થિંગડું – છ મહિનાથી રિસામણે આવેલ દીકરીને પિતાએ સમજાવ્યો જીવનનો અનોખો પાઠ, લાગણીસભર વાર્તા..

છ મહિનાથી સાસરેથી રિસાઈને પરત ફરેલી પરિતા રોજની માફક જ પોતાના સીવવા ના સંચા પર બેઠી બેઠી પોતાની કળાને વધુ નિખારી રહી હતી. નાનપણ થી જ પરિતાને સિવણકામ માં ખૂબ જ રસ. ભણવામાં બહુ મગજ ન ચાલ્યું એટલે વધુ ભણી નહિ પણ એ જ મગજ સીવણકામ માં ભલભલાને અચરજ પમાડે એમ દોડતું. 7 વર્ષના લગ્નજીવન માં ઉતાર ચઢાવ તો આવ્યા જ હશે પણ આ વખતે જાણે પાણી માથાની ઉપરથી વહી ગયું હોય એમ પરિતા પોતાનો ઘર સંસાર છોડી પોતાના કપડાં લત્તા સમેટી માવતરના ઘરે આવી ગઈ હતી.

image source

ખૂબ ઉત્સાહથી પરણાવેલી પોતાની દીકરી જ્યારે તકલીફમાં સાંપડે ત્યારે એના માથે સાંત્વના નો હાથ જો માબાપ નહિ ફેરવે તો એનું શું થાય? બસ એ જ વિચારે પરિતાના માતાપિતા એ પણ એને સ્વીકારી. પરિતાની માતા ઘણીવાર એમની રીતે પરિતાને સુલેહ કરી સાસરે પાછા વળી જવા સમજાવી ચુકી હતી. પણ કોણ જાણે કેમ સમજાવટનો એક શબ્દ પણ પરિતા ના કાને પડતો ન હોય એમ પરિતા હઠીલી બની ગઈ હતી. પરિતાના પિતા કઈ બોલતા નહિ પણ અંદર ને અંદર એમને પરિતાની ચિંતા થયા કરતી.

પરિતા ના પિતાના હાથમાં રહેલા એમના શર્ટ પર પરિતા ની નજર પડી. ધ્યાનથી જોતા ખ્યાલ આવ્યો કે એ શર્ટ જરા ફાટી ગયું છે. એને એના પપ્પા ને પૂછ્યું “પપ્પા, કેમ આમ બેઠા છો?” “બેટા, આ મારું પ્રિય શર્ટ છે. જોને એ આમ કેવી રીતે ફાટી ગયું.” “લાવો પપ્પા, મને આપી દો, હું એને સીવી લઈશ” “પણ બેટા સિલાઈ કરી શકાય એવું લાગતું નથી. આને તો થિંગડું જ મારવું પડશે.” “હા તો હું એને થિંગડું મારી આપીશ, લાવો એ શર્ટ મને આપી દો” “પણ બેટા, થિંગડું માર્યા બાદ એ શર્ટ પહેલા જેવો આકર્ષક નહિ દેખાય ને?”

image source

“અરે પપ્પા, તમે તમારી દીકરીને હજી ઓળખો જ છો ક્યાં?. હું એટલી ચીવટથી થિંગડું મારીશ કે ક્યારેય કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ શર્ટ ક્યારેય ફાટ્યો પણ હતો” “ભલે બેટા, લે આ શર્ટ. મારે પરમ દિવસે એક કાર્યક્રમ માં પહેરવો છે આ શર્ટ તો એ પહેલાં તું એને પહેલા જેવો જ આકર્ષક કરી આપજે”

પરિતા એ શર્ટ હાથમાં લીધો અને કેટલીય વાર સુધી જોયા કર્યો. એ વિચારી રહી હતી કે એવું તો શુ કરું કે આ ફાટેલો શર્ટ પણ સંધાઈ જાય અને એમાં મારેલું થિંગડું પણ કોઈની નજરે ન ચડે. પોતાની સીવનકલા થી એના પિતાને ખુશ કરવાનો આ એક સરસ ઉપાય હતો એ પરિતા જાણતી હતી. એ દિવસ એને બસ એ થિંગડા વિશે જ વિચાર્યા કર્યું. અને બીજા દિવસે સવારથી જ એ શર્ટને લઈને બેસી ગઈ પોતાના સીવવા ના મશીન પર. ત્રણ કલાકની અથાક મહેનત બાદ પરિતા જાણે જગ જીત્યું હોય એમ ઉભી થઇ. શર્ટને સહેજ ઊંચો કરી આંખોની સામે રહે તેમ મૂક્યું.

image source

જરાક દૂર જઈને જોઈ જોયું થિંગડું જરાય દેખાતું નથી ને એની ખાતરી કરી લીધી. પપ્પા પણ આ શર્ટ જોઈને ખૂબ ખુશ થશે અને બદલામાં પરિતા ને શાબાશી આપશે એ વિચારે પરિતા ખીલી ઉઠી. એ હવે સાંજ પડવાની રાહ જોવા લાગી. ક્યારે પપ્પા આવે અને એમને એમનો આ મનગમતો શર્ટ બતાવે. પરિતાની આતુરતા નો અંત આવ્યો. આખરે એના પિતા નું ઘરમાં આગમન થયું. 30 વર્ષની પરિતા હરખમાં જાણે સાવ નાની બાળકીની જેમ ઉછળતી કૂદતી પિતા પાસે પહોંચી અને તરત જ પોતાની પીઠ પાછળ હાથથી સંતાડેલું પપ્પાનું શર્ટ પપ્પાના હાથ માં મુકતા બોલી

