સાચુંં સરનામુંં….સાજન નું.. – એની એ ભૂલ ફરીથી ના થાય એવું એ નહોતો ઈચ્છતો, લાગણીસભર અંત છે ચુકતા નહીં..

પોસ્ટ માસ્ટર, સોર્ટીગ કારકૂન, ગૃપ-ડી અને હમણાં હમણાં જ ઇ.ડી. એજન્ટની ટેમ્પરરી પડતી ખાલી જગ્યા પર પોસ્ટમેન તરીકે કામ કરવા આવતા મનોહર ડીલીવરી રૂમમાં વહેલી સવારની મેઇલ્સમાં આવેલા થેલા જયાં ખાલી કરતો હતો ત્યાં જડી.ઓ ઓફિસ માંથી આવેલું ભુરા રંગનું એક પરબીડીયું સૌની નજરમાં પહેલુ ચડી ગયું…

“એ કવરમાં શું હશે ?” નો ક્રેઝ પોસ્ટ ઓફિસમાં કામ કરતા કોઇપણ કર્મચારીને ઉત્કંઠાના રૂપમાં રહેલો હોય છે. એટલે સૌની પહેલા એ કવર કોણ ઉઠાવી લ્યે. એની હોડમાં સૌ કોઇ કશું વિચારે એ પહેલા જ ક્ષણનાં છઠ્ઠા ભાગમાં મનોહરે એ તક ઝડપી લીધી. સોર્ટીગ કારકુન પરમાર “શું હશે?” ની ઉત્કંઠામાં ઉભા થઇ ગયેલા મનોહરનાં હાથ માંથી એ કવર ઝૂંટવી લેવાની મીઠી અવઢવમાં હતો ત્યાં જ પોસ્ટ માસ્તર અગ્રવાલે જ હસતા હસતા એ પરબીડિયું મનોહરનાં હાથમાંથી સેરવી પણ લીધું. એટલે હસુ પોસ્ટમેન આંખોમાં સજાવેલ સપનાંને મોકળા કરતા બોલી ઉઠયો: ‘સાહેબ, શું મારું સાયકલ એલાઉન્સ પાસ થયાનો ઓર્ડર છે કે શું ?’

“ના ના આ તો મારાં જી.પી.એફ ફાઇનલનો હુકમ લાગે છે. બાજુમાં ઉભેલો પરમાર બોલી ઉઠયો. પરતું કવર ફોડતાની સાથે જ, અંદરનો કાગળ જોઇને અગ્રવાલના ચહેરાની રેખાઓમાં અનોખો ફેરફાર થવા લાગ્યો. ચાર ગડી વાળીને રાખેલા એ કાગળને ખોલીને વાંચતાની સાથે જ તેમના ચેહરા પર હર્ષોલ્લાસ છવાઇ ગયો. આનંદનો ઉમળકો સ્વરમાં ઉભરાઇ ગયો: “અરે મીના વાસંતી, લલીતા, અર્જુન… મારી ટ્રાન્સફરનો ઓર્ડર આવી ગયો…” પોસ્ટ ઓફિસની જોડાજોડ જ રહેલા કવાર્ટર માંથી તેમના પત્ની દોડતા આવી પહોંચ્યા : “શું કહ્યું ? તમારી ટ્રાન્સફરનો ઓર્ડર?”

“હા લલીતા…આપણી ટ્રાન્સફર ! આપણા વતનમાં !!! અગ્રવાલનાં દિલોદિમાગ પર ખુશીના તોફાને એટલી તો માઝા મુકી કે એમણે સ્થળકાળનો સારાસાર ભુલી વ્હાલસોઇ પત્નીનાં ગળે હાથ વીંટાળી દીધો. સામે ઉભેલા સૌ કોઇ આ ખુશીઓને ઝૂંટવવા માંગતા નહોતા એટલે શરમાઇને અવળું ફરી ગયા. “અરે પણ છોડો મને…” કહેતા લલીતાદેવી શરમાઇને અંદરનાં ભાગે દોડી ગયા. ત્યાં તેમની યુવાન પુત્રી વાસંતી ઘસી આવી. “પપ્પા,આપણી બદલી?”

“હા બેટા…આપણા ગામમાં જ વાસંતીના ચેહરા પર ડોલરનું સ્મિત ફરી વળ્યું. તેના સફરજન જેવા ગાલ પર ગુલાબી લાલી ફરી વળી. મનોહર યુવાનીથી થનગનતી વાસંતીને તાકી રહ્યો પણ વાસંતીનું ધ્યાન અત્યારે તેના પર નહોતું. અત્યારે તો તેનું તન બદન હિલ્લોળે ચડયું હતું. તેની કાળી કીકીઓમાં ખુશીનો સમંદર લહેરાઇ ગયો હતો. તેના યૌવનથી છલબલતા શરીરમાં ઉલ્લાસની ભરતી ચડી ગઇ હતી. તેના પગનાં હરણાંની ઠેક આવી ગઇ હતી. એ પણ દોડી…પણ અચાનક કૈંક યાદ આવી ગયું હોય એમ ટપાલનું સોર્ટીગ કરી રહેલા મનોહરને આ ખુશીઓ બાંટવાનું ભુલી ગઇ હોય એમ પાછી વળી ગઇ…

અને, પોતાનો દુપટ્ટો છાતી પર સરખો ખેંચતી તેની સન્મુખ આવીને ખડી રહી ગઇ, “મનોહર પપ્પાની ટ્રાન્સફર…” “જાણું છું વાસંતી. એ કવર સૌની પહેલા મારા હાથમાં જ આવ્યું હતું…” “હવે અમારે જવું પડશે..” કહેતા ઘડી પહેલાની ખુશી જાણે ગાયબ થઇ ગઇ અને તેની જગ્યાએ ઉદાસીએ સ્થાન લઇ લીધું. વાસંતી સહેજ ગળગળી થઇ જતી બોલી, “તને છોડીને…”

“નોકરીયાત હોય એને સરકારના હુકમ સાથે એ સ્થળ તો છોડવું પડે છે. એ માયા પણ છોડવી પડે છે વાસંતી! અને, સાહેબ તો ભાગ્યશાળી છે કે બહું ઓછાં પ્રયત્નોમાં બધુ પતી ગયું. નહિંતર તો પૈસાનું પાણી કરે તો ય વતનમાં જઇ શકાતું નથી.” “પપ્પાને તો માત્ર આ સ્થળ છોડવાનું છે. જયારે મારે તો તને છોડવાનો છે મનોહર…” વાસંતીનાં હોઠો ઉપર શબ્દો આવી ગયા પણ તે બોલી ન શકી. હળવે પગલે બહાર ચાલતી થઇ ગઇ મનોહર તેને જતી જોતી રહ્યો…! આ વાસંતી !! જેની લાગણીને કારણે તો પોતે અહીં ટકી ગયો હતો. નહિંતર તો ભાયાણી અને ઉસ્માન જેવા કાયમી પોસ્ટમેનની ચડવણીથી પોતે પોતાના જ પગ ઉપર કુહાડી મારી દીધી હતી.

એક સરકારી હાઇસ્કુલમાં પટ્ટાવાળા વેલજીભાઇનું ચોથું સંતાન મનોહર અને વાસંતી છેક પાંચમા ધોરણથી સાથે હતાં. મનોહરની કાળી કાળી મોટી આંખો, કાળા ભમ્મર ઝૂલ્ફા, કસાયેલું શરીર અને તેનો મસ્તીભર્યો સ્વભાવ !! વાસંતીના મનમાં મનોહરે એક પોતાનો માળો બાંધી દીધો હતો એ તો મનોહરને ક્યાં ખબર હતી? પણ સાથે, ભણતા ભણતા દસમાં ધોરણમાં આબુ અંબાજીનો પ્રવાસ જવાનો હતો. એમાં, નબળી આર્થિક પરિસ્થિતીને લીધે મનોહર પ્રવાસની ફી ન ભરી શક્યો અને તે નામ નોંધાવી ન શક્યો…એ નિમિતે બન્ને વચ્ચે પ્રેમનો પાયો નંખાઇ ગયો હતો.

