સમણાંંનુંં ઘર – તેણે જોયેલા દરેક સમણાંઓ એવાને એવા જ રહી ગયા, આટલા વર્ષે આવીરીતે થયું મિલન, અનોખી વાર્તા…

અડધી રાતનો ગજ્જર ભાંગ્યો છે… માઝમ રાતના બે સરખે સરખા ભાગ થઇ ગયા છે… કોઇ રૂપાંગનાની કાળી ભમ્મર આંખ્યુમાં આંગળીભર અંજાયેલા આંજણ પૂરતી સમો અંધકાર અવનિ ઉપર પથરાઇ ગયો છે. પાછોતરા વૈશાખની ઠંડી-હળવી, પવનની લહેરખીઓ માનવજાતની આંખ્યુમાં ઘેનનાં આંજણી પૂરતી હળવે પગલે આવે છે ને ચાલી જાય છે…જાંબુડિયા રંગની ભોં ઉપર ભરેલા રૂપેરી બુટ્ટાઓવાળા ચંદરવાની જેમ નાનાંમોટા ખીચોખીચ તારાઓના ઝલમલ અજવાસ સિવાય વદ તેરસનો અંધકાર આભમાં પથરાઇ ગયો છે.

તમરાના તમતમ અવાજ અને વગડા માંથી સંભળાતી શિયાળવાની લાળીના અવાજ રાતને બીકાળવી બનાવી રહ્યા છે. માણસે માણસ ન કળાય એવી આ બીહામણી રાતમાં બિલ્લીપગે છૂપાતો એક ઓળો ધનજીકોળીના ઘર પાસે આવીને થોભી ગયો… શેરીમાં સૂતેલા કૂતરા ભસી ઉઠયા એટલે સિફતપૂર્વક ઓળો સરકીને ધનજીકોળીના ઘર પાછળ પડતી નેવાળીમાં લપાઇ ગયો. પડખેનાં ઘરમાંથી કોઇ ગયઢા દાદાએ ખોંખારો ખાધો ને ઓળો નીચે બેસી ગયો.

ધનજી કોળીનાં ઘર ફરતે વંડી હતી. પણ પડું પડું થઇ રહી હતી. નવેળી પાસે છીંડુ હતું અને ત્યાંથી એક પગ મૂકવાની માંડ જગ્યા હતી પણ ઉભડક પગે બેસીનેય ઘરમાં થઇ રહેલી હિલચાલને સહેલાયથી જોઇ શકાતી હતી. પેલા ઓળાએ આમતેમ જોયું. પણ જરાય સંચળ થતો હોય એમ ન લાગ્યું. એટલે ‘કોઇ નથી’ ની ખાતરી થઇ ગઇ. પણ એ ખાતરી કર્યા પછીય અત્યંત સાવચેતી રાખવાની જરૂર હતી. નહિંતર તો કર્યો કારહો માથે પડે એમ હતું…

ઓળો નવેળી માં ઊભો થયો. આજુબાજુ કોઇ છે નહી ને એ તપાસી લીધું. અને હાથમાં રહેલુ ધારિયું મજબૂતીથી પકડી લીધું. રાત સમસમ કરતી વહી જતી હતી. અહીં આવવા નીકળ્યો ત્યારે રાતના દસેક થવા જતા હતા. કાળી બુકાની બાંધી, કાળા લૂગડા પહેરીને એ અહીં આવવા નીકળ્યો ત્યારે કાનની ડાબી પા’ ચીબરી બોલી હતી. પણ એ ક્યા શકન-અપશકનને માનતો હતો? બાવડામાં બળ હતું અને આંખ્યુમાં જુવાનીનો તોર હતો એટલે ગમે એવા વિઘનનેય પંડયના એક જ હડસેલે એ ઊડાડી નાખતો. છતાં પણ ડાબી આંખ્ય ફરકવા મંડી હતી…ઘડીક તો થયું કે આજ પાસાં કાં ઉંધા પડે? પણ પછી પોતાના જોસ જુસ્સો અને કૌવત ઉપર અભિમાન આવી ગયુ હતું….

