બાળકોને બ્રેડ સેન્ડવિચની જગ્યાએ આ હેલ્ધી સેન્ડવીચ બનાવી આપજો, ડબ્બામાં પણ લઇ જઈ શકશે…

જે લોકો બ્રેડ નથી ખાતા કે ઓછી ભાવતી હોય એ લોકો માટે કંઈક નવું, ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી રોટી સેન્ડવીચ ની રેસિપી લઇ ને આવી છું..બાળકો માટે સ્કૂલ થી આવ્યા પછી આપવા માટેનો બેસ્ટ નાસ્તો કહી શકાય.. બાળકો ને રોટી અને શાક આપવા કરતા આ સેન્ડવીચ બનાવી ને આપી શકો…ચોક્કસ થી બાળકો માટે બનાવો અને એમને ખુશ કરી દો.

સેન્ડવીચ ખૂબ જ ઝડપ થી બની જતો સ્નેક્સ છે અને લગભગ બધાનો પ્રિય પણ હોય છે. તમે લંચ માં બનાવી હોય એ રોટી પણ વાપરી શકો છો.. ઘણા લોકો ધાર્મિક કારણો થી કે હેલ્થ ના પ્રોબ્લેમ ના લીધે બ્રેડ નથી ખાતા તો આવા લોકો માટે સ્પેશ્યલ છે આ ડિશ.. અને તમે પણ આ સેન્ડવીચ ખાશો તો બ્રેડ ને ભૂલી જશો એની ખાતરી આપું છું..

રોટી સેન્ડવીચ માટેની સામગ્રી :-

રોટી બનાવા માટે

2 કપ ઘઉં નો લોટ

1 ચમચી તેલ

મીઠું સ્વાદાનુસાર

પાણી કણક બાંધવા માટે

રીત:-

ઘઉં ના લોટ માં તેલ અને મીઠું ઉમેરી ને બરાબર મિક્સ કરી લો. હવે જોઈતા પ્રમાણ માં પાણી ઉમેરી ને મધ્યમ સોફ્ટ કણક બાંધો. 10-15 મિનિટ નો રેસ્ટ આપો. અને ગુલ્લા કરી ને રોટી વણી લો. ( અતિશય પાતળી રોટી ના બનાવો.. અને રોટી કરતા થોડી મોટી વણો જેથી સેન્ડવીચમાં વધુ સારી રીતે સ્ટફિંગ કરી શકો. હવે રોટી ને તવા પર બંને બાજુ શેકી લો. બધી રોટી બનાવી ને સાઈડ પર રાખી દો.

સેન્ડવીચનું સ્ટફિંગ કરવા માટેની સામગ્રી:-

2 બાફેલા બટેટા

1 ઝીણી ડુંગળી સમારેલી

1/2 કપ ફણગાવેલા મગ ( તમારી પાસે મગ ના હોય તો છીણેલું ગાજર અને બાફેલા વટાણા ઉમેરી ને પણ આ બનાવી શકાય)
મીઠું સ્વાદઅનુસાર

1/2 ચમચી લાલ મરચું

1/2 ચમચી ધાણા જીરુ

ચપટી હિંગ

મરી નો ભુકો સ્વાદાનુસાર

રીત:-

ઉપર ની બધી સામગ્રી ને એક બાઉલ માં લો. હવે બરાબર હાથેથી બટેટા મસળી ને બધું બરાબર મિક્સ કરી ને સ્ટફિંગ તૈયાર કરો…

સેન્ડવીચ બનાવવા માટે ની સામગ્રી:-

કોબી ના કૂણાં હોય એવા પત્તા

બટર

ચાટ મસાલો

ટામેટાં ની સ્લાઈસ કાપેલી

ડુંગળી ની સ્લાઈસ કાપેલી

રીત:-

એક રોટી લો. તેના પર બટર લગાવો ( તમે ઘી નો ઉપયોગ પણ કરી શકો વધુ હેલ્ધી બનાવવા માટે) હવે આખી રોટી પર કોબીના પત્તા ગોઠવો.
બટર લગાવી ને કોબી ના પત્તા મુકી ને તેના પર સ્ટફિંગ મુકવાથી રોટી ભીની નહીં થાય અને ક્રન્ચી જ રહેશે.. હવે કોબીના પત્તા પર ચાટ મસાલો સ્પ્રિંકલ કરો. ત્યારબાદ ઉપર બનવેલું બટેટા અને ફણગાવેલા મગ નું થોડું સ્ટફિંગ અડધી રોટી માં મુકો .( ફોટો માં દેખાડ્યા મુજબ) હવે ઉપર ટામેટા અને ડુંગળી ની સ્લાઈસ મૂકી ને ફરી થી ચાટ મસાલો સ્પ્રિંકલ કરો. હવે અડધી રોટી ને ફોલ્ડ કરો અને ઉપર બટર લગાવી ને ગ્રીલ્ડ કરો અથવા નોનસ્ટિક તવા પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.હવે વચ્ચે થી 2 ભાગ કરી ને કોથમીર ની ચટણી , સોસ અને બાળકો ના મનગમતા સ્નેક્સ સાથે સર્વ કરો . મેં નાચોસ અને મકાઈ પોહાના ચેવડા સાથે સર્વ કરી છે.

નોંધ:-

રોટી અતિશય પાતળી હશે તો સેન્ડવીચ બનાવામાં તૂટી જશે.

રોટી માં કોબી ના પત્તા મુકવાથી એકદમ ક્રિસ્પી જ રહેશે.

તમે તમારું મન ગમતું સ્ટફિંગ પણ બનાવી શકો બસ એ પાણી પોચુ ના હોવું જોઈએ .

અંદર ચટણી લગાવવી હોય તો કોબી ના પણ પર લગાવો.

ફણગાવેલા મગ માં બહોળા પ્રમાણ માં પ્રોટીન હોય છે એટલે બાળકો માટે શ્રેષ્ઠ છે .

રોટી સેન્ડવીચ ખરેખર ખૂબ જ ટેસ્ટી કહી શકાય એવુ ફ્યુઝન ફૂડ છે…

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)