પાછળ રહી ગયા કેવળ પડઘા – એક સાવકી મા આવી પણ.. ખુબ લાગણીસભર વાર્તા…

‘ …. પાછળ રહી ગયા કેવળ પડઘા… ‘

પિતાજી નવી માને પરણીને ઘરમાં લાવ્‍યા એ તો એને જરાય ગમ્‍યું નહોતું. નવી માએ લાલ પાનેતર પહેરીને ઓંસરીમાંથી ઓરડામાં, ઓરડામાંથી રસોડામાં હળવે હળવે આંટો મારી લીધો. પછી તો રોજેરોજ નવી નવી સાડી, સાડલા પહેરીને આખા ઘરમાં ઘૂમ્‍યા કરતી ને પિતાજી એની પાછળ ઘૂમ્‍યા કરતા.


એને નવી માના કાળા ભમ્‍મર મોટા મોટા ડોળા બિહામણા લાગતા. એ હાથ ફેલાવીને કહેતીઃ ‘ભોલુ, આવને અહીં. મારાથી દુર દુર કેમ ભાગે છે ? ‘ તો એ દૂર હટી જતો. એક વખત ઘરમાં કોઇ નહોતું. પિતાજીય બહાર ગયેલા ને એ લેશન કરતો હતો ત્‍યાં જ માએ પાછળથી બિલ્‍લી પગે આવીને એની આંખો ઉપર હળવેથી હથેળી દબાવી દીધી. એ ચીસ પાડી ઉઠ્યો. બરાબર એ જ વખતે પિતાજી ખડકીમાંપ્રવેશ્‍યા. અને એ બેબાકળો, પરસેવે રેબઝેબ થતો ભાગ્‍યો.

‘અરે અરે બેટા ભોલુ…‘ નવી મા પાછળ દોડી. ‘ ઓય મા-‘ તેની ચીસ ફાટી ગઇ. ‘ અરે અરે પણ ભોલુ, શું થયું ? ‘ પિતાજી આશ્ચર્યચકિત મૂઢ બની ઘડીકમાં તેને અને ઘડીકમાં પોતાની નવીસવી પત્‍નીને જોઇ રહ્યા. અને પછી ડારતા અવાજે પૂછ્યુંઃ ‘તેં કંઇ કર્યુ છે આને ? ‘ ‘ અરે… હું તો એને વ્‍હાલ કરતી હતી ને એ ભાગ્‍યો…‘ પત્‍નીએ સ્મિત કરી, માથે સાડી ઓઢી કહયું…‘ ના… પિતાજી એમણે મારી આંખો દબ્‍બી હતી.‘ ‘ અરે પણ હું તો બેટા તને વહાલ કરતી હતી… ને તું બી ગયો..‘


‘ મારી મા કોઇ દિ‘ મારી આંખો દબાવતી નહોતી. એ તો … એતો…‘ એ રડી પડ્યોઃ ‘ પાસે બેસાડી માથામાં હાથ ફેરવતી. મારા વાંસામાં હળવે હળવે પંપાળતી. મને ગાલે બચીઓ ભરતી. બથમાં લઇ લેતી. અને.. હું સૂઇ જાઉ ત્‍યારે મારા વાંસામાં હળવે હળવે ખંજોળી પણ દેતી. તમે મા છો પણ મારી સગીમા તો નહીં ને?…‘ અને પછી પિતાજી કહી વળગી પડ્યોઃ ‘ મને એમણે આંખો દબાવીને પછી-‘

‘ અરે પણ આ શું ગાંડા કાઢે છે ? સાવ રોતલ, બીકણ છો તું તો. એ બિચારી વહાલ કરે છે અને તને બીજું તો કાંઇ નથી કરી નાખ્‍યું ને ? ‘ પિતાજી ગર્જી ઉઠ્યા. ‘ખબરદાર જો હવે પછી ખોટું ખોટું રોયો છે તો ! પાડોશમાં એની છાપ ખરાબ કરવી છે ? ‘ કહી પિતાએ ધકકો માર્યો. એ અડવડિયુ ખાઇ ગયો. એ નીચે પડી જાત પણ એ પહેલાં માએ તેને ઝીલી લીધો. એ પણ સામે સ્‍હેજ તાતા અવાજે બોલી ઉઠીઃ ‘શું કામ એને ખિજાવો છો ? કોઇ વાંક છે એનો ? એ બિચારો બી ગયો ! એમાં એનો શો વાંક ? હવે પછી એને વઢતા નહીં કયારેય…‘ કહી, ભોલુના માથે હાથ ફેરવ્‍યોઃ ‘ બેટા, હવે તો તારી સાચી મા જેમ રોજ સૂતી વખતે તને પંપાળતી તેમ પંપાળીશ. વાંસામાં ખંજોળી દઇશ. રોજ એક નવી વારતા કહીશ.‘

