આખું ઘર ઉથલપાથલ કરી લીધું પણ સમર્થને એનો ગમતો સફેદ શર્ટ ન મળ્યો તે ન જ મળ્યો. આખરે કંટાળીને એ જમીન પર બેસી ગયો ત્યાં જ ટેબલના ખૂણામાં નીચે પડેલી ડાયરી પર એની નજર ગઈ એને જરા હાથ લંબાવીને ડાયરીને હાથમાં લીધી. ઉપર સોનેરી પેનથી પૂજા દવે લખેલું હતું. “અરે આ તો પૂજા દી ની ડાયરી છે, એ જ ડાયરી જે એ એના યુવાની ના દિવસો માં લખતી” ડાયરીને જોઈ સમર્થ ના દિમાગ માં વિચારો નું લખલખું પ્રસરી ગયું. પૂજા , સમર્થની મોટી બહેન નાનપણથી જ શરમાળ અને ઓછું બોલવવાળી અને કદાચ એના આ સ્વભાવે જ એને ડાયરી લખવા પ્રેરી હશે.
પોતાના મન ન ઉભરા, પોતાના આનંદ નો ઉમળકો, પોતાની ચિંતા ના વાદળો, પોતાની મસ્તી ના સુરો, પોતાના પ્રેમ ની પરિભાષા એ આ ડાયરીમાં જ કંડારતી રહેતી. એને આ ડાયરી એટલી વ્હાલી કે હંમેશા એને બધાથી છુપાવીને રાખતી. સમર્થ એ ઘણીવાર આ ડાયરી પર હાથ મારવાની કોશિશ કરેલી પણ એને હંમેશા નિષ્ફળતા જ મળી હતી. એટલે આજે આમ અચાનક આ ડાયરી હાથમાં આવતા એની ઉત્સુકતા વધી રહી હતી. પૂજા આ ડાયરીમાં એવું તો શું લખતી હશે એ જાણવાની આતુરતા એને પહેલેથી જ હતી અને આજે એ આતુરતા નો અંત આવ્યો.

સમર્થ એ ડાયરી નું પહેલું પાનું ખોલ્યું. મોરપીંછ નું સરસ ચિત્ર દોરેલું હતું. ઘણો સમય વીતી ગયો હોવાના કારણે ડાયરીના પાના થોડા જર્જરિત થઈ ગયેલા. સમર્થએ ખૂબ જ સાચવીને એક પછી એક પાના ફેરવવાનું શરૂ કર્યું. દરેક પાને એને પૂજન જીવનનું એક નવું જ રહસ્ય નજરે પડ્યું. પૂજાની આપવીતી જે એને આ ડાયરી માં કંડારી હતી એ વાંચી સમર્થ નું હ્ર્દય દ્રવી ઉઠ્યું.
પોતે ક્યારેય એની લાડકી બહેન ની વ્યથા સમજી જ ન શક્યો એ વિચારે એ ગળગળો થઈ ગયો. પોતાની બહેન ની વ્યથાઓ આટલા વર્ષો સુધી ફક્ત આ ડાયરી પૂરતી જ સીમિત રહી એ માટે એ પોતાની જાત ને કોસવા લાગ્યો. દળદળ વહેતા આંસુઓ સાથે એને ડાયરીનું છેલ્લું પાનું પલટાવ્યુ. છેલ્લું પાનું જોતા જ એના મુખમાંથી આહ નીકળી ગઈ. નિશાષા થી ભરેલી એ ડાયરીના છેલ્લા પાના ઓર એક જ વાક્ય લખ્યું હતું

“આ ડાયરી સાથે આજે મારા જીવન પરનો મારો હક પણ પૂરો થયો” ડાયરી ના એ છેલ્લા પાના પર તારીખ વાંચતા સમર્થ ને ખ્યાલ આવ્યો કે આ તો પૂજા ના લગ્ન ના આગલા દિવસે જ લખાયેલું પાનું છે. સમર્થ દોડીને પૂજા પાસે પહોંચ્યો. દી, એક જરૂરી વાત કરવી છે” “હા બોલને મારા વીરા, તારી દરેક વાત સાંભળવા જ તો બેઠી છું” હાથમાં રહેલુ મેગેઝીન અને આંખ પર ના ચશ્મા બાજુમાં મુકતા પૂજાએ સમર્થ તરફ જોઈ કહ્યું.
“દી, શુ તું પ્રીત ને પ્રેમ કરતી હતી” કોઈ જ આડી અવળી વાત કર્યા વગર સમર્થએ સીધું જ પૂછી લીધું. આજે આઠ આઠ વર્ષો વીતી ગયા. ક્યારેય કોઈના મોઢે પ્રીત નું નામ સુધ્ધાં નહોતું સાંભળ્યું. ન તો એને ક્યારેય કોઈની સામે એનું નામ ઉચ્ચારેલું. એ અલગ વાત હતી કે આ આઠ વર્ષોમાં એક પણ ક્ષણ એને પ્રીતને યાદ કર્યા વગર વિતાવી નહોતી. પૂજા વિચારોમાં ખોવાઈ ગઈ. “દી હું તને કઈક પૂછું છું. જવાબ આપ” સમર્થએ પૂજાને ઢંઢોળી ને પૂછ્યું.

પૂજા કઈ ન બોલી શકી. એની આંસુઓથી ભરાયેલી આંખો જ સમર્થ ના સવાલના જવાબ માટે પૂરતી હતી. “દી, તો પછી તે પ્રીતને અમેરિકા કેમ જવા દીધો? તે એને પામવાની, એની સાથે લગ્ન કરવા માટે ઘરમાં કોઈને વાત કરવાની હિંમત કેમ ન કરી? પ્રીતને તો સૌ કોઈ ઓળખતું હતું. કેટલો ગુણિયલ અને સારો છોકરો હતો. કદાચ એની સાથે લગ્ન કર્યા હોત તો તારી આજે આવી હાલત ન હોત”
પૂજા બસ ચૂપચાપ સમર્થની વાતો સાંભળતી રહી. પ્રીત, પૂજા અને સમર્થ નાનપણથી જ સાથે મોટા થયેલા. સાથે રમતા, સાથે શાળા એ જતા અને કોલેજ પણ સાથે જ પુરી કરી હતી. એકબીજા ના પડોસીએ ને પાક્કા મિત્રો પણ ખરા. પ્રીત અને પૂજા ક્યારે એકબીજા ના પ્રેમ માં પડી એની એ લોકો ને ખબર જ ન પડી. એકબીજા સાથે જીવવાના સપના બન્ને એ જોઈ લીધા હતા પણ બધી જ ઈચ્છાઓ ક્યાં પુરી થઈ જતી હોય છે. એમનો એ પ્રેમ લગ્નમંડપ સુધી ન પહોંચી શક્યો અને પૂજા ના લગ્ન ધવલ સાથે થઈ ગયા. ફરી એકવાર યાદો ના તોફાન માં પૂજા તણાઈ ગઈ. માંડ પોતાની જાત ને સ્વસ્થ કરી બસ એટલું જ બોલી શકી.

“પણ એમની ના હતી” “શુ????? અરે આવો કેવો પ્રેમી. મેં તારી ડાયરી વાંચી તું કેટલી પાગલ હતી એના પ્રેમ માં અને એને તારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી” “સમર્થ, હું પ્રીત ની ના હતી એમ નથી કહેતી” “તો પછી કોની ના હતી?” “પપ્પા” બસ એટલું બોલતા પૂજા એ સમર્થ તરફથી મોઢું ફેરવી લીધું. અને ધ્રુસ્કે મેં ધ્રુસ્કે રડવા લાગી. “શુ???? પપ્પા જાણતા હતા તારા અને પ્રીત વિશે?” હકારમાં માથું ધુણાવી પૂજા એમ જ ઉભી રહી.
નાનપણથી જ પિતા નું પૂજા પ્રત્યે હંમેશા પક્ષપાતી વલણ રહ્યું છે એ વાત થી સમર્થ પરિચિત હતો. કઈ કેટલીયાવાર એને પૂજા ને પપ્પા ના કડવાવેણ ના કારણે ઘરના કોઈ ખૂણા માં જઇ આંસુ સારતા જોઈ હતી. ઘણીવાર સમર્થ ને પિતા ના આવા વર્તન બદલ એમને ટકોર કરવાનું મન થતું. પણ પહેલેથી જ કડક સ્વભાવના પપ્પા ની સામે બોલવાની એની ક્યારેય હિંમત જ નહોતી થઈ.

