તે એક ક્ષણ – એ દીકરી મામાના ઘરે જવા માટે કેટલી ઉત્સાહિત હતી એ મામાના ઘરે ગઈ અને પછી…

*”મુજથી ખતા થઇ, ન કરી તે સજા મને,*

*તારી આ ક્ષમા જ સજા હોવી જોઇએ.”*

“મમ્મી, ઊભી રહે, હું મારા રમકડાં લઇ આવું, પછી જ તમે બેગ ભરજો.” છ વર્ષની ઈશાએ દોડતા દોડતા બહારના રૂમમાંથી આવીને કહ્યું.

નંદિની ઊભી રહી ગઇ. દીકરી ઈશાનો હરખ જોઈને તેને હસવું આવી ગયું. થોડીવારમાં ઈશા બે હાથમાં માંડ માંડ ઉપાડીને ચાર-પાંચ રમકડા લઇ આવી. પલંગ ઉપર મૂકીને નાના પગે દોડતા પાછી ગઇ. પાંચેક મિનિટ પછી બે – ત્રણ ગેઈમ્સ લઇ આવી. પછી પૂછયું, “મમ્મી…. હું મારી ઢીંગલી લઇ લઉ ..?” નંદિનીએ હા પાડી એટલે પાછી દોડી. બઘું ભેગુ કરીને પલંગમાં બેઠી. પછી નંદિનીએ બેગ ભરી. ઈશાનો હરખ સમાતો ન હતો. નવા કપડાં, માથાની મેચીંગ પીન, મેચીંગ ચપ્પલ, જુદા – જુદા બકકલ બઘું યાદ કરી કરીને મમ્મી પાસે બેગમાં મુકાવતી હતી. પહેલીવાર બોમ્બે જતી હતી એટલે ખૂબ જ ઉત્સાહમાં હતી. શેરીમાં આજુબાજુ બઘાના ઘરે કહી આવી હતી કે, ‘અમે મામાના ઘરે બોમ્બે જવાના છીએ.’ બાજુવાળા મીનામાસી તો નંદિનીને પૂછવા આવ્યા કે, “તારો ભાઇ તો ગામમાં જ છે, તો ઈશા મામાના ઘરે જવાનું કહે છે એ કોણ ?” નંદિનીએ હસીને કહ્યું, “તે અંકુરનું કહે છે, અંકુર મારા ભાઇ જેવો જ છે, તેના ઘરે પહેલીવાર જાઉ છું એટલે ઈશા આટલી હરખાય છે.”

image source

નંદિની નાની હતી ત્યારે માતા પિતા સાથે સૌરાષ્ટ્રના એક નાના ગામમાં રહેતી હતી. બાજુમાં જાગૃતિકાકી રહેતા હતા. શહેરીકરણની હવા હજી ગામડાંમાં પ્રસરી ન હતી. શહેરમાં તો વર્ષો સુઘી એક જ એપાર્ટમેન્ટમાં રહેવા છતાં ઘણીવાર એકબીજા સાથે હસવાનો વ્યવહાર પણ નથી હોતો. જયારે ગામડાંઓમાં તો શેરીમાં બઘા એક કુટુંબની જેમ રહેતા હોય છે. નંદિની, તેનો ભાઇ સચીન, જાગૃતિકાકીની દીકરી તેજલ અને દીકરો અંકુશ બઘા સાથે જ રમતા હતા. એક જ સ્કુલમાં સાથે ભણતા. આખો દિવસ ચારેય સાથે જ હોય. કયારેય લડાઇ-ઝઘડો થતો નહી. નંદિનીની મમ્મી અને જાગૃતિકાકી બન્નેને સગી બહેન જેવો પ્રેમ હતો. ચારેય છોકરાઓ એક જ ઘરે જમતા અને કયારેક તો એક જ ઘરે સુઇ જતાં. મોટા થયા પછી તેજલના લગ્ન બહારગામ થયા અને નંદિનીને લગ્ન ગામમાં જ થયાં. જાગૃતિકાકીનો દીકરો અંકુશ નોકરી માટે બોમ્બે સેટ થયો. તે દીવાળીમાં જયારે ઘરે આવે ત્યારે નંદિની પોતાના ભાઇ સચીન સાથે અંકુશને પણ ભાઇબીજના દિવસે જમવા બોલાવતી.

image source

નંદિનીનું પિયર ગામમાં જ હોવાથી બહારગામ જવાનું ખૂબ જ ઓછું થતું. અંકુશના લગ્ન પછી તેની પત્ની રૂપા પણ નંદિનીને નણંદ જેવું માન આપતી. અંકુશ અને રૂપા નંદિનીને ઘણીવાર બોમ્બે આવવા કહેતા. પણ નંદિની જઇ શકતી નહી. આ વખતે વેકેશન પહેલા જ અંકુશ અને રૂપાએ ઘણો આગ્રહ કર્યો હતો એટલે નંદિની અને ઈશા બોમ્બે જતા હતાં.

