આશકા, મારી જીંદગી… – તેની સગાઇ થઇ ગઈ છે એ વાત જાણીને તે ડઘાઈ ગયો, વર્ષો થયા હજી લગ્ન કરવા રાજી નથી…

હજી તો મોઢામાં પહેલો જ કોળિયો ને નીચેથી પોસ્ટમેનની બૂમ: ‘ટપાલ…’ ‘લગભગ ઓર્ડર જ…’ કહેતો આનંદ ખાવાનું પડતું મૂકીને ઝટપટ દાદરાના પગથિયા ઊતરી નીચે આવ્યો ત્યારે પોસ્ટમેન આંગણામાં ફેંકી ગયેલ પરબીડિયા પરના હેન્ડ રાઇટિંગ જોતા જ બોલી ઉઠયો: ‘અરે, આ તો દીદીનો લેટર…’

પરબીડિયું ફાડીને ઝટપટ વાંચવા લાગ્યો. દીદીએ લખ્યું હતું પૂજય પપ્પા, મમ્મી અને ભાયલો. આપ સૌ મજામાં હશો. હું પણ મજામાં છું.

બાદ લખવાનું કે એકઝામ ગઇ કાલે પૂરી થઇ ગઇ છે અને ટેસ્ટ પેપર્સ એકદમ સારાં ગયા છે તો ચિંતા કરશો નહીં બીજ, ખાસ તો એ જ લખવાનું કે હું 17 તારીખે ઇન્ટરસીટીમાં સાંજે પાંચ વાગે બોટાદ આવી જઇશ. તો ભઇલો મને બાઇક લઇને લેવા તેડવા આવે સામાનમાં એક બેગ અને બે થેલા છે ત્યાંથી પાંચ વાગ્યા પછી પ્રતાપગઢની કોઇ બસ મળે નહી અને એકલા અવાય નહીં એટલે ભૂલ્યા વગર ભાઇને મોકલી દેજો મોડું થાય તો હું રેલ્વે સ્ટેશનમાં જ રાહ જોતી બેઠી હોઇશ….

તમારી લાડકી દીકરી દેવલના પ્રણામ….

સતર તારીખ?- ઇટ મીન્સ આજે જ? ઓહ માય ગોડ…નીચેથી ‘મમ્મી મમ્મી’ ની બૂમો પાડતો, ધડધડ પગથિયા ચડતો આનંદ ઉપર આવ્યો ત્યાં જ સુનિતા બહેન રોટલી કરતાં કરતાં રસોડા માંથી બહાર આવી ગયાં : ‘ખરેખર ઓર્ડર આવી ગયો?’ ‘ના મમ્મી ના. ઓર્ડર નોકરીનો નથી પણ દીદીનો છે આજે સાંજે પાંચ વાગ્યે ઇન્ટરસીટી ટ્રેનમાં દીદી આવી રહી છે. લખ્યુ છે : આવી જાવ…

સુનિતાબહેન થોડા નિરાશ થઇ જતા બોલ્યા: ‘અરે ભગવાન, મને એમકે તું આટલો બધો આનંદમાં આવી ગયો એટલે લાગ્યું કે ઓર્ડર આવ્યો કે શું?’ ‘કશો વાંધો નહીં મમ્મી, આ શું ઓછા આનંદની વાત છે. અરે હા, હું હવે જલદી જમી લઉ દોઢ તો થયો પાંચ વાગ્યે ત્યાં પહોંચી જવું પડશે નહિંતર મારૂં આવી જ બનશે…’ કહેતો તે લુસપુસ જમવા માંડ્યો.

‘અરે ભાઇ હજી તો ઘણીવાર છે તોય તું આસાનીથી દોઢ કલાકમાં પહોંચી જઇશ…’ સુનિતાબહેન કહેતા રહ્યા પણ આનંદ તો બહેનને મળવા એટલો બધો ઘેલો થઇ ગયો હતો કે મમ્મીની કોઇ વાત સાંભળવા તૈયાર નહોતો!

