોતાના ઘરે જવાં માટે રવાનાં થાય છે, ત્યારબાદ વિશ્વા અને અખિલેશ અખિલેશનાં ફ્લેટ પર બંને સાથે જ ડિનર કરે છે, અને લગભગ 8 વાગ્યાની આસપાસ વિશ્વા પોતાનાં ઘરે જવાં માટે અખિલેશનાં ફ્લેટેથી નીકળે છે, અને પોતાનાં ઘર તરફ જતાં રસ્તા પર પોતાની એક્ટિવા ચલાવવા લાગે છે, હાલમાં વિશ્વાની લાઈફમાં જાણે એકસાથે ઘણીબધી ખુશીઓનો વરસાદ થયો હોય, તેવો આનંદ અનુભવી રહી હતી.

“શું વિશ્વા અને અખિલેશ હવે એક થઇ જશે….? શું વિશ્વા અને અખિલેશને હજુપણ કોઈ મુસીબતનો સમાનો કરવો પડશે…? શું અખિલેશ અને વિશ્વાનો પરિવાર વિશ્વા અને અખિલેશનાં લગ્ન કરાવવા માટે રાજી થઈ જશે….? શું દીક્ષિત અખિલેશને આવા કપરા સમયે મદદરૂપ થઈને સાચો મિત્ર હોવાનું પ્રમાણ આપી શકશે…?” આ બધી પરિસ્થિતિઓનો અખિલેશ અને વિશ્વાને સામનો કરવાનો હજુ બાકી હતો…..આગળ શું થશે તેનાં વિશે વિશ્વા અને અખિલેશ તદ્દન અજાણ જ હતાં.

ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

લેખક : મકવાણા રાહુલ.એચ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