અજય…..એક અલમસ્ત ..અલ્લડ…બધા થી સાવ અલગ વ્યક્તિત્વ નો માલિક. બનારસ નજીક ના એક નાનકડા ગામ માં પોતાની વિધવા માતા સાથે જીવતો. પિતા નું મોઢું જોવાનું સદભાગ્ય એ નહોતો પામ્યો. જન્મતા પહેલા જ પિતા ની છત્રછાયા ગુમાવી ચુક્યો હતો. પણ માતા ખૂબ જ હિંમતવાળી અને મહેનતુ એટલે એકલા હાથે એને મોટો કરેલો. આમ તો મૂળ બનારસ ના જ રહેવાસી પણ શહેર નો ખર્ચો પહોંચી ન શકાય એટલે અજય ની માતા એ નજીક ના ગામડામાં પોતાના નાનકડા દીકરા અજય સાથે પોતાની નવી જિંદગી શરૂ કરી હતી.
શાળા નું ભણતર એ જ ગામ માં પૂરું કરી અજય હવે આગળ ના ભણતર માટે બનારસ આવી ગયો હતો. કોણ જાણે કેમ પણ અજય ની માતા બનારસ ના નામથી જ વ્યથિત થઈ જતી. ઘણી આનાકાની કર્યા બાદ પણ જ્યારે અજયે બનારસ જવાની જીદ ન છોડી એટલે થાકી ને એની માતા એ એની સાથે બનારસ જવા પોતાના દિલ ને મનાવી લીધું. વર્ષો બાદ એ બનારસ માં પગ મુકતા એનું મન જરા ઊંચું થઈ ગયું હતું. પણ પછી અજય ની સામે જોતા એને બધા વિચારો ને હડસેલો મારી પોતાના વહાલસોયા ના માથે હાથ ફેરવેલો.

પોતાની માતા ને આર્થિક રીતે મદદરૂપ થઇ શકે તે હેતુ થી અજયે પોતાના કોલેજ ના સમય સિવાય ના સમય માં બનારસ મા આવતા ટુરિસ્ટ ના ગાઈડ બનવાનું નક્કી કર્યું હતું. નાનપણથી જ પોતાની માતા ના મોઢે બનારસ ની અઢળક વાતો સાંભળી હતી એટલે બનારસ નો ઇતિહાસ એ ખૂબ સારી રીતે જાણતો. એમાં ય વળી અંગ્રેજી ભાષા માં પણ એ પાવરધો એટલે એને ગાઈડ બની ને સારી એવી કમાણી થઈ જતી. રોજ નીકળી પડતો એ ગંગાઘાટે. વાતો કરવા માં પણ માહેર એટલે એનાથી તરત જ ટુરિસ્ટ આકર્ષાઈ જતા.
રોજ ની જેમ આજે પણ એ ઘરેથી ગંગાઘાટ તરફ નીકળ્યો. ગંગા નદી ને વંદન કરી એને આસપાસ નજર ફેરવી. થોડાક જ અંતરે એની નજર સ્થિર થઈ. ભૂખરા વાળ પર ચડાવેલા ગોગલ્સ..તાપથી બચવા ચહેરા ને ઢાંકવા ઓઢેલી ઓઢણી અને એ ઓઢણી માંથી ડોકાતી એની એ ભરી આંખો…. માપસરનો બાંધો અને એમાંય એની સુંદરતા ને ચાર ચાંદ લગાવતો ફૂલોની ભાત વાળો એનો મેક્સિ ડ્રેસ.. અજય એની સામે જોઈ જ રહ્યો.
આમ તો અજય રોજ આવી ઘણી યુવતી ઓના પરિચય માં આવતો પણ અત્યારે જે ધ્રુજારી એના મન મગજ માં ફેલાઈ એવું પહેલા ક્યારેય નહોતું થયું. હજી એની આંખો ત્યાં જ સ્થિર હતી ત્યાં તો એને એ યુવતી ને પોતાના તરફ આવતા જોઈ. કોણ જાણે કેમ પણ હ્ર્દય બમણી ઝડપે ધબકવા લાગ્યું. અજય ની સામે જ આવી ને એ યુવતી થોભી ગઈ
“Mr. Ajay?” અજય ની સામે આવી ને એને કહ્યું “Yes” અજયે વળતો જવાબ આપ્યો “હાય. માય નેમ ઇસ સેલજા. આઇ એમ ફ્રોમ લંડન. મારે એક ગાઈડ ની જરૂર છે. શુ તમે મારા ગાઈડ બનશો” પેલી યુવતી એ અજય ને કહ્યું
એના મોઢા માંથી મોતી ની જેમ વેરાયેલા એ શબ્દોસ સાંભળી અજય અવાચક જ થઈ ગયો. ફોરેનર દેખાતી એ યુવતી ભારતીય ભાષા બોલતી જણાઈ એનાથી અજય ને વધુ એક ઝટકો લાગ્યો. અજય તો જાણે સેલજામય થઈ ગયો. અજય ની આંખો સામે હાથ હલાવતા એને અજય ની તંદ્રા તોડી. અજય સફાળો થયો અને એને જવાબ આપ્યો
“હા, મારૂ તો કામ જ આ છે” “ઓકે. તો હું 3 દિવસ બનારસ માં છું. 3 દિવસ માં બનારસ નો દરેક ઇતિહાસ જાણવા માંગુ છું. હું ઐતિહાસિક સ્થળો પર અભ્યાસ કરી રહી છું અને એના માટે જ અહીં આવી છું. સારું ચાલો ત્યારે જાઈશુંએ આપણે બનારસ દર્શન પર” સેલજા એ વાત આગળ ચલાવી.

સેલજા ની વાતો અજય આંખ નું એક મટકું માર્યા વગર સાંભળી રહ્યો હતો. અજય ને તો જાણે પહેલી નજરે જ સેલજા સાથે પ્રેમ થઈ ગયો હતો. અજય રોજ કરતા આજે બમણા ઉત્સાહ થી બનારસ દર્શને જવા તૈયાર થયો. એને સેલજા ને બનારસ ના સંપૂર્ણ ઇતિહાસ કહી સંભળાવ્યો. સેલજા ખૂબ વાતોડી હતી એ એના વ્યવહાર પરથી લાગતું. આ બાજુ અજય પણ જાણે વાતો નું વાવાઝોડું. સાંજ પડતા સુધી માં તો બન્ને ખૂબ સારા મિત્રો બની ગયા. સાંજે સેલજા ને એની હોટેલ પર મૂકી અજય ઘર તરફ જવા રવાના થયો. એ રાત્રે ન તો એને જમવાનું ભાવ્યું કે ન તો ઊંઘ આવી.
એ સવાર પડે ને સેલજા ને મળે એની આતુરતા થી રાહ જોઇ રહ્યો હતો. બીજા દિવસે સવારે રોજ કરતા વહેલો ઉઠી ને તૈયાર થઈ ગયો. નક્કી કરેલા સમય કરતાં વહેલા જ એ સેલજા ની હોટેલ પર પહોંચી ગયો. સેલજા પણ તૈયાર જ હતી ને ફરી આજે બન્ને નીકળી પડ્યા બનારસ ની ગલીઓમાં. બીજા દિવસે પણ બન્ને જણા એ બનારસ ની ગલીઓ ને ખુંદી કાઢી. સ્ટ્રીટ ફૂડ ની શોખીન સેલજા ને અજય એ બનારસ ના જાણીતા ફરસાણ નો લ્હાવો પણ આપ્યો. આમ ને આમ દિવસ પૂરો થયો પણ ફરક બસ એટલો હતો કે આ દિવસનો અંત બન્ને જણા એ એકબીજા નો હાથ હાથ માં લઇ કર્યો. સાંજે હોટેલ પર પહોંચેલી સેલજા પણ વળી વળી ને અજય ને જોઈ રહી હતી.
