એવોર્ડ – શિક્ષક માટે પોતાના વિદ્યાર્થી સફળ થાય એનાથી વધુ શું જોઈએ…

💐 એવોર્ડ. 💐

કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર… કિસી કા દર્દ મિલ શકે તો લે ઉધાર … કિસીકે વાસતે હો તેરે દિલ મેં પ્યાર … જીના ઇસિકા નામ હૈ…

Tv માં આવતાં રાજકપૂરના આ મસ્ત સોન્ગ સાથે ગાતી ગાતી મારુ રોજિંદુ કામ કરતી હતી. ત્યાં કુરિયર આવ્યું ,એક મોટું કવર હતું.. મારા નામે, મેં સાઈન કરીને લીધું ,નાનકડા આશ્ચર્ય સાથે !!.. કેમ કે અમારા ઘરે મોટા ભાગે બધું રમેશના નામ પર આવતું હોય !!!


દરવાજો બંધ કરી , ડ્રોઈંગરૂમમાં રહેલ ઝુલા પર બેસી ને કુતૂહલતાથી મેં એ કવર ખોલ્યું. સરસ મજાનું house warming નું invitaion card હતું. નામ વાંચ્યું .. રોહન પટેલ એકદમ અપરિચિત નામ લાગ્યું. કોણ હશે આ રોહન પટેલ કે જેના ઘર નું વાસ્તુ માટે આમંત્રણ હતું ?? બધા સગાવ્હાલા ને તો હું ઓળખતી જ હોવ અને જેને હું જો ઓળખતી ન હોવું તે મારા નામે કેમ મોકલે ?? હશે .. જવા દો ને !!

હું મારા કામે વળગી પણ વળી … વિચારનો કીડો સળવળ્યો !! એમાં એડ્રેસ પર નજર નાખી શહેરના પોશ એરિયાનું એડ્રેસ હતું, આમેય કાર્ડ જ એટલું એટ્રેક્ટિવ હતું કે મોકલનાર પાર્ટી માલદાર હશે એની સાબિતી હતું, ફરીથી કાર્ડ પર મોકલનાર નું નામ અને નમ્બર જોયાં પણ, રમેશ આવે પછી કૉલ કરશું કદાચ, એમનો કોઈ સ્ટુડન્ટ જ હશે !! પણ એ મારા નામે કેમ મોકલે ??


સાંજે રમેશ ઘરે આવ્યા ત્યાં સુધી વિચારો ના વમળે કઈ કેટલીય ઘુમરીઓ ખાધી હતી. કુતુહલ તીવ્ર બની ગયું હતું. રમેશ ના હાથમાં કાર્ડ થમાવતા જ મેં કહી નાખ્યું, કે ” જુઓ તો કોઈનું ગૃહપ્રવેશ નું આમંત્રણ છે , હું તો ઓળખતી યે નથી ને .. કોણ હશે આ રોહન પટેલ ?? ” રમેશ તો નિઃષફિકર પણે બોલ્યા, ” આપને ખબર મેડમ !!! મારો સ્ટુડન્ટ હોય એવું લાગતું નથી, આપશ્રી ને નામે છે !!! અમને લઈ તો જશો ને સાથે ?? ”

“રમેશ ,તમને ખબર જ છે કે હું એકલી ક્યાંય ક્યારેય જતી જ નથી. અને જે આટલું અપરિચિત હોય ત્યાં જવું જ શા માટે ?? આપણે જવું જ નથી. પણ, છે કોણ આ રોહન પટેલ ???” રમેશ પણ ઓળખતા ન હોઈ અમે નહિ જવાનું નક્કી કર્યું .


અને બીજે દિવસે રમેશે ઘરે આવીને કહ્યું, ” દક્ષા !! લાવ તો પેલું કાર્ડ ! ” એમણે આજે ફરીથી વાંચ્યું અને મને કહ્યું કે આ રોહન પટેલ નો મારા પર ફોન આવ્યો હતો અને આપણે બન્ને એ ખાસ જવાનું છે. વળી મને થયું કે “કોણ છે આ ?? કાલ સુધી તો ઓળખતા ય ન્હોતા ને આજે ? ” રમેશ સમજી ગયા મને કહે, ” અમુક સંબંધ એવા હોય કે એનું માન જાળવવું જોઈએ , રવિવાર છે આપણે ફ્રી પણ છીએ અને એણે ખૂબ પ્રેમપૂર્વક આગ્રહ કર્યો છે . ” મેં નારાજગીથી કહ્યું, ,” તો , તમે જ જઈ આવજો !! ” પણ, જેમ હું રમેશ વગર બહાર ન જાવ , એમ એને પણ મારા વિના આવા સામાજિક પ્રસંગોમાં જવું ન ગમે !! એ તરત જ બોલ્યા, ” ના, ના, મને એકલાને ન આવવા દયે , તારા નામનું આમંત્રણ છે !! હું તો સાથે આવું છું , જો આપશ્રી લઈ જવાના હો !! ”

