શું ખરેખર ઓફિસનું કામ તમારા લગ્નજીવનથી પણ વધુ મહત્વપૂર્ણ છે? ઓફિસ જતા દરેક કપલ માટે ખાસ વાર્તા…

રમેશ સાંજે આવ્યો. આજે તો બોસ સાથે ઝઘડો થઇ ગયો હતો. તેનો તનાવ! પણ, હમણાં જ સોનુ તેને પ્રેમથી આવકારશે, ઠંડું પાણી પાશે અને માથામાં હાથ ફેરવી દિવસભરનો થાક માત્ર એક પળમાં જ ઉડાડી દેશે…! પણ ના, તે તો માત્ર પોતાની ગલતફેમી હતી.- હવે ક્યા સોના હતી? તેણે તાળુ ખોલ્યું. ખુરશીમાં બેઠો. પણ ઘરની ચાર દિવાલો તેને ખાવા દોડી ભારોભાર એકલતા લાગી. હવે પોતાને ખરેખર એમ થતું હતું કે પોતે વગર વાંકે સોનાલી સાથે ઝઘડતો હતો. ઓફિસનું બોજારૂપ કામ પોતાને માટે તો દામ્પત્ય તૂટ્યાનું કારણ બની ગયું…

રમેશે ખીસ્સા માંથી ચિઠ્ઠી કાઢી. જે, છેલ્લે છેલ્લે સોનાલીને લખી હતી જતા પહેલાં. રમેશે ચિઠ્ઠીને હાથમાં પકડી રાખી. અને તેની નજર આગળ તેનો સંદર્ભ આપતી ઘટનાઓ કોઇ પિક્ચરની પટ્ટી માફક સરતી ગઇ… એક દિવસે સોનાલીએ પૂછ્યું હતું : ‘આટલું બધુ કામ રહે છે?’ ‘કારકૂની એટલે લેબરશિપ.’ ‘તમારી ઓફિસ તો ગજબની છે.’ ‘એ તું ક્યાં આધારે કહી રહી છે?’

‘બાજુમાં વિનયભાઇ પણ સર્વિસ કરે છે. પણ આટલો મોટો બોજો રાખતા નથી.’ ‘જે-જેની કામગીરી…’ ‘પણ તે તો આખો દિવસ ઘરે જ રહે છે..’ રમેશે કડવાશભરી નજરે સોનાલી સામે જોયું પછી બોલ્યો : ‘તું પહેલા પાણી બાણીનો ભાવ પૂછીશ કે નહી? આવ્યો એટલે સીધી ચોંટી જ ગઇ…’ ‘સોરી. હું તો અમસ્તુ પૂછું છુ…’ એ પાણી ભરવા દોડી ગઇ. રમેશને પોતાનું અભિમાન ટક્યુ છે એમ લાગ્યું. એ પછી થોડાક દિવસો પછીનો સંવાદ : ‘આ ઓફિસ પણ મારી સૌતન બની ગઇ છે. કાંઇકેય કામ હોય તો તમે ‘ઓફિસ-ઓફિસ’ કરતા રહો છો..’

‘એ તારે ડબડબ કરવાની જરાય જરૂર નથી. આખો દિવસ લબલબ કર્યા કરે છે!’ ‘પણ જીવ તો સૌને હોયને…’ ‘તે શું કામ છે તારે?’ ‘બાજુવાળા વિનયભાઇ તો આખો દિવસ નીલાબેનને બાઇક ઉપર ફેરવતા હોય છે.’ ‘મારે બાઇક નો વેંત નથી. એ અપેક્ષા હોય તો છોડી દે જ.’ ‘વેંત કે અપેક્ષાની વાત જ નથી. તમે તમારા સાહેબને કહીને અઠવાડિયે એકાદ દિવસ વહેલા આવી શકતા હોવ તો કેવું સારૂ?’ ‘કાયદો એ કાયદો…’ ‘-પણ રવિવારેય ઓફિસે ફરજિયાત જવાનું ?’ ‘કામ હોય તો જવું ય પડે.’ ‘ઠીક છે બધું…’ સોનાલીએ નિ:સાસો નાખ્યો.

‘ઠીક છે, ઠીક છે, ઠીક છે…તો કોઇ બિઝનેસવાળો ગોતવો હતો ને ! આખો દિ’ તેને હોન્ડા ઉપર ફેરવેત…’ ‘બહુ સારૂં બોલી શકો છો.’ ‘ત્યારે શું… ક્યારનીય આદુ ખાઇને ચોંટી છો.’ ‘ક્યાં આદું ખાઇને ચોટી છું?’ ‘તો શું…લસણ ખાઇને ચોંટી છો એમને ?’ ‘તમને તો કંઇ મારી પડી જ નથી. જયારે જયારે બહાર ફરવા જવાની વાત કરૂ છું તો ભવા ચડી જાય છે ને મને હડધૂત કરી નાખો છો. આજે તળાવે આનંદ મેળો છે. સાંજે આવશોને વહેલા?…આપણે જઇએ. શરદ પૂનમ છે ને ? દૂધ-પૌંઆ તૈયાર કરી નાખીશ.’

‘ના.’ ‘કેમ?’ ‘મારે એક કોન્ટ્રાકટરનું મુદત વળતરનું પ્રકરણ તૈયાર કરવાનું છે અને ખરૂં કહુ તો મને ફરવા જવાનો શોખ પણ નથી. આજે રાત્રે હું મોડો આવીશ.’ ‘તો કોની સાથે જાઉ? કોઇ એકલા ન હોય બધા કપલ જ હોય.’ ‘કોઇ તારો ફ્રેન્ડ નથી?’ ‘રમેશ..’ સોનાલી ચીસ પાડી ઉઠી.’ ‘એમાં ચીસ પાડવાની જરૂર નથી કોઇ સાચવે એવો ગોતીએ.’ ‘ઘણાં જોયા હતા તેં… એકેય ના પસંદ પડ્યો? હજી પણ છૂટ છે…’ ‘પ્લીઝ, રમેશ તમે સભ્યતાથી બોલો..’ ‘ત્યારે શું ? કંઇ સાંભળતી જ નથી.’

જવાદે… આજે મારે નથી જમવું. હું આ ચાલ્યો ઓફિસે…અને મારી રાહ ન જોતી. રાત્રે મોડેથી આવીશ. ને તારે તળાવે જવું હોય તો પણ છૂટ છે. દૂધ-પૌઆ કે ઉંધીયા-પૂરી જે લેવું હોય તે લઇને ખાઇ લે જે…’ રમેશ ઓફિસે ચાલ્યો ગયો. રાત્રે સાડા અગીયાર બાર વાગ્યે આવ્યો ત્યારે સોનાલી રાહ જોતી હતી. ‘જમી લ્યો, મેં તમારી ફેવરિટ આઇટમ બનાવી છે.’ ‘ના ના મેં તને કીધું તું ને કે..’ ‘પ્લીઝ ચાલોને, હું પણ નથી જમી.’ ‘તું જમી લે ચાલ મને સૂઇ જવા દે.’ ‘સોરી. હવે એવું નહીં કહુ બસ?’

કહીને સોનાલી નજીક આવી અને રમેશે કંઇપણ સમજ્યા કારવ્યા પહેલા એક થપ્પડ ઝીંકી દીધી. સોનાલીની આંખો માંથી બોર-બોર જેવડાં આંસુ ખરી પડ્યા. એ પછી બન્ને વચ્ચે લગભગ અબોલા રહ્યા. રમેશ ક્યારેય જમતો જ નહી. ક્યારેક બહાર જમી લેતો. સોનુ ભૂખી રહેતી. અને બન્ને વચ્ચેનાં સંબંધોમાં ખાઇ પડતી ગઇ. વિચ્છેદનીએ આંધી દામ્પત્યને હચમચાવતી ગઇ…. અને અંતે સોનાલીથી ન રહેવાયું. બાજુવાળા નીલાબેનને ચાવી આપીને તે ચાલી ગઇ.

