એ અનોખી સ્ત્રી – સ્ત્રીનું સન્માન.. સ્ત્રી દ્વારા, આયુષી સેલાણીની લાગણીસભર વાર્તા…

“આશા.. અરમાન.. પ્રેમ.. અવહેલના.. આવેગ.. સ્પર્ધા.. ઈર્ષ્યા.. મજબુરી અને નફરત..!! કેટકેટલા વિશેષણોથી ભરેલી છે ને આપણી જિંદગી..!! આપણે એટલે આ જગતના બધા જ માણસો નહિ..!! આપણે એટલે સ્ત્રીઓ..!! દીકરીઓ..!! વહુઓ..!! માં..!! જેઠાણી..!! નણંદ..!! સાસુ..!! ને બીજા ઘણા સંબંધો જીવતી નારી….!!


હું એવું બિલકુલ નથી કહેતી કે પુરુષો સંબંધ નિભાવવામાં કે સાચવવામાં કાચા પડે છે.. સ્પર્ધા ક્યારેય પુરુષો સાથે હતી જ નહિ..!! ને ક્યારેય હશે પણ નહિ.. અહી વાત છે આત્મખોજની.. અને એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજી શકે તેવી લાગણીની.. આપણે હમેશા જોઈએ છે કે ટીવીમાં, ફિલ્મ્સમાં, સિરીયલ્સમાં એક સ્ત્રીને સ્ત્રીની દુશ્મન બતાવવામાં આવે છે.. મેં વાંચ્યું હતું કે, “ફિલ્મ્સ એ સમાજનું દર્પણ છે..!!” એટલે આ સિરીયલ્સમાં બતાવવામાં આવતી વાતો સદંતર ખોટી ના જ હોઈ શકે.. સમાજના અમુક હિસ્સામાં આવી ઘટનાઓ બનતી હોય છે તે વરવી વાસ્તવિકતા છે.. પરંતુ તેનો મતલબ એવો નથી કે તેને ટીવી પર બતાવી, લોકોને બોધ આપવાને બદલે ઝગડા-ફ્સાતનું નિર્માણ કરવું..!! સ્ત્રીને સ્ત્રીની દુશ્મન બનવા ઉતેજીત કરવી..!!


કોઈ પણ ફિલ્મ કે સીરીયલમાં અંતે તો હેપી એન્ડીંગ જ આપવાનું છે ને.. તો કેમ પહેલેથી જ હેપીલી ઇનીષીએટ નાં કરીએ..??! કેમ બરોબર છે ને મારી વાત સખીઓ?” ને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો.. અનુસ્વરાની સ્પીચ હતી જ એટલી જોરદાર કે લોકોએ ઉભા થઈને તેને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું..!! અનુસ્વરા નથવાણી..!! પચીસ વર્ષની ઉમરે તે ફીમેલ યુથ આઇકોન બની ચુકી હતી.. પરંતુ આજે આટલી સફળ અનુસ્વરાએ જીવનના એવા અનેક પડાવો જોયા હતા જયારે તે આત્મહત્યા કરવા મજબુર થઇ ગયેલી..


નીતિનભાઈ અને રાધાબહેનની એકની એક દીકરી અનુસ્વરા બાળપણથી લાડકોડમાં ઉછરેલી.. ઘરમાં દરેકની લાડકી અનુસ્વરાને તેની શાળામાં કોઈ જ પસંદ નાં કરતું.. દસ વર્ષની અનુસ્વરાનું વજન તે સમયે લગભગ એશી કિલો હતું..

“જાડી ભોમ.. ભોદુડી ભેંસ.. ફેટી ચીક.. પીપળું.. હાથીણી.. ભોંદુરામ.. ગેંડી ને એવા કેટલાય નામોથી અનુસ્વરાને નવાજવામાં આવતી.. તે ગર્લ્સ સ્કુલમાં ભણતી હતી.. અને તેને આવા વિચિત્ર નામ આપવા વાળી પણ તે બધી ગર્લ્સ જ હતી..!! તે બહુ બહાદુર હતી.. તેનાથી સહન થતું ત્યાં સુધી તે સહન પણ કરતી..!! પરંતુ એક દિવસ તેની સાથે એવું બન્યું કે તેનો આત્મવિશ્વાસ તૂટી ગયો..!


