આંખમાં ઊગ્યા સૂરજ… – એકબીજાને સુખ અને દુઃખમાં સાથ આપવો અને એકબીજાને સહારો આપવો એ જ સાચો પ્રેમ…

‘આંખમાં ઊગ્યા સૂરજ…’

માગશરનો સૂરજ આથમણી દ્શ્યે ટેકરીઓ આડે ડૂબી ગયો હતો. હવે તો અવનિ ઉપર ચડતા શિયાળાની સાંજ ઉતરી રહી હતી. ધીરે ધીરે હેમાળેથી વછૂટેલો બરછી જેવો ટાઢોબોળ પવન કો’ જોબનવંતી નારની માફક હળવે હળવે વા’ તો આવતો હતો. ટાઢની સાથો સાથ કાલિમા પણ હળવે હળવે પૃથ્વી ઉપર પગરણ કરી રહી હતી. પંખીઓતો ક્યારનાય પોતપોતાના માળે જવા નીકળી ગયા હતા. હવે તો પાછળ રહી ગયેલું કોઇ એકલ દોકલ પંખી, પ્રિયજન ભેળું થઇ જવા ઝડપથી આમતેમ પાંખો વીઝતું ભાગી રહ્યું હતું


બરાબર ત્યારે જ હાથમાં ધારિયું લઇને અમરૂ, વીકા ભગતની વાડીના જમણા શેઢે નીકળ્યો અને ક્યારનીય આંખ્યે નેજવું કરીને રાહ જોઇને થાકેલી ગૌરી ખીજડા હેઠે પગ આગળ રજકાનો મોટો બધો ભારો લઇને ઉભી હતી.

અમરૂ નજીક આવતા દેખાતા જ તેની આંખો હસી ઉઠી. માત્ર આંખો જ શું કામ? એની કાયાના અણેઅણુ કહોને ! હવે હળવો રોમાંચ આખા શરીર માંથી પસાર થઇ ગયો. આ વાતની બેખબર અમરૂ કોઇ દેશી ગાણુ લલકારતો પસાર થયો. શિયાળુ હવાની ઠંડી ઠંડી લહેરખી અમરૂના મીઠા બોલેય આ બાજુ લેતી આવી. હલકદાર કંઠથી વહેતાં શબ્દો હવામાં સરતા આવતા હતા.

‘તમરા દલડાનો વારો મારા રે સમ માનો જી રે

તમારા રૂદિયાનો વારો મારા રે સમ માનો જી રે…


ક્યો’તો ગોરાંદે તમને કડલાં ઘડાવી દઉ ક્યો ‘તો રે કાંબિયું ઘડાવું મારા રે સમ માનો જી રે… અમરૂ !!

આમ તો નહોતું બોલવું છતાંય સાદ પડાઇ ગયો ‘ને અમરૂ થંભી ગયો. આગળ જોયું પણ કોઇ નજરે ન ચડ્યું ને સહસા ડાબી તરફ જોવાઇ ગયું તો ચહેરા પર આનંદનો ઉમળકો આરૂઢ થઇ ગયો. દસ પંદર ડગલાં છેટે જ ગૌરી ઉભી હતી. ‘લે ? તું ગૌરી ?’ ‘ક્યારૂની ઉભી સો ?’ અમરૂએ ખભા ઉપરથી ધારિયું નીચે ઉતારતાં પૂછયું. ‘દી’ આથમી ગયો ત્યારથી અમરૂ.’ ‘તો પછી હાલતું નો થઇ જવાય ?’

‘થઇ જાત. જો તેં પેલા કીધું હોત ને તો આ તો સવારે નીકળ્યા ત્યારે તો કહેતો ગયો હતો કે સાંજે આ પધોર નીકળીશ . આપણે હાર્યે હાર્યે ઘર ભણી જાશું. તું એ ભૂલી તો નથી ગ્યો ને ?’ ગૌરીએ મીઠો છણકો કરીને કહ્યું : ‘હું દી’ આથમ્યા પહેલાની તારી વાટ જોઇને ઉભી છું. હવે તો મને જોઇને. તારા આવવાનો જે મારગ છે એ મારગ પણ થાકી ગયો પછી મારે આંખ્યુ નો થાકે ? ‘હા, આ તો બધું ભાળ્યાનું ઝેર છે.’


