યાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ ના કરીએ તો જ સારું પણ આ તો દીકરો હતો…

“તું શું કરે છે શીલા ?” આખો દિવસ કંઇકને કંઇક બોલતી કે પછી ભજન ગણગણાવતી સાઇઠ વર્ષની પત્ની કયારની ચૂપચાપ બેઠી હતી, તે જોઇને પાંસઠ વર્ષના યોગેશભાઇએ પૂછયું. “ફોટા જોવું છું” “લે… આલબમ જોવે છે? મને કહેવાયને ? ચલ હું પણ આવું, સાથે જોઇએ.”

યોગેશભાઇએ જોયું કે, શીલાબેન એક નાનકડું આલબમ ખોળામાં રાખીને બેઠા હતા કે જેમાં તેમના દીકરાના થોડા ફોટા હતા. “જોવો… આ ફોટો, આપણા કાર્તિકનો એ દિવસનો છે જયારે તે પહેલીવાર ચાલતા શીખ્યો અને પડી ગયો હતો, કેટલું રડયો હતો …” શીલાબેને ફોટો બતાવતા જુની યાદો વાગોળી.. ” હા યાદ જ હોય ને.. મેં ચલાવવાનો પ્રયત્ન કર્યો અને તે પડી ગયો, તે રડયો તેના કરતા વધારે તો તું રડી, અને મારા પર ગુસ્સો કર્યો. પછી તો મહિના સુધી ચલાવવાનો પ્રયત્ન જ ન કર્યો.”

image source

“જોવો આ ફોટો, તેના પહેલા જન્મ દિવસનો… કેવો કાનુડા જેવો લાગે છે મારો દીકરો…” “લે… એકલો તારો જ દીકરો ? મારો નહી ? પહેલા જન્મ દિવસે તે જીદ કરીને ટ્રાયસિકલ લેવડાવી હતી. મારી પાસે પૂરા પૈસા ન હતા તો ભાઇબંધ પાસેથી ઉછીના લઇને સાઇકલ લીધી હતી, અને સાઇકલ ચલાવતા ચલાવતા સહેજ પડી ગયો તો તે આખું ઘર માથે લીધું હતું…”

image source

“હા… એ તો મા છું ને… દીકરાને રડતો કેમ જોઇ શકું ??” “તો શું બાપ દીકરાને રડતા જોઇ શકે ?” “ચલો હવે અત્યારે ઝઘડો નથી કરવો. આગળ ફોટા જોઇએ. જોવો જોવો.. આ ફોટો તે બાલમંદિર ગયો તે દિવસનો… કેટલો રડતો હતો બાલમંદિર જવાના દિવસે…. મારો તો જીવ ચાલતો જ ન હતો…”

“હા… મને યાદ જ છે, તું પહેલા દિવસે મૂકવા ગઇ હતી અને રડતો હતો તો બાલમંદિરના ગેઇટ પરથી પાછી આવી ગઇ હતી..” “હા… પછી તો બે ત્રણ દિવસ સુધી સવારે તેને ઉઠાડું અને તૈયાર કરૂં એટલે તે સમજી જાય કે બાલમંદિર જવાનું છે, એટલે પહેલેથી જ રડવાનું શરૂ કરી દે… કાર્તિકના પપ્પા… યાદ છે… ત્રણ દિવસ તેને સમજાવ્યા પછી પણ તે બાલમંદિર જવા તૈયાર ન થયો તો તમે તેને બોલ-ગેઇમ-ચોકલેટ લાવી આપવાની લાલચ આપી હતી..”

image source

“યાદ જ હોય ને… રોજ સવારે તૈયાર કરીને મૂકવા લઇ જાવું, ચોકલેટ લાવી આપું, પણ બધું લાવી દીધા પછી તે રડવાનું શરૂ કરે… તો પણ એકદિવસ તો મન કઠણ કરીને બાલમંદિર મૂકી આવ્યો… મને એમ કે બીજા બાળકોને જોઇને તે શાંત થઇ જશે, પણ તે તો બીજાને જોઇને વધારે રડવા લાગ્યો. હું તો મૂકીને નીકળી જ ગયો… પણ તેનો રડવાનો અવાજ બાલમંદિરના રૂમની બહાર સુઘી આવતો હતો, અને મારો જીવ ન રહ્યો, હું તેને પાછો લઇ આવ્યો, પછી કેટલાય દિવસે તે જવા માટે માન્યો.” “જોવો, આ ફોટો તે દસમા ધોરણમાં આવ્યો અને પહેલીવાર ટયુશનમાં ગયો ત્યારનો, ટયુશનમાં છતા પણ તે રડતો હતો.” “હા… તો .. નવ ધોરણ સુધી તો તું જ ભણાવતી, તો પછી તેને ટયુશન જવાની જરૂર જ ન પડતી ને ..”

