પ્રેમ એક સારી લાગણી છે, પ્રેમ જરૂરિયાત છે, પ્રેમ વગર જીવી ન શકાય એ હકીકત છે, પણ વધુ પડતો પ્રેમ ગુંગળામણ ઊભી કરે છે તેવું સેજલને હવે લાગે છે માણસ એકલો હોય એ સ્થિતિ ખરાબ છે, આજુબાજુ કોઇ બોલવાવાળું ન હોય તો માણસ દુ:ખી થાય છે, પણ આજુબાજુ સતત બઘા બોલાવતા હોય, એકલા પડવા જ ન દે, દરેક ક્ષણે કોઇનેકોઇ સાથે જ હોય એ સ્થિતિ વધુ ખરાબ છે તેવું સેજલ અનુભવે છે. એકલતા ડંખે છે, પણ કયારેક જાત સાથે જીવવા માટે, મનગમતું કાર્ય કરવા માટે એકાંત જરૂરી છે તેવું સેજલ માને છે. સેજલ ઝંખે છે એવો સમય કે જેમાં તે પોતાની જાત સાથે જીવી શકે, પોતાને મનગમતું કાર્ય કરી શકે, પોતાને અત્યંત પ્રિય એવું ગીત ગાવાનું કાર્ય કરી શકે, ગીત-સંગીતનો સેજલને શોખ છે, વ્યસન કહી શકાય એ હદે તેને ગીત ગાવા ગમે છે.

કોલેજ સુઘી દરેક પ્રોગ્રામમાં તેના ગીત હોય જ… પણ સાસરિયામાં આવ્યે મહિનો થયો, કોઇને ખબર જ નથી કે ગીત-સંગીત એ સેજલના લોહીમાં ભળી ગયેલો શોખ છે. સેજલ માટે એવું કહેવાતું કે સેજલ જમ્યા વગર રહી શકે, પણ ગીત વગર ન રહી શકે. પણ સાસરે આવ્યા આજે મહિનો થયો, સેજલના શોખ વિશે કોઇએ કંઇ પુછયું જ નથી. કોઇને એવો વિચાર પણ નથી આવતો કે નવી આવેલી પુત્રવધુને કંઇક અંગત શોખ પણ હોય, એવું નથી કે સાસરિયામાં સેજલનો ખ્યાલ રાખવામાં નથી આવતો, બઘા બહું જ પ્રેમ આપે છે, સેજલને એકલું ન લાગે, પિયરની યાદ ન આવે, દુ:ખી ન થાય એટલે સતત કોઇને કોઇ તેની સાથે જ હોય છે.

સેજલ થોડીવાર ઘરના ગાર્ડનમાં હિંચકે બેસે કે આહલાદક સાંજનો આનંદ માણવા અગાસીમાં જાય તો પણ કોઇને કોઇ આવી જ જાય, અને પૂછે કે, કેમ શું થયું ? ઘરની યાદ આવે છે ? અને સેજલને ખુશ રાખવાના પ્રયત્ન કરે અને સાંજે પતિ સુજય ઘરે આવે પછી તો તેની સાથે જ સમય જતો, રોજ તૈયાર થઇને ફરવા જવાનું, ફિલ્મ જોવા જવાનું… એમાં જ સમય જતો. બઘાને એમ જ લાગે કે સેજલ બહુ સુખી છે, ખુશ છે, પણ સેજલ ખુશ નથી. કારણકે તેને થોડો સમય એકલા રહેવું છે, પણ અહીં એ નથી મળતું.
સેજલ… 25 વર્ષની યુવતી, તેને પહેલેથી જ ગીત-સંગીતની શોખ… માતા સરસ્વતીના પણ તેને આશીર્વાદ હોય તેમ તેનો અવાજ પણ મીઠો.. આખો દિવસ ગીત ગુનગુનાવતી જ હોય… સગાઇ થઇ, તરત લગ્ન થઇ ગયા, તેમાં સાસરિયાને તો શું?, પતિ સુજયને પણ પોતાના શોખ વિશે જણાવી ન શકી. સુજયે પણ એવું કંઇ પુછયું નહી. સાસરિયા બહું જ સારા હતા. સાસુ-સસરા, જેઠ-જેઠાણી, એક ચુલબુલી નણંદ અને એક નટખટ દિયર, જેઠના બે બાળકો અને પોતે બે, એમ ભર્યું કુટુંબ હતું. મહેમાનની પણ અવર-જવર રહેતી.

