બીજાની મુશ્કેલીને પોતાની મુશ્કેલી સમજી, તેને સધિયારો આપવાની લાગણી ખરે જ સલામને પાત્ર છે.

બોટાદ તરફ આવતી ટ્રેન સિહોર સ્ટેશનમાં ઊભી રહી. અપડાઉનનાં જ કહી શકાય એવા છેલ્લા ડબ્બામાં બોટાદથી આવતા નયનેશ મેહતાએ બારી માંથી નજર લંબાવી આગળ પાછળ જોયું કે, કોઇ ઓળખીતું કે સાથે અપડાઉન કરતો કોઇ કર્મચારી-મિત્ર આવે છે કે કેમ ? પણ કોઇ નહોતું. એણે નજર પાછી વાળી લીધી.


એક મિનિટનો હોલ્ટ હતો. ગાડી ઉપડી, પણ ત્યાંજ દૂરથી કોઇ આ તરફ આવતું દેખાયું. એના એક હાથમાં પોર્ટફોલિયો હતો અને બીજો હાથ દોડવા માટે હવામાં વિંઝાતો હતો. એના ચહેરા ઉપર ‘ટ્રેન ચૂકી જવાશે’ નો ઓથાર સ્પષ્ટ પણે તરવરતા હતા. નયનેશ બારી માંથી તેને જોઇ રહ્યો. અને એજ ક્ષણે એણે નક્કી કરી લીધું કે, આ માણસને દરવાજામાં ઊભો રહીને હાથ લંબાવીને લઇ લઉ તો જ આવી શકે એમ છે. અન્યથા ટ્રેન ચૂકી જવાનો !
વળતી પળની પરવા કર્યા વગર એજ ક્ષણે ઊભો થઇને ઝડપથી દરવાજે ઊભો રહ્યો. છેલ્લો ડબો પ્લેટફોર્મને ‘આવજો’ નો હાથ લંબાવી વિદાય લઇ રહ્યો હતો ત્યાં જ એ માણસ છેલ્લા ડબા સુધી પહોંચી ગયો. નયનેશે હાથ લંબાવ્યો પેલા માણસે હાથ નયનેશને આપી દીધો અને નયનેશે તેને અંદર ખેંચી લીધો.


પેલા માણસનો શ્વાસ ક્યાંય સમાતો ન હોતો શરીર હાંફતું હતુ. છાતી ઊંચીનીચી થતી હતી. પૌઢાવસ્થાને આવજો કહી રહેલું તેનું શરીર, વૃધ્ધાવસ્થાનાં પેહલા કદમ ઉપર આવીને જાણે ઊભુ હતું. નયનેશે તેને બેસાડ્યો. વોટર જગ માંથી પાણી આપ્યું હવે તેનો શ્વાસ હેઠો બેઠો. ગાડીએ ત્યાં સુધીમાં ગતિ પકડી લીધી હતી.

“સારું કર્યુ, તમે મારો હાથ પકડીને લઇ લીધો. નહિંતર ભેગું ન થાત..” પેલાની આંખમાં આભારનું ચોમાસુ છલકી પડ્યું. “હા” નયનેશે સ્મિત કરીને કહ્યું: “તમને દોડતા આવતા જોયા ત્યારે જ મનોમન મેં નક્કી કરી લીધું કે, ચાલતી ટ્રેને તમે નહીં ચડી શકો અને જો ચડવાનો પ્રયત્ન કરશો તો કયાંક પડશો… આ મારો વર્ષોનો અનુભવ છે ! એટલે જ… “હું ઊભો થયો અને બારણ્રે ઊભો રહ્યો.”