બાઇક લઇને બોટાદ પહોંચ્યો ત્યારે માંડ સવા-ચાર જેવુ થયુ હતુ પીસ્તાલીશ પચાસ મીનીટની વાર હતી. પ્લેટફોર્મ ટીકીટ લઇને આમતેમ આંટા માર્યા એકવાર ચા પીધી. ત્યાં જ ટ્રેન પણ આવી પહોંચી ચૂપચાપ સળગતી સિગારેટ જેવા શાંત સ્ટેશનની અંદર ચહલ પહલ મચી ગઇ. ફેરિયો, પાણીવાળા, ફ્રુટવાળા અવાજો, પેસેન્જરની ધક્કા મુક્કીથી સર્વત્ર શોર બકોર ફેલાઇ ગયો…

ટ્રેન થંભી ગઇ… આનંદ ઉત્કંઠાથી ફરતો ફરતો બરાબર છેલ્લેથી ત્રીજા ડબ્બે પહોંચ્યો ત્યાં જ ‘ભઇલા’ કરતી દેવલ તેના ગળે વળગી પડી. ‘ઓહ દીદી હાય? હાવ આર યૂ…?’ કહેતા આનંદે પોતાના આલિંગનને શ્હેજ ચૂસ્ત કરીને પછી સાવ ઢીલું કરી નાખ્યું : ‘વેલકમ દીદી, રસ્તામાં તકલીફ તો નથી પડીને?’ ‘એકદમ આરામથી આવી. ફાઇન બાબા ફાઇન…’ કહેતી ખભે પર્સને વિના કારણ આમ તેમ ઝુલાવતી દેવલના શ્વાસશ્વાસ હજી સમાતા ન હોતા. ચેહરા પર ભાઇને મળ્યાનો આનંદ ઓસર્યો ન હતો. શરીર હજી પણ આનંદનાં એજ આવેગથી’ થિરકતું હતું.

‘કેમ છો દીદી? આનંદે પૂછ્યું : ‘પેપર એકદમ સારા ગયા…ને? ‘અરે, એકદમ ફાઇન…’ ‘ફસ્ટ કલાસ?’ ‘સ્યોર…’ -બન્ને ભાઇ-બહેન હસી પડ્યા એટલામાં જ પાછળથી એક યુવતી બન્ને હાથમાં બેગ અને ખભે એક એક થેલો ટીંગાડી ત્યાં આવી પહોંચી. ‘હાય દેવલ ! તું ક્યા ગુમ થઇ ગઇ હતી? બહુ ઉતાવળી? માંડ માંડ આપણો સામાન બહાર કાઢ્યો…’ કહેતી સાવ નજીક આવી ગઇ.

દેવલ હસી પડી અને ટહુકી: ‘ઘણાં દિવસે ભઇલાને જોયો ને એટલે પછી…’ અને તે આનંદ તરફ ફરીને બોલી: ‘ભાઇ, આ છે મારી રૂમ પાર્ટનર આશકા. હું તો તને કહેવાનું જ ભૂલી ગઇ, આશકા….આ છે મારો ભાઇ આનંદ…’ ‘તું કદાચ નહીં કહે તોય એમને ખબર પડી જ જશે બરાબરને ? કહેતા આનંદ અને આશકાની નજર સામસામે ટકરાઇ ગઇ. બસ-એક પળ-બે પળ…આશકાની નજર નીચે ઢળી ગઇ જયારે આનંદ તો તેનામાં ખોવાઇ જ ગયો હતો… ‘અરે, તમે તો એકબીજાને હાય હલ્લો પણ કરતા નથી! એકબીજા સામે જોઇને જ ટાઇમ પાસ કરશો?’

