ધ ઊટી – નવલકથા ભાગ 12 શું અખિલેશ સરનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે….?

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

(અખિલેશ વેદાંત હોસ્પિટલનાં સાઈકિયાટ્રિક આઈ.સી.યુ માં બેભાન હાલતમાં બેડ પર સુતેલ હતો, અને આ બાજુ ડૉ. રાજન, અભય, અને દીક્ષિત ત્રણેય રાજનની ચેમ્બરમાં બેસીને સાક્ષી સાથે ફોન પર વાત કરી રહ્યાં હતાં, એવામાં વોર્ડબોય દ્વારા ખબર મળે છે કે અખિલેશ ભાનમાં આવી રહ્યો છે, અખિલેશ સંપૂર્ણ ભાનમાં આવી ગયો ત્યારબાદ ડૉ. અભય અખિલેશ પાસેથી જરૂરી માહિતી મેળવે છે, અને ત્યારબાદ અભય રાજનની પરમિશન લઈને પોતાની હોસ્પિટલે જવાં માટે વેદાંત હોસ્પિટલ માંથી બહાર નીકળે છે….!

ધીમે – ધીમે એક પછી એક એમ દિવસો વીતવા લાગે છે, આવનાર દિવસો અખિલેશને તેના માથા પર આવેલી આફત કે મુસીબતો માંથી ઉગારશે કે નહીં એ તો હજુ પણ એક પ્રશ્ન જ હતો, આ બાજુ ડૉ. રાજન અને અભયે નકકી કર્યુ, તે મુજબ ડૉ. અભય અખિલેશનાં કેસ સાથે જોડાયેલા રહસ્યોને ઉકેલવા માટે ઊટી જવા રવાના થાય છે, ડૉ. અભય ઊટી ગયાં તે પહેલાં અખિલેશ પાસેથી ઊટીમાં જે – જે ઘટનાં બની હતી તેની ડિટેઈલ હિસ્ટ્રી લઈ લીધેલ હતી, આ બાજુ ડૉ. અભય ઊટી પહોંચે છે, જ્યારે આ બાજુ અખિલેશની હાલત દિવસેને દિવસે ગંભીર બની રહી હતી.

પહેલા અખિલેશને માત્ર સપનામાં જ પેલો વ્યક્તિ તેને મારવા આવતો હોય તેવું દેખાતું હતું, પરંતુ હવે અખિલેશને વિઝયુલ હેલ્યુઝીનેશન, અને ઓડિટરી હેલ્યુઝીનેશન પણ થવા માંડ્યું હતું……(વિઝયુલ હેલ્યુઝીનેશન એટલે વ્યક્તિની નજર સમક્ષ કંઈપણ ના હોવાછતાં પણ દર્દીને પોતાની નજર સમક્ષ વ્યક્તિ કે વસ્તુ દેખાય….જ્યારે ઓડિટરી હેલ્યુઝીનેશન એટલે વ્યક્તિનાં કાને અલગ – અલગ પ્રકારના અવાજો સંભળાય, જ્યારે વાસ્તવમાં કોઈ જ અવાજ હોતો નથી…) આમ અખિલેશ જાણે એક પાગલ હોય તેવું તેનું વર્તન થઈ રહ્યું હતું, તેણે લોકો સાથે હળવા-મળવાનું પણ ઓછું કરી દિધેલ હતું, કોઈને મળવાની ઈચ્છા પણ નહોતી થઈ રહી, અખિલેશ જાણે ભૂખ અને તરસ પણ ભૂલી ગયો હોય તેવું લાગી રહ્યું હતું….આ બાજુ દિવસ રાત એક કરીને ડૉ. અભય અખિલેશનો કેશ સોલ્વ કરવાં માટે પ્રયત્નો કરવા લાગ્યાં હતાં.

ડૉ. અભય ઊટી પહોંચીને સાક્ષીને કોલ કરે છે, અને સાક્ષી જે હોટલમાં રીસેપનિસ્ટ તરીકે જોબ કરતી હતી તે જ હોટલ સિલ્વર સેન્ડમાં રોકાવાનું પસંદ કર્યું હતું….જેથી જ્યારે તેને સાક્ષી પાસેથી અખિલેશનાં કેસ વિશે કોઈ માહિતી જોતી હોય તો તે માહિતી સરળતાથી મળી રહે.

ત્યારબાદ ડૉ. અભય અખિલેશ જે હોટલમાં રોકાયેલ હતો તે હોટલમાં એટલે કે ધ સીટી પેલેસ હોટલમાં તપાસ કરવાં માટે જાય છે, અને ત્યાં જઈને પૂછપરછ કરે છે, અને અખિલેશે ધ સીટી પેલેસ હોટલ ચેક-ઈન કર્યું ત્યારથી માંડીને ચેક આઉટ કર્યુ, ત્યાં- સુધીની બધી જ માહિતી ધ સીટી પેલેસ હોટલનાં રીસેપનિસ્ટ અને મેનેજમેન્ટ પાસેથી મેળવે છે…. ત્યારબાદ ડૉ. અભય રીસેપનિસ્ટ પાસેથી ડ્રાઇવર હનીફનો મોબાઈલ નંબર લે છે, અને હનીફને કોલ કરીને જણાવે છે કે પોતે અહીં ઊટીમાં એક અઠવાડિયું રોકાવાનાં છે…આ દરમ્યાન ઊટીમાં બધી જ જગ્યા કે જે હું જણાવું ત્યાં લઈ જવા માટે હનીફને વાત કરે છે, હનીફ પણ રાજીખુશીથી ડૉ. અભયની વાત સાથે સહમત થઈ જાય છે.

એ દિવસે રાતે ડૉ. રાજને અભયને કોલ કર્યો અને અખિલેશની હાલત પહેલા કરતાં વધુ ગંભીર બની રહી છે તેની જાણ કરી અને સાથોસાથ જણાવ્યું કે અખિલેશમાં હેલ્યુઝીનેશનનાં લક્ષણો પણ હવે જોવા મળી રહ્યાં છે, આથી ડૉ. અભયે જણાવ્યું કે અખિલેશને હાલ પૂરતો એક અઠવાડિયા માટે તમારી હોસ્પિટલમાં જ દાખલ રાખો, જેથી અખિલેશ ચોવીસ કલાક આપણાં ઓબસર્વેશનમાં રહે…અને કઈ ઇમરજન્સી ઉભી થાય તો તાત્કાલિક સારવાર પણ આપી શકાય.

આથી બીજે દિવસે ડૉ. રાજન દીક્ષિતને પોતાની ચેમ્બરમાં બોલાવે છે અને જણાવે છે કે અખિલેશની તબિયત હાલમાં પહેલા કરતાં થોડી વઘું ગંભીર લાગી રહી છે, માટે અખિલેશને એક અઠવાડિયા માટે હોસ્પિટલમાં જ દાખલ રાખવો પડશે…જેથી તે સંપૂર્ણ રીતે અમારા ઓબસર્વેશનમાં રહે…. દીક્ષિત પણ ડૉ. રાજનની વાત સાથે સહમતી દર્શાવતા બોલે છે કે, – “સાહેબ ! શું ? અખિલેશ એક અઠવાડિયામાં ફરી પાછો પહેલાની માફક નોર્મલ થઈ જશે…? આઈ મીન અખિલેશને સારું થઈ જશે…?”

