ઝાંઝવા નાં જળ – એક પત્ની છે લગ્ન પછી પણ શોધી રહી છે પોતાના પ્રેમીને અને તેનો સાથ આપી રહ્યો છે તેનો પતિ…

ડિસેમ્બરની મદહોશ ઠંડી પ્રિયાના આલિંગન જેવો ભરડો લઇને બંધરૂમમાં પ્રસરી ગઇ હતી. સર્વત્ર શાંતિ છવાઇ ગઇ હતી પણ સ્વપ્ન બંગલાના ઉપરના રૂમમાં નવોઢા બનીને બેઠેલી અનિતાનાં દિલોદિમાગમાં તો વિચારોની આંધી છવાઇ હતી. સ્વપ્ન બંગલો રોશનીથી ઝળહળતો હતો અને વરવધૂનો શયનખંડ ફૂલોથી શોભતો હતો. સુહાગરાતની સેજ રંગબેરંગી સુંગધી ફૂલોથી મહેંકતી હતી પણ અનિતાની જીંદગીની બહાર લૂંટાઇ ગઇ હતી. આ પ્રેમને ભલે તે પરણી હતી પણ તેનો અસલી પ્રેમ ઉર્ફે મોહિતને છોડી દેવો પડ્યો હતો પણ મોહિત હૈયાથી છૂટયો ન હતો. હૈયાની પટારીમાં અકબંધ સાચવી રાખ્યો હતો અને એ જીંદગીનાં છેલ્લા શ્વાસ સુધી છૂટે એમ પણ નહોતો.

અચાનક બારણું ખૂલવાનો અવાઝ આવ્યો અને તેની અંદરનો મોહિત ચૂર ચૂર થઇ ગયો, મસ્ત વિચારોની માળા તૂટી ગઇ. મોતીઓ વિખરાઇ ગયા. સ્ટોપર બંધ કરીને પ્રેમ આ તરફ ફર્યો પણ અનિતાને નીચે બેઠેલી જોઇને પ્રેમને ઝટકો લાગ્યો : તે નજર ઢાળીને બેઠેલી નવલી નવેલી પત્નીને તાકી રહ્યો.

“અરે…અનિતા…અહીં નીચે ?” કરતો તે નજીક આવ્યો અને ઝૂકીને અનિતાનાં બન્ને હાથ પકડીને બોલ્યો : “તારું સ્થાન આ શણગારેલા પલંગમાં છે, જે તારે વાસ્તે તો શણગારાયો છે અને તું નીચે બેઠી છે ? પ્લીઝ, પલંગ ઉપર આવ… તારું સ્થાન ત્યાં છે.” “પ્લીઝ, પ્રેમ…મને અડો નહીં. મને સ્પર્શ પણ ન કરો” “એટલે ?” પ્રેમનાં ચેહરા ઉપર ઉલઝન પથરાઇ: “વોટ ડુ યુ સે ? આઇ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ.”

“પ્લીઝ, પ્રેમ. હું એજ કહેવા માગુ છું કે મને સમજવાની કોશિષ કરો” જવાબમાં પ્રેમ તેની પાસે નીચે જ બેસી ગયો. કાજલ ધેરી અનિતાની આંખોમાં એક ધારું તાકી રહીયો પછી ફરી એકવાર, પ્રેમ તેની પીઠ ઉપર હાથ પસવારતા કહ્યું : “હું તને સમજવાની કોશિષ નથી કરતો, તારી વાતો સમજી શકું એટલો પુખ્ત છું જ. પણ તું વાતને ગોળ ગોળ ફેરવવાને બદલે સ્પષ્ટ મોડ આપ… અવું હું ઇચ્છું. બાકી, તું જયાં સુધી નહીં કહે ત્યાં સુધી તને સ્પર્શ પણ નહીં કરું…”

જવાબમાં અનિતા, પ્રેમની આંખોમાં તાકી રહી. પ્રેમની આંખોમાં માસુમિયત અને લાગણી તરવરતા હતા તેની આંખોની નિર્મળતા માપતી અનિતા વિચારી રહી હતી કે હું જે વાત કરવા જઇ રહી છું એનું પરિણામ મેં ધાર્યા મુજબનું તો આકરું નહી આવે કેમ કે પ્રેમની આંખોમાં તરવરતી નિખાલસતા કહી આપે છે કે તે મારી વાતને સહજતાથી સ્વીકારી લેશે. છતા પણ તે ડર અને ભયનાં ઓથાર હેઠળ પ્રેમને તાકી રહી.

