ઓઢણાંની મરજાદ… – એને જોતા જ તે ગમી ગઈ હતી, કાશ એ કહી શક્યો હોત, લાગણીસભર પ્રેમ કહાની…

કારતકની ઠંડી હવા ધીરે ધીરે વહેતી હતી, આઘેથી રજકા અને પાયેલી જુવારના ઘેરાને સ્પર્શીને વહેતી હવા, ભીની માટીની સોડમને પણ બથમાં બાંધીને વહી આવતી હતી. ખૂબ જ ખૂશનૂમા-મોહક સવાર હતી. રાવજી મુખ્ય મારગથી ફંટાઇને પોતાની વાડી તરફ ફંટાતી કેડીએ ફંટાયો અને ત્યાં તો વાડી આવી પણ ગઇ. નજર ભરીને તે વાડીની અંદર ઉગેલી મોલાતને તાકી રહેતો ઝાંપલી ઉઘાડીને અંદર પ્રવેશ્યો ત્યાં જ થંભી ગયો.

અઢારેક વર્ષની રૂપરૂપના અંબાર સમી એક જુવતી માથે રજકાના ચારનો ભારો લઇને આ તરફ નમણી ચાલે ચાલી આવતી હતી. રાવજીની દ્રષ્ટિ ત્યાં જ જડાઇ ગઇ. જુવતીના બન્ને નાજુક હાથ, ખજુરાહોની શિલ્પકલાના મનોહર પરિણામ સમી કોઇ યુવતીના શિલ્પ જેમ કોણીએથી કલાત્મક રીતે વંકાઇને ચારના ભારાએ બંધાયેલા હતા. જાણે બાજુબંધની યુગ્મ ત્રિકોણાત્મક રંગોળી રચાઇ હતી.

રાવજી તેને જોતો જ રહી ગયો. જુવતીની ચાલમાં માર્દવતા હતી. હરણી જેવી મસ્તી પણ હતી. પોતાના ઘાટીલા અંગોને આમતેમ મરોડતી ત્યારે જાણે ગજગામિની ચાલી આવતી હોય એમ ભાસતુ હતું.અનાયાસે એ જુવતીની નજર પણ ઝાંપલી પાસે જ ઊભા રહી ગયેલા રાવજી પર પડીને તેની ચાલ ધીમી પડી ગઇ. નજરો નીચે ઢાળી ગઇ અને રાવજીથી સહેજ ફંટાઇને આઘેરે’ક ઊભી પણ રહી ગઇ. રાવજીએ અનુભવ્યુ કે એ બહાર જવા માંગે છે એટલે, રાવજી ઝાંપલી પૂરી ખોલીને સાવ અંદર આવી ગયો અને દસ-બાર ડગલા આગળ ચાલીને પછી પાછો ઊભો રહી ગયો.

જુવતીએ એક કામણગારી નજર રાવજી પર માંડી. ઘડી-બે-ઘડી એ બન્ને જુવાન હૈયાની નજર મળી, ન મળી ને જુવતીનાં ચેહરા પર તરત જ શરમની શેરડા ફૂટી ગયા. એના ગોરા, ઘાટીલા, નમણા મુખ ઉપર એ શરમની લાલ લાલિમા છવાઇ ગઇ. ઓઢણીનો એક છેડો દાંતમાં દબાવતી એ ઝાંઝર ઝણકાવતી ચાલી ગઇ, પણ રાવજીના હૈયામાં તો એ અણજાણ જુવતી પ્રત્યેનાં અનુરાગના મોરલા ટહુકી ઉઠ્યા…

વાડીથી થોડે દૂર બહાર ફંટાતા અને ગામ તરફ જતા મારગ માથે છબછબ પગલી માંડતી એ જુવતીએ એક વાર ફરી પાછુ પાછળ ફરીને જોઇ લીધુ તો રાવજી હજી એના રૂપને મનોમન નજરથી માણતો ઊભો હતો અને તેને જોઇ રહ્યો હતો, પણ હવે તો માત્ર એનું લાલ ઓઢણુ જ લ્હેરાતુ દેખાતુ હતું. જયાં સુધી એ નજર આગળથી ઓઝલ ન થઇ ત્યાં સુધી રાવજી એને તાકી રહ્યો અને પછી ભારેખમ નિહાકો નાખી વાડી તરફ હાલતો થયો.

મનોમન એમ થયું કે, રાજગઢમાં આ જુવતીને પહેલી વાર જોઇ. “કોણ હશે?” ક્યાં રહેતી હશે? કોની દીકરી હશે?” નું વિસ્મય હજી એના દિલોદિમાગ માંથી ઓસર્યુ ન હતું. છતાં એક વાત તો નક્કી થઇ ગઇ કે પોતે બે વર્ષથી કોલેજ કરી રહ્યો છે, શહેરમાં છોકરીઓનો તુટો નથી પણ આવુ અદભુત-અલ્લડ રૂપ તો કદાચ પહેલી જ વાર જીંદગીમાં જોયું છે. સૌને એમ પણ થયું કે એ યુવતીના કુદરતી સૌંદર્ય આગળ શહેરનું “આર્ટીફિશીયલ સૌંદર્ય” વામણુ પુરવાર થયું છે.

વાડીએ પહોંચ્યો ત્યારે જુવાર કોઇ અલ્લડ જુવતીના ઓઢણા સમી લ્હેરાઇ રહી હતી. કપાસની સાવ છેલ્લી વીણ્યા ઉતારવાનું બાકી કામ હાલતું હતું. દસ-બાર દાડીયા કપાસ વીણી રહ્યા હતા. ઓ’ વા રામસંગ સાથી પાણી વાળી રહ્યો હતો. નીચલા પડામાં પડખે પડખે ઘઉંના ક્યારામાં પાણીનો પ્રવાહ નવોઢાના હળવા પડતા પગલા જેમ ધીરેધીરે જઇ રહ્યો હતો. કુંડી પાસે ભગત બેઠા બેઠા હુક્કો પી રહ્યા હતા. રાવજી થોડેક ચાલીને દૂર ઓરડી પાસે પહોંચ્યો ત્યાં જ ભાભી સામા મળ્યા. તે ભાભીની પાસે જ બેસી ગયો.

ભાભી હસી પડતા બોલી ઉઠયા : ‘કેમ રાવજીભાઇ, ઓચિંતા ભૂલા પડી ગયા…” ‘બસ, મને થયું કે ચાલ, વાડીએ આંટો મારતો આવું…’ ‘સારૂ કર્યુ ને…પણ અહયા તમને શહેર જેવી મજા નહી આવે હોં…’ ‘અરે હોય ભાભી, શહેરની દોડાદોડથી હવે ત્રાસી ગયો છું. હવે તો થાય છે કે બસ આવી સરસ વાડી હોય, સારા ચોમાસા હોય… આવી સરસ ખેતી હોય, બસ બીજુ કશું જોતુ નથી…’

‘એમ?’ ‘હા. ભાભી… ભણભણીને ય હવે તો કંટાળી ગયો છું’ ‘અરે, તમારા ભાઇ તો એમ કહે છે કે રાવજીભાઇ તો મોટા સાબ્ય બનાવવા છે…’ ‘મોટાભાઇનું એક સપનુ છે. જોકે એ સપનું સાકાર કરવાની મારી ફરજ છે. કહેતો તે ભાભીની આંખોમાં તાકી રહ્યો. ભાઇ-ભાભીના મમતાળુ સ્વભાવને લીધે તો આજ તે સારામાં સારી કોલેજમાં ભણી શકતો હતો. ભાભી તેને વાત્સલ્યથી તાકી રહ્યા. પણ રાવજીનું મનપંખી આજ માનસપટ પર ચકરાવે ચડી ગયું હતું. રહીરહીને તેને પેલી જુવતીનો કામણગારો ચેહરો જ નજર સામે તરવરી જતો હતો…

બીજે દિવસે તે ઉતાવળો ઉતાવળો વાડીએ પહોંચ્યો. પણ આજે એ જુવતી દેખાઇ નહીં. તે વિહવળ બની ગયો. આમથી તેમ તે નજરને ફંગોળતો છેક પડખેની માધવ પટેલની વાડીના શેઢા સુધી જઇ આવ્યો. છતાં એ અણજાણ જુવતી મળી નહીં. છેવટે તે થાક્યો અને કૂવાના થાળા પાસે બેઠો, પણ મન ત્યાં ય ન લાગ્યુ. તે ઊભો થઇને હાલતો થયો કે ભાભીએ તેને બોલાવતા કહ્યું, રાવજીભાઇ, આજ અહયા જ જમી લેજો….’

‘ના…ના ભાભી, બાએ ઘરે તો બનાવ્યું હશે ને?’ ‘હા પણ અહયા મજા આવશે… લો ચાલો હું ઓરડીમાં ભાત છોડુ છું…’ કહેતા ભાભી તેનું બાવડુ પકડીને વાત્સલ્ય પૂર્વક ઓરડીમાં લઇ આવ્યા. ભાભીએ નેહ ભરીને તેને પીરસ્યુ પણ, આજે તેને ખાવુ ભાવતુ નહોતું.

