સોફ્ટ અને જાળીદાર મેથીના ગોટા – આ વિડીઓ રેસીપીથી તમે પણ બનાવી શકશો પરફેક્ટ ભજીયા…

ભજીયા એ નાના મોટા સૌને ભાવે એવી ડીશ છે. એમાંય વળી ગુજરાતીઓ તો ભજીયા ખાવા અને ખવડાવવાના ખુબ જ શોખીન, વરસાદના ચાર છાંટા પડે એટલે ભજીયાનો તાવડો મુકી જ દે અને ભાઈબંધ મિત્રોને ભજીયા ખાવાનું આમંત્રણ પણ આપે દે. ભજીયા ઘણીબધી રીતે બનાવવામાં આવે છે પણ તેમાં અંદરથી પોચા અને જાળીદાર એવા મેથીના ગોટા એ સૌના ફેવરિટ ભજીયા છે જેને ચટપટ્ટી ગ્રીન ચટણી તેમજ ખજૂર-આંબલીની ખાટી-મીઠી ચટણી સાથે ખાવાની ખુબ મજા પડે છે.

મિત્રો, મેથીના ગોટા માટે મેં અવારનવાર સાંભળ્યું છે કે ભજીયા અંદરથી કાચા રહે છે, બહારથી લાલ થઈ જાય છે અને પોલા થતા નથી. તો આજે હું આપની સાથે મેથીના ગોટા બનાવવાની પરફેક્ટ રેસિપી શેર કરું છું.

સામગ્રી :


300 ગ્રામ ચણાનો લોટ

50 ગ્રામ લીલા મરચા અને 1 ઇંચ આદુની પેસ્ટ

1/2 કપ બારીક સમારેલ કોથમીર

1 જૂડી મેથી

1/2 ટેબલ સ્પૂન આખા ધાણા

1/2 ટેબલ સ્પૂન આખા ભાંગા મરી

1/2 ટેબલ સ્પૂન લીંબુ નો રસ

1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું

1/2 ટેબલ સ્પૂન મીઠું

ચપટી હિંગ

ચપટી કૂકિંગ સોડા

તળવા માટે તેલ

તૈયારી :

ચણાના લોટને ચાળી લેવો.

કોથમીર ઝીણા સમારી લેવા

મરીને આખા-ભાંગા ક્રશ કરી લેવા.

રીત :

સૌ પ્રથમ તેલ ગરમ કરવા મૂકી દેવું અને તેલ ગરમ થાય ત્યાંસુધીમાં ભજીયા માટેનું બેટર તૈયાર કરી લેવું. મેથીના ગોટા બનાવવા માટે બેટર તૈયાર કરીને તરત જ ભજીયા ઉતારવામાં આવે છે જેથી ભજીયા પોલા અને જાળીદાર બને છે.


1) એક મોટા બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં આદુ-મરચાની પેસ્ટ, કોથમીર, હિંગ, ધાણાજીરું, મીઠું, મરી અને ધાણા ઉમેરી બરાબર મિક્સ કરી લો.


2) ત્યારપછી તેમાં થોડું થોડું પાણી ઉમેરીને ભજીયા માટેનું બેટર તૈયાર કરો. 300 ગ્રામ ચણાના લોટ સાથે મેં 450 મિલી પાણી યુઝ કર્યું છે,લીલા શાકભાજીમાંથી પાણી છૂટે છે તો પાણીની માત્રામાં થોડી વધ-ઘટ થઈ શકે. લોટને બરાબર હલાવીને સ્મૂથ કરી લેવો, લોટના ગઠ્ઠા બિલકુલ ના રહેવા જોઈએ.


3) હવે આ બેટરમાં કૂકિંગ સોડા નાખો અને તરત જ તેના પર લીંબુનો રસ નાખી મિક્સ કરી લો. સરસ રીતે મિક્સ કરીને તેમાં બે ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરો અને ફરી મિક્સ કરી લો. તો ફુલવડા ઉતારવા માટેનું આ બેટર તૈયાર છે,


4) તેલ મીડીયમ ગરમ કરીને હાથમાં બેટર લઈ ભજીયા પાડો. મેથીના ગોટા માટેનું તેલ મીડીયમ ગરમ થવું જોઈએ. તેલ જો વધારે ગરમ થઇ જાય તો અંદરથી કાચા રહે છે અને બહારથી લાલ થઈ જાય છે તેમજ જો તેલ ઓછું ગરમ હોય તો ભજીયા તેલ પી જાય છે માટે તેલ મીડીયમ ગરમ કરવું.


5) ભજીયા ને ફેરવીને તળો, ભજીયા સહેજ સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો.


6) ભજીયા સરસ તળાય જાય એટલે બહાર કાઢી લો. ભજીયા ને ભાંગી ચેક કરી લો જો અંદરથી કાચા હોય તો સહેજ વાર વધુ ચડવા દેવા.


7) તો તૈયાર છે મેથી ના ગોટા, જેને ચટપટ્ટી ગ્રીન ચટણી તેમજ ખજૂર-આંબલીની ખાટી-મીઠી ચટણી સાથે સર્વ કરો. આ ભજીયા સાથે દહીંની ચટણી પણ સારી લાગે.


મિત્રો, નોટ કરી લો આ રેસિપી અને આજે જ બનાવો સોફ્ટ અને જાળીદાર મેથી ના ગોટા.

નોંધ :

ઝીણા સમારેલા કાંદા તેમજ લસણ પણ નાખી શકાય અને જો લીલા કાંદા તેમજ લીલું લસણ મળી જાય તો ગોટા નો સ્વાદ ખુબજ સરસ આવે છે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :