મનુબેનનાં ધરમકરમ – બાળ વિધવા થયેલ મનુબેનની ગામમાં ધાક હતી અને એકદિવસ..

*મનુબેનનાં ધરમ કરમ*

બાળ વિધવા બનેલાં મનુબેને વરસો પહેલાં સાસરિયું છોડી દીધેલું ને માબાપના ઘેર આવી ગયેલાં. પિયરનું ઘર ગામમાં આગળ પડતું અને મોટી જમાવટવાળું ઘર હતું એટલે વિધવા મનુબેનને ગામફોઈનો દરજ્જો આપો આપ મળી ગયેલો. સમય જતાં માબાપ પણ સ્વર્ગવાસી થઈ ગયાં. તેઓ નાના ભાઈના કુટુંબનાં મોભી બનતાં બનતાં ગામનાં પણ મોભી બની ગયેલાં તેમ કહીએ તો પણ ચાલે.

મનુબેનનો એ સમય હતો ,હોય જ ને આખા ગામમાં એકજ સ્ત્રી અક્ષર જ્ઞાન ધરાવતી હતી, તે મનુબેન પોતે. એ સમયે મોટા ભાગના પૂરુંષો કાળા અક્ષરને કુહાડે મારે તેવા હતા તેમની વચ્ચે એક સ્ત્રી ભાંગ્યું તૂટ્યું પણ અક્ષરજ્ઞાન ધરાવે તે બહુ મોટી વાત હતી. હા ! એક હતા વજુકાકા, હાથમાં ચોપડી લઈ ફરતા ફરતા ગરબી મંડળમાં ગરબી ગવડાવતા. બીજો હતો વૈકુંઠ લુહાણો જે ખડીયામાં કલમ ડબોળી બોડીયા અક્ષરે ચોપડા ચિતરતો. ગામમાં ખાસ કોઈ ટપાલ આવતી નહીં. કોઈ વખત કોઈનો મેલો (મરણના સમાચાર આપતો પત્ર) આવે તો આ વૈકુંઠ વાંચી આપતો. ગામના બાકી બધા, ધબ ! ચોપડીનાં અક્ષરોને કાળા કાળા મંકોડા ને રાતી રાતી ઝીમેલો , સમજે તેવા અભણ. આવા માહોલમાં સ્ત્રીઓ તો ક્યાંથી ભણેલી હોય ! આથી જ તો મનુબેનની ગણતરી જ્ઞાનીમાં થતી.

શ્રાવણ માસનો ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય , ગામની વસ્તીને સીમશેઢાનું કામ લગભગ નહીવત્ત હોય ત્યારે ગામના આધેડ સ્ત્રી-પુરુષોથી આખી પરસાળ ભરચક થઈ ગયેલી હોય, ને મનુબેન લાકડાના પાટ પર રામાયણનું પુસ્તક મૂકી , તેમના ઘૂંટાયેલા મધુર કાંઠે ચોપાઈઓ ગાતાં હોય ત્યારે કાંકરી ખરે તોય અવાજ સંભળાય તેવી પીનડ્રોપ શાંતિ પથરાઈ જતી. એ વખતે કથા સાંભળવા વાળાં બધાં, મનુબેન સામે અહો ભાવની નજરથી જોઈ રહેતાં.

ભક્તિભાવથી પ્રેરાઈને કોઈ જુવાન વહુવારુ કાખમાં બાળકને લઈને કથા સાંભળવા આવે ને બાળક જો કજીયે ચડે તો તેને સમજી વિચારીને બધાની વચ્ચેથી ઊઠી જવું પડતું. ગોમતીમાને ઉધરસ ચડે ને આખી સભા તેમની સામે કરડી નજરે જુએ તે પહેલાં તે પરસાળ છોડી દેતાં. આવો રસ જમાવતાં મનુબેન. આથી લોકો તેમની બહુ શરમ ભરતાં. ભેંસોને પાણી પાવા કે દેવદર્શને તેઓ ગામની શેરીમાં નીકળે તો સામે મળનારું દરેક તેમને ‘જેસીકિસન’ અચૂક બોલતું. સામે મળનાર જો મનુબેનનું આવી રીતે અભિવાદન ના કરે તો તેઓ મનમાં ને મનમાં સમસમી જતાં.