“દી, તને ખબર જ છે ને પપ્પા એ તને ક્યારેય કોઈ જ વાત માટે હા નથી પાડી. તો પછી એ તને પ્રીત સાથે લગ્ન કરવા માટે હા પાડશે એવી તે અપેક્ષા જ કઈ રીતે રાખી. કેમ સ્વીકારી લીધી તે એમની એ ના ને. એમને ના પાડ્યા પછી પણ તારું જીવન બરબાદ જ કર્યું ને” સમર્થ અતિશય આક્રોશ માં આવી ઊંચા અવાજે બોલવા લાગ્યો.
“સમર્થ ,નાનપણ માં ઢીંગલી લેવા ની ય પપ્પા એ ના પાડી હતી, સ્કૂલમાંથી જ્યારે મિત્રો સાથે પીકનીક પર જવાની વાત હતી એમાં ય એમની ના જ હતી, કોલેજ ના ભણતર માટે પણ એમનો નકારો જ હતો, મારી પસંદ ન કપડામાં ય એમને ના જ પોકારી હતી અને આ દરેક” ના” મેં હસતા મોઢે સ્વીકારી હતી તો પછી લગ્ન જેવા અગત્ય ના નિર્ણયમાં એમની એ નિર્ણાયક ના ને હું કેવી રીતે અસ્વીકારી શકું. એમનું માન જાળવવા એ ના પણ મેં હસતે મોઢે સ્વીકારી લીધી. પ્રીત મારા દરેક નિર્ણય માં મારી સાથે જ હતો. મેં જે એને અમેરિકા જવાનું કહ્યું હતું અને અહીં ધવલ સાથે લગ્ન કરી લીધા” આંખ માંથી વહેતા દળદળ આંસુડાં સાથે પૂજા એ જવાબ આપ્યો.
“પણ મારી બેન એમને તારા માટે ધવલ ને શોધી ને તારી જિંદગી નર્ક બનાવી દીધી. તારા કરતા 10 વર્ષ મોટો એ ધવલ પહેલેથી જ કુલક્ષની લાગતો હતો. જેની ઓળખ મને પણ થઈ ગઈ હતી. તો શું બાપ તરીકે એમને એ ખબર નહિ પડી હોય. તે જો એમની એ “ના” ન સ્વીકારી હોત તો આજે એક બળાત્કારી ની પત્નીનો કલંક લઈને જીવવાનો વારો ન આવ્યો હોત તારો. સુહાગન હોવા છતાં તું એક વિધવા કરતા પણ બત્તર જિંદગી ન જીવતી હોત” ફરી એકવાર ક્રોધાવેશ માં આવી સમર્થ બોલ્યો.

” મારા નસીબમાં જે લખ્યું હતું એ થયું. સમર્થ, એને સ્વીકારવા સિવાય હવે કઈ છૂટકો જ નથી” પૂજાએ જવાબ આપ્યો “રસ્તો છે દી. મેં કાલે જ પ્રીત સાથે વાત કરી છે. એ ટૂંક સમય માં જ ઇન્ડિયા આવવાનો છે. એ આજે પણ તને ખૂબ જ પ્રેમ કરે છે અને એટલે જ એને હજી લગ્ન નથી કર્યા. એ તારી સાથે લગ્ન કરવા માંગે છે.હવે તો તને ના પડવાવાળા પપ્પા પણ હયાત નથી તું જિંદગી સુધારી લે. પરણી જા પ્રીતને” સમર્થએ હાથ જોડી ભીની આંખે પૂજા ને વિન્નતી કરી
” નહિ સમર્થ હવે એ શક્ય નથી” પૂજાએ અડગતાથી જવાબ આપ્યો “પણ કેમ?” “કારણ બસ એટલું જ કે એમની ના હતી. આ ને એ ના હું એમના મર્યા પછી પણ સ્વીકારીશ” દીવાલ પર લટકતી પોતાના પિતાની તસ્વીર સમક્ષ અગરબત્તી કરતા કરતા પૂજાએ પોતાનો નિણર્ય સંભળાવી દિધો અને એના પિતાની એ “ના’ ને આજીવન સ્વીકારવાના દ્રઢ નિણર્ય સાથે એ ત્યાંથી ચાલી ગઈ.
લેખક : કોમલ રાઠોડ
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