જિંદગી કે સફર મેં… – એક જ ટ્રેનમાં મળ્યા બે સમદુખીયા, લાગણીસભર વાર્તા અંત વાંચીને ખુશીના આંસુ આવશે…

ગાર્ડે લીલીઝંડી બતાવી અને ટ્રેને બીજી વ્હીસલ મારી. એ ભેળા જ ગાર્ડે વોકી ટોકી ઉપર O.K કહ્યુને ડ્રાઇવરે ટ્રેન સ્ટાર્ટ કરી. હળવે હળવે પ્લેટફોર્મ ઉપર ડબા સરતા થયા ત્યાંજ, સામેથી એક ચોવીસેક વર્ષની યુવતી ઝડપથી આવતી દેખાઇ. મનોહરે એ જોયું અને એ યુવતીએ ટ્રેનને સ્ટાર્ટ થતી જોઇને તેણીએ લગભગ દોડવા માંડ્યું. પણ તેના વેગ કર કરતા ટ્રેનની ગતિ હવે લગભગ દોઢી થઇ ગઇ હતી એટલે મનોહરે ક્ષણભરમાં વિચારી લીધું કે કદાચ તે યુવતી ટ્રેનને આંબી નહી શકે. કારણકે તેના ખભે થેલો તો ભરાવેલો હતો સાથે હાથમાં સુટકેસ પણ હતી….

પોતાના સૌષ્ઠવયુકત માંસલ શરીરને લીધે કદાચ તે ડબા સુધી પહોંચી તો જાય પરંતુ પોતે ટ્રેનમાં ચડી નહી શકે એવું મનોહરે ચોક્ક્સપણે માન્યું…એટલે એ તુરત ઊભો થયો તે ઝડપથી બારણે પહોંચી ગયો પરંતુ ટ્રેનની લગોલગ દોડી જતી એ યુવતીએ પોતાનો સામાન તો દરવાજે મૂકી દીધો હતો પણ પોતે અંદર ચડી શકવા સમર્થ રહી નહોતી….ત્યાં જ તેણે દરવાજામાં આવીને ઊભા રહી ગયેલા મનોહરને જોયો હોઠ કશુંક બોલવા ફફડ્યા પણ બોલી ન શક્યા એટલે મનોહરે પોતાનો હાથ લંબાવતા હસીને કહી દીધું : ચાલો, આવી જાવ… ‘Don’t worry’

-પેલી યુવતી એ પોતાની હથેળી લંબાવી. મનોહરે તેને સાહી લીધી…ટ્રેને હવે પૂરી ગતિ પકડી લીધી હતી પણ એ યુવતીને તેની કોઇ તમા નહોતી. કોઇ અજાણ્યા પણ જાણે ચિરપરિચિત લાગતા આ જુવાને તેણે સાથ આપીને અંદર લઇ લીધી હતી…. મનોહર તેને જોઇ રહ્યો…ખૂબ ઝડપથી દોડવાથી તેને શ્વાસ ચડી ગયો. હાંફને લીધે તેનું આખુ શરીર હાફતું હતું. ચહેરા પર પ્રસ્વેદ ફૂટી નીકળ્યો હતો. ભૂખરી ઝૂલ્ફો આમતેમ થઇ ગઇ. તેણીએ રૂમાલ વડે ચહેરા પરનો પ્રસ્વેદ લૂછ્યો.

‘રીલેકસ રીલેકસ…’ કહી મનોહરે તેણીનો સામાન લઇને પોતે જયાં બેઠો હતો એ કમ્પાર્ટમેન્ટમાં લાવીને મૂક્યો ત્યાં જ પેલી યુવતી આવી પણ પહોંચી. મનોહરે સ્મિત કર્યુ એ સ્મિતનો પડઘો સ્મિતથી વળ્યો ને હોઠો ઉપરથી શબ્દોની કૂંપળ ફૂટી : ‘થેન્કયુ વેરીમચ. તમે મદદ ન કરી હોત તો હું ટ્રેન ચૂકી જાત. આપનો આભાર…’

-મનોહર હસ્યો. બોલ્યો શ્હેજ ફ્રેશ થવું હોય તો વોશબેઝિન સામે જ છે. ચેહરા પર ખૂબ પરસેવો વળી ગયો છે’ પેલી યુવતી ‘થેન્કસ’ કહી ત્યાં ગઇ ઘડીભર પછી તે આવી હવે ઘીરે ઘીરે તેણે સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી હતી. ચેહરા ઉપરની ગુલાબી કર્ણમૂલ સુધી વિસ્તરી ગઇ હતી….તેણે જરદોસી ભરતકામથી મઢિત પંજાબી ડ્રેસ પહેર્યો હતો. ઓઢણી છેક ગળાના બન્ને છેડાને વીંટળાઇને પાછળ લંબાઇ ગયા હતા. એટલે ઉરોસ્તનો ઊભાર સ્પષ્ટ દેખાતો હતો… મનોહરને યુવતી પેહલી જ નજરમાં ગમી ગઇ… એ બોલ્યો: ‘આમ ક્યાં સુધી જવાના?’