નકકી થયેલા દિવસે નંદિની અને ઈશા ટ્રેનમાં નીકળ્યા. ઈશા તો બોમ્બેમાં શું જોવાનું છે..? અંકુશમામા આપણને કયાં કયાં લઇ જશે ? દરિયો જોવા જઇશું ને..? મામા કહેતા હતા કે એસ્સલ વર્લ્ડ જોવા લઇ જઇશ. હે.. મમ્મી એ શું છે ..? જેવા જાતજાતના સવાલ પૂછતી હતી. નંદિનીએ તેને બોમ્બેમાં શું જોવાનું છે તે સમજાવ્યું. એસ્સલ વર્લ્ડમાં કેવી કેવી રાઈડઝ છે તે કહ્યું. ઈશા તો બઘું સાંભળીને નાચી ઊઠી. હરખાઇને બોલી, ‘મમ્મી, આપણે બઘે જઇશું. બઘુ જ જોઈશું.. પછી તું મારા માટે નવા કપડાં લાવી દઇશ ને.. ? મારી ફ્રેન્ડ કહેતી હતી કે તેના મામા બોમ્બે છે, તે હમેંશા ત્યાંથી જ કપડાં ખરીદે છે. આપણે પણ ખરીદી કરીશું.” ઈશાના સવાલો પૂરા થતાં જ ન હતા. નંદિની હાથ જોડતાં બોલી, “હા.. બેટા બઘું જ લાવી આપીશ.. હવે શાંતિ રાખ…” બોમ્બે આવતા બન્ને ટ્રેનમાંથી ઉતર્યા. અંકુશ બન્નેને લેવા આવ્યો હતો. રૂપા વિશે પૂછતા કહ્યું કે, તેની તબિયત ખરાબ છે, એટલે નથી આવી. નંદિનીને ચિંતા થઇ.

image source

ઘરે ગયા તો જોયું કે, રૂપાને થોડો તાવ હતો. છતાં તેણે બહેનના સ્વાગતની તૈયારી કરી હતી. નંદિનીએ ખીજાતા કહ્યું, “હું કયાં પારકી છું ?? તાવ હોય તો આરામ કરાયને.. !! હું આવીને કામ કરી આપત…” રૂપાએ કહ્યું, “નંદિનીબેન તમે પહેલીવાર અમારા ઘરે આવ્યા છો.. આવતાની સાથે જ તમારી પાસે કામ કરાવું તો કેવું ખરાબ લાગે..?? મને વધારે તકલીફ નથી.”

તે દિવસ તો એમ જ પસાર થઇ ગયો. રૂપાની તબિયત ખરાબ હોવાથી નંદિનીએ કયાંય બહાર જવાની ના પાડી. બીજા દિવસે શનિવાર હતો. અંકુશને ઓફિસમાંથી બે દિવસની રજા હતી. એટલે બઘા જ સવારથી જ નીકળી ગયા. ઈશા તો મામાની કારમાં બેસતા જ ખુશ થઇ ગઈ. સિધ્ધિ વિનાયક મંદિર, બુટ ઘર, માછલી ઘર, જુહુ ચોપાટી બઘે જ ફર્યા. ઈશા માટે ખરીદી પણ કરી. રવિવારે બઘા એસ્સલ વર્લ્ડ ગયા. આખો દિવસ ઈશા એક રાઈડસમાંથી બીજી રાઈડસમાં બેસતી રહી. સાંજે ઘરે પાછા આવ્યા.

image source

ઈશા તો તેના કપડાં, રમકડાં જોતાં જોતાં થાકતી જ ન હતી. મામાના ઘરે તો તેને ખૂબ જ મજા આવી ગઇ હતી. નંદિનીને કહેતા લાગી કે, “મમ્મી હવે આપણે બઘા જ વેકેશનમાં અહી જ આવીશું.. ” અંકુશને તો નંદિની નાનપણથી જ ઓળખતી હતી. રૂપા પણ તેની સાથે સગી ભાભી જેટલા પ્રેમથી જ વાત કરતી. નંદિનીને કયારેય એવું ન લાગ્યું કે આ ઘર તેના સગા ભાઇનું ઘર નથી. પાંચ દિવસ આમ જ પસાર થઇ ગયા. ઘણું બઘું ફરી લીઘું. ઘણી બઘી ખરીદી પણ કરી લીઘી. બે દિવસ પછી પાછા જવાની ટિકિટ હતી.

