પ્રેમની વસંત બારેમાસ – લગ્ન ન થઇ શક્યા તો શુ થયુ, આપણો પ્રેમ કાયમ અકબંધ જ રહેશે…

ભાદરવા મહિનાના ધોમધખતા તાપમાં કોલેજ કેમ્પસમાં યુવક યુવતીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે અને એકલ દોકલ વિદ્યાર્થીઓ જ કોલેજ કેમ્પસમાં દેખાઇ રહ્યા છે. ખુબ જ ઓછી સંખ્યા હોવાના કારણે જે વિદ્યાર્થીઓ આવ્યા છે તેમનું પણ મન અભ્યાસમાં લાગતુ નથી અને તેઓ પોતાની મસ્તીમાં મસ્ત બની જાય છે. કોલેજના ત્રીજા વર્ષમાં સાથે અભ્યાસ કરતા નિમેષ અને પાયલ પણ કોલેજ કેમ્પસમાં આવે છે અને ક્લાસરૂમમાં જવાના બદલે કોલેજ કેમ્પસની કેન્ટિનમાં જ બેસવાનું પસંદ કરે છે. બન્ને સાથે બેસીને ચા નાસ્તો કરે છે અને કલાકો સુધી પ્રેમથી વાતચીત કર્યા કરે છે. કોલેજનો સમય પુરો થવા આવતા પાયલે કહ્યુ કે, આપણા બન્ને સિવાય કોઇ કેન્ટિનમાં દેખાતુ નથી, ચાલ આપણે બહાર જઇને બગીચામાં બેસીએ.

થોડો સમય મળ્યો છે તો થોડા સમય માટે તો એકલા સાથે બેસ, બગીચામાં અનેક લોકો હશે એટલે શાંતિથી વાતો નહી કરી શકાય તેમ નિમેષે કહ્યુ. જેવી તારી મરજી, બગીચો હોય કે કેન્ટિન આપણે તો શાંતિથી બેસવા જોઇએ તેમ પાયલે જણાવ્યુ. એકાદ કલાક જેટલો સમય કોલેજ કેન્ટિનમાં બેસીને બન્ને બહાર નિકળે છે. હાથમાં હાથ પકડીને કદમ થી કદમ મેળવીને રસ્તા પર બન્ને પ્રેમી યુગલ ચાલી રહ્યા છે અને છુટા પડતા પહેલા બન્ને સાથે મળીને આગળના દિવસે ક્યાં મળશે તે નિશ્ચિત કરી લે છે.

અગાઉથી નક્કી કર્યા પ્રમાણે નિમેષ અને પાયલ બન્ને કોલેજમાં સાથે આવે છે અને કોલેજનો અભ્યાસ પુર્ણ કર્યા પછી ઘરે જવાના બદલે મિત્રો સાથે ફિલ્મ જોવા માટે ઉપડી જાય છે. ફિલ્મની મજા માણ્યા બાદ મિત્રો સાથે હોટલમાં ભોજન કરીને બધા પોત પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. પાયલ જેવી ઘરે પહોચે છે કે તરત જ તેની મમ્મી પુછે છે કે કેમ બેટા આજે કોલેજથી આવતા મોડુ થયુ? મમ્મી આજે તો અમે કોલેજથી છુટ્યા પછી મિત્રો સાથે ફિલ્મ જોવા માટે ગયા હતા તેમ પાયલે કહ્યુ. હવે તું મોટી થઇ ગઇ છું અને કાલ સવારે સાસરે પણ જતી રહીશ એટલે તારી ચિંતા મને થયા કરે છે મમ્મીના આ શબ્દો સાંભળીને પાયલે ધીમા અવાજમાં કહ્યુ કે હું તો હજી નાની છુ અને મારે આગળ અભ્યાસ કરવાનો છે અને હું તો અહી જ રહેવાની છું. આ શબ્દો સાંભળીને પાયલની મમ્મી હસી પડે છે.