‘અમદાવાદ…ત્યાંથી બે દિવસ રોકાઇને પછી વતનમાં મહેસાણા ચાલી જઇશ’ ‘પણ આપ?’ ‘હું અમદાવાદ જ જઇ રહ્યો છું.’ ‘એટલે નેટિવપ્લેસ અમદાવાદ જ?’ ‘ના. અમે મૂળ જામનગરના છીએ. મારા મમ્મી પપ્પા અમદાવાદ મોટાભાઇને ત્યાં રહે છે. હું બોટાદ હાઇસ્કુલમાં શિક્ષક છું. અત્યારે અમદાવાદ જઇ રહ્યો છું મનોહર શુકલ મારૂં નામ…’

મનોહરે આગવી ઢબથી આપેલો પોતાના પરિચયની Style થી યુવતી હસી બોલી. ‘તમે તો ઘડીભરમાં અજાણ્યા છતાં પરિચિત બની ગયા, પણ મારો પરિચય તો ન પૂછ્યો…’ ‘એવી ગુસ્તાખી સ્ત્રીઓ આગળ ન કરાય મેડમ! સીધુ ઉતર્યુ તો ઉતર્યુ પણ જો વાકું ગયુ તો એનો તો ઠીક, હારે હારે મુસાફરી કરતા બીજા માણસોનાય કટાક્ષ, ઉપાલંભ અને ઠપકા સાંભળવા નાને? પણ હવે મને એવી ખાતરી છે કે આપ એ સ્ત્રીઓ પૈકીમાની નથી. બોલો હું સાચુ છું ને? ‘Yes you are sure and correct’ તમે બિલકુલ સાચા છો.‘યુવતી હસી. ને મનોહર પણ હસી પડ્યો.

યુવતી ટહુકી: ‘નેહા મારૂં નામ છે. નેહા નિંગાળીયા !’ જાતે કડવા પટેલ છીએ. કોલેજ સુધી ભણી એક એવરેજ વિદ્યાર્થીની તરીકે અને સુરતમાં હીરાના એક મોટા કારખાનામાં મેનેજરી કરી ખાતા સત્યાવીસેક વરસનો યુવાન શોધીને મા-બાપે પરણાવી દીધી. મનોહર!’ ‘ઓહ…. તો તમે પરિણિત છો? મને એમ કે હજી તમે;’ ‘એ મારૂં રૂપ અને લાવણ્ય જોઇને ધારી લીધુ હશે તમે?’ ‘હા. હજી કોઇ પણ વ્યકિત તમને એમ ન કહે કે તમે પરિણિત છો! અરે, હું તો એમ વિચારૂં છું કે તમે અત્યારે આ ક્ષણે આટલા દેખાવડા લાગો છો તો કુવારા હશો ત્યારે કેવા હશો…’

‘એ તો એ વખતે તમે મને મળ્યાં હોત તો-‘ ‘તો…તો?’ ‘બોલો બોલો..’ ‘રહેવા દો નેહા! હું કૈંક અજૂગતું બોલી જઇશ તો તમને માઠું લાગશે. બાય ઘ વે, તમે મારી મશ્કરી તો નથી કરતા ને?’ ‘ના હું સાચુ જ બોલુ છું. તમને એમ લાગે છે કે હું ખોટું બોલતી હોઇશ?’ ‘ના. નેહા એવું નથી પણ ધારો કે તમે પરિણિત છો તો તમારા હસબન્ડ કેમ તમારી સાથે નથી? એક્સકયુઝમિ, હું તમારા અંગત જીવન વિષે તો-‘

‘ના, મનોહર! ના…’ ખોટું લાગવાનું ખાનું તો ભગવાને મારા મગજમાં રાખ્યું જ નથી. હવે તો હું મૂક, બધિર, સંવેદનવિહિન બની ગઇ છું’ ‘એવું ન બોલો નેહા. તમારા જેવી રૂપરૂપની અંબાર અપ્સરા સરીખી સ્ત્રીનાં મોઢે આવા શબ્દો ન શોભે.’ ‘એ રૂપ જ મારૂં વેરી બન્યું છે મનોહર!’ ‘એવું તો કદિ બનતું હશે નેહા?’

‘પણ બન્યું છે. હું સૂરત હતી. સુખી હતી. ભર્યો ભાદર્યો સંસાર હતો. પણ અમારા ઘરની સામે એક પાનની દુકાન હતી. હું પરણીને ત્યાં ગઇ. પંદરેક દિવસ જેવું થયું હશે ને એક દિવસ એક કરડા ચેહરાવાળો મોટી આંખોવાળો, મોટી મૂછો વાળો પાંત્રીસેક વરસનો આદમી મારી સામે ટગર ટગર જોતો રહેતો. દસ-પંદર દિવસ તો મને કંઇ ખ્યાલ ન આવ્યો કારણ કે અમારૂં રસોડું તેની સામે જ હતું છતાં, હું રસોઇમાં પ્રવૃત રહેતી એટલે એની કોઇ હાજરીની મેં નોંધ લીધી નહોતી.

પરંતુ ધીરે ધીરે એ ટેવ વિકૃત બની ગઇ અને એ કયારેક સીટીઓ મારતો ચેનચાળા કરવા લાગ્યો હું આબરૂની બીકે અને ઝઘડાની બીકથી કશું બોલી નહીં. પણ મારા પતિના મિત્ર રમેશ એક દિવસ મારા ઘરે આવ્યો એને આ ખબર હતી. એટલે ‘હલ્લો ભાભી કેમ છો?’ કરતો મને વિંટળાઇ વળ્યો. પતિનો મિત્ર એટલે સગા દિયર જેવી તેના પ્રત્યેની લાગણી હું દર્શાવતી એક દિવસ એ આવ્યો ને બોલ્યો : ‘પેલો વનરાજસિંહ બહુ તમારી સામે જુએ છે ભાભી…’

‘હા.’ હું બોલીને થડકી ગઇ. એ હસ્યો. બોલ્યો: ‘મારા ફ્રેન્ડને ખબર છે?’ ‘ના…’ કહેતી હું ધ્રુજી ગઇ. બોલી: ‘પ્લીઝ, એને તમે કહેતા નહી.’

‘નહી કહું પણ એક શરતે…’ તેની આંખોમાં સાપોલિયા રમવા લાગ્યા. હું તેનો કહેવાનો તત્વાર્થ સમજી ગઇ…પણ હું તેને તાબે ન થઇ અને એણે મારા પતિના કાનમાં ઝેર રેડી દીધુ…અત્યાર લગી વનરાજે પાનના ગલ્લે ઊભા રહીને જે ચેનચાળા, ઇશારા કર્યા હતા એની સાચી ખોટી સાબિતી પાનને ગલ્લે પાન ખાવા ઊભા રહેતા મારા પતિના ઓળખીતાએ આપી દીધી… એ બધા મૂળ તો રમેશના સાગરીતો હતા.

વનરાજને લીધે અમારા પતિ-પત્નિ વચ્ચે કલેશ થયો. અને એ ઝઘડો મારપીટ સુધી પહોંચ્યો…મનોહર! હું મનથી અને તનથી પવિત્ર હતી પણ એ પવિત્રતા મારી પવિત્રતા સાબિત કરવામાં નિષ્ફળ ગઇ…અને હું એક ગાંઠ વાળીને ભાગી છૂટી. મારા સસરા પક્ષના સભ્યો મને તેડવા આવ્યા. મને મોકલવામાં આવી પણ રમેશ અડધી અડધી રાત સુધી મારા પતિને પાર્ટીઓમાં, હોટલમાં, કલબમાં ખેંચી રાખતો એક સ્ત્રી, એક પત્નિને જે લાગણી, હુંફ, પ્રેમ મળવો જોઇએ એ મને ન મળ્યું તે ન જ મળ્યું…અંતે મેં એનાથી મુકત થવાનું વિચાર્યુ. માત્ર ત્રણ મહીના અમારો સંસાર ટક્યો એમાં સાચુ સુખતો માત્ર પંદર દિવસ જ ટક્યુ…મૃગજળ શા સંસારમાં સરકતા સુખના માછલાંને પકડવાની કોશિષ કરી જોઇ પણ વ્યર્થ ! કેટલાક ‘સુખ’ પણ આભાસી હોય છે. એ હથેળીમાં ટકતા નથી !