ત્રણ ત્રણ ભેંસોનું દુઝણું લગભગ બારે માસ રહેતું આથી આ ભેંસોને ચાર-પૂળો કરવો , છાણ-વાંસિંદૂ કરવું , સમયસર પાણી પાવું ને વલોણું કરી છાસ ઝેરવી જેવાં કામો ઉપરાંત રસોઈ જેવાં કામોથી બે બે ભત્રીજા વહુઓને કામનો પાર રહેતો નહીં. એમાંએ જો જરા ભૂલ થઈ ગઈ તો વહુઓ ને વહુઓની સાસુને પણ સાંભળવું પડે. ભત્રીજા વહુઓ ક્યારેક સાસુ સામે વડચકું કરી લેતી પણ આ વાઘ જેવી ફૈ સાસુ સામે એમની બોલતી બંધ થઈ જાતી. ફૈબા ક્યારે શું કહેશે તેવા ડરથી વહુઓ કાયમ ફફડતી રહેતી અને ઊંધું ઘાલીને કામ કરે રાખતી. ફૈબાની નજર સામે ક્યારેય એમને પોરો ખાવા ના મળતો કે ના એમની હાજરીમાં પોતાના ઘરવાળા જોડે હસી બોલી શકાતું. તેવો ફૈબાનો જાપતો હતો.

image source

મનુબેન આમતો મોટા ભાગનું કામ રોજ છાસ લેવા આવતી કાંટિયા વરણની ગામની ગરીબ વહુ-દીકરીઓ પાસેથી કઢાવી લેતાં. વધુ તો નહીં પણ એક પછી એક દહાડે, લગભગ દરેક છાસ લેવા વાળાંને થોડુંઘણું કામ કર્યા પછી જ છાસ મળતી. ભાઈ પણ બહેન આગળ મિયાંની મીંદડી બની જતો ને બહેનનું વેણ ઉથામી શકતો નહીં. ખેતરનું કોઈ કામ વહેલું મોડું થાય કે, બગડે તેમ હોય તો મનુબેન જાતે ખેતર જઇ દળીયા- મજૂર પાસેથી તેલ પડી જાય તેટલું કામ લેતાં ને ખાવામાં કઢી ને રોટલો પધરાવી દેતાં.

ના જાણે ઈશ્વરે કઈ માટીથી ઘડયાં હતાં મનુબેનને ! તે ઘરનું તો ઘરનું પણ ગામના કામમાં પણ માથું માર્યા વગર એમને ચેન ના પડતું. આગિયારસ કે અમાસ ક્યારે પાડવી કે કાલા-કપાસની વીણ ક્યારે પાડવો, તેવા કામોમાં એ ગામના આગેવાનો પાસેથી પોતાનું ધાર્યું કરાવતાં. ધાર્મિક મનોવૃત્તિવાળાં પણ અહંમનો પાર નહીં. એમની મોટાઈને મને, કમને લગભગ બધા લોકો સહન કરી લેતા. આ રીતે મુલવવા જઈએ તો એ વખતે મનુબેનનો સૂરજ મધ્યાને તપતો હતો.

ચડાવ અને ઉતાર માનવ જીવનનાં પગથિયાં છે. આવા પગથિયાની ચડ ઊતર લગભગ દરેકે કરવી પડતી હોય છે. વેળા વેળાની છાંયડી કોઈ એક જગ્યાએ સ્થિર નથી રહેતી. તેથી માણસના બધા દિવસો સરખા નથી હોતા. મનુંબેનના દિવસો પણ જાણે પુરા થવામાં હતા. એક સમયે આખા ગામમાં પુરુષોનું ના ચાલે, એટલું મનુબેનનું ચાલતું. એવી મનુબેનની ધાક અને સડફો હતો. એકજ વેણ મનુબેન બોલે એટલે એ બ્રહ્મ વાક્ય બની જતું. ભલભલા મર્દો પણ તેમનું વાક્ય ઉથાપવાની હિંમત ના કરી શકતા. તે મનુબેન આજે લાચાર થઈને ઘડપણના ખાટલાની પાંગતે પડયાં પડયાં નિશાસા નાખતાં હતાં.

image source

તેમને એમ હતું કે કોઈ આવીને તેમની સાથે વાતો કરે , એવી ઇચ્છાથી તેઓ વહુઓને માઢની બહાર ઘડીક ખાટલો ઢાળી આપવાનું કહેતાં તો, ‘બહાર હવામાં બેસશો તો વધુ માંદા પડશો ‘ તેવું કહી ને તેમની માંગણી પર ઠંડુ પાણી રેડી દેવામાં આવતું. મનુબેન પર પહેલો ઠુકરાઘાત તેમના પાંડનાએ જ કર્યો હતો. લોકમુખે વાત ચર્ચાતી હતી , કે જેને કોઈના પહોંચે તેને પોતાનું પેટ પહોંચે અને ખરેખર મનુબેન ઘરના સભ્યોથી જ પોતાના કદ પ્રમાણે વેતરાઈ ગયાં હતાં.