ભાભી અચરજભરી નજરે તેને જોઇ રહ્યા હતા. બે ચાર કોળીયા લૂસલૂસ ખાઇને તે ઊભો થઇ ગયો ને ‘હું જાઉ છું ભાભી…’ કહેતો વાડી બહાર નીકળ્યો. પણ હજી તેને ઝાંપલી ઉધાડીને બહાર પગ માંડ્યો કે એ ત્યાં જ સજ્જડ થઇ ગયો. પેલી જુવતી ત્યાં જ ઊભી હતી. આજ તો એ જુવતી મોકલા મને હસી પડી. ને પછી હથેળીમાં ચેહરો છુપાવતીક ને શરમાઇ ગઇ. રાવજીએ સ્મિત કર્યુ. તે બહાર આવ્યો ને ઊભો રહી ગયો. પળ-બે પળ મુંઝાતી અવઢવમાં ડૂબતી તે ચાલતી થઇ. ત્યાં જ રાવજી ના હોઠો પરથી શબ્દો ફૂટી ગયા…

‘અરે, પણ તમે…’ -જુવતી ખમચાઇને ઊભી રહી ગઇ. વંકાઇને તેણે રાવજી તરફ દ્ર્ષ્ટિ કરી ને પૂછ્યું : ‘તમે મને બોલાવી?’ ‘હં…હા…તમે કાલે ય અહીં જ સામા મળ્યા હતા કે નહી?’ ‘હા…’ યુવતીના ચેહરા પર સ્મિત આવી ગયું. ‘તમે…? કહી રાવજી તેની સામે ઊભો રહી ગયો. રાવજી આગળના કંઇક બોલશે એ ઉદ્દેશે જુવતી ઊભી રહી ગઇ પણ રાવજીની વાકધારા હણાઇ ગઇ હતી. તે ક્યાંય સુધી ઊભી રહી પણ રાવજી આગળ પૂછી ન શક્યો. એટલે જુવતીએ પગલુ ઉપાડતા પૂછ્યું,

‘તમારે મારૂં કંઇ કામ હતું?’ ‘હં…હા…’ ‘તો કહોને…’ ‘ના…’ રાવજીથી બોલી જવાયું: ‘કશું કામ નહોતુ પણ…’ ‘પણ…’ ‘બસ એમ જ તમતમારે જાવ…’

જુવતી અચરજથી ઊભી રહી પણ તે રાવજીની વર્તણૂંક અને લાગણી સમજી શકી હતી. એ એમ પણ સમજી ચુકી હતી કે રાવજી કંઇક કહેવા માંગે છે. પણ સંકોચ અને કોઇ અગમ્ય ભય કે ડરના ઓથાર હેઠળ કંઇ બોલી શકતો નથી. કદાચ એ આગળ કશુંક બોલે એ હેતુએ એ ઊભી તો રહી પરંતુ આઘેરેકથી આવતો એક ગાડાખેડુ હવે સાવ નજીક આવી રહ્યો હતો. આમ અંતરિયાળ મારગ બંને જુવાન હૈયાઓને એકાંતમાં ઊભેલા જોઇ જાય તો કંઇક બેહૂદુ ધારી લે એમ વિચારીએ એ જુવતીએ આગળ ડગલુ ભર્યુ..

‘તમે જાવ છો?’ અંતે રાવજીએ પૂછી નાખ્યું.‘હા’ ‘તમે વાડીએ જાવ છો?’ ‘હા, તમારી વાડીએ જ જાવ છું.’ ‘તમે મને ઓળખો છો?’ ‘હા…’ જુવતી મીઠુ રણઝણી હસતા બોલી ઉઠી: ‘તમારૂ નામ રાવજી કે નહી?’

‘હા…’ રાવજીના મુખારવિંદ ઉપર લાગણીના ભીના ભાવ ઊભરાઇ આવ્યા. તે નજીક સર્યો અને બોલી ઉઠ્યો : ‘તમે મને ઓળખો છો?’ ‘ઓળખુ જ ને ? આમ તો, તમને મેં ઘણીવાર જોયા છે. બે-ત્રણ દિવસ પહેલા જ ભાભીએ મને વાત કરી હતી કે તમે શહેરમાં ભણો છો અને રજાઓમાં ત્યાંથી આવવાના છો…’ ‘હા…દીવાળીની રજા પડી હતી તેથી આવી ચડ્યો છું. પણ પછી થોડુક વધારે રોકાઇ ગયો છું…’ ‘સારૂ કર્યુ ને…વાડીઓમાં ફરવાની મજા આવશે..’ ‘હા, અમસ્તો ય શહેરની દોડમદોડથી ત્રાસી ગયો હતો.’

જુવતી મીઠુ હસી. રાવજીએ હવે તેને ધારી ધારી જોઇ, તેણે ભરત ભરેલુ કાપડુ પહેર્યુ હતું. માથે ગુલાબી ઓઢણું ઓઢ્યુ હતું. કાપડાના કસમાંથી કરાફતના કટકા જેવી જુવાની છતી થતી હતી. એની ગોરી, માંસલ પીઠ જાણે કપડામાં સમાતી નહોતી. કપડા પર ચિતરેલા મોર-પોપટ રાવજીના હૈયામાં ટહુકતા મોરના ગહેંકાટ સૂરમાં સૂર પૂરાવીને જાણે ટહુકી ઉઠયા હતા.

આગળ શું બોલવુ એ રાવજીને સમજાયું નહીં, પણ જુવતીની સાથે આગળ કંઇક વાત થાય એવું એ ચાહતો હતો. પાછળ લગોલગ આવી ગયેલા ગાડા ખેડૂતે જોઇને જુવતી હવે થોડી ગભરાઇ ગઇ હતી. એટલે એણે કહી નાખ્યું : ‘તો હું નીકળુ છું. તમારે નથી આવવું ?’ ‘ના, હું જઇને જ આવ્યો. ભાભી બેઠા છે.’

‘રોંઢો કરવા બેઠા હશે.’ ‘હા. હું થોડુક ખાઇને નીકળ્યો. હવે ઘરે જાઉં છું.’ જુવતી થોડુક હસીને પછી ચાલતી થઇ ગઇ. રાવજી તેને ધારી ધારીને જોઇ રહ્યો પણ પછી પૂછી બેઠો: ‘તમારી ઓળખાણ નહીં આપતા જાવ?’ જુવતી ઊભી રહી ગઇ અને હસી પડી: ‘મને ન ઓળખી?’ ‘ના.’ ‘હું રેવતી…’ ‘રેવતી?’ ‘હા. આપણે નાના હતા ત્યારે સાથે જ નિશાળમાં રમતા હતા. તમે મને ભૂલી ગયા કે શું?

‘પણ તું આવડી મોટી થઇ ગઇ એ તો ખબર જ ન રહી…’ ‘તમે ખોટું બોલો છો!’ ‘કેમ?’ ‘એમ જ ધારૂં ને ? સાથે રમતા રમતા આપણું બાળપણ વિત્યુ હોય અને તમે ભૂલી જાવ તો હું માનું કે તમે શહેરમાં જઇને હવે પાક્કા થઇ ગયા છો. હું તો એમ માનતી હતી કે તમે ખોટુ બોલો છો.’ ‘અરે, હું કાંઇ ખોટુ બોલુ રેવતી?’ ‘હોય પણ ખરૂં. હું ન માનુ…’ ‘સમ ખાઉં તો?’ ‘સમ પણ ખોટા હોય તો?’

‘મારા સમ બસ ? અરે, મારા ગળાના સમ જો હું તને ઓળખી શક્યો હોઉં તો…? અરે, તને મારા ઉપર વિશ્વાસ ન આવ્યો કે રાવજી ગમે એમ થાય પણ કોઇ દિ’ ખોટુ ન બોલે..બસને? હવે કોના સમ ખાઉં ?’ ‘કોઇનાય નહીં… રાવજી. મને તમારા ઉપર વિશ્વાસ છે કે ગમે એમ થાય પણ રાવજી કદિય ખોટુ ન બોલે…’ કહેતી તે નજીક આવી. બંને એકમેકને તાકી રહેતા ત્યાં જ ઊભા રહી ગયા. હવા ધીરે ધીરે વહેતી હતી. કારતકના તડકામાં રેવતીની ગોરી પીઠ ચમકતી હતી…

*** **** **** ******
રેવતી સાથેની પહેલી મૂલાકાત વખતે જ રાવજીના હૈયાની ભીતર એ અણજાણ જુવતી પ્રત્યેના અનુરાગના મોરલા ટહુકી ઉઠયા હતા. પણ બીજી મૂલાકાત વખતે તો રાજીવના અંતરના આગળિયા ફટાફટ કરતા ખૂલી ગયા. બંધ હોઠના દરવાજામાં જ આવીને ઊભા રહી ગયેલા શબ્દો હવે મધરાતના સમણા બનીને તેના દિલના દરિયામાં હિલોળાં લેવા મંડ્યા. વાડીની ઝાંપલી પાસે થયેલા એ બીજી વખતના સુખદ મેળાપથી રાજીવના હૈયામાં ફરીવાર તરત જ રેવતીને મળવાનું સંવેદન વધુને વધુ તીવ્ર થવા લાગ્યું. આંગણામાં ઢાળેલા ખાટલા પર બબ્બે મણની રૂની પોચીપોચી પથારી પર પડતાવેંત જે નિંદર આવતી હતી, એ નિંદર હવે વેરણ બની હતી…

આંખો મીંચાતીને રેવતી નામનું ‘પંખી’ બંધ આંખોના ગઢના દરવાજે ‘રાવજી…’ કહીને ટહુકી જતું હતુ ને રાવજી કારતકના શ્યામલાકાશમાં ટમકતી તારક ટોળીઓનાં રેખા-બિંદુઓને જોડતો પોતાની આંગણીઓથી રેવતીનો ચેહરો ચિતર્યો કરતો…

રેવતી, ચંદ્રની ચાંદની બની તેની ઝૂલ્ફાને પંપાળતી રહેતી…તેના જુવાન શરીર સાથે વહેતી હવા બનીને અંગડાઇ લેતી રહેતી… દીવાળી તો આવીને વહી ગઇ હતી એનેય ઉપર અઠવાડિયુ વીતી ગયું હતું. વેકેશન ખુલવાની તૈયારી પણ થઇ ચૂકી હતી. છતા, શહેરમાં વેકેશન ખુલ્યા પછીય અઠવાડિયા સુધી વિદ્યાર્થીઓની પાંખી હાજરી રહેતી, એની જાણ ભાઇભાભીને હતી. કદાચ એટલે જ ભાભીએ આ વખતે તેને રોકી રાખ્યો હતો… પણ એ નિમિત, રેવતીના મીલનનું નિમિત બની રહ્યુ હતુ….અને હવે તો એ અઠવાડિયુ પણ પૂરુ થવાની ઘડીઓ ગણાઇ રહી હતી.

છતાં હૈયુ તો એમ કહેતુ હતુ કે હજી બીજા દસ-બાર દિવસ રોકાઇ જા રાવજી સાથે મન ભરીને મળીલે! હૈયામાં ઉઠતી અરમાનોની આંધીઓને, રેવતીની આંખોમાં છવાયેલી પ્રેમની ધરતી ઉપર થંભાવી દે અને કહી’ દે કે…રેવતી! હું તને ચાહુ છું. મારા દિલની તું રાણી છે. મારા જુવાન શરીરનું તું ધરેણું છે મારા સમણાની તું શોધ છે. એ શોધ ઉપર કોઇ સંશોધનકાર તરીકે હું બીજા કોઇ પુરૂષને નહી કલ્પી શકુ. કારણ કે તું મારી છે મારી ફકત એકલાની…રાવજીની રેવતી!

રાવજીના હૈયામાં, રેવતીના નામના પંખીએ માળો બનાવી લીધો હતો… અને હવે એ પંખીએ, સમણાના તણખલાંથી રાવજીના હૈયાને ચારેકોરથી બાંધી લીધુ હતું…. અઠવાડિયું પૂરૂ થવા આવ્યું. આજ મંગળવાર હતો. કોઇ દાડીયા આવવાના નહોતા. મોટાભાઇ બોટાદ માર્કેટીંગ યાર્ડમાં કપાસ વેચવા માટે જવાના હતા. એટલે જ સ્તો, રાત્રે કપાસનું ટ્રેકટર ભરીને તૈયાર કરી રાખ્યું હતું. પોતે ફરજની રૂએ મોટભાઇને ટ્રેકટર સાથે બોટાદ આવવાનું પૂછેલું પણ મોટાભાઇએ વાત્સલ્યથી કહેલું : આ બધી પળોજણ કરવાની તારે વાર છે મારાભાઇ…

સંસાર રથની લગામ જયારે તારા હાથમાં સૌપીશું ત્યારે એ રથને પૂરી ફરજ નિષ્ઠાથી ચલાવજે. અત્યારે તારી ઉંમર ભણવા રમવાની છે એકવાર જે સમય હાથથી વછુટી ગયો છે એ સમય ફરીવાર નહી મળે એટલે અત્યારે જીંદગીને કંડારી લો. વખત આવે પસ્તાવુ ન પડે… આ બધી હૈયા સગડી જયારે પેટાવવી પડશે ત્યારે તો પેટાવવાની જ છે. અત્યારે રમો જમો…?

-પોતાને જે જોઇતું હતું તે અનાયાસે મળી ગયું હતું. ભાઇ તો ટ્રેકટર લઇને બોટાદ તરફ નીકળી ગયા હતા ને ભાભીને પોતે, “હું વાડીએ જાઉ છું” એમ કહેતો વાડી તરફ નીકળી ગયો…ધોમ ધખતો હતો પણ એ તડકો મીઠો લાગતો હતો. ધેરાયેલા આંબાવાડિયામાં પંખીઓ કલશોર કરતા હતા. આંબાવાડિયાને છાંયડે ખાટલો ઢાળેલો હતો. ભગત ત્યાં બેઠા બેઠા હુક્કો પીતા હતા. રામસીંગ આજ ભાઇ સાથે નીકળ્યો હતો એટલે પોતે ને ભગત બે જણાં જ હતા…મદહોશ વાતાવરણ હતું…! જે જઇને ખાટલે બેઠો કે ભગતે આવકાર્યો ‘આવ આવભાઇ…સારૂ કર્યુ તું આવી ગયો…?’