મનોહર, જે રૂપ જે રંગ લાવણ્ય અને જે શરીરને યુવાની આવ્યા લગી સંવાર્યુ, અને જેના માટે મેં મારી જાતનું સમર્પણ કરી દીધુ એને તો હું કશી વિસાતમાં જ નહોતી…તો પછી એવી મૃગતૃષ્ણા પાછળ ભટકી ભટકીને ઠોકર ખાવાનો શો અર્થ?!? છેલ્લા છ મહીનાથી હું પાછી આવી ગઇ છું. મારા આન્ટી અમદાવાદ રહે છે. હમણાં ફ્રેશ થવા ત્યાં જાઉ છું પછી મહેસાણા ચાલી જઇશ…’ ‘મહેસાણા જઇને શું કરશો?’

‘હું તો મારી દુનિયામાં ખોવાઇ જઇશ મનોહર! કેમ કે, ત્યાં એક ખાનગી પ્રાયમરી સ્કૂલમાં ટિચર તરીકે જોડાઇ છું. ફૂલ જેવા બાળકો અને મારીએ જ દુનિયા હું તો સમય પસાર કરી દઇશ પણ તમે;’ ‘તમને સાચુ કહું?’ ‘કહો…’ ‘હું તમને યાદ કર્યા કરીશ નેહા! ઘણીવાર જીંદગીમાં જન્મના દુ:ખિયારા માનવીઓના નસીબમાં જ આવુ કેમ ભોગવાનું આવ્યુ હશે નેહા? તમારી દાસ્તાન સાંભળ્યા પછી મને લાગે છે કે આપણા બન્નેની જીંદગીમાં એક જ કથાનક વાળી વાર્તાઓ બની ગઇ છે માત્ર પાત્રો બદલાયા છે…’ ‘એટલે?’

‘વહેમનું ઓસડ ક્યાંય હોતું નથી. હું શિક્ષક તરીકે જોઉન્ટ થયો એ પછી થોડા સમય પછી નીલાબહેન કરીને એક શિક્ષિકા અમારી હાઇસ્કૂલમાં આવ્યા. એકવખત એવું થયું કે અમે બધા સાંઇઠેક વિદ્યાર્થીઓ લઇને ચારપાંચ શિક્ષકો સાથે દક્ષિણ ગુજરાત તથા નાસિક ત્રંબક બાજુ ફરવા ગયા. સાપુતારા હીલ સ્ટેશને હું અને નીલાબહેન એક બાંકડા ઉપર બેઠા હતા. ત્યાંથી જરા આઘેરેક ફરવા અને પત્યુ! શિક્ષકોએ અમારી વચ્ચેની પવિત્રતાને અવૈધ સંબંધનું નામ આપી વટાવી ખાધી.

એટલું જ નહીં પણ એક-બે વિધ્ન સંતોષી શિક્ષકોએ આ વાત મારા સસરાને પહોંચાડી દીધી. એ વખતે હજી તો મારી સગાઇ જ થઇ હતી… મારા ભાવિ પત્નિને મારા માંથી શ્રધ્ધા ઉઠી ગઇ… અને સગાઇ તૂટી ગઇ…! ત્યારથી દિલ પણ ભાંગી ગયું…ત્યાર પછી કોઇ યુવતી પ્રત્યે અનુરાગ ન ઉપજયો તે ન જ ઉપજયો…આજે તમે મળ્યાં ને થયું કે દિલને કંઇક તસલ્લી વળી છે… હવે તમને સાચુ કહી દઉં?’

નેહા તેની સામે જોઇ રહી. ને પછી બોલી: કહો’ ‘હું તમારો સાથ ચાહું છું…નેહા, હવે કદાચ તમે ના પાડશો તો, દિલ તો ભાંગી ગયુ છે. હવે મન પણ ભાંગી જશે…’

‘એ નહીં ભાંગવા દઉ…મનોહર! સારૂ કર્યુ તમે મારી હથેળીને સાહી લઇ મને તમારી સાથે લઇ લીધી. કદાચ પાંચને દસની ટ્રેન ચૂકી ગઇ હોત તો બીજી ટ્રેન મળેત! પણ જીંદગીમાં આવેલી આ અમૂલ્ય ક્ષણ જો ચૂકી ગઇ હોત તો તમારી જેવો સ્નેહાળ સાથી ક્યારે મળેત?’ કહી તેને ખભે માથુ ઢાળી દીધું… બારી માંથી હવાનો સપાટો આવ્યો ને મનોહરે નેહાને સાહી લીધી…ટ્રેન મંઝિલ ભણી દોડતી હતી.

લેખક : યોગેશ પંડ્યા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