સાતમ આઠમના એ પહેલાના દિવસોની તો વાત જ અલગ હતી… લાગણીસભર વાર્તા…

મજા, ક્યાં ગઈ ?

એંસી વર્ષના શાંતાબા જોઈ રહ્યા… પરિવર્તનનો પવન ! જ્યારે જ્યારે જન્માષ્ટમી આવવાની હોય ત્યારે.. કેવી મજા આવતી ? નાનકડી શાંતુડી, પતંગિયાની જેમ ઊડાઊડ કરતી, પોમચું પહેરેલી, (ઘાઘરો, પોલકું અને માથે ઓઢણી, મતલબ સમજોને દેશી ચણિયાચોળી)

એક ઘરેથી બીજે ઘરે, પૂરી, થેપલા વણાવવા જતી, પાંચ દિવસના તહેવાર માટે, એક અઠવાડિયા પહેલા તૈયારી, બધા એકબીજાને મદદ કરતાં, મન પડે ત્યાં જમી લેતાં. બિન્દાસ્ત બાળપણ. કોઈ પ્રસિદ્ધ મન્દિર પાસે મેળો ભરાતો. શોખ કે રમકડાના ખરીદ વેંચાણને બદલે એ મેળામાં જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચાતી અને ખરીદાતી. હા, ફજર ફાળકા. ચકરડીની મોજ અને મેળાની મોજમાં મીઠાઈની મહેફિલ ! મજા જ મજા !

આઠમ પછી, મોટી બેનું દીકરીયુંની વિદાય થતી અને જન્માષ્ટમીની મજા, બધી અલોપ થઈ જતી. અને હજુ તો બેઠો હોય કે ના બેઠો હોય, પણ ઘરનું વાતાવરણ, ભાદરવાના તડકા જેવું આકરું લાગતું ! જરાય ન ગમે એવું ! શાંતુડીમાંથી નવવધૂ શાંતા બની, થોડો ફેરફાર આવ્યો. એ પરિવર્તન વધતું ગયું. શાંતા ભાભી, શાંતા કાકી, ધીમે ધીમે બદલાવ આવતો ગયો. આવતો જ ગયો અને હવે ?

શાંતા બા બન્યા..! હવે તો બધું જ.. બદલી ગયું ! જન્માષ્ટમીની મીઠાઈ સંતાડવાને બદલે, છોકરાઓને ધરારથી ખવડાવવું પડે છે ! છતાં ય, ઘરનું, સ્વાદિષ્ટ ખાવાનું છોડી, હોટલોમાં, લાઈનમાં ઊભા રહીને જંકફૂડ ખાઈ ને પેટ બગાડતી આ જનરેશન ! ઘરે ઘરે, તાવડાં મંડાતા એને બદલે, કંદોઈ ને ત્યાંથી ડાયરેક્ટ, રેડિમેટ પેકેટ્સ.. છતાં ય, શાક રોટલી ને દાળભાત ની ઈચ્છાઓ..!!

ભાયું, કુટુંબને બેનું દીકરીયું ને ભાણેજોનો મેળાવડો ભરાતો એને બદલે, દોસ્તારું ને ગૃપ… અમારા ગૃપ ના, ‘હું તું ને રતનીયા’ની જેમ, હુતોહુતિ ને બે ટાબરીયા ! એ ય ટીનીયા ( ટીનેજર્સ ) ખભા ઉલાળતાં, ન્નનો ભણે,મોમ ડેડને કહી દે છે, ” અમારેનથી આવવું, તમારી સાથે.”

જન્માષ્ટમી પછી, પંદર દિવસ, પિપૂડાને ગાડીને ફુલખયડીના અવાજ અને લાકડાના ખટારાને પતરાની ગાડીના ચી ચીને કચૂડ ખચૂડ કરતાં અવાજે, આખા ગામમાં, નાનકડા, કનું મનું, જન્માષ્ટમી હમણાં જ પસાર થઈની સાબિતી આપતાં. થોડો સમય, ચાવીવાળાં રમકડાં ય રાજ કરી ગયા ! હા, પછી તો, રિમોટવાળા ય રમકડાં આવ્યાં અને આવે પણ છે. પણ,

જન્માષ્ટમીની, યાદી ક્યાં અલોપ થઈ ગઈ ? ખરીદી કરી કરીને, એ રિમોટવાળા રમકડાં, રમવા માટે, એમને કોઈ રમાડવાવાળા હાથ માટે તરસે છે ! કારણ કે, એ હાથમાં મોબાઈલ આવી ગયા છે અને ઓનલાઈન ગેમ રમતા પગ, જે એક મિનિટ બેસતાં નહોતાં, એને જાણે, લકવો મારી ગયો ! શાંતા બા.. વિચારી રહ્યાં, બેનું, દીકરીયુંની આવન જાવન, ઓછી થતાં થતાં બંધ થતી જાય છે ! જાણે કે, એમને આવવું નથી ને અહીં કોઈને એમની રાહ પણ નથી !

શાંતા મા, ફંફોસી રહ્યાં… ક્યાં પહેલાનું અછત અને હાડમારી ભર્યું જીવન, છતાં ય મોજ મજાથી ભર્યું ભર્યું બસ ! અને અત્યારનું એકદમ, સુલભ સાધનો અને સગવડથી બધી જ અછત દૂર કરનાર આધુનિક જીવન ! પણ, એમાં ક્યાં ખોવાઈ ગઈ મીઠાઈ ખાવાની મજા ? મહેમાનગતિ માણવાની મજા ? મામાના ઘરે જાવાની મજા ? મેળાની મજા ? ચકડોળની મજા ?

રમકડાં ફુગ્ગા, પાણીવાળા રબર બાંધેલા આંખે રસ્તે ઉલાડતા આવતા, ફુગ્ગાની મજા ? પિપૂડાની મજા ? બેનને તેડવા આવતા જીજાજીની ઠેકડી કરવાની મજા ? શાંતા મા યે ઘણાં ય ખાંખાખોરા કર્યા… કાળના પેટાળમાં… પરિવર્તનના પવને એ બધી મોજમજા ક્યાં ફંગોળાઈ ગઈ ? ક્યાં ગઈ એ મોજ ?? ક્યાં ગઈ મજા ? તમને મળે તો શાંતા માને કહેજો !

લેખક : દક્ષા રમેશ “લાગણી”

લાગણીસભર વાર્તા, ખરેખર એ દિવસોની મજા તો જેણે એવું જીવન જીવ્યું હશે એ જ સારી રીતે સમજી શકે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