-એ આગળ વધ્યો. બધા જ ઉંધતા હતા એ એણે જોઇ લીધું ઓસરીમાં ટમકીયું બળતું હતું ત્યાં રામજી સૂતો હોય એમ લાગ્યું. બાકીનાં બધા તો ઉનાળાના વાહરવા ફળિયામાં સૂતા હતા. કોણ કોણ ક્યાં સૂતુ છે એ ઓળાએ જાણી લીધા પછી જ એ નવેળીમાં રહેલું છીંડુ ટપીને આણીપા પગ મૂક્યો. હવે પગલે પગલું દબાવીને ચાલવાનું હતું જરા પણ સંચળ થાય તો પોતાનું કર્યુ કરાવ્યું ધૂળમાં મળી જાય. એ આગળ વધ્યોને ફળિયામાં જ લૂંબઝૂંબ ઊગેલી કરેણ પાછળ સંતાયને ઊભો રહ્યો… એ ઓળો બીજુ કોઇ નહીં પણ રઘુ હતો. રઘુ જસમત. ધનજી કોળીનો જમાઇ…

*** **** **** ***
વાત એમ હતી કે ધનજી કોળીની દીકરી રૂપીને પરણાવ્યા એને બબ્બે વરસના વહાણા વાઇ ગયા પણ હમણાં હમણાં ચાર-છ મહિનાથી ઘરનું ગાડું સરખુ હાલતુ નહોતું. રૂપીનો ધણિ રઘુ હમણાં હમણાંથી અવળા માર્ગે ચડી ગયો હતો. ગામમાં જુગારના બે અડ્ડાં હતા. દારૂનું પીઠુ હતું. રઘુની સંગત ફેર થઇ ગઇ હતી અને ગામની એ ઉતાર ટણક ટોળીમાં રઘુ સામેલ થઇ ગયો હતો. રણજીત, ચકુભા, માવજી, મેઘા અને વીહલા ભરવાડની ચંડાળ ચોકડી એ ગામનાં કેટલાય જુવાનીયા ના જીવતર બરબાદ કરી નાખ્યા હતા. એ જાળમાં રઘુ પણ સપડાઇ ગયો હતો.

દારૂના સવાદે રૂપીનું જીવતર બેસ્વાદ બની ગયું હતું. અને હમણાં હમણાંથી તો રઘુ ઘરેણાંનીય માંગણી કરતો હતો. રૂપી જયારે ઘરેણાં આપવાની ના પાડતી ત્યારે તે રૂપીને ખૂબ મારતો ઢોરમાર ખાઇ ખાઇને રૂપી ભૂખ્યે ભૂખી સૂઇ જતી. છતા પણ રઘુના અત્યાચારો વધતા જ ગયા અને એક દિવસ રૂપી કંટાળીને, પોતાનાં જ ઘરને રામ રામ કરીને હાલી નીકળી ખીસ્સામાં નયો પૈસો ય હતો નહીં. ઘરેણાં તો બધા જ રઘુએ વેચી માર્યા હતા. વાલની વીંટીય પોતાની આંગળી ઉપર રહેવા દીધી નહોતી. એટલે છેવટે એકના એક દીકરાના ગળાનો દોરો વેચીને પિયર પહોંચી…

પિયરમાં આવીને બાપને વાત કરી. પણ ધનજી પટેલ તો ટાઢા કોઠાનું માણસ. એમણે કાંઇ ખાસ ધ્યાન ન આપ્યું. પણ રૂપીનો ભાઇ રામજી, પોતાની બહેન ઉપર વીતાડેલી રઘુના અત્યાચારની વાત સાંભળીને તેના ત્રેપન કરોડ રૂંવાડા સણેણાટ કરતા બેઠા થઇ ગયા. એ બોલી ઉઠયો: ‘સાલા, રઘુડાની આ હિંમત? આવવા દે એને, આંયાને આંયા જ એનો ઢાળિયો કરી દઉને?’

પણ એના તાતા વહરા વેણ સાંભળીને રૂપી થથરી ગઇ. એને પોતાના ભાઇના સ્વભાવની ખબર હતી. નક્કી, આ એને હારે બાઝી પડશે તો હસવા માંથી ખસવું થઇ જશે.’ ન કરે નારાયણને, કરે સત્યનારાયણ…’ એક વહારો વિચાર તેના આળા હૈયાને ઉઝરડો કરીને હાલ્યો ગયો ત્યારે મનોમનએ પોતે જ ગળગળી થઇ ગઇ…ગમે એમ તોય એ પોતાના ધણિ હતો. એ ગમે એવો હોય સાંજો હોય, ગાંડો હોય પણ ધણિએ ધણિ જગતનાં તમામ સુખ એની થકી હતા. એ ભલે ગમે એટલુ દુ:ખ આપે તોય એ જીરવી લેવાય પણ એને જો કાંક થઇ ગયુને તો…?

પરંતુ સહનશીલતાની એક હદ હોય છે. ને એ વખતે રૂપીને થતું કે આનો માર ખાવા કરતાં તો પિયરમાં સૂક્કો રોટલોને છાસ મળે તોય જીરવી લેવાશે પણ રઘુના અમાનુષી ત્રાસથી હવે તે ગળે આવી ગઇ હતી. પણ, પિયરમાં આવ્યા પછીય આ બાબતે બાપેય ત્રણ-ચાર વાર કીધેલું હતુ : ‘બેટા, રૂપી હવે જો જમાઇ પોતે જ તને તેડવા આવે તો જ મોકલવી છે. નહિંતર મારે તને ન્યાં માર ખાવા મોકલવી નથી….’

પણ બાપના ઠંડા વ્યવહારભર્યા વેણ સાંભળીને રામજી ઉલળી પડ્યો હતો: ‘બાપા, તમતમારે ચિંત્યા ઉપાધિ કરો મા. ઇ કાળમુખાને તો હું એક જ ઝાટકે પતાવી દેવાનો છું. એકવાર ઇને આંયા આવવા દો ને પછી જોજો મારા ખેલ. એને તો હું ચપટીમાં ચોળી નો નાખુ તો રામો નહીં..’ ‘નહીં…’ રૂપી બોલી ઉઠી

આમતેમ હડદોલા ખાતું જોઇ રહેતી. પોતાના કોડ, અરમાન નેં સમણાંનો પલકવારમાં ભાંગીને ભૂક્કો થઇ ગયો હતો….નહિંતર તો કેવા હતા એ દિવસો? પંડ્યમાં ક્યાંય જુવાની છબતી નહોતી, ઘઉંલુ રૂપ, કામણગારી આંખ્યું. કેડય લગી પૂગતો કાળો ભમ્મર ચોટલો અને રબારી ભરતના અતલસી ચણિયા ચોળીને આભલા ભરેલી ઓઢણીમાં ઝલમલ થાતું રૂપ ગામના કેટલાય જુવાનિયાંવની આંખ્યુમાં સમાય ગયું હતું…

રૂપી પોતાના ભર્યાભાદર્યા ભૂતકાળમાં સરી પડી…કેવા હતા એ રંગીલા દિવસો?!? જયારે પોતે યૌવનનાં ઉંબરે પગ દઇને ઊભી હતી. અઢાર અઢાર વરસના ભરરે જોબન માં…! તે દિ’ પોતાના કાકાની દીકરીના લગન હતા. ને જાન માં તે દિ’ રઘુડો આવ્યો હતો. ખભા લગ પહોંચતા કાળા ભમ્મર ઓડિયા, કસાયેલ દેહ, લીંબુની ફાડ્ય જેવી આંખ્યુ, ધોળી બાસ્તા જેવી ચોરણી ઉપર ભરત ભરેલા રંગરંગના દોરાથી મોર પોપટના ચિતર ચીતરેલુ કેડિયું, ગુલાબી શાલ અને ઉપર લીલી બંડી! દેવાંશી રૂપ રૂપીની આંખ્યુમાં સમાઇ ગયુ હતું.

પોતે ઓંસરીની ધારે ઊભી રહીને એ જુવાનને તાકી રહી હતી ત્યાં જ એ જુવાને એની સામે જોયું. ને હસીને બોલ્યો: ‘પાણી પાશો?’ ‘પાઇશને! પણ’ ‘પણ-?’ ‘….ના રહેવા દો.’ રૂપી ખીલખીલ હસી પડી. પણ ત્યાં જ પેલો જુવાન બોલી ઉઠયો : ના ના તમે બોલી નાખો. જે બોલવુ હોય ઇ! હૈયાની વાતું હૈયામાં સંઘરી ન રખાય. અધુરી અબળખામાં જીવતર સોરાયા કરે…’ ‘મનની વાતું મોકો જોઇને કરાય. મનની વાતું આમ ઉભડક નો હોય. જે દિ’ મોકો આવશે તે દિ’ મારા હૈયાની વાત તમારા હૈયા આગળ ઠલવી દઇશ.’

‘પણ એવો મોકો ગોતવો કયારે?’ જુવાન બોલ્યો. ‘આવતા ભાદરવા મહીનામાં…’ ‘આવતા ભાદરવામાં?’ ‘હા….’ રૂપી મીઠું મુશ્કુરાઇને બોલી’ આવતા ભાદરવામાં તરણેતરના મેળામાં હું આવીશ. તમે આવજો?’ મનની વાત કહેતા રોકાઇશ નહીં.’

*** *** *** ***
તરણેતરનો મેળો ભરાયો ને રૂપી-રઘુએ એકબીજાના હૈયાની આપ-લે કરી લીધી. મેળા તો ત્રણ દિ’ પછી પુરો થઇ ગયો પણ રૂપી અને રઘુના હૈયામાં સમણાના તણખલા બંધાઇ ચૂકયા હતા અને એ તણખલાં એ દિવસે જતા તો પ્રીતનો માળો બાંધી દીધો હતો. એજ ગાળા માંથી એક દિ’ પ્રેમની રૂડી બંસરી પણ વાગી ઉઠી…

નાત એક જ હતી. ખમતી ધર ખોરડું હતું. અને રૂપી ના કાકાની દીકરીના સાસરિયા પક્ષમાં સગુ થતું હતું પછી તો ધનજી પટેલે એજ કુટુંબમાં બીજી દીકરીય આપી દીધી… દિવસ… અઠવાડિયુ…મહીનો…છ મહીના…વરસ…કરતા કરતા રૂપી અને રઘુ પ્રેમના સમણાંને સમુસૂતરૂ પાર ઉતરી જતા એ નવાં નવા દિવસોને હેતપ્રેમથી માણીને જીવતા હતા અને દિવસો પસાર થતાં હતા…

-પણ જાણે કોકની નજર એ જોડાને લાગી ગઇ! ગામની એ ઉતારના પાનિયા જેવી ચંડાળ ચોકડીએ આવી તો કેટલીય જોડીઓ, દામ્પત્ય અને સંસારને આગ લગાડવાનું વહરૂ કામ કર્યુ હતું…-રઘુ દારૂના રવાડે ચડી ગયો.

રૂપીએ ઘણો વાર્યો પણ વળે એ શાનો?!! ઉલટાનો, દારૂનો ચસકો એવો તો લાગ્યો કે હવે એ રૂપીને ધોલધપાટ પણ કરવા લાગ્યો અત્યાર લગી રળીરળીને જે પૂંજી ભેગી કરી હતી એ પૂંજીને ઉડાડવા લાગ્યો. રૂપી તેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કરતી પણ હવે રઘુ વીફરી બેસતો અને રૂપીને મારઝૂડ પણ કરી લેતો…

દારૂના અડ્ડેથી જુગારના પીઠે અને જુગારના અડ્ડેથી દારૂના પીઠે…અડ્ડો અને પીઠુ…એજ એના સાચા સરનામા બની ગયા હતા. ઘરે તો એ રાત પૂરતો જ આવતો. અને આવ્યો ભેગો પાછો રૂપિયા રોડા દર દાગીના લઇ, રૂપીને મારપીટ કરીને ભાગી જતો….રૂપી વિચારતી હતી. પોતે કેવા કોડ લઇને સાસરે આવી હતી. એણે સેવ્યુ હતું કે પોતે ઘરને ગોકુળ નંદનવન જેવું રળિયામણું બનાવશે પરંતુ તેના સમણાનું ઘર પડીને પાદર થઇ ગયું હતું. જેમ પતાનો મહેલ પળવારમાં જમીન સરસો થઇ જાય છે તેમ!

રઘુને રૂપીનો તો નહી, પણ પોતાના એક માત્ર અંશ પોતાના દીકરાની દયા આવતી ન હોતી. દિવસે દિવસે રૂપીની દશા કફોડી થતી ચાલી. હવે તો છેલ્લે અઠવાડિયાથી તો ઘરમાં ખાવા ધાન પણ નહોતું. પોતાનો દુઘમલિયો દીકરો છેલ્લા દોઢ ટંકથી ખાધા વગરનો હતો. એનાં મોઢામાંય હવે જાણે ભૂખને લીધે લોટ ઉડતો હતો. આમને આમ હવે તે ગળે આવી ગઇ અને ઘર છોડીને હાલી નીકળી…એક માત્ર પોતાના છોરૂને ખાતર…

પણ ઘરે આવીને બાપને વાત કરીને ત્યાં જ પોતાના મા જણ્યા ભાઇએ જ પોતાના બનેવીને જ મારી નાખવાની ખુલ્લી ઘમકી આપી દીધી. પોતાના ભાઇને જ હાથે પોતાના ધણિને ઠાર મારી નાખવાની વાત આવીને રૂપી કંપી ઉઠી. ગમે તેમ પણ રઘુનુએ અડધુ અંગ હતી. રઘુને કંઇપણ થઇ જાય તો પોતાનું તો અડધુ અંગ ખોટું પડી જાય… પણ, તેણે વિચાર્યુ સમય જતા બધું ઠીક થઇ રહેશે એટલે મહીના દા’ડા પછી પોતે પોતાનાં જ ઘરે જવા સાબદી થઇને રામજી આડો ફર્યો: ‘ના રૂપી, હવે તો અમે તને ઇ ઘરે નહીં જ જવા દઇએ. હવે તો કાં એ નહીં ને કાં હું નહીં…’

‘નહી…’ રૂપી જાણે ચીસ પાડી ઉઠી : ‘એવું ન બોલ વીરા! એ તારો બેનનો ધણિ છે, તારો બનેવી છે.’ ‘એ હતો ! હતો ત્યારે હતો હવે નથી. અને મેં ને બાપુ એ તો બાદલપર તારા માટે અસ્સલ મજાનું ઠેકાણું ગોતી રાખ્યું છે. ભલે એ બીજવર છે પણ ઘરે દોમ દોમ સાયબી છે. તેને ફૂલની જેમ સાચવશે. આવતી અગિયારશે એ તને જોવા માટે ય આવવાના છે. બાકી, આ જનાવર હાર્યે તો જીવવાનું તું ભૂલી જ જા ! એકવાર બાદલપર તારૂં ઘરઘરણું થઇ જાય પછી ઇ રઘુડાના બચ્ચાના તો હું છોતરાં કાઢી નાખીશ…’

-એની રૂપી આ બધી વાતો યાદ આવતા એકાંતમાં રોઇ પડતી…ભાઇ હઠીલો છે. એ લીધી તંત ચુકવાનો નથી. પણ આવતી અગિયારશ આવે ઇ પહેલા અહીંથી ગમે ત્યાં નીકળી જવાનો મનોમન નિર્ધાર કરીને એ ચોરામાં ભગવાનની મૂર્તિ આગળ બે હાથ જોડીને રોઇ પડી ‘હે ભગવાન! મારી આટલી જ આરદા છે. તું પૂરણ કરજે રઘુ છાનોમાનો આવીને તેડી જાય એટલે ફરીવાર હું મારા બાપાના ઘરે ફરીદાણ પગ નહીં મૂકું. પણ રઘુને તું સદબુધ્ધિ આપજે…’

પંદરેક દિવસ નીકળી ગયા. હજી કાંઇ બાદલપરવાળાનું નક્કી થયું નહોતું ને એક દિવસ રઘુનો પિતરાઇ ભાઇ કાનો, રૂપીના પિયર રાજપુર આવી ચડ્યો… કાનો રૂપીને અંત વહાલો હતો. પોતાના લાડક્કા દીયરને જોઇને રૂપી અડધી અડધી થઇ ગઇ… એ કાના કને જઇ પહોંચી ત્યાં જ કાનો રૂપીએ અને તેની કાંખમાં તેડેલા પોતાના નાનકડા ભત્રીજાને હાથમાં લઇ લેતા બોલી ઉઠયો: ‘કા ભાભી, કેમ છે? સારૂ છે ને ?’ પણ રૂપીએ ઉત્તરવાળવાને બદલે કહી દીધું : ‘મને તો સારૂ છે પણ તારા ભાઇ શું કરે છે?’

કાનાના મોઢા ઉપર દર્દની લકીર ચિતરાઇ ગઇ. ને તે બોલી ઉઠયો: ‘અતાર લગણ તો ઠીક હતું. પણ જયારથી તમારા ભાઇએ ફારગતિ આપવાની વાત કરી છે ત્યારથી એ ભીતરથી ભાંગી પડ્યા છે. તમે અહીં આ ગગલાને ખાતર આવ્યા છો એ વાત તો મારા ભાઇથીય અજાણી નથી. પણ તમે આવ્યા પછી બે ચાર દિ’ લગણ તમારી ખુબ વાટ્ય જોઇ પણ તમે નો આવ્યા. ને પછી એક દિ’ આવવા તૈયાર થયા તા ત્યાં જ તમારા ભાઇની ધમકી મળી. બસ, ત્યારથી એ સૂનમૂન થઇ ગયા છે.

એમને નક્કી થઇ ગયુ છે કે તમારાભાઇ એમની આગળ લખણું કરાવી જ લેશે અને તમને ફારગતિ લેવડાવી જ લેશે… અરે ભાભી, શું વાત કરૂ તમને! એમનું શરીરેય સાવ ઠેકાણે થઇ ગયુ છે. અને લૂગડા તો કેવા લઘરવઘર પે’ રે છે. લૂગડાંય મેલાં ઘેલા થઇ ગયા હોય સે. મનમાં આવે તો બટકુ ખાય નહિંતર ખોડિયારવાળી ધારે આવેલ બટુક મારાજની મઢુલીમાં પડ્યા રે સે. અને આખો દિ’ ગાંજાની ચલમ ફૂંક્યા કરે છે…’