અમરૂ બોલ્યો : ‘જો ભગવાને આ બે આંખ્યુ જ નો આપી હોત તો કેવું સારુ હતું ? નહી દેખવું નહીં દાઝવું !! આ બધુ જોઇએ છીએ ત્યારે રાગ, દ્રેષ માયા, મમતા, મોહ, લોભ, વાસના, સગાઇ વેર ઝેર જાગે છે. આ આંખોને લીધે છે. ઇ જો નો હોતને તો આ કાંઇ નો હોત.’

‘છે એટલે સૂઝે છે અમરૂ બાકી ઇ ‘સતના ચાળા’ (પારખા) કરવા રહેવા દે. કોઇ આંધળાની પડખે જઇને પૂછ્યું છે કે તારે શું જોવે છે / તું શું માગે છે ? સામે રૂપિયાના ઢગલા હશે. તોય એ આંધળો પાટુ મારી દેશેને કહેશે કે મને ખાલી એક આંખ્ય આપો. બસ એક જ…! મારે બીજું કાંઇ જોતું નથી અને તને ઇય કહી દઉ કે જો એક આંખ્ય એને મળે ને તો ઇ ઓલ્યા રૂપિયાના ઢગલાની સામે નજરેય કર્યા વગર બધું છોડીને હાલતો થઇ જાશે. ઇ આંખ્યના તને હજી કેવા મૂલ છે ઇ ખબર નથી લાગતી !


‘ઠીક રહે હવે રહે. તું પાછી બહુ ડાહી..’ અમરૂ હસી પડ્યો : આ તો તેં ભૂલવાની વાત કરીને એટલે મારે કહેવું પડ્યુ. બાકી હું તો તને ક્યારેય નહી ભૂલું ગૌરી. પણ તું મને ભૂલી જા તો, એ તારે ને મારે સારુ છે.’ ‘બસ અમરૂ, ફસકી ગયો ? વદ્યા વચનનું શું ? તે અને મેં કરેલી પ્રિતનો આવો બૂરો અંજામ ?’

‘એવું નથી ગૌરી. પણ તારા બાપુને આ સંબંધ મંજૂર નથી. મને પશવો બે દી’ પહેલા જ કહેતો હતો કે તારા બાપુને સંધીય ખબર પડી ગઇ સે ને ઇ ધુંસાફુંઆ થયા સે..’ ‘તો શું થયું અમરૂ ?’ ‘રહેવા દે ગૌરી. તારા બાપુને આપણી પ્રિત મંજુર નહીં હોય અને એની ઉપરવટ…’ ‘અમરૂ ! હવે તને સાચી વાત કહું ?’ ગૌરી અમરૂ સામે તાકી રહી. અમરૂની આંખોમાં ગૌરીના આગળનાં વેણની પ્રતિક્ષા હતી.


ગૌરીએ કહ્યું : ‘અમરૂ ! સાચી વાત તો ઇ છે કે પશવો લાપસીમાં કાંકરા નાખવાનો કારહો કરે છે, મુદલ તો પશવાની નજર મારા સામુ છે. થોડો વાડીવજીફો, ધાબાવાળુ મકાન અને ફટફડિયુ…! આ એટલું છે ને એટલે ઇ માને છે કે હું પૈસાવાળો. પણ મારા બાપુ એમ ભોળવાઇ જાય એમ નથી અમરૂ.

એકવાર તારા બાપુને મારા બાપુ આગળ મોકલ. તારા બાપુ જો આપણી સગાઇનું વેણ નાખેને મારા બાપુ એને નકારે એવું હું નથી માનતી. હું તો ન-માઇ છું. મારા સુખ ખાતર તો એ ભલા માણસે બીજીવાર લગનેય નથી કર્યુ. હવે એ બાપ મારા સંસારમાં પથરો બનીને ઉભો રહે ? અમરૂ, તું ગાંડો તો નથી થઇ ગયો ને ? કે, ગામના ઉતાર પશવાની વાતુંમાં આવી ગયો ? અરે એણે તો ગામની કેટલીય દીકરીયુંના જીવતર ઝેર કર્યા છે. કેટલીય વહુઓની જિંદગીમાં દેતવા મેકયો છે. એ પાપીનો પડછાયોય ના લેતો નહિંતર આપણુ જીવતર…’


‘સારુ તુ જા, મારા બાપુને હું બે દી’ માં મોકલીશ. પણ જોજે હોં મારા બાપનું વેણ ફગે નહીં. નહિંતર પછી મારે ભોં ભારે પડશે. -પણ એવું ન થયું. અમરૂનો બાપ વેણ લઇને ગયોને ગોળધાણા ખાઇને પાછો ફર્યો. બે હૈયાની પ્રિતને બેય બાપે વધાવી લીધી.

માગશર હવે હળવો ચાલ્યો જતો હતો. કપાસની ત્રીજી ‘વિણ્ય’ પણ આવી હતી. કાલા માંથી ફાટફાટ થતા ધોળા બાસ્તા જેવા રૂ જેવું જોબન હવે ગવરીની કાયા ઉપર ફાટફાટ થતું હતું અને અમરૂ એ કાયાના કાંઠે વહેતા જોબન જળમાં નજરની પીંછીથી નહાઇ રહ્યો હતો. પોષ મહિનાની કાતિલ ટાઢ જુવાન હૈયામાં બરછીનો ઘા કરી, પિયુ સંગે મ્હાલ્વના કોડ જગાવી વિહવળ કરી વહેતી હતી.

દી’ આથમતોને ગામને પાદર ઠંડી ઠંડી હળવી લ્હેરખી આંજણઘેરી કાળાશ લઇને રાવટી તંબુ નાખીને મુકામ કરતી હતી. ને અફીણી ઘેન ગામના દરેક ખોરડે પથરાઇ જતુ હતું… -પણ આખા ગામમાં જાગતા હતા માત્ર બે જ જણ ! એક ગૌરી, બીજો અમરૂ ! બસ, હવે તો ફકત ત્રણ મહિનાની વાર હતી. ચડતા વૈશાખમાં તો ગૌરી જોબનવંતા અંગો પર પીઠી ચોળીને સાસરવાટ સિધાવાની હતી !


જીવતરનો એક માત્ર સહારો ગૌરી ! પણ હવે એ પારકી થાપણને પોતાને હાથે જ વળાવવાની હતી…ભગત સૂમસામ બની ગયા હતા. એને મૃત પત્ની આજ યાદ આવી ગઇને ભગતની આંખ માંથી ટપ ટપ કરતા આંસુ નીકળી ગયા. પત્ની તો ‘મોટા ગામતરે’ સંચરી ગઇ, ખબર ન પડે એમ ! જાણે કો, આંખ માંથી સપનું આવ્યું ને ચાલ્યું ગયું. ગૌરી તો માંડ બે જ વરસની. પણ ભગત બાપ બનીને જીવવા કરતા એક ‘મા’ બનીને જીવ્યા હતા.

ગૌરીને ઉઠાડવાથી માંડી ને સુવડાવવા સુધીની કાળજી રાખતા ભગત એને ખવડાવતા, પીવડાવતા, નવડાવતા બે ચોટલા ગૂંથીને પછી તો તૈયાર પણ કરી દેતા. નાનકડી ગૌરી, બાપના ગળે હાથ પરોવીને કહેતી : ‘બાપુ, મારી બહેનપણીઓને તો એની બા તૈયાર કરી દે છે. તો મને કેમ તમે તૈયાર કરી દો છો ! મારી મા ક્યાં ગઇ છે એને આવવા દોને ? ત્યારે ભગત એના માથા પર હાથ ફેરવતા તેને કહેતા : ‘એ મામાના ઘરે ગઇ છે. એ આવશે પછી એ જ તૈયાર કરી દેશે હોં કે બેટા…’ અને પછી છાને ખૂણે રડી લેતા..

ડગલેને પગલે ગૌરી આવા તો કેટલાય સવાલ પૂછતી ને પોતાને જવાબ આપવા પડતા. ક્યારેક ક્યારેક તો એ જે સવાલ કરતી એ સવાલના તો જવાબ પણ નહોતા પણ ભગતએ ભગત હતા. એમની વાણી પર દૈવી શકિતના સાચોસાચ બેસણા હતા. એ દીકરીને સમજાવતા અને એ માની જતી… એટલે ગૌરીને ક્યારેય આટલા વરસોમાં મા ન હોવાનું દુ:ખ લાગવા દીધું નહોતું.