‘હલ્લો આશકા…’ આનંદે હાથ લંબાવ્યો. અવશપણે, આશકાએ આનંદના હાથમાં પોતાની હથેળી મૂકી દીધી. કોઇ, અજનબી યુવતીનો પ્રથમ સ્પર્શ… આનંદના તનબદનમાં ઝણઝણાતી ફરી વળી. તેણે પરિચય પૂરો કર્યો: ‘નાઇસ ટુ મીટ યુ…’ કહી આશકાની સુંવાળી હથેળી ફરતે પકડ ઔર મજબૂત કરી. ‘તમને મળીને ખુબ આનંદ થયો.’ આશકાના દિલોદિમાગમાં પણ ઝણઝણાટી ફરી વળી: ‘સેમ ટુ યુ…’ કહેતી આશકાએ હથેળી પાછી ખેંચી લીધી તે શરમાઇ ગઇ તેના ચેહરા પર લજ્જાની સુરખી ફરી વળી….

સ્ટેશન માંથી બહાર નીકળી ત્રણેય પાર્કીગ પાસે આવ્યા. બાઇક એક હતું. બેસવા વાળા ત્રણ હતા. છતા ત્રણેય એકજ બાઇકમાં ગોઠવાઇ ગયા. સૂર્ય પશ્વિમ કાઠે ઢળી રહ્યો હતો ત્યારે બાઇક પ્રતાપગઢના રસ્તે દોડી રહ્યું હતું…

દેવલ-આનંદનાં પિતાશ્રી પ્રકાશભાઇ ત્યાં આયુર્વેદિક દવાખાનામાં ડોકટર તરીકે નોકરી કરતા હતા. મૂળ સાહિત્ય અને સંગીતનો જીવ. એ વારસો એમના સંતાનોમાં પણ ઉતર્યો. આનંદે સંગીત વિશારદનું પૂરૂ કર્યુ. અને મ્યુઝિકનો ડીગ્રી કોર્ષ કર્યો. બનારસ જઇને શાસ્ત્રીય તાલીમ પણ લીધી. જયારે દેવલમાં કવિત્વ ઊભરાયું હતુ. એટલે આર્ટસના વિષયો લઇને એમ.એ પાર્ટ 1 કરી રહી હતી. દેવલનું એક સ્વપ્ન હતુ લેકચરર થવું! સવારે આનંદ અમદાવાદની એક કોલેજમાં આવેલા લેકચરરના ઇન્ટરવ્યુનાં જવાબની રાહમાં હતો…

એ જ શ્રધ્ધામાં એ ઓર્ડરના ઇન્તઝારમાં હતો એને બદલે આજ દીદી આવી ગઇ હતી… ત્રણેય પ્રતાપગઢ આવી ગયા. આશકાને પ્રતાપગઢનું નૈસર્ગિક સૌદર્ય ખૂબ ગમ્યું. સુંદત મજાના ડુંગર, લીલી છમ વનરાજી, નદીઓ…ઝરણા…ટેકરી પર આવેલ શિવ મંદિર…. બીજા દિવસે આનંદ પોતાના ખંડમાં બેઠો બેઠો ઓર્ગન પર એક ફિલ્મી ગીતની ધૂન ગૂનગૂનાવી રહ્યો હતો.

સાંજની રસોઇ પતાવી દેવલ, આશકાને ત્યાં લઇ આવી. આશકાને આશ્વર્ય થયુ: આટલા બધા મ્યુઝિક-ઇન્સ્ટુમેન્ટ? ખરેખર ! આનંદની સંગીત સાધના ખૂબ ઉંચી છે. દેવલે આશકાને કહ્યું: ‘બોલ તારી ફરમાઇશ….આનંદ સારૂ ગાઇ પણ શકે છે…’ આશકા આનંદની આંખોમાં તાકી રહી

ઓર્ગન પર ટેરવા ફેરવતા ફેરવતા આનંદ પણ આશકાની આંખોમાં ડૂબી ગયો હતો… ‘હવે કોની રાહ છે ભઇલા…જવા દે ને તું તારે…એને પેલું ‘જીવન સે ભરી તેરી આંખે, મજબૂર કરે જીને કે લિયે…’ ગીત બહુ ગમે છે, કેમ ચૂગલી બોલતી કેમ નથી?’ કહી, આશકાને ચીમટો કર્યો. આનંદે બન્ને તરફ પૂરબહાર સ્મિત કર્યુ. ને તેના આંગળા ઓર્ગન પર રમવા લાગ્યા…

સપ્ત સૂર રેલાઇ ગયા ને આનંદના કંઠનું માધુર્ય ફરી વળ્યુ… આશકા મુગ્ધતાથી સાંભળી રહી… ‘વાહ ખૂબ આનંદ…શું વખાણ કરૂ તમારા?’ જેવા શબ્દો બંધ હોઠ આગળ આવીને અટકી ગયા…એ તૃપ્ત તૃપ્ત થઇ ગઇ. ચારપાંચ દિવસના સહવાસે આશકા, આનંદ સાથે છૂટથી બોલવા માંડી હતી. એની કાળી ભમ્મર આંખો, કમાનદાર ભ્રમર, સુંદર નાસિકા, ડાબા ગાલે ઊગી નીકળેલો શ્યામલ તલ, ભરાવદાર કેશગુચ્છ, લચકતી ચાલ, જમણી તરફ લચકતી કમ્મર, અને એનું માંસલ શરીર…તેની સુરાહીદાર ડોક અને રતુંબલ કર્ણમૂલ… તેની યુવાનીને વધાવતા હતા. આનંદએ રૂપને માણ્યા કરતો હતો.

દીદીએ, બે ત્રણ દિવસ ખાનગીમાં આનંદને વાત કરી હતી, ભઇલા, આશકા સારી છોકરી છે. મારી રૂમ પાર્ટનર છે. એક સામાન્ય મધ્યવર્ગ માંથી આવે છે તેની મમ્મી તો બચપણથી જ ગુજરી ગઇ, પિતા એક સરકારી નોકરિયાત છે. બીજુ કોઇ સંબંધમાં છે નહીં. નથી ભાઇ બહેન…’સુખ’ શું ચીજ છે એ સાવકી મા ના રાજમાં જોયુ નથી. કાકા-કાકીએ ઉછેરી છે…. આશકાને મારી સાથે વધારે ફાવે છે એ પ્લે અમે સાથે રહીએ છીએ…’

‘મને ખુબ ગમ્યુ દીદી…જયારે કોઇપણ પ્રકારનો સંબંધ અસ્તિત્વમાં ન હોય ત્યારે દોસ્તીનો સંબંધ બધા જ સંબંધોની પૂર્તિ કરી દે છે. દોસ્તીએ ભાઇ છે, દોસ્તીએ બહેન છે. દોસ્તી તો દુ:ખ દૂર કરવાનો વિસામો છે.’ ‘એટલે જ હું રજામાં આવવાનું વિચારતી હતી ત્યારે તેને સાથે જ લઇ લીધી. આમ તો એ આવવા જ તૈયાર નહોતી પણ હવે લાગે છે કે એને અહીં ગમે છે…’ ‘મને પણ મજા આવી ગઇ દીદી. આવતા વેકેશનમાં પણ લેતી આવજે…’

જવાના આગલા દિવસે દેવલે, આનંદની હાજરીમાં આશકાને કહ્યું: ‘તારે જવું છે તો ભઇલા પાસેથી કોઇ વસ્તુ લેતી જાને. જે તું આકાશને પ્રેઝન્ટ આપી શકે. અમસ્તી તો તું કહે છે કે આકાશનેય મ્યુઝિકમાં બહુ રસ છે…’ ‘આકાશ?’ કોણ આકાશ…? આનંદ પૂછી બેઠો.

‘આશકાના મિસ્ટર’ હમણાં જ બે ત્રણ મહિના પહેલા એન્ગેઝમેન્ટ થયુ છે યાદ છે, ત્રણેક મહીના પહેલા મેં અહીં લખેલું કે મારી ફ્રેન્ડનું એન્ગેઝમેન્ટ છે તો હું ત્યાં જવાની છું…એ આશકાના જ એન્ગેઝમાં…તને યાદ તો હશે જ.’ પણ, આનંદ આગળના શબ્દો ન સાંભળી શક્યો…મગજ સન્ન થઇ ગયું દીદીના શબ્દો સાંભળતા જ તેના હાથ માં રહેલી બંસી નીચે પડી ગઇ. તેણે સજાવેલા સમણાંના ઉપવનમાં જાણે અકાળે પાનખર આવી ગઇ…

