“તારી ભીતરમાં કોઇને ઘર મળે,
તો તને પણ શોધતો ઇશ્ર્વર મળે”
ઘણા દિવસની માંદગી પછી આકાશ ઊભો થયો. બીમારી તો મોટી ન હતી, પણ બહારનું ખાઇ ખાઇને નાના-મોટા રોગ થઇ ગયા હતા. એકલો જ હતો એટલે બહારનું તો ખાવુ જ પડે, પાછું ગામડું એટલે મળી મળીને કેટલું મળે ? ઘરમાં મમ્મીને તો જાણ કરી જ ન હતી. મમ્મી બહુ ચિંતા કરશે અને અહીં દોડી આવશે તે વિચારે જણાવ્યું ન હતું. ઓફિસનો નવો પ્રોજેકટ હતો, ચીફ એન્જિનિયરના હોદ્દાથી તેણે છ મહિના ઉત્તર ગુજરાતના ગામડામાં આવવું પડયું. પત્ની તો હજી આવી ન હતી એટલે મમ્મીએ તો ત્યારે જ સાથે આવવાનું કહ્યું હતું, પણ આકાશે ના પાડી. છ મહિના એકલો રહી શકીશ એવી હૈયાધારણ મમ્મીને આપી હતી.

ગામડે આવીને સમજાયું કે એકલા રહેવાનું ધાર્યુ હતું એટલું સહેલું ન હતું. ટિફિન તો બે ટાઇમ બહારથી મંગાવી લેતો, પણ ઘરના બીજા કામ… બાપ રે… તે થાકી જતો. થોડા દિવસ પછી ગોપાલ મળી ગયો. 40-42 વર્ષની ઉંમરનો ગોપાલ.. દેખાવમાં નબળો, આર્થિક રીતે અતિ નબળો… આકાશના ઘરમાં કામવાળાની જગ્યાએ રહી ગયો. શરૂઆતમાં આકાશને લાગ્યુ કે આની સાથે કેમ ફાવશે ? પણ થોડા દિવસમાં લાગ્યું કે મજાનો માણસ છે. આકાશને સાહેબ – સાહેબ કહીને અડધો થઇ જાય છે. આખો દિવસ આકાશના ઘરમાં જ હોય, જમવા અને સુવા માટે જ ઘરે જાય. કયારેક તેની સાથે તેની છ-સાત વર્ષની દીકરી આવતી. તેની દીકરીને જોઇને આકાશને થતું કે આવા ગોપાલની આવી સુંદર દીકરી..! ગોપાલ તેની દીકરીને બહુ પ્રેમ કરતો. આકાશના ઘરે હિંચકા પર તેની દીકરી કયારેક સુઇ જાય તો ગોપાલ તે ઉઠે નહી ત્યાં સુઘી હિંચકા ઝુલાવતો. કયારેક આકાશ માટે તેના ઘરેથી કંઇક ખાવાનું પણ લઇ આવતો.

બહારનું ખાઇને આકાશ બીમાર પડયો તો ગોપાલ દસ દિવસ સુઘી તેના ઘરે જ ન ગયો. તેના ઘરેથી જ આકાશ માટે જમવાનું આવતું. દસ દિવસ પછી આકાશ સાજો થયો એટલે ગોપાલ તેના ઘરે ગયો. આકાશને થયું કે ગોપાલે આટલી કાળજી રાખી તો તેની દીકરી માટે કંઇક ગિફટ આપવી જોઇએ. આવું વિચારીને તે શહેરમાં ગયો. અને ગોપાલની દીકરી માટે ઢગલાબંધ ખરીદી કરી. તે બઘુ લઇને ગોપાલના ઘરે ગયો. ઘર એટલે એક નાનો રૂમ, બહાર ફળિયું, તેમાં એક ખાટલો.. ગોપાલતો આકાશને જોતા જ ગાંડો થઇ ગયો, જાણે ભગવાન પધાર્યા. તેની દીકરી આટલી બધી ગિફટ જોઇને ખુશીથી કૂદવા લાગી. ગોપાલે અંદર જઇને તેની પત્નીને કહ્યું એટલે પહેલા પાણી આવ્યું અને પછી નાસ્તો. ગોપાલ જ ઘરમાં જઇને લઇ આવ્યો.

