તપાસ – એક મહિલા શિક્ષકને થઇ હતી પરેશાની, ફરિયાદના બદલામાં થયું તેની સાથે આવું કે હવે એ ફરિયાદ પણ નહિ કરી શકે…

કાદંબરી વિદ્યાર્થીઓને ભણાવવામાં મશગૂલ હતી કે બારણે કોઇ આવીને ઊભું રહ્યું. આ વાતથી બેખબર કાદંબરી ચોક‍સ્ટિક અને ડસ્‍ટર લઇને હજી બ્લેકબોર્ડ સામે જ ઊભીઊભી દાખલા ગણાવતી હતી, ત્‍યાં બાળકોએ કાંદંબરીને બોલાવી : ‘બહેન, કોઇ સાહેબ આવ્‍યા.‘


કાદંબરીએ ત્‍વરિત ફરીને જોયું. તેને થયું કે આચાર્ય ઊભા હશે પણ તેને બદલે કોઇ ખાદીના લેંઘાઝભ્‍ભામાં સજ્જ પિસ્‍તાળીસ-પચાસ વર્ષના લાગતા કોઇ અધિકારી જેવી લાગતી પુરૂષાકૃતિ ઊભી હતી. કાદંબરી ખમચાઇ. પેલા મુરબ્‍બીએ સહજ સ્મિત કર્યું. કાદંબરીએ પણ પ્રતિસાદરૂપે વળતું સ્મિત આપ્‍યું.
‘આપ જ કાદંબરીબહેન ?‘ ‘હા…‘ ‘મારૂં નામ જે.પી. ઉર્ફે જયપ્રકાશ રાજ્યગુરૂ. કેળવણી નિરીક્ષક…‘ ‘ઓહ, આવો આવો સાહેબ.‘ રાજ્યગુરૂ અંદર આવ્‍યા. કાદંબરીને તાકી રહ્યા.

‘બેસો બેસો સાહેબ…‘ ખુરશીને એ તરફ લંબાવી કાદંબરીએ વિનયપૂર્વક બેસવા કહ્યું : ‘હું આપને ઓળખી શકી નહોત. એક્ચ્યુલી મેં આપને આ અગાઉ ક્યારેય જોયા પણ નહોતા. પણ નામ સાંભળ્યુ હતું. ભૂલ-ભૂલમાં હું આપને ઓળખીય ન શકી એ બદલ આપની માફી ચાહું છું સાહેબ !‘

‘જરૂર નથી કાદંબરીબહેન. મને ભભકો, દંભ, ખુશામત, હા જી હા કે દેખાડાની ટેવ નથી, પસંદ નથી અને એવી અપેક્ષા પણ નથી. તમને ખબર ન હોય, કારણ કે એ વખતે તો તમે સાવ નાના જ હો પણ હું તમારા વતનના ગામમાં આવેલી સંસ્‍થામાં રહીને ભણ્યો છું. જે સંસ્‍થા દેશની જ નહીં, વિદેશમાં પણ પોતાના મૂલ્‍યોથી જાણીતી છે. એ સંસ્‍થાના આદર્શો સાથે રાખીને જીવીએ છીએ. અને એવી જ રીતે જીવનમૂલ્‍યોનું આચરણ કરીએ છીએ. જેવું બોલીએ છીએ એવું જ જીવીએ છીએ. એટલે અમારા વિચાર અને આચરણમાં ભિન્‍નતા નથી બલ્‍કે એકરૂપતા છે.‘


કાદંબરી મુગ્‍ધતાથી સાંભળી રહી હતી. રાજ્યગુરૂ કહેતા હતા : ‘જુઓ કાદંબરીબહેન, ચોકસાઇ એ અમારો મૂળભૂત ગુણ છે. વાતનું સાચું મૂળ ન પકડીએ ત્‍યાં લગી અમને જંપ વળતો નથી. પણ એ મૂળ પકડાઇ ગયા પછી એ મૂળને જ ખોદી કાઢવાના સંસ્‍કાર સ્‍ંસ્‍થાના ગુરુજીઓએ અમારા લોહીમાં સિંચ્‍યા છે. તમે સમજી શકયા હશો.‘ ‘હા, સંસ્‍થાની પ્રણાલિકાથી માહિતગાર છું મારા બાપુજી પણ એ સંસ્‍થામાં ભણ્યા હતા એટલે સંસ્‍થાના સંસ્‍કાર અમારા લોહીમાં પણ સિંચાયા છે.‘ કહેતા કાદંબરીએ એક વિદ્યાર્થીને પાણીનો ગ્‍લાસ ભરવા મોકલ્‍યો. છોકરો પાણીનો ગ્‍લાસ ભરીને લાવ્‍યો. રાજ્યગુરૂએ પાણી પીધું. ‘સાહેબ, ચા જ પીઓ છો ને કે પછી કોફીનું કહેવડાવુ;?‘