આજે એ નાનકડી બાળકી પરણવવા જોગ થઇ ગઇ ? હજી તો કાલ સવારની કાલુધેલુ બોલતી ગૌરી, આજે ‘આવજો બાપુ’ કહેતી નવોઢાનું પાનેતર ઓઢીને ઘરને ઉંબરે ઉભી છે. લાડકોડમાં ઉછરેલી એકની એક દીકરીને જરાય ઓછું ન આવે એમ વીકા ભગતે સંભારી સંભારીને જીણી મોટી-નાની દરેક ચીજ વસ્તુઓ ઓરી-ઓરીને (ખરીદીને) આણુ કોઇ, રાજ-રજવાડાની કુંવરી જેવું ભાતીગળ કરી દીધું હતું. ગૌરીને કોઇ કમી ન આવે તેનું ધ્યાન રાખ્યું’ તું. -પણ એવામાં એક ગોઝારા બનાવ બન્યો.

અમરૂ એક દી’ પાણી વાળતા વાળતા હાથમાં પાવડો લઇને કૂવે આવ્યો. પોચી જમીન અંદરથી પોલી થઇ હતી કૂવાનો કાંઠો તો વર્ષો પહેલા બંધાવેલો. માટીનાં એક ઢેખાળા ઉપર વજનદાર પગ આવ્યો ને પગ ફસક્યો. પચ્ચીસ વર્ષનો જોરાવર કાયા કૂવાના કઠેડા પર ઝીંકાણો. મશીનના પંખામાં આવી ગયો એક પગને ત્યાંથી ઉધેં માથે ફંગોળાયો તે મશીનનાં ‘સપોર્ટ’ બાંધેલા બેય સળિયા એક આંખોમાં.


ભાન આવ્યું ત્યારે દવાખાનામાં બિસ્તર પર તેની કાયા હતી. ગોઠણથી એક પગ નિર્માલ્ય થઇ ગયો હતો. અને આ આંખો પર બાંધી હતી પટ્ટી! ડોકટરે આંખોની પટ્ટી ખોલી ત્યારે અમરૂ ચીસ પાડી ઉઠયો. તેની ચીસનાં પડછંદા આખી હોસ્પિટલમાં ફરી વળ્યા હતા. ડોકટરે કહી દીધું : આંખમાં ખૂંચી ગયેલા સળિયાએ આંખોની રોશની ખૂંચવી લીધી છે. હવે એ જોઇ નહી શકે. હી ઇઝ બ્લાઇન્ડ ! આઇ એમ સો મચ સોરી. હું એની આંખોને બચાવી ન શક્યો..

ગૌરીની આંખો માંથી આંસુના દરિયાઓ ઉમટી પડ્યા. હોસ્પિટલનાં બિસ્તર પર અમરૂનાં હાથને પંપાળતી ગૌરીના ઉના ઉના આંસુ અમરૂની હથેળી પર પડ્યા. અમરૂએ આંસુથી જાણે દાઝી ગયો : ‘રડ નહી ગૌરી’ અમરૂએ તેનો હાથ હાથમાં લેતા ભીના કંઠે કહ્યું : ‘સારું થઇ ગયું. લગન પછી થયું હોત તો જિંદગી આખી સોરાઇ સોરાઇને જાત,


જે થયું, ઠાકરની મરજી ! તું હવે છૂટી છો, હું આંધળો અને લંગડો તને જીવતરનું કે સંસારનું સુખ આપવા માટે લાયક રહ્યો નથી. હું શું આપી શકું હવે ?’ ‘રહેવા દે અમરૂ ! એવું બોલમાં ! મારે એક ભવમાં બે ભવ નથી કરવા. મારે મન તું છો એ જ સંસાર છે. મારે કોઇ બીજા સુખનો ખપ નથી.’ ‘પણ ગૌરી, હું હવે કશા કામનો નથી. કોઇ હાથ પકડીને મને દોરે એવી મારી જિંદગી અને અમાંય બે ડગલા હાલીને બેહી જાઉં એવો મારો પગ… રહેવા દે ગૌરી, તુ તારે બીજું ગોતી લેજે, મને દુ:ખ નહીં લાગે અને તને તો એક કરતા એકવીસ મળી રહેશે.’