ગૃહપ્રવેશ ના આગલે દિવસે ફરી રમેશે મને યાદ અપાવ્યું કે ” કાલે આપણે જવાનું છે હો !! ” અને હવે હું ના ન પાડી શકી . અમે બીજે દિવસે હજુ તો તૈયાર થતાં હતાં ત્યાં જ એક લક્સઝુરિયસ કાર આવી ગઈ , અમને લેવા માટે , અને રમેશે મને જણાવ્યું કે મારે રોહન પટેલ સાથે વાત થઈ ગઈ છે અને આપણે એમને મોકલેલી કાર માં જ જવાનું છે. ડ્રાઈવર વિનમ્રતાથી પુરી અદબ સાથે કારમાં બેસાડીને અમને નિયત સ્થળે લઈ આવ્યો.


અત્યાર સુધી થતું રહેલ કુતુહલ ત્યારે હદ વટાવી ગયું કે જ્યારે કાર એક આલીશાન મહેલ કહી શકાય એવા ભવ્ય બંગલો પાસે ઊભી રહી અને એ સાથે બધા જાણે કે આતુરતાપૂર્વક અમારી જ રાહ જોતાં હોય તેમ અમને આવકારતા જણાયા. અને એક પાંત્રીસેક વર્ષનો યુવાન આવીને અમને નમસ્કાર કરી બોલ્યો, ” આવો મેડમ !! આવો સર !! હું રોહન પટેલ !! મેડમ હું આપનો વિદ્યાર્થી હતો …..આપ બન્નેનું હૃદયપૂર્વક સ્વાગત છે !! અને મેં જોયું કે ત્યાં રહેલ દરેક જણ , જેની સામે હું આંખ મિલાવી જોતી હતી એ બધાની નજર માં એક અહોભાવ ની લાગણી પ્રગટ થતી હતી. રોહન પટેલ એ એમના પરિવારની એકપછીએક ઓળખાણ કરાવતાં, એના માતાપિતાએ અમને નમસ્કાર કર્યા, એમની પત્ની અને બાળકની સાથે રોહન અમને પગે લાગ્યો . અમને બન્નેને સન્માન સાથે આગળ દોર્યા અને આવકારવા ઊભેલો સમૂહ અમને અનુસર્યો .

રોહનની પત્ની એક શણગારેલી થાળીમાં એક ચાવી લઈ આવી અને રોહને મારા સામે જોઈ કહ્યું , ” મેડમ !, આપના હાથોથી આ મારા બંધ દરવાજાને ખોલી ને તમારાથી ગૃહપ્રવેશ કરશું ! મેં અસંમજસતાથી રમેશ સામે જોયું , એમને મંદ મંદ મુસ્કુરાઈને એમની નજરથી મને એમ જ કરવાનું છે એવું સૂચન કર્યું. સાનંદાશ્ચર્ય થી મેં એ ભવ્ય બંગલો નું પ્રવેશદ્વાર એમણે આપેલ ચાવી થી ખોલ્યું અને તાળીઓ નો ગડગડાટ થયો.


એ પછી વેલકમ ડ્રિન્ક આવ્યું અને રોહન અને એના પરિવારે બધાને બંગલો બતાવ્યો અને પછી બહાર લોનમાં મંડપ તૈયાર કર્યો હતો ત્યાં ખુરશીઓ રાખેલી એમાં બધા ગોઠવાઈ ગયા અને આગળ થોડું સ્ટેજ જેવું હતું તેમાં મુખ્ય અતિથિ અને રોહનના પરિવાર સાથે મને અને રમેશને પણ આદર સાથે બેસાડ્યા. કોઈએ પ્રસંગને અનુરૂપ પ્રારંભિક વાતો કરી અને પછી રોહન ને માઈક આપતા જણાવ્યું કે સામાન્ય પરિસ્થિતિમાંથી અસામાન્ય પદ સુધી કેમ પહોંચ્યા તે આપણને કહેશે.ત્યારે , મને પણ જિજ્ઞાસા થઈ કે રોહન કોણ હતો અને હવે શુ છે ??