ગમે તેમ હોય પણ એ નવી માથી દૂર હટી ન શકયો. કદાચ બાપની બીક પણ એમાં કારણભૂત હોય !


પણ એ શેરીમાં નીકળતો ને આડોશી પાડોશી તેને જોઇને અરેરાટી કરી બોલી ઉઠતાઃ ‘ જુઓ તો ખરા, ચાર મહિનામાં તો કેવો મરવા પડ્યો છે આ ભોલિયો ? સવિતાએ એક વાર આને જોઇ લીધો હોત તે ખોળામાં લઇને એક કોર બેઠી ગઇ હોત ને તો ય ક્રોધ અંદર ને અંદર સમાઇ જાત… એણેય બહુ ઉતાવળું પગલું ભરી લીધું. હવે એને જોવુ છે કાંઇ ? ચીમનને તો આની કયાં કાંઇ પડી જ છે. ઇ તો ઓલી લટપટણીના મોહમાં એવો ઉંડો ઉતરી ગયો છે કે દુનિયાની કાંઇ ભાન જ નથી રહી…‘

એ આવા બધા શબ્‍દો સાંભળતો. તેને થતું કે, માણસો જેવી વાત કરે છે એવુ તો કાંઇ નથી! જેવુ મા સાચવતી એવુ જ નવી મા સાચવે છે. જેમ વહાલ કરતી એવું જ વહાલ કરે છે. જેવું ખાવાનું બનાવતી એવું જ બનાવે છે…! હા, માના સાડલામાં જે સોડમ આવતીહતી એવી મીઠી સોડમ નથી આવતી..

તેની સાથે ભણતા પ્રતીક, મયંક, રાજ, પ્રીતેશ બધા કહેતાઃ ‘ તું જો તો ખરો, દિવસો જવા દે. પછી તારો વારો છે. તને મારી મારીને ભગાડી ન દે તો અમને કહેજે ને. નવી મા કાંઇ થોડી આપણી સાચી મા થઇ શકે ? ‘ પ્રીતેશ કહેતો ‘ નવું નવું છે ને એટલે સાચવશે. થોડા દિવસો પછી તારા પપ્‍પા આગળ ખોટી કાનભંભેરણી કરશેને માર ખવરાવશેં‘ રાજે કહેલું.


‘ મારાં માસી ગુજરી ગયા ને મારા માસાએ બીજા લગન કર્યા છે. મારા જૂના માસીના પિંકીને મોન્‍ટુ બિચારાને બહુ હેરાન કરે છે. હમણાં સાતમ-આઠમ ઉપર આવ્‍યાં‘તા તો એવા રડતાં‘તા … કે મારી મમ્‍મીએ તો મારા માસાને ફોન કરી દીધો કે એ લોકો તો અહીં જ ભણશેં…‘

‘ હવે તને ભણવાય નહીં દે. ને કયાંક મજૂરીએ ચડાવી દેશે..‘ મયંક કહેતો. એ ભયથી ત્રસ્‍ત થઇ જતો. એવા જ ફફડતા હૈયે સાંજે ઘેર આવતો. એક તો ભૂખ, બીજું દુઃખ , ત્રીજુ માની યાદ… પણ, જેવો એ ખડકીમાં પ્રવેશતો ત્‍યાં જ મા સામી આવતી અને ‘આવી ગયો બેટા…‘ કહી માથે હાથ ફેરવતી. એક-બે પપ્‍પી કરી લેતીઃ ‘ચાલ, ભૂખ લાગી છે ને ! મેં આજ તો તારી માટે બટેકાપૌઆ બનાવ્‍યા છે. તું કહેતો‘તો ને તને બહુ ભાવે છે…‘ બટેકાપૌઆનું નામ સાંભળીને તેના મોંમાં પાણી આવી જતું. પોતાની મા પણ એને બટેકાપૌઆ બહુ બનાવી દેતી. પણ નવી માના શાથના બનાવેલા બટેકાપૌઆ જેવો સ્‍વાદ નહોતો આવતો. નવી મા તો બટેકાપૌઆ બહુ ‘ટેસ્‍ટી‘ સ્‍વાદિષ્‍ટ બનાવી દેતી !