“સી ! મિ. દીક્ષિત ! અખિલેશને તમે જ્યારે બેભાન હાલતમાં મારી હોસ્પિટલે લઈને આવ્યાં હતાં, ત્યારે જ મને આ કેસની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો, આથી મેં તે સમયે ડૉ. અભયને પણ બોલાવી લીધાં હતાં, અને ડૉ. અભય એ એક એવા સાઈકિયાટ્રિસ્ટ છે કે જે એકવાર પોતાના હાથમાં કોઈ કેસ સોલ્વ કરવાં માટે લઈ લે…ત્યારબાદ તે કોઈપણ કિંમતે દિવસ-રાત જોયા વગર હાથમાં લીધેલ કેસ સોલ્વ કરીને જ રહે છે, હાલમાં પણ અખિલેશનો કેસ સોલ્વ કરવાં માટે ડૉ. અભય ઊટી પહોંચી ગયેલા છે, આપણે આશા રાખીએ કે અખિલેશનો કેસ પણ અન્ય કેસોની માફક જ ડૉ. અભય સોલ્વ કરે…અને આ કેસ સાથે જોડાયેલા બધાં જ રહસ્યો ઉકેલાય જાય.”

“સાહેબ ! હું તમારો અને ડૉ.અભયનો જેટલો આભાર માનું એટલો ઓછો છે…!” – દીક્ષિત પોતાના બનેવે હાથ જોડાતાં બોલે છે, અને ડૉ. રાજનની ચેમ્બરમાંથી બહાર નીકળે છે. આ બાજુ ડૉ. અભય અખિલેશનાં કેસ સોલ્વ કરવા માટે કે અખિલેશનાં જીવન સાથે જોડાયેલા રહસ્યોને ઉકેલવા માટે કોઈને કોઈ ખૂટતી કડી ચોક્કસપણે ઊટીમાંથી મળી જશે એ ઈરાદાથી અખિલેશ ઊટીમાં જે – જે સ્થળોએ ફર્યો હતો એ બધાં જ સ્થળોની ડૉ. અભય હનીફની કાર દ્વારા મુલાકાત લેવાનું વિચારે છે.

લગભગ છ દિવસ સુધી આ સિલસિલો ચાલ્યો, દરરોજ સવારે ડૉ. અભય હનીફને કોલ કરે એટલે હનીફ ડૉ. અભયની હોટલે પહોંચી જાય, અને ત્યારબાદ ડૉ.અભય જે સ્થળે જવાં માટે જણાવે તે સ્થળે હનીફ પોતાની કાર લઈ જતો હતો, ધીમે-ધીમે ડૉ. અભયે અખિલેશ ઊટીમાં જે – જે સ્થળોએ ફર્યો હતો એ બધાં જ સ્થળોની મુલાકાત લે છે, પરંતુ ડૉ. અભયનાં હાથમાં કોઈ જ પુરાવા કે સબૂત નહોતા લાગ્યાં કે જે અખિલેશનો કેસ સોલ્વ કરવામાં મદદરૂપ થઇ શકે..!

આથી ડૉ. અભય મનોમન મૂંઝવણ અનુભવી રહ્યાં હતાં, તેના મનમાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યાં હતાં…જેવા કે શું આ તેના હાથમાં આવેલ પહેલો એવો કેસ બનશે કે જે પોતે સોલ્વ કરવામાં નિષ્ફળ થયો….? અખિલેશ, દીક્ષિત અને ડૉ. રાજનને પોતે શું જવાબ આપશે…? કે જેઓ પોતાના પર ખુબજ વિશ્વાસ રાખીને બેઠા છે…? શું ઊટીથી આવી રીતે ખાલી હાથે જ પરત ફરવું પડશે….? શું પોતે કે ડૉ. રાજન અખિલેશનાં અંધકારમય જીવનમાં ક્યારેય અજવાસ નહીં લાવી શકે….? – આવા અનેક પ્રશ્નો હાલમાં ડૉ. અભયનાં મનમાં ઉભા થયા હતાં… જેના જવાબો હાલ ડૉ. અભય પાસે નહોતાં, આથી ડૉ. અભય પોતે અંદરથી હિંમત હારી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું…..આ હાર અખિલેશની કે અખિલેશનાં કેસની નહીં પરંતુ આ હાર પોતાની થઈ રહી હોય તેવું ડૉ. અભય અનુભવી રહ્યાં હતાં.

ત્યારબાદ છેલ્લે દિવસે ડૉ. અભય હનીફને પોતાની હોટલ પર સવારનાં 8 કલાકની આસપાસ બોલાવે છે, અને થોડીવારમાં હનીફ કાર લઈને આવી પહોંચે છે, અને ડૉ. અભય હનીફની કારમાં બેસે છે, ડૉ. અભયનાં ચહેરા પર પોતે હારી રહ્યાં હોય તેવી નિરાશાની રેખાઓ હાલમાં ઉપસી આવેલ હતી. “ગુડ મોર્નિંગ ! સર..!” – હનીફ વિશ આપતાં બોલે છે. “ગુડ ! મોર્નિંગ ! હનીફ ! ” – ડૉ. અભય પોતાનું માથું હલવાતાં બોલે છે.

“સાહેબ ! એક વાત પૂછું…? જો તમે ખોટું ના લગાડો તો..?” – હનીફે હળવાં અવાજમાં પૂછ્યું. “હા ! હનીફ ! પૂછ..!” – ડૉ. અભય બોલ્યાં. “સાહેબ ! તમારા ચહેરા પર કાયમ થોડીક સ્માઈલ મેં જોયેલ છે પરંતુ આજે તમારા ચહેરા પર મને ઉદાસી અને નિરાશા દેખાય રહી છે…? એ સાચું છે…?” – હનીફ ડૉ. અભયનાં ચહેરા સામે જોતા બોલ્યો. “હા ! યાર ! વાત જ એવી છે…જેથી હું થોડીક મુંઝવણ અનુભવી રહ્યો છું…!” – ડૉ. અભય વાત ટૂંકાવતાં હોય તેવી રીતે બોલ્યાં. “સાહેબ ! શું હું તમારી એ વાત જાણી શકુ છું કે જેને લીધે તમારું મન મૂંઝવણ અનુભવી રહ્યું છે…?” – હનીફે હિંમત કરતાં ડૉ. અભયને પૂછ્યું.

