મા કે ટ્રેઇનર ?? – દિકરીઓને હંમેશા રોક ટોક અને સલાહો આપતી એક માતાની લાગણીસભર વાર્તા…

“માં કે ટ્રેઇનર ??”

” એય, ચાલ ઊભી થા તો !! દીકરીએ આમ મોડે સુધી TV ના જોવાય !! પછી મોડે સુધી સૂતી રહે છે, એ ન ચાલે !! અને કાલે તને કહ્યું હતું કે હવે એ ટીશર્ટ ન પહેરતી !! પપ્પા ને નથી ગમતું ! તું હવે, ધીમે ધીમે બોલતી જાજે આમ, છોકરાઓ ની જેમ રાડો પાડી ને ન બોલાય !!”


કૈલી રીતસર ની કરગરવા લાગી.. મમ્મા, પ્લીઝ, કલમ ને સુવા દે છે !! મને ય સૂવું હોય!! . રોજ તો કલાસીસ માં જવું હોય તો ઉઠી જ જાવ છું. સન્ડે હોય તો પણ, તું કોઈ ને કોઈ નવું નવું ઘરનું કામ કરાવ્યા કરે છે !! ભૈલું ને તો કઈ નથી કહેતી !! પ્લીઝ, મમ્મા, …”” નિલીમા ધરારથી કૈલીને બેઠી કરતી હતી અને એની જેઠાણીએ જોયું તો … નિલીમા કૈલી પર હાથ ઉગામવા જતી હતી એણે નિલીમાને રોકી દીધી.

કૈલીના રૂમમાંથી હાથ પકડીને બહાર લાવતાં એના જેઠાણી બોલ્યા, “તું બેસ અહીં શાંતિ થી ને દીકરીને પણ રહેવા દે .. શાંતિ થી !!” નિલીમા રડમસ સુરે બોલી, ” જુઓ ભાભી, આપણે રહ્યા સ્ત્રી નો અવતાર !! કાલે ઉઠી ને સાસરે જશે તો લોકો કહેશે કે માં એ કાઈ શીખવાડ્યું જ નથી !! મને મારા મમ્મી પપ્પા એ લાડથી મોટી કરી હતી પછી અહીં આવીને મને કેટલું અઘરું પડતું હતું !!”

નિલીમાના જેઠાણીએ એને કહ્યું, ” હું એ જ વાત તને સમજાવવા માંગુ છું. હું જ્યારે જ્યારે તને જોતી ત્યારે મને વિચાર આવતો કે તું કેવી નસીબદાર તને કેવા પ્રેમાળ માબાપ મળ્યા !! તું કમ સે કમ એક ઉંમર તો જિંદાદિલી થી જીવી તે જિંદગીને એટલી તો માણી !! નિલીમા, સાસરે આવ્યા પછી તો રોજિંદી ઘટમાળ માં આપણે વીંટાવવા નું જ છે અને એ આપણું કામ અને ફરજ છે . જે આપણે સ્ત્રીઓ હસતાં હસતાં સારી રીતે પાર પાડીએ છીએ. જે તું પણ, સારી રીતે નિભાવે જ છે. પણ, હું તને અને તારા બાળપણની બિન્દાસ્ત વાતો સાંભળતી ત્યારે મને મારી માં અને મારું બાળપણ યાદ આવતું…… આખો દિવસ, સાસરે આમ નહિ ચાલે, ને તેમ નહિ ચાલે !! સહેલું નથી કાંઈ !! એમ કરી કરી ને, લોકો શુ કહેશે ?? એવા ડરથી ન તો રમવા દેતી કે ન તો મન પડે એમ કરવા દેતી !!


મોટે થી ન બોલ ! આમ ન બેસ !! આવું ન પહેરાય !! આવું તો ન જાણે કેટલુંય !! નિલીમા તું જ્યારે કોઈપણ બાબતમાં ફટાક કરતો તારો નિર્ણય જાહેર કરે છે !! તારા કામકાજ માં તારો આત્મવિશ્વાસ ચમકે છે !! ત્યારે તરત જ બધે તારા વખાણ થાય છે અને સહજતાથી તારા જેઠ પણ બોલે છે, ” તું ક્યારેય નિલીમા જેવી સ્માર્ટ ન બની શકી !!”

પણ, નિલીમા , મારા પતિને કે આ સમાજને, હવે મારે શું સમજાવવું કે અમારા ઘરમાં પહેલેથી જ માબાપ કહે એ જ અને એટલું જ કરવાનું શીખવવામાં આવ્યું હતું !! પછી, સ્માર્ટનેસ ક્યાં લેવા જવી ?? દીકરી અને દીકરા ને ઉછેરમાં જ ભેદ ભાવ રાખીએ છીએ. દીકરીઓને બાળપણથી જ પોતાની રીતે , કઈ કશું ન કરવા દઈને અમારી તો આખી પેઢી આમ જ ગઈ પણ, તું અને હવે આપણી હવેની દીકરીઓ શા માટે એ જુલમ સહન કરશે ?? જ્યાં, સ્ત્રી એ ફક્ત પિતા, પતિ કે પુત્ર કહે એમ જ અને એટલું જ કરવું ??


સ્ત્રી એક સ્વતંત્ર વ્યક્તિ છે !! એ આપણે મમ્મીઓ નહિ સ્વીકારીએ તો … આ જમાનો શુ ખાક સ્વીકારશે ?? આપણે માં થઈ ને દીકરી ને ન સમજીએ તો પછી બીજા તો ક્યાંથી સમજી શકવાના ??? આપણે માં છીએ , દીકરીઓને શિક્ષણ અને સંસ્કાર આપવામાં પાછી પાની ન કરાય પણ, આપણે કોઈ સર્ક્સના ટ્રેઇનર નથી જે સિંહ ને પણ કૂતરા જેવા બનાવી દે !!


અને જે શીખવશું એ બન્ને ને શીખવશું, દીકરી ને અને દીકરા ને પણ !!! દીકરી ને સારી પત્ની બનવાનું છે તો દીકરા એ પણ સારા પતિ બનવાનું જ છે , એ કેમ ભુલાય ?? નિલીમા, ઉછરવા દે દીકરી ને.. જો દીકરી તુલસી ક્યારો છે ! તો એની માવજત કર રૂંધી ન નાખ એને !! ” નિલીમા ને બધું જ સમજાઈ ગયું. આપણને પણ !.. સાચું ને !!!

લેખક : દક્ષા રમેશ “લાગણી”

દરેક માતા પિતાએ સમજવા જેવી છે આ નાનકડી વાત.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