ધીરે ધીરે એ નવી મા પાસે સૂતાં ય શીખી ગયો. મા તેને રોજ એક નવી વાર્તા કહેતી. બહુ મજા આવતી. એક વાર સૂતાં સૂતાં તેણે માના ગળામાં હાથ નાખ્‍યો. સાડલાનો પાલવ લીધો. ને પછી સૂંઘવા લાગ્‍યો ‘ભોલુ આ શું કરે છે તું ?‘ નવી માએ આશ્ચર્યચકિત થઇ પૂછ્યું ‘ હું તારો સાડલો સૂંઘું છું‘ ‘ કેમ ? ‘ ‘ કેમ કે તેમાંથી મારી માના સાડલામાંથી આવતી હતી એવી સુગંધ આવે છે ? પણ મા, આજે એવી જ સુગંધ આવે છે.‘ ‘ એટલે તો હું તને કહું છું કે હવે હું જ તારી સાચી માને ? ‘

‘ હા માં. હવે તો તુ જ સાચી મા. મારી સાચી માય મને આટલો બધો નહોતી સાચવતી. એ વહાલ કરતી તો કયારેક વડકું પણ કરી લેતી. કયારેક ચૂમતી તો કયારેક ચીંટીયોય ભરી લેતી. મીઠું મીઠું બોલતી તો કયારેક મારી પણ લેતી! પણ તેં અત્‍યાર લગીમાં કયારેય મને એક કડવું વેણેય નથી કીધું મા… મેં તારા વિષે કેટકેટલું ખોટું ખોટું વિચારી લીધું હતું. એની આંખમાં આંસુ આવી ગયાં – મા એ જ સાડલાના પાલવથી તેની આંખો લૂછી રહી… પણ એ દરમિયાન અચાનક જ ટી.બી. નો રોગ પિતાજીના પંડ્યમાં ઘર કરી ગયો હતો. એ જીવી શકે એમ નહોતું. જીંથરી હોસ્પિ‍ટલે લઇ જવા પડ્યા. ભોલું પણ સાથે જ હતો.


એક રાત્રે તે અચાનક જાગી ગયો. મા પિતાજીના પગ દબાવી રહી હતી. પિતાજી દબાતે અવાજે તેને કહી રહ્યા હતાઃ ‘વસુ, કદાચ આ જીવતરનો ભરોસો હવે નથી.‘ ‘એવુ ન બોલો.‘ ‘ હા, વસુ, હવે મને સૂઝી ગયું છે. માંડ માંડ પાંચ વરસનું સુખ તેં ભાળ્યું. પણ એમાંય તારો સ્‍વર્થ કેટલો ? એક સોયના નાકા જેટલોય નહીં ને ? એક સંતાન તારા પેટનું હોત તો તને સાચવેત…‘

‘ ભોલુ મારા જ પેટનું સંતાન છે ને ? એ મારો દીકરો નથી ? ‘ ‘ પંડ્યના ઇ પંડ્યના ને પારકા ઇ પારકા. કાલ સવારે વહુ આવશે તો ભોલિયો તને સાચવશે ? મને તો વિશ્વાસ નથી. આંગળીથી નખ વેગળા ઇ વેગલા જ રહે… મેં પાંચ વરસમાં તને બહુ કીધું પણ તું ન માની.‘ શું કામ તારે પેટે સંતાન ન થવા દીધું. એ મને કહીશ ? ‘ ‘ આજે તમે પૂછ્યું છે તો કહું કે હું હેતના ભાગલા પાડવા નહોતી માંગતી.‘ ‘એટલે ? ‘ મનુ ઉભો થઇ ગયો.

