પ્રેઝન્ટ… – લગ્નને હજી એક વર્ષ પણ નથી થયું અને પત્ની હજી પણ ચાહે છે પોતાના પહેલા પ્રેમીને

રોમા ઘરે આવી ત્યારે ખાસ્સું મોડું થઇ ગયું હતું. એક તો ડિસેમ્બરની ટાઢ અને અવનિ ઉપર ઊતરી ચૂકેલું અંધારું ! રોમાને થયું, દુષ્યંત ઘરે આવી ન ગયો હોય તો સારું ! આવી ગયો હશે તો મોટી મુસીબત ઊભી થશે. શું જવાબ આપીશ ? તેનું હ્રદય ધક્ ધક્ થવા લાગ્યું. એ ગભરાતી ગભરાતી દરવાજાની અંદર પ્રવેશી તો તેનું હ્રદય ધબકારો ચૂકી ગયું. દુષ્યંત સાચ્ચેજ આવી ગયો હતો. રોમાના કપાળે પ્રસ્વેદબૂંદ જામી ગયાં. એ સાડીનો છેડો ઠીકઠાક કરતી અંદર આવી તો સામે જ ભોલારામ મળ્યો. રોમાને જોઇને મોધમ હસી પડતાં કહે, ‘અરે, તમે આવી ગયા, મેડમ ? સર યાદ જ કરે છે.’

‘ઓહો ! સર ક્યારે આવી ગયા ?’ તેણે દબાતે અવાજે ભોલારામને પૂછી લીધું.‘સર?’ ભોલારામ ખડખડાટ હસી પડ્યો : ‘અરે, સર તો આજે બહુ વહેલા આવી ગયા છે. આજે કંઇ બહાર જવાનો પ્રોગ્રામ હતો કે શું?’ એણે મજાક કરી : ‘સર તો ક્યારનાય ઉતાવળા થયા છે. મને કેટલીય વાર પૂછ્યું કે આજ તારી મેડમ ગઇ છે ક્યાં? એક તો સાંજનું છ વાગ્યે બહાર જવા માટે વહેલા આવવાનું કહીને પોતે જ બહાર ચાલી ગઇ. વોટ નોનસન્સ !’

‘ઓહ નો-‘ રોમાના ગાત્રો શિથિલ થઇ ગયા. આજે જ કેમ આમ થયું ? બધું જ ખ્યાલ બહાર ગયું. એક આ જીતુના પ્યારમાં બુધ્ધિ આંધળીભીત થઇ જાય છે કે સમયનો પણ ખ્યાલ નથી રહેતો. તેની ધડકન તેજ ગતિથી ધડકવા લાગી : નહીં ને ક્યાંક દુષ્યંતને…’ ‘ચિંતામાં પડી ગયા ને ?’ ભોલુરામે આંખ મિંચકારી : ‘ડોન્ટ વરી, સર હમણાં જ આવ્યા છે. આવીને બેઠા છે. મને પૂછ્યું, મેં કહી દીધું : ‘બે ચાર મિનિટમાં આવ્યાં સમજો.’

‘બચી ગઇ ભોલુરામ…સહેજમાં બચી ગઇ.’ હાંફતી છાતી પર રોમાનો હાથ અવશપણે મૂકાઇ ગયો. નહીંતર આજ તો મારી શું વલે થાત ? ગજબ થઇ જાત…તેનો શ્વાસ હેઠો બેઠો : ‘હાશ !’ મુખવટો તરત જ બદલાઇ ગયો. તે ભુલારામ સામે મોહક સ્મિત કરીને અંદરના ડ્રોંઇગરૂમમાં પ્રવેશી તો દુષ્યંત કોઇને ફોન કરી રહ્યો હતો. ઝાંઝરનો મીઠો ઝણકાર સંભળાયો કે દુષ્યંતની નજર બારણામાં ગઇ. રોમા, મીઠુ મીઠું હસતી ઊભી હતી. ‘અરે, તું આવી ગઇ ? ક્યાં ગઇ હતી ? હું ક્યારનોય તારી રાહ જોઉં છું….’ ‘ખોટું…સાવ ખોટું ! દુષ્યંતની ખુલ્લી છાતીમાં પોતાની નાજુક કલાઇઓની મુક્કીઓ મારતી તે દુષ્યંતની અડોઅડ બેસી ગઇ. તેની સાડી માંથી વિદેશી પરફ્યુમની સુગંધ મહેંકતી હતી.