તે દિવસે રૂપાની તબિયત વધુ ખરાબ હતી. કંઇ કામ હોય તો મને ઉઠાડજે એમ કહીને નંદિની અને ઈશા હોલમાં સુઈ ગયા. અંકુશ અને રૂપા બેડરૂમમાં સુતા હતા. રાત્રે અચાનક નંદિનીને એમ લાગ્યુ કે કોઇએ તેને બોલાવી, આંખ ખોલીને જોયું તો અંકુશ બાજુમાં બેઠો હતો. નંદિની ઊભી થઇ ગઇ. તેને થયું કે રૂપાને કંઇક થયું હશે. તે ઊભી થઇને બોલી, “શું થયું ? રૂપાને કંઇ થયું ..?” અંકુશે એક હાથ તેના મોઢા પર રાખ્યો અને એક હાથે પોતાના મોઢા પર આંગળી મૂકતા કહ્યું, “બૂમ ના પાડ, રૂપાને કંઇ નથી થયું..” નંદિનીએ નવાઇથી પુછયું,

image source

“તો મને કેમ ઉઠાડી.? તારે કંઇ જોઇએ છીએ …?’ અંકુશે પોતાના બન્ને હાથ નંદિનીના ગાલે અડાડતા કહ્યું, “ના… મારે કંઇ નથી જોઇતું… હું તો વહાલ કરવા આવ્યો છું” નંદિનીને ચકકર આવી ગયા. અંકુશના શબ્દો સાંભળીને તે હતપ્રદ થઇ ગઇ. અંકુશ શું બોલે છે તે સમજે એ પહેલા અંકુશ વઘુ નજીક આવ્યો, તેના કપાળ પર ચુંબન કરતા તેને બાહોમાં લેવાની કોશિશ કરી. નંદિનીએ તેને જોરથી ધક્કો માર્યો. ગુસ્સો તો ખૂબ જ આવ્યો, પણ રૂપાનો વિચાર કરીને કંઇ બોલી નહી. આંખમાં આંસુ સાથે અંકુશને કહ્યું, “તું આ શું કરે છે ? તું અંદર જા..” અંકુશ કંઇ જ બોલ્યા વગર અંદર ચાલ્યો ગયો. નંદિનીને પછી આખી રાત નિંદર ન આવી..

બીજા દિવસે અંકુશ વહેલા ઓફિસે ચાલ્યો ગયો. નંદિની સામે આંખ મિલાવતા પણ જાણે તેને હવે શરમ આવતી હતી. બાકીના બે દિવસ જેમ તેમ કાઢયા, પછી નિશ્રિત દિવસે નંદિની અને ઈશા પાછા જવા માટે ટ્રેનમાં બેઠા. ટ્રેન ઉપડતી વખતે અંકુશે નંદિની પાસે માફી માંગી.

ઘરે પહોંચ્યા પછી બઘા તેને બોમ્બે વિશે પુછતા હતા. જાગૃતિકાકી પણ પુછવા આવ્યા કે, “ભાઇ-ભાભીના ઘરે કંઇ તકલીફ તો નથી પડીને…?” નંદિનીએ નાનપણથી જ જાગૃતિકાકીનો પ્રેમ જોયો હતો. બન્ને કુટુંબ વચ્ચેના ઘર જેવા સંબંઘ હતા, એટલે આટલા વર્ષોનો પ્રેમ સંબંઘ ખતમ ન થાય તે માટે અંકુશની એક ક્ષણની ભૂલ વિશે કંઇ બોલી નહી.

image source

અંકુશ પણ તે દિવસ પછી નંદિનીની સામે આવવાનું ટાળે છે. નંદિની તેના કરતા મોટી છે. આટલા વર્ષોના સંબંઘ સામે તેણે અંકુશની એક ક્ષણની નબળાઈ માફ કરી દીધી. પણ હવે તે અંકુશને ભાઇબીજના દિવસે જમવા બોલાવતી નથી..

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