‘બસ, ભોલિયા ઉપરના મારા હેતમાં કોઇ વારસ ઉભો થાય ને કાલ સવારે મારાથી વારો-તારો થઇ જાય તો ભોલિયાના હૈયાની આહ લાગી જાય ને મને તો પાતક લાગી જાય…‘ ‘ એટલે… એટલે તે દુનિયા, સમાજ અને ભોલિયાને ખાતરતારો કોઠો વાંઝિયો રાખ્‍યો ? ‘ ‘ એવું ન બોલો, ભોલિયો મારો જ છે ને ! મારો પંડ્યનો દીકરો છે ! અને એની ઉપર મને વિશ્વાસ છે. એ મને સાચવશે. તમારો વહેમ જૂઠો છે‘ મનુ, મણ એકનો ‍નિકાહો મૂકી સૂઇ ગયો.


માંડ બે મહિના ચાકરી ભોગવીને મનુ લાંબે ગામતરે ચાલ્‍યો ગયો. ભોલિયો- વસુ એકલા પડ્યાં. દિવસો વરસો બની ગયા. ભોલિયો, ભોલિયામાંથી ભાવેશ બન્‍યો. માએ પેટે પાટા બાંધીને પણ ભણાવ્‍યો. પી.ટી.સી. કરાવ્‍યું, શિક્ષકની નોકરી મળી અને ચંપકલાલની મીના સાથે સગાઇ પણ કરી નાખી. મીના પૈસાદાર બાપની એકની એક દીકરી. પૂરી સ્‍વતંત્રતામાં ઉછરેલી સ્‍વછંદી છોકરી હતી. લગ્‍ન પછી માંડ બે ત્રણ મહિના ઠીક ચાલ્‍યું… ભાવેશ નોકરીએ જતો ને મીના, પોતાના રૂમમાં જઇને સૂઇ જતી. વસુ કામ ઘસડતી… સાંજે સાડા ચારે મીના બનીઠનીને બેસતી. જેવો ભાવેશ આવતો કે તેને બહાર ઘસડી જતી…

ભાવેશને બહુ ગમતું નહીં… પરંતુ પત્‍નીને નારાજ કરવા માંગતો નહોતો… પણ જૂંઠું લાંબો સમય ચાલતું નથી. તેણે એક વખત કહ્યું, ‘ તુ માને ઘરકામમાં મદદ કરે તો સારું, મા આ ઉંમરે થાકી જાય છે.‘

મીના ગર્જી ઉઠેલીઃ ‘તે આખો દિવસ હું જ બધું કરું છું ને ! તમારી માને કાંઇ નથી કરવું પડતું…‘ ભાવેશ કશું બોલ્‍યો નહીં. એક વાર ઓચિંતો ઘરે આવ્‍યો તો મીના પાડોશમાં બેસવા ચાલી ગયેલી મા બધું કામ કરતી હતી. તેણે પાસે બેસીને માને પૂછ્યુંઃ ‘કેમ મા, શા માટે કરે છે તું આ બધો ઢસરડો ? ‘ ‘… તો કોણ કરે બેટા ? ‘ માની આંખમાં આંસુ આવી ગયાં. તે બાજુમાં જઇને મીનાને બોલાવી લાવ્‍યો. ઝઘડ્યો. વાતવાતમાં એક તમાચો ચોડી દીધો. મીના પિયર જતી રહીઃ વાત વટે ચડી ગઇ.. મીનાએ કહ્યું ‘ તમારી માથી જુદુ બહેવું હોય તો આવું….‘


