શીંગદાણા વડી – આજે અલ્કાબેન આજે લાવ્યા છે આપણી માટે એક નવીન વાનગી, ખુબ ઓછા સમયમાં બની જતી આ ટેસ્ટી વાનગી…

મિત્રો, આજે હું લાવી છું એક યુનિક ફરાળી રેસિપી “શીંગદાણા વડી”, જે ઈઝી અને ફટાફટ બનતી રેસિપી છે. તેને ફરાળી ડીશ તરીકે અને નાસ્તા તરીકે બનાવી શકાય. તેમજ બાળકોને ટિફિન બોક્સમાં પણ બનાવીને આપી શકાય.તો ચાલો બનાવીએ શીંગદાણા વડી.

સામગ્રી :

Ø 1/2 કપ શીંગદાણા

Ø 1 નાનું ટમેટું

Ø 1 નાનું બટેટું

Ø 1/2 ટેબલ સ્પૂન આદુ-મરચાની પેસ્ટ

Ø 1/2 ટેબલ સ્પૂન લીંબુનો રસ

Ø 1/2 દળેલી ખાંડ

Ø 1 ટેબલ સ્પૂન કોથમીર

Ø ચપટી સિંધા-નમક

Ø ચપટી વરિયાળી

Ø 8 – 10 મરી દાણા

Ø તેલ

તૈયારી :

Ø બટેટાને બાફીને ઝીણું છીણી લેવું.

રીત :

1) શીંગદાણાની વડી બનાવવા માટે સૌ પ્રથમ શીંગદાણા, મરીદાણા, વરિયાળી, ખાંડ અને સિંધા-નમક ને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો. સ્મૂથ પાવડર ના બનાવતા થોડો કણીદાર પાવડર બનાવવો. સિંધા-નમકના ઓપ્શનમાં મીઠું પણ લઈ શકાય.2) હવે તેમાં બટેટું, બારીક કાપેલું ટમેટું, આદુ મરચાની પેસ્ટ, બારીક સમારેલા કોથમીર તેમજ લીંબુનો રસ નાંખી, હાથથી બરાબર મિક્સ કરી લો. જો આ મિશ્રણ વધારે સોફ્ટ થઈ જાય તો એક્સટ્રા શીંગદાણાનો ભુક્કો નાખીને કન્સિસ્ટન્સી બરાબર કરી શકાય અથવા તો ફરાળી લોટ પણ નાંખી શકાય. જો આ ડિશને ફરાળી ના બનાવવી હોય તો ગરમ મસાલો અને ચાટ મસાલો નાંખી વધુ સ્વાદિષ્ટ અને ચટપટ્ટી બનાવી શકાય.3) હવે આ મિશ્રણમાંથી હાથથી થપથપાવીને નાનકડી વડી બનાવી લો. વડી બનાવવા માટે મોલ્ડ કે નાનકડું ઢાંકણ પણ યુઝ કરી શકાય.૪) હવે આ વડીને સાંતળી લો. તે માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ વડીને બંને બાજુ ફેરવીને સાંતળી લો. સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી વડીને સાંતળો.5) આજ વડીને ડીપ ફ્રાય પણ કરી શકાય. તેલ મીડીયમ ગરમ કરીને હળવા હાથે ફેરવીને બ્રાઉન કલરની થાય ત્યાંસુધી વડીને તળી લો.6) તો મિત્ર, તૈયાર છે ફરાળી શીંગદાણા વડી જેને તીખી – મીઠી ચટણી સાથે અથવા દહીં સાથે સર્વ કરો. ગરમાગરમ ચાની ચૂસ્કી સાથે પણ એન્જોય કરી શકાય.વ્રત-ઉપવાસની સીઝનમાં તો ખાઈ જ શકાય પણ જરૂરી તો નથી કે ઉપવાસ ના હોય તો ના ખાઈ શકાય એટલે એકવાર જરૂર ટ્રાય કરજો, યુનિક ડીશ છે રેગ્યુલર ફરાળી ડીશ કરતા કંઈક અલગ છે અને ખુબજ સ્વાદિષ્ટ ડીશ છે, બધાને જરૂર પસંદ આવશે.
આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો