એક તારું નામ અને આ જિંદગી… – એક ગેરસમજની સજા એ ભોગવી રહી છે વર્ષોથી, આજે અંતિમ ક્ષણે શું નિર્ણય લેશે એ…

ખડકીમાં, કોઇ અજાણ્યા બે જુવાનને પ્રવેશતા જોયા એટલે ઝમકુંએ ફળિયામાં આવતા આવતા પૂછી નાખ્યું ‘કોનું કામ છે ભાઇયું ? ‘વીરાભાઇનું ઘર આજ કે ?’ ‘હા, આવો..’ બન્ને જુવાન અંદર આવ્યા. ઝમકુ એ ઓંસરીમાં ખાટલો ઢાળ્યો. અને કહ્યું : ‘બેસો…’ બેય જુવાન ખાટલા ઉપર બેઠા અને આસપાસ જોવા લાગ્યા. કે ઝમકુ બોલી ઉઠી: ‘વીરાજીનું કાંઇ કામ હતું ?

‘હા, પણ તમે ?’ ‘હું ઝમકુ…’ ઝમકુએ તેની સામે વિચિત્ર નજરે જોતા કહ્યું. કે એક જુવાન બોલ્યો: ‘અમારે તમારું જ કામ હતુ….’ ‘બોલો ને…’ ‘અમે રામપરથી આવીએ છીએ…’

રામપરનું નામ પડ્યું એટલે ઝમકુએ તરત, સાડલો માથે ઓઢી લીધો અને પૂછ્યું : ‘રામપરથી આવ્યા, અત્યારે ?’ ‘હા…’‘કેમ વળી?’‘તમને લઇ જાવા..’‘મારી ન્યાં શું જરૂર છે ?’


‘મોહનકાકાએ મોકલ્યા છે…’એમાનાં એક જુવાને કહ્યું એટલે ઝમકુએ ઝીણી આંખ કરીને એ જુવાનને ઝાંખ્યો. જાણે મોટા જેઠનાં મોઢાંની રેખાયું આ જુવાનનાં મોઢા ઉપર પણ અંકાયેલી હતી, એ અછતું ન રહ્યું…એણે સહેજ સાશંક રીતે પૂછ્યું : ‘તો તું અરજણ ભયજીનો દીકરો સાર્દુળ ?’‘હા…કાકી હું પોતે જ સાર્દુળ…તમે ઓળખી ગયા..’

‘મેં તો ઓળખાણ રાખી. તમે નો રાખી તે ચોરને કાંધ મારે એવા બળબળતા ટેમે ને હળહળતા હૈયે મને ઘર માંથી કાઢી મૂકી આજ ઇ વાતને માથે પંદર પંદર વરસનાં દિ’ ની ગાર્ય વળી ગઇ ત્યારે તમને હું યાદ આવી હું હજી મરી નથી ગઇ, જીવું છું. કાલ્ય સવારે મરી જઇશ તોય હું કયાંય તમારા ઘરના ગોખલામાં બેહવા આવીશ નહી. તમારા કાકાને કે’ જોકે ઇ છેડો છૂટ્યો ઇ છૂટ્યો. હવે મારે એ છેડો ફરી દાણ સાંધવો નથી. એવા અભરખાય નથી…’ ‘એમ વાત નથી ઝમકુકાકી…’

સાર્દુળે હવે બાજી હાથમાં લઇ લેતા કહ્યું : ‘ગઇ ગુજરી ભૂલી જાવ કાકી. અમે જાણીએ છીએ કે તમે નિર્દોષ હતા. ગંગાના પાણી જેવા પવિતર હતા. બહ્માનાં બોલ જેવા નક્કર હતા પણ મારા કાકાને એવું તે શું સુજ્યુ કે એમણે તમને તરછોડી દીધા…’ ‘તો હવે શું બાકી છે, મારી પાસે લેવા દેવાનું ? બે દીકરા છે, તમતમારે ઇય લઇ જાવ…’ બાળોતિયાની બળેલી હોય ઇ ઠાઠડીમાંય નો ઠરે… હવે તમારા કાકાને એના પોતરા સાંભર્યા છે. અત્યાર લગણ ઇ ક્યાં ગયા’ તા ? તે દિ’ તો કે’ તા તા કે લઇજા લઇ… આ પાણાને મારે શું ઘસીને ગૂમડે ચોપડવા છે ?


