ક્યાંક તમારી બર્થડે બમ્સની મજા કોઈના માટે નુકશાનકારક ના બની જાય…સમજવા જેવી વાર્તા…

પ્રોફેસર દેવાંશ, એક પોતાની જ નહીં પણ, ઘણી બધી કોલેજીઝ માં જઈ ને વિદ્યાર્થીઓને મોટીવેટ કરવા સ્પીચ આપવા જતાં. એમની બધી વાતોમાં એક વાત કોમન રહેતી જે તેઓ દરેક જગ્યાએ ભૂલ્યા વગર સેર કરતાં. ” નકલ ને અક્કલ નહિ !! ઉજવવો બર્થડે બમ્સ નહિ !!'” આ તેમનો મુખ્ય ટોપિક રહેતો.

જન્મદિવસ આવે એ તો કેટલી ખુશીની વાત !! પણ, ફક્ત, કોલેજમાં પહોંચ્યા પહેલા જ !! પછી તો ન જાણે ક્યાંથી ઘુસી ગયું.. “બર્થડે બમ્સનું ડીંડક ??”” અને રમત, મજાક ને ગમ્મતના નામે “બર્થડે બોય” ને મારવાનું ઝનૂન રામ જાણે ક્યાંથી, કેમ ને કેવી રીતે ફેલાઈ ગયું ?? દેવાંશ સરને યાદ આવ્યા એના પોતાના કોલેજ કાળના દિવસો કે જ્યારે …

“હોસ્ટેલમાં બરાબર બારને ટકોરે રૂમનું બારણું .. ઠક ઠક..!!. ઠક ઠક..!! થયું, મૌલિક સમજી ગયો. આજે એનો બર્થડે ચાલુ થયો. એણે સમી સાંજથી જ પોતાના રૂમમાં ઘુસીને અંદરથી સ્ટોપર લગાવી દીધી હતી. જેથી એના ફ્રેન્ડઝ એને બાર વાગે આવીને, બર્થડે બમ્સ મારે નહિ !! પણ, એમ છોડે તો યાર શેના ?? ઘણી વાર સુધી બારણું ખખડાવ્યું.. પણ, મૌલિકે ખોલ્યું જ નહીં !! કારણકે ગયા અઠવાડિયા નો બનાવ જ એની નજર સમક્ષ આવ્યો !

એક છોકરાને એના બર્થડે ની રાતે ” બર્થડે બમ્સ” ના નામે, ચપ્પલ ને સુઝ થી મારી, મારી ને.. એના બમ્સ એવા સોજાડી દીધા હતા કે એ એક અઠવાડિયું તો સરખાએ ચાલી પણ નહોતો શક્યો !! બીજા એકને તો, પાણીના ટાંકામાં ઝબોળી ઝબોળી ને માર્યો હતો !! એક છોકરાને તો બાથરૂમ વિભાગમાં લઈ જઈને લોબીમાં એનું ટીશર્ટ કઢાવીને ફર્સ પર પાડ્યો અને પગેથી ખેંચીને આખી લોબીમાં ઢસડ્યો !!

બીજા એક ને તો, રૂમ માં ઘુસીને, બે છોકરાઓએ એને પકડી રાખ્યો અને બાકીના બધાએ એને ‘બર્થડે બમ્સ’ એવા માર્યા કે એને આખા શરીરે લાલ ચકામાં ઉપસી આવ્યા હતાં !! ઘણીવાર તો ગર્લ્સની પણ, બર્થડે બમ્સ ની આડમાં શારીરિક છેડછાડ કરી લેવામાં આવે છે !! મૌલિકે રૂમનું બારણું ખોલ્યું જ નહીં !! બધા ફ્રેંન્ડ્ઝ વારાફરતી , ખખડાવી ને થાક્યા !!

સવારે, જ્યારે કોલેજ જવાનો સમય થયો અને બધા જતાં રહ્યાં એવી ખાતરી થયા પછી જ મૌલિક, ધીમેકથી રૂમમાંથી બહાર નીકળ્યો અને ચુપકીથી કોલેજ જવા, હોસ્ટેલના મેઈન ગેટ સુધી પહોંચ્યો.. અને અચાનક જ એના ફ્રેન્ડઝ આવી પહોંચ્યા .. “”એ… હાલો.. નીકળ્યો.. મૌલિકયો..!! બર્થડે બમ્સ… હાલો..!!” અવાજ કાને અથડાતાં જ મૌલિક વગર વિચાર્યે ભાગ્યો.. ગેટની બહાર, પાછળ પડેલા મિત્રોથી બચવા !! અને રોડ પર ઓચિંતા જ એક ટ્રક નીકળીને દોડેલા.. મૌલિક પર..કાળનો પંજો ફરી વળ્યો…!!!

એક ચીસ…!!! લોહીનું ખાબોચિયું .. !! ક્ષણ માત્રનો તરફ્ડાટ..!! અને… એક કારમી શાંતિ ….!!! બધા જ મિત્રો , પત્થરસમાં બની ગયાં , ન રડી શક્યા ન કશું જ બોલી શક્યા !!! ફક્ત ને ફક્ત… અફસોસ !! પારાવાર અફસોસ !! આત્મગ્લાની થી સૌ કોઈ ખિન્ન થયા !!

પણ, શું કરવું ?? બાજી બગડી ગઈ એક ધબકતી જિંદગી નિશ્ચેતન થઈ…!! આખી હોસ્ટેલ, કોલેજ અને શહેરનું યુવા જગત સ્તબ્ધ !! તે દિવસ અને આજની ઘડી, મૌલિકના દરેક મિત્ર, મૌલિકનો જન્મદિવસ, પુણ્યતિથિ અને સૌ પોતપોતાનો જન્મદિવસ, ” બર્થડે બમ્સ” નામના દુષણ ને દૂર હટાવી,અને કેક કાપી ઉજવણી કરવાને બદલે…,

રક્તદાન શિબિર યોજે છે. અનાથાલયના બાળકોને પોતાને હાથે મીઠાઈ ખવડાવે છે. વૃદ્ધાશ્રમમાં, વૃદ્ધોને જમાડવા જાય છે !!” દેવાંશ સરે, પોતાની આંખો લૂછીને, કોલેજના વિદ્યાર્થીઓને કહ્યું, ” દોસ્તો, મૌલિકના ફ્રેન્ડઝ પોતાની શ્રદ્ધાંજલિ સારામાંસારી રીતે આપવાની કોશીષ કરે જ છે !! પણ, ગાયઝ !! એક જીવનદીપ બુઝાયા પછી !!

શા માટે કોઈ સારા કામની શરૂઆત કરવા માટે આપણે બિગ લોસ ની રાહ જોઈએ ?? ગમે એવડું ઉત્તમ કાર્ય પણ, ગયેલાને પાછા લાવી શકતું નથી.. માત્ર તેની યાદ જ લાવે છે અને સાથે અફસોસ અને આંસુ !! હવે કોઈ માઇ નો લાલ છીનવાઈ ન જાય તે માટે આપણે સૌ , જાગરૂકતા લાવીને, આપણી મોજમસ્તી, સલામત,નિર્દોષ રીતે કરીએ !! બધાના જીવનમાં ખુશીયા ભરીએ !!”‘

લેખક : દક્ષા રમેશ ” લાગણી”

વાતને સમજો અને બીજા મિત્રોને પણ સજાગ કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