‘ના કાદંબરીબહેન, મારે કશું પીવું નથી. અમસ્‍તોય હું પીતો નથી. તમને એ ખ્‍યાલ ન હોય.‘ ‘…પણ આજે આચાર્યશ્રી શાળાએ આવ્‍યા નથી. એ તાલુકા શાળાએ અથવા કેન્‍દ્રવર્તીમાં ગયા હોય એમ લાગે છે. હું શાળાએ આાવી ત્‍યારે કોઇ વિદ્યાર્થી સાથે ચાવી મોકલાવી હતી. બાકીની મને કશી ખબર નથી. પણ મારી ફરજ છે કે ચા, કોફી અને જમવાનું કહેવાનું ચૂકવું ન જોઇએ.‘


‘મારે કશાની જરૂર નથી. હું તમને મળવા માટે જ આવ્‍યો છું. માત્ર તમને…‘ રાજ્યગુરૂ અટક્યા. ક્ષણવાર કાદંબરી સામે તાકી રહ્યા. કાદંબરીએ નીચું જોતાં પોતાની સાડીનો પાલવ ઠીક કર્યો.‘હું તપાસ માટે આવ્‍યો છું કાદંબરીબહેન!‘ રાજ્યગુરૂએ કહ્યું : તમારી અરજી મળીમળી છે. ટી.ડી.ઓ. સાહેબ ઉપર કરેલી અરજી શિક્ષણખાતાને સંલગ્‍ન હોઇ ટી.ડી.ઓ. એ મને તપાસ કરવાનું કહ્યું છે. તો કાદંબરીબહેન તમને અનુકૂળતા જ છે ને?‘ ‘એટલે ?‘ કાદંબરીના શરીરમાંથી કંપ પસાર થઇ ગયો.

‘મને પડતી મુશ્કેલી મેં અરજીમાં વર્ણવી જ છે.‘ ‘હા, એ મેં બરાબર વાંચી છે. પણ સૌથી પહેલાં એ પૂછું કે, ‘આચાર્ય તમને હેરાન કરે છે એનું કારણ શું?‘ ‘એ હું નથી જાણતી પણ હું હવે ત્રાસી ગઇ હતી. મેં નછૂટકે લખ્‍યું છે.‘ ‘છતાં પણ એનું કોઇ વજૂદ તો હશે ને!‘ ‘એ હું જાણતી જ નથી. જાણતી હોઉં તો આપને કહું જ ને!‘ ‘અચ્છા, તમે શાળાએ નિયમિત આવી જતાં હતાં?‘


‘હું શાળાના નક્કી થયેલા સમયની પહેલાં દસ મિનિટે આવી જતી હતી અને શાળાના છૂટ્યા પછી દસ મિનિટે નીકળતી હતી. ક્યારેક ક્યારેક તો પંદર મિનિટેય થઇ જાય. ‘કેમ?‘ ‘આચાર્ય મને રોકી રાખતા. કશું પણ કામ ન હોય, તો પણ રોકી રાખતા.‘ ‘એ વખતે તમે બન્‍ને એકલાં જ પડતાં હશો ને ?‘ ‘હાસાહેબ. હું એટલે તેમને કહેતી કે મારું શું કામ છે? તો તેઓ કહેતા, મારે પત્રકો બનાવવા છે. તમે હો તો કંટાળો ન લાગે.‘

એ સિવાય તેમનો વ્‍યવહાર કેવો રહેતો.?‘ ‘તેઓ ક્યારેક ક્યારેક જોક્સ ઉપર ચડી જતા.‘ ‘એટલે હસાવતા એમ જ ને?‘ રાજ્યગુરૂએ પૂછ્યું : ‘વાતાવરણ હળવું બનાવતા હતા.‘ ‘પણ મારે માટે ભારેખમ બની જતું હતું. મને હસવું આાવતું નહોતું રડવું આવતું હતું.‘ ‘એટલે કે ‘સેન્‍સ ઓફ હ્યુમર‘‘ તમારામાં ઓછી છે. ખરું ને?‘

