મિત્રોની મહેફિલમાં ગમે ત્યારે ગમે તે વાત પર ચર્ચા થતી રહેતી હોય છે. ઘણીવાર તો કલ્પનામાં ન આવે તેવી વાત પર ચર્ચા થતી હોય છે. અને પછી એ ચર્ચાનું પૃથ્થકરણ કરવા આગળના પગલા લેવાય છે. આવી જ એક ચર્ચા પ્રણવ અને તેના દોસ્તો અપૂર્વ, ઇશાન, વિરલની મહેફિલમાં થતી હતી. વિષય હતો “પત્ની હંમેશા પતિ પર શંકા કરે છે.” પ્રણવના દરેક મિત્રોને પત્નીની શંકાનો અનુભવ હતો. એક પ્રણવ જ કહેતો હતો કે તેની પત્ની પ્રેરણા કયારેય તેની પર શંકા ન કરે. પ્રણવ એક ડાન્સર હતો. ડાન્સ એકેડમી ચલાવતો હતો.
સારા સ્ટેજ પ્રોગ્રામ આપતો હતો. તેની આસપાસ ડાન્સ શીખવા આવનાર છોકરીઓનું ટોળું રહેતું. પણ પ્રેરણાએ કયારેય કોઇ શંકા કરી ન હતી એ વાતનું પ્રણવને અભિમાન હતું. તેણે કહ્યું, “પ્રેરણાએ મારા પર શંકા કરી હોત તો હું ડાન્સ એકેડમી ચલાવી શકયો ન હોત.” પણ પ્રણવના મિત્રો તેની વાત સ્વીકારવા તૈયાર ન હતા. ઇશાને તો કહ્યું, “જયાં સુઘી એવો પ્રસંગ ન આવે ત્યાં સુઘી સ્ત્રીના પુરુષ પ્રત્યેના વિશ્ર્વાસની કસોટી થતી નથી.” પ્રણવને પણ લાગ્યુ કે પ્રેરણાના વિશ્ર્વાસની કસોટી લેવી જોઇએ. તે એવી તક શોઘવા લાગ્યો.
અને તેને તક મળી ગઇ. પ્રેરણાના મમ્મી બિમાર હતા એટલે પ્રેરણા દસ દિવસ માટે પિયર ગઇ. પાછી આવી ત્યારે, તેના ગયા પછી અસ્તવ્યસ્ત રહેતું ઘર આ વખતે વ્યવસ્થિત હતું. પ્રેરણાને નવાઇ લાગી કે પ્રણવમાં અચાનક ઘર વ્યવસ્થિત રાખવાની સૂઝ કયાંથી આવી ? તેની નજર આખા ઘર પર ફરી વળી. બઘું જ વ્યવસ્થિત હતું. જાણે આખા ઘરમાં કોઇ સ્ત્રીનો હાથ ફર્યો હોય તેવું વ્યવસ્થિત..

આમ કેમ ?? વિચારતી વિચારતી તે બેડરૂમમાં ગઇ અને ચમકી ગઇ. બેડરૂમમાં બેડની બાજુના ટેબલ પર લેડીઝ ધડિયાળ પડયું હતું. તેને નવાઇ લાગી. પ્રણવના મિત્રો અને વિદ્યાર્થીનીઓ ઘણીવાર ઘરે આવતા. પણ બેડરૂમ સુઘી કોઈ આવ્યું ન હતું. કદાચ કોઇ સ્ત્રી પહેલીવાર ઘરે આવી હોય અને પ્રણવ તેને ઘર બતાવવા રૂમમાં લાવ્યો હોય તો પણ તેનું ઘડિયાળ બેડરૂમમાં ?? તેના મનમાં ઘણા વિચાર આવ્યા. પણ પ્રણવ સાથે વાત કર્યા વગર તેણે મનના વિચારોને રોકી દીઘા. રાત્રે જમીને પ્રણવ સાથે બાલ્કનીમાં બેઠી ત્યારે પ્રણવને પુછયું, “પ્રણવ મારી ગેરહાજરીમાં કોઇ ઘરે આવ્યું હતું ?”
“બે-ચાર મિત્રો આવ્યા હતાં ” પ્રણવે કહ્યું. હું કોઇ સ્ત્રી મિત્ર કે વિદ્યાર્થીની આવી હતી તેમ પુછું છું.” પ્રેરણાના અવાજમાં શંકાનો ભાવ હતો. “ના.. કોઇ સ્ત્રી ઘરમાં નથી આવી.” પ્રણવે શાંતિથી કહ્યું. તેને સમજાયું કે પ્રેરણાના મનમાં શંકા જાગી છે. “પ્રણવ… તને ખોટું બોલતા પણ નથી આવડતું.. આ વ્યવસ્થિત ઘર અને બેડરૂમમાં પડેલું લેડિઝ ઘડિયાળ બતાવે છે કે ઘરમાં કોઇ સ્ત્રી આવી હતી.” પ્રેરણાએ શંકા મજબૂત કરી.

