મેંગો – વેનીલા પુડીંગ – જમ્યા પછી પરિવાર સાથે સ્વીટમાં ખાવ આ નવીન ડેઝર્ટ… જોતા જ મન લલચાઈ જશે…

ગરમીની ભલે હજી શરૂઆત જ થઇ છે પણ ગરમી તો લાગે જ છે, ઉપરથી હવે આવશે કેરીની સીઝન. કેરી બધાને પસંદ હોય છે. આજે અમે તમને કેરીની એક એવી વાનગી શીખવીશું જે તમારા ઘરમાં બધાને પસંદ આવશે બાળકો તો જોઇને જ ખાવા લલચાઈ જશે.

આજે હું મેંગો- વેનીલા પુડીંગ ની રેસિપી લઈ ને આવી છું. જે જોઈ ને ખાવાનું મન થાય એવું તો છે જ પણ એની સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. આ રેસિપી બનાવવા માં ખૂબ સરળ છે.

હોટેલ અને રેસ્ટોરન્ટ કરતા પણ વધુ આકર્ષક અને સ્વાદિષ્ટ છે આ પુડીંગ… તમારા બાળકો, ઘર ના સભ્યો તેમજ ઘરે આવેલા મહેમાનો ખુશ કરી દો આ નવા પ્રકાર નું ડેઝર્ટ સર્વ કરી ને. મેં આ ડેઝર્ટ 2 લેયર માં બનાવ્યું છે.. એક કેરીનું લેયર બનાવ્યું છે અને બીજા લેયર ને વેનીલા મિલ્ક ફ્લેવર આપી છે. મેં ચાઈનાગ્રાસ નો ઉપયોગ કર્યો છે જેને અગાર-અગાર કહેવામાં આવે છે અને કોઈ પણ કરિયાણાની દુકાન માં મળી જશે. (જેની 10 ગ્રામ ના પેકેટ ની કીંમત 10-15 રૂપિયા જેટલી હોય છે.) પેટ અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ચાઈના ગ્રાસ.

પુડીંગ માટે ની સામગ્રી:-

મેંગો લેયર માટે

2 નંગ પાકી કેસર કેરી અથવા હાફૂસ કેરી

2 ચમચી ખાંડ

10 ગ્રામ ચાઇનાગ્રાસ

1/4 કપ પાણી

વેનીલા મિલ્ક લેયર માટે

500 મિલી દૂધ

3-4 ચમચી ખાંડ

10 ગ્રામ ચાઇનાગ્રાસ

1/4 કપ પાણી

3-4 ટીપાં વેનીલા એસેન્સ

ચપટી ઇલાઈચી નો પાવડર

ચપટી જાયફળ નો પાવડર

પુડીંગ બનાવાની રીત:-

આ પુડીંગ ને વધુ આકર્ષક બનાવા માટે આપણે 2 લેયર માં બનાવીશું અને બંને લેયર વારાફરતી બનાવીશું. સૌ પ્રથમ મેંગો લેયર બનાવીશું. પાકી કેરી ને ધોઈ ને સાફ કરી ને છાલ ઉતારી કટકા કરી લો. તેમાં ખાંડ ઉમેરી ને હેન્ડ બ્લેડર થી રસ બનાવી લો. (પાણી ઉમેરવાનું નથી) હવે 10 ગ્રામ ચાઈના ગ્રાસ ને કટકા કરી પાણી થી એક વાર ધોઈ લો. અને ચાઈના ગ્રાસ ડૂબે એટલું જ પાણી રાખી ને ગેસ પર ગરમ કરો. હવે બધું ચાઈના ગ્રાસ પાણી માં ઓગળી જાય અને અને મિક્સ થાય ત્યાં સુધી ઉકાળો અને ગેસ બંધ કરો. કેરી ના તૈયાર કરેલા રસ માં આ ગરમ ચાઇના ગ્રાસ નું પાણી વાળું મિશ્રણ ઉમેરી ને બરાબર રસ મિક્સ કરો. હવે કાચ માં ગ્લાસ લો. અને તેને સહેજ ત્રાંસા / (half slanting)રહે તેમ બાઉલ માં ગોઠવો. ( ફોટો માં બતાવ્યા મુજબ) . હવે ઉપર બનાવેલું કેરી ના રસ નું મિશ્રણ સાઈડ માંથી ગ્લાસ માં ભરો. અને પછી ગ્લાસ ને બાઉલ સહિત જ ફ્રીઝ માં 1 કલાક માટે મૂકી દો. ઠંડુ થતા જ કેરી નું મિશ્રણ ગ્લાસ માં જામી જશે. હવે આપણે બીજું લેયર બનાવીશું. દૂધ ને ઉકાળી ને ખાંડ , ઈલાયચી, જાયફળ ઉમેરી ને ગેસ બંધ કરી દો. બધું મિક્સ કરી ને પછી હુંફાળું થવા દો. હવે ફરીથી બીજા 10 ગ્રામ ચાઈના ગ્રાસ ને કટકા કરી પાણી થી એક વાર ધોઈ લો. અને ચાઈના ગ્રાસ ડૂબે એટલું જ પાણી રાખી ને ગેસ પર ગરમ કરો. હવે બધું ચાઈના ગ્રાસ પાણી માં ઓગળી જાય અને અને મિક્સ થાય ત્યાં સુધી ઉકાળો અને ગેસ બંધ કરો. હુંફાળા તૈયાર કરેલા દૂધ માં આ ચાઈના ગ્રાસ ના મિશ્રણ ને ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો. હવે ગ્લાસ માં જમાવેલા કેરી ના લેયર પર જ દૂધ ને ઉમેરી ને ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકી દો. અને બન્ને લેયર જામી જાય એટલે કોઈ પણ સમય પર સર્વ કરો. એકદમ સોફ્ટ અને યમી એવા પુડીંગ ને બનાવી ને આજે જ મજા માણો.નોંધ :-

ચાઇના ગ્રાસ ને ગરમ કરવા માટે પાણી માત્ર એટલું જ લેવું કે એ મિક્સ થાય અને ઓગળી ને લીકવિડ બની જાય. તમે ઇચ્છો તો માત્ર એક લેયર બનાવી શકો. પરંતુ આ બંને લેયર્સ નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. તમારે સ્લાન્ટીંગ લેયર ના કરવા હોય તો ગ્લાસ સીધો રાખી ને અડધું – અડધું લેયર પણ બનાવી શકાય. મેંગો નું લેયર ઠંડુ થાય અને જામે પછી જ વેનીલા મિલ્ક વાળું મિશ્રણ ઉમેરો. વેનીલા મિલ્ક હુંફાળું કરી ને જ મેંગો લેયર પર ઉમેરો જેથી મેંગો લેયર ખરાબ ના થાય. ખાંડ ઓછી હશે તો વધુ સારી લાગશે આ ડેઝર્ટ માં. બંને વખતે ચાઈના ગ્રાસ લેયર બનાવવા ટાઈમ પર જ ગરમ કરો કેમકે એ ઠંડુ થઇ ને જેલ ની જેમ જામી જાય છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)