ભાઇ, વખત વખતની નદીયું વેતી રહે… કો’ ક દિ’ તમારી નદીમાં પૂર, કોક દિ’ અમારી નદીમાં પૂર… પણ બીજાનાં પૂર જોઇ જોઇને કાંઠા ખોતરી નો નખાય. આ તારા કાકા એ ખોતરવા વાળી કરી હતી. અરે, હું તો ન્યાં લગણ કઉ છું કે ખોતરવા વાળી નહી પણ ઉખાડવા વાળી ! ચાર ચાર વરહની સંસારની લીલીવાડી ને ફારગતિનાં બુંધા હળિયાથી ખેડીને મોલાતને ઉંબળી નાખી. શું આવ્યું એના હાથમાં…?’

બેય છોકરા ઝમકુની હૈયા સગડીની ઉની ઉની વરાળમાં શેકાતા રહ્યા.. ‘પણ મારે તમારી હાર્યે કે તમારા કાકા હાર્યે દશ્મનાવટ નથી. અને તમે તો ઇ વખતે નાનકાં પહુડાં હતા. તમને તો બેટા શું ખબરેય હોય કે મારા માથે શું વીતી છે ? પાણા એટલા દેવ કર્યા ને ઓટા એટલાં પીર કર્યા છે. આ જેહો ને વીરો કાંઇ અમથાં મોટા નથી થ્યા ? નેવાનાં પાણી મોભે ચડી ગ્યા સ…’

‘ઇ તમારી સંધીય વાત સાચી પણ હવે શું થાય બોલો !’‘હા…પણ તમને હું બાપલા કાંઇ નથી કહેતી. આતો બાળ્ય…નહીંતર હુંય બીજી બાયુંની જેમ લાલ લીલાં ઓઢીને મેળામાં નો મ્હાલતી હોત ?’ કહીને એમણે ચા નું પાણી મૂકતા કહ્યું : ‘રોટલા તૈયાર છે દીકરાવ, શિરાવવાનું બાકી હોય તો શાક વઘારી રાખુ…’ ‘ના કાકી… અમે રોંઢો કરીને નીકળ્યા છીએ…’

ઝમકુ પીતળની તપેલીમાં ચા ઉકાળીને લાવી. ત્રણ રકાબી, અને એક ગરણી…! બેય જુવાનને ચા આપતા બોલ્યા, ‘ખરેખર ખાઇને નીકળ્યા છો નહીંતર પછી…’ ‘ના કાકી…ખરેખર તમારા સમ બસ ? સાર્દુળે વાતને પાટે ચડાવતા ચા ઘૂંટડો ભર્યો અને કહી નાખ્યું : ‘છેલ્લા પંદર પંદર દિ’ થી મારા કાકાને મોઢે તમારૂં નામ છે. કહે છે કે ગમે તેમ કરો પણ એને ઝટ તેડાવો…’ ‘શું કામ ?’


‘મહીના પહેલા પક્ષઘાતનો હુમલો આવી ગયો’ તો. ને ધંધૂકે દવાખાને દાખલ કર્યા’ તા…’ -ઝમકુનાં હાથમાં ચાની ભરેલી અડાળી ધ્રુજી ગઇ….સાર્દુલ આગળ બોલતો હતો : ‘ધંધૂકે કારીનો ફાવી તે દાકતરે અમદાવાદ લઇ જવાનું કીધુ. પંદર દિ’ લગણ દવાખાને રહ્યા. પણ તોય ડાબુ અંગ એટલું બધુ કહ્યામાં નથી. એમાંય પાછો ડાયાબીટીસ, કંપ-વા, તાવ…મોટી ઉધરસ…’ ઝમકુની આંખ આગળ પતિનો દયામણો ચેહરો તરવરી ઉઠયો…