એ દિવસે બન્ને એ એકબીજા ના મોબાઈલ નંબર લઈ લીધા હતા. સેલજા સામે થી જ અજય ને ફોન જોડ્યો. અને એ રાતે મોડે સુધી બન્ને જણા વાતો કરતા રહયાં. સવારે ફરી એ જ રીતે દિવસની શરૂઆત થઈ. હાથ માં હાથ જાલી બન્ને મહાદેવ ના દર્શને પહોંચી ગયા. કલાકો મંદિર માં વિતાવ્યા બાદ સાંજે બન્ને જણા બનારસ ના બજાર માં પહોંચી ગયા. બનારસી સાડી માટે જાણીતા બનારસ માંથી અજયે સેલજા માટે એક સાડી ખરીદી અને એને ભેટ આપી . સેલજા એ પણ પ્રેમપૂર્વક એને સ્વીકારી. દિવસ પૂરો થયો અને સાથે સાથે 3 દિવસ પણ પુરા થયા. અજય ની આંખ ના ખુણા ભીના હતા. હોટેલ સુધી પહોંચતી વખતે એ રસ્તા માં એક શબ્દ પણ ન બોલી શક્યો. ખૂબ ઈચ્છા હતી પોતાના મન ની વાત સેલજા ને જણાવવા ની પણ ન કહી શક્યો આખરે હોટલે પહોંચી ગયા. સેલજા થી ન રહેવાયું. એને અજય ને હાથ પકડી લીધો
“Ajay….i want to say somthing” સેલજા એ અજય નો હાથ પકડી કહ્યું “હા સેલજા બોલ ને” અજયે રડમસ અવાજ માં જવાબ આપ્યો “I love you ajay..મને ખબર છે ફક્ત 3 જ દિવસ માં પ્રેમ માં પડવુ અઘરું છે પણ હું તારા પ્રેમ માં પડી ચુકી છું. બાકી નું જીવન તારી સાથે વિતાવવા માંગુ છું. શુ તું મને સ્વીકારીશ”

અજય ની આંખ માં આંશુ દળદળ વહેવા લાગ્યા એને સેલજા ને પોતાના બાહુપાશ માં જકડી લીધી. બન્ને જણા બીજા દિવસે અજય ની માતા ને મળશે એ નક્કી કરી જુદા પડ્યા.અજય ખૂબ જ ખુશ હતો કે એના દિલ ની વાત સેલજા એ સામે થી જ જણાવી દીધી. સેલજા પણ એના માટે એવી જ લાગણી અને પ્રેમ ધરાવે છે જેવી એ સેલજા માટે ધરાવે છે એ જાણી ને એનો હરખ સમાતો નહોતો.
અત્યાર સુધી પોતાના દરેક સુખ દુઃખ પોતાની માતાને જણાવતો અજય આજે પણ પોતાના ભાવિ જીવન માં સેલજા સાથે રહેવાની વાત પોતાની માતા ને જણાવવા ઉત્સુક હતું. ઘરે પહોંચતા વેંત એને માતા ને તે કોઈને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવા ઈચ્છે છે એ વાત જણાવી દીધી. પોતાના દીકરા ની ખુશી જોઈ માતા પણ ખુશ થઈ ગઈ. પોતાના વહાલસોયા નો ઘર સંસાર મંડાય એ દરેક માતા નું સપનું હોય. અજય ની માતા એ પણ આવા જ સપના સેવ્યા હતા.માતા એ છોકરી અંગે વધુ વિગત જાણવા અજય પર સવાલો નો મારો શરૂ કરી દીધો.
“બેટા ક્યાં રહે છે એ છોકરી” “મમ્મી. એનું નામ સેલજા છે. અને એ લંડન રહે છે. ભારત માં ફરવા આવી છે. અમે બન્ને એકબીજા ને ખૂબ પ્રેમ કરીએ છે. લગ્ન કરવા ઇચ્છીએ છે. મમ્મી આખી જિંદગી આમ જ વીતી ગઈ તારી. સેલજા સાથે લગ્ન પછી જો આપણે પણ લંડન જવાનું થાય તો જીવન્ સુધરી જાય.” અજય એક શ્વાસે બોલી ગયો

અજય ની વાતો સાંભળી એની માતા ને એક આંચકો લાગ્યો. સેલજા વિદેશી છે એ વાત જાણી એના ચહેરા ના હાવભાવ બદલાઈ ગયા. એ પોતાના ભૂતકાળ માં સરી પડી. પોતાની યુવાની માં એ પણ અજય ની જેમ જ હતી. પોતાની જ મસ્તી માં મસ્ત રહેતી. સેલજા ની જેમ એક વિદેશી ના ગળાડૂબ પ્રેમ માં પડી હતી. એકબીજા સાથે જીવવા મારવા ના કોલ આપી દીધેલા. મંદિર માં એની સાથે લગ્ન કરી થોડા દિવસ એની સાથે રહ્યો પણ હતો. કેટલી ખુશ હતી એ ત્યારે. જોત જોતા માં દિવસો વીતતા ગયા અને એક દિવસે વિદેશી એ કોઈ કામ સર પોતાના દેશ જવાની વાત કરી.