મા દિકરી વચ્ચે કલાકો સુધી વાતો ચાલ્યા કરે છે અને ઘરનું કામકાજ પણ સાથે મળીને પુરૂ કરે છે. કોલેજમાં નિમેષ અને પાયલના પ્રેમની કેટલાક લોકોને ઇર્ષા થાય છે અને તે આ અંગેની જાણ કોલેજમાં પ્રિન્સીપાલને કરે છે. પ્રિન્સીપાલ બન્નેને પોતાની ઓફિસમાં બોલાવીને કહે છે કે મે જે સાંભળ્યુ છે કે સાચુ છે. નિમેષ અને પાયલે એક સાથે કહ્યુ કે અમે અમારી મર્યાદા જાણીએ છીએ અને કોલેજ કે પરીવારનું નામ ખરાબ થાય તેવુ કોઇ પણ કામ અમે કરતા નથી. વાત છે પ્રેમની તો અમે બન્ને પ્રેમ કરીએ છીએ તે સૌ કોઇ જાણે જ છે. પ્રેમમાં કાંઇ છુપાવાનું હોય જ નહિ. થોડા સમય પછી પ્રિન્સિપાલની ઓફિસમાંથી નિમેષ અને પાયલ બહાર નિકળે છે અને એકબીજાની સામે જોયા કરે છે. પાયલે કહ્યુ કે આપણા પ્રેમને કોઇની નજર લાગી હોય તેવુ મને લાગે છે, મને ખુબ જ ચિંતા થાય છે. તું ચિંતા ન કરીશ, બધુ જ સારૂ થઇ જશે એમ નિમેષે કહ્યુ.

બન્ને કોલેજથી સીધા બગીચામાં જતા રહે છે અને પોતના ભવિષ્ય અંગે કલાકો સુધી ચર્ચા કરે છે. આખરે નિમેષ અને પાયલ બન્ને ઝડપથી લગ્ન કરવાનો વિચાર કરે છે અને ઘરે જઇને પોતાના પરીવાર સાથે વાતચીત કરવાનું નક્કી કરે છે. બન્ને પ્રેમીઓ તે પણ નક્કી કરે છે કે જો બન્નેના પરીવારજનો મંજુરી આપશે તો જ લગ્ન કરી કરીશુ. પરંતુ ઘરે જઇને ઘણા દિવસો સુધી પાયલ પરીવારજનો સાથે પ્રેમ અંગે કોઇ પણ પ્રકારની વાત નથી કરી શકતી. તો બીજી બાજુ નિમેષે પરીવારજનોને પાયલ સાથેના પ્રેમની વાત કરતા પરીવારજનો પાયલને ઘરે બોલાવાનું કહે છે. નિમેષ પાયલને પોતાની સાથે લઇને ઘરે આવે છે અને પરીવારજનો સાથે પરીચય કરાવે છે. નિમેષના પરીવારના સભ્યો પાયલ સાથે વાતચીત કરે છે અને બધા સભ્યોને પાયલ ગમી જાય છે. નિમેષ અને પાયલ પહેલુ વિઘ્ન પાર થતા ખુબ ખુશ થઇ જાય છે. પરંતુ બન્નેની ખુશી બહુ લાંબો સમય નથી ટકતી.

એક દિવસ પાયલ સવારે વહેલી ઉઠીને કોલેજ જવા માટે તૈયાર થઇ રહી હોય છે ત્યારે પાયલ અમે બધા તને સરપ્રાઇઝ આપવા માંગતા હતા પરંતુ તને તો ખબર પડી ગઇ કે આજે તને જોવા છોકરા વાળા આવવાના છે એટલે તું વહેલી ઉઠીને તૈયાર થઇ રહી છુ તેમ પાયલની મમ્મીએ નિસ્વાર્થભાવે કહ્યુ. માતાના આ શબ્દો સાંભળતા જ પાયલના પગ નીચેથી ધરતી ખશી જાય છે અને તે સ્તબ્ધ બની જાય છે. તે એક પણ શબ્દ બોલી શકતી નથી અને રડવા લાગે છે. શુ થયુ, તું ખુશ થવાના બદલે કેમ રડવા લાગી છે તેમ પાયલની મમ્મીએ પુછ્યુ. હવે તમને શું કહુ, કઇ કહેવાનો ફાયદો નથી, જેવા મારા નશીબ તેમ પાયલે કહ્યુ. પાયલ પછી એક પણ શબ્દ બોલી શકતી નથી અને પોતાના રૂમમાં જઇને રડવા લાગે છે.

તેની મમ્મીએ વારંવાર પુછવા છતાં પણ પાયલ એક પણ શબ્દ પોતાના પ્રેમ માટે બોલતી નથી અને પરીવારના સભ્યોની ખુશી માટે પોતાના પ્રેમનું બલીદાન આપવા માટે તૈયાર થઇ જાય છે. થોડીવારમાં પાયલને જોવા માટે છોકરા સાથે પરીવારજનો આવી જાય છે. પાયલ પોતાના રૂમમાંથી તૈયાર થઇને સીધી રસોડામાં આવે છે અને પોતાના હાથે ચા બનાવીને મહેમાનોને આપવા માટે જાય છે. પાયલ આજે સ્વર્ગની અપ્સરા જેવી લાગી રહી છે અને છોકરા સહિતના પરીવારજનોને પાયલ પહેલી નજરમાં જ ગમી જાય છે. છોકરાના પરીવારજનો પાયલના ઘરે જ તેના પિતાજીને સગાઇની તારીખ નક્કી કરવાનું કહીને જાય છે. તો બીજીબાજુ પાયલના નિમેષ સાથે લગ્ન કરવાનું સપનું ચકનાચુર થઇ જાય છે અને તે ભાંગી પડે છે.

તે પરીવારજનેનો કઇ પણ કહી શકતી નથી અને બીમાર થઇ જાય છે. પાયલની તબીયત વધુ ખરાબ થતા તેને દવાખાનામાં દાખલ કરવી પડે છે અને તે અર્ધ બેભાન અવસ્થામાં નિમેષનું નામ બોલ્યા કરે છે. પાયલના મમ્મી બધુ સમજી જાય છે પરંતુ તે કઇ પણ કરી શકે તેમ ન હોવાથી મૌન રહેવાનું પસંદ કરે છે. નિમેષ જ્યારે દવાખાનામાં પાયલની ખબર પુછવા માટે આવે છે ત્યારે તેને પણ પાયલની સગાઇની તારીખ નક્કી કરવામાં આવનાર હોવાની જાણ થઇ જાય છે. આ સાંભળીને તે પણ ખુબ જ દુઃખી થાય છે પરંતુ તે પાયલ પાસે જઇને પોતાના પ્રેમ વિશે એક પણ શબ્દ બોલતો નથી.

ફક્ત પાયલના ખબર અંતર પુછીને નિકળી જાય છે. બન્ને પ્રેમી યુગલ હવે પારીવારીક પાબંધીઓના કારણે કોલેજમાં પણ મળી શકતા નથી. થોડા દિવસોમાં જ પાયલના લગ્ન કરી દેવામાં આવે છે પરંતુ પાયલ નિમેષને ભુલી શકતી નથી. પાયલ તેના પતિને પુરતો પ્રેમ કરવાનો પ્રયત્ન કરે છે અને સાથે તેના પ્રેમીને પણ યાદ કર્યા કરે છે. લગ્નના એકાદ વર્ષ પછી પાયલ અને નિમેષની મુલાકાત થાય છે અને બન્ને જુની પ્રેમની વાતો તાજી કરે છે. પાયલના કહેવાથી નિમેષ પણ લગ્ન કરી લે છે અને જ્યારે ફરીથી બન્ને મળે છે ત્યારે નિમેષ કહે છે કે લગ્ન ન થઇ શક્યા તો શુ થયુ, આપણો પ્રેમ કાયમ અકબંધ જ રહેશે.

લેખકઃ- નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