રોહને બધાને ભાવથી આવકારી ને બોલવાનું ચાલુ કર્યું… “.. આજે તમે મને એક ફોરેન રિટર્ન, સફળ બિઝનેસ આઇકોન, એવોર્ડ વિનર … તરીકે ઓળખો જ છો પણ, આજે હું તમને વાત કરું કે… હું જ્યારે સાવ નાનો હતો, પ્રાથમિક સ્કૂલ માં ભણતો હતો ત્યારે, … હું કાઈ જ નહોતો, હું એકદમ થોથરાતો…હું બીકણ, ગભરુ, સસલા જેવો અને હું આ મેડમ પાસે ટ્યુશન કલાસમાં ગયો… મારા પિતાજી મૂકી ગયેલા…”


” હવે મને પણ થોડું થોડું યાદ આવતું હતું એ સ્પષ્ટ થયું, …. હા, ઘણા વર્ષો પહેલા…… ……..એક વખત એક ભાઈ મને આગલે દિવસે મળવા આવ્યા એમના દીકરાના ટ્યુશન માટે , કે બેન મારા દીકરાને ભણવાનો,ટ્યુશનનો,સ્કૂલનો ખૂબ જ પૂર્વગ્રહ છે, એ ડરે છે ખૂબ …તમે એને રાખશો ?? મેં હા પાડી કે કાલે મૂકી જજો. પણ, એ ભાઈ એ વારંવાર મને કહ્યું કે એ ” ડરપોક છે, રડે છે … એ પ્લે હાઉસ અને KG માં પણ રડી રડી ને કોઈ દિવસ ટક્યો નથી . હવે પેલા ધોરણ માં બેસાડ્યો છે , ઘરે એની મમ્મી એ જે શીખવાડ્યું એટલું બધું આવડે છે પણ, આમ ક્યાંય બહાર રહેતો નથી. તમે રાખી શકશો ??

મેં એમને કહ્યું , હોવ્વે, મૂકી જજો , ટ્રાય કરીશ.. એ ભાઈ ને જરાપણ આશા ન બંધાણી. પણ, મેં કહ્યું કે તમારો દીકરો અહીં બેસે, ભણે, કઈ શીખે તો જ તમારે ફી આપવી નહિતર છુટ્ટા તમે !! ” ઊંડો શ્વાસ લઈ એ ભાઈ ચાલ્યા ગયા. બીજે દિવસે.. એ ભાઈ આવ્યા સાથે એમનો દીકરો.. સરસ મજાનો, રૂપાળો, માસૂમ, રડી રડી ને સૂઝી ગયેલી આંખો ને લાલ લાલ ભરાવદાર ગાલ, ને નાક ને આંખો સતત વહેતી હતી. હીબકાં ભરતો હતો એ માસૂમ એટલી હદે બીકણ કે જાણે સસલું !! “”


મેં ઊભા થઈ ને એ ગભરુ નો હાથ એના પપ્પાથી છોડાવ્યો અને એના પપ્પા ને ઈશારો કર્યો જતા રહેવાનો.. અને એ એટલો બધો રડ્યો કે મારી કોઈ વાત જ એના કાન સુધી ન પહોંચે !!

મારી દીકરી એ એને પાણી ને બદલે સીધું શરબત જ આપ્યું . જે એ પીવા નહોતો માંગતો પણ, દીકરી એ આંગળીથી સહેજ ચટાડયું હોઠે અને રડતા રડતા એની જીભ પર કઈ જુદો ટેસ્ટ આવતા એ રોતા અટક્યો .. કે તરત જ મેં એનું બેગ એના ખભેથી કાઢતાં કાઢતાં કહ્યું , ” તારે અહીં આ બેગ ખોલવાની જરૂર નથી. આ લે ,આ સ્કેલ !!, તું આજથી અહીં લીડર છો !!! , આ બધા બેઠા એ લખે છે કે નહીં તારે જ ધ્યાન રાખવાનું.. પછી, કલાસમાં બેઠેલા વિદ્યાર્થીઓ ને કહ્યું લખવા માંડો બધા !! નહિ તો, લીડર તમને મારશે !! ”

એમ કહી મેં એને હું જ્યાં બેઠી હતી ત્યાં બાજુ માં બેસાડ્યો. એ જોવા લાગ્યો…એણે શરબત ના ગ્લાસ સામે જોયું. મારી દીકરી એ એને સરસ ઠંડુ મીઠું શરબત પાઇ દીધું.મેં ફરીથી કહ્યું .. ” જો બરાબર ,આ બધાનું ધ્યાન રાખજે હો !! , તું તો લીડર છો !! અને એમ કહેતા મેં પ્રેમથી એના માથે હાથ ફેરવી ને પછી ધીમે ધીમે પીઠ થપથપાવી .. એના ડુસકા ધીમા પડ્યા.. મારી સામે અપરિચિત આંખો મિલાવી જેમાં મેં પોતીકા પણું સ્માઈલ રોપ્યુ. એનો અત્યાર સુધી રહેલો ઊંચો શ્વાસ હવે હેઠો બેઠો !!!.


એના પપ્પા ને મેં અગાઉ કહ્યું હતું એ પ્રમાણે એ થોડીવારમાં જ એને લેવા આવી ગયા…. એ ખુશ થઈ ટાટા કરતો હતો ત્યારે મેં કહ્યું, ” સ્કેલ મુક્તો જા, કાલે આવીશ ત્યારે આપીશ !!” અને બીજે દિવસે …એ ટાબરીયો સૌથી પહેલા આવી ગયો અને એ પણ હસતાં હસતાં… અને પછી તો.. મારી વિચાર યાત્રા અટકી ગઈ ……રોહન બોલતો હતો ..કોઈપણ ભોગે સ્કૂલ કે ટ્યૂશન માં ન જતો હું, બીકણ .. સાવ ડરપોક પણ જ્યારથી મેં મેડમ પાસે એમના કલાસમાં જવાનું ચાલુ કર્યું .. ..અને…

મારા મમ્મી પપ્પા ને મારામાં ધીમે ધીમે પણ ચમત્કારીક ફેરફારો દેખાયા … હું પ્રાયમરી એજ્યુકેશન પૂરું થયું ત્યાં સુધી માં તો મારામાં એક નવા જ રોહને આકાર લીધો હતો. હાઈસ્કૂલમાં આવ્યો અને અમારે પપ્પાની નોકરી ને હિસાબે બીજા દૂરના શહેરમાં જવાનું થયું અને ત્યારે તો ફોન પણ ન્હોતા અને કોમ્યુનિકેશનની ફેસેલિટીના અભાવથી હું મેડમથી દૂર થતો ગયો. પણ, જ્યારે મને કોઈ પણ મુશ્કેલી આવતી ત્યારે એમણે કહેલી વાતો યાદ આવતી, હું એ પ્રમાણે કરતો ગયો ,ને મહેનત કરવામાં પાછું વળી ને ન જોયું..


કેમ કે મેડમ કહેતા,”” સખત મહેનત નો કોઈ વિકલ્પ નથી.”‘ પણ હું એક કાચી માટી નો પિંડ , પણ ન કહી શકાય …, આ દુનિયા સામે ઝઝૂમવા માટેની મારી પાસે કોઈ તાકાત જ નહોતી . પણ આ માનનીય મેડમે મુજ માટી ને ઘડી ને મૂર્તિ બનવાની પ્રોસેસ માં નાખ્યો અને જુઓ આજે હું જીવન માં જે કાંઈ છું એ બધું જ મારા પ્રિય મેડમ ને લીધે જ છું.

હું અત્યાર સુધી દેશવિદેશ ફર્યો છું પણ હવે અમે કુટુંબ સાથે અહીં રહેવાનું નક્કી કર્યું અને નવો બંગલો તૈયાર થઈ ગયો અને ગૃહપ્રવેશ માટે શું કરવાનું એ પહેલાં જ ગયા વીક માં આકસ્મિક એક જગ્યાએ હું મેડમ અને સર ને જોઈ ગયો પણ , એમના સુધી પહોંચું એ પહેલાં એ લોકો નીકળી ગયા પણ મને ત્યાંથી તેમનો કોન્ટેક્ટ મળી ગયો અને …

મારા જીવનના શિલ્પકાર ને સરપ્રાઈઝ આપી એક ગીફ્ટ આપવા માંગુ છું અને મને તથા રમેશ ને સ્ટેજ પર બોલાવ્યા અને…આ સાથે જ બધાએ તાળીઓ પાડી અમને વધાવ્યા !!. એ વખતે રોહનની પત્ની ઘણા બધા શિલ્ડ અને ટ્રોફી લઇ આવી અને એ બધું મારા પગ પાસે મૂકી મને સમર્પિત કરતા રોહને વિનમ્રતાથી કબૂલાત આપી કે..


.”” .જેણે મારી જિંદગી આવી સફળ બનાવી એ વિભૂતિ ને હું શું આપી શકું ??આ મને અત્યાર સુધી જે કાંઈ મળ્યું છે એ દરેક સર્ટિફિકેટ અને શિલ્ડ ટ્રોફીઓ બધું જ એમના ચરણે અર્પણ કરું છું .””

એમ કહીને ફરી ફરી ને મને પગે પડ્યો અને એને ખભા પકડી ઊભો કરી હું આશીર્વાદ આપતાં સજળ નયને એટલું જ બોલી શકી .. “” મને ઘણા એવોર્ડ મળ્યા છે પણ આજનો એવોર્ડ મારી જિંદગીનો બેસ્ટ એવોર્ડ છે “‘

લેખક : દક્ષા રમેશ

તમારા અભિપ્રાય જરૂર આપજો અને તમે પણ આવા કોઈ શિક્ષકને ઓળખતા હોવ તો અમને જરૂર જણાવજો..

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