“આજથી લગભગ વિસ કે પચ્ચીસ દિવસ પહેલા મારો એક મિત્ર પોતાની કંપનીનાં એક કામથી ઊટી આવેલ હતો, જે ઊટીમાં દસ દિવસ ધ સીટી પેલેસ હોટલમાં રોકાયેલ હતો, આ દસ દિવસ દરમ્યાન તેને એક છોકરી સાથે પ્રેમ થઈ જાય છે…જેનું નામ છે શ્રેયા…જે ત્યારબાદ તે શ્રેયાની સાથે દરરોજ ઊટીનાં અલગ – અલગ સ્થળોએ ફરવાં જતો હતો……” – ડૉ. અભય વાતની શરૂઆત કરતાં બોલે છે.

“સાહેબ ! એક મિનિટ…!” – હનીફ થોડુંક વિચારતાં બોલે છે. “હા ! હનીફ ! શું થયું…?” – ડૉ. અભયે હનીફને પૂછ્યું.

“સાહેબ ! આ ધ સીટી પેલેસ હોટલ….શ્રેયા…આ બધાં નામો તો મેં ક્યાંક સાંભળેલ હોય તેવું મને લાગી રહ્યું છે…..અને છેલ્લાં વીસ – પચ્ચીસ દિવસ પહેલા તો હું ધ સીટી પેલેસ હોટલમાંથી એક જ વ્યક્તિને આવી રીતે દરરોજ ઊટીનાં અલગ – અલગ સ્થળોએ ફરવાં માટે લઈ જતો હતો…..યસ…તમે ક્યાંક અખિલેશ સરની તો વાત નથી કરી રહ્યાં ને…!” – હનીફે નવાઈ સાથે ડૉ. અભયને પ્રશ્ન પૂછ્યો.

“યસ ! હનીફ ! યુ આર એક્ઝેટલી રાઈટ…! હું અખિલેશ વિશે જ વાત કરી રહ્યો છું….એ જ અખિલેશ કે જે તું તારી જ કારમાં શ્રેયા સાથે ઊટીનાં અલગ – અલગ સ્થળોએ ફરવા જતો હતો….!” – ડૉ. અભય આખી વાત જણાવતાં બોલ્યાં. “પણ ! સર !” – હનીફ મૂંઝાતા અવાજે બોલ્યો. “હા ! હનીફ ! શું થયું…..? બોલ…!” ડૉ. અભયને આ કેશ સોલ્વ કરવાની આશાનું કિરણ દેખાયું હોય તેવી રીતે ઉતાવળે બોલ્યાં.

” સાહેબ ! તમે મને કહ્યું કે અખિલેશ સર મારી કારમાં દરરોજ શ્રેયા મેડમ સાથે ઊટીનાં અલગ – અલગ સ્થળોએ ફરવાં જતાં હતાં…પણ…મેં ક્યારેય શ્રેયા મેડમને જોયા જ નથી, હું દરરોજ માત્રને માત્ર અખિલેશ સરને જ મારી કારમાં ફરવા માટે લઈ જતો હતો….પરંતુ….???” – હનીફ સ્પષ્ટતા કરતાં બોલ્યો. “હનીફ ! શું વાત કરે છો…?” – એક આશ્ચર્ય અને નવાઈ સાથે ડૉ. અભય બોલ્યાં.

“હા ! સાહેબ ! મેં શ્રેયા મેડમને ક્યારેય જોયેલાં જ નથી પરંતુ મેં આ નામ અખિલેશ સરના મોઢેથી સાંભળેલ છે, હું જ્યારે અખિલેશ સરને મારી કારમાં બેસાડીને ઊટીનાં બોટેનિકલ ગાર્ડને લઈ જઈ રહ્યો હતો, ત્યારે તે પાછળ બેસીને કોઈની સાથે વાત કરી રહ્યાં હતાં, જેમાં શ્રેયા મેડમનું નામ વારંવાર બોલી રહ્યાં હતાં, આથી મને થયું કે અખિલેશ સર, ફોન પર વાત કરી રહ્યાં હશે…પરંતુ મેં જ્યારે રિયર વ્યુ મીરરમાંથી જોયું તો મને એક પ્રકારનું આશ્ચર્ય થયું કારણ કે અખિલેશ સરની બાજુમાં કોઈજ બેસેલ હતું નહીં, છતાંપણ એ તેમની સાથે વાતચીત કરી રહ્યાં હતાં…..

જેવી રીતે આપણે બનેવે હાલમાં વાત કરી રહ્યાં છીએ, ફર્ક માત્ર એટલો હતો કે આપણે બનેવે એકબીજાને જોઈ શકીએ છીએ, જ્યારે શ્રેયા મેડમ તો દેખાતા ન હોવા છતાંપણ અખિલેશ સર તેની સાથે વાત કરી રહ્યાં હતાં….મને આ કાંઈ સમજમાં નહોતું આવી રહ્યું, આથી ત્યારબાદ મેં મારું બધું ધ્યાન કાર ડ્રાઈવ કરવામાં લગાવી દીધું….અખિલેશ સરને જ્યારે મેં બોટેનિકલ ગાર્ડને ઉતાર્યા ત્યારે પણ જેવી રીતે આપણે કારનો દરવાજો ખોલીને કોઈને ઉતારવા માટે મદદ કરીએ તેવી રીતે અખિલેશ સર કારનો દરવાજો ખોલીને “કમ ! શ્રેયા…નાવ વી આર રિચ એટ ધ વન્ડરફુલ બોટેનિકલ ગાર્ડન ઓફ ઊટી…!

અને જાણે તેમનો હાથ પકડીને કારમાંથી ઉતારી રહ્યાં હોય તેવું મને લાગ્યું, પરંતુ વાસ્તવમાં તો અખિલેશ સર એક જ મને દેખાય રહ્યાં હતાં, ત્યારબાદ જાણે મારા મગજે કામ કરવાનું બંધ કરી દીધું હોય તેવું મને લાગી રહ્યું હતું, આથી મેં હિંમત કરીને અખિલેશ સરની પરમિશન લઈને મારી કારનો વળાંક વળ્યો, અને મારા ઘર તરફ જવાં માટેનો રસ્તો પકડ્યો…સાહેબ એ દિવસે મને આખી રાત માત્રને માત્ર અખિલેશ સરનાં જ વિચાર આવી રહ્યાં હતાં જેથી મને ઊંઘ પણ ના આવી, મારા મનમાં ઘણાં પ્રશ્નો ઉભા થયાં હતાં…જેવા કે શું અખિલેશ સરનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે….?