લગ્ન પત્યા પછી સાસુ-સસરાએ કહ્યું, “હમણાં બઘાની અવરજવર રહેશે એટલે ફરવા જવાનું થોડા દિવસો પછી ગોઠવશું.” ઘરમાં રોજ સાંજ પડયે સગા-સંબંધી આવતા, સેજલ તૈયાર થઇને બઘા સામે બેસતી, માણસો અલગ અલગ, પણ વાતો એક જ, નવવધુના કપડાથી લઇને તેના દાગીનાની ડિઝાઇન સારી છે, વાળ સરસ છે, સુંદર છે એવા વખાણ થતા રહ્યા. ઘરના કામથી લઇને રસોઇ, ભરતગુંથણ આવડે છે એવા સવાલ થતા રહ્યાં. પણ કોઇએ એ ન પુછયું કે તને શું શોખ છે ? તારી પસંદ શું છે ? સેજલ મનમાં મુંઝાતી, ગળામાંથી ઊઠતા ગીતના સૂરને ગળામાં જ દફન કરી દેતી.
એક દિવસ સેજલ બહું જ અકળાય ગઇ. બહાર વરસાદ વરસતો હતો, તેને વરસાદમાં જવાની ઇચ્છા થઇ. સુજલ સાથે રોમેન્ટીક પળો માણવાની ઇચ્છા થઇ. તેને વળગીને વરસાદમાં ભીંજાતા ગીત ગાતા ગાતા ડાન્સ કરવાની ઇચ્છા થઇ. તેણે સુજયને પોતાની વાત કહેવાનો પ્રયત્ન કર્યો. આડકતરી રીતે બહાર જવાની વાત કરી, પણ સુજયને કંઇ સમજાયું નહી. સેજલ સમજી ગઇ કે આને મારી લાગણી પહોંચાડવાનો કોઇ રસ્તો નથી. તેણે બઘી ઇચ્છા મનમાં દબાવી દીધી અને રસોડામાં ભજિયા બનાવવા જતી રહી.

લગ્નના બે મહિના પછી જેઠાણીના પિયરમાં પ્રસંગ આવતો હતો.એટલે જેઠ જેઠાણી અને બાળકો અઠવાડિયા માટે ગયા. નણંદ અને દિયર કોલેજમાંથી ટુર પર ગયા હતા. અને અચાનક કોઇ સગા ગુજરી જતા સાસુ સસરાને બહારગામ જવાનું થયું. સુજયને પણ ગાડી લઇને સાથે જવું પડે તેમ હતું. સાસુ-સસરા અને સુજયે સેજલને ઘણી વખત કહ્યું કે ઘરમાં એકલું નથી રહેવું, પિયર જઇ આવ. પણ સેજલ એકલા રહેવાની તક ગુમાવવા માંગતી ન હતી. ‘બે જ દિવસ છે ને..! !’ એમ કહીને પિયર જવાની વાત ન સ્વીકારી. સાસુ અને સુજય બહારગામ ગયા ત્યારે છેક સુઘી સલાહ, શિખામણ આપતા રહ્યા. સેજલ બઘું સાંભળતી. સાસુએ એમ પણ કહ્યું કે ગામમાંથી કોઇ સગાને ઘરે રહેવા બોલાવી લઇએ. પણ સેજલે ના પાડી અને ઘરે એકલી જ રહી.
…. અને બે મહિને સેજલને મનગમતું એકાંત મળ્યું. સવારે બઘા ગયા પછી પોતે ગાયેલા અને રેકોર્ડ કરેલા ગીતની પેનડ્રાઇવ મોબાઇલમાં ચડાવી… પોતાનો જ અવાજ કેટલાય દિવસે સાંભળ્યો… કલાક સુઘી ગીત ગુનગુનાવતી હિંચકે બેસી રહી. પછી ઘરનું કામ કર્યું. અને સાંજ પડયે અગાસીમાં ગઇ… સાંજના આહલાદક વાતાવરણ અને ડુબતા સૂરજ સાથે તે ગુનગુનાવતી રહી. રાત્રે પણ તેને નિંદર ન આવી… કયાંય સુઘી ગીત સાંભળતી રહી.. વચ્ચે વચ્ચે સુજયનો, સાસુનો, જેઠાણીનો ફોન આવતો રહ્યો. તેને ઘરે એકલા રહેવું પડયું એ બાબતનો અફસોસ કરતા રહ્યાં. પણ સેજલ એ બઘાને કેમ સમજાવે કે આ એકાંત તેને ઘણાં સમયે મળ્યું છે. બે દિવસ જાત સાથે જીવ્યા પછી તે એકદમ ખૂશખૂશાલ થઇ ગઇ.
ત્રીજા દિવસે સાંજે સુજય અને સાસુ-સસરા આવવાના હતા. સેજલ બપોર પછી ગાર્ડનમાં હિંચકે બેઠી બેઠી આંખ મીંચીને પોતાની સંગીતની દુનિયામાં મસ્ત હતી. મોબાઇલમાં મ્યુઝિક વાગતું હતું અને સેજલ ગાતી હતી. આનંદની અનુભૂતિ મળ્યા પછી, કેટલાય સમય પછી તેણે આંખ ખોલી તો…

સામે સાસુ-સસરા અને સુજયને જોઇને ગભરાઇ ગઇ. ફટાફટ ઊભી થઇ ગઇ અને મોબાઇલ બંઘ કરી દીધો. ‘હવે કોઇ ખીજાશે તો ?’ એ ગભરામણ તેના ચહેરા પર સાફ દેખાતી હતી, પણ તેના સાસુએ આગળ આવીને તેને ગળે વળગાડી દીઘી…. બસ.. એ દિવસ પછી સેજલ કયારેય ઉદાસ નથી રહી.. કયારેય તેને એકાંત શોઘવું નથી પડયું… અને ઘરમાં આખો દિવસ સેજલનું સંગીત રેલાતું રહ્યું….
લેખક : દિપા સોની “સોનુ”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