કાનાની વાત સાંભળીને દરિયામાં અગ્નિ પ્રગટે એવો મણ એકનો નિહાકો નાખ્યો રૂપીની આંખમાં પાણી આવી ગયા. એ, વળતી જ પળે બોલી ઉઠી: ‘કાનાભાઇ, એને કહેજો કે હવે ચારપાંચ દિ’માં છાનામાના આવીને મને તેડી જાય. નહિંતર આવડા આ મને બાદલપર વળાવી દેશે.’ ‘….પણ તમે આવવા રાજી તો સો ને ભાભી?’ ‘….હા કાનાભાઇ, પોતાના ઘણિ આગળ આવવા કોણ રાજી ન હોય. પણ બળ્યું એનો સ્વભાવ અને રંજાડ એટલા બધા વધી ગયા તા ને કે હું ગળોગળ આવી ગઇ હતી…’

‘હા. ભાભી. તમારી વાત સો ટકા સાચી છે. પણ હવે જાગ્યા ત્યાંથી સવાર બીજુ શું? બાકી, હું તો આજ રાતે પૂગું એટલી વાર સે. તમારા સમાચાર તરતોતરત આપી આવીશ…’ ‘બસ વીરા બસ. પણ આ વાત કોઇ નો જાણે એમ હો.’ ‘બસ ને ભાભી! તમારા દે’ર ઉપર તમને વિશ્વાસ નથી ને?’ ‘ના વશવાસ તો છે કાનાભાઇ પણ આ દુનિયા દોરંગી છે. એના ગળે ડેરો બાંધી એકાય એવું નથી ને?’ ‘તમ તમારે માતાજી ઉપર શ્રધ્ધા રાખો. કાલે સવારે સારાં વાના થઇ જાશે. આ મારા ભત્રીજાની સામું તો ભગવાન જોશેને?’ કહી તે રૂપીને આશ્વાસનના બે મીઠા બોલ આપીને હાલી નીકળ્યો… એક, બે, ત્રણ, ચાર…પાંચ, છ…સાત….રૂપી, રઘુની વાટ્યમાં દિવસો ગણતી રહી…

*** **** **** ***
થોડાક’ સચંળ થતા ઓળો ચેત્યો. તેને કોઇકનો બોલાશ સંભળાયો તેણે માન્યું કે ત્રણ ચાર થવા આવ્યા છે. હમણાં પાંચ વાગશે ને ઘરના અને ગામના માણસો ઉઠવા માંડશે પણ પછી પોતાનું ધાર્યુ કામ પાર નહીં પડે! આમ વિચારીને છીંડા વાટે અંદર પ્રવેશ્યો. પોતાની રૂપી ક્યાં છે એ જોવાનું હતું. ને રૂપી પોતાની નજરે ચડી. ગરમીના બધા બહાર જ સૂતા હતા. એટલે ઓળખવામાં ભૂલ પડી નહીં. જયાં રૂપી સૂતી હતી ત્યાં એ બીલ્લપગે આવ્યો અને ભરઉંચમાં સૂતેલી રૂપીના પડખામાં પોઢેલા ગગલાને તેડી લીધો. અને રૂપીને ઢંઢોળી.

ભરઉંધમાં સૂઇ ગયેલી રૂપીને, કોઇકના હાથનો સ્પર્શ થાય છે એવો અચાનક ખ્યાલ આવતા તે ઝબ્બ કરતી’ કને બેઠી થઇ. સામે જ કોઇ આદમી ઊભો હતો તેનો બુકાની બંધ ચેહરો જોઇને તેનાથી ચીસ પડાઇ ગઇ. પણ કારમૂક મોઢાં ઉપર હાથ દઇ દેતા રઘુ બોલી ઉઠયો: ‘ગાંડી રાડ્યુ પાડ્ય મા એ તો હું રઘુ છું. હાલ્ય, હાલ્ય ઝટ…હાલવા માંડ્ય.’ ‘તમે? તમે કયારે આવ્યા? કેમ કરતા આવ્યા?’ ‘વાતું કરવાની વેળા નથી રૂપી! ઝટ હાલવા માંડ નહીંતર તારો ભાઇ આપણાં મનમેળા નહીં થવા દે…’

