એ મીઠી રાબ – માનવતાથી ઊંચો કોઈ ધર્મ નથી, તમને પણ તમારા કોઈ જુના પાડોશીની યાદ આવી જશે…

“અહા… મજા પડી ગઈ.. સુંઠ-ગંઠોળા ને આદુમસાલાથી ભરપૂર આવી રાબ તો મેં જિંદગીમાં ક્યારેય નથી પીધી હો..!! ગજબ જાદુ છે ભાઈ તમારા મમીના હાથમાં..!”


માહ મહિનાની કડકડતી ઠંડીનો એ સમય હતો.. એમાંય સવારના સાત વાગ્યે તો ચાર સ્વેટર પહેરવા છતાંય છેક હાડકા ધ્રુજાવી નાખે તેવો માહોલ.. ગઝલના અમ્મી વહીદાબાનુની તબિયત બહુ ખરાબ હતી.. અચાનક તેમને એકસો ચાર ડિગ્રી તાવ ચઢી ગયેલો ને એકલી રહેતી ગઝલ બહુ મુંજાયેલી હતી..!!

ગઝલના અબ્બા એક વર્ષ પહેલા કોઈ બીજી ઓરત સાથે ભાગી ગયા પછી એકવીસ વર્ષની ગઝલ અને વહીદાબાનુ ઘરમાં એકલા રહેતા. શહેરની વચ્ચોવચ આવેલી તે ચાલીમાં તેમનું એક ઓરડીનું નાનકડું ઘર હતું. ગઝલ ચાલીના છોકરાઓને ટ્યુશન કરીને પોતાનું ગુજરાન ચલાવતી…! ગઝલનો દેખાવ સ્વર્ગની અપ્સરાનેય આંટી મારે એટલો સુંદર હતો.. માખણ જેવી મલાઈદાર ત્વચા, ધનુષની પણછ ચડાવેલા હોય તેવા ધારદાર નેહ, મધ જેવો અવાજ અને ઢળતી સંધ્યાએ ખીલ્યું હોય તેવું ગુલાબી સૌંદર્ય..! ગઝલ તેની ચાલીમાં રહેતા દરેક યુવાદિલોની ધડકન બની ગઈ હતી..!!

ગઝલની બિલકુલ બાજુમાં જ યશોદાબહેન તેમના દીકરા ગોપમ સાથે રહેતા.. ગોપમ એક નાનકડી પ્રાથમિક શાળામાં શિક્ષક હતો અને યશોદાબહેન ઘરે ઘરે રસોઈ કરવા જાય.. ગોપમના પિતા માણેકલાલ તેના જન્મના છ જ મહિનામાં મૃત્યુ પામ્યા હતા.. એ પછી યશોદાબહેને રસોઈ કરવાની શરૂ કરી અને ગોપમને ભણાવયો. ગોપમને ગરીબ બાળકો પ્રત્યે અપાર હેત.. ને એટલે જ પોતાની ચાલીમાં રહેતા નાના ગરીબ બાળકોને તે મફતમાં ભણાવતો..


ગઈકાલે જયારે તે ચાલીના છેવાડે આવેલા એક બગીચાના ઓટલે બેસીને નાના છોકરાઓને ભણાવતો હતો ત્યારે તે છોકરાંઓમાંનો એક દસ વર્ષનો ટેણીયો બોલ્યો, “ગોપુભાઈ આ તો અમારા ટીચરદીદી થોડા દિવસથી બીમાર છે ને એટલે અમે તમારી પાસે ભણવા આવીએ છીએ.. એમ ના સમજતા કે અમે હંમેશા તમારી પાસે જ આવશું હો ને.. ટીચરદીદી ભલે પૈસા લઈને ભણાવે.. પરંતુ અમે એમના પાસે જ ભણવા જઈશું. એ જ અમારા ફેવરિટ છે…!” ગોપમને નવાઈ લાગતા તેણે પૂછ્યું,

“તમે કોની વાત કરો છો??” “તમારી બાજુમાં જ રહે છે.. અમારા ગઝલદીદી.. એમના મમી બીમાર છે એટલે અમારે છુટ્ટી છે.. પણ પછી તો અમે એમની જ પાસે જઈશું..!” ગોપમને બહુ આશ્ચર્ય થયું.. પોતાની બાજુમાં રહેતા બાનુની તબિયત નથી સારી અને તેને કઈ ખબર પણ નથી… જો કે ક્યાંથી ખબર પડે..! બાળપણથી તેણે કદી પોતાના ચુસ્ત વૈષ્ણવ મમીને બાજુવાળા વહીદાબાનુ સાથે બોલતા નહોતા જોયા.. ગોપમને એ દિવસ યાદ આવી ગયો જ્યારે એક વખત તેણે ભૂલથી તેની મમીએ બનાવેલા થેપલા ગઝલને ખવડાવ્યા હતા..!!


