દાણાદાર ઘી – ઘી બનાવો ત્યારે કીટું (ઘી બનાવતા વધતો કચરો) વધારે નીકળે છે અને ઘી ઓછું તો હવે આ રીતે બનાવજો..

પ્રાચીનકાળથી આપણા શાસ્ત્રો અને આયુર્વેદ માં ઘી નો પ્રમાણસર ઉપયોગ આપણા શરીર માટે સોનું ગણવામાં આવે છે.

ઘી આપણા શરીર માટે ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. ઘી પાચન માં મદદ કરે છે. ઘી માં રહેલા પોષકતત્વો ઘણા કેન્સર સામે રક્ષણ આપે છે અને હાડકા ને મજબૂતી આપે છે. આપણી સ્કિન અને વાળ પણ સારા રાખે છે. સાયન્સ ની નવી થિયરી મુજબ વજન ઘટાડવા માટે માપસર ઘી બહુ જ ફાયદાકારક બની રહે છે. ગાય નું ઘી ઉત્તમ ગણાય છે.

બટર કરતા ઘી બધી જ રીતે વધુ સારું હોય છે. રોજીંદા વપરાશ માં ચોક્કસ થી ઘી નો ઉપયોગ કરો.

મોટાભાગના લોકો ઘી ઘરે જ બનાવતા હોય છે. પરંતુ આજે પણ ઘણા બધાં ના ઘર માં બહાર થી ઘી લાવવામાં આવે છે. ઘી બનાવવું ખૂબ જ સરળ છે અને જો નાની નાની બાબતો નું ધ્યાન રાખીએ તો દાણાદાર ચોખ્ખું ઘી ઘરે આસાની થી બનાવી શકાય છે.

ઘી બનાવતી વખતે કીટુ (લેફ્ટ ઓવર)વધુ બનવું, સ્મેલ આવવી, વગેરે પ્રોબ્લેમ આવતા હોય છે.

આજે ઘી બનાવાની સરળ રેસિપી લાવી છું. અમારા ઘરે આજસુધી ક્યારેય બહાર થી ઘી નથી લાવ્યા. તમે પણ ચોક્કસ થી ઘી હવે ઘરે જ બનાવો.

જો તમે વધુ સારી મલાઈ મેળવવા ઈચ્છતા હોય તો આજે લાવેલું ફુલ ફેટ વાળું દૂધ ઉકાળી ને ઠંડુ કરી ને ફ્રીઝ માં મૂકી દો. બીજા દિવસે એ દૂધ નો ઉપયોગ મલાઈ નિકાળી ને કરો. એવું કરવાથી મલાઈ પણ સારી બનશે અને બિનજરૂરી ફેટ દૂધ માંથી નીકળી જશે.

સૌ પ્રથમ ફુલ ફેટ વાળા દૂધ ની મલાઈ ભેગી કરવા માટે તમે રોજ દૂધ ઉપર જામી જતી મલાઈ ને એક બાઉલ માં નીકાળી લો અને ઢાંકી ને ફ્રીઝમાં મૂકી દો. 6-8 દિવસ મલાઈ ભેગી કરો.

રીત:-

સૌ પ્રથમ એક મોટા તપેલા માં 6-8 દિવસ ની ભેગી કરેલી મલાઈ નિકાળો અને તેમાં 1 ગ્લાસ જેટલી પાતળી છાશ નું મેળવણ ઉમેરી ને બરાબર મિક્ષ કરો. હવે આ મલાઈ ને ઢાંકી ને 4-5 કલાક માટે બહાર જ રેહવા દો. શિયાળા માં 10-12 કલાક રાખવું પડશે કેમકે જો મલાઈ માં બરાબર છાશ મિક્સ નહીં થઈ હોય તો અને મળ્યુ નહીં હોય તો ઘી વધુ નહીં બને અને કીટુ (લેફ્ટ ઓવર) વધુ નીકળશે.

(મલાઈ નો ઉપર નો ભાગ જામી ગયો હોય એવું લાગે એટલે એ માખણ બનાવવા માટે તૈયાર છે.)

હવે 4-5 કલાક પછી 2 ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરો અને તેમાં હેન્ડ બ્લેન્ડર 5-8 મિનીટ સુધી ફેરવો. તમને છાશ અને માખણ જુદું થતું દેખાશે . જ્યારે માખણ એકદમ સરસ ભેગું થતું લાગે અને છાશ અલગ દેખાય પછી હેન્ડ બ્લેન્ડર નીકાળી લો. ( વલોણી ની મદદ થી પણ કરી શકો છો. થોડી વધુ વાર લાગશે.)

જે કડાઈ માં ઘી કરવાનું હોય એમાં અડધું ભરાય એટલું પીવાનું પાણી ભરો . અને તૈયાર થયેલું માખણ હાથેથી નીકાળી ને આ પાણી માં નાખી દો. ત્યારબાદ માખણ ને પાણી માં બરાબર હાથેથી ઊંચા નીચું કરો જેથી માખણ માં રહેલી વધારા ની છાશ પાણી માં આવી જશે અને ઘી વધુ સારું બનશે.

હવે માખણ માંથી પાણી નિતારી લો. અને આ માખણ વાળી કડાઈ ને ગરમ કરવા મુકો. મધ્યમ થી તેજ આંચ પર ચમચા થી હલાવતા રહો.( ધીમા તાપે પણ ઘી થઈ શકે પણ વધુ ટાઈમ લાગશે) 10-12 મિનિટ માં ઘી તૈયાર થઈ જશે. ઘી પારદર્શક દેખાશે અને કીટુ નીચે અલગ થયેલું દેખાશે. ( ફોટો માં દેખાડ્યા મુજબ)

હવે થોડું ઠંડુ થાય પછી એક ચોખ્ખી સ્ટીલ ની બરણી માં ગરણી થઈ ઘી ને ગાળી લો. અને રુમ તાપમાને આવે પછી ઢાંકણ ઢાંકી ને ને બરણી ને કોઈ ઠંડી જગા એ મૂકી દો. આ ઘી 3-5 મહિના સુધી સ્ટોરે કરી શકાય છે.

ઘી તૈયાર છે.. રોટલી, રોટલા, પરાઠા ક પુલાવ વગેરે માં ઉપયોગ કરવા માટે..

મેં 500 ગ્રામ જેટલું ઘી બનાવ્યું છે અને કીટુ માત્ર 1 મોટી ચમચી જેટલું જ નીકળ્યું છે.

તમે બહુ વધુ માત્રામાં માં ઘી બનાવ્યું હોય તો બરણી માં નીચે કોરા કરેલા નાગરવેલનાં પાન મુકશો તો લાંબો સમય સુધી તાજું રહેશે અને સ્મેલ નહીં આવે.

નોંધ:-

દૂધ ની મલાઈ નિકાળી ને રોજ તરત જ બાઉલ ફ્રીઝ માં મુકો. બાઉલ બરાબર ઢાંકી ને મુકો જેથી મલાઈ માં સ્મેલ નહીં આવે.

મેળવણ માટે ઉમેરીએ એ છાશ બહુ ખાટી કે બહુ મોળી ના હોવી જોઈએ. કેમકે મલાઈમાં બરાબર મેળવણ નહીં હોય તો ઘી વધુ નહીં બને ..

માખણ નીકાળી ને રાખેલી છાશ કઢી, બેસન, થેપલા કે પછી હાંડવો બનાવામાં ઉપયોગ માં લઇ શકો છો.

માખણ ધોઈ ને રાખેલું પાણી ઈચ્છો તો છાશ માં ઉમેરો અથવા ફેંકી દો.

ઘી બનાવાની કડાઈ મોટી જ લેવી જેથી ઘી સરસ ઊકળે.

ઘી માં છાશ નો ભાગ ના રહે તેનું ધ્યાન રાખવું. જ્યારે ગેસ બંધ કરો ત્યારે ખાસ ઘી ચોખ્ખું દેખાતું હોવું જોઈએ. ગેસ બંધ કર્યા પછી પણ થોડું થશે એટલે કીટુ નો કલર બદલાઈ જાય પેહલા જ ગેસ બંધ કરી દો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.