શું અખિલેશ સરને રાત્રે કરેલ પાર્ટીનો નશો હજુપણ ઉતર્યો નહીં હોય….? શું અખિલેશ સર ખરેખર શ્રેયા મેડમ સાથે વાત કરી રહ્યાં હતાં….? જો ખરેખર અખિલેશ સર શ્રેયા મેડમ સાથે વાતો કરી રહ્યાં હતાં…તો પછી હું કેમ શ્રેયા મેડમને જોઈ શકતો ના હતો….? શું મારી કારમાં પાછળ માત્ર અખિલેશ સર જ બેઠા હતાં કે પછી શ્રેયા મેડમ પણ બેઠા હતાં…? આવા અનેક પ્રશ્નોને લીધે હું રાતે શાંતિથી ઊંઘી પણ નહોતો શક્યો….પણ મેં ક્યારેય આ પ્રશ્નો અખિલેશ સરને પૂછવા માટેની હિંમત કરી નહીં….આમય સાહેબ મારી જેવા નાનાં માણસની હેસિયત જ શું છે કે અખિલેશ સર જેવા મોટા સાહેબની પર્સનલ લાઈફ વિશે પ્રશ્નો પૂછી શકુ….! આથી મેં અખિલેશ સર સાથે આ બાબતે ક્યારે વાત ના કરી….અને આ પ્રશ્નો મારા મનનાં કોઈ એક ખૂણામાં કાયમિક માટે દબાવી દીધાં…!” – હનીફ સ્પષ્ટતા કરતાં બોલ્યો.

“હનીફ ! કાર ઉભી રાખ…!” – ડૉ. અભય ઝટકા સાથે બોલ્યાં ત્યારબાદ હનીફ અને ડૉ. અભય કારમાંથી ઉતરે છે…અને ડૉ. અભય થોડુંક વિચારે છે, અને વિચાર્યા બાદ હનીફને કહે છે કે

“હનીફ ! તું કદાચ જાણતો નહીં હોય કે તે મને જાણતાં અજાણતાં જ એટલી મોટી મદદ કરી દીધી છે કે હું તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે…! મને અત્યાર સુધી એ નહોતું સમજાય રહ્યું કે અખિલેશનો કેસ સોલ્વ કરવાની શરૂઆત હું ક્યાંથી કરું….? તે મને આ જે વિગતો આપી એટલી માહિતી મારા માટે અખિલેશનો કેસ સોલ્વ કરવાની શરૂઆત કરવા માટે પૂરતી છે….!” – ડૉ. અભયનાં નિરાશ ચહેરા પર આશાના કિરણો ખીલી રહ્યાં હોય તેવી રીતે ડૉ. અભયે ખુશ થઈને હનીફનાં બનેવ હાથ પકડીને આભાર માન્યો.

“સાહેબ ! મને કંઈ સમજાયું નહીં…!” – હનીફ મૂંઝાતા અવાજમાં બોલ્યો. “હનીફ ! તે મને હમણાં કહ્યું કે અમારી જેવા નાનાં માણસની શું હેસિયત કે અખિલેશ સર જેવા મોટા માણસને પ્રશ્ન પૂછી શકે…પરંતુ તું એ જાણતો નથી કે તારી જેવા નાનાં માણસે જ મને આ કેસ સોલ્વ કરવાં માટેનો એક નવો જ રસ્તો ખોલી દીધેલો છે….તે તારા મનમાં અખિલેશ અને શ્રેયાને સંબધિત જે પ્રશ્નો દબાવી રાખ્યાં છે એ બધા જ પ્રશ્નોના જવાબ તને ટૂંક સમયમાં જ મળી જશે…..આથી જ કહેવાય છે કે..

“ક્યારેય કોઈ વ્યક્તિ નાની કે મોટી નથી હોતી, દરેક વ્યક્તિનું પોતાની જગ્યાએ પોતાનું એક અલગ મહત્વ હોય છે, બાકી તલવાર, તલાવરનું જ કામ કરી શકે, અને સોય, સોયનું જ કામ કરી શકે….!” તલવારથી ક્યારેય કપડાં સીવી ના શકાય, તેવી જ રીતે સોઈથી ક્યારેય કોઈને કાપી ના શકાય.”

ત્યારબાદ ડૉ. અભય ઊટીનાં બોટેનિકલ ગાર્ડનની મુલાકાત લઈને પાછા પોતાની હોટલે બપોરનાં 12 કલાકની આસપાસ પરત ફરે છે, હોટલે પહોંચીને કારમાંથી ઉતર્યા બાદ ડૉ. અભય હનીફને જણાવે છે કે… “હનીફ ! તું જમી લે અને થોડો આરામ કરી લે…આપણે પાછા ત્રણ વાગ્યે મળીએ, આપણે હજુ પણ એક સ્થળની મુલાકાત લેવાની બાકી છે..!” – ડૉ. અભયે હનીફને જણાવ્યું.

“ઓકે ! સાહેબ ! હું એકઝેટ ત્રણ વાગ્યે આવીને હોટલની નીચે ઉભો હોઇશ, અને તમારા માટે વેઇટ કરી રહ્યો હોઇશ…” – હનીફ બોલ્યો. ત્યારબાદ હનીફ પોતાની કારનો વળાંક વાળીને પોતાના ઘર તરફ જવાના રસ્તે કાર દોડાવે છે, જ્યારે ડૉ. અભય મનમાં એક પ્રકારનાં આનંદ અને ખુશી સાથે હોટલમાં પ્રવેશે છે, પછી લંચ કરીને પોતાનાં રૂમમાં જાય છે, અને અખિલેશ વિશે વિચારવા લાગે છે….!

શું ? ડૉ. અભયને હનીફ દ્વારા જે માહિતી મળી એ અખિલેશનો કેસ સોલ્વ કરવા માટે પૂરતી હશે…? શું ? ડૉ. અભય આ કેસ હવે સોલ્વ કરી શકશે…? શું ? ડૉ. અભય અખિલેશનાં જીવન સાથે જોડાયેલાં રહસ્યો સફળતાપૂર્વક ઉકેલી શકશે…? ડૉ. અભય હજુપણ કંઈ જગ્યાની મુલાકાત લેવાનું વિચારી રહ્યાં હતાં…? આવા બધા જ પ્રશ્નોનાં જવાબ કદાચ ડૉ. અભયને આજે મળી જશે…એવું લાગી રહ્યું હતું.

સમય : બપોરનાં ત્રણ કલાક

સ્થળ : સિલ્વર સેન્ડ હોટલ.

વાતાવરણ એકદમ શાંત હતું, સૂર્ય નારાયણે જાણે બધાંને પોતાનો પ્રતાપ બતાવવાનું નક્કી કર્યું હોય, તેમ એકદમ આકરો તડકો વરસાવી રહ્યાં હતાં, રસ્તા પર જાણે કરફ્યુ લાગેલ હોય તેવું લાગી રહ્યું હતું, સૌ કોઈ પોત- પોતાના ઘરમાં ઠંડક હેઠળ આરામ ફરમાવી રહ્યાં હતાં, જ્યારે અમુક લાચાર ફેરિયાઓ, લારીવાળાઓ, રીક્ષા ડ્રાઈવરો, અને દુકાનદારો કે જે પોતાનાં પરીવાર માટે થોડાક વધું રૂપિયા કમાવવાની ઈચ્છા કે મજબૂરીને લીધે ના છૂટકે એકપણ શબ્દ બોલ્યાં વગર ચુપચાપ પોતાનો ધંધો કરી રહ્યાં હતાં.

