નેચરલ મેંગો આઈસ્ક્રિમ – કોરોનાને કારણે બહારનો આઈસ્ક્રીમ નથી ખાઈ શકતા? ઘરે જ બનાવો…

મિત્રો, ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા જાતજાતના ઠંડા પીણાં તેમજ આઈસ્ક્રિમ ખાવાની ઈચ્છા થાય પરંતુ અત્યારે કોરોના વાઈરસની મહામારીમાં બહારનું ખાવાનું ટાળવું જ બધા માટે સલામત છે. તો આવા ટાઈમે આઈસ્ક્રિમ ખાવાનું મન થાય તો ઘરે જ બહાર જેવો સ્મૂથ, બરફની કણી રહિત સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવી શકાય. અત્યારે કેરીની સીઝન છે તો નેચરલ ફલેવરનો આનંદ માણી શકાય. તો આજે હું નેચરલ ફ્લેવરનો મેંગો આઈસ્ક્રિમ બનાવવાની રેસિપી શેર કરું છું આ રીતે તમે પણ બહાર જેવો યમી આઈસ્ક્રીમ સાવ સરળતાથી બનાવી શકશો તો રાહ ન જોતા અને આ રેસિપી જોઈ આજે જ બનાવી નાખજો.

સામગ્રી :

  • Ø 1 લિટર ફૂલ ફેટ દૂધ
  • Ø 4 નંગ પાકી કેરી
  • Ø 1 કપ ફ્રેશ દૂધ મલાઈ
  • Ø 8 ટેબલ સ્પૂન ખાંડ
  • Ø 2 ટેબલ સ્પૂન દૂધ પાવડર
  • Ø 2 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
  • Ø 2 ટેબલ સ્પૂન GMS પાવડર
  • Ø 1/4 ટેબલ સ્પૂન CMC પાવડર

રીત :

1) સૌ પ્રથમ દૂધમાં ખાંડ, મિલ્ક પાવડર, કોર્ન ફ્લોર, GMS પાવડર, CMC પાવડર એડ કરી દો.

2) ત્યારબાદ બધું જ સારી રીતે મિક્સ કરવા બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો. મિશ્રણમાં ગાંઠા ન રહે એ રીતે બરાબર મિક્સ કરી લો.

3) મિક્સ કરી લીધા બાદ તેને ભારે તળિયાવાળી કડાઈમાં સ્ટવ પર ચઢાવી દો. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. અહીં આપણે કોર્ન ફ્લોર ઉમેર્યો છે તો દૂધ નીચે બેસી ન જાય તેનું ધ્યાન રાખવું અને સતત ચલાવતા રહી ઉકાળવું. મિશ્રણની માત્રા અડધી થાય ત્યાં સુધી ઉકાળો જેથી મિશ્રણ સરસ ઘટ્ટ થાય.

4) ઘટ્ટ થતા જ સ્ટવની ફ્લેમ ઑફ કરી દો અને મિશ્રણને સાવ ઠંડુ પડવા દો.

5) સાવ ઠંડુ પડે એટલે હવાચુસ્ત કેન્ટેનરમાં ભરી લો, ઢાંકણમાં ફોઈલ પેપર કે પ્લાસ્ટિક શીટ મૂકી શકાય જેથી કેન્ટેનર એર ટાઈટ પેક કરી શકાય. આ કેન્ટેનરને આઠેક કલાક માટે ડીપ ફ્રિઝરમાં સ્ટોર કરી દો.

6) આઠ કલાક પછી કેન્ટેનર ફ્રિઝરમાંથી બહાર કાઢી લો અને જામી ગયેલા મિશ્રણને થોડું પીગળવા દો. મિશ્રણ પીગળે ત્યાંસુધીમાં કેરીના ટુકડાઓ કરી પલ્પ તૈયાર કરી લો.

7) થોડું પીગળે એટલે તેને મોટા બાઉલમાં કાઢી લો અને બીટરની મદદથી બીટ કરી લો. બીટ કરવાથી મિશ્રણ એકદમ ફ્લફી અને ક્રીમી થઈ જશે.

8) બરાબર બીટ કરી લીધા બાદ તેમાં દૂધ મલાઈ ઉમેરી દો, દૂધ મલાઈ ફ્રેશ જ લેવી, જો દૂધ મલાઈ ન હોય તો ફ્રેશ ક્રીમ લઈ શકાય. દૂધ મલાઈ એડ કાર્ય પછી ફરી બીટ કરી લો.

9) ત્યારબાદ તેમાં પાકી કેરીનો પલ્પ ઉમેરી ફરી બીટ કરી લો.

10) બધું બરાબર મિક્સ થઈ એકરસ થાય ત્યાં સુધી બીટ કરી લેવાનું છે.

11) બરાબર બીટ કરી લીધા બાદ તેને ફરી કેન્ટેનરમાં ભરી ડીપ ફ્રીઝરમાં મૂકી દો.

12) દસેક કલાકમાં તો આઈસ્ક્રીમ સરસ જામી જશે, આ રીતે બનાવેલા આઈસ્ક્રીમમાં બરફની કણી નહિ રહે અને આઈસ્ક્રીમનું ટેક્ચર પણ બહાર જેવું ક્રીમી અને ફ્લફી આવશે.

13) તો મિત્રો એકવાર ચોક્કસ બનાવજો, 1 લીટર દૂધમાંથી ઘણો બધો આઈસ્ક્રીમ બને છે તો બહાર કરતા ખુબ જ સસ્તો પડે અને વળી ઘરે બનાવીએ તો બહાર કરતા શુદ્ધ અને સાત્વિક તો ખરો જ. તો ખાજો, ખવડાવજો પરંતુ એકવાર મારી કુકીંગ ચેનલ વિઝિટ કરી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટેની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોવા નીચે આપેલ વિડીયો જોઈ લેવો.

વિડીયો લિંક :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.