આખરી નિણર્ય – એકબીજા પ્રત્યે નો પ્રેમ વ્યક્ત કરવાનો બન્ને એક મોકો પણ ન છોડતા તો પછી કેમ આવું…

સૂરજ ઘરમાં આમથી તેમ ફરી રહ્યો હતો. શરીરમાં પુરપાટ વેગે દોડી રહેલા એના લોહી અને એથી ય વધુ ઝડપે દોડી રહેલા અસમંજસ ભરેલા વિચારો ના કારણે એનું શરીર ઠંડુ પડી રહ્યું હતુ. દિલ દિમાગે તો જાણે સઘળી પરિસ્થિતિ સામે હાથ ઊંચા કરી દીધા હોય એમ શૂન્યમનસ્ક થઈ સૂરજ ભીંત પર ટીંગાડેલી ઘડિયાળ સામું એકધારું જોઈ રહ્યો હતો. સમય એટલી ઝડપે વહી જશે એનો અણસાર પણ સૂરજ ને ન આવ્યો.

image source

સમય બદલાઈ ગયો અને સાથે સાથે સૂરજ અને અવની પણ. બે પ્રેમીપંખીડા ક્યારે પથ્થર ની મૂર્તિઓ બની ગયા એની એ ઘડિયાળમાંના સમયે પણ જાણે જાણ જ ન થવા દીધી. પ્રેમના સાગરમાં ક્યારે ઓટ આવી એની જાણે બંને એ પરવાહ જ ન કરી. લગ્નના બાર વર્ષ બાદ જ્યારે એકબીજાને ડિવોર્સ આપવાનો બંને દ્વારા નિર્ણય લેવાયો ત્યારે એ બંને સિવાય સૌને આશ્ચર્ય થયું. અને કારણ…અરે કારણ તો જાણે કાઈ હતું જ નહીં.

image source

જીવનસફરની ભલભલી તકલીફો વેઠી આ યુગલ અહીંયા સુધી પહોંચ્યું હોય અને એકાદ સેલ્ફ રિસ્પેક્ટ ના નામે પોતપોતાના અહમ ને પોસતો મુદ્દો ઉઠે અને બંને સાવ બેફકરાઈ થી જુદા થવાની વાત ઉચ્ચારે તો એ વિચારવા જેવો પ્રશ્ન તો ખરો જ. અત્યાર સુધી લોકોના મનમાં ઉઠતા પ્રશ્નો આજે હોલમાં આમતેમ ફરી રહેલા સૂરજ ના મનમાં પણ ઉઠ્યા. શુ ખરેખર ડિવોર્સ જ આખરી નિણર્ય હોઈ શકે? પણ આ વિચાર સાવ આમ અણીના સમયે આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી એક જ ઘરમાં અજાણ્યા ની જેમ રહેતા સૂરજ અને અવની ની એકબીજા ને સહન કરવાની આ છેલ્લી રાત હતી. બીજા દિવસે કોર્ટ પણ એમને એકબીજાથી આઝાદ કરવા તારીખ આપી ચુકી હતી.

image source

સૂરજ એક ઊંડો શ્વાસ લઈ સોફા પર પટકાયો.આ જ સોફા પર સૂરજ અને અવની બેસતા. અવની સૂરજના ખભે માથું ટેકવી, સૂરજ ના હાથ ફરતે પોતાના હાથ વીંટાળી પોતાની આખા દિવસ ની દિનચર્યા સૂરજને કહેતી. સૂરજ અવનીની વાતો ખૂબ ધ્યાનથી સાંભળતો. ક્યારેક અવની ના માથે હાથ ફેરવતો તો ક્યારેક એના વાળને વહાલથી પસારતો. એ નાનકડા હોલમાં કઈ કેટલીય યાદો ભરેલી હતી. હોલને અડોઅડ જ રસોડું હતું.

image source

સૂરજ ઓફિસથી આવે ત્યારે રસોડામાં કામ કરતી અવની થોડી થોડી વારે રસોડામાંથી ડોકિયું કરી પોતાની ઝલક બતાવી સૂરજને એની આસપાસ ફરવા મજબૂર કરી દેતી. સૂરજ અવનીના પ્રેમમાં એવી ગાંડો હતો કે એની ગોળ ગોળ ફરતા થાકતો નહિ. સૂરજનું આ ગાંડપણ અવની ને ખૂબ ગમતું. એકબીજા પ્રત્યે નો પ્રેમ વ્યક્ત કરવાનો બન્ને એક મોકો પણ ન છોડતા. વિચારોના વમળમાં ડૂબેલો સૂરજ સોફા પર જ લંબાયો.