“માલિક તમને સો વરસના કરે. તે સદગૃહસ્થે નયનેશના હાથ પકડીને પછી પાછાં નયનેશને હાથ જોડ્યા : “બીજાની મુશ્કેલીને પોતાની મુશ્કેલી સમજી, તેને સધિયારો આપવાની લાગણી ખરે જ સલામને પાત્ર છે.” “અરે, ચાચા… ઇટ્સ માય પ્લેઝર. મારી ફરજ હતી. એમાં મેં કોઇ મહાન પરમાર્થ નથી કર્યું..” “પરમાર્થ એટલા માટે કે… “બોલીને તેમણે ઘડિયાલમાં જોયું. અને બોલ્યા: “આજે કારખાનેથી છૂટ્યો” ત્યારે સવાપાંચ તો થઇ ગયા હતા. મનમાં વિચાર્યું કે રિક્ષામાં રેલ્વે સ્ટેશને પહોંચી જાઉ પણ રીક્ષાજ ન મળી. પછી ચાલતો થઇ ગયો. રસ્તો લાંબો પણ લગભગ દોડવા જેટલું ચાલ્યો છતાય શંકા તો હતી કે ગાડી મળેતો સારું પણ ભેગું તો થયું પણ ટીકીટનું કોમ્પ્યુટર એજ વખતે બગડયું અને ત્યાંજ ટ્રેન આવી પહોંચી પરંતુ ટ્રેન ઉપડવાની બીજી વ્હીસલ પણ વાગી ત્યારે માંડ ટીકીટ નીકળી.

હવે પ્લેટફોર્મ અને ટીકીટના હોલ વચ્ચેનો ફાંસલો મોટો. થયું કે ચૂકી જઇશ. પણ તમે.. મને અંદર લઇ લીધો. એની પાછળ માલિકનો પણ હાથ હશે કેમ કે, એક બાજુ નમાજનો ટાઇમ થતો આવે છે અને મારે અમીપરા મસ્જિદે છ ને બે મીનીટે પહોંચવું જરૂરી હતું. ટ્રેન મળી ગઇ, તમે મળી ગયા તો હવે વાંધો નહીં…” અને એમની આંખોમાં ફરીવાર આભાર છલકી ગયો : “નહિતર…”


“ચાલો, એ બહાને આપનો પરિચય થયો.” નયનેશે સ્મિત સાથે કહ્યું : “સિહોરમાં શું કરો છો ! અહીં ભાવનગરમાં ક્યાં રહો છો ?” હું “લક્ષ્મી સ્ટીલ્સ” માં લેથ ઉપર ફોરમેન તરીકે નોકરી કરું છું, છ હજારનો પગાર છે, બે દીકરા છે, એક રીક્ષા ચલાવે છે, એક ‘મીઠું બેન્ડ’માં જાય છે. નવાપરામાં રહીએ છીએ આસિફભાઇ દેખૈયા મારું નામ..”

થોડું અટકીને પછી બોલ્યા: “આમતો ઘરનું ઘર છે. છોકરાવ એની મેળે કમાઇ લે છે. મેં ઘણી મજુરી કરી, છોકરાઓ હવે ના પાડે છે પણ હજી શરીર ચાલે છે એટલે બેસી રહેવામાં કંટાળો આવે છે. સવારે સાડા આઠે ટીફીન લઇને નીકળી જાઉ વળતાતો શેઠની ગાડી, કાં તો સ્ટાફનું મોટર સાઇકલ મળી જાય. કયારેક ટ્રેનમાં આવું પણ આજે શુક્રવાર છે થયું કે આજની નમાજ જ ચૂકી જઇશ પણ તમે મળી ગયા.

ખેર, “તમે ય અપડાઉન કરો છો ?” “બોટાદથી ? તમારું નામ..?” “હા… મારે અપડાઉનમાં પાંચ વરસ ઉપર થઇ ગયું, નયનેશ મહેતા નામ મારું.”
“શેમાં નોકરી કરો છો?” “જિલ્લા પંચાયતમાં પણ અત્યારે બોટાદ છું” સવારે પાંચની ટ્રેનમાં નીકળું રાત્રે પાછો આવું. આજે વળી આ ચારની ટ્રેનમાં પાછું વળી શકાયું. ભાઇએ નયનેશના ખભે હાથ રાખીને થપથપાવતા ફરીને કહ્યું : “ઓહ..! તો તો અપડાઉન કાઠું પડી જાય.”


આરીફભાઇએ કહ્યું : “અહ્યા બદલી નથી થાય તેમ ?” “અરજી તો કેટલાય ટાઇમથી કરી છે, મેળ આવે ત્યારે સાચો.” “થઇ જશે” તેમણે ઊંચી આંગળી ચિંધી : “માલિક ઉપર ભરોસો રાખો..” પણ વાતચીતનો દોર લંબાઇ ત્યાં ગાડી ઊભી રહી ગઇ. “અરે, ગાડી કાં ઊભી રહી ગઇ ?” આસિફભાઇએ બારી માંથી આમ તેમ જોતા કહ્યું : “ડીસ્ટર્બન્સ..” નયનેશે કહ્યું : ધણીવાર પાટા ઉપર ઢોર ઢાંખર રખડતું હોય એટલે મોડું થઇ જાય પણ તમે ચિંતા ન કરશો. હમણાં જ ઉપડશે..” અને વાત પૂરી થાયએ પહેલા તો ગાડી ઉપડી.