‘અરે વાઉ રાણી. આજ તો બહુ તૈયાર થયા છો ને શું ? બનીઠનીને કઇ બાજુ જઇ આવ્યાં એ તો કહો.’ દુષ્યંતે તેની માંસલ પીઠ પર હાથ પસવારતાં પૂછ્યું. રોમા ક્ષણેક ચમકી. પણ આ બધી જ પરિસ્થિતિઓ માંથી સાંગોપાંગ કેમ છટકવું એ હવે તેને આવડી ગયું હતું. તેણે નજરો નચાવીને કહ્યું : ‘અરે, હા, આજે આપણે બહાર જવાનું હતું એ તો યાદ જ ન આવ્યું. મારી એક ફ્રેન્ડ-દક્ષા, અહીં સાસરે છે. મેં તેમને વાત નહોતી કરી? આજે અચાનક એ યાદ આવી ગઇ. થોડાક દિવસો પહેલાં મને ‘A to Z’ માં મળેલી. તો બહુ ધોખો કરતી હતી. મને થયું : આજે જઇ આવું. તો એની સાથે વાતોવાતોમાં મને એ જ ભૂલાઇ ગયું કે આજે તો આપણે બહાર જવાનું છે ! સોરી દુષ્યંત. આઇ એમ સો સૉરી. નેક્સ્ટ ટાઇમ આવી ભૂલ નહી થાય. પ્રોમિસ !’

દુષ્યંત હસ્યો. ‘હું તો યાદ હતો કે મનેય ભૂલી ગઇ હતી? અને પછી રોમાના ગળા ઉપર પડેલાં દંતવ્રણના ભૂખરા ડાઘ તરફ જોતા બોલ્યો, ‘તારી બહેનપણી પુરૂષ જેવી લાગે છે. આ જો, તેની સાબિતી…’ ‘ઓહ નો…’ રોમા થરથરી ઉઠી. ‘એ બહુ ભાવુક છે. મારા મેરેજ પછી અમે આ રીતે એકાંતમાં પહેલી જ વાર મળ્યાં ને એણે લાગણીમાં આવીને મને ભીંજવી દીધી. જુઓને…આ એણે મને…કોઇ જુએ તો…’ રોમા શરમાઇ જતાં બોલી : ‘અદ્દલોઅદ્દલ તમારા જેવી છે.’ અને દુષ્યંતની આંખોમાં આંખ પરોવી કહ્યું, ‘તમને તમારી રોમા ઉપર વિશ્વાસ તો છે ને?’

‘છોડ યાર…’ દુષ્યંત રોમાના ગાલ ઉપર ટપલી મારી. ‘હું તો ખાલી મજાક કરતો હતો. માઠું લગાડતી નહીં. બાય ધ વે, એક વાત કહું ? આમ તો તું છો જ એવી બ્યૂટિફૂલ. પુરૂષ તો ઠીક, કોઇ સ્ત્રી પણ તને એકાંતમાં જુએ તો તને મોહી પડે. બરાબર ને ?’ ‘જવા દે ને જુઠ્ઠા…ચલ…’ રોમાએ કૃત્રિમ છણકો કર્યો. અને બાહુપાશ પ્રસારીને સહેજ દુષ્યંત તરફ ઝૂકી… ’તો પછી શું પ્રોગ્રામ છે આજનો ?’ ‘બસ, ઔર નહીં કૂછ ઓર નહીં. આમ જ…તારા પ્રેમના દરિયામાં ડૂબવાનું મન…’ અને દુષ્યંતે રોમાને આશ્લેષમાં ઝકડી લીધી.

** *** ****
જીતુને આમ તો વીડિઓ સી.ડી. ની દુકાન હતી. રોમા, સલમાનખાનની આશિક ! સલમાનનાં જેટલાં પિક્સર બહાર પડે એ રોમાને જોયા વગર ચેન ન પડે. જીતુને ધીરે ધીરે કરતા આ વાતની ખબર પડતી ગઇ. એટલે રોમા જેવી દુકાનનું પગથિયું ચડતી કે જીતુ બોલી ઉઠતો : ‘આ એક નવી જ સી.ડી. આવી છે. એમાં એકલા સલમાનનાં જ ગીત છે.’

‘ઓહ…ઇટ્સ ફાઇન. થેન્ક યૂ.’ ‘થેન્ક યૂ ટૂ…પણ એક વાત કહું ?’ ‘બોલે તો ?’ રોમા ઝૂલ્ફોને ઝાટકો આપતા માદક્તાભર્યુ હસી. ‘બોલે તો ?’ જીતુએ પૂછ્યું : ‘તમને સલમાનનાં જ પિક્ચરો કેમ ગમે ?’ બોલે તો આમીરખાન, શાહરૂખખાન,સંજયદત્ત, અનિલકપુર, અભિષેક બચ્ચન…બધા જક્કાસ હીરો છે.’

‘નો. નો. નો.’ રોમાએ કહ્યું : ‘સલમાન ઇઝ સલમાન. આઇ લવ સલમાન. માય લવ ઇઝ સલમાન. તેની બોડી લેગ્વેજ, ઇમોશન્સ, એક્સ્પ્રેશન, ફાઇટીંગ, વાઉ સ્પાકીંગ સેન્સેશન…! પણ તમે નહી સમજો. કેમ કે તમે સ્ત્રી નથી’ ‘પણ પુરૂષ તો છું ને ? એક હીરો તરીકે સલમાનને પસંદ કરો. પણ પુરૂષ તરીકે આ સામે ઊભો છે એક હેન્ડસમ જુવાન. એ તમને ન ગમે?’ ‘ફુલિશ…યુ આર ફુલિશ…નો…નો…નહીં યુ આર ઓન્લી જોકર.’ ‘થેન્ક યૂ…’

-અને રોમા હસી પડી જીતુની ખેલદિલી ઉપર. હવે જીતુ તેને કંઇક રીતે ટચીંગ લાગ્યો. અને ધીરે ધીરે ચાલતો આ વાર્તાલાપ ચર્ચા, કોમેન્ટ, મજાક અને જોક બનીને બન્નેના દિલને પરસ્પરની જિંદગી સુધી ખેંચી ગયો. અને રોમાની જિંદગીમાં જીતુની ધમાકેદાર એન્ટ્રી થઇ. અલબત્ત જીતુ ય કંઇ કમ નહોતો જ. એ પણ ફિલ્મ સ્ટાર જેવો જ સોહામણો હતો. એનું વર્ણન કરવા બેસીએ તો આ રીતે થઇ શકે : વાંકડિયા ઝૂલ્ફાં, સીમેટ્રીક બોડી સ્ટ્રક્ચર, ગોરા વાન, મોટી આંખો, ચેહરા ઉપર ઊગી નીકળેલી એકવીસ વર્ષીય કાચી-કરકરી દાઢી.

એની આંખો ઉપર મોંધા ગોગલ્સ રહેતા તેથી ચેહરાનો ગેટ અપ આકર્ષણ ઊભું કરતો. તે હંમેશા જીન્સના પેન્ટ ઉપર ફુલ્લી ડાર્ક કલરના ટી-શર્ટ જ પહેરતો એટલે તેનું જીસ્મ ચુસ્ત લાગતું. એક બે જાકીટ બદલાવ્યા કરતો. પગમાં રેડચિફ, ખાદીમ કે બાટાનાં મોંધામાં મોંધા સેન્ડલ અથવા વુડલેન્ડનાં લેધર શૂઝ. એની પાસે અલ્ટ્રા મોડેલની બાઇક રહેતી જે તિતલીઓને આકર્ષવા માટેનું ઇમ્પોર્ટેડ માધ્યમ હતી.

