એક સસરાએ પોતાની પત્નીને સમજાવ્યું સાચું જીવન જીવતા, દક્ષા રમેશની લાગણીસભર વાર્તા…

સુમિત્રા બેન અને વસંત ભાઈ , પોતાના બંગલાના બગીચામાં ગાર્ડનિંગ કરાવતા હતાં અને માળી ને જરૂરી સૂચન કરતાં હતાં. માળી , એક રોપ ઉખાડીને સુમિત્રા બેનના બેડરૂમની બારી પાસે લગાવતો હતો. કેમ કે એના ફૂલોની સુગંધ એકદમ મનમોહક હતી. ત્યારે એ છોડને એની જગ્યાએથી થોડી માટી સાથે જ લઈને , ” પોતાની માટી સાથે બીજી જગ્યાએ આ રોપ જલ્દીથી ઊગી જશે, પણ એ માટે, એને એ નવી જગ્યાએ ઉગવા માટે આપણે થોડો સમય આપવો પડે. થોડી ધીરજ રાખવી પડે.!”. એવું સમજાવતો હતો.

સુમિત્રા બેન અને વસંતભાઈ સાંભળી રહ્યા.. અચાનક, વસંતભાઈ બોલ્યા, ” આ રોપડો વાવી દે, ભાઈ!! પછી પેલું એક ઝાડ પણ ત્યાંથી કાઢી ને અહીં રોપી દે જે !!”

માળી તો અચરજ ભરી નજરે જોઈ રહ્યો !! એ કાઈ બોલે એ પહેલાં જ સુમિત્રાબેન ખડખડાટ હસવા લાગ્યા .. અને બોલી ઉઠ્યા, ” કેવી વાત કરો છો ?? રાજનના પપ્પા !! એક છોડ ને પણ અહીં થી ત્યાં વાવવા માટે , ઉખાડવાનું મન ન થાય !! જ્યારે એ વૃક્ષ, જેની તમે વાત કરો છો એ તો લગભગ અઢાર કે વીસ વર્ષ પહેલાં આપણે વાવ્યું હતું. એને મૂળિયાં સમેત ઉખેડી ને, એને બીજે રોપવું ?? એ કાઈ સહેલું છે ?? શું તમારે એને મારી નાખવું છે ??

નાનો છોડવો હોય તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ સોંપવો , એની માવજત કરી ઉછેરવો એ રમત નથી એને માટે સતત એની પાછળ કાળજી કરવી પડે !! આ તો પંદર સોળ વર્ષનું ઝાડ છે ?? એને એની જગ્યાએથી હટાવી એનું અસ્તિત્વ જોખમ માં મૂકી ન શકાય !! એનું મૂળ સ્થાન છોડાવી ને નવી જગ્યાએ એ કદાચ જીવી પણ ન શકે !! તમે ક્યારેય આ વિચાર્યું ??”

વસન્તભાઈ, સુમિત્રબેનનો હાથ પકડી ,એમની પ્રિય જગ્યાએ, બગીચાના એક ખૂણે રહેલા, ઝૂલે લઈ આવ્યા. તેમને પ્રેમથી બેસાડીને, એમની આંખમાં આંખ માંડી કહ્યું, ” સુમી, આ છોડવા, આ ઝાડવાં, એમની મૂળ જગ્યાની માયા આમ સરળતાથી છોડી નવી જગ્યાને એકદમ નથી સ્વીકારતાં.. એ જ વાત તું આપણાં રાજનની પત્ની માટે ન વિચારી શકે ??? એમને માટે કોઈ નિર્ણય કરતાં પહેલાં એ નવી વહુને સમય ન આપવો જોઈએ ?? અને આ એક રોપ ને એની માટી સહિત નવી જમીન એને સ્વીકારે છે.

એ જમીન, ધરતી માં બનીને એના દિલમાં એ છોડને એની માટી સહિત રોપવા, મૂળિયાં મુકવા, ઉદાર દિલે પોતાનું હૈયું આપે છે. ત્યારે એ, છોડ, જરા મુરઝાઈ ને પછી .. પોતીકું લાગતાં, એનુ અસ્તિત્વ આ નવી જગ્યાએ ટકાવવાની પૂરેપૂરી કોશિષ કરે છે અને.. લહેરાવા લાગે છે !!

આ રોપડા માટે જો બેજાન ધરતી ઉદાર બનતી હોય તો આપણે પણ, નવી વહુ ને એના વિચાર અને એની રહેણી કહેણી સાથે સ્વીકાર કરી ધીરજ ન રાખી શકીએ ?? એના અસ્તિત્વ ને એના સ્વભાવ સાથે જ સ્વીકારી લઈએ, ચાલ સુમિત્રા !! આ બાગની સાથે આપણે આપણો સંસાર બાગ પણ, સાથે મળીને ખિલાવીને મહેકાવીએ !!”

સુમિત્રબેન બધું સમજી ગયા અને આ બાગ કરતાંય મહત્વ નો જે જીવનબાગને, ધીરજ ધરી સફળ બનાવવા કટિબદ્ધ થયા !! અને.. માળી એ રોપેલ રોપડો બહાર અને અંદર બંગલામાં રાજનની પત્ની રિયા , બન્ને.. મોહરી ઉઠ્યા અને બગીચો એમની મહેકથી મઘમઘી ઉઠ્યો.

લેખક : દક્ષા રમેશ “લાગણી”

વાહ શું સંબંધોના સરવાળા થયા છે અદ્ભુત… વખાણ માટે શબ્દો જ નથી મળતા..

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