“હા… પણ પછી મને ભણાવવાનું ન ફાવતું.” “હા.. એ તો એમ જ હોય ને… તું તો ભણાવતી પણ ખરી, પણ હવેની મમ્મી તો બાલમંદિરથી જ બાળકોને ટયુશનમાં મૂકી આવે.” “જુવો.. જુવો… આ ફોટો તેના કોલેજના પ્રથમ દિવસનો…. બીજા બાળકો તો કોલેજના પ્રથમ દિવસે ઉત્સાહથી ઉછળતા હોય, પણ આપણા કાર્તિકનું મોઢું તો જુઓ… પરાણે કોલેજ જતો હોય તેવું છે..”

image source

“હા… પણ તે જ કાર્તિકને સારી કોલેજમાં ભણાવવા બહારગામ મોકલવાની જીદ પકડી હતી ને… તેને હોસ્ટેલમાં જવાની ઇચ્છા જ ન હતી.. પણ તે કહ્યું એટલે ગયો…” “તો ગયો તો સારૂં થયું ને… કેવું સરસ ભણ્યો મારો દીકરો.. આપણા ગામમાં સારી કોલેજ જ કયાં હતી ? મને ખબર હતી કે તેને હોસ્ટેલમાં નથી જવું.. પણ તેના ભવિષ્ય માટે મેં પરાણે મોકલ્યો..”

image source

“પણ તેં ભારે હિંમત બતાવી હતી હો… હોસ્ટેલમાં કાર્તિકને મૂકીને આવ્યા એ દિવસે તેની આંખમાં આંસુ હતા, પણ તું જરાય ન રડી, હસતાં હસતાં તેને આવજો કહ્યું.” “હા… મારૂ મન જાણે છે કે કેવી રીતે મેં આંસુ રોકી રાખ્યા હતા…” ” હા… પછી એ આંસુનું પૂર મેં જોયું છે હો…. મને યાદ જ છે કે પછી તું કેટલી રડી હતી…’ “જોવો.. આ ફોટો તે કોલેજની ડીગ્રી લઇને આવ્યો ત્યારનો… કેવો સરસ લાગે છે… ” “અને પછી તો તે અડધા ગામમાં પેંડા વહેંચ્યા હતા… તેની ડીગ્રી સરસ મઢાવીને ડ્રોઇંગરૂમમાં રાખી હતી.”

image source

“હા… કાર્તિકની ખૂશી એ જ આપણી ખૂશી… તેણે તેની સાથે નોકરી કરતી કેતકીને પસંદ કરી… આપણે પણ તેની પસંદ સ્વીકારી જ લીધી ને… કેવો હરખ હતો તને તેના લગ્નમાં !! કેટલા ધામઘૂમથી તેના લગ્ન કર્યા… તેની ઇચ્છા હતી તો જુનું ઘર વેચીને લોન લઇને તેના નામથી નવું ઘર પણ લીધું.. બધું કાર્તિકની ખૂશી માટે જ ને !!! ” “હા… આપણે કયાં બીજા સંતાન છે ? બધું તેનું જ હોય ને .. તે ખુશ તો આપણે ખુશ… કેતકીમાં મેં દીકરી જ જોઇ હતી… મેં નકકી જ કર્યું હતું કે કેતકીને દીકરીની જેમ જ રાખીશ..”

image source

“હા પણ તેણે કયાં તારામાં ‘મા’ જોઇ ??? તે તો વહુ બનીને જ રહીને… અને આપણો કાર્તિક… આપણો મટીને કેતકીનો બની ગયો… કેતકીની આંખે જોતો… કેતકી શીખવાડે એટલું જ બોલતો… કાર્તિક સાવ બદલાઇ ગયો… અને કેતકી તેને ધીમેધીમે આપણાથી દૂર કરતી ગઇ.”

image source

“શું કરીએ કાર્તિકના પપ્પા…. આપણે તો બનતા પ્રયત્ન કર્યા… પણ કેતકીને એકલા જ રહેવું હતું… આપણી સાથે રહેવાનું તેને બંધન લાગતું હતું… તો પછી શું કરવાનું ???” “કંઇ નહી કરવાનું… આજે પણ આપણે એમ જ કહીશું કે કાર્તિકની ખુશી એ જ આપણી ખુશી….”. અને બન્ને વૃધ્ધ પતિ-પત્ની રડી પડયા… વૃધ્ધાશ્રમના પહેલા દિવસે તેમના આંસુ લૂછવા કોઇ ન હતું…

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