એકવાર રોમા કોલેજથી ઘર તરફ આવી રહી હતી. ત્યારે સાવ ચીલાચાલુ સંવાદ બન્ને વચ્ચે બોલાયેલો. સ્વભાવિક, જીતુએ બાઇક તેની અડોઅડ ઊભું રાખીને કહેલું, ‘ચલો જનાબ, બેસી જાવ. મારે તમારા ઘર પાસે જ જવાનું છે.’ ‘નો થેન્કસ. હું ચાલતી જ આવીશ.’ રોમાએ ખંભા ઉછાળ્યા. ‘ચાલોને મેડમ. આવી ગાંડી રીસ કોની સાથે ? મારી સાથે ? તેણે ગોગલ્સ ઉતાર્યા. ‘ ‘રસ્તા જુદા થઇ જશે તો મંઝિલ નહી મળે. જીગર, આ જિંદગીને જીવી લેવાની મઝા છે.’ ‘કવિ છો? શાયર છો?’

‘છું નહી. પણ તમને જોયા પછી લાગ્યું કે લોકો અમસ્તા નહીં શાયર થઇ જતા હોય ને?! સાલ્લુ, એની પાછળ કોઇ વજુદ તો હશે જ. આજે મને સમજાયું કે- જીતુએ ડોકને ઝટકો આપ્યો, ‘ચાલોને હવે, આ નાચિઝની ગાડી પાવન કરશો તો શહેરમાં એક માણસ પાગલ થતો બચી જશે.’ રોમાએ જીતુની પીઠ પર ધબ્બો માર્યો. અને પછી પાછળ ચીપકીને બેસી ગઇ. જીતુએ બાઇક સ્ટાર્ટ કર્યુ. પોતાની પીઠ ઉપર રોમાનાં ઉરોસ્ત ભીંસાતા હતા. કોઇ પુરૂષનો પ્રથમ સ્પર્શ…રોમાની અંદર ખળભળાટ મચી ગયો. આ જુવાની…રોમેન્ટિક સંગત…અને જીતુનો સ્પિરિટ !

-રોમાને ભીંજવવા માટે આટલું તો બસ હતું. કાંઠો કેટલાય દિવસથી ભરતીનો ઇન્તઝાર કરતો હતો. આજ ખૂદ દરિયો જ ગાંડો બનીને કાંઠાને ધમરોળી રહ્યો હતો. રોમા, જીતુના પ્રેમપાશમાં એવી તો બંધાઇ ગઇ કે તેના પોતાના લગ્ન થયાં છતાંય એ કે જીતુ, બન્ને માંથી કોઇપણ એ બંધન માંથી છૂટી ન શક્યા. રોમાનો પતિ દુષ્યંત પોર્ટમાં સારા હોદ્દા પર હતો. એ સવારે દસ વાગે જમીને ચાલ્યો જતો. સાંજે છેક છ વાગ્યે આવતો. જીતુ જે શહેરમાં રહેતો ત્યાંથી રોમા પરણીને જે શહેરમાં આવી ત્યાં શિફ્ટ થઇ ગયો. ધંધો ત્યાં શરૂ કર્યો. જો કે ધંધા તો એક બહાનું હતો.

મૂળતો રોમા તરફનું ખેંચાણ તેને ત્યાં ખેંચી ગયું. અલબત્ત, રોમાને પણ જીતુની આ યુકિત ચોક્કસ ગમી ગઇ હતી. એટલે દુષ્યંત જેવો નોકરીએ જતો કે જીતુનો ફોન આવતો. જીતુએ રોમાના ઘરનો નંબર અને સરનામું મેળવી લીધાં હતાં. જીતુનો ફોન આવે કે રોમા તરત જ તૈયાર થઇને બહાર નીકળી જતી. બન્ને કોઇ ગાર્ડનમાં, હોટલમાં કે ટોકિઝમાં મળવાનું ગોઠવતા હતા. હજી તો લગ્નને એક વરસ પણ પૂરું નહોતું થયું.