જ્યારથી પટારાની ચાવીનો ઝૂમખો તેમની સાસુના નેફે લટકતો થયો ત્યારથી વહુઓએ હાશકારો અનુભવ્યો હતો. જુવાનીના પહેરવા ઓઢવાના અભરખા હવે પુરા થશે તેવી આશાથી વહુઓ વધુ હરખથી કામે લાગી ગયેલી. ઉંમર થતાં મનુબેન દમનો શિકાર બની ગયેલાં ને ઢીંચણ એમનાં કામ કરતાં બંધ પડી ગયાં ત્યારથી તેઓ હેઠાં પડયાં ને ખાટલો પકડેલો. બાજુના શહેરમાં લઈ જઈ દવા કરાવી પણ દિવસે દિવસે એમની તબિયત કથળતી ગઈ. જુના ખરજવાએ ઉથલો માર્યો ને ચામડી ગંધાઈ ઊઠી.

ગામના કેટલાય આગેવાનો ને કથા સાંભળવા આવતી બાઈઓ આવીને તેમની ખબર કાઢી ગઈ. માંદગી લાંબી ચાલી તેથી ધીમે ધીમે લોકોની અવરજવર ઓછી થઇ ગઈ. મનુબેનની સાથે ગામની કેટલીએ બાઈઓ ભજનકીર્તન કરવામાં પોતાની જાતને ધન્ય સમજતી હતી, તેવી સ્ત્રીઓએ પોતાનો રસ્તો બદલી દીધો. મંદિરમાં સાથે દર્શન કરવા જતી અને છુટા પડતી વખતે મનુબેનને ગર્વભેર ‘જેસીકિસન ‘ કહેતી બાઈઓએ પોતાનું મોં ફેરવી લીધું . કાયમ હાજી હા સાંભળવા ટેવાએલા એ કાનો સુધી શેરીના ભસતા કુતરાનો અવાજ પણ આવતો બંધ થઈ ગયો.

લાંબો મંદવાડ ને ઘડપણ ને લીધે, પરિસ્થિતિ એવી આવી કે, હવે તેઓને ઝાડા-પેશાબ પણ પથારીમાં થવા લાગ્યા. મોટી વહુ જરા સમજુ ને ઠરેલા સ્વભાવની એથી તે, મને, કમને સુગારવું મો રાખી સેવા કરતી. જ્યારે નાની વહુએ તો ડોશીના ઓરડામાં જવાનું બંધ કરી દીધું. વહુઓ ક્યારેક એકલી મળે તો બટક બોલકણી નાની વહુ બોલી નાખતી કે, ” મરતીએ નથી ને માંચો છોડતીએ નથી.” ખાટલાવસ થયા પછી તો ખૂબ રિબાઈ એ , એટલે સુધી કે જીવતે જીવ શરીરમાં જીવડા પડી ગયા. પછી સાતમે દિવસે એની અર્થી ઊઠી.

ત્રીજા દિવસે એમનો બપોરો થયો ને ચોથે દિવસે ગામમાં વાતો થવા લાગી, “બધું આંય ને આંય ભોગવવાનું છે ભઇ ! ઉપરવાળો બધું અહીં જ દેખાડી દે છે ! હતી ધરમી, પણ મનની તો મેલી ને મીંઢડી, એક લોટો છાસ આપી ગરીબોનો કસ કાઢી લેતી.” ” મનુબેનની તો વાત જ ના કરશો બિચારી વહુઓને ધરાઈને ધાન ખાવા નથી દીધું પછી રિબાવવું પડે ને.” કુવે-અવાડે પણ સંભળાવા મળતું કે, ” ખેતરમાં વેરાએલ જારના સાંઠાનાં પાન તેઓ વાળી-ઝુડીને ઘર ભેગાં કરાવતાં, આમ ગાયોને મોઢેથી ચરવાનું એમણે ઝુંટવી લીધેલું , તો મારી બઇ જીવતે જીવ જીવડા ના પડે તો પછી બીજું શું થાય ! ”

—* —*

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