ત્યારે તે પાંચમાં ધોરણમાં હતી.. હિન્દીનો ક્લાસ ચાલુ હતો.. તેના હિન્દી ટીચર ત્રીસ વર્ષના હતા અને થોડા સ્ટાઇલીશ પણ.. તેઓને બધી વસ્તુ પરફેક્ટ જ જોઈએ.. એ દિવસે અનુસ્વરા ક્લાસમાં આવીને બેઠી.. તે હમેશા છેલ્લી બેંચ પર જ બેસતી..!! અને તેની બાજુમાં ક્યારેય કોઈ ના બેસતું.. તેણે ડેસ્કમાં મુકેલા પેન્સિલ પાઉચને લેવા તે વાંકી વળી કે ડેસ્કમાં લાગેલી ખીલ્લીના કારણે તેણે પહેરેલો શર્ટ સ્લીવ્ઝ પાસેથી ચિરાઈ ગયો.. અને તેના જાડા હાથમાંથી લોહી ટપકવા લાગ્યું..!!

“ઓહ માઈ ગોડ.. અનુસ્વરા.. આ તમે શું કર્યું?? તમારા હાથમાંથી લોહી નીકળે છે.. એક મિનીટ મને જોવા દો..!!” અનુસ્વરાના હિન્દી ટીચર રેણું મેડમે તેની પાસે આવીને કહ્યું કે અચાનક જ તેમની આંખમાં ગુસ્સો છવાઈ ગયો.. “બાપ રે.. લુક એટ યોર હેન્ડ્સ..!! કેટલા જાડા હાથ છે તારા.. ફૂલ સ્લીવના શર્ટમાં ખબર નોહતી પડતી કે તું આવી પીપળા જેવી છે..!! જાડી પણ છે અને એટલે જ હવે અગલી પણ લાગે છે… હા…હા..હા.. રાઈટ ગર્લ્સ??”


ને ત્યાં હાજર દરેક છોકરી પોતાના ટીચરની આ વાત સાંભળી હસવા લાગી.. તેમને પોતાની શિક્ષિકા તરફથી પ્રોત્સાહન મળ્યું હતું.. અનુસ્વરાની મજાક બનાવવા માટેનું કારણ મળ્યું હતું..!! રેણું મેડમ માટે એ નાનકડો જોક હતો.. તેને લાગ્યું કે એ તેના સેન્સ ઓફ હ્યુમરનું પ્રદર્શન હતું..!! તે સમયે એક શિક્ષક તરીકે જવાબદારી બજાવવામાં તેઓ નિષ્ફળ ગયા હતા.. એ વાતને બધાએ કેઝ્યુલી લઇ લીધી પરંતુ અનુસ્વરાને બહુ દુખ થયું.. તે દિવસે ઘરે જઈને તે બહુ જ રડી..!! તેના મમીને બધી વાત કરી.. અને તેઓ અનુસ્વરાનો સપોર્ટ બન્યા.. પરંતુ હજુ તો શરૂઆત હતી.. એ ઘટના બાદ આવું અવારનવાર બલકે રોજ કંઇક ને કંઇક બનવા લાગ્યું.. જ્યારે તે કોઈના વાહનમાં પાછળ નાં બેસી શકતી, અથવા તો જ્યારે બધાના જમી લીધા પછી પણ અડધી કલાક સુધી જમવાનું ચાલુ રાખતી કે પછી જયારે તે કોઈના ઘરના દરવાજામાં ફસાઈ જતી કે જમીન પર નાં બેસી શકતી.. ત્યારે બધા તેની પર હસતા.. ને તે સૌ માટે હાસ્યનું પાત્ર બની જતી..!!! તેણે જીમીંગ કર્યું ને ડાએટ પણ કર્યું..!! પરંતુ કઈ જ ફર્ક ના પડ્યો..!!


ક્યારેક ટીચર હોય તો ક્યારેક તેની કલાસમેટ.. ક્યારેક બાજુવાળા આંટી હોય તો ક્યારેક તેના ઘરની કામવાળી… ક્યારેક વળી તેની ફ્રેન્ડની મમી હોય તો ક્યારેક તેની પાર્લર વાળી..! ત્યાં સુધી કે હવે તો તેના ડોક્ટર પણ તેને કહી ચુક્યા હતા કે હવે તેનું વજન ક્યારેય નહિ ઉતરે..!! દિવસે ને દિવસે તેનું વજન વધતું જતું હતું.. એ જ્યારે અઢાર વરસની થઇ ત્યારે તેનું વજન ૧૫૦ કિલો થઇ ગયેલું..! હા.. એક વાત હમેશા બનતી કે તેની મજાક ઉડાવવા વાડી કોઈ ને કો છોકરી જ રહેતી.. આ બધાથી તે તંગ આવી ચુકી હતી..!! એક દિવસ અચાનક પોતાની જાતને અરીસામાં જોઈ તે સીધી અગાસીમાં ગઈ અને ત્યાંથી કુદકો માર્યો..!! તે નાસીપાસ થઇ ગઈ હતી.. જિંદગીથી હારી ગઈ હતી..! પરંતુ સદભાગ્યે એક મહિનો હોસ્પીટલમાં રહ્યા બાદ તે બચી ગઈ હતી..!! રાધાબહેન સતત અનુસ્વરા સાથે રહેતા.. તેને સધિયારો આપતા.. એક માં તરીકેની ફરજ બજાવવા ઉપરાંત તેઓ હવે તેના ટ્રેનીંગ કોચ બની ગયા હતા..


ઓગણીસ વર્ષની ઉમરે અનુસ્વરાએ પોતાનું વજન ઉતારવાનું શરુ કર્યું..!! ને તેની કોશિશ શરુ થઇ.. એક વર્ષ.. બે વર્ષ.. પુરા ત્રણ વર્ષ મહેનત કર્યા પછી પણ અનુસ્વરાનું વજન ઉતરતું નહોતું.. તે ધીમે ધીમે ડીપ્રેશનમાં જઈ રહી હતી.. તેમાંથી બચવા માટે રાધાબહેન અને નીતિનભાઈએ તેના હાથમાં પેઈન્ટીંગ બ્રશ પકડાવ્યું.. પોતાના ઓરડામાં એકલા બેઠા બેઠા અનુસ્વરાએ ચિત્રો દોરવાનું શરુ કર્યું..!! તેના સૌથી પહેલા ચિત્રમાં તેણે ફક્ત બે આંખો દોરી હતી.. પરંતુ એટલી અદ્ભુત રીતે કે જાણે હમણાં તે આંખો બોલી ઉઠશે તેવું લાગી રહ્યું હતું..!! ને એ પછી જન્મ થયો એક નવી અનુસ્વરાનો..!! ચાર વર્ષમાં ચાર હજારથી પણ વધારે પેઈન્ટીંગસ બનાવીને અનુસ્વરા સમગ્ર ભારતની આઇકોન બની ચુકી હતી..!! તે કુદરતના, મનુષ્યોના, નદી, પહાડ ને સુરજના પેઈન્ટીંગ બનાવતી જ્યારે લોકો તેનું દ્રશ્ય બનાવતા..!! ૧૮૦ કિલોની અનુસ્વરાના ફોટોસ ઈન્ટરનેટ પર હાહાકાર મચાવી રહ્યા હતા..!! તે જ્યારે કોઈ પણ ચિત્ર દોરવા બેસતી ત્યારે તેને પોતાની જાતને વ્યવસ્થિત રીતે એડજસ્ટ કરવામાં જ અડધી કલાક પસાર થઇ જતી.. કલાકો સુધી તે ફક્ત ચિત્રો બનાવ્યા કરતી..!!! તે ઉભી પણ ના થતી વચ્ચે કારણકે ફરી બેસવાની ને એડજસ્ટ થવાની એક કલાક બગાડવી તેને ના ગમતી..!! તેની કહાની હવે લોકો માટે પ્રેરણા બની ચુકી હતી..!!


“મહિલા દિવસ” નિમિતે આજે તેને ખાસ આ સંસ્થા દ્વારા લેકચર આપવા માટે ઇન્વાઇટ કરવામાં આવી હતી..!! જનરલી તે આ રીતે ક્યાય લેકચર આપવા નાં જતી.. પરંતુ તે દિવસની વાત અલગ હતી.. સંસ્થાના ટ્રસ્ટી તરફથી તેને મહિલા દિવસના ચાર મહિના પહેલાથી આમન્ત્રણ આવી રહ્યા હતા.. અઢળક મેઈલ્સ રોજ આવતા.. હજારો બુકે થઇ જતા એક મહિનાના.. હમેશા સંસ્થાના ઓફિસિયલ મેઈલ આઈડી પરથી જ તેઓ વાત કરતા..! આખરે કંટાળીને અનુસ્વરાએ તે સંસ્થામાં જવાની હા કહી હતી..!! તે જયારે સંસ્થાના કાર્યક્રમમાં પહોચી ત્યારથી તેને ટ્રસ્ટીની રાહ હતી.. તેમને મળવાની ઈચ્છા હતી.. પરંતુ તેને વેલકમ કરવા બીજા જ કોઈ યજમાનો આવ્યા.. ને પછી કાર્યક્રમ શરુ થતા તે એમાં જ ગુંથાઈ ગઈ..!!

તેની સ્પીચ સૌથી છેલ્લે હતી.. એ પૂરી થતાની સાથે જ તાળીઓનો ગડગડાટ થયો.. સાથે સાથે એક સ્ત્રી સ્ટેજ પર આવીને અનુસ્વરાની બાજુમાં ઉભી રહી.. તે ચહેરાને ઓળખવાની કોશિશ કરવામાં અનુસ્વરાને સમય લાગ્યો કે એટલી વારમાં આધેડ વયની તે સ્ત્રીએ માઈક હાથમાં લીધું અને પોતાની વાત કહેવાની શરુ કરી..!!


“આજે અહી અનુસ્વરાને બોલાવાનું એક ખાસ કારણ છે.. તે સફળ છે અથવા તો તે પ્રેરણાદાયી છે.. તેથી વધારે મહત્વનું એક બીજું કારણ..!!! મારે અનુસ્વરાની માફી માગવાની છે.. આજથી પંદર વર્ષ પહેલા એ હું હતી જેણે પોતાના હોદાની મર્યાદા અને ઊંડાણ ભૂલી અનુસ્વરાને અપમાનિત કરી હતી.. હું તેની હિન્દી ટીચર રેણું મેડમ આજે આપ સૌ સમક્ષ મારી ભૂલની કબુલાત કરું છું.. એક વર્ષ પહેલા જ્યારે મેં અનુસ્વરાના પેઈન્ટીંગ મારી દીકરીના કમ્પ્યુટરમાં જોયા ત્યારે મને તેની સફળતાની ઊંચાઈ ખબર પડી..!! ને પછી મેં તેને મારા આ કાર્યક્રમમાં બોલાવવાનું નક્કી કર્યું..!!

મારી દીકરી તારી ફોલોઅર છે બેટા..!! એ દિવસે હું તારી સાચી સુંદરતા નહોતી ઓળખી શકી.. અગલી તું નહિ પણ હું હતી..! જાડી તું નહિ પણ મારી બુદ્ધિ હતી..! આઈ એમ સોરી..!! બહુ જ ઈમ્મેચ્યોર બિહેવિયર હતું મારું હે ને..!! શું તું માફ કરીશ તારા રેણું મેડમને?” અનુસ્વરા તરફ જોઇને રેણું મેડમ અને તે સંસ્થાના ટ્રસ્ટી બોલ્યા..!!

મોટી મુસ્કાન સાથે રેણું મેડમને ભેટીને અનુસ્વરાએ કહ્યું, “હેપી રીયલાઈઝેશન.. એન્ડ હેપી વુમન્સ ડે ટીચર..!!” કદાચ એ જ સાચી વ્યાખ્યા હતી વુમન્સ ડેની..!! “સ્ત્રીનું સન્માન.. સ્ત્રી દ્વારા પણ અને પ્રથમ…!!”
લેખક : આયુષી સેલાણી

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત આમારા પેજ પર તમે લાઇક કર્યું કે નહિ…