image source

ઊંઘ તો જાણે રિસામણા લઈ બેઠી હતી. ઉપરના બેડરૂમ માં સુતેલી અવનીની દશા પણ સૂરજ જેવી જ હતી. અત્યાર સુધી પોતાના નિર્ણય પર અડીખમ ઉભેલી અવની પણ આજે વિચલિત થઈ હતી. આમતેમ પડખા ફેરવ્યા બાદ પણ જ્યારે ઊંઘ ન આવી એટલે એને બાલ્કની તરફ પ્રયાણ કર્યું. અમાસ ની રાત નું અંધારું એને વધુ વિચલિત કરતું હતું. અચાનક એનું ધ્યાન સુકાઈ ગયેલા ગુલાબના છોડ ના કુંડા પર પડ્યું. એનું મન એ સુકાયેલા છોડને જોઈ કકળી ઉઠ્યું. કેટલા પ્રેમથી એ છોડ વાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી એ છોડ ની માવજત જ ન કરી શકી અને અંતે એ છોડ ની આ દશા જોઈ એ હચમચી ગઈ. સૂરજને ગુલાબનું ફૂલ ખૂબ ગમતું એમાંય જો એ અવની ના વાળમાં સજાવેલું હોય તો તો સોના માં સુગંધ ભળે. અને એટલે જ અવની એ છોડ ને પ્રેમથી ઉછેર્યો હતો.

image source

રોજ એ છોડ પર એક ગુલાબ આવતું અને એ ગુલાબ અવની પોતાના વાળ માં અચૂક સજાવતી. સૂરજ એ ગુલાબનો છોડ અને અવનીના વાળ માં સજાવેલું એ ગુલાબ જોઈ ખૂબ હરખાતો. અવની નો હાથ અનાયાસે જ એના વાળ પર ફર્યો. અને એ ગુલાબ ની ગેરહાજરી અવનીની આંખના આંસુ રૂપે વહેલા લાગી.એ ગુલાબ ના છોડ સાથે એના અને સૂરજના સંબંધ પણ સાવ સુકાઈ ગયા હતા. કારણ બંને એ માવજત લેવાનું જ છોડી દીધું હતું. પોતાન નિર્ણય પર ફરી એકવાર વિચારી લેવાનું મન થયું. મગજ ચકરાવે ચડ્યું.

image source

અવની અને સૂરજની મનોસ્થિતિ સરખી જ હતી. પણ બંને નો અહમ હૃદયના એકાદ ખૂણા માં ધબકતા એ પ્રેમ પર હાવી થતો જતો હતો. જૂની યાદો સાથે એ કડવા પળો પણ માનસપટ પર ઉપસી આવતા અને બન્ને ફરી એક ડગલું પાછું વળી જતા. સૂરજની આંગળીઓ રિમોટ પર ફરી એને ટીવી ઓન કર્યું. ગળા માં પડી રહેલા શોષ ને છીપાવવા અવની રસોડામાં પાણી લેવા જઈ રહી હતી. દાદર પરથી ઉતરી રહેલી અવની પર સૂરજની નજર પડી અને ત્યાં જ ટેકવાઈ ગઈ. ઘડીભર અવનીના પગ પણ ત્યાં જ થંભી ગયા. બંને એકમેકની આંખોમાં જોઈ રહ્યા હતા. રખેને એ જૂનો પ્રેમ મળી જાય.

“લગ જા ગલે કે ફિર યે હસીન રાત હો ના હો

શાયદ ફિર ઇસ જનમ મેં મુલાકાત હો ના હો”

ટીવીમાં ગીત વાગી રહ્યું હતું. જોગાનુજોગ આ અવની અને સૂરજ નું મનગમતું ગીત હતું. અવની જ્યારે જ્યારે રિસાતી સૂરજ આ ગીત ગાઈ એને મનાવી લેતો અને અવની બમણા પ્રેમ સાથે એને વળગી પડતી. અવની સામે એકીટશે જોઈ રહેલા સૂરજને ફરી આજે આ ગીત ગાઈ લેવાનું મન થયું. અવની પણ મનોમન એવું જ ઇચ્છતી હતી. એને પણ સૂરજ ને વળગી પડવું હતું. સૂરજના બાહુપાશમાં સમાઈ એની માફી માંગી લેવી હતી. સૂરજને પણ પોતાની ભૂલો અવની સમક્ષ સ્વીકારી લેવી હતી. બંને એકબીજાની સામે જોઈ રહ્યા હતા.

image source

પણ જીભ બેમાંથી એક ની પણ ન ઉપડી. ટીવીમાં ચાલતું ગીત પણ હવે બંધ થઈ ગયું હતું. આખા ઘરમાં નીરવ શાંતિ છવાયેલી હતી. બંને વચ્ચે ચુપકીદી એ બરાબર સ્થાન જમાવેલું હતું. પાણી પીધા વગર જ અવની રૂમ તરફ પરત ફરી. સૂરજ પણ પડખું ફરી સોફા પર જ સુવાનો ડોળ કરવા લાગ્યો. બંનેની રાત આમ જ ખુલ્લી આંખે જ વીતી ગઈ. સવાર પડતાની સાથે જ ફરી એકવાર બંને આમને સામને આવી ગયા.

image source

છેલ્લા ઘણા દિવસથી પોતપોતાનું કામ પોતપોતાની રીતે કરવા બંને ટેવાઈ ગયા હતા. પણ આજે અવની એ સૂરજ માટે પણ ચા બનાવી. રસોડામાં ઉભેલી અવની પાસે જઈ ઉભા રહેવાનો વિચાર સૂરજને આવ્યો પણ કોણ જાણે કેમ એના પગ રસોડા તરફ વળ્યા નહિ. સૂરજ માટે બનાવેલી ચા પણ ચા ના કપમાં ઠલવાઇ નહિ. અવની પોતાની એક કપ ચા લઈ પોતાના રૂમમાં ચાલી ગઈ. રસોડા પરનો એ ખાલી કપ અને સૂરજ બંને જ્યાં ના ત્યાં જ રહ્યા.

image source

આખરે એ સમય આવી જ ગયો. બંને જણા કોર્ટરૂમ માં પહોંચ્યા. આક્ષેપો ના તીર એ અગાઉ ચલાવી જ ચુક્યા હતા બસ હવે તો એ તીર થી એમના સંબંધ વિંધવા ની તૈયારી માં હતો. બસ હવે આખરી નિર્ણય જ આવવાનો હતો. છેલ્લી વખત બન્ને ને એમના નિર્ણય વિશે પુછાયુ. બંને સાવ શાંત અવસ્થા માં બેસી રહ્યા. એકબીજા ને નિહાળી રહ્યા હતા બિલકુલ એમ જ જેમ પહેલીવાર નિહાળ્યા હતા. ઘણું બધું કહેતી એમની આંખો આંસુઓથી ઝાંખપ અનુભવી રહી હતી. પણ જીભ અહમ ના ભાર નીચે દબાયેલી જણાઈ. દળદળ વહેતા અવનીની આંખ ના આંસુ સૂરજને તકલીફ આપી રહ્યા હતા પણ તો ય એ કઈ બોલી ન શક્યો. ન તો અવની કાઈ બોલી શકી. બસ ફક્ત બંને ના હાથ એકબીજા સામું લંબાયા. અને પેન સુધી પહોંચ્યા. એક નિશાશા ભરેલી નજરે એકબીજા સામું જોઈ બન્ને એ ડિવોર્સ પેપર પર સહી કરી દીધી

image source

આખરે અહમની જીત થઈ. દિલના ખૂણામાં છુપાયેલો પ્રેમ ત્યાં જ પટકાઈ ગયો. પતિપત્ની રૂપે એક બનેલા એ યુગલમાંથી આજે બે અલગ અલગ વ્યક્તિ નો જનમ થયો. સાથે જીવનભર ચાલવાના વચનો તૂટ્યા ને બંને ના રસ્તા અલગ થયા. એકબીજા વગર જીવી નહીં શકનારા બે વ્યક્તિઓ આજે એકબીજાથી અલગ થઈ હાશકારો અનુભવી રહ્યા હતા. સૂરજ અને અવની છેલ્લીવાર એકબીજા ની સામું જોઈ હંમેશા માટે છુટા પડ્યા..

લેખક : કોમલ રાઠોડ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