ત્યારે હજુ તે પંદરેક વર્ષનો જ હતો અને ગઝલ ચૌદ વર્ષની હતી. ગઝલને ગુજરાતી જમવાનું બહુ ભાવતું.. એમાંય યશોદાબહેનની રસોઈના વખાણ તેણે ચાલીમાં ઘણા લોકો પાસે સાંભળ્યા હતા.. તે દિવસે ગઝલ સ્કૂલે પોતાનું ટિફિન લઇ જતા ભૂલી ગયેલી. તે અને ગોપમ એક જ શાળામા ભણતા. તે ચાલીના છોકરાઓની સ્પેશિયલ સ્કૂલ હતી.. ગોપમને ખબર પડી કે તેની બાજુમાં રહેતી ગઝલ રિસેસમાં એકલી બેઠી છે એટલે તે પોતાનું ટિફિન લઈને તેની પાસે ગયો અને કહ્યું,

“લે ગઝલ.. આજે મારા મ્મીએ થેપલા મોકલ્યા છે.. તું ટિફિન નથી લાવી ને તો મારી સાથે શેર કરી લે..!!” ને ગઝલને તે ચટાકેદાર, મસાલેદાર થેપલાંનો સ્વાદ મોંમાં રહી ગયેલો.. ગઝલે ઘરે આવ્યા બાદ થોડી વારમાં યશોદાબહેનના ઘરે જઈને તેમનો દરવાજો ખખડાવ્યો.. “આંટી.. થેંક્યુ સો મચ.. ગોપમે આજે તમારા હાથના બનેલા થેપલા ટેસ્ટ કરાવ્યા. બહુ ટેસ્ટી હતા.. મને બહુ જ ભાવ્યા..


સાચે આટલા વર્ષથી તમારી બાજુમાં રહું છું પણ ક્યારેય તમારી બનાવેલી રસોઈ ચાખવાનો ચાન્સ નહોતો મળ્યો. આજે ગોપમના લીધે મને ટેસ્ટી થેપલા ખાવા મળ્યા. થેંક્યુ સો મચ આંટી..!” ગઝલની વાત સાંભળી યશોદાબહેને કોઈ પ્રત્યુત્તર ના આપ્યો. વ્યનગાત્મક નાનકડી મુસ્કાન કરીને વિદાય આપતા હોય તેમ દરવાજા તરફ જોયું.. ગઝલ ઘરમાંથી ગઈ કે તરત જ યશોદાબહેન ગોપમ પાસે ગયા,

“ગોપમ, હું તારા માટે આટલું સારું સારું જમવાનું બનાવીને મોકલું છું. અને તું સ્કૂલે જઈને આ બીજા બધાને ખવડાવી આવે છે.. જો એક વાત સમજી લે મને આ રીતે મોંઘા અનાજ-શાકભાજી વાપરીને બનાવેલું જમવાનું તું બીજા કોઈને આપી દે તે પસંદ નથી..! એમાંય ખાસ કરીને જે વૈષ્ણવ ના હોય તેને તો નહિ જ..!!!” ને એ દિવસ પછીથી ગોપમે ક્યારેય ગઝલ સાથે વાત સુદ્ધાં નહોતી કરી.. વર્ષો વીતી ગયા.. પાડોશી હોવા છતાંય એ બંને પરિવાર વચ્ચે કઈ એવો ખાસ સંબંધ નહોતો..!


