ઘાટા, કાળા અને લાંબા વાળ કરવા આ હેર ઓઇલ છે બેસ્ટ – હવે ઘરે જ બનાવો Step By Step Method

આજકાલ મોટા ભાગે દરેક ઉંમરના લોકોને વાળને લગતી સમસ્યા થતી હોય છે. ભાગ્યે જ કોઈ એવું હોય જેને વાળ ખરવાની સમસ્યા નહીં હોય. અત્યારની ઝડપી જિંદગીમાં ઓછા ટાઈમમાં વાળની માવજત થઈ શકે તો બધા કરવા તૈયાર જ હોય. ટી.વી. પર આવતી અલગ અલગ વિજ્ઞાપનોમાં અનેક પ્રકારના વાળમાં નાખવના તેલ દેખાડવા માં આવે છે પરંતુ તે બધાને એકસરખો ફાયદો નથી કરતું.

આજે હું એક હેર ઓઇલની રીત લાવી છું.. તેનો રોજીંદો ઉપયોગ તમારા વાળને ચોક્કસથી બધા પ્રોબ્લેમ્સથી છુટકારો આપશે. ઘણા અલગ અલગ તેલ અને સામગ્રીનો ઉપયોગ કરીને મેં આ તેલ બનાવ્યું છે. વર્ષમાં એક વાર થોડો સમય નિકાળીને જો આ તેલ બનાવી લો અને પછી આખું વર્ષ વાળ ની ચિંતા નહીં કરવી પડે તેની હું ખાતરી આપું છું.

હવે આ હેર ઓઇલ ને મેં કેમ મેજીકલ નામ આપ્યું છે એ કહું.. આ હેર ઓઇલ નો રોજીંદો ઉપયોગ કરવાથી તમારા વાળ ના લગભગ બધા જ પ્રોબ્લેમ દૂર થઈ જશે અને તમને વાળ માં મેજીક થયું હોય એટલો ફરક ચોક્કસ થી દેખાશે. દરેક પ્રકાર ના વાળ માટે અને કોઈ પણ ઉંમર ની વ્યક્તિ આ તેલ વાપરી શકે છે.

મેજીકલ હેર ઓઇલના ફાયદાઓ

* વાળ ખરવાની સમસ્યા દૂર કરે છે.

* વાળ માં ખોડો થવો , બરછટ થવા, વાળ ના મૂળ માં ગરમી નિકળવી કે ખીલ થવા જેવી સમસ્યા થી પણ મુક્તિ આપે છે.

* વાળ અકાળે સફેદ થવા, ટાલ પડવી , ગ્રોથ ઓછો હોવો જેવા પ્રોબ્લેમ્સ પણ દૂર કરે છે.

* વાળ ને મજબૂત અને ઘટ્ટ બનાવે છે.

* વાળ ચમકીલા અને મુલાયમ બને છે.

* વાળ ને આકરા તાપ થી થતા નુકસાન ને પણ અટકાવે છે.

* વાળ નો ગ્રોથ વધારી ને ખરાબ થયેલા વાળ ને પણ રીપેર કરે છે.

* વાળ ને સંપૂર્ણ રીતે હેલ્ધી બનાવે છે.

આ તેલ માં વપરાતી દરેક સામગ્રી અલગ અલગ રીતે તમારા વાળ ને ફાયદાઓ કરાવે છે. અને બધી સામગ્રી ભેગી મળી ને તમારા વાળ માં મેજીક જ કરશે. તમને આ હેર ઓઇલ ની રીત ક્યાંય પણ જોવા નહીં મળે. કેમકે આ વર્ષો થી ઘરે બનાવતા હેર ઓઇલ માં ફેરફારો કરી ને એક પરફેક્ટ કહી શકાય એવું તેલ બનાવેલું છે. મેં આખા વર્ષ ના ઉપયોગ માટે બનાવ્યું છે એટલે વધુ માપ પ્રમાણ લઈ ને બનાવ્યું છે.

મેજીકલ હેર ઓઇલ માટેની સામગ્રી:-

1 લીટર શુદ્ધ કોપરેલ,

250 મિલી સફેદ કે કાળા તલ નું તેલ,

250 મિલી દીવેલ,

250 મિલી બદામ નું તેલ ( મેં ખૂબ જ સરસ તૈયાર સુગંધિત આલમન્ડ ઓઇલ લીધું છે. જે તમારા તેલ ને ફાયદા ની સાથે ખૂબ જ સરસ સુગંધ આપશે..),

250 મિલી વર્જિન ઓલિવ ઓઇલ

1 મીડિયમ દૂધી છીણેલી,

150-200 ગ્રામ સૂકા આમળાંનો પાવડર,

15- 20 લાલ કે ગુલાબી ગુલાબની પાંદડી,

1 મોટો કપ મીઠાં લીમડાંના પાન.