‘અમરૂ’ ગૌરીથી રાડ પડાઇ ગઇ’ : ‘બીજા કોઇને ગોતવા હોત તો મેં તારી ચૂંદડી ઓઢી ન હોત અમરૂ ! અને સંસારનું સુખ જો શરીર જ ગણાતું હોય તો એ સુખ મારા માટે અગરાજ છે…’ કહેતી ગૌરી અમરૂની હથેલીમાં ચહેરો ગોપવીને છૂટે મોં એ રડી પડી. ‘ગૌરી, તુ છાની રહી જા. તું રોવે ઇ હું જોઇ શકતો નથી…’


અમરૂએ નિસાસો નાખ્યો. પણ ઓચિંતા એ ખડખડાટ હસ્યો. ખડખડાટ…ગૌરી ચોંકી ગઇ, અમરૂ કહેતો હતો : ‘પણ સારું થયું કે હું નથી જોઇ શકતો તને ! સારું થયું મારી આંખો ગઇ, અમથોય હું તને રોતી ક્યાં જોઇ શકતો હતો ? એકવાર તેં કીધું હતું. મને, યાદ છે ? યાદ છે મને…

ગૌરી.’ અમરૂ બફાટ કરતો હતો : ‘એકવાર તે કીધું તું, મને યાદ છે કે આંખ્યુંના કેવા મૂલ છે ઇ તો આંધળાને જ ખબર પડે… સાચી વાત છે ગૌરી આ તો બધુંય ભાળ્યાનું ઝેર છે. આજ તો ઇ ઝેર જ હું પી ગયો ઘટક…ઘટક…ઘટક…હવે તો કડવુ શું ને ગળ્યું શું ? સંધુય સરખુ ! અંધારે અંધારુ…હવે શું રાત કે શું દિવસ..?’ અમરૂના અટ્ટહાસ્યથી ગૌરી ધ્રુજી ગઇ. તે દિવસે સાંજે ગૌરી ડોકટરના પગ પકડી ઢગલો થઇ ગઇ. દાકતર સાબ્ય, ગમે એમ કરો પણ મારા અમરૂની આંખને સજીવન કરો. ‘ઇટ ઇઝ ઇમ્પોસીબલ’ ડોકટરે કહ્યું. બેટી મેં કોશિશ ઘણી કરી પણ…’


‘તમે કહો તો હું એને મારી આંખો આપી દઉં. બાકી એની પીડા.’ ‘ઓહ નો ! ‘ડોકટર ઉભા થઇ ગયા. May be possible, પલ્સ સજીવ છે. રક્ત સંચાર થઇ શકે છે. પણ મેજર ઓપરેશન…’ ડોકટર એનું બાવડુ પકડીને ઉભી કરી : ‘બેટા, તુ તારી આંખ એને આપી શકીશ, એક આંખ મળશે તો પણ એ એક આંખે જોઇ શકશે’ ‘બેય આંખ લઇલો, પણ મારા અમરૂને દેખતો કરો.’

** **
ગૌરીએ એક આંખ આપી દીધી. માછલી જેવી એ આંખને ખૂંચવી લેતા જાણે ડોકટર પણ પોતાની મૃત દીકરીની યાદમાં ખોવાઇ ગયા.આજે જાણે આ પોતાની દીકરી જ હતી કે શું?

** ** **
ગૌરીએ પોતાના બાપુને કહ્યું : ‘બાપુ મારો કરિયાવર વેચી દેજો, સોનુ-રૂપુ-ઘરેણું- ધાટુ-કપડા-લતા-તોરણ-ચાકળા મારે કોઇ ખપના નથી. એના જે પૈસા આવે એ પૈસા આ ઓપરેશનના ખરચ વાસ્તે આપી દેજો. મારા સસરા તો ગરીબ છે. અને મારે તો મારા ધણીની આંખનાં રતન સજીવન થાય એટલું જ જોઇએ છે. મારું તો એ જ સાચું સુખ અને એ જ કરિયાવર…’ ‘જેવી તારી મરજી બેટા, તારા સુખ આડે હું નહી આવું, અરે રકમ ઘટશે તો હું આપું, પચ્ચીસ વિઘાનું કટકુય વેચી દેવા તૈયાર છું. બસ?’