‘કેમ કાકા?’ ‘ઓલ્યા શેઢે ભીમા ભરવાડનાં ઢોરાં બહુ કનડગત કરે છે હું ત્યાં ધ્યાન રાખવા જવાનું વિચારતો હતો પણ ત્યાં જ તું આવી ગયો, મારે કામ થઇ ગયુ…’ ‘લાવો કાકા, હું જાઉં…’ ‘ના બેટા. તારો ભઇલો ધખે.’ ‘નહીં ધખે…’ ‘ના. ના હું તમ તારે જાઉં છું. તું અહી નીંરાતે લાંબો વાંહોકર્ય અમથુંય ભીમા ભરવાડના છોકરા બવ અંકારાતિયા છે. તારૂ કીધુ નહી માને ઇતો અમારી જેવા પાંહે જ સીધા દોર હાલે. કહી ભગત તેમની જટાજૂટ વધેલી દાઢીને પસવારતા ચાલતા થયા…

રાવજી આ વગડાઉ માણસોની ભીની લાગણીથી ભીંજાતો રહ્યો અને ખાટલે આડો પડ્યો… ખૂલ્લી આંખોમાં આંબાવાડિયાનું અસબાબને ભરતો તે પોપટ, ઢેલ, કાબર અને કોયલના કલશોરનો કર્ણમધુર અવાજ માણી રહ્યો હતો. થોડેદૂર એક મોર બે ઢેલની સંગાથે ઢૂવા ઢગલો વીંખી રહ્યો હતો…. મંદ મંદ વહી આવતો ઠંડો સમીર, આહલાદકતા બક્ષતો હતો એ મધુરપની મીઠાપને માણતો રાવજી બંધ આંખે વાડીની મીઠાશને હૈયામાં ભરી રહ્યો હતો ત્યાંજ, માટલી ઉપર ઢાંકેલુ છીબુ ખખડયુને ઝાંઝરીનો મીઠો ઝણકાર થયો…

‘કોણ?’ કહેતો રાવજી ઝબકીને ઊભો થઇ ગયો તો રેવતી સામેથી ખડખડાત હસી પડતા બોલી: ‘કાં, બીવડાવી દીધાને તમને!’ ‘તું પણ ખરી છો…’ ‘એમ છે ત્યારે…’ કહી નજીક આવતા બોલી: હું નાની હતી ત્યારે તમેય મને બીવડાવી દેતા હતા એ ભૂલી ગયા આજ મેં બદલો લઇ લીધો તમારા કારસ્તાન તો તમે ભૂલી ગયા હશો.’ ‘હા…’રાવજી મનોમન બોલી ઉઠ્યો:’ તને જોયા પછી બધુ જ ભૂલી ગયો છું…

‘કેમ થયું ? બરાબરની બીક લાગી ગઇને…’ ‘મને તો એમ થયું કે કોઇ જીવ-જનાવર નીકળીયું…રાવજી હસી પડ્યો. રેવતીએ કૃત્રિમ ગુસ્સાથી મોઢું ફુંગરાવ્યું અને એક હાથમાં ચલાખોને બીજા હાથમાં દાતરડી લઇને રજકાના કપડા તરફ હાલતી થતા બોલી, ‘ન બોલાવ્યામાં નવગુણ… તમારી જેવા અઘોરીને આઘા રાખીને એટલા જ સારા…’ ‘હું તને અઘોરી લાગુ છું.’ ‘નહી તો શું? આવા ખરાબપોરે ઘરબાર મૂકીને વાડીએ આવતાં તમને કાંઇ ન થયું?’

‘ઘણું બધુ થાય છે પણ કોને કહેવું… કહેતો રાવજી ખાટલા માંથી ઊભા થઇને માટલા માંથી પાણી પીતો બોલી ઉઠયો: ‘તારી કરતા સારો છું. કે આવા ખરા મધ્યાન્હે કોકનાં વાડીમાં ઊભી મોલાતને વાઢીને ઘર ભેગી કરવી એતો કોઇ ચોરનું કામ છે…’ ‘હું ચોર નથી…’ ‘પણ હું કહુ છું…’ કહેતો રાવજી પાછળ ચાલ્યો: ‘માણસ હોય તો પૂછે કે થોડાક રજકો જોવે છે. તું ચોર કરતાય નપાવટ ધણી વગરની વાડીમાં પગ મેલતા તને શરમ નો આવી?’