યશોદાબહેન દર શિયાળે ગરમ ગરમ રાબનો સ્ટોલ કરતા.. તેમના ઘરની બહાર જ ગરમ સુંઠ-ગંઠોળા ને આદુ-મસાલાથી ભરપૂર મીઠી રાબ તેઓ વેંચતા. નફો સાવ ઓછો રાખીને તેઓ એકથી એક ચડિયાતી વસ્તુ તે રાબ બનાવામાં વાપરતા. પાછા એ રાબમાં ઉપરથી બદામ-પિસ્તાની કતરણ તો ભભરાવતા જ.!!! એક દિવસ સવાર સવારમાં તેમને બાજુના ઘરમાંથી ઉહંકારા સંભળાયા.. કોઈ પીડાથી કણસી રહ્યું હોય તેવું તેમને લાગ્યુ. તેઓએ આંગણામાં જઈને બાજુમાં જોવાની કોશિશ કરી પરંતુ ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. યશોદાબહેનને આ રીતે બાજુમાં નજર કરતા જોઈ ગોપમ આવ્યો અને કહ્યું,

“માઁ, વહીદાબાનુની તબિયત બહુ ખરાબ છે.. તેમને ઠંડી લાગી ગઈ છે અને તાવ આવે છે.. ઉધરસ તો બંધ જ નથી થતી અને ગળામાં કફ જામી ગયો છે.. ગઈકાલથી એકસોચાર ડિગ્રી તાવ છે..!! આ તો મને મારા વિદ્યાર્થીઓએ કહ્યું હો…!!” ગોપમની વાત સાંભળી યશોદાબહેન તરત અંદર ગયા અને પંદર જ મિનિટમાં એક ડબ્બામાં રાબ ભરીને બહાર આવ્યા. “લે દીકરા આ ગરમાગરમ રાબ જઈને એમને આપી આવ..! ને બીજી કઈ મદદ જોઈએ તો પુછજે..!”


ગોપમ નવાઈથી તેની માઁ સામે જોઈ રહ્યો.. તેણે વિચાર્યું અમુક વર્ષ પહેલા થેપલા માટે થઈને ધમકાવનારી તેની માઁનું તે રૂપ સાચું હતું કે આજનું આ રૂપ..!! યશોદાબહેન ગોપમની આંખનો પ્રશ્ન સમજી ગયા હોય તેમ કહ્યું, “બેટા.. માનવતાથી ઊંચો કોઈ ધર્મ નથી એ મને કાલે જ ખબર પડી.. ગઈકાલે હું શાકમાર્કેટ ગઈ હતી.. આ ગઝલ ત્યારે ત્યાં જ હતી..!!

મારી બે હજારની નોટ એક શાકવાળાની લારી પર રહી ગઈ.. થોડીવાર પછી મને ખબર પડી એટલે હું ત્યાં ગઈ તો પેલો શાકવાળો કહે કે એની પાસે નથી..!! મારો જીવ અધ્ધર થઈ ગયો. આપણા આખા મહિનાનું કરિયાણુ તેમાથી જ તો લાવવાનું હતું. મને ખાતરી હતી તોય એ જૂઠું બોલ્યો કે ત્યાં નથી..!

મેં એનો કાંઠલો પકડ્યો ત્યાં ગઝલ આવી અને કહ્યું કે મારી નોટ નીચે પડી ગઈ હતી.. નોટ પરત કરીને એ તો ચાલી ગઈ પરંતુ તે શાકવાળાએ કબૂલાત કરીને કહ્યું કે પોતાના છોકરાના બર્થડે પર તેને નવું ટીશર્ટ અપાવા તેણે તે બે હજાર રૂપિયા ચોર્યા હતા..!!! ગઝલને એ ખબર હતી કારણકે અમુક દિવસો પહેલા તેણે ગઝલ પાસેથી ઉધાર માંગેલા.. એ બિચારી પાસે ત્યારે નહોતા એટલે એણે ના કહી હતી.. ગઈકાલે એ પૈસા આપવા જ આવેલી ને આવું થયું એટલે મને આપીને જતી રહી..!


બેટા એ સમયે મને વિચાર આવ્યો કે એ છોકરી જેને શાકવાળા સાથે શાક લેવા સિવાય કોઈ સંબંધ નહોતો તેના માટે આટલી લાગણી ને માયા દાખવી શકતી હોય. માનવતા બતાવી શકતી હોય તો આપણે તો એના પાડોશી છીએ..!!! ને એટલે જ એ પાડોશીધર્મના નાતે જ આજે હું તને આ રાબ લઈને મોકલું છું..!!! જા..!” ગોપમને એની માઁ પર વહાલ આવી ગયું.. માન થઈ ગયું. ને એમાંય જયારે વહીદાબાનુએ એ રાબ પીને તેના વખાણ કર્યા ત્યારે પાડોશીધર્મ સાર્થક કર્યાનો સંતોષ પણ થયો..!

લેખક : આયુષી સેલાણી

દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તા વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