‘છેલ્લે છેલ્લે મારી આગળ રોવા મંડ્યા. કીધુ કે તારી કાકીને વગર વાકે મેં હેરાન કરી છે. ઇ તો મને માફ નહીં કરે પણ મારે મારા પાપનું પોટલું એની આગળ ખોલીને માફી માગી લેવી છે. ઇના હાથેથી એકવાર મને માફ કરી દે તો મારો આતમ સરગે જાશે. નહિંતર મારી ગત નહીં થાય ને જીવ આમનામ ભટક્યા કરશે…’

ઝમકુની આંખમાં ભીનાશ બાજી ગઇ… કે સાર્દુળે છેલ્લી કાંકરી મારી દીધી : ‘જનમ જનમનાં અભરખા લઇને મારા કાકા કદાચ લાંબે ગામતરે વહ્યા જશે તે દી’ તમને નહીં મળ્યા મનોરથ એમના આતમાને કયાંય જપંવા નહીં કે કાકી ! તમે એકવાર એમને મોઢે થઇ જાવતો એમને જે કાંઇ કેવું છે એ તમને કહી દે…તમે આવશો ને કાકી ?’ ‘હા… હું આવીશ બસ ? અંતે ઝમકુ બોલી ઉઠી…’

*****
વાતમાં તો કાંઇ નહોતું. એક નહી જેવી વાત, તણખો બનીને આગ લગાડી ગઇ… ઘરે એક સાથી રાખ્યો હતો મગન ! એક દિ’ ઝમકુ રોંઢો કરાવવા માટે ભાત લઇને વાડીએ આવી જે મોહનને રોંઢાપાણી કરાવી કુંડીમાં નહાવા પડી આસપાસ કોઇ હતુ નહી મોહન તો જમણી પા કપાસમાં પાણી વાળતો ઊભો હતો…તે ધીરે ધીરે કરતા ઓલીપાના શેઢામાં પાણીનો પ્રવાહ વળ્યો ને એ આઘો હાલ્યો ગયો. આ તરફ મગનને એમ કે, મશીન મશીન બંધ કરૂ…પાણી પીવાય ગયુ છે. એ પાવડો હાથમાં લઇ ઓરડી પધોર આવ્યો. મગનનું અંદર જેવુ, મોહનનું દેખવું અને ઝમકુનું લૂગડા બદલાવીને તરત જ બહાર નીકળવું… જે કંઇ થઇ ગયુ એમા મગનની ભૂલ હતી. એ જેવો અંદર ગયો કે ઝમકુ બહાર આવી ગઇ પણ એ બે ઘટના વચ્ચેની પળની અંદર, મોહનનાં મનમાં વહેમનું ગૂંચળુ પડી ગયું હતું. તે દિ’ સાંજે ઘરે આવી ત્યારે મોહને લાલ આંખ કરીને કહી દીધું : ‘અંતે હલકટ નીકળીને?


‘કેમ એમ બોલો સો ?’ ‘તું મગન હાર્યે હાલે સો…’ ‘રામ રામ… આવા વહરા વેણ બોલો મા. મગન હાર્યે મારા કોઇ સંબંધ નથી…’

‘આજ બે ય અમથાં અમથાં ઓરડીમાં પૂરાણા હતા’ ‘એ એની ભૂલ હતી, અજાણતામાં જ એ અંદર આવી ગ્યા..’ ‘પણ હું હવે અજાણ રહેવા માંગતો નથી…તું છુટ્ટી, હું છુટ્ટો..’ કહી મોહને એક ઝાટકે ફારગતિ આપી દીધી.. ઝમકુએ માથા પછાડી પછાડીને કહી દીધુ કે હું નિરદોષ છું પણ મોહન ન માન્યો તે ન જ માન્યો જાતી વખતે ઝમકુએ કીધુ કે ‘આ બેય છોકરા ?’

