ગોળ નું શરબત – ઉનાળામાં શરીરને આપશે ઠંડક, આજે જ બનાવો અને પરિવાર સાથે આનંદ માણો…

ઘણા ને નામ સાંભળી ને એવું લાગતું હશે કે આ શરબત નો ટેસ્ટ કેવો આવતો હશે. પરંતુ એકવાર બનાવી ને પીશો એટલે ચોક્કસ થઈ વારંવાર પીવાનું મન થશે એની ખાતરી આપું છું.

જૈન લોકો માં ઉપવાસ ના બીજા દિવસે(પારણાં માં) બનાવવામાં આવતું આ ગોળ નું શરબત શરીર ને ખૂબ જ ઠંડક આપે આવે એવું અને શક્તિવર્ધક છે.

આ પીણું ખૂબ જુના સમય થી ગામડાઓ માં પણ પ્રચલિત છે.પેહલા ના સમય માં જ્યારે કોઈ કોલ્ડડ્રિન્કસ કે બીજા કોઈ પીણાં પ્રચલિત નહોતા ત્યારે ગામડાં માં બનતું આ શરબત છે. ત્યારે ફ્રીઝ પણ ન હતા તો માટલા ના ઠંડા પાણી માં બનતું આ શરબત.

ગોળ નો ઉપયોગ શરીરમાં ખૂબ જ ફાયદાકારક છે. ગોળ થી હિમોગ્લોબીન વધે છે. તે આપણા લોહી ને શુદ્ધ કરે છે અને આપણને ખૂબ જ હેલ્ધી રાખે છે. હાડકા ને મજબૂતી આપે છે અને શરીર ના દરેક ભાગ ને તંદુરસ્ત બનાવે છે. પાચન માં મદદ કરે છે. ગોળ ખીલ અને ફોડલી થી છુટકારો અપાવી ને સ્કિન ને તંદુરસ્ત રાખે છે. ગરમી માં ગોળ નું પાણી પીવાથી શરીર ને ખૂબ જ ઠંડક મળે છે. અને ગરમી થી બચી શકાય છે.

ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપ થી બની જાય તેવું આ શરબત ચોક્કસ થી બનાવો અને તાપ માં થી બાળકો ઘરે આવે ત્યારે પીવડાવો.

ગોળ ના શરબત ની સામગ્રી:-


1 વાડકી કેમિકલ વિનાનો દેશી ગોળ ઝીણો સમારેલો

3-4 ગ્લાસ પાણી

1 લીંબુ નો રસ

2-3 ટીપાં ઘી ( ના ઉમેરો તો પણ ચાલે પરંતુ ઘી નો ટેસ્ટ બહુ જ સરસ આવે છે)

બરફ સર્વ કરવા માટે

ગોળ અને પાણી નું પ્રમાણ તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું કરી શકો છો.

રીત:-


સૌ પ્રથમ એક તપેલા માં પાણી લો અને ગોળ ને ઝીણો સમારી ને પાણી માં ઉમેરો અને હલાવતા રહો જ્યાં સુધી ઓગળી ના જાય. બરાબર ઓગળી જાય એટલે બીજા તપેલા માં ગરણી મુકો અને પાણી ને 2-3 વાર ગાળી લો. જેથી ગોળ માં કોઈ કચરો હોય તો નીકળી જાય. હવે ગાળેલા ગોળ ના પાણી ને 20-30 વાર માટે એક વાસણ માંથી બીજા વાસણ માં ઉપર નીચે કરી ને મિક્સ કરો. આ સ્ટેપ ખૂબ જ મહત્વ નું છે એવુ કરવાથી ગોળ ના શરબત નો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ગોળ પાણી માં સરસ મિક્સ થઈ જાય . મિક્સ કર્યા વિના પીવાથી એ શરબત જેવુ નહીં લાગે.


હવે લીંબુ અને ઘી ઉમેરી ને ઠંડુ કરી ને સર્વ કરો અથવા બરફ વાળા ગ્લાસ માં નાખી ને સર્વ કરો.

આ શરબત અગાઉ થઈ બનાવી ને ફ્રીઝ માં મૂકી દો તો પણ ચાલે . ઠંડુ ગોળ નું પાણી પીવાથી તમને પેટ માં ખૂબ જ ઠંડક લાગશે અને તાજગી અનુભવશો..

નોંધ-

ગોળ હંમેશા કેમિકલ વિના નો દેશી ગોળ જ ઉપયોગ માં લો. સફેદ દેખાતા ગોળ માં સોડા ઉમેરેલો હોય છે જે સ્વાસ્થ્ય ને ખૂબ જ નુકસાન કરે છે.

તમે ઈચ્છો તો આદુ અને ફુદીનો ક્રશ કરી ને પણ ઉમેરી શકાય.

અગાઉ થી ગોળ ને પાણી માં પલાળી ને 10-15 મિનિટ મૂકી રાખો તો જાતે જ ઓગળી જશે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