પંક્તિ એક પછી એક બધા ને ફોન જોડી ને આમંત્રણ આપી રહી હતી. સામે પડેલી ડાયરી માં લિસ્ટ તૈયાર હતું. કોઈ રહી નથી જતું ને એની ખાતરી એને બે વાર કરી લીધી હતી. ત્યાં જ દરવાજે ટકોરા પડ્યા. અત્યારે કોના આવ્યું હશે એ વિચારમાં જ એ દરવાજા સુધી પહોંચી. દરવાજો ખોલતા ની સાથે જ એ મલકાઈ ઉઠી
“અરે મમ્મી તું?” પોતાને આંગણે પોતાની મમ્મી ને જોઈ પંક્તિ હરખ માં બોલી ઉઠી કિંજલ બેન,પંક્તિ ના મમ્મી એ પંક્તિ ના આ ઉમળકા નો કઈ ખાસ જવાબ ન આપ્યો ફરીપાછા એ જ હરખ માં પંક્તિ બોલી.

“મને વિશ્વાસ હતો એક દિવસ તો તું મારા ઘરે આવીશ જ. આવ આવ અંદર આવ” “હા, તે કામ જ એવું કર્યું છે એટલે આવવું પડે એમ જ હતું” કિંજલબેન ના મન માં રહેલો ગુસ્સો એમના શબ્દો માં પણ છલકાઈ આવ્યો. પંક્તિ પ્રશ્નાર્થ નજરે એમની સામે જોતી રહી. “આવ અંદર આવ. બેસી ને વાત કરીએ. તું થાકી હોઇશ” પંક્તિએ નરમાશથી કહ્યું “આટલી જ ચિંતા થતી હોત તને તો તું અમારા વિરુદ્ધ જઈને આવું પગલું ન ભરતી” ફરી પાછા એ જ ગુસ્સા સાથે કિંજલબેને વાગબાણ ચલાવ્યું. “પણ મમ્મી…”પંક્તિ કઈ બોલવા જાય એ પહેલાં જ ફરી એકવાર કિંજલબેને શબ્દો નો મારો ચલાવ્યો
“તારા પ્રથમ સાથે લિવ ઇન માં રહેવાના નિર્ણયે પહેલા જ અમારી ઈજ્જત ની ફજેતી કરી છે. હવે આ લિવ ઇન ને 5 વર્ષ થયાં એની ઉજવણી કરી ને. સગા વ્હાલા ને બોલાવી ને તું અમારા જખ્મો પર મીઠું ભભરાવવા માંગે છે?” “મમ્મી તુ સમજે છે એવું કંઈ નથી. હું તને કે પપ્પા ને નીચું દેખાડવા માટે કઈ નથી કરતી. હું તો બસ….” પંક્તિ આગળ નું વાક્ય ન બોલી. કદાચ એને એ બોલવું યોગ્ય જ ન લાગ્યું. કદાચ સાવ વ્યર્થ જ લાગ્યું.

“આમ લગ્ન કર્યા વગર એક પુરુષ સાથે રહેવાનો મતલબ સમજે છે તું?. અને એમાં ય તમારા જમાના ની આ બધી ઉજવણીઓ. સંબંધો નો મજાક બનાવી ને રાખી દીધો છે” ફરી એકવાર કિંજલબેન તાળુક્યા. આ વખતે પંક્તિ થી ન રહેવાયું.
“ક્યાં સંબંધોની વાત કરે છે મમ્મી તું. લગ્ન કરી ને સાથે રહેતા સંબંધોની વાત કરે છે તું? સમજતી થઈ છું ત્યારથી તને અને પપ્પા ને જોતી આવી છું. પપ્પા ના સ્વભાવથી પરિચિત છું. કઈ કેટલીય વાર લોકો ની વચ્ચે થતું તારું અપમાન જોયું છે. નજીવા કારણ સર પપ્પા નો તારા પર ઉઠતો હાથ જોયો છે. બંધ બારણે તે લીધેલા ડુસકા સાંભળ્યા છે.

નાની ને તે ઠાલવેલા ઉભરા અનુભવ્યા છે, સાડી ના પાલવની પાછળ સંતળેલા તારા ઝખ્મો જોયા છે. તારા સપનાઓને આગ માં હોમાતા જોયા છે..અને આટલું સહન કર્યા બાદ હમણાં ગયા વર્ષે જ તને અને પપ્પા ને ફક્ત લોકો સમક્ષ તમારું સફળ દામ્પત્ય બતાવવા માટે તમને લગ્ન ની 30મી વર્ષગાંઠ ઉજવતા પણ જોયા છે”
કિંજલબેન ના આંખનો ખૂણો ભીનો થયો. પણ એ પંક્તિ ની નજરે ન ચડે એમ એમને એ લૂછી નાખ્યો “તને કાઈ ભાન છે તું શું બોલી રહી છે?”પોતાની દીકરી ના શબ્દો એમને ખટક્યા. “મને એક સવાલ નો જવાબ આપ. શુ તું પપ્પા સાથે લગ્ન બંધન થી ન જોડાયેલી હોત તો તું એમને છોડી ને જવાનો વિચાર કરતી કે નહીં”? કિંજલબેન ચૂપ રહ્યા.

“મમ્મી તને લગ્ન નું એ બંધન નડે છે એટલે તું એ બધું સહન કરી રહી છે. તેમ છતાં હસી ને જીવન જીવી રહી છે. હું અને પ્રથમ આવા કોઈ બંધન ના કારણે સાથે નથી રહેતા. એકબીજા સાથે અમારી ખુશીઓ જોડાયેલી છે બસ એટલે ક આજે અમે 5 વર્ષ બાદ પણ એકબીજાની સાથે જીવવા ઇચ્છઈએ છે. અમારા વચ્ચે પ્રેમ જરાય ઓસર્યો નથી. પરાણે ચાલતા લગ્ન ની લગ્નતિથી જો તમે હર્ષભેર ઉજવી શકતા હોય. તો હું મારા સફળ લિવ ઇન ના પાંચ વર્ષ ઉજવવા માંગુ છું તો એમાં શું ખોટું કરું છું”

કિંજલબેન ચોધાર આંસુ એ રડવા લાગ્યા. દીકરી ને આલિંગન માં જકડી લીધી. ને એક પણ શબ્દ બોલ્યા વગર દરવાજા સુધી પહોંચી ગયા. દરવાજે પહોંચતા જ જાણે કઈ યાદ આવ્યું હોય એમ પાછા ફરી ને બોલ્યા “તારા આ લિવ ઇન ના સેલિબ્રેશન માં હું તને શું ગિફ્ટ આપું?” પંક્તિ ના ચહેરા પર ખુશી હતી. મમ્મી દ્વારા પોતાના સંબંધ ને મળેલી સંમતી જ એની સૌથી મોટી ભેટ હતી. એ દોડી ને એની મમ્મી ને વળગી પડી
લેખક : કોમલ રાઠોડ
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