પણ રોમા માત્ર શરીરથી જ દુષ્યંત સાથે હતી. મનથી નહી. જીતુની સાથે તો મનથી તો ખરી, તનથી પણ હતી. જીતુની લાઇફસ્ટાઇલ ટપોરી બોય જેવી હતી. રોમાને રફ એન્ડ ટફ પુરૂષ પહેલેથી ગમતા. દુષ્યંત તો ગંભીર પ્રકૃતિનો માણસ હતો. જીતુ ચંચળ, આવેગશીલ અને શેખચલ્લી પ્રકારના વિચારો ધરાવતો હતો. એ જ શૈલીથી જીવતો ત્યારે દુષ્યંતની બુધ્ધિ ઠરેલ હતી. જીતુની નજરનાં કેન્દ્રમાં રોમાની જવાની અને શરીર હતું. એ રોમાના રૂપ યૌવનનો તરસ્યો હતો. દુષ્યંતે રોમાના શરીરને નહીં પણ તેના આત્માને ચાહ્યો હતો. રોમાને એની જાણ નહોતી.

*** *** ***
દસ અગિયાર મહિના આમ જ નીકળી ગયા. એક દિવસ દુષ્યંત ઓફિસેથી આવ્યો. રોમા ઝૂલા પર હિંચકતી હતી. ‘હાઉ સ્વીટ !’ કરતો દુષ્યંત તેની પડખે બેસી ગયો. રોમા દૂર હટી ગઇ. ‘વોટ્સ પ્રોબ્લેમ, રોમા ?’ દુષ્યંત હસીને નજીક સરક્યો ‘થાક્યો પાક્યો આવ્યો છું તારું સાંનિધ્ય માણવા. તારા પ્રેમના જામને ઘટક ઘટક પીવાને તું દૂર થતી જાય છે, રોમા? એક વાત સમજાતી નથી. જેમજેમ હું તારી નજદીક આવતો જાઉં છું તું તેમતેમ મારાથી દૂર જતી જાય છે. શું હું તને પસંદ નથી? મારો પ્રેમ ક્યાંય ઓછો પડ્યો? શું મેં તને કોઇ વાતની કમી રહેવા દીધી છે ?’

‘અરે નહીં તો…!’ રોમા ચમકી. દુષ્યંત, હું તમારી જ છું અને જિંદગીભર તમારી થઇને જ રહેવાની છું. કહો, હા કે ના?’ ‘કદાચ…તારા મતે હા, મારા મતે ના.’ દુષ્યંતે કહ્યું : ‘વેલ, આપણા મેરેજને આવતી બારમી તારીખે એક વરસ પૂરું થાય છે. જોતજોતામાં દિવસો કપૂરપેઠે ઊડી ગયા. ફસ્ટ મેરેજ અનિવર્સરી પણ આવી ગઇ. મને વિચાર આવ્યો, ફાગણિયો ઉનાળો છે. મેં સીમલા, કૂલુ, મનાલી જવાનું વિચાર્યુ છે. લાઇફ એન્જોય કરીશું. મજા લૂંટશું. બોલ, જઇશું ને ?’

‘અંહ…ક..’ રોમાએ ખભા ઉછાળ્યા. પણ એમ કરીએ તો ? પંદર દિવસની તું રજા લઇ લે. આટલામાં જ ફરીએ.’‘નહી, જરાય નહી.’ દુષ્યંતે કહ્યું, ‘વરસોથી મારું એક સ્વપ્ન હતું કે લગ્ન થશે પછી મારી પત્નીને લઇને હું સીમલા જઇશ. અને આજે એ સપનું સાકાર થઇ રહ્યું છે. ટિકિટ બુક કરાવી લીધી છે. આજકાલમાં તો ટિકિટ કન્ફર્મ થઇ પણ જશે. રોમા, તારે હા પાડવી જ પડશે.

-રોમાએ મનેકમને સંમતિ આપવી જ પડી. દુષ્યંતે સીમલા જવા માટે ટિકિટ બુક કરાવી લીધી. ચોથી તારીખે નીકળવાનું હતું. પંદર દિવસ એકદમ રોમેન્ટિક વાતાવરણમાં જીવવાનું હતું. દુષ્યંત, આવનાર સોહામણા દિવસોની સ્વપ્નસૃષ્ટિમાં રાચતો હતો. રોમા, જીતુ વગર આટલા દિવસોની કેમ પસાર થશે એ વિચારે વિહ્વળ થઇ રહી હતી. ‘રૂબરૂ તો ઠીક, પણ ફોન ઉપરેય નહી મળાય?’ ના તીવ્ર અફસોસ સાથે એ મનમાં ને મનમાં સોરાતી જતી હતી.