આકાશ બહાર જ બેઠો. ગોપાલે વાત કરવાના ઇરાદે કહ્યું, “સાહેબ તમે કયાંના છો ?” આકાશે કહ્યું, “આમ તો રાજકોટ રહું છું, પણ મારું મૂળ વતન તેની નજીક આવેલું કાલાવડ ગામ છે. તમે તો કદાચ નામ પણ નહીં સાંભળ્યું હોય.” ગોપાલ હરખાઇને બોલ્યો, “અરે સાહેબ…. આખા ભારતના નકશામાં આ એક જ ગામ જોયું છે. મારી પત્ની પારૂલ ત્યાંની જ છે, તમે કદાચ ઓળખતા હશો.”

આકાશ બોલ્યો, “હું કાલાવડ તો વરસમાં એક જ વાર વેકેશનમાં કાકાના ઘરે જતો, એટલે બઘાને ન ઓળખું, અને હમણા તો ઘણા વર્ષોથી ગયો પણ નથી.”
કાલાવડના ઉલ્લેખથી આકાશ અતિતમાં સરી પડયો. કાલાવડ યાદ આવતા જ યાદ આવી ગઇ પૃથા… ગામડાની અલ્લડ છોકરી.. આકાશના કાકાના ઘરની બાજુમાં રહેતી હતી. આકાશ જાય ત્યારે તેની સાથે તોફાન મસ્તી કરતો. આકાશને તે ગમતી. એકવાર સાંજે વરસાદની મોસમમાં ફરતા ફરતા તે મળી ગઇ. થોડો થોડો વરસાદ આવતો હતો અને ભીંજાયેલી પૃથા સામે મળી ગઇ. આકાશનું દિલ કાબુમાં ન રહ્યું અને તેને ગળે લગાડી દીઘી.. બન્ને મદહોશ… બન્ને એકબીજામાં ડુબતા ગયા.. કયારે નજીકમાં આવેલી શાળાના મકાનમાં ગયા… કયારે પ્રેમનો એકરાર થયો.. કયારે બન્ને એક થયા… એ વાતની ખબર જ ન પડી… જયારે બન્ને હોશમાં આવ્યા ત્યારે સમજાયું કે બન્નેએ શું કરી નાખ્યું… પૃથા દોડી ગઇ… અને આકાશ તેને મળ્યા વગર અપરાધ ભાવથી પોતાના ઘરે જતો રહ્યો. પછી કયારેય કાલાવડ ગયો જ નહી. આજે આટલા વર્ષે પૃથા યાદ આવી. તેણે વિચાર્યુ કે ગોપાલની પત્નીને તેના વિશે પૂછી જોશે.

આકાશ વિચારમાં હતો અને ગોપાલ બોલ્યા જતો હતો…, “અરે સાહેબ… મારો દેખાવ.. મારી ગરીબાઇ… મને કોણ કન્યા આપે..? આ તો મારા મોટાભાઇ કાલાવડમાં રહે છે તેમને ખબર પડી કે પારુલ સાથે કોઇએ બેવફાઇ કરી છે, પારુલ મા બનવાની છે અને બાળકના પિતાનું નામ આપતી નથી મારા ભાઇએ મને પૂછયું અને મેં હા પાડી દીઘી. મને પત્ની સાથે સંતાન પણ મળતું હતું. મારે બીજું શું જોઇએ ??? મારું ઘર બંઘાય ગયું અને પારુલની દીકરીને બાપનું નામ મળી ગયું… પણ સાહેબ, હવે તે મારી જ દીકરી છે, હું તેને બહું પ્રેમ કરું છું.” ગોપાલનું બોલવાનું ચાલુ હતું. કોઇએ તેને બોલાવ્યો એટલે તે બહાર ગયો. ત્યાં ગોપાલની પત્ની બહાર આવી. આકાશ તેની સામે જોઇને ચોંકી ઊઠયો…, “પૃથા તું…? તું ગોપાલની પત્ની છો ?? તો આ….”

પૃથા બોલી, “હા … આકાશ… હું.. ગોપાલને પૃથા બોલતા ફાવતું નથી એટલે તેણે પારુલ કરી નાખ્યું.. તે એક સાંજની ભૂલ… આજે દીકરી તરીખે મારી સાથે છે… ગોપાલે મને પત્નીનું માન આપ્યું… મારી દીકરીને બાપનો પ્રેમ આપ્યો… તે ગરીબ છે તો શું થયું..? પણ અમને બન્નેને બહુ સાચવે છે… હવે હું પૃથા નહી, પારુલ જ છું…” આકાશની આંખ ભરાય ગઇ. તે ધીમેથી બોલ્યો, “પૃથા ગોપાલ ગરીબ નથી, તે તો દુનિયાનો સૌથી ધનવાન વ્યકિત છે. ગરીબ તો અત્યારે હું છું…”
લેખક : દિપા સોની “સોનુ”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