પ્રેમે કહ્યું : “બોલ અનિતા…તું જે કહેવા માગતી હોય તે બોલી નાખ.” જવાબમાં અનિતા એ કહ્યું : “પ્રેમ આપણાં લગ્ન પહેલા મોહિત નામના છોકરાને ‘લવ’ કરતી હતી અમે બન્ને ગળાડૂબ પ્રેમમાં હતા. તે ઇમ્પોર્ટ એકસ્પોર્ટ કરતી વિદેશી કંપનીની અહીંની બ્રાંચમાં જોબ કરતો હતો અને સુરત આપણા ઘરની બાજુમાં જ રહેતો હતો. લગ્ન પહેલા અમે ભાગી જવાનો પ્લાન બનાવ્યો પણ પપ્પાએ સ્યુસાઇટની ધમકી આપી એટલે મેં હિંમત ન કરી. મેં તેને જણાવ્યું તો એણે કહ્યું કે એકવાર લગ્ન કરીલે, પછી મારી પાસે નાસીને ચાલી આવજે.

પ્લીઝ પ્રેમ, “આ શરીર મોહિતનું છે જો તમારામાં સ્ત્રી દાક્ષિણ્યની જરા જેટલી પણ દયા હોય તો મને છોડી દો. હું ચાલી જઇશ પણ મારા અખંડ શરીરને લૂંટતા નહી” જવાબમાં પ્રેમે સ્મિત કરીને કહ્યું : “ડોન્ટ વરી હું તને ‘ટચ’ પણ નહીં કરું એમાં તારું શરીર લૂંટવાની તો વાત જ આવતી નથી પણ એક શર્ત. હું તારી રીતે નહી તને ચાલી જવા દઉ. ખૂદ હું જ, તને તારા મોહિત સુધી મૂકી જઇશ”

જવાબમાં અનિતાની આંખો ભીની થઇ ગઇ. દુનિયાની દ્રષ્ટિએ તે પતિપત્નિ હતા પણ શયનખંડમાં અજનબી હતા. દસ દિવસ પછી અનિતાને સુરત તેડી ગયા. અનિતાએ તપાસ કરી, તો તેની બહેનપણીએ કહ્યું : મોહિત બીજે રહેવા ચાલ્યો ગયો છે.” એકાદ મહિના પછી અનિતાને તેડવા માટે પ્રેમ આવ્યો. પ્રેમે કહ્યું : “ઘરેથી આપણે બન્ને નીકળીને હું તને મોહિત પાસે મૂકી જાઉ.” ‘પણ એણે’ ઘર બદલાવી નાખ્યું છે. “અમરોલી ચાર રસ્તે રહેવા ચાલ્યો ગયો છે.”

જવાબમાં પ્રેમે કહ્યું : “ડોન્ટવરી શોધી લઇશું.” બન્ને જણાએ અમરોલી ચાર રસ્તા ધમરોલી નાખ્યાં તો પડોશીએ કહ્યું : “વરાછા રોડ, હીરાબાગ, સુંદરમ ફલેટ” તે બન્ને ત્યાં ગયા તો ત્યાંથી જાણવા મળ્યું કે એની જોબ ટ્રાન્સફર થઇ છે વડોદરા” બન્ને, પછી વડોદરા આવવાનો નિર્ણય કરીને અમદાવાદ પાછા ફર્યા. છ એક મહિના નીકળી ગયા એ દરમિયાન અનિતાની ફ્રેન્ડે મેસેજ આપ્યા કે, મોહિતની ટ્રાન્સફર અમદાવાદમાં થઇ છે.”

પ્રેમે સરનામુ મેળવીને અનિતાને સાથે લીધી. નવા વાડજ બાજુ ગરનાળા પાસે “અશ્વમેધ” ફલેટમાં નીચેનાં ભાગે રહેતો હતો. ત્યાં ગયા. અશ્વમેધ જૂનું જર્જરીત બિલ્ડીંગ હતું. ઉપર આડોશી પાડોશીને પૂછતા જાણવા મળ્યું કે એ રાત્રીનાં મોડેથી આવે છે. સવારે વહેલો નીકળી જાય છે. તમે બારણે ચીઠ્ઠી મૂકતા જાઓ. મેળવી લેશે. એક બહેન અઠવાડિયાથી તેને મળવા આવે છે પણ મળતા નથી”

જવાબમાં અનિતા અને પ્રેમ એકબીજા સામું તાકી રહ્યા. એક બહેન.? કોણ હશે ?…પ્રેમે અનિતાને કહ્યું : જોઇએ તો ખરા. એ કોણ છે ? ફલેટની પાસે જ બાંકડા હતા ત્યાં બન્ને બેઠા. થોડીવાર બેઠા હશે ત્યાં જ કોઇ છોકરી આવી, આવીને સીધી જ મોહિતના ફલેટ ઉપર ગઇ પણ ત્યાં તો તાળું હતું અનિતા તાકી રહી. એ છોકરીએ આસપાસ જોયું ત્યાં જ પ્રેમ અને અનિતાને જોઇ ને તે તરફ આવી. તે અનિતા-પ્રેમને તાકી રહી પછી બોલી :

“આપ ?” “અમે મોહિતને મળવા આવ્યા છીએ.” “એ નહીં મળે…” અચાનક પેલી છોકરીનો અવાજ ફાટ્યો : “એ લૂચ્ચો, લફંગો, બદમાશ નહીં મળે..” “અરે પણ… એમણે કહ્યું કે રાત્રે મોડેથી આવે છે. વહેલો નીકળી જાય છે.” “મને ખબર છે કે રાત્રે મોડો આવે છે અને એને પકડવા માટે તો હું મોડી રાત્રી સુધી હું આટલામાં જ ફરુ છું પણ દીપડા જેવો ચાલાક છે.” “એ છોકરી બરાડી. પછી બોલી : પણ આજએ શિકારીનો શિકાર કરી નાખીશ.” એટલું કહીનેએ ચાલી ગઇ. અનિતા ખળભળી ઉઠી. તેના મનમાં ડર, શંકા, વહેમનાં દરિયા દોટ દેવા મંડ્યા.