*** *** ***
અગિયારમીએ સવારે જ તેઓ સીમલા પહોંચી ગયા. એકદમ બર્ફીલુ વાતાવરણ, સુગંધિત ખૂશનૂમા હવા. પહાડીઓની સુંદરતા. વનનો વૈભવ અને નયનરમ્ય ગુલાબી ! દુષ્યંત તો પ્રકૃતિનું આવું સરસ નિરાળું સાંનિધ્ય માણીને ખુશખુશાલ થઇ ગયો પણ રોમા, સીમલાની સીમમાં પોતાના જીતુને શોધી રહી હતી. આખો દિવસ બન્નેએ સીમલાની સૃષ્ટિનું રસપાન કર્યુ. બીજા દિવસની સવાર પડી. બન્ને નીકળી ગયા. દુષ્યંતે હાથ પકડીને રોમાને તેની ભીતર ઊછળતા પ્રેમનાં દરિયામાં ડુબાડી રાખી, ભીતરમાં ઝબકોળવાનો પ્રયત્ન કરતો રહ્યો પણ રોમા…

રોમા તો પોતાના સ્વપ્નના શહેજાદાની યાદમાં ઉદાસ થતી થતી સુકાઇ રહી હતી. બારમીની રાત પડી. કાચની બારી માંથી દેખાતું સીમલાનું રૂપવૈવિધ્ય ! એ સૃષ્ટિની નજાકત ! પ્રકૃતિની નયનરમ્યતા. બરફના પહાડોની સુંદરતા…

રોમા બારીએ ઊભી ઊભી દૂર રહેલા પહાડો માંથી કશુંક ખોળી રહી હતી. જાણે! ત્યાં જ દુષ્યંત નજીક આવ્યો. એક ગરમ ઉચ્છ્વાસનો રોમાની ગ્રીવાને સ્પર્શ થઇ રહ્યો. તે પાછું ફરી, દુષ્યંતે એક મોટું પેકેટ તેના હાથમાં આપતા કહ્યું, ‘રોમા, આ આપણી મેરેજ એનિવર્સરીના શુભ દિવસે મારા તરફથી પ્રેઝન્ટ આપું છું. તું સ્વીકારીશને?’

‘ઓહ ! દુષ્યંત. મને લાગણીશીલ ન બનાવ.’ રોમા બોલી. અને પેકેટ હાથમાં લઇને આમતેમ જોતી પૂછી રહી, ‘આમાં શું છે?’ ‘તું જોઇ શકે છે.’ રોમા પેકેટ ઉપરના રંગીન કાગળના આવરણને પળભર તાકી રહી અને પછી કાગળનું રેપર તોડ્યું. તો અંદર બીજું પેકેટ હતું. રોમાએ એ પેકેટને તોડ્યું તો અંદરથી એક કિંમતી મોબાઇલ ફોન નીકળ્યો. ‘આ શું…?’ રોમાએ આશ્વર્ય અનુભવતાં દુષ્યંતને પૂછ્યું.

એ મારા હ્રદયની તારા તરફની લાગણીનો પ્રતિભાવ છે, રોમા, જેને મેં મારા શબ્દોમાં મૂર્ત કરેલ છે. વાંચી જો ને.’ દુષ્યંતે કહ્યું. એ કવર રંગીન હતું. રોમાએ તે ખોલ્યું તો અંદર ગડી કરેલો ગુલાબી રંગનો કાગળ હતો જેમાં દુષ્યંતે લખ્યું હતું :

