એ પહેલો દિવસ – એ એક દિવસ અચાનક જીવનમાં આવે છે અને જીવનભરનો સાથ બની રહે છે…

આજે હું બહુ જ ખુશ હતી. આ ખુશીઓની હું વર્ષો થી રાહ જોતી હતી. આજે ખરેખર ખુદ માટે આશ્ચર્ય થયું કે શુ હું કોઈને જોયા વગર પહેલા જ દિવસે આટલી હદ સુધી ચાહી શકું. એના મારા જીવન માં આવવા ની ખુશી માં તો જાણે હું નાચી ઉઠી હતી. પોતાનું હવે વધારે ધ્યાન રાખવાનું મન થઇ ઉઠ્યું હતું.

image source

બપોરે જમવાનુ પણ ઉત્સાહ માં ને ઉત્સાહમાં રોજ કરતા વધારે જમી લીધું. કાઈ કેટલીય વાર અરીસામાં પોતાની જાત ને નિહાળી લીધી હતી. ભવિષ્ય માં પોતાના માં આવવાવાળા બદલાવ માટે ખુદ ને ખુશી ખુશી તૈયાર કરી રહી હતી. ચહેરા પર જે લાલિમા છવાઈ ગઈ હતી એને જોઈને હું ઘડીભર તો શરમાઈ ગઈ. થોડીવાર ખુદ માં જ ખોવાઈ ગયા બાદ એક નજર મોબાઈલ તરફ ગઈ. અત્યંત ખુશ બનેલી હું મોબાઈલ ઉઠાવી રાહુલ નો નંબર જોડવા લાગી. પછી કોણ જાણે શુ થયું તો ફોન કાપી નાખ્યો. વિચાર્યું હવે તો જે વાત થશે એ રૂબરૂ માં જ કરીશ. આખરે રાહુલ ના ચહેરા પર ની એ ખુશી પણ તો મારે જોવી હતી.

image source

પ્રેમ શબ્દ ને જાણે આજ સવારથી હું ઘોળી ને પી ગઈ હતી. કોઈના માટે ખુદમાં આવતું પરિવર્તન મને ખુબ ગમ્યું. હવે એની એક ઝલક જોવા હું તડપી રહી હતી. વર્ષો ની રાહ નો ટૂંક સમય માં જ અંત આવશે. એના નાજુક હાથ માં મારા હાથ માં હશે ફક્ત એ વિચાર માત્ર થી હું રોમાંચિત થઈ ગઈ હતી. બેઠા બેઠા કઈ કેટલાય સપના પણ સેવી લીધા હતા. પ્રેમ ના ઉભરા માં જાણે હું છલકાઈ ગઈ હતી. આખો દિવસ બસ એના જ વિચારો માં વીતી રહ્યો હતો. મન તો હતું કે હમણાં જ મારી ખુશી નો ઇઝહાર દરેકે દરેક વ્યક્તિ સામે કરી દઉં. વારે ઘડીએ ઘડિયાળ સામું જતી મારી નજરો રાહુલ ની હું આતુરતાથી રાહ જોતી હતી એની સાફ ચાળી ખાતી હતી. થોડી થોડી વારે અનાયાસે જ દરવાજા પર આંખો ચોંટી જતી. રાહુલ આવ્યો એના ભણકારા વાગ્યા કરતા. અને પછી મારી આવનારી ખુશીઓ ના વિચારો માં એકલી એકલી જ બબડતી રહી.

image source

ઘડિયાળ માં 6 ના ટકોરા પડી ગયા હતા. રાહુલ હવે આવવો જ જોઈએ. પણ હજી આવ્યો કેમ નહિ એના વિચારો હવે દોડવા લાગ્યા. અંતે જ્યારે મન ન માન્યું ત્યારે મેં રાહુલ ને ફોન જોડી જ દીધો “કેટલે રહ્યો? હજી આવ્યો નહિ” મેં રાહુલે ફોન ઉપડ્યો કે તરત જ એકીશ્વાસે કહી દીધી “અરે અરે આટલી ઉતાવળી કેમ થાય છે..બસ પહોંચવા જ આવ્યો છું” રાહુલે વળતો જવાબ આપ્યો

image source

મેં સારું કહી ફોન મુક્યો અને દરવાજે રાહુલ ની રાહ જોવા ગોઠવાઈ ગઈ. મારો ચહેરો જોઈ એને ખ્યાલ આવી જ જશે કે હું આજે બહુ ખુશ છું એની મને ખાતરી હતી અને એવું જ બન્યું. પાંચ મિનિટ માં જ રાહુલ આવ્યો. બાઇક પર હતો ત્યાં જ એને મારો ખિલખિલાટ ચહેરો જોઈ લીધો. અને એના માટે તો મારૂ એ સ્મિત જ પૂરતું હતું. રાહુલે હજી ઘર માં પગ મૂક્યો ન મુક્યો ને હું એના તરફ દોડી. ઘડીક કઈક વિચાર આવતા મેં મારા પગ ને ધીમા કર્યા. એની તરફ બને એટલી ઝડપે પહોંચી ને એને બાજી પડી. કઈ જ બોલી ન શકી. સવાર થી અત્યાર સુધી રોકી રાખેલી મારા પ્રેમ ના પહેલા દિવસ ની ખુશી અશ્રુ મારફતે વહી ને રાહુલ ના શ્વેત શર્ટ ને ભીંજવી રહી હતી. એ જ સ્થિતિ માં મેં એને કાનમાં કહ્યું

image source

“રાહુલ, હું ગર્ભવતી છું.આપણે માતા પિતા બનવાના છે”.. આટલું સાંભળતા વેંત રાહુલ તો જાણે ગાંડો જ થઈ ગયો. એને મને ઊંચકી જ લીધી. પછી મારી સ્થિતિ નો ખ્યાલ આવતા એને મને સાચવી ને નીચે ઉતારી. મારા પેટ પર ખૂબ વ્હાલ થી હાથ ફેરવતા કહ્યું “બેટા, બહુ રાહ જોવડાવી તે તો અમને” એટલું બોલતા તો એ રડી પડ્યો. લગ્ન ન 15 વર્ષ સુધી સંતાન સુખ માટે ઝુરતા હું ને રાહુલ આજે ફરી જાણે પ્રેમ માં પડ્યા. અમારા આવનારા સંતાન ના પ્રેમ માં.

image source

એ રાત્રે મોડા સુધી હું ને રાહુલ અમારી ખુશી એકબીજા ને કહેતા રહયા. કાઈ કેટલાય સપના પણ જોઈ લીધા. આખરે રાહુલ સુઈ ગયો. હું વિચારી રહી હતી. અનાયાસે જ પેટ પર હાથ મુકાઈ ગયો અને હું બોલી પડી “તારી સાથે ના પ્રેમ નો આ પ્રથમ દિવસ મેં પૂર્ણ કર્યો હવે આ પ્રેમ નો સિલસિલો આજીવન ચાલશે જ”

લેખક : કોમલ રાઠોડ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