‘તો તમે હાલતા થાવ. હું આ આવી…’ કહેતી રૂપી ઊભી થઇ ગઇ. પણ વાતોનો બોલાશ સંભળાતા ત્યાં ઓંસરીમાં સૂતેલો રામજી જાગી ગયો. એણે ત્યાંથી જ પડકાર કર્યો: ‘એલા કોણ છે એ?’ પણ એ પહેલા રઘુતો ત્યાંથી નીકળી ગયો હતો. ને રૂપી પણ વંડી ઠેકતી’ કને રઘુની પાછળ દોડી. બન્ને જણ દોડતા દોડતા પાદરે આવી પૂગ્યા પાદરે રાખેલું ફટફટીયું ઝબ્બ કરતુકને ચાલુ કર્યુ. ને રૂપીને સાદ કર્યો: ‘હાલ્ય હાલ્ય નહિંતર તારો ભાઇ પૂગી જાહે…’ પણ રૂપી ત્યાં પહોંચે એ પહેલા તો હાથમાં ધારિયુ લઇને રામજી ધસ્યે આવતો હતો. રઘુએ ફટફટીયુ મારી મૂક્યું મુવાના જુહાર. આ ભવે તો નહીં હવે આવતા ભવે આપણા જરૂર…’ -તેના બોલાયેલા શબ્દો ફટફટીયાની વધારે પડતી જતી ગતિમાં ઘૂમતા રહ્યા… રૂપી ગગલાને બથમાં લઇને રોઇ પડી.

*** *** ***
અબીલ ગુલાલ અક્ષતથી ઢંકાયેલા નીલકંઠના બાણ સમુ પૂર્વાકાશ રતુંબલ રંગથી રંગાઇને પવિત્ર તેજોમય લાગતુ હતું રઘુ પથારીમાં બેઠો થયો. આજ પોતાને રૂપાવટી જવાનું હતું. કારણ કે રૂપાવટીનાં હીરા પટેલને ત્યાં આજ ભાગોળ ચોખા હતા. આખુ ગામ અને અઢાર ગામના નાતીલા ત્રણ દિવસ લગી એક ચૂલે બેસીને રાંધીને જમે એવો મોટો ઓરછવ! આ પ્રસંગે રઘુને પણ આમંત્રણ હતું. એ મને કમને તૈયાર થયો. ચા પીધી. રૂપાવટી જવા માટે કંઇ વાહન તો હતુ નહીં એટલે એ હાલતો થયો.

પરંતુ ચાલતા ચાલતા તેને રૂપી યાદ આવી ગઇ…પોતે કરેલ ભૂલનું પ્રાયશ્ર્તિ કરી લેવા માટે આજથી ચારપાંચ વરસ મૌર્ય એ રૂપીને તેડવા ગયેલો. પણ ન મળી રૂપી કે ન મળ્યો પોતાના લોહીનો અંશ! તે દી’ વેળાસર રૂપી પૂગી ન એકીને પછી એના બાપાએ રૂપીને રૂપાવટી વળાવી દીધી પણ પછી સાંભળ્યુ હતુ કે એનો ધણિ તો દમલેલ હતો. બેચાર મહીનામાં એય મોટા ગામતરે હાલ્યો ગયેલો રૂપી ફરીવાર એકલી પડી ગઇ હતી….

પણ હવે પોતાને ને રૂપીને ક્યાં કોઇ સગપણ હતું? જે હતું એ બધું તો પૂરૂં થઇ ગયું હતું…બસ, જે દિ’ સમાચાર સાંભળ્યા કે રૂપીને રૂપાવટી વળાવી દીધી છે તે દી’ ના આ સંસાર માંથી રસ ઊડી ગયો હતો. દાઢી વધારી હતી જટા વધારી હતી ભગવા પહેરી લીધા હતા. ભલી બટુક મહારાજની મઢૂલી ભલો એ પોતે! અને હવે કોઇ જીવનમાં રંગ રહ્યો નહતો. તે દિ’ રૂપાવટીથી આમંત્રણ આવેલું તે દી’ બટુક મહારાજ વાયકમાં ગયેલા પણ હીરા પટેલ સાથેના સંબંધને ખાતર બટુક મહારાજ રૂપાવટી જવાનો આદેશ કરતા ગયેલા એટલે આજ મને-કમનેય રઘુ રૂપાવટી જવા નીકળ્યો…
આઘેથી રૂપાવટીના ઝાડવા દેખાણાને પોતાના પગ ભારે બન્યા કદમ આગળ જવાની ના પાડતા હતા. પણ મન તો એમ કહેતુ હતુ કે રઘુ, તું આગળ હાલ્ય.