રીત:-

સૌ પ્રથમ એક મોટા તપેલામાં કોપરેલ, દીવેલ, અને તલનું તેલ મિક્સ કરો.

તેમાં છીણેલી દૂધી એડ કરો

પછી, પાવડર ઉમેરીને ધીમા તાપે એક ઉભરો આવે એટલું ગરમ કરો.

હવે આ તેલ ને ઢાંકી ને 1 દિવસ રહેવા દો એટલે દૂધી અને આમળાંનો રસ બધો તેલ માં મિક્સ થાય . બીજા દિવસે ફરી થી એક ઉભરો આવે એટલું ગરમ કરો અને પછી ગુલાબની પાંદડી ઉમેરો.

પછી મીઠા લીમડાના પાન ઉમેરી ને 1 મિનિટ જેટલું ગરમ કરો અને પછી ગેસ બંધ કરી દો.

હવે આ તેલ ને ઢાંકી ને વધુ એક દિવસ માટે રહેવા દો. ત્રીજા દિવસે ફરી થી મીઠાં લીમડા ના પાનનો કલર ના બદલાય ત્યાં સુધી ધીમા ગેસ પર ઉકાળો. હવે ગેસ બંધ કરી દો.

અને ઠંડુ પડે ત્યારે સુતરાઉ કપડાં ને ડબલ કરી ને બીજા વાસણ માં ગાળી લો.

બને તો પોટલી જેવું કરી ને બધું તેલ નીકળી જાય એવી રીતે બાંધી ને રાખો.

છેલ્લે જ્યારે બધું તેલ નીતરી જાય એટલે પોટલી ને બરાબર હાથે થઈ નીચોવી ફેંકી દો.

જ્યારે બધું તેલ નીકળી જાય એટલે બદામ નું તેલ અને ઓલિવ ઓઇલ આ તૈયાર તેલ માં મિક્સ કરી ને બોટલ માં ભરી દો. અને ઉપયોગ મુજબ નીકાળી ને વાપરો.

તેલ લગાવવાની રીત:-

એક નાનાં બાઉલ માં તેલ નીકાળી ને હુંફાળું ગરમ કરો અને નાનાં રૂ ના પૂમડાં ની મદદ થી વાળ ના મૂળ માં લગાવો. અને ત્યાર બાદ 10 મિનિટ જેટલું હાથે થી વાળ માં માલિશ કરો.. હવે 1 કલાક રાખી ને વાળ ને માઈલ્ડ શેમ્પૂ થી ધોઈ લો.

અઠવાડિયામાં 2-3 વાર આવી રીતે તેલ નાખવાથી ચોક્કસ થી તમારા વાળ ના બધા પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે. અને હા માથાનો દુખાવો પણ તરત દૂર કરી દે એવું આ તેલ છે.

ખાસ નોંધ:-

૧. જો તમારી પાસે એલોવીરા હોય તો દૂધી અને આમળાંના પાવડર જોડે જ કાપી ને તેલ માં ઉમેરી દો. તેનાથી પણ વાળ મજબૂત અને ચમકીલા બને છે. તમને બદામ નું તેલ ના ઉમેરવું હોય તો પણ ચાલે. ગુલાબની પાંદડી સૂકી પણ ઉપયોગમાં લઇ શકાય.

૨. આમળાં ની સીઝન માં લીલા આમળાંને કાપીને મિક્સરમાં ક્રશ કરીને પણ તમે આ તેલ માં ઉમેરી શકો છો. દૂધી અને ગુલાબની પાંદડી તમારા વાળ અને માથા ને ખુબ જ ઠંડક આપે છે.

૩. આ તેલ ને વધુ ઉકાળવાનું નથી કેમકે એવું કરવાથી તેલ બળી જાય છે. આ રીત માં જેમ 3 દિવસ સુધી ધીમે ધીમે ગરમ કરવાથી તમને તેલ નો પૂરો ફાયદો મળશે જ્યારે ઉપયોગ કરશો ત્યારે.

૪. તેલ ગાળ્યા પછી કદાચ તમને નીચે જરા પાણી નો ભાગ લાગે તો એને અલગ નીકાળી ને પહેલા વાપરી લો કે આમ જ બોટલ માં ભરી દો.. કેમકે એ પણ દૂધી નો રસ હશે જે વાળ માટે ખૂબ ફાયદાકારક હોય છે.

૫. તેલ નો રોજીંદો વપરાશ જ મેજીક લાવી શકે એટલે ચોક્ક્સ થી બનાવી લો આજે મેજીકલ હેર ઓઇલ અને આખું વર્ષ વાળ માટે નિશ્ચિંત બની જાવ..

મિત્રો, આપ સૌને જલ્પાબેન નું આ મેજિકલ હેઈર ઓઈલ પસંદ પડ્યું હોય તો કોમેન્ટ માં લખજો “બેસ્ટ” !!!!

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી