રગડા પેટીસ – બહાર સ્ટોલ પર મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી મસાલેદાર રગડા પેટીસ…

મિત્રો, આજે હું સૌની પસંદ અને હરકોઈને ભાવતું ફેમસ સ્ટ્રીટ ફૂડ રગડા પેટીસ બનાવવાની રેસિપી શેર કરું છું. વરસાદની સીઝન શરુ થઈ ગઈ છે અને આ ઋતુમાં ચટપટું અને તીખું ખાવાની ખુબ ઈચ્છા થાય છે તો લારી પર મળે તેવી જ ચટપટી અને સ્વાદિષ્ટ રગડા પેટીસ ઘરેજ બનાવી શકો છો વળી અત્યારે કોરોના મહામારીમાં બહારનું ખાવાનું ટાળો તેટલું તમારા અને તમારા ફેમિલી તેમજ સોસાયટી માટે હિતાવહ છે. વળી બહારનું જેવું તેવું ખાવું તેના કરતા ઘરે જ શુદ્ધ સામગ્રી યુઝ કરી બનાવવામાં આવે તો ટેસ્ટ પણ સારો આવે છે અને હેલ્થ પણ સારી રહે છે.

મિત્રો, તમે લોકડાઉનમાં સાંભળ્યું જ હશે કે આ સમય દરમિયાન બિમારીનું પ્રમાણ ખુબ જ ઘટી ગયું છે તો આ પરથી એ અવલોકન કરી શકાય કે લોકડાઉન દરમિયાન લારી, હોટેલ કે રેસ્ટોરન્ટ બધી જ ખાણીપીણીની દુકાનો બંધ હોવાથી આપણે બહારના બેશુદ્ધ અને અનહાયજેનિક ખોરાકનું સેવન કર્યું ન હોવાથી હેલ્ધ સારી રહી. તો મિત્રો, હવે એ જ ટ્રેન્ડ જાળવી રાખજો અને બને ત્યાં સુધી ઘરે જ રસોઈ બનાવવાનો આગ્રહ રાખજો. અત્યારે આપણી પાસે અવનવા માધ્યમ છે જ્યાંથી મનપસંદ રેસિપી જોઈ સાવ સરળતાથી ઘરે જ બનાવી શકીએ. તો આ વાત પર અવશ્ય વિચારજો, બહારનું અનહેલ્થી ખાઈ આપણે તંદુરસ્તી ગુમાવીએ છીએ તેમજ આવા કચરા પાછળ ઘણાબધા પૈસા પણ વેડફી નાખીયે છીએ.

તો ચાલો જોઈ લઈએ રગડા પેટીસ બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી

સામગ્રી :

 • Ø 100 ગ્રામ સૂકા વટાણા
 • Ø 400 ગ્રામ બાફેલા બટાકા
 • Ø 1/2 કપ બારીક કાપેલા કાંદા
 • Ø 1 મીડીયમ સાઈઝનું ટામેટું
 • Ø 1/2 કપ બ્રેડ ક્રમ્પ્સ
 • Ø 1/4 કપ ગોળ
 • Ø 1 મોટી ચમચી લાલ મરચું
 • Ø 1 મોટી ચમચી ધાણાજીરું
 • Ø 1/2 મોટી ચમચી ગરમ મસાલો
 • Ø 1/4 ચમચી ચાટ મસાલો
 • Ø 2 મોટી ચમચી આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ
 • Ø 1/2 ચમચી લીંબુ નો રસ
 • Ø 1/2 ચમચી હળદર
 • Ø 2 ચમચી ઝીણી સમારેલ તાજી કોથમીર
 • Ø થોડી સેવ
 • Ø મીઠી ચટણી
 • Ø તીખી લીલી ચટણી
 • Ø દાડમના દાણા
 • Ø મીઠું સ્વાદ અનુસાર
 • Ø 2 ચમચી તેલ

રીત :

1) સૌ પ્રથમ વટાણા દાણાને સાફ પાણીથી ધોઈ 7 થી 8 કલાક માટે પાણીમાં પલાળી રાખો.

2) આઠેક કલાક પછી વટાણાને કૂકરમાં લઈ થોડું મીઠું તેમજ ચપટી હળદર એડ કરો. સાથે 500 મિલી જેટલું પાણી ઉમેરી વટાણાને બાફી લો. વટાણાને બફાતા વાર લાગે માટે પાણી પૂરતા પ્રમાણમાં લેવું. વટાણા બફાય ત્યાં સુધીમાં પેટીસ બનાવીને તૈયાર કરી લેવી.

3) પેટીસ માટે મોટા બાઉલમાં બાફેલા બટેટાને મેષ કેરીને લો. તેમાંથી 2 મોટી ચમચી જેટલું બટેટું અલગ કાઢી લેવું જેને રગડામાં એડ કરીશું.

4) સાથે જ તેમાં બ્રેડનો ભુક્કો, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, 1/2 ચમચી ધાણાજીરું, 1/4 ચમચી ગરમ મસાલો, 1/4 ચમચી ચાટ મસાલો, 1 ચમચી આદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ તેમજ 1/2 ચમચી લીંબુનો રસ ઉમેરો.

5) બધું જ સારી રીતે મિક્સ કરી લો. બધું જ મિક્સ કરી લીધા બાદ તેમાંથી નાની નાની ટિક્કી જેવી પેટીસ વાળી લો. પેટીસ વાળવા માટે મોલ્ડ પણ લઈ શકો, મોલ્ડ યુઝ કરવાથી પેટીસ એકસરખી અને એકધારી બને છે.

6) પેટીસ વાળી લીધા બાદ તેને શેલો ફ્રાય કરવાની છે તો પેનમાં એક મોટી ચમચી તેલ લઈ પેનમાં સમાય તેટલી પેટીસ મૂકી ફ્રાય કરો. પેટીસને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો.

7) બંને સાઈડ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ઉલટ સુલટ કરીને ફ્રાય કરી લો. ફ્રાય થતાં જ આ પેટીસને પ્લેટમાં લઈ લો.

8) આ સાઈડ વટાણા પણ બફાઈ ગયા હશે તો તેને કૂકરમાં જ મેશરથી અધકચરા મેશ કરી લો. વટાણામાંથી પાણી કાઢવાનું નથી.

9) વટાણા મેશ કરી લીધા બાદ સેઈમ પેનમાં જ વધારાનું એક ચમચી તેલ ઉમેરી લો. તેલ ગરમ થાય એટલે બચેલી આદુ લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી દો.

10) આ પેસ્ટને એકાદ મિનિટ માટે સાંતળી લો જેથી લસણની કચાચ દુર થાય.

11) એકાદ મિનિટ પછી કાંદા તેમજ સ્વાદ અનુસાર મીઠું એડ કરો, કાંદા હળવા બદામી થાય ત્યાં સુધી સાંતળો. સ્ટવની ફ્લેમ અહીં મીડીયમ તો સ્લો રાખવાની છે.

12) કાંદા હળવા બદામી થતા ચપટી હળદર તેમજ બારીક સમારેલ ટમેટું ઉમેરો. બરાબર મિક્સ કરી ટમેટું સોફ્ટ પડે ત્યાં સુધી ચડવા દો.

13) ટમેટું સોફ્ટ પડતા તેમાં બાફીને મેશ કરેલ વટાણા ઉમેરી દો. ફરી બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે ચડવા દો.

14) ત્રણેક મિનિટ પછી તેમાં બચાવેલું બાફેલું બટેટું, 1 ચમચી લાલ મરચું, 1/2 ચમચી ધાણાજીરું તેમજ 1/4 ચમચી ગરમ મસાલો ઉમેરો.

15) સાથે જ પાણી ઉમેરી દો, રગડાની કન્સીસ્ટન્સી જે રીતની જોઈતી હોય તેટલું પાણી એડ કરવું. મેં 200 ml જેટલું પાણી એડ કર્યું છે.

16) બધું બરાબર મિક્સ કરી લો તેમજ મેશરથી ફરી મેશ કરી લો, જેથી બટેટું વટાણા સાથે મિક્સ થઈ જાય. મેશ કરી લીધા બાદ ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે ચડવા દો.

17) તેલ ઉપર આવતું દેખાય અને રગડાનું ટેક્ચર ઘટ્ટ થાય એટલે તેમાં 1/4 કપ ગોળ અને ઈમલીનું પાણી એડ કરો. રગડામાં ગોળ ઈમલીનું પાણી ઉમેરવાથી રગડામાં સરસ ટેસ્ટ આવે છે.

18) બરાબર મિક્સ કરી તેમાં થોડી કોથમીર અને લીલા મરચા એડ કરી દો. ફરી મિક્સ કરી લો અહીં રગડા પેટીસ માટેનો રગડો તૈયાર છે તો સ્ટવની ફ્લેમ ઑફ કરી દો.

19) હવે આ રગડાને સર્વ કરો, તો સૌપ્રથમ ડીશમાં 3 થી 4 પેટીસ મુકો, તેના પર રગડો નાખો.

20) ત્યારબાદ તેના પર મીઠી ચટણી, તીખી લીલી ચટણી, સેવ, કાંદા, ટામેટા, દાડમ દાણા તેમજ કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો. તો મિત્રો અહીં ચટપટ્ટી રગડા પેટિસની પ્લેટ તૈયાર છે, મેં તો બનાવી લીધી તમે પણ આજે જ ટ્રાય કરજો અને જો લારી જેવો જ ચટપટો ટેસ્ટ ન મળે તો કહેજો.

મિત્રો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારી યુ-ટ્યુબ ચેનલ “Alka Sorathia” એકવાર જરૂર વિઝિટ કરજો જ્યાં તમે અવનવી રેસિપીઓની વેરાયટી જોવા મળશે, સ્ટેપ બાય સ્ટેપ ખુબ જ સરળ રીત બતાવું છું તો જોજો અને સાથે તમારા મિત્રો સાથે શેર પણ કરજો. આ રેસિપીનો વિડીયો નીચે આપેલ છે તો એકવાર જોઈ લેજો જેથી બનાવવામાં સરળતા રહે.

વિડીયો લિંક :

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.