‘ એ નહીં બને…‘ ભાવેશે કહી દીધું પણ મા ન માની. એ જઇ ચંપકલાલને હાથે પગે પડીને મીનાને તેડી આવી. ભાવેશ ઘરે આવ્‍યો ત્‍યારે મીના આવી ગઇ હતી. ‘મા..‘ કરતો એ અંદરના રૂમમાં વળ્યો કે મીનાએ બાવડું પકડીને કહ્યુઃ ‘ આપણો રૂમ આ બાજુ છે. મા આપણાથી નોખી થઇ ગઇ છે..‘ભાવેશને એક સામટા હજાર વીંછીઓનું ઝેર ચડી ગયું. ‘ઘર‘ના બે ભાગ પડી ચૂકયા હતા. મા સાંજેકના આવી. એક શીશીમાં તેલ હતું. નાના નાના પડીકામાં ચા, ખાંડ, દાળ, મરચું, મીઠું વગેરે હતા. તે માને ખભે માથું ટેકવી રડી પડ્યો. ‘ અરે ગાંડા… શા માટે રડે છે ? હું કયાં તારાથી આઘી ગઇ છું ? તારી પડખે જ છું જો..‘

‘ મને રડવું એનું નથી આવતું, પણ રડવું એનું આવે છે કે એક દિ‘ તે મારા પિતાજીને હોસ્પ્‍ટલમાં જે હૈયાની વાત કહી હતી તે મે સાંભળી હતી.. મને તેનું રોવુ આવે છે. મા, તારા સગા કોઠેથી એક દીકરો પેદા થવા દીધો હોત તો ? ‘ ‘ અવુ ન બોલ ગાંડિયા… તું મારો જ છે ને ? ‘ મએ એના હોઠો ઉપર હાથ મૂકી દીધો…! બે ત્રણ મહિના નીકળી ગયા. એક રાતે માને ખૂબ તાવ ચડ્યો ખૂબ ટાઢ ચડી. કણસતી કણસતી ધ્રૂજતી તેણે એના ઓરડાની સાંકળ ખખડાવી. ‘ કોણ?‘ ભાવેશ બોલી ઉઠ્યો. ‘ એ તો હું મા…‘


‘મા‘ નું નામ પડતાં જ તે ઉભો થઇ ગયો. બારણું ખોલીને જોયું તો મા ડગુમગુ ઉભી હતી. ‘બેટા, મને તાવ આવ્‍યો છે. ટાઢ ચડી છે. ચકકર ચડે છે… મને તાત્‍કાલિક દવાખાને- ‘ ‘ હા… મા. ઉભી રહે. સુરાકાકાની રિક્ષા કરતો આવું…‘ કહી તે બહાર નીકળ્યો. પણ એ પહેલાં મીના બહાર આવીને બરાડીઃ ‘તાવ તો અઠવાડિયાથી આવે છે. બોલવું ન જોઇએ ? અત્‍યારે કોણ દવાખાને ભોોજિયોભાઇ હોય… વખત તો જોતા હો તો – ‘ વસુ આગળ ન સાંભળી શકી. એ રગરગી ઉઠીઃ ‘ એ બેટા, રહેવા દે, વહુની વાત સાચી છે. સવારે જાશું…‘ ‘ ના મા…‘

‘ મારા સમ બેટા… મને બેત્રણ ગોદડાં ઓઢાડી દે. હમણા ટાઢ ઉડી જશે. ‘ ભાવેશ કમને પાછો વળ્યો. કલાક બેઠો. મા ઉંઘી ગઇ હોય એમ લાગ્‍યું. વહેલા સાડા ચારે સૂતો. પણ સવારે મા ઉઠી જ નહીં. કયાંથી ઉઠે ? તેણે સદાયને માટે આંખો મીંચી દીધી હતી. ‘મા‘ ના નમાનું સંબોધન હવે જિંદગીમાંથી બાદબાકી થઇ ગયું હતુ. ભાવેશનું હૈયુ હીબકાં ભરતું રહ્યું.


બારમું પત્‍યું. એના ઓરડામાં રહેલો તેના લગ્‍ન વખતનો જૂની પતરાનો ટ્રંક ખોલ્‍યો. તો અંદર પોતાના જ લગ્‍ન વખતે ઓડેલા પાનેતરનું પોટલું વાળીને મૂકયું હતું. ભાવેશે ખોલ્‍યું તો રોકડા રૂપિ‍યા હતા. બચતપત્રો હતા. સોનાના દાગીના હતા. એક જર્જરિત કાગળમાં ઝાંખા પાંખા અક્ષરોમાં લખ્‍યું હતું. ‘મારા ભોલિયા માટે…‘

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે આજે જ લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