‘એય, જરાક વિચારીને વાત કરજો હો,’ એમ નેમ પગ નથી મૂકયો ભગતકાકાને પૂછી જુઓ…’ ‘ભગતકાકા કાંઇ આ વાડીના ધણીધોરી નથી તું હાલી નીકળે’સ તે…હું અહીં બેઠો છું હજી…’

‘ જાવ જાવ… તમારૂં તો પાંચિયુંય ન આવે. હજી તમારે વાર છે…’ કહેતા તે ડીંગો બતાવીને સહેજ દોડીને બાજરાના ઘેરામાં ઓઝલ થઇ પણ વાજોવાજ પહોંચેલા રાવજીથી બચવા ઉતાવળે પગમાં ઠેસ આવીને એ મોંભરિયા ચાસમાં પડી. પણ વાજોવાજ દોડ્યા આવતા રાવજીથી પણ શરીરનું સંતુલન ન રહ્યુ ને એય ભસ દઇને રેવતીની અડોબડ ગોથુ ખાઇ ગયો. પણ એનો હાથમાં રેવતીની પાતળી કમર પકડાઇ ગઇ…

બેય જુવાન હૈયા થડકઉડક થતા કંપી ઉઠયા. પળ-બપળ એમને એમ શેઢામાં પડી પડી રેવતી અનોખા ભાવે રાવજીને તાકી રહી અને પછી ઊભા થઇ રહેલા રાવજીને ધક્કો મારીને બાજરાના ઘેરાની અંદર સરકી ગઇ. આગળ શું કરવું એ રાવજીને સમજાયું નહી. એની અંદર ઉછળતી ઉર્મિઓ ઉછળી પડી ને છુપાઇ ગયેલી રેવતીને એણે પકડી પાડી…રેવતી આગળ આગળ કશું પણ સમજે એ પહેલા રાવજીએ તેનાં ગોરા કાંડા પર બચકું ભરી લીધું….

‘ઓયમાં…મને કરડી ખાધી…’કહેતી રેવતીએ રાજીવને ધક્કો માર્યો… ને રાવજી પડતા પડતા માંડ બચ્યો. રેવતીના આંખમાં ગુસ્સો હતો. રાવજી નજીક આવ્યો. અનાયાસે તેનાથી બન્ને હાથ રેવતીના બન્ને ખભા પર મુકાઇ ગયા ને તેના હોઠ પરથી શબ્દો ફૂટી ગયા: ‘મારી ભૂલ થઇ ગઇ…રેવતી’ કહી તે ચાલતો થઇ ગયો પાછળ જોયા વગર જ ! આ સીને લીધો આંબાવાડિયા હેઠે ઢાળેલા ખાટલાં પર સુઇ ગયો ત્યારે રેવતી જેવો તેવો રજકો વાઢીને શેઢાથી પાછળના વાડામાં પડેલા છીંડા વાટે નીકળીને ગામ ભણી હાલતી થઇ.

એનો તો ક્યાં રાવજીને ખ્યાલ હતો…! ભણવા જવાના આગળના દિવસે રેવતી ફરી એકવાર મળી. તેણે રેવતીને ઊભી રાખી. રેવતી હસી. રાવજીએ અનુભવ્યુ કે રેવતીને હવે કોઇ રીંસ રહી નથી છતાં એણે પૂછી લીધું : ‘તને કાંઇ ખોટુ તો નથી લાગ્યું ને ?’ ‘શેનું?’ ‘મેં તને બટકુ ભરી લીધુ હતુ..! મને એ પછી બહુ દુ:ખ થયું…’

‘ના રેના રાવજી…એતો હું તને અમસ્તી જ ખીજાઇને કહેતી હતી…અને ખરૂ પુછે તો હવે મને એનું ઓહાણેપ નથી….’ ‘તો રેવતી…મારે તને એક વાત કહેવી છે…’ ‘તો બોલને….’ ‘રેવતી…રેવતી…હું તને….’ ‘હું તને?’‘રેવતી…તારી સાથે હું….’ ‘શું.?’ ‘કાંઇ નહીં. કશું નહી. ચાલ જવા દે પછી વાત…’ કહેતો એ નીકળી ગયો. રેવતી હજી ત્યાં જ ઊભી હતી. એક પળ તો રાજીવને થયું, ચાલ કહી દઉ કે હું તારી સાથે જ લગ્ન કરવા માગુ છું…’ પણ તે કહી ન શક્યો. ને પાછુ વળીને તેનાથી કહેવાઇ ગયું ‘રેવતી, હું સવારની બસમાં જાઉ છું.’

‘ક્યાં?’‘ભાવનગર’ ‘હવે ક્યારે આવીશ?’ ‘કદાચ ઉનાળામાં આવું…પણ એક વાત પૂછું.’ ‘પૂછને?’ ‘તું મને યાદ તો કરીશ ને?’

-રેવતીનો ચેહરો શરમથી લાલ થઇ ગયો. પગલું ઉપાડતા તે બોલી ઉઠી: ‘એ તારા દિલને પૂછને ગાંડા…આ તે કાંઇ પૂછવાની વાત રીત છે? કહેતી તે ભાગી. પણ રાવજીએ એનું બાવડુ પકડી લીધુ: રેવતીએ બંધનમાં બંધાઇ ગઇ. ફરીવાર રાવજીના હોઠો ઉપર શબ્દો આવ્યા પણ એ કોઇ અગમ્ય ભયના ઓથારમાં ઓગળી ગયાને બંધન છૂટી ગયુ… રેવતી ભાગી છૂટી…જાણે આંખ માંથી સમણું ભાગી છૂટયુ…હસ્તરેખાઓ હાથ માંથી ભૂંસાઇ જતી હોય એમ એ નજર આગળથી ભૂંસાતી રેવતીને તાકી રહ્યો…

*** *** *****
ચાર મહીના વીતી ગયા. પરીક્ષાઓ લેવાઇ ગઇ. આ દરમિયાન ન તો રાવજી ગામને ભૂલી શક્યો હતો, નતો રેવતીને! આખરે વેકેશન પડ્યુ. એ તરસ્યા હૈયે ઘરે આવી આવી પૂગ્યો. બીસ્તરા-બેગ મૂકીને તરત જ એણે ભાભીને કહ્યુ: ભાભી, હું વાડીએ જાવ છું. ભાભી તેને અચરજ ભરી દ્રષ્ટિથી તાકી રહ્યો.

રાવજી હજી જયાં ઝાંપલી ઉઘાડીને અંદર આવ્યો ત્યાં જ, રેવતી હળવી ચાલે આવતી બહાર નીકળતી હતી. બન્ને ભેગા થઇ ગયાં રાવજી તેને જોઇને પુકારી ઉઠ્યો: ‘રેવતી…રેવતી…હું આવી ગયો…તું કેમ છે?’ કહેતો તે આગળ વધ્યો. ‘મજામાં છું’ કહેતી રેવતી પાછળ ફરી. કે રાવજી બોલી ઉઠયો’ રેવતી હવે હું બીંદાસ્ત છું. આજે હું મારા હૈયામાં ઉઠતી લાગણીઓને તારી આગળ ઠાલવું છું રેવતી, હું તને પ્રેમ કરૂ છું. હું તને ચાહું છું. હું તારી સાથે લગ્ન કરવા માગુ છું. ચાલ રેવતી આજ ભાભી પાસે જઇને આપણા સંબંધનું નક્કી કરી નાખીએ…’

‘ના…રાવજી … એ નક્કી થઇ ગયુ છે આ કુવારા દેહ ઉપર તો કોઇના નામનું ઓઢણું ઓઢાઇ ગયુ છે. હવે હું તારી નથી પણ હવે તો હું કોઇકની બની ચૂકી છું મને માફ કર…’ તે થોડી ઉતાવળ કરી હોત તો હું તારી થઇ શકેત, મેં તારી ખુબ વાટ જોઇ પણ તું ન આવ્યો. ને, પછી તો આ દેહ ઉપર તો કોઇ ના નામનું ઓઢણું ઓઢાઇ ગયું….અને હવે તો ઓઢણાંની મરજાદ રાખવી જ રહી…’ કહી તે ચાલતી થઇ ગઇ.

રાવજી ભીની આંખે તેને તાકી રહ્યો અને ત્યાંને ત્યાં જ બેસી પડ્યો કે, રેવતી પાછું ફરીને આવી અને રાવજીનાં ઝૂલ્ફામાં પોતાનો હાથ ફેરવીને લાગણીથી બોલી: “રાવજી, એવા કેટલાયે કુંવારા અરમાનો બળીને રાખ થઇ જતા હશે જે અરમાનોને ઝીલવા કોઇ ખોબો નહીં મળતો હોય. એવા કેટલાયે જીવતર હશે જે તારી જેવા પુરૂષનાં, પ્રીતનાં એકરારથી અધૂરાં રહી જતાં હશે.

કાશ ! તું ટાણે બોલ્યો હોત. હું તારી જ હતી. પણ ટાણે જે બોલી શકતા નથી એને માટેએ ટાણું, એ વખત હાથ માંથી તાલી દઇને સરકી જતો હોય છે અને હવે હું એ વખત ને વટીને પાછી વળી શકું એમ નથી. જો એમ કરું તો મેં ઓઢણીની મરજાદ તોડી ગણાય. હવે દુઆ કરું છું કે કોઇ મારી જેવી ઓઢણી ઓઢવા વાળી તને હંમેશા છાંયો કરતી રહે એમ કહીને ભીની આંખે ચાલી નિકળી!!!

લેખક : યોગેશ પંડ્યા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