રોમા,

શાસ્ત્રોમાં કહ્યું છે કે લગ્ન તો બે આત્માનું મિલન છે. જેમાં બે શરીર તો જોડાય છે પણ આજ સુધી અજાણ્યા સ્ત્રી-પુરૂષ અને હવે પતિ-પત્ની બનેલા એ બન્નેના મન પણ જોડાય છે. સ્ત્રી-પુરૂષ, અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરે છે. પુરૂષ સ્ત્રીનું પાણિગ્રહણ કરે છે અને કન્યાના મા-બાપ કન્યાદાન કરી દે છે. એ દાનને શુધ્ધ જાણીને પતિ સહર્ષ સ્વીકારી લે છે. અહીં ચાર ફેરા ધર્મ, અર્થ, કામ અને મોક્ષનાં ગણાવ્યા છે. પત્નીએ પતિના પગલે પગલે ચાલવાની સપ્ત્તપદીના મંત્રોચ્ચાર થાય છે. ચાર ફેરા ફરીને સ્ત્રી-પુરૂષ એકબીજા પ્રત્યે વફાદાર રહેવાની શીખ અપાય છે. પરંતુ મારા મતે લગ્ન તો માત્ર શરીરનું જ મિલન છે, મનનું નહીં. જો લગ્ન પછી પતિ-પત્નીનાં મન મળી જાય તો કદિ તેમની વચ્ચે ઝધડો, સંતાપ કે મન-દુ:ખ ઉપસ્થિત થતું નથી. માત્ર શરીર મળવાથી શું? માણસ સપ્ત્તપદીના કોલને ભૂલી સાહચર્યનાં સુંદર પંથને છોડી ભૂતકાળ અંગારપથ ઉપર ચાલવા તૈયાર થઇ જાય છે. એને ખ્યાલ છે કે એ રસ્તે જતા જરૂર દાઝવાનું છે.

છતાં પણ…. એ કેમ સાચું વિચારી શકતો નથી? પણ મેં વિચારી લીધું છે. લગ્ન એ આપણા શરીરના મિલાપ માટેની એક ફોર્માલિટી હતી. હું તારા શરીર સુધી પહોંચ્યો તો શું ખાક પહોંચ્યો ? મારે તો તારા મન સુધી પહોંચવું હતું. પણ એ અફસોસ કાયમનો જ રહ્યો. તું મારાથી ડરીડરીને રહે છે એ વાત જયારથી મારી સમજમાં આવી ત્યારે હું દુ:ખી થયો. તારું દુ:ખ રૂ-બ-રૂ કહીને મીટાવી શકવાનો નહોતો એટલે તો આ શબ્દનો સહારો લીધો છે. હવે તું મારા પકડ કે ડરથી બોર્ડરથી મુકત છે. તને પ્રોમીસ આપું છું કે કોઇ દિવસ તને કશું કહીશ નહી. તું બિંદાસ્ત રહેજે. કેમ કે મારો પ્રેમ જ ઓછો પડ્યો ત્યાં કોઇનો શું વાંક કાઢવો?

આ મોબાઇલ તને પ્રેઝન્ટમાં આપું છું. જેના વડે તું જીતુ સાથે ગમે તે સમયે, ગમે ત્યારે એકાંતમાં અને નિરાંતે વાત કરી શકીશ. હવે તને સમયની, મારી કે ભોલુરામની કોઇની બીક નહીં રહે. તું મુક્ત છે. આઇ પ્રોમિસ યુ…યુ મે એન્જોય વીથ જીતુ…

-દુષ્યંત

રોમા જેમ જેમ પત્ર વાંચતી ગઇ તેમ તેમ તેની આંખોમાં દરિયો ઉમટવા લાગ્યો હતો. પત્ર વાંચીને એણે મોબાઇલનો ધા કર્યો અને પોટલું બનીને દુષ્યંતના પગમાં પડી ગઇ. ‘મને માફ કરી દે, દુષ્યંત….મને માફ કરી દે ! રોમાનું એક રોમ પણ હવે જીતુ વિષે નહીં વિચારી શકે. દુષ્યંત ધ્રુસકે ધ્રુસકે રડતી રોમાને અને તૂટી ગયેલા મોબાઇલનાં ઇન્સ્ટ્રુમેન્ટને તાકી રહ્યો. અને પછી ગળે લગાવીને કહ્યું…લગ્ન જો તારે માટે વિશ્વાસ હોય તો તારી પહેલી અને છેલ્લી ભૂલ મને મંજૂર છે.

લેખક : યોગેશ પંડ્યા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