‘એનેય લઇ જા. હવે તો મનેય વહેમ પડે છે કે આ મારૂ લોહી તો નો જ હોય…’ ‘નહી…’ ઝમકુ ચીસ પાડી ઉઠી પણ મોહન એને સ્ત્રી ચરિતર’ ગણાવતો હતો. ઝમકુ બેય પહુડાને લઇને હાલી ગઇ, મગનને એની ખબર પડીને એય હાલી નીકળ્યો મોહનને થયેલું કે ઝમકુ હવે મગનનાં ઘરમાં બેહી જાશે. પણ દિવસો ઉપર દિવસો ગયા પણ મગનનાં ન કોઇ વાવડ મળ્યા કે નહીં સંદેશ…

હા, કયારેક ઝમકુનાં સમાચાર મળી જાતા કે બાઇ પેટે પાટા બાંધીને છોકરાવને મોટા કરે છે… વરસો વયા ગયા… બે દસકાં ! મોહનને રહી રહીને સમજાણું કે પોતે મોટી ભૂલ કરી નાખી હતી. મગન તો લખમણ જતિ જેવો હતો અને ઝમકુ ? ઝમકુ તો ગંગા જેવી પવિતર હતી… પણ હવે ફારગતિ આપી દીધી હતી, એક ગાંઠ પડી ગઇ હતી. હવે ઝમકુ કે બેય છોકરાવ હાર્યે કોઇ સંબંધ નહોતો; કોઇ નિસ્બત નહોતી…


ક્યારેક રહી રહીને એમપણ થતું હતું કે ઝમકુ પુરૂષ વગર ક્યાં સુધી ટકી શકશે? હજી જુવાન શરીરનાં પણ કોડ હોય, અભરખા હોય. પણ મા-બાપના આગ્રહ આગળ ઝમકું ઝૂકી નોહતી. અંતે ભાઇઓની હઠ આગળ એણે પિયરથીય છેડો ફાડી નાખ્યો. ગામમાં જ એક ઘર ભાડે રાખીને રહેવા મંડી મોહનને એની ય ખબર પડી હતી…! અને પછી થયું હતું કે પોતે કેવી ભૂલ કરી નાખી હતી? અણ સમજણમાં આવીને આંખ ઉપરનાં દબાયેલા વહેમનાં પડળ આઘા ન કરી શક્યો તે…

આટલા વરસે એક દિ’ મગન બાયડી છોકર લઇને આવ્યો હતો. ગીરમાં રહેતો હતો. આવીને એટલું જ બોલ્યો : ‘અરે ભૂંડા ! તું માણસ છો કે રાક્ષસ ? એક સતિ સીતા જેવી મારી મા સમાન ભાભીની આબરૂ ઉપર કોઇ નહી ને તેં પોતે જ હાથ નાખ્યો? તને કાંઇ થયું નહી ? તારી તો મતિ ફરી ગઇ હતી કે શું ? ભલા માણસ, એ બાઇની હાય તને છોડશે નહી. એ તું એ ઝૂરાપામાં જ ચાલ્યો જઇશ. હું તો ઉપરવાળાને માથે રાખીને કહું છું કે અમે તો બે ય નિરદોષ હતા. અમારો કોઇ દોષ હતો નહીં…તું જો જે એક દિ’… કહીને મગન હાલ્યો ગયો. આજ સાચુ સમજાણું હતું કે ઝમકુમાં સત હતું, ખાનદાની હતી. એ પોતાનું અડધુ અંગ હતી. એને હાથે કરીને પોતે અડધા અંગને પોતાનાથી વેગળું કર્યુ… પણ હવે ?