આશકાએ નીચે નમી, બંસરી હાથમાં લીધી. તેણે પૂછ્યું : ‘એક આ બંસરી લઇ જાઉં છું આપશો? એમને ખુબ ગમે છે…’ ‘ભઇલો ના નહીં પાડે. એ તો દિલનો દિલાવર છે, લઇજા, લઇજા તું તારે…’ તમે બેય જણા પછી એકલી બંસરી ફૂંકયા કરજો…’ દેવલ બોલી ઉઠી આશકાએ બંસરી બેગમાં મૂકી દીધી.

તે દિવસથી આનંદનું ચહેરાપરનું નૂર હણાઇ જ ગયું. સિતાર, ગીટાર, હાર્મોનિયમ, પિયાનો-ઓર્ગન સૂના પડી ગયા. તેના માથે દિવસોની રજકણ ચડતી ગઇ જીવન હવે બેસુરૂ થઇ ગયું હતું. દુનિયાની કોઇ ચીજ પર તેને ન રહ્યો પ્રેમ કે ન રહી મમતા… દીદીનો પહોંચનો પત્ર આવ્યો હતો તેમાં ‘આશકાના મેરેજ આવતી પંદરમીએ ગોઠવાય છે’ ના સમાચાર હતા. આશકાએ ખાસ આગ્રહ કર્યો હતો મેરેજ એટલા માટે વહેલા લેવડાવ્યા હતા કે તેના મિસ્ટરને ટ્રેનિંગ આવે છે. અને બે વર્ષ ફોરેન જાય છે. પછી તો એ અહીં પાયલોટ તરીકે સિલેક્ટ થઇ જશે ભઇલા! બહું લક્કી છોકરી છે એ…! ખાસ તને આગ્રહ કરીને તેડાવ્યો છે.

‘યુ મસ્ટ કમ ધેર…’ આનંદે નિશ્વાસ નાખ્યો. એ સિવાય ક્યાં કશુ બચ્યુ હતું. એમ.એ પાર્ટ 2 પૂરૂં થયું. દેવલનું પણ એન્ગેઝમેન્ટ થયું. સરસ ઠેકાણું મળ્યું છોકરો ઓફિસર હતો. દેવલનાં મેરેજ પણ થઇ ગયા. પણ આનંદે લગ્ન ન કર્યા. તે ન જ કર્યા. મમ્મી-પપ્પા તો ઠીક, દીદીના આગ્રહને પણ ઠેલતો રહ્યો. દેવલ આજીજી કરતી હતી. ને આનંદ ઇનકાર કરતો રહ્યો….

બીજું વર્ષ પસાર થઇ ગયું. પરંતુ વિધિની કેવી વિચિત્રતા! એક દિવસ ગોજારા સમાચાર મળ્યા છે આકાશની ફલાઇટ તૂટી પડી-આશકા માથે આભ તૂટયું-આશકા વિધવા બની. આનંદ ઉપર દેવલનો ફોન આવ્યો આનંદ ગયો. બન્ને ભાઇ-બહેન ત્યાંથી સાથે ગયા. આશકા સાથે સતત દસ દિવસ રહ્યા પછી બંને ભાઇ બહેન પાછાં આવી રહ્યા હતા….ટ્રેન દોડતી હતી. દેવલે વાત છેડી : ‘હવે તો તું તારી જીંદગી માટે કંઇક વિચાર ભઇલા. સરસ નોકરી છે. ખૂબ સારૂ છે. આ મહીનાની સત્તરમી તારીખે તને ત્રીસમું બેસશે. તને આમને આમ એકલો જોઇને મારો જીવ બળી જાય છે. એવું તો શું દુ:ખ છે તારે કે તું…’

‘જે ચીજ ખૂબ વહાલી લાગતી હોય એ ચીજ જયારે ક્યાંક ખોવાઇ જાય ત્યારે ખૂબ જ દુ:ખ લાગે છે દીદી! એ દુ:ખનું વર્ણન કરી શકાતું નથી.’ ‘પણ મને ભાભી લાવવાના કોડ છે ભઇલા. હું જોઉ છું કે દિન-પ્રતિદિન તારામાં કોઇ એવી નીરસતા ઉદ્દભવતી જાય છે, જે તને અંદરથી ખલાસ કરતી જાય છે. તારી તબિયત પ્રત્યે તો તું સભાન થા-‘ ‘તબિયત તો બીલકુલ સરસ છે. જે કંઇ ધરતીકંપ થયો છે એ હ્રદયની અંદર થયો છે…

‘મને ખબર પડી છે કે તું આશકાને ચાહતો હતો…’ ‘હજી પણ ચાહું છું…’ ‘ભઇલા—‘ ‘હા દીદી, હું આશકાને ચાહતો હતો, અને ચાહતો રહીશ. આશકા મારી જીંદગી છે.’

‘પાગલ ન બન. જે કંઇ તારૂં સ્વપ્ન હતું. એ કોળે એ પહેલાં જ તૂટી ગયું હતું. તેની પણ કેવી કરૂણતા છે કે ભરયુવાનીમાં તે વિધવા બની ચૂકી છે. તેના એન્ગેઝમેન્ટ પછી અને લગ્ન પહેલાં તેં વાત કરી હોત તો હું કૈંક કરી શકેત. ધાર્યુ હોત તો વિદ્રોહ કરીને તમે નાસી છૂટ્યા હોત, બાકીનું હું ફોડી લેત. પણ હવે શું?

તેવીસ ચોવીસ વર્ષની વિરાન જીંદગીમાં તને જે કંઇ સ્વજન કે પ્રિયજન મળ્યું તે તો માત્ર આકાશ પણ એનીય બદકિસ્મતી જો ભઇલા માત્ર અઢી વર્ષનું દામ્પત્ય જીવન અને વૈધવ્ય. અને આકાશ તો પહેલા છ અને પછી દોઢ. એમ સાત મહીના જ સાથે રહ્યો હતો. અને પછી ચાલ્યો ગયો– ‘હજી પણ એક આકાશાની રાહ જુએ છે દીદી! મને આકાશ સમજી લો. દીદી! હું મારામાં વહેતા પ્રેમની હેલી તેનામાં વરસાવીને તેનાં ખોવાયેલા આકાશની પૂર્તિ કરી દઇને હું તેની ખોટ પૂરી દઇશ…’

‘તું એક વિધવાને સ્વીકારીશ?’ ‘હા. મારા માટે તો કોઇપણ સ્વરૂપે ય સ્વીકાર્ય છે. પણ વિદ્રોહ કરીને નહીં, નહીં બળજબરીથી…પણ માત્ર પ્રેમથી…!’ -દોઢ-બે મહીના પછીની એક દિવસની સંધ્યા ખીલી રહી હતી. એટાણે દેવલ, આશકા ઘરે તેડી લાવી. સફેદ સાડીમાં નિર્મળ-સ્ફટિક જેવી દીસતી આશકાને આનંદ જોઇ રહ્યો…ખૂદ દેવલે જ, ફરી એકવાર પાનેતર પહેરાવીને આશકાને આનંદ પ્રતિ સન્મુખ ખડી કરતા કહ્યું : ‘લે ભઇલા, તારી અમાનત તને અર્પણ કરૂં છું. એક અકાળે મૂરઝાયેલા છોડને સંવર્ધિત કરવાની જવાબદારી તને સોંપુ છું. મેં મારૂ કર્તવ્ય બજાવ્યું છે, તું તારી જવાબદારી સમજી લેજે…’ કહી, તે કંકુ લઇ આવી. આનંદ સમજ્યો. તેણે ચપટીભરી, આશકાના સૂના સેંથામાં કંકુ પૂરી દીધું.

લેખક : યોગેશ પંડ્યા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