હનીફ પણ આ બધાં માંથી એક હતો, હનીફ સમયનો એટલો પાક્કો હતો કે બરાબર ત્રણનાં ટકોરે ડૉ. અભયને પીક-અપ કરવાં માટે હોટલ સિલ્વર સેન્ડએ આવી પહોંચ્યો હતો, જ્યારે આ બાજુ ડૉ. અભય પણ બરાબર ત્રણનાં ટકોરે પોતાનો રૂમ લોક કરીને હોટલની બહાર આવી રહ્યાં હતાં, તેના ચહેરા પર આજે એક પ્રકારનાં આનંદની લાગણી છવાઈ હતી, કારણ કે હવે તે અનુભવી રહ્યાં હતાં કે અખિલેશનો કેશ પોતાનાથી ચોક્કસપણે સોલ્વ થઈ શકશે..!

ડૉ. અભય કારમાં બેસે છે, અને હનીફ તરફ એક સ્મિત આપે છે. હનીફ પણ ડૉ. અભય તરફ એક હળવું સ્મિત આપે છે. હનીફને ડૉ. અભયનાં ચહેરા પર આવેલા બદલાવ સ્પષ્ટપણે દેખાય રહ્યાં હતાં, સવારે જે ડૉ. અભય મૂંઝાયેલા અને ઉદાસીભર્યા ચહેરા સાથે પોતાની કારમાં બેસેલ હતાં, એ જ ડૉ. અભય હાલમાં પહેલાં કરતાં થોડાંક ખુશ લાગી રહ્યાં હતાં, જેનું કારણ પણ પોતે જ હોય એવું હનીફને લાગી રહ્યું હતું.

“તો ! સાહેબ ! હવે અત્યારે તમારે કઈ જગ્યા કે સ્થળની મુલાકાત લેવાની છે….?” – હનીફે પોતાની કાર સ્ટાર્ટ કરતાં પૂછ્યું. “હનીફ ! અખિલેશે ઊટીમાં જેટલાં સ્થળોની મુલાકાત લીધેલ હતી તેમાંથી આપણે મોટાં ભાગનાં સ્થળોની મુલાકાત લઈ ચૂક્યાં છીએ…..પરંતુ હજુપણ એક સ્થળની આપણે મુલાકાત લેવાની બાકી છે…!” – ડૉ. અભય પોતાની સીટ પર સરખા બેસતાં-બેસતાં બોલ્યાં. “સર ! આપણે કયાં સ્થળની મુલાકાત લેવાનું બાકી રહી ગયું છે….?” – હનીફે નવાઈ સાથે ડૉ. અભયને પૂછ્યું.

“હનીફ ! આપણે એક જ સ્થળની મુલાકાત લેવાનું બાકી છે….અને એ સ્થળ છે…“ધ ટાઇગર હિલ.” – ડૉ. અભય બોલ્યો. “ધ ટાઇગર હિલ” – આશ્ચર્ય સાથે નવાઈ પામતાં હનીફ બોલ્યો. “કેમ ! હનીફ ? તને ધ ટાઇગર હિલ – નામ સાંભળતાની સાથે જ તને નવાઈ લાગી….?” – એક જાસૂસની માફક ડૉ. અભયે હનીફને પૂછ્યું. “સર ! તો તમારે અત્યારે ધ ટાઇગર હિલની મુલાકાત લેવી છે એમ ને…? પણ…?” – હનીફે પોતાનું માથું ખંજવાળતા – ખંજવાળતા પૂછ્યું. “પણ ! પણ શું ? હનીફ…?” – ડૉ. અભયે પૂછ્યું.

“સર ! હકીકતમાં તો હું અખિલેશ સરને ધ ટાઇગર હિલ પર લઈ જ નથી ગયો…!” – હનીફ થોડુંક ખચકાતાં-ખચકાતાં બોલે છે. “શું ! વાત કરે છો… હનીફ…?” – ડૉ. અભયે આતુરતા સાથે પૂછ્યું…..જાણે એક પછી એક એમ ધીમે-ધીમે બધાં રહસ્યો ખુલી રહ્યાં હોય તેવું ડૉ. અભયને લાગી રહ્યું હતું.

“હા ! સાહેબ ! હું સાચું જ બોલી રહ્યો છું, અખિલેશ સરની કંપનીના સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટનાં આઠમાં દિવસે લગભગ સાંજના 5 વાગ્યાની આસપાસ મારા મોબાઈલ ફોનમાં રિંગ વાગી, મેં જોયું તો અખિલેશ સરનો કોલ હતો… આથી મેં કોલ રિસીવ કર્યો તેમણે મને પૂછ્યું કે પોતે જે હોટલે રોકાયા હતાં, ત્યાંથી સૌથી નજદીક કોઈ ફરવાં લાયક સ્થળ છે…? તો મેં અખિલેશ સરને ધ ટાઇગર હિલનું સજેશન આપ્યું, કારણ કે તે હોટલથી થોડુંક જ દૂર હતું, ત્યાં પહોંચતા લગભગ 30 મિનિટ જેટલો સમય લાગે, ત્યારબાદ અખિલેશ સર ટાઇગર હિલે જવાં માટે તૈયાર થઈ ગયાં, આથી મેં પૂછ્યું કે સાહેબ તો હું કાર લઈને હોટલ પર આપને પીક -અપ કરવાં માટે આવું…?

તો તેમણે મને જણાવ્યું કે, “જો ! હનીફ ! હાલમાં 5 વાગી ચૂક્યાં છે, તું આવીશ તો વધારે લેટ થઈ જશે…..માટે હું લોકલ ટેક્ષી કરીને ટાઇગર હિલે પહોંચી જઈશ…આમપણ હાલમાં હું એકલો નથી…” આથી હું તેઓને ટાઇગર હિલ પર લઈ ગયેલ ન હતો, પરંતુ તેઓ કોઈ લોકલ ટેક્ષી કરીને જ ટાઇગર હિલે પહોંચ્યા હતાં…!” – હનીફ સ્પષ્ટતા કરતાં બોલે છે અને પોતાની કાર ટાઇગર હિલે જવાનાં રસ્તે દોડાવે છે.

“પણ….હનીફ ? તને અખિલેશ કહ્યું કે હું આમપણ હું અત્યારે એકલો નથી એનો મતલબ…શું થાય…? અખિલેશ કહેવા શું માંગતો હતો…? આ વાક્ય દ્વારા….? અખિલેશ સાથે કોણ હતું એનું નામ તને જણાવ્યું…?” – અચરજ પામતાં ડૉ. અભયે હનીફને પૂછ્યું.

“સાહેબ ! એ તો મને એક્ઝેટલી કોઈ આઈડિયા નથી પરંતુ જો આપણી દ્રષ્ટિએ વિચારીએ તો અખિલેશ સર સાથે કદાચ તેમની કંપનીનો જ કોઈ સહકર્મચારી હોઈ શકે…પરંતુ જો અખિલેશ સરની દ્રષ્ટીએ વિચારીએ તો માત્રને માત્ર એક જ વ્યક્તિ અખિલેશ સર સાથે હોય શકે….અને તે છે…શ્રેયા મેમ..!” – હનીફ પોતાનું લોજીક લગાડતાં બોલ્યો.