*****
બપોરે સાડા ત્રણ ચારે વાડીએથી વિરજી ઘરે આવ્યો ત્યારે ઓસરીમાં બેઠેલા બે અજાણ્યા જુવાનને જોઇને પૂછ્યું : ‘બા, આ લોકો કોણ છે?’‘રામપરેથી આવ્યા છે મને તેડવા..’ ‘બિરાજી આવ્યા છે. મને તેડવા..’ વિરાજી આંચકો ખાઇ ગયો. ને આંખ્યમાં લાલચા છવાઇ ગઇ : ‘શું કામ ?’ ‘તારા બાપે તેડાવી છે?’ ‘બાપ, કોણ બાપ?” ‘મોહન કાકાએ તેડાવ્યા છે વિરજી…’ સાર્દુળ બોલી ઉઠયો. ‘એ પાપીનું મારી આગળ નામ ન લેશો..’ ‘અરે પણ…’


‘હું કહું છું ને, એ મારો બાપ નથી પણ કસાઇ છે કસાઇ…! દેવી જેવી બાયડી ઉપર શંકા કરે અને પોતાના જ લોહી ઉપર વહેમ ઘાલે એ બાપ નો કહેવાય પણ પાપ કહેવાય પાપ…’ ‘પણ એ અત્યારે માંદા છે, છેલ્લા ખાટલે છે…’ સાર્દુળ બોલી ઉઠયો. ‘મરી તો નથી ગયા ને ? વિરાજીનો ક્રોધ ભભૂકી ઉઠયો : ‘એ મરી જાય તો ય અમને નાવાં જવાનું કેવા આવતા નહીં. હવે એની હાર્યે..’ ‘વિરાજી…’ ઝમકુ ચીસ પાડી ઉઠી.

‘બંધ થઇ જા મા…! આજ શું જોઇને મોટા ઉપાડે એણે તને તેડવા માટે મોકલ્યા છે ? તું, પંદર પંદર વરસ આંખ્યે નેજવું કરી કરીને રામપરના મારગ માથે નજર ખોડી ખોડી, રોતી રોતી ખડે પગે ઊભી રહેતી’ તી ? એ બધુ અમે ભૂલી નથી ગયા? અને આજ જયારે તારી જરૂર છે, ત્યારે ઇ બોલાવા મોકલે છે ! અરે, કહી દે એમને કે નથી આવવું… હવે તારે એની જરૂર છે ! ભલે એ પાપી પાપે જાય…’

‘વિરાજી…’ ઝમકુ ત્રાડ પાડી ઉઠી. ‘એ મારો ધણી છે…’ ‘ધણી?’ વિરાજી અટ્ટહાસ્ય કરી ઉઠ્યા ‘ એ તારો ધણિ હતો. હવે નથી. હવે તો એની સાથેનાં તમામ સગપણ બંધ થઇ ગયા છે. એ ફારગતિનું કાગળિયું વાંચુ છું ને ત્યારે ત્યારે મને એમ થઇ જાય છે કે આ પાપી..’ ‘બસ વિરાજી બસ, એ તારો બાપ…’ ‘હવે શું બાપ, હવે શું દીકરો…! ‘એ ઝુરે છે…મારા વિના…’ ‘ઝુરવા દે બા…’


‘એને નહીં ઝુરવા દઉં…એ મને ભૂલી ગ્યો’ તો. હું એને ભૂલી નહોતી ગઇ…તે દિ’ બાવડુ પકડીને કાઢી મૂકી’ તી. આજ હાથ લંબાવીને એ મને લેવા ન્યાં ઊભા છે…હું જાઉ છું…વિરાજી…’ ‘હું નથી જવા દેવાનો…’ વિરાજી આડો ફર્યો ‘તું રોકવા વાળો કોણ…’ કહી ઓરડે ટીંગાતી તલવાર લઇને ઝમકુ, વિરાજી સામે ઉગામીને ઊભી રહી ગઇ. હું જોઉ છું કે તું મને કેમ રોકે છે?’ એક કોર એની કાળઝાળ આંખ્યુ ના તેજ સામે વિરાજી ડરી ગયો. એ દૂર હટી ગયો અને તલવારનો ઘા કરીને ઝમકુ મોહનને મળવા હાલી નીકળી..

લેખક : યોગેશ પંડ્યા