‘એવી મને કંઇ ખબર ન પડે પણ જોક્સ સાંભળવી પણ ન ગમે એવી જ કહેતા. ‘એટલે કે કેવી?‘ ‘મેં અરજીમાં લખ્‍યું છે.‘ કાદંબરીએ અંતે કહી દીધું. ‘અચ્‍છા ચાલો. એ તમને એડલ્‍ટ જોક્સ કહેતા તો તમે એનો પ્રતિકાર નહોતાં કરતાં?‘ ‘એવી હિંમત જ નહોતી થઇ…‘ ‘તો પછી અરજી કઇ રીતે કરી?‘ ‘કંટાળીને…‘ કાદંબરીના ચહેરા ઉપર અત્‍યારે પણ ગુસ્‍સાના ભાવ આવી ગયા.


‘વેલ…‘ રાજ્યગુરૂએ આગળ પૂછ્યું : ‘તમે અરજીમાં લખ્‍યું છે કે એ છેડછાઙ..‘ ‘જુઓ સાહેબ.‘ કાદંબરીના હૈયામાં ઉછાળો આવ્‍યો : ‘એ નાલાયકને મેં આવો નહોતો ધાર્યો…‘ ‘એટલે કે કેવો?‘ ‘મારી જેવડી ઉંમરની તો એને દીકરીઓ છે સાહેબ!‘ કાદંબરીના ચહેરા ઉપર ગુસ્‍સો ફરી વળ્યો. સ્‍વરમાં કંપન ઊભરાઇ વળ્યું. હાથની મુઠ્ઠીઓ પણ વળી ગઇ અને એ બરાડી : ‘એની નજર અને નિયત બહુ ખરાબ નીકળયાં.‘

‘મને એ ભોળવવા લાગ્‍યો હતો. એ ક્યારેક મને નેઇલપોલિશ, લિપસ્ટિક, કંગન, બિંદી, મેંદી તો ક્યારેક સ્‍પ્રે, પાઉડર પણ પ્રેઝન્‍ટમાં આપવા મંડ્યો હતો.‘ ‘અને તમે એ સ્‍વીકારી લીધાં એમ જ ને?‘ ‘હા સાહેબ!‘ કાદંબરીએ નજર નીચે ઢાળીને કહ્યું : ‘હું બહુ ભોળી છું. લાગણીશીલ પણ છું લાવતો ત્‍યારે કહેતો કે મારી દીકરીઓ માટે લીધું, તો એક વધારે. તમે ક્યા; કોઇક છો! અને મારી લાગણીનો એ લાભ પણ લેવા લાગ્‍યા.‘ ‘એનું કોઇ એક્ઝામ્‍પલ આપશો?‘

‘એ પહેલાં તો દિવસે જ મારા ઘેર આવતા. એ પછી તો રાત્રે પણ આવવા લાગ્‍યા.‘ ‘પણ તમે ના ન પાડી?‘ ‘હું કેમ ના પાડું? મારા એ આચાર્ય… મને મૂશ્કેલીમાં ક્યાંય મૂકી દે તો… ‘ ‘…તો પછી રાત્રે ઘેર આવતા તો પાડોશીનો પ્રતિભાવ કેવો રહેતો?‘ ‘પહેલાં તો મારા બા મારી ભેગાં જ રહેતાં, પણ મારી ભાભીને ડિલિવરી આવે એવું હોઇ, હું એકલી જ રહેવા લાગી.‘ ‘પછી?‘


‘પછી એ ઘરે આવે. મોડે સુધી બેસે. પણ મારા બા ને ન જુએ એટલે કહે કે માસી કેમ દેખાતા નથી? હું કહું કે વતનમાં ઘરે ગયાં છે તો એ કહે કે ચાલો મારા ઘેર સૂઇ રહેજો. અહીં એકલાં નથી સૂવું. ‘તો તમે ચાલ્‍યા જતાં?‘ ‘હા. એકવાર ગઇ હતી. તેમના પત્‍ની ઘરે હતા. પછી એકવાર બહુ વરસાદ પડ્યો તો એ મને તેડવા આવ્‍યા. હું તેમની સાથે ગઇ, પણ માંડ માંડ અવાયું.‘ ‘કારણ?‘ ‘એમણે એકવાર મારા કાંડા ઉપર એમનો હાથ મૂકી દીધો. એક વાર એમની હથેળીમાં મારી હથેળી લઇ લીધી.‘

‘પણ તો પછી તમે ઇન્‍કાર ન કર્યો?‘ ‘એ બાબતમાં તો એ તૈયારનો દીકરો છે. મીઠું મીઠું બોલતો જાય.‘ ‘કાદંબરીબહેન પડતાં નહીં હોં‘ ‘જરા હળવેથી ચાલજો.‘ ‘જુઓ, ત્‍યાં ખાડો છે.‘ ‘જુઓ, ત્‍યાં પાણી ભર્યું છે.‘ ‘જરા હળવેકથી ચાલજો!‘ ‘આહિસ્‍તા આહિસ્‍તા.‘ ‘ધીમે ધીમે..‘ ‘પણ તેમની વાત સાચી હોય એવું નથી લાગતું.


‘એ નરાતાળ જુઠ્ઠો છે. પછી એની વાતો થોડી સાચી હોય?‘‘હં…‘ રાજ્યગુરૂ કાદંબરી સામે તાકી રહ્યા : ‘પછી શું થયું?‘ ‘ઘરે લઇ ગયા. પણ ઘરે તો તાળું. મને કંઇ ખબર નહીં. મને થયું કે બહારથી તાળું હશે પણ અંદર ગયા તો કોઇ નહીં. મેં પૂછ્યું કે બહેન નથી? તો એ કહે કે હું એકલો જ છું. એ લોકો તો ગયાં. હું એ જ ઘડીએ બહાર નીકળી ગઇ.‘ ‘પછી?‘

‘પછી શું? બીજે દિવસે શાળાએ ગઇ. શનિવાર હતો. બપોરે બાર વાગ્‍યા સુધી છૂટી ગઇ. હું ઘરે જવા નીકળતી‘તી તો મને કહ્યું કે તમારું કામ છે. હું રોકાઇ.‘ કહી કાદંબરી અટકી ગઇ. ‘પછી?‘ ‘પછી તો ક્યાંય સુધી એ બોલ્‍યા નહીં. મેં તેમને કહ્યું તો એ મને કહે : ‘તું કાલે ઘરે કેમ રોકાઇ નહીં? રોકાઇ હોત તો?‘ ‘પછી તમે શું કહ્યું?‘

મેં તેમને કશુંય ન કહ્યું, પણ એ મારી અડોઅડ આવીને ઊભો રહ્યો. મેં માથું ધોયું હતું. મારા વાળને હાથમાં લઇને કહે : ‘તારા વાળ કેટલા સુંદર છે? તું પણ કેવી અદભૂત છે? આપણી કેન્‍દ્રવર્તી શાળા નીચે જેટલી શાખાઓ આવેલી છે એમાં એકેય શિક્ષ્‍િાકા તારા જેવી બ્‍યુટિફૂલ નથી. કાદંબરી આઇ લવ યુ.‘ રાજ્યગુરૂ ઊભા થઇ જતા બોલ્‍યા : ‘પછી શું થયું?‘ ‘મેં એમનો હાથ છોડાવી નાખ્‍યો.‘‘અને એમણે?‘ ‘એ ભોંઠા પડી ગયા. કહેવા લાગ્‍યા કે મેં તને આવી નહોતી ધારી.‘

‘ઓહ પછી?‘ ‘મેં અરજીમાં લખ્‍યું છે.‘ કાદંબરી હવે આગળ બોલવા ઇચ્‍છતી નહોતી. ‘મેં વાંચ્‍યું છે.‘ રાજ્યગુરૂએ કહ્યું : ‘મેં બધું વાંચ્‍યું છે. પણ તમને કોઇએ લખાવ્‍યું છે?‘ ‘ના.‘ ‘કોઇના માનસિક દબાણ હેઠળ લખ્‍યું છે?‘ ‘ના. મેં મારા મનનું ધાર્યું જ લખ્‍યું છે.‘ ‘અચ્‍છા, તો તમે જે લખ્‍યું છે એ શબ્‍દશ: સાચું છે?‘‘હા.‘ ‘તમને એ યાદ છે?‘


‘હા.‘ ‘તો પછી એ કહો કે પછી એણે શું કર્યું? જો ખરેખર તમે જ લખ્‍યું એ સાચું હશે તો તમને એ યાદ હશે કે એણે શું કર્યું છે!‘ રાજ્યગુરૂની ઊલટતપાસથી કાદંબરી હવે થાકી ગઇ હતી. એ થોડી નર્વસ પણ થઇ ગઇ હતી. એટલે એ કંટાળી જતાં બોલી: ‘મેં બધું લખ્‍યું છે તમે વાંચી લેજો.‘
‘જુઓ કાદંબરીબહેન. હું તમારી અરજી અન્‍વયે જાતતપાસ કરવા માટે આવ્‍યો છું તમને તો યાદ જ હશે કે એણે તમારી સાથે કેવું કેવું અભદ્ર વર્તન કર્યું છે. જો તમને યાદ જ હોય તો બોલતા કેમ નથી. અરજી કોઇ બીજાએ લખી દીધી છે?‘ ‘ના.‘

‘તો પછી કહોને ?‘ કાદંબરીએ અકળાઇ ઊઠતાં કહ્યું ‘હું બહુ કંટાળી ગઇ હતી. ત્રાસી ગઇ હતી, એ નાલાયક આવી રીતે મારી છેડછાડ કરશે એ કલ્‍પનામાં પણ નહોતું. એક દિવસ રિસેસમાં હું બારી પાસે ઊભી હતી. બાળકો બહાર રમતા હતા અને એ દબાતા પગલે આવ્‍યો. મને કશી ખબર નહોતી. હું તો ફૂલછોડના સૌંદર્યનું રસપાન કરી રહી હતી કે એ પાપીએ પાછળથી આવીને મારી પીઠને સ્‍પર્શ કર્યો. અને હળવે લઇને એના હાથ પાછળથી આગળ લાવી આગળ બારીના સળિયા ઉપર રહેલા મારા હાથ ઉપર મૂકી દીધા. હું ચોંકી ગઇ અને હું કંઇ સમજુ-વિચારું એ પહેલાં એણે મારા સાડીના પાલવને…‘ બોલતાં-બોલતાં કાદંબરીનો કંઠ તરડાઇ ગયો. ‘બોલો. બોલો. પછી શું થયું?‘ ‘હવે હું આગળ નહીં બોલી શકું સાહેબ.‘ ‘તમારે કહેવું પડશે.‘


‘મારે કશું કહેવું નથી.‘ ‘પણ શું કામ?‘ ‘બસ, એક લાચાર સ્‍ત્રીની મજબૂરીનો તમે બધા પુરૂષો ભેગા થઇને લાભ લો છો! એક અબળાને પહેલા શારીરિક અને હવે માનસિક રીતે ધ્‍વસ્‍ત કરી નાખવા માંગો છો. જાવ, મારે કોઇ વિશે તપાસ કરાવવી નથી. તમે શું તપાસ કરવાવાળા હોવાના? એક બેઠો છે તપાસ કરવાવાળો, ઉપરબેઠો એ મારો ભગવાન! એની તપાસમાંથી કોઇ નહીં છટકી શકે, ન એ કે નહીં તમે! રાજ્યગુરૂ સાહેબ, મારે ખાતા પાસે કોઇ અપેક્ષા નથી. હું મારી રીતે સક્ષમ છું. એકલે હાથે લડી લઇશ. જાવ, જઇ શકો છો?‘ ‘તો તમે લખી આપશો કે મેં કરેલી અરજી બિનપાયાદાર હતી. જે કોઇના માનસિક દબાણ હેઠળ લખી હતી. હવે મારા આચાર્ય વિશે કોઇ ફરિયાદ નથી.‘ ‘હા.‘ ‘તો લખી દો.‘


કાદંબરીએ લખી દીધું. કાગળને પાકીટમાં મૂકીને રાજ્યગુરૂ ચાલતા થયા. પણ એ પછી કાદંબરી ન રહી શકી. એ હથેળીમાં ચહેરો છુપાવીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. કેટલું રડી એ યાદ નહોતું પણ જ્યારે તેના માથા પર કોઇ કુમળા હાથનો સ્‍પર્શ થયો ત્‍યારે એણે ઝબકીને જોયું તો પોતાની આસપાસ ટોળું વળીને પોતાનાં બાળકો સમા વિદ્યાર્થીઓ એક હાથમાં પાણીનો ગ્‍લાસ લઇને પોતાના માથે હાથ ફેરવતાં, પોતાની પડખે ઊભાં રહ્યાં હતા.!

લેખક : યોગેશ પંડ્યા