પ્રેમ કરતી હતી એટલે વિશ્વાસ તો હતો જ એને એ વિદેશી ને જવા દીધો. અને એ વિદેશી ગયો તે ગયો ફરી ક્યારેય પાછો વળ્યો જ નહીં..અને છોડી ગયો એને રડતી અને એના પેટ માં એની નિશાની.. હા અજય એ જ વિદેશી નો પુત્ર હતો.આ જ બનારસ ની ગલીઓ માં પ્રેમ પાંગર્યો હતો અને આ જ બનારસ ની ગલીઓમાં એકલી મૂકી એ ચાલ્યો ગયો હતો. બસ આ જ કારણસર એ બનારસ નું નામ સાંભળી ને ઉદાસ થઈ જતી.
આજે ફરી પોતાના પુત્ર ને પણ આવી જ રીતે દુઃખી થવાના રસ્તા પર જતાં જોઈ રહ્યું હોય એવું એને લાગયું. આટલા વર્ષો માં પહેલી વાર એને અજય ની જીદ સામે પોતાનો નિર્ણય સંભળાવી દીધો. એને અજય અને સેલજા ના લગ્ન ની ઘસી ને ના પાડી દીધી. અજય ની આંખો ના આંસુ રોકાયા રોકાતા નહોતા. એને સઘળી વાત સેલજા ને જણાવી. સેલજા એ બસ એટલું જ કહ્યું

“કાલે હું તારા ઘરે આવીશ ને તારી માતા ને મળીશ. પછી એ જે કહેશે એ નિર્ણય મને મંજુર હશે” બીજા દિવસે સવારે સેલજા અજય ના ઘરે પહોંચી ગઈ. પોતાના બારણે ઉભેલી છોકરી સેલજા છે એ જાણે થતા જ અજય ની માતા એ મોઢું ફેરવી લીધું. સેલજા એમના નજીક જઈ એમના પગ પાસે બેસી ગઈ. “મમ્મી. હું તમારા દીકરા ને તમારી પાસે થી ક્યારેય નહીં છીંનવું. હું અને તમે બન્ને મળી ને અજય ની હિંમત બનીશું” સેલજા ની વાત સાંભળી અજય ની માતા એ ત્રાંસી નજરે સેલજા તરફ જોયું. સેલજા એ વાત આગળ ચલાવી
“હુ અજય સાથે લગ્ન કરી એને મારી સાથે લઈ જવા નથી માંગતી. પણ હું તો અહીંયા જ એની સાથે અને તમારી સાથે રહેવા માંગુ છું. મેં ક્યારેય મારી માતા ને જોઈ નથી. તમારા થકી મને મારી માતા નો પણ પ્રેમ મળી જશે. ” આટલું બોલતા રડતી સેલજા અજય ની માતા ને વળગી પડી. અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. અજય ની માતા નો હાથ સેલજા ના માથા પર ફર્યો અને એ પણ રડી પડ્યા. મન માં એક વિશ્વાસ બેસ્યો કે પોતાની સાથે જે છેતરપિંડી થઈ એ અજય સાથે નહિ જ થાય. સેલજા ના રૂપ માં એને એક દીકરી પણ મળી જશે. પોતાની એ અસફળ પ્રેમ કહાની નું સાક્ષી આ બનારસ શહેર હવે અજય અને સેલજા ના જીવનભર ના સાથ નું સાક્ષી પણ બનશે એ વાતે એ ખુશ હતી. એને સેલજા અને અજય ને દિલથી સ્વીકારી લીધા. અને ટૂંક સમય માં જ બન્ને ના લગ્ન કરાવી દીધા.
લેખક : કોમલ રાઠોડ
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