રમેશે ધ્રાસકા સાથે તાળું ખોલ્યું. ટેબલ ઉપર ચિઠ્ઠી પડી હતી. મારા વહાલા રમેશ, હું જાઉં છું મારી ચિંતા ન કરતા. મારાથી જે કાંઇ અજૂગતું બોલાઇ ગયું હોય તો ક્ષમા માગું છું પણ હું તમારી પાસે લાડ કરતી હતી. એ પછી મેં તમને સમજાવવાની કોશિષ કરી હતી. મેં તમને દિલોજાનથી ચાહ્યા છે અને ચાહતી રહીશ. આખરે તો તમે મારા દેવતા છો.

આપની તબિયત સાચવજો. ઉનાળામાં ખાસ ગરમીથી તબિયત જાળવજો. કારણ કે તમારા વાનને તરત જ લૂ લાગી જાય છે. તડકામાં ક્યાંય બહાર નીકળતા નહીં. શિયાળામાં તો શાલ કે સ્વેટર ઓઢી પહેરીને જ બહાર નીકળજો. નહીંતર શરદી થઇ જશે. ચોમાસામાં ક્યાંય પલળતા નહીં. નહીંતર તમને તાવ આવી જાય છે. અને હા, વધારે પડતું ખાટું તીખું ન ખાતા. તમને એસીડીટી થઇ જાય છે એ ખબર છે ને?

ખાંડ બે કિલો જેટલી સાગર ઘીના મોટા ડબામાં છે. તેલ અને ઘી તો હજી પડ્યા જ છે. જીવી કામવાળાને વીસ રૂપિયા આપવાના છે. કારણ કે એ કટકે કટકે એંશી રૂપિયા તો મારી પાસેથી ઉપાડ પેટે લઇ ગઇ હતી એટલે સો રૂપિયા માંથી એંશી બાદ કરતા વીસ જ બાકી નીકળે છે. હું સામેવાળા ડાહ્યાલાલની દુકાનેથી બે કિલો ખાંડ અને પાંચસો ગ્રામ ચા લઇ આવી હતી તો તેને પૈસા આપવાના બાકી છે. એટલે, પગાર થાય કે તરત જ આપી દેજો. માલવિયાને ત્યાંથી પાપડ અને સેવનું પડીકું તથા બે કિલો ગોળ અને એક કિલો ઘી લઇ આવી હતી તે આપડી નામાની ચોપડીમાં લખ્યું છે. રાજુભાઇ – ભાભી ઘેર આવે તો મારી ખાસ યાદી આપશો.

અને અઠવાડિયે એકવાર ગામડે આંટો મારી આવજો. મમ્મી તથા પપ્પાની તબિયતની કાળજી ખાસ લેતા રહેજો. અને વંદના બહેન માટે કોઇ સારૂં ઠેકાણું મળે એ માટે દિલથી પ્રયત્ન કરજો. અને છેલ્લે મનમાં કાંઇ મુંઝારો કે એવું થાય તો ઇશ્વર સ્મરણ કરજો. છતાં જીવન એકાંકી લાગે તો આપ, આપને અનુરૂપ જીવન જીવનસાથી શોધી નવેસરથી જીવન શરૂ કરી દેજો. મને દુ:ખ નહી લાગે. મારી તમને અંતરની શુભેચ્છા જ છે….

લિ. આપની જ સોનુ….

રમેશ જેમ જેમ ચિઠ્ઠી વાંચતો ગયો તેમ તેની આંખો ડબડબી ગઇ. શું કામ? શું કામ મેં આવું કર્યુ? મારે એવું કરવું જોઇતું નહોતું ! મારે, આવી કોઇ સોનુ વિષેની ફરિયાદ… ખરેખર, મેં ખોટુ કર્યુ છે! આટલી સાલસ, સરળ,પ્રેમાળ અને વાત્સલ્યમૂર્તિ જેવી સોનુને હંમેશા તિરસ્કારી છે. પ્રેમ આપવાને બદલે નફરત જ આપી છે. પોતે જ સામે ચાલીને ઓફિસને વળગી ગયો હતો અને સ્ટાફ માટે માસ્ટર-કી બની ગયો હતો. બધાજ, રૂપિયા કમાવા માટે પોતાનો સાચો ખોટો યુઝ કરી લેતા હતા.

બિલોમાં સાચી-ખોટી સહી કરાવીને, આમતેમ કરીને ચેકમાં સહી કરાવીને, ભોળવીને,ચા-નાસ્તો કરાવીને બધા જ મૂડી ખેંચી જતા હતા. પોતાના ભાગમાં ક્યારેય લાલ-કાળીની રાણી આવી જતી ત્યારે મોઢા માંથી લાળ પડી જતી. હુકમનું પત્તુ તો બોસ રાખતો. છતાં પોતે લાલચમાં… ને લાલચમાં સવાર-બપોર-સાંજ-રાત…કંઇ પણ જોયા વગર માંડ્યો જ રહ્યો અને સોનુ દૂર…દૂર…દૂર ઠેલાતી રહી. ક્યારેય પણ સોનુનાં હ્રદય સુધી પહોંચી ન શક્યો. તેને સમજવાની કોશિષ જ ન કરી. ક્યારેય તેના હૈયાને જાણ્યું નહીં કે સોનુને માત્ર પ્રેમ જોઇએ છે. બસ, કાફી બે શબ્દોનો પ્રેમ !

જે એની જિંદગીને અજવાળી શકે છે પણ તે તો કોઇ દિવસ સોનુને પ્રેમથી બોલાવી પણ ન શક્યો… અંતે તો બોસ સાથે એક પ્રકરણમાં ઝઘડવાનું જ બન્યું ને ? એના કરતા બે-પાંચ પૈસાની આશા રાખ્યા વગર એક સિધ્ધાંતનિષ્ઠ કર્મચારી તરીકે સર્વીસ કરતો રહ્યો હોત તો આ કૌભાંડમાં પોતાને છાંટ તો ન ઉડેત… અને પોતાનું દામ્પત્યજીવન પણ જમીન દોસ્ત ન થાત પણ હવે તો…. શું થશે હવે? નો ઓથાર તેના માનસપટમાં ઝળૂંબી રહ્યો…

એ ટેન્શનનો દરિયો છલકાયો અને તેના મોજાં છેક તેના હ્રદયનાં અંત:સ્તલ સુધી પહોંચી ગયા. સોનાલી પડખે હોત તો તેના સાનિધ્યમાં આ ઓથારનાં દરિયા તૂટી ગયા હોત. તેને આ બધી હકીકત કહીને આશ્વાશન મેળવી શકેત પણ હવે સોનાલી ક્યાં છે? આ ક્ષણે થયું કે પત્નીનું સાનિધ્ય કેટલું જરૂરી હોય છે…રમેશે આજુબાજુ જોયું : માત્ર ઘરની ચાર દિવાલો, અને એના ઉપર પોતાના તૂટી ગયેલા દામ્પત્ય જીવનની નેગેટિવ માત્ર હતી તિરાડ રૂપે…

તેની નજર ઘડિયાલ સામે ગઇ. સાત જેવું થયું હતું. અને તેણે મનોમન એક નિર્ણય કરી લીધો. બારી બારણાં બંધ કર્યા ને સવા સાતની ટ્રેન પકડવા અધીરો બની રહ્યો. તેણે વિચારી લીધું. ટ્રેન માંથી ઉતરીને ઘેર પહોંચી પોતે સોનુને આશ્લેષમાં લઇ લેશે અને બહુ જ રિલેક્સ થઇને કહી દેશે : આજથી તારી સૌતનનાં કામણ માંથી મુકત થઇ ગયો છું. પ્લેઝર વીથ એન્જોય બીકમ્સ હેપી સોનું. બીકમ્સ હેપી… જવાબમાં સોનુ તેના ખભે માથુ ઢાળી દેશે. તેણે બારણે ઝટપટ લોક માર્યુ ને બહાર નીકળવા ડગલુ ભર્યુ તો…

સામે શેરી માંથી સોનુ આવતી હતી. તે ઉન્માદને ન રોકી શક્યો. લગભગ સોનુને બાઝી પડ્યો, ‘સોનુ, તેં મને માફ કરી દીધો?’ જવાબમાં સોનુ હસી : ‘તમને માફ કરવાની મારી એવી કઇ હેસીયત? આ તો માત્ર તૂટતું દામ્પત્ય જોડવાની એક કોશિષ….’

લેખક : યોગેશ પંડ્યા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