જેવી રીતે પુસ્તકમાં એક પછી એક ચેપટરો આવતાં હોય તેવી રીતે ડૉ. અભય સામે પણ અખિલેશનાં જીવનમાં ઘટેલી ઘટનાનાં એક પછી એક ચેપટરો ખુલવા લાગ્યાં હતાં, અને ધીમે-ધીમે રહસ્યો ખુલી રહ્યાં હતાં…જે ડૉ. અભયને અખિલેશનો કેસ સોલ્વ કરવામાં કે તેની સારવાર કરવામાં આગળ જતાં ખુબજ ઉપયોગી નીવડે એમ હતાં..

હનીફની કારમાં એક પ્રકારનો છન્નાટો છવાય ગયો, ડૉ. અભય વિચારી રહ્યાં હતાં કે શું પોતે જે રસ્તે ચાલી રહ્યાં છે, તે રસ્તો અખિલેશનો કેસ સોલ્વ કરવામાં મદદરૂપ થશે…કે બધી મહેનત વ્યર્થ જશે….? હકીકતમાં અખિલેશ કોની સાથે ટાઇગર હિલે ફરવાં ગયેલો હશે…? આ બાબતે તેઓ અખિલેશને પણ પૂછી શકે તેમ ના હતાં કારણ કે જો અખિલેશને આ બાબતે પૂછવામાં આવશે તો તેનો એક જ જવાબ હશે…કે પોતે શ્રેયા સાથે જ ઊટીનાં ટાઇગર હિલે ફરવાં માટે ગયો હતો….આથી ડૉ. અભય બારીનાં કાચમાંથી પોતાની નજરો આજુબાજુમાં દોડાવવા લાગે છે.

હનીફ પણ શાંતિથી પોતાની કાર ટાઇગર હિલ બાજુ જતાં રસ્તે દોડાવી રહ્યો હતો, પોતે જાણે આ અખિલેશ સાથે ઘટેલ સમગ્ર ઘટનાનો એક જીવતો જાગતો પુરાવો હોય તેવું હનીફ અનુભવી રહ્યો હતો. ડૉ. અભય પાસેથી જ્યારે હનીફને અખિલેશની હાલતની ખબર પડી ત્યારે હનીફને ખૂબ જ દુઃખ લાગી આવ્યું હતું, અખિલેશ સાથે હનીફને કોઈ ખાસ સબંધ હતો નહીં, પરંતુ ઊટીમાં અખિલેશ સાથે વિતાવેલા દસ દિવસ બાદ અખિલેશ અને હનીફને જાણે એક પ્રકારની મિત્રતા બંધાય ગઈ હોય તેવું હનીફને લાગી રહ્યું હતું, આથી હનીફ અખિલેશને કોઈને કોઈ રીતે ઉપયોગી થઈ શકે…તે માટે ડૉ. અભયને પોતાનાં રીતે જેટલું મદદરૂપ થવાય એટલું મદદરૂપ થઇ રહ્યો હતો.

એવામાં હનીફે ટાઇગર હિલે પહોંચીને પોતાની કારની બ્રેક લગાવી અને બોલ્યો. “સાહેબ! આપણે ટાઇગર હિલે પહોંચી ગયાં છીએ…” “ઓકે !” – આટલું બોલી અભય પોતાનાં ખભે બેગ લગાવી ટાઇગર હિલનાં દરવાજા તરફ પોતાનાં પગલાંઓ ભરવા માંડે છે. “સર ! એક મિનિટ !” – ડૉ. અભયથી થોડેક દૂર ઉભેલ હનીફ બોલે છે.

“હા ! હનીફ ! બોલ…!” – ડૉ. અભય પોતાનાં ચાલતાં કદમોને સ્થિર કરતાં બોલ્યાં. “સર ! જો તમને કાંઈ પ્રોબ્લેમ ન હોય તો હું પણ તમારી સાથે આવું….?” – હનીફે ડૉ. અભયને પૂછ્યું. “ઓકે ! જો તું મારી સાથે આવવાં માંગતો હોવ તો મને કોઈ પ્રોબ્લેમ નથી…ચાલ..!” – ડૉ. અભયે હળવા સ્મિત સાથે હનીફને જણાવ્યું.

ત્યારબાદ હનીફ ડૉ. અભયનાં ખભે રહેલ બેગ પોતાનાં હાથમાં લઈ લે છે, અને પોતાનાં ખભે લટકાવી દે છે, અને બનેવ ટાઇગર હિલ તરફ જવાં માટે આગળ ચાલવા માંડે છે, ટાઇગર હિલ અખિલેશનાં જીવન સાથે જોડાયેલા ઘણાં બધાં રહસ્યોને લઈને બેસેલ હતું, જે બાબતથી ડૉ. અભય તદ્દન અજાણ હતાં, પરંતુ તેને એક અંદાજો હતો કે ટાઇગર હિલે એવી કંઈક તો માહિતી પોતાને મળશે…જે અખિલેશનાં કેસને સોલ્વ કરવામાં ઉપયોગી પુરવાર થશે.

ટાઇગર હિલે પહોંચતાની સાથે જ ડૉ. અભયને આ જગ્યાએ કંઈક એનર્જી હાજર હોય તેવું મહેસુસ થયું, એવામાં હનીફના ખભે રહેલ ડૉ. અભયની બેગમાંથી એક પ્રકારનું બીપ સાઉન્ડ સાંભળવા માંડ્યું, આથી હનીફે ઉત્સુકતાપૂર્વક ઝડપથી પોતાનાં ખભેથી બેગ ઉતારીને ડૉ. અભયને આપી, આથી ડૉ. અભયે બેગની ચેન ખોલીને એક પ્રકારનું સાધન બહાર કાઢ્યું જેમાંથી આ બીપ સાઉન્ડ આવી રહ્યો હતો, આથી હનીફે અચરજ પામતાં ડૉ. અભયને પૂછ્યું.

“સાહેબ ! આ તમારા હાથમાં જે સાધન છે…એ શું છે…? તેનું નામ શું છે…? તેમાંથી શાં માટે એકાએક આવું બીપ સાઉન્ડ સંભળાવા લાગ્યું…?” – હનીફે નવાઈ પામતાં ડૉ. અભયને પૂછ્યું.