** ** **
ઓપરેશનમાં જતા પહેલા બન્ને જણે એકબીજાની હથેળીને હથેળીમાં રાખીને બોલ્યા : ‘કદાચ જીવતા હોઇશું તો પાછા મળશું. નહીંતર જિંદગીના ઝાઝેરા ઝુહાર…’

પણ ઓપરેશન સફળ થયા હતા. ડોકટરને પૂર્ણ આશા હતી કે અમરૂ આંખ ટ્રાન્સપ્લાન્ટથી દુનિયા જોઇ શકશે. જે દિવસે આંખ પરની પટ્ટી ખોલવામાં આવી ત્યારે તેની આંખ સામે ડોકટરે ગૌરીને ઉભી રાખી હતી. પટ્ટી નીકળી ગઇ અને ડોકટરે હળવે હળવે પોપચા ખોલવાનું કહ્યું. પૂર્વાકાશ માંથી ઉચકાતા સૂરજ જેમ હળવે હળવે પોપચા ઉંચકાયા, પહેલા સઘળુ ધુમ્મસ… પછી ઝાંખુ ઝાંખુ… અને પછી સમગ્ર સૃષ્ટિ અમરૂની આંખમાં સમાઇ ગઇ…

‘દાક્તર…’ તે હર્ષનો માર્યો ચીસ પાડી ઉઠયો : દાક્તર…દાક્તર સાહેબ મને બધું દેખાય છે…’ ‘વેરી ગુડ, બ્રેવો મેન… મિ. અમરૂ, તમને તમારું પ્રિય પાત્ર દેખાય છે કે નહી ? અમરૂની આંખ ફરીતો પોતાની અડોઅડ જ ગૌરી ઉભી હતી. ‘ગૌરી…’ અમરૂ ઉભો થવા ગયો પણ લંગડાતા પગને લીધે સંતુલન જ જાળવી શક્યો પણ એ પહેલા તો ગૌરીએ એના ખભાનો સહારો તેને દઇ દીધો હતો.


પણ અમરૂ ગૌરીની એક આંખ પર બંધાયેલા પાટાને તાકી રહ્યો હતો. એ અસંમજસમાં ડૂબેલો હતો. કંઇ ન સમજાતા તે ગૌરીને પૂછી બેઠો : ‘ગૌરી, આ શું ?’ ‘……………..’ ‘ગૌરી, હું તને પૂછું છું બોલ તો ખરી, તને શું થયું છે…?’ અમરૂએ તેને હબડાવી નાખી કે ડોકટર બોલી ઉઠયા :

‘રહેવા દે, દોસ્ત રહેવા દે એ નહી બોલે એ જ તો આર્ય નારીનાં સંસ્કાર છે. પણ હું તને કહું છું દોસ્ત અત્યારે તું આકાશ, ધરતી, પેલા ફૂલો, પંખીઓ, આ દીવાલો અને ખુદ તેને જોઇ રહ્યો છે એ તારી વાગદતા ગૌરીને કારણે. દોસ્ત અમરૂ, તું ફરીને આ વિશ્વને જોઇ શકે એ માટે એણે શું નથી કર્યુ ? એણે પોતાની એક આંખ તને આપી દીધી છે. બોલ, હવે તારે શું સાંભળવું છે કહું, પણ ડોકટરનાં શબ્દો લંબાઇ એ પહેલા તો અમરૂ રડી પડ્યો હતો… કહેતો હતો: ‘ગૌરી, મારી ચામડીના તો જોડા બનાવીને તારી આ ગુલામી પાનીઓમાં મૂકુ તોય ઓછું છે…’

‘બસ અમરૂ બસ’ કહેતા ગૌરીએ અમરૂને સાહી લીધો.

** ** **
પૂરા ત્રણ મહિના પછી દવાખાનામાંથી રજા લઇને ગૌરી, અમરૂના ખાટલે આવી. પોતાના ખભા પર અમરૂનો ખભો લઇ લેતા બોલી : ‘હાલ અમરૂ, તે ભલે પગ ગુમાવ્યો અને ભલે આંખ્ય ગુમાવી પણ હવે તને હું જ હાલતા શીખવાડીશ. અને તારી આંખે ફરી એકવાર તને આપડી વાડી, સીમ, પંખીડા, વગડો, ગામનું પાદર અને આપણા ઘરનું આંગણુ બતાવીશ તો એ જ મારા જીવતરનું સાચું સુખ હશે. મારૂં જીવતર જો તારો જ સહારો બની શકતું હોય તો એનાથી વધુ રૂડુ શું ? લે, હાલ્ય આજથી જ મીઠા શુકન કરીએ…’ કહેતા ગૌરીએ પોતાના ખભા પર અમરૂને આખે આખો સાહી લીધો. ત્યારે ડોકટર અને હમણા જ ઉગીને સમાનમાં થયેલ સૂરજ દાદા નીચે નજર કરીને અમરૂનો સહારો બનેલી ગૌરીને જોઇ રહ્યા હતા !

લેખક : યોગેશ પંડ્યા

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