ફી ભરવાનાં આગલા દિવસે, સ્કુલેથી છૂટી તે ઘર તરફ જતો હતો. ત્યાં જ વાસંતી સામે મળી. બન્ને જવાન દિલની ભીતર કંઇક રણઝણ્યું. બન્નેની આંખો મળીને એ નજરનાં અનુસંધાનમાં લાગણીના બે ફુલ ખીલી ઉઠયા. વાસંતી પૂછી બેઠી: તું પ્રવાસમાં આવે છે ને મનોહર ?” “ના” “કેમ ? તું કેમ નથી આવતો ? તું આવને મનોહર, મજા આવશે.” “મારે આવવું છે પણ પૈસાનો સવાલ છે. બાપુજી પાસે પૈસા માગું તો વઢે છે.”

“અરે, એમાં શું, હું આપી દઇશ.” કહેતી વાસંતીએ તેની પ્રવાસ ફીના બસ્સો પચાસ રૂપિયા ભરી દીધા. અને મનોહર માટેની સિફારીશ પણ કરી દીધી. પ્રવાસમાંથી ઘરે આવ્યા પછી બીજે દિવસે વાસંતીએ મનોહરને કહ્યું. “મારા પપ્પાને તારૂ કામ છે, આવજે…”

બીજે દિવસે મનોહર, પોસ્ટ માસ્તર અગ્રવાલ સામે અદબ વાળીને ઉભો હતો. પોસ્ટ માસ્તરે તેને નીરખ્યો. પછી કહ્યું. “પોસ્ટમેન તરીકે કામ કરવું ગમશે ?” જવાબમાં મનોહરથી હકારમાં નજરો નીચે ઢળી ગઇ. બીજા દિવસથી તે લાગી ગયો. સાડાબારથી સ્કુલ શરૂ થતી. તે સવારના સાતથી બાર વાગ્યા સુધી ટેમ્પરરી પોસ્ટમેન તરીકે જોડાઇ ગયો. કામ કરવાની ખૂબ મજા આવતી. પણ ભાયાણી અને ઉસ્માન જેવા કાયમી પોસ્ટમેનોને મનોહર આંખના કણાંની માફક ખૂંચવા લાગ્યો હતો…ટેમ્પરરી જગ્યાનો પગાર બે મહીના પછી ડિવિઝન માંથી આવતો એટલે એ બન્નેએ મનોહરને ચડાવ્યો. કહ્યુ કે ‘તારો પગાર તો અગ્રવાલ સાહેબ રોકી રાખે છે જા, તું એને ધમકી આપી આવ…”

-મનોહર ખોટા માર્ગે વળી ગયો. જઇને અગ્રવાલને ધમકી આપી “હું જોઇ લઇશ. એસ.એસ.પી. ને લખીશ. કે પોસ્ટ માસ્તર મારો પગાર રોકી રાખે છે…”

બેટીની વિનંતિ ઉપર રાખેલો નવો નિશાળીયો જુવાન, પોતાને બધાની વચ્ચે “હુંકલાતુંકલા” કરી જાય એ અગ્રવાલને માન્ય નહોતું એણે પગાર તો આપી દીધો. સાથે સાથે છુટ્ટો કરવાનો હુકમ પણ પકડાવી દીધો. મનોહર હવે છુટ્ટો હતો. ઉસ્માન અને ભાયાણી ખીલખીલ હસતા હતા. સાચી વાત સમજમાં આવતા મનોહરને ભુલ કર્યાનો અહેસાસ થયો પણ હવે શું…? હવે તો એ ઉદાસ થઇ હાઇસ્કુલને પગથીયે બેસી રહેતો. વાસંતીએ એને ઠપકો આપ્યો, “તારે પપ્પા આગળ આવું ન બોલવું જોઇએ. ચાલ, પપ્પા પાસે માફી માંગી લે…”

-પરંતુ, ભાયાણી અને ઉસ્માનનું નામ પાડ્યા પછી પણ અગ્રવાલના મનમાં એ ડંખ ન ગયો તે ન જ ગયો ! ફરી વખત, પુત્રીની વિનંતીથી મનોહરને ફરજ ઉપર લીધો તો ખરો પણ તેમને જે મનોહર પ્રત્યે પહેલા જેવો ભાવ રહ્યો નહોતો !! મનોહરને એનું દુ:ખ હતું. પોસ્ટ માસ્તરના હૈયાની ભીતર રહેલા એ ડંખને ભુંસવા હવે તો એ દોડી દોડીને ઘરના કામ પણ કરી નાખતો. રજાના દિવસોમાં ઘરનું દયણું દળાવી લાવવું. ચીજવસ્તુ લાવી દેવી, શાકબકાલુ લાવી દેવું, સાહેબના પાન લાવી દેવા, ભીમા ભરવાડના ઘરેથી સવાર સાંજ દુધ પણ લાવી દેવાનું કામ…

પ્રેમથી બધુ કરતો… છતા, પોતા પ્રત્યે સાહેબને એવો ઉમળકો ચડતો નહી. એણે વાસંતીને એકવાર અફસોસ સાથે કહ્યું હતું. “સાહેબ હવે પહેલા જેવો પ્રેમ કે ઉમળકો બતાવતા નથી.” “એ તારી ગલત ફેમી છે. હવે એમને તારા પ્રત્યે કશું રીંસ ધોખો નથી.” “રીંસ ધોખો તો નથી પણ પ્રેમ પણ નથી વાસંતી ! હું સાહેબનો પ્રેમ ઝંખુ છું…” “પપ્પા બહુ ‘મુડી’ માણસ છે. એમને મૂડ ચડશે તો તને –એ ઇન્તઝાર કરવો રહ્યો.

*** ****
. એ ઉદાસ મને ટપાલનું સોર્ટીગ કરતો રહ્યો ત્યાં જ, અગ્રવાલે તેને ચા લઇ આવવાનું કહ્યું. એ ચા લઇ આવ્યો, પાન પણ લઇ આવ્યો. સાહેબ આજે બધા સાથે ખુશ મીજાજથી વર્તતા હતા. પણ પોતા સાથે…એક અફસોસ સાથે એની આંખમાં ભીનાશ છવાઇ ગઇ…

*** ***
‘રાઠોડ’ કરીને નવા પોસ્ટ માસ્તરે ચાર્જ લઇ લીધો હતો. આજે સામાન ફેરવવાનો હતો. મનોહર સવારથી સામાન પેક કરતો હતો…એ સામાનની ઉપર જેટલી ગાંઠ વાળતો હતો એટલી જ ગાંઠ વાસંતીની ભીતર છૂટતી જતી હતી…ભીતરથી એ ઉદાસ થઇ ગઇ હતી…મનોહર પ્રત્યેના પ્રેમનો આજે કરૂણ અંત આવી જવાનો હતો…સૌ કોઇ પોતાના કામમાં મશગુલ હતું. પોસ્ટ માસ્તર અગ્રવાલ ચાર્જલીસ્ટ મુજબનું રેકર્ડ સોંપવા માટે રાઠોડ સાહેબ પાસે ઓફિસમાં બેઠા હતા…રૂમમાં માત્ર મનોહર અને વાસંતી એકલાં જ હતા.

“મનોહર…” વાસંતી ગળતા સાદે બોલી ઉઠી. “બોલ…” “અમે કાલે નીકળી જઇશું…” “યાદ તો કરીશ ને?” “એવું ન બોલ પગલા ! તને તો કઇ ઘડીએ યાદ નથી કર્યો એમ કહે ને ! મારા દિલના ધબકારમાં તો તું જ સમાયેલો છે. કાશ! સમય સ્થિર થઇ શકતો હોત તો ધબકારો પણ સ્થિર થઇ જાત. અને એ સ્થિર થઇ જાત તો થીજી ગયેલા ધબકારાને તું અનુભવી શક્ત કે હું શું કહેવા માગું છું…”