પ્રેમે કહ્યું : “ચાલ અનિતા કાલ આવશું.” “નહી પ્રેમ… આપણે ઘરે નથી જવું. ભલે મોડું થઇ જાય પણ વાતનો તાળો તો મેળવવો જ પડશે કે આખર રહસ્ય શું છે?…” આખરે ચારેક કલાક વીતી અને બારેક વાગ્યે ફલેટનાં દરવાજામાં મોહિત અંદર પ્રવેશ્યો પણ આ શું ? તેના જીસ્મ સાથે વળગીને એક છોકરી પણ સાથે આવી રહી હતી. અનિતા તે બન્નેને તાકી રહી. તેનાં હૈયા ઉપર વિજળી પડી.

મોહિત હજી અનિતાની ઉપસ્થિતિથી અજાણ હતો તેણે એ ખૂબસૂરત છોકરીની કમરમાં હાથ ભેરવ્યો હતો. તે બન્ને ઝડપથી ફલેટનાં દરવાજે ગયા પણ હજી ફલેટનું બારણું ખોલી રહે ન રહે ત્યાં પેલી છોકરી ધસમસ્તી આવી અને મોહિતને ગડદા, પાટુ, ઠોંસા થપાટે ચોંટી પડી : “બદમાશ, હલકટ.. નીચ.. મને ભોળવી પ્રેમનું નાટક કર્યુ, અને મને લૂંટીને બીજાનું જીવન બરબાદ કરવા બેઠો છે હરામી…” તે છોકરી, મોહિત અને સાથે રહેલી પેલી છોકરી ત્રણેયના ચિત્કાર, ચીસ અને રાડારાડીથી ફલેટ જમા થઇ ગયો.

*******
તે દિવસની રાત ઢળી રહી હતી. ઉપરના રૂમની બારી માંથી આકાશમાં અડધે ઝૂકેલો ચંન્દ્ર પિયુ જેવો લાગતો હતો. પણ અનિતાની આંખો ખુલ્લી ફટાક હતી. આજે જોયું હતું તે જીંદગીનું દુ: સ્વપ્ન હતું જાણે… અચાનક પ્રેમ ઉઠયો તો જોયું કે અનિતા સુમસામ બનીને બેઠી હતી. “અનિતા… તું હજી જાગે છે ?” કરતો પ્રેમ નજીક આવ્યો જવાબમાં “પ્રેમ…મારા પ્રેમ.” કરતી અનિતા પ્રેમને વળગી જતા બોલી : “મને માફ કરી દે પ્રેમ!

“જે પુરૂષમાં પ્રેમનો દેવતા જોયો એ પુરૂષતો દાનવ નીકળ્યો અને જે પુરૂષને પરણતી વખતે દાનવ સ્વરૂપે જોતી હતી એ જ સ્તો ખુદ પ્રેમનો દેવતા નીકળ્યો. મારા શરીરથી દૂર રાખી તેને સંસારનાં સુખથી વંચિત રાખ્યો એનું પાપ ભગવાન મારું ક્યારેય માફ નહીં કરે…” જવાબમાં પ્રેમે કહ્યું : અનિતા “પુરૂષનાં બે ચેહરા હોય છે. એક અસલી, એક નકલી.” પણ એ સ્વરૂપને ઓળખી શકો એજ તો મોટી વાત છે અને મને તારા ઉપર જરા જેટલો પણ ગુસ્સો, દાઝ, વેરભાવ, નફરત કે તિરસ્કાર નથી.”

આનંદ એ વાતનો છે કે તું ચહેરાને ઓળખી શકી… બાય ધ વે, હજી પણ હું તો એવો જ નિર્લેપ છું.” “નહી પ્રેમ… હવે હું તારામાં સમાઇ જવા તડપુ છું…” “પ્લીઝ મને તારામાં સમાવી લે. અત્યાર સુધી હું પણ ઝાંઝવાના જળની તલાશમાં હતી પણ મને ખબર નહોતી કે ઝાંઝવા કયારેય તરસ છીપાવી શકતા નથી. જે તરસ છીપાવે છે એ તો વીરડાનાં જળ છે અને એ વીરડો તો મારી બાજુમાં છે…” કરતી તે ખુદ સામે ચાલીને પ્રેમની બાંહોમાં સમાઇ ગઇ.”

લેખક : યોગેશ પંડ્યા