” લો પપ્પા, તમારું મનગમતું શર્ટ. મેં સરસ રીતે સાંધી દીધું છે. તમે ચકાસી જુઓ. થિંગડું પણ ક્યાંય દેખાતું નથી.” હરખઘેલી પરિતાના હાથમાંથી પોતાનો શર્ટ એના પિતાએ લીધો. શર્ટને આમતેમ ફેરવી એમને થિંગડું શોધવાનો પ્રયત્ન કર્યો પણ પરિતાએ ખરેખર ખૂબ જ માવજતથી થિંગડું માર્યું હતું કે તરત કોઈની નજરે આવે જ નહિ. તેના પિતા તેના કામથી ખુશ હતા એ જોઈ પરિતાની ખુશી બમણી થઈ ગઈ. સાસરેથી પરત ફરી ત્યારથી એને પિતાને તણાવગ્રસ્ત જ જોયા હતા. આજે એમના ચહેરા પર આવેલુ નિખાલસ હાસ્ય પરિતાને ગમ્યું.

image source

“પરિતા બેટા, બીજું એક કામ છે, કરીશ?” પિતાએ પરિતાને સંબોધી ને કહ્યું “હા પપ્પા, બોલો ને શુ કામ છે? હું ચોક્કસ કરીશ.” પરિતા એ ઉત્સાહવશ જવાબ આપ્યો “હજી એક થિંગડું મારવાનું છે, મારી શકીશ?” પિતાના ચહેરા પે પ્રશ્નાર્થ ભાવ પરિતા જોઈ રહી “હા પપ્પા, તમને તમારી દીકરી પર ભરોસો છે ને?. હું ચોક્કસ થિંગડું મારી આપીશ’ “પણ ધ્યાન રાખજે આ વખતે પણ થિંગડું કોઈને દેખાવું ન જોઈએ” “નિશ્ચિન્ત રહો. હું ખૂબ જ સાવચેતીથી થિંગડું મારીશ. પણ પપ્પા થિંગડું મારવાનું છે શેમાં?” પરિતા એ સામે પ્રશ્ન કર્યો

પરિતા ના માથે હાથ મુકતા એના પિતાએ કહ્યું “બેટા, તારા અને પરમ ના જર્જરિત થયેલા સંબંધોમાં” પરિતા મૌન જ ઉભી રહી. એના પિતા એ આગળ ચલાવ્યું

image source

“મારા શર્ટ ની જેમ જ તમારા સંબંધો થોડા ફાટયા છે. પણ એ સંબંધો મનગમતા છે એટલે જો એને સમયસર સમજાવટ નું થિંગડું મારવામાં આવે તો એ વધુ દીપી ઉઠશે. આમ બંને પક્ષે ખેંચતાણ થશે તો સંબંધો વધુ ફાટશે. એકાદ વ્યક્તિએ તો સંચા પર બેસવું જ પડશે ને આ સંબંધોને થિંગડું મારવા. પરમ તને ઘણીવાર મનાવવાનો પ્રયત્ન કરી ચુક્યો છે. પણ તને હવે આ સંબંધો અશક્ય જ લાગ્યા જેમ મને મારો શર્ટ ફરી પહેલા જેવો થશે કે કેમ એ અશક્ય લાગતું હતું એમ જ.

બેટા, તું ખૂબ જ સમજદાર છે. પ્રેમ અને લાગણીના દોરાથી આ સંબંધો માં એવું થિંગડું માર કે એ સંબંધ ક્યારેય ફાટ્યો હતો એનો કોઈને અણસાર પણ ન આવે” પરિતા ની આંખો છલકાઈ ગઈ. પિતા ની વાત એ સમજી ગઈ હતી.એની આંખો ઉઘડી ગઈ. એ જ ક્ષણે એને એના પતિને ફોન કરી ને સાસરે પરત ફરવાની વાત કરી લીધી. પરમે પણ એની વાત સહર્ષ સ્વીકારી લીધી અને બીજા દિવસે પરિતાને લેવા પહોંચી ગયો. પરિતાના માતાપિતાએ બંને જણાને આશીર્વાદ આપી વિદાય કર્યા.

image source

સાસરે પહોંચેલી પરિતા માં ઘણો બદલાવ હતો. ઘરના દરેક સભ્યો નું એ ખૂબ ધ્યાન રાખતી. પરિણામે દરેક સભ્યો નું મન એને જીતી લીધું. પરમ સાથે પણ બમણા પ્રેમથી વર્તતીએ ને એની અસરે પરમ પણ પહેલા કરતા વધુ પ્રેમાળ થઈ ગયો હતો.

છ મહિના બાદ પરમ ને પરિતા એના પિયર પહોંચ્યા. એકબીજાની લગોલગ ખુશ બેઠેલા પરમ ને પરિતા ને જોઈ એના માતાપિતા મનમાં હરખાઈ રહ્યા હતા. એના પિતાએ આજે પણ એ જ પરિતાએ મારેલા થિંગડા વાળો શર્ટ પહેર્યો હતો. પરિતા એના પિતા સામે જોતા બોલી “પપ્પા, મેં મારેલું થિંગડું ક્યાંય દેખાતું તો નથી ને?” હસતા બોલતા ખુશખુશાલ પરમ અને પરિતા ને જોઈ એના પિતા એ કહ્યું “ના બેટા જરાય નથી દેખાતું, એકદમ નવું નકોર જ લાગે છે” બધા વાતો માં મશગુલ હતા ને બાપ દીકરી ની આંખો હર્ષમાં ભીંજાઈ ગઈ.

લેખક : કોમલ રાઠોડ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