આસીફભાઇએ ‘હાશ..’ કહી કાંડાઘડિયાલમાં જોયું, પણ વળી પાછી વરતેજ સ્ટેશનની બહાર ઊભી રહી. આસીફભાઇ કાંડાઘડિયાલમાં જોતા કહે : “વળી પાછું શું આવ્યું ?” – પણ ગાડીનું રોકાણ લાંબુ થયું. “કેમ આમ થયું ? વળી પાછુ કેમ અટકી પડયું ?” પણ આસીફભાઇનો પ્રશ્નતો નયનેશ પાસે પણ ન હોતો. એ દરવાજે ઊભો રહ્યો, નીચે ઉતરેલા ગાર્ડને એણે પૂછ્યું : “કેમ ગાડી ઊભી રહી ગઇ ?” “ક્રોસિંગ છે… ગુડઝ ટ્રેન આવે છે.”
“ઓ ખુદા.. ખરી થઇ.” આસીફભાઇનાં ચેહરા ઉપર દર્દ, હતાશ, મુંઝવણની કેટલીય રેખા ઉપસી આવી : “હવે ભેગું નહી થાય.”

“તમે ચિંતા નહીં કરતા. બે મિનિટમાં જ…માલગાડી આવશે..” “એ તો ઠીક, મારી પાસે સ્ટેશનેથી જવા માટે કોઇ વાહનેય નથી.”

“અરે ચાચા, એની ચિંતા શું કરો છો ? હું મૂકી જઇશ બસ ?”


ટ્રેન ભાવનગર ટર્મીનસે પહોંચી ત્યારે છમાં પંદર મિનિટ જ બાકી હતી. ભલે રસ્તામાં આવતી હોય પણ અમીપરા મસ્જિદ સુધીનું ડીસ્ટન્સ પંદર મિનિટનું હતુ અને વળી પાછો ટ્રાફિક.! પણ નયનેશે તોય સ્કુટરને દોડાવ્યું. માત્ર સાત મિનિટમાં મસ્જિદનાં દરવાજે આસીફભાઇને ઉતારી દીધા. આસીફભાઇની આંખમાં ભીનાશ તરવરી ઉઠી. એમણે નયનેશનાં બે હાથ લઇને માથે અડાડયા :

“અરે ચાચા, આ શું કરો છો ? મને પાપ લાગે.. તમેતો વડીલ છો.. આ રહેવા દો. એની કરતા મારા વતી દુઆ બંદગી અદા કરજો.” “નમાજ તો તમારી ક્યારનીય પહોંચી ગઇ ભાઇ…” આસીફભાઇએ નયનેશનાં ખભે હાથ રાખીને થપથપાવતા ફરી કહ્યું : “નમાઝ તો તમારી ત્યારે ને ત્યારે જ પહોંચી ગઇ જયારે તમે મારો હાથ ઝાલીને ગાડીની અંદર લઇ લીધો હતો…હવે નમાઝ અદા કરવાની જરૂર નથી. ભાઇ..”


– આ વાતને માત્ર અઠવાડિયુ વિત્યું હશે ને એક બપોરે ડીવિઝન ઓફિસ માંથી નયનેશ ઉપર ફોન આવ્યો : “તમારી અરજી મંજુર થઇ ગઇ છે. તમારી માંગણી મુજબ તમારી ભાવનગર ટ્રાન્સફર કરવામાં આવે છે..!! નયનેશ આંચકો ખાઇ ગયો કેમકે આના માટે છેલ્લા બે વર્ષથી એ ધક્કા ખાતો હતો અને આજ અચાનક? તેની નજર સામે આસીફભાઇનો ચેહરો તરવરી રહ્યો અને પછી તરવરી રહી ભીની આંખોમાં એમની દુઆ !!!

લેખક : યોગેશ પંડ્યા

વાર્તા વિષે અભિપ્રાય જરૂર આપજો, તમારી સાથે પણ આવી કોઈ વાત બની છે તો કોમેન્ટમાં જણાવજો.