પ્રણવ જોઇ રહ્યો. મનોમન વિચાર્યુ કે પ્રેરણાને મારા પ્રત્યેનો વિશ્ર્વાસ કેટલો છે એ ચકાસણી થઇ જશે. જોવું… મિત્રો જીતે છે કે મારી શ્રધ્ધા?? તેણે કહ્યું, “પ્રેરણા કાલે પાર્કિગમાં ગાડી પાર્ક કરીને ઘરે આવતો હતો ત્યારે દાદરા પાસે આ ઘડિયાળ પડેલું જોયું. આપણા એપાર્ટમેન્ટમાંથી જ કોઇનું હશે એમ વિચારીને ઘરે લઇ આવ્યો. તને કહેતા ભૂલી ન જાઉ એટલે બેડરૂમમાં રાખ્યું. હું કયાં બઘાના ઘરે પુછવા જાઉ કે કોનું છે ? તું જ પુછી લેજે ને !! હવે તારી શંકાનું સમાઘાન થઇ ગયું ?” “હા પ્રણવ.. હવે કોઇ શંકા નથી” પ્રેરણા બોલી તો ખરી, પણ તેના મનમાં શંકાનો કીડો ઘૂસી ગયો.
પ્રણવને મિત્રો ખોટા પડયાની ખુશી હતી.. પણ આ દિવસ પછી પ્રેરણા ઉદાસ રહેવા લાગી. બન્ને સાથે ફરવા નીચળ્યા હોય અને કોઇ સ્ત્રી પ્રણવને બોલાવે તો પણ પ્રેરણા શંકા કરે કે આ તે “ઘડિયાળવાળી સ્ત્રી” નહી હોય ને ?? થોડા દિવસ પછી પ્રણવને લાગ્યું કે પ્રેરણા તેની સાથે ઉષ્માપૂર્વક વર્તન નથી કરતી. તેની સાથે ચિડાઈને બોલે છે. તેની નજરમાં શંકા વર્તાય છે પ્રણવને લાગ્યું કે હવે જો સાચી વાત કરવામાં નહી આવે તો પ્રેરણા શંકાની આગમાં જલતી રહેશે.

પ્રણવે એક સાંજે પ્રેરણાને બેસાડીને શાંતિથી વાત કરી, ” પ્રેરણા… મારા જીવનમાં તારા સિવાય કોઈ નથી. આ તો મિત્રો સાથેની ચર્ચા પરથી મારા પ્રત્યેના તારા વિશ્ર્વાસની કસોટી કરવા મેં જ લેડિઝ ઘડિયાળ ખરીદીને બેડરૂમમાં રાખ્યું હતું. આ માત્ર પરીક્ષા હતી, તું વિચારે છે એવું કંઇ નથી”

પ્રણવને હતું કે પ્રેરણા આ સાંભળીને હસી પડશે, પણ પ્રેરણા તેની સામે જોઇ રહી. પછી ગુસ્સાથી બોલી, “મને મૂર્ખ સમજો છો ? આવું નાટક ન સમજું એવી ગમાર છું ? ઘડિયાળ એપાર્ટમેન્ટમાંથી કોઇનું નથી એ વાતની મને ખબર પડી ગઇ એટલે તમે આવું બહાનું કરો છો ??” “પ્રેરણા મારો વિશ્ર્વાસ કર… ખરેખર ઘડિયાળવાળી વાત નાટક જ છે… તેને તું સાચું સમજે છે, અને આજે હું સાચી વાત કહું છું ત્યારે તું નાટક સમજે છે…પ્રેરણા તારા સમ…. મારા જીવનમાં બીજું કોઇ નથી.”

પ્રેરણા કંઇ ન બોલી.. ઊભી થઇને રૂમમાં ચાલી ગઈ. પ્રેરણાનું વર્તન દિન-પ્રતિદિન વધું અકળાવનારું બનતું હતું. પ્રણવે તેને સમજાવવાની કેટલી કોશિશ કરી, પણ પ્રેરણાના મનમાં ઘર કરી ગયેલી શંકા તે કાઢી ન શકયો. પ્રેરણા પ્રણવ સાથે જરૂર હોય તેટલાં જ શબ્દો બોલતી. પ્રણવ અકળાય ગયો… તેને પોતાની પરીક્ષા લેવાની ભૂલ પર પસ્તાવો થયો. તેણે ઘણી કોશિશ કરી, પણ….

આખરે કંટાળીને પ્રણવે પ્રેરણાને કહ્યું, “જો તને મારા પર વિશ્ર્વાસ ન હોય તો આપણે છુટા પડી જઇએ.” અને પ્રેરણાએ હા પાડી દીઘી. પરસ્પર સમજૂતીથી છુટાછેડાના કાગળ પર સહી કરી દીઘી. જતાં જતાં પ્રેરણા કહેતી ગઇ કે એ ઘડિયાળવાળીને પરણી જજે, હવે તને રોકવાવાળું કોઇ નથી.

પ્રણવે ત્યારે પણ એ જ કહ્યું, “પ્રેરણા… મારા જીવનમાં તારા સિવાય કોઇ નથી… પણ મારી આ પરીક્ષા લેવાની વાતે આપણાં દામ્પત્યજીવનને સળગાવી મૂકયું…” બસ… ત્યારથી પ્રણવ એકલો રહે છે… અને કયારેક વાત થાય તો બઘાને કહે છે કે, કયારેય પત્નીની પરીક્ષા લેવાની ભૂલ ન કરતા… એક શંકા… અને આખું જીવન સળગી જાય છે…
લેખક : દિપા સોની “સોનુ”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