“હનીફ ! મારા હાથમાં જે સાધન છે તેનું નામ છે…તેનું નામ છે યુનિવર્સલ નેગેટિવ એનર્જી ડિટેક્ટર ઓર સ્કેનર…જે આપણી આસપાસ રહેલ નેગેટિવ એનર્જી કે પોઝિટિવ એનર્જીને ડિટેકટ કરવામાં મદદ કરે છે, અહીં હાલમાં આપણી આસપાસ પણ એક પ્રકારની એનર્જી છે, જે આ સાધને ડિટેકટ કરી, અને આમાંથી બીપ સાઉન્ડ સંભળાવા લાગ્યો, હું જ્યારે કારમાં બેઠો હતો, ત્યારે જ મેં આ ડિટેક્ટરનું પાવર બટન ઓન કરી દીધું હતું….મને આ ડિટેક્ટર મારા એક અંગત મિત્રએ ગિફ્ટમાં આપ્યું છે, જે પોતે પણ એક જાણીતો પેરાનોર્મલ એક્સપર્ટ છે….!” – હનીફનાં પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. અભય બોલ્યાં.

“સાહેબ ! આ પેરાનોર્મલ એક્સપર્ટ એટલું શું….?” – હનીફને જાણવામાં રસ પડતો હોય તેવી રીતે પૂછ્યું. “હનીફ ! પેરાનોર્મલ એક્સપર્ટ એટલે એવી વ્યક્તિ કે જે આપણી આસપાસ રહેલા અગોચર વિશ્વમાં બનતી ઘટનાં અને આપણે જેના પર વિશ્વાસ ના કરી શકીએ એવી ઘટનાઓ કે જે આપણી સમજની બહાર છે, તેની સાથે જોડાયેલા રહસ્યો ઉકેલવાના પ્રયત્નો કરી રહી હોય…ટૂંકમાં ભૂત, પ્રેમ, આત્મા, અંધશ્રદ્ધા વગેરેની પૂરેપૂરી માહિતી ધરાવતી વ્યક્તિ…!” – ડૉ. અભય હનીફને સમજાવતાં બોલ્યાં.

“તો ! પછી સાહેબ તમે પણ પેરાનોર્મલ એક્સપર્ટ છો એમ ને..?” – હનીફે આતુરતાપૂર્વક ડૉ. અભયને પૂછ્યું. “ના ! હનીફ ! હું કોઈ પેરાનોર્મલ એક્સપર્ટ નથી…હું એક સાઈકિયાટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક છું, પરંતુ આ પેરાનોર્મલ એક્ટિવિટી વિશે મેં મારા અભ્યાસ દરમ્યાન ઘણી જાણકારી મેળવેલી હતી, અને મારી પાસે જીવન અને મૃત્યું, ભવિષ્ય અને વર્તમાનમાં ઝોકાં ખાઈ રહેલા અખિલેશને બચાવવા માટે આ સિવાય કોઈ રસ્તો પણ નથી…” “હા ! સાચી વાત છે…સાહેબ તમારી…!” – હનીફ ડૉ. અભયની વાત સાથે સહમત થતાં બોલ્યો.

ત્યારબાદ હનીફ અને ડૉ. અભય હાથમાં યુનિવર્શલ એનર્જી ડિટેક્ટર લઈને આગળ વધે છે….એવામાં તેઓ જ્યારે થોડાંક આગળ વધે છે, ત્યારે આ ડિટેક્ટર માંથી જોર-જોરથી બીપ સાઉન્ડ સંભળાવા લાગે છે, આથી ડૉ. અભયને ખ્યાલ આવી જાય છે, કે પોતે હાલમાં જે જગ્યાએ ઉભેલાં છે, એ જ જગ્યા એ એનર્જીનું એપીસેન્ટર આવેલું છે, આથી ડૉ. અભયે આ બાબતની ખાતરી કરવાં માટે ડિટેકરની પાવરની સ્વીચ ઓફ કરીને ઓન કરી….ત્યાં તો તરત જ પાછો જોર-જોરથી બીપ સાઉન્ડ ફરીથી સંભળાવા લાગ્યો, આથી ડૉ. અભયે જોયું તો પોતે હનીફની સાથે જયાં ઉભાં હતાં, ત્યાં એક બાંકડો હતો, જયાંથી આખું ઊટી શહેર દેખાય રહ્યું હતું…..આથી ડૉ. હનીફે વિચાર્યું કે આ બાંકડા સાથે અખિલેશનાં જીવનનાં ઘણાં બધાં રહસ્યો જોડાયેલાં હોવાં જ જોઈએ…!

આથી ડૉ. અભય પોતાની બેગમાંથી ડાયરી બહાર કાઢે છે, અને તેમાં કંઈક લખે છે…અને ત્યારબાદ ડાયરી પાછી બેગમાં રાખે છે, અને સાથે-સાથે યુનિવર્શલ એનર્જી ડિટેક્ટર પણ સ્વીચ ઓફ કરીને બેગમાં પાછું મૂકી દે છે…અને હનીફને કહે છે. “તો ! હનીફ ! આપણે હવે જઈશું…?” – હનીફને ડૉ. અભય પૂછે છે. “ઓકે ! સાહેબે !” – હનીફ ટૂંકમાં જવાબ આપે છે.

ત્યારબાદ હનીફ અને ડૉ. અભય ટાઇગર હિલની બહારની તરફ જતાં રસ્તે આગળ વધે છે, આ સમયે એકાએક ડૉ. અભયનું ધ્યાન ટાઇગર હિલ પર આવેલાં વર્ષો જૂનાં પેલા કબ્રસ્થાન પર પડે છે, આ જોઈ ડૉ. અભયને કંઈક એવો ભાસ થાય છે કે આ બધી જ જગ્યાઓ અખિલેશ સાથે કોઈને કોઈ સંબંધ ધરાવતી હોવી જોઈએ……ચાલતાં – ચાલતાં ડૉ. અભય અને હનીફ ટાઇગર હિલની બહાર નીકળીને હનીફે જયાં પોતાની કાર પાર્ક કરી હતી ત્યાં પહોંચે છે….

જેવો હનીફ પોતાની કારમાં લોક ખોલવાં માટે ચાવી લગાવે છે, ત્યાં તેની નજર ટાઇગર હિલનાં પાર્કિંગ તરફ આવતી એક ટેક્ષી પડે છે, જેને જોઈને હનીફ ઉભો રહી જાય છે, થોડીવારમાં તે ટેક્ષીમાંથી મુલાકાતીઓ ઉતરે છે, બધાં મુલાકાતીઓ ઉતરી ગયાં પછી બધાંથી છેલ્લે એ ટેક્ષીમાંથી એક વૃધ્ધ એવો ડ્રાઇવર ઉતરે છે…જેને જોઈ હનીફ દોડીને તેની પાસે જઈને પગે લાગે છે અને કહે છે કે..

“કેમ ! છો ? ચાચુ જાન..?” – હનીફ તેનાં ચાચાને ગળે ભેટતાં બોલે છે. “સબ ! ખેરીયત…મેરે બચ્ચે…!” – વૃધ્ધ ટેક્ષી ડ્રાઈવર હસતાં ચહેરે બોલે છે. ત્યારબાદ પેલા વૃધ્ધ ટેક્ષી ડ્રાઇવર અને હનીફ પાંચેક મિનિટ વાત-ચીતો કરે છે, આ બધું ડૉ. અભય દૂરથી જોઈ રહ્યાં હતાં, આ જોઈને ડૉ. અભયને સમજાય ગયું કે પેલા વૃધ્ધ દેખાતાં ટેક્ષી ડ્રાઇવર હનીફનાં ચાચુજાન છે. પછી હનીફે તેના ચાચુજાનનાં હાથ ચૂમીને પાર્કિંગમાં રહેલી પોતાની કાર તરફ ચાલવા માંડે છે…?

હનીફ કાર પાસે આવીને ફરીથી પોતાની કારનો દરવાજો ખોલે છે….એવામાં ડૉ. અભય બોલે છે કે.. “હનીફ ! પેલા વૃધ્ધ એવાં દેખાતાં ટેક્ષી ડ્રાઇવર કોણ છે…?” – ડિટેકટીવ એજન્ટની માફક ડૉ. અભયે હનીફને પૂછ્યું.

“સાહેબ ! એ મારા ચાચુજાન એટલે કે મારા કાકા સલીમભાઈ છે, જે ઊટીમાં છેલ્લા 40 વર્ષથી ટેક્ષી ફેરવી રહ્યાં છે, જે મારા કરતાં પણ ઊટીની રગે-રગથી વધું માહિતગાર છે, આ ઉપરાંત તેમણે જ મને કાર ચલાવતાં શીખવ્યું છે….જ્યારે મારાં અબ્બુજાન એટલે કે પિતાં, મને અને મારા અમીજાનને છોડીને અલ્લાહનાં દરબારમાં જતાં રહ્યાં ત્યારે મારી ઉંમર માત્ર 17 વર્ષ હતી, આથી મારા ઘરનું ગુજરાન ચલાવવા માટે મેં અભ્યાસમાં રુચિ હોવા છતાંપણ અભ્યાસ અધુરો છોડીને આ ડ્રાઇવિંગ શીખી લીધું, જેમાંથી હું મારું અને મારા ઘરનું ગુજરાન ચલાવી શકુ છું….મારા અબ્બુજાન એટલે કે પિતા ગુજરી ગયાં પછી મારા ચાચુજાને મારા પરિવારને હરહંમેશ સ્પોર્ટ આપ્યો છે, અને મદદ કરતાં આવ્યાં છે…” – હનીફ પોતાનાં ચાચુજાન એટલે કે સલીમભાઈની ઓળખાણ આપતાં બોલે છે.

“હનીફ ! મારે ! તારું ચાચુજાનનું થોડુંક કામ છે, થોડી માહિતી તેમની પાસેથી મેળવવી છે…!” – ડૉ. અભય હનીફને પોતાની ઈચ્છા જણાવતાં બોલે છે. “ઓકે ! સાહેબ….!” – હનીફ ફરી પાછી પોતાની કાર લોક કરતાં બોલે છે. ત્યારબાદ હનીફ અને ડૉ. અભય સલીમભાઈ પાસે જાય છે, અને હનીફ ડૉ. અભય અને પોતાનાં ચાચુજાન સલીમભાઈનો એકબીજા સાથે પરિચય કરાવે છે…અને કહે છે કે.. “ચાચુજાન ! આમનું નામ ડૉ. અભય છે જેને તમારી પાસેથી થોડીક માહિતી જોઈએ છે…તો તમે તેને માહિતી આપો…!” – હનીફ વિનંતી કરતાં પોતાનાં ચાચુજાનને કહે છે.

ત્યારબાદ હનીફ પોતાની કારમાં જઈને બેસે છે, અને ડૉ. અભય આવે તેની રાહ જોવા માંડે છે, જ્યારે આ બાજુ ડૉ. અભય સલીમભાઈ સાથે લગભગ પોણી કલાક જેટલી પૂછપરછ કરીને માહિતી મેળવે છે, અને બનેવે વચ્ચે ઊંડાણપૂર્વક કંઈક ડિસ્કકશન થાય છે….ત્યારબાદ ડૉ. અભય સલીમભાઈનો પોતાના બે હાથ જોડીને આભાર માને છે….અને હનીફ અગાવથી જે કારમાં બેસેલ હતો તે કાર બાજુ આગળ ચાલવા લાગે છે.

આ સમયે ડૉ.અભયનાં ચહેરા પર જાણે કોઈ જંગ જીત્યાંનો આનંદ છવાય ગયો હોય તેવું લાગી રહ્યું હતું, ડૉ. અભયની ચાલમાં પણ એક પ્રકારનો બદલાવ આવી ગયો હતો…તે હવે કોન્ફિડન્સ સાથે ચાલી રહ્યાં હતાં, ત્યારબાદ ડૉ.અભય હનીફની કારમાં બેસે છે…અને કારનો દરવાજો બંધ કરતાં કહે છે કે….

“હનીફ ! હવે ડાયરેકટ મને તું હું જે હોટલે રોકાયેલો છું તે હોટલે (સિલ્વર સેન્ડ હોટલ) ડ્રોપ કરી દે, પછી તું તમ-તારે ફ્રી જ છો…તું આરામથી તારા ઘરે જઈ શકે છો.” – ડૉ. અભયે હનીફને જણાવ્યું, હવે ડૉ. અભયનાં અવાજમાં કે તેના દ્વારા બોલાતાં શબ્દોમાં વજન આવી ગયો હતો, તેના પુરેપુરા શરીરમાં એક પ્રકારનો આત્મવિશ્વસ આવી ગયેલ હતો.

આ બાજુ હનીફ પોતાની કાર ડૉ. અભય જે હોટલમાં રોકાયેલ હતાં તે હોટલનાં રસ્તે દોડાવવા લાગ્યો…અને લીલાંછમ લાગી જંગલ જેવાં, રસ્તા પર પોતાની કાર ચલાવવાં લાગ્યો.

ડૉ. અભયનાં ચહેરા પર આનંદ કેમ છવાય ગયો હતો…? ડૉ. અભય અને સલીમભાઈ વચ્ચે શું ડિસ્કશન થયેલું હશે..કે જેથી ડૉ. અભયનો આત્મવિશ્વાસ એક્દમથી વધી ગયો…? શું ટાઇગર હિલ સાથે અખિલેશ કોઈ જૂનો સબંધ હશે…? શાં માટે ટાઇગર હિલે થોડુંક આગળ વધતાં જ યુનિવર્શલ એનર્જી ડિટેક્ટરમાં બીપ સાઉન્ડ વાંગવા લાગ્યું….? પેલા બાંકડા પાસે એવી તે શું ઘટનાં બની હશે…? જે ઘટનાં બની હશે તે અખિલેશનાં જીવન સાથે શું સંબધ ધરાવતી હશે….? શું આ બધાં પ્રશ્નોના જવાબ ડૉ. અભય મેળવી શકશે…? – જે સમય જતાં જ ખ્યાલ આવશે..!

ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

લેખક : મકવાણા રાહુલ.એચ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