પણ માનસિક રીતે લાગેલો થાક તેની કાયાને પણ સ્પર્શી ગયો. એકધારા સવારના આઠ વાગ્યાથી હાલતા આ કદમ હવે આગળ હાલવાની ના પાડતા હતા… પગમાં મણમણના લોઢાના મણિકા બાંધ્યા હોય એમ લાગતુ હતું. એ થાકીને લોથપોથ થઇ ગયો. રૂપાવટીના પાદરે પહોંચતાતો એને આંખ્યે લાલપીળા દેખાવા મંડ્યાને મુંઝવણ થવા લાગી ને ત્યાં જ એ, ચબુતરાની ઓથારે બેસી પડ્યો. લોક ભેળું થઇ ગયું બધા માંહોમાંહ તેની સારવાર માટે શું કરવું એ વિમાસણતાં હતા ત્યાંજ ઇશ્વરને કરવું તે માથે ભાત શિરામણ મૂકી આ દુકાળના વરહમાં ચોકડી ગાળવા જતી રૂપીએ એ આદમીને જોયોને થંભી ગઇ.

પણ જયારે એને ખબર પડી કે પડેલો જણ પોતાનો રઘુ જ છે. ત્યારે એ દુનિયાની લાજ શરમ મૂકીને લોક પ્રલાપની પરવા કર્યા વગર ઘરે લઇ ગઇ. ઘર બાજુમાં જ હતું! ને દિ’ આથમ્યા લગણમાં તો રઘુ હરતો ફરતો થઇ ગયો ને ઓસરીમાં ઢાળેલા ખાટલા ઉપર સૂતો સૂતો એ રૂપીને સાથે વિતાવેલી ક્ષણિક જીંદગીનો સરવાળો માંડતો હતો. ત્યાં જ મધુર સ્વર સંભળાયો : ‘એ હાલો. વાળુ પાણી કરી લ્યો…’

‘હે! મને કીધુ?’ તેની તંદ્રા તૂટી.’ ‘હા, આ રહોડેથી ભાત મંગાવી લીધા સે. લ્યો આ પાણી…’ કહેતી રૂપી બહાર આવી: ‘હાથ મોઢુ ધોઇ લો…’ …ને મૂગે મોઢે વાળુ કરી રહેલા રઘુ સામે જોઇને વાંભ એક ઊંડો નિસાસો નાખી ગઇ. પોતાના વગરની રઘુની જીંદગીનો આછેરો અણહારતો તેને વહેલો આવેલો પણ આજ…? આજ તો નજરે ભાળ્યું. જીભ નામકર ગઇ એટલે આંખોએ વારો કાઢ્યો રધુથી આ અછાનું ન રહ્યું. ને જાણે બેયનાં રૂદિયામાં દર્દનું કળતર ઊઠયુ’તુ ને હૈયુ તો કહેતું હતું કે દુનિયા આખી ડૂબી જાય તો ય તમારે કયાં અળગા થાવાની જરૂર હતી?

દૂધની તાંસળી ભરતી રૂપીને અટકાવતા એ બોલ્યો : ‘બસ એટલું જ…’ પણ ત્યાં જ પાણીમાં અગ્નિ પ્રગટાવે એવો ઊનો નિહાકો મૂકીને રૂપી બોલી: ‘તમારા શરીર સામુ તો જુઓ શું દીદાર કર્યા સે?’ ઘડીભર મૌન છવાઇ ગયું અને અચાનક જ ભેખડ જેમ એ મૌન તૂટી પડ્યુ..રઘુ રડી પડ્યો…હિબકે હિબકે… પશ્વાતાપના ધરવોધરવ આંસુથી રોયો…. ને રૂપીની કસદાર આંગળીઓ એના વાળમાં ક્યાંય લગી ફરતી રહી. ઘડીક પહેલાનું જોજન અંતર કપાઇ જતા વાર ન લાગી. થોડીક હળવાશ થઇ ત્યાં એણે ચોખ્ખુ કહી દીધુ: ‘હવે તારા વન્યા એક ઘડીયેય નહી જીવાય…’

સામે રૂપીની પ્રતીક્ષાનો પણ આજે અંત આવી ગયા હોય એમ જરાય મોધમ રાખ્યા વગર તેણેય નજર ઢાળીને બોલી નાખ્યું. ‘કીય ટાણે તમારૂ વેણ ઉથાપ્યું’ તુ કેજો ? વારૂ! એક આ દારૂએ દેવતા મૂક્યોને તમારા જુગારે- ‘એને તો મેં હથેળીનો મેલ સમજીને ચોળી નાખ્યા છે રૂપા…’ કહેતા એણે રૂપાને આશ્લેષમાં લઇ લીધીને ત્યારે રૂડી રાત ઢળી ચૂકી હતી.

લેખક : યોગેશ પંડ્યા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