“મને ખ્યાલ છે વાસંતી કે તું શું કહેવા માંગે છે…તું મને ચાહે છે ને ?” “હા, મનોહર ! હવે તારા વગર હું જીવી નહી શકું, નહીં મરી શકું. મને લાગે છે કે તને છોડ્યા પછી હું પાગલ થઇ જઇશ. હૈયાની ભીતરમાં ! કહુ કહુ થતી વાતને હું કહી તો ન શકી, પણ અણસારમાં તું ઓળખી શક્યો એનો આનંદ છે. પણ તને હવે કહી દઉ કે હવે તું મને ક્યાંક દૂર…દૂર લઇ જા! મને ભગાડી જા. મને તારામાં સમાવી જા. આ દિલ અને દેહ ઉપર હું બીજા કોઇનું નામ નહી કલ્પી શકું…”

“ના વાસંતી ના! દિલના આવેગોને કાબુમાં રાખતા શીખ વાસુ !! આબરૂની પેલે પારેય જીવન છે પણ આનંદ નથી. ચમન છે પણ એ ચમનમાં પતન છે. અને તું તો કોઇના સરનામે પોસ્ટ થયેલો પત્ર છે. એ પરબીડિયા ઉપર તારા પપ્પાએ લખી નાખેલા કોઇના નામરૂપી સરનામાને છેકીને હું મારૂં નામ ન લખી શકું. તો તો મારો ધર્મ લજ્વાઇ ને મારી ફરજને પણ લાંછન લાગે. એક પોસ્ટમેન તરીકે એ પત્રને સાચા સરનામે પહોંચાડવાની મારી ફરજ છે.

પણ તું એ પત્રને મારા નામ સાથે સંગોપીને નવજીવનમાં પ્રસ્થાપિત કરીશ તો આપણા પ્રેમરૂપી પત્રના અક્ષરો ક્યારેય ઝાંખા નહીં પડે! વાસંતી, તું જા…ખાખી વરદીનો પ્રેમ છે. અને વરદી કોઇ દિવસ પોતાની ઓળખ ગુમાવી શકતી નથી…” “મનોહર…”

વાસંતી મનોહરને ખંભે માથું ઢાળીને રડી પડી કે મનોહર તને સાંત્વન આપતા બોલી ઉઠ્યો : “તારી વેદના હું સમજું છું. પણ તારા કહેવાથી જો હું તને લઇને ભાગી જાઉ તો તો મેં અગ્રવાલ સાહેબનો દ્રોહ કર્યો કહેવાય . આ દ્રોહનું પૂનરાવર્તન બીજીવાર, ‘રમત’ બની જાય છે. અને એવી રમત હવે હું રમવા માંગતો નથી…”

-વાસંતી નિ:સાસો નાખીને રૂમની બહાર નીકળવા જતી હતી ત્યાં જ, ક્યારનાય બારણાં આડે વાસંતી અને મનોહરની વાત સાંભળી રહેલા પોસ્ટ માસ્તર અંદર આવી ગયા. અને વાસંતીનો હાથ પકડીને હેતાળવા સાદે બોલી ઉઠયા: “ઉભી રહે બેટા! તારા જીવનરૂપી પત્રનું સરનામું ભલે મેં જ કર્યુ હોય પણ એ મારી ભુલ હતી, કારણ કે એ સરનામું ખોટું હતું. સાચુ સરનામું તો મનોહર છે.”

એમ કહીને તેણે વાસંતીનો હાથ મનોહરના હાથમાં મૂકી દેતા કહ્યું : “બેટા, જીંદગીનાં લક્ષ્યને પામીને તારા જ પગ ઉપર તું જે ઘડીએ ઉભો રહીશ, વળતી ઘડીએ મારી વાસંતીનું વાગ્દાન હું તારા હાથમાં કરીશ ત્યાં સુધી થાપણ મારી પાસે રહેશે.” ત્યારે વાસંતી પોતાના પિતાને ભેટીને ખોબે ખોબે રડી પડી પણ હવે એ આંસુનો સંદર્ભ બદલાઇ ગયો હતો !!!

લેખક : યોગેશ પંડ્